
સુમન શાહ
માણસે પોતાની ઓળખ શી આપવી એ આજે એક કોયડો છે. કોઈ મને પૂછે, તો એટલું કહું કે હું સુમન શાહ નામથી ઓળખાતો મનુષ્યજીવ છું. કેમ કે હું મને હિન્દુ ન કહું કે સનાતની હિન્દુ ન કહું કે આસ્તિક ન કહું અથવા હું મને ધર્મનિરપેક્ષ કે ન-આસ્તિક કહું, તો એ વ્યક્તિને સમજાતું જ નથી કે હું કોણ છું.
મને અનેકવાર અનેકોએ ‘પશ્ચિમ’-વાળો ગણ્યો છે, કેટલાક હજી ય ગણે છે. બાકી હું અમેરિકા કે યુરપના મારા ઘરમાં પણ દાળભાતશાકરોટલી કે હાંડવો કે ભજિયાં કે શિરો કે ભેળપૂરી જ ખાતો હોઉં છું. હું પહેલેથી પશ્ચિમના કે વિશ્વના સાહિત્ય વિશે, અરે, પૂર્વીય ગણી શકાય એ સંસ્કૃત સાહિત્ય વિશે પણ, ગુજરાતીમાં જ લખતો રહ્યો છું, એની વાતો પણ ગુજરાતી સાહિત્યના વિકાસ માટે જ કરતો આવ્યો છું. ઉપરાન્ત, હું ભણ્યો છું ગુજરાતીમાં, મેં ભણાવ્યું છે ગુજરાતીમાં, મારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, મારા મિત્રો, FB મિત્રો, મારા વાચકો, ચાહકો, સૌ ગુજરાતી છે, અરે, મારાં તમામ પુસ્તકો પણ ગુજરાતીમાં છે.
આ બધી હકીકતો છે, તેમછતાં, જેમને મારી ખરી ઓળખ ન પડતી હોય, તો એ બિરાદરોને એટલું જ કહું કે મને અનેક જીવનતત્ત્વો અને સાહિત્યકલાતત્ત્વોથી સંમિશ્ર માણસ ગણશો તો ચાલશે.
મને લાગે છે, હરારી સત્ય-આધારિત સુગ્રથિત સમાજની અપેક્ષા સેવી રહ્યા છે, જેને તેઓ ‘ઑર્ડર’ કહે છે. મારા મન્તવ્ય અનુસાર, આજે એ ઑર્ડર ખોરવાઇ રહ્યો છે; એ હદે કે સમાજમાં વ્યક્તિ એના સાચા રૂપમાં ભાગ્યે જ રજૂ થાય છે. તેથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સેતુઓ આપણી જાણ બહાર તૂટી રહ્યા છે.
હરારીનું મન્તવ્ય છે કે પેઢી દર પેઢી દૈવ-નિર્મિત નહીં પણ માનવ-સરજિત નેટવર્ક્સ ઉત્તરોત્તર શક્તિશાળી બન્યાં ખરાં — માણસને હરારી પૃથ્વી પરનું સૌથી શક્તિમાન પ્રાણી કહે છે — પરન્તુ એ નેટવર્ક્સ ઉત્તરોત્તર ડાહ્યાં નથી બન્યાં. જણાવે છે કે ગૂગલ અને ફેસબુક જેવાં કૉર્પોરેશન્સ એમનાં મિશન સ્ટેટમૅન્ટ્સમાં, એટલે કે, મૂળ ઉદ્દેશ્ય વ્યક્ત કરતાં વિધાનોમાં, ટૅક્નોલૉજિમાં ઝડપ અને તેના પ્રભાવ વિશે ભારપૂર્વક ક્હૅતાં હોય છે. એ ખરું, પરન્તુ હરારી સવાલ કરે છે કે એથી ઊભાં થનારાં નકારાત્મક પરિણામોનું શું.
વાત સાચી છે, કેમ કે માહિતીના ઝડપી પ્રસરણથી ખોટી કે ભ્રાન્ત માર્ગે દોરનારી માહિતી પણ એટલી જ ઝડપથી પ્રસરવાની અને તેથી પ્રજાનો વિશ્વાસ ધોવાઇ જવાનો, સમાજનાં વિભિન્ન જૂથો – social divisions – વચ્ચેના ભેદો પણ ભડકી ઊઠવાના.
હું દાખલો આપું : વૈદિક સનાતન ધર્મ, અધ્યાત્મસાધના, ધાર્મિકતા, કહેવાતો હિન્દુ ધર્મ, હિન્દુત્વ – એ દરેકના ચિન્તનની વિશિષ્ટતા, એ દરેકની વિચારધારા, તેમાં સંકળાયેલાં વિભાવો, અર્થસંકેતો, અર્થઘટનો વગેરેના જ્ઞાનને આત્મસાત્ કર્યા વિના, ઍરાગૅરાઓ અધૂરી કે સૅકન્ડહૅન્ડ ઇન્ફર્મેશનને આધારે કે ધર્મની પોતાની સમજ મુજબ, જે ઠીક લાગે તે ભરડે, પાછા એકબીજાની નકલ કરે, તો ક્લૅશ અને વિવાદ સરજાશે.
સામે અન્ય ધર્મી ઍરોગૅરો એમ કરશે તો પણ ક્લૅશ અને વિવાદ સરજાશે.
એથી સ્વાભાવિક છે કે જેમાં લોકશાસન પ્રવર્તે છે, જેમાં વિવિધધર્મી નાગરિકો વસે છે, અને જેમાં વિજ્ઞાન અને ટૅક્નોલૉજિ-સંગત આધુનિક વિચાર અને તેને અનુસરતો જીવનવ્યવહાર પ્રવર્તી રહ્યો છે, એ વર્તમાન રાષ્ટ્ર ભારતમાં વસતી પ્રજાને અકળામણ થવાની.
વિચારવું તો એ જોઈએ કે ધર્મ જે કોઈ હોય, માનવ્યના વિકાસમાં કેવોક ભાગ ભજવી શકે એમ છે. ‘નવ્ય માનવવાદ’-માં કોઈ વિશિષ્ટ ધર્મ, ધર્મ છે એ કારણે એની મહત્તા નથી થતી. એ ચિન્તકો જ્ઞાનપિપાસા માટે મનુષ્યના વૈયક્તિક સામર્થ્ય પર ભાર મૂકે છે અને સામાજિક પ્રગતિને સવિશેષે ધ્યાનમાં લે છે. એવી નૂતન વિચારધારાઓ સાથે પેલા ઍરાગૅરાઓ જોડાતા જ નથી.
ઇતિહાસ કહે છે કે અજ્ઞાનીઓએ ફેલાવેલી વાતોથી સામાજિક જૂથના મોવડીઓને રાજકારણ ખેલવાની તક મળી જાય છે. પરિણામે, અવાંછનીય ઘટનાઓ ઘટે છે. મહાભારત યુદ્ધ કે વિશ્વયુદ્ધો કે દેશના ‘ભાગલા’ પાછળનું એક કારણ ભ્રાન્ત માહિતી અને તેને પ્રસરાવનારી ભ્રષ્ટ ભાષા હતી, એ જગજાહેર હકીકત છે.
હું બીજો દાખલો આપું : વિવિધ કૉર્પોરેશન્સનાં મિશન સ્ટેટમૅન્ટસ જુઓ — મૂળ ઉદ્દેશ્ય કે આશય વ્યક્ત કરતાં વિધાનો. હું દરેક વિધાનને ગુજરાતીમાં મૂકું :
ફેસબુક :
લોકોને સમુદાય રચવાની અને વિશ્વને નજીક લાવવાનું સામર્થ્ય અર્પવું.
ગૂગલ :
વિશ્વભરની માહિતી વ્યવસ્થાબદ્ધ કરવી, સાર્વત્રિક રૂપમાં સૌને સુલભ અને ઉપયોગી બનાવવી.
માઇક્રોસૉફ્ટ :
વધુ ને વધુ પ્રાપ્તિ માટે પૃથ્વી પરના દરેક મનુષ્યને અને સંગઠનને શક્તિશાળી બનાવવાં.
એપલ :
નવીન હાર્ડવેર, સૉફ્ટવેર અને સેવાઓથી ગ્રાહકોને વપરાશનો ઉત્તમ અનુભવ આપવો.
ઍમેઝોન :
ગ્રાહકો ઑનલાઈન જે કંઈ ખરીદવા માગતા હોય તે તેઓ શોધી શકે ને મેળવે – પૃથ્વી પર એવું ગ્રાહક-કેન્દ્રી મોટું કૉર્પોરેશન બની રહેવું.
નેટફ્લિક્સ:
વિશ્વનું મનોરંજન કરવું.
આ બધાં જ કૉર્પોરેશન્સ અમેરિકા-બેઝ્ડ છે. દરેક કૉર્પોરેશને પોતાના વિધાનને વ્યાખ્યાયિત કરેલું છે, તદનુસારનો ક્રિયાકલાપ ગોઠવેલો છે, અને તેને સુસંગત વ્યવહાર કરે છે, સમાજની સેવા અર્થે મોટાં મોટાં દાન કરે છે, એમ માની શકાય.
હવે આની ટીકા કે સમીક્ષા કરવી હોય, તો દેખીતું છે કે દરેકની પાછળ ભાગ ભજવી રહેલાં કૅપિટાલિઝમ, પ્રૉફિટ મૅક્સિમાઈઝેશન, કન્ઝ્યુમરિઝમ, ફ્રી માર્કેટ કૉમ્પીટિશન અને ગ્લોબલાઇઝેશન, વગેરે પરિબળોનું વ્યક્તિ પાસે જ્ઞાન હોવું જોઈએ. બાકી, એ જ્ઞાન વિના પણ ભારતનો સામાન્ય પત્રકાર કહી નાખે કે આ બધી મૂડીવાદી મલ્ટિનેશનલ કમ્પનીઓએ પહેલેથી દાટ વાળ્યો છે, એથી ભારત જેવા દેશનો વિકાસ રૂંધાઇ રહ્યો છે; તો તેવાં તારણો પણ નભી જતાં હોય છે. દેશના મોટા ભાગના સામાન્ય પત્રકારો પાસે પણ અધૂરી કે સૅકન્ડહૅન્ડ ઇન્ફર્મેશન હોય છે. તેઓ પણ એકબીજાની નકલ કરતા હોય છે. જુઓ ને, એકથી વધુ ગુજરાતી છાપાંઓએ બાયડનને ‘બાઇડન’ અને ‘બીડેન’ કહ્યા છે…
ધર્મ કે વિજ્ઞાનના સતને કોરાણે મૂકીને પ્રજાની ભાવનાઓ જોડે રમતા લોકોની સંખ્યા દેશમાં વધી રહી છે, તેઓ અન્ટ્રુથ ફેલાવી રહ્યા છે અને અન્ટ્રુથથી અન્ટ્રુથ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
હરારી કહે છે કે ટ્રુથ અને ઑર્ડર વચ્ચે આપણે સંતુલન નથી સાધ્યું. એમનો એ મુદ્દો મને સામ્પ્રતમાં ઘણો વિચારણીય લાગે છે. તેઓ કહે છે કે એ સંતુલન ‘સ્ટોન એજ’-માં આપણા પૂર્વજો સાધી શકેલા, પરન્તુ આપણે ૨૧-મી સદીમાં પ્હૉંચ્યા પછી પણ નથી સાધી શકતા; આજે એની જરૂરત તીવ્રતાથી વરતાય છે.
ઉમેરે છે કે કાલ્પનિક વાર્તાઓએ આપણને જે પાઠ શીખવ્યો, એવો પાઠ શીખવ્યો લિખિત દસ્તાવેજોએ. ઇન્ફર્મેશન ટૅક્નોલૉજિનો એ હતો, બીજો આવિષ્કાર – written documents.
લિખિત દસ્તાવેજોમાં હરારી સાહિત્યનો પણ ઉમેરો કરે છે. સાહિત્યકારોને સ્પર્શતી એ વાતો, હું આ પછી કરીશ.
+ +
મેં અગાઉના એક લેખમાં bioweapons-નો ઉલ્લેખ કરેલો પણ સમજૂતી નહીં આપેલી, હવે આપું :
જેઓ નથી જાણતા તેઓને આશ્ચર્ય થશે કે આ વેપન્સન લિવિન્ગ ઑર્ગેનિઝમ્સ છે, સજીવો જેવાં જીવતાં-જાગતાં શસ્ત્રો. અને એ મૅનમેડ છે, માણસે બનાવ્યાં છે, નેચરલ વાઇરસિસ, બૅક્ટેરિયા કે ટૉક્સીન્સને મૉડિફાય કરીને બનાવાય છે, જેથી એ વધારે ચેપી અને ઘાતક બને. એથી મનુષ્યો અને મનુષ્યેતર પ્રાણીઓ તેમ જ વનસ્પતિ કે છોડવાઓ મૃત્યુ પામે છે.
નૉંધપાત્ર વાત તો એ છે કે એનો ઉપયોગ પ્રાચીન કાળમાં યુદ્ધોમાં થતો હતો, પણ ૨૦-મી સદીમાં બાયોવેપન્સનો આધુનિક આવિષ્કાર થયો છે અને તે વિશ્વયુદ્ધોમાં વપરાયાં છે. પહેલા વિશ્વયુદ્ધમાં બન્ને છાવણીમાં તેનો ઠીક ઠીક ઉપયોગ થયેલો, અને ઍન્થ્રેકસ કે બીજા રોગો પ્રગટેલા. ઍન્થ્રેક્સ ત્વચારોગ છે, ઘેટાંબકરાંને પણ થતો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં ઍન્થ્રેક્સ, પ્લેગ અને કૉલેરા સંદર્ભે જપાને અનેકશ: સંશોધન અને પ્રયોગો કરેલા.
કોલ્ડ વૉરમાં યુ.ઍસ.એ. અને સોવિયત રશિયાએ ચડસાચડસી કરીને મોટા પાયે આ શસ્ત્રોના પ્રોગ્રામ્સ વિકસાવેલા. પરન્તુ ‘બાયોલૉજિકલ વેપન્સ કન્વેન્શન’ જેવી આન્તરરાષ્ટ્રીય સન્ધિઓને પ્રતાપે બાયોવેપન્સ પર હવે કડક પ્રતિબન્ધ મૂકવામાં આવ્યો છે.
Covid -19ને બાયોવેપન ગણાય કે કેમ, એ ક્યાંથી ઉદ્ભવ્યો, એ એક કોયડો છે. ચિનની વુહાન લૅબોરેટરીમાંથી અકસ્માતે વાયરસ લિક થયો હોય, એવી લેબ-લિક સંભાવના પણ સ્વીકારાઈ છે. જો કે, સંશોધકો જ પ્રકાશ પાડી શકે. બાકી, મોટા ભાગના વિજ્ઞાનીઓ માને છે કે સૌ પહેલાં પ્રાણીઓમાં અને પછી મનુષ્યોમાં પ્રસરેલો આ વાયરસ, કુદરતી છે.
માણસે ધારદાર પથરા, તીરકામઠાં, ભાલા, તલવારો, રીવૉલ્વર, બાયોવેપન્સ અને અણુબૉમ્બ લગીનાં શસ્ત્રો બનાવીને યુદ્ધો જ કર્યાં છે. પણ એમાં એ શસ્ત્રોનો વાંક નથી, કેમ કે યુદ્ધ તો માણસના ચિત્તમાં ઘુમરાતું હોય છે. અને સદા સ્મરણીય હકીકત એ છે કે અગણિત મનુષ્યોએ એકબીજાને પ્રેમ કર્યો છે, કેમ કે પ્રેમ પણ માણસના ચિત્તમાં જ જનમે છે.
(ક્રમશ:)
(19Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર