ભારતીય દર્શનોની ૬ પ્રમુખ શાખાઓ સુવિદિત છે : ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાન્ત.
“ન્યાય”-ના કેન્દ્રમાં તર્ક અને જ્ઞાનમીમાંસા છે. તાર્કિક પદ્ધતિથી તર્કસરણીએ જ્ઞાનના સ્વરૂપને ઓળખી શકાય છે, પામી શકાય છે.
ન્યાયના ૪ મુખ્ય વર્ગો છે : ઉપમાન, અર્થાપત્તિ, વ્યતિરેક, અનુપલબ્ધિ.
જ્ઞાન-પ્રાપ્તિ માટે અનિવાર્ય સિદ્ધાન્તો કે વિભાવો ૯ છે : પ્રમા, પ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ, વ્યતિરેક અને તર્ક.
કેટલાયે ન્યાય જાણીતા થયા છે; જેમ કે, રજ્જુ-સર્પ, ચિત્ર-યુરગ, ધૂમ-અગ્નિ, વગરે અનેક.
+ +
હરારી વિસ્તારથી કહે છે કે, માહિતી એટલે શું. એમાં ક્યાંક કિંચિત્ મને “ન્યાય”-પદ્ધતિ વરતાઈ છે. મને એમ સમજાયું છે કે તેઓ માહિતીની રજૂઆત, વાસ્તવિકતા અને સત્ય, એમ, માહિતીનાં સ્વરૂપ, પદ્ધતિ અને કાર્યની ચર્ચા કરી રહ્યા છે. વિચારવાની એમની રીત તાર્કિક રહી છે, તેમ છતાં, માહિતી-વાસ્તવિકતા-સત્ય વિશેના પોતાના એ મન્તવ્યના સમર્થનમાં તેઓ ઐતિહાસિક દૃષ્ટિબિન્દુને વળગી રહ્યા છે. એમણે અનેક ઉદાહરણો આપ્યાં છે, વીગતોમાં ઊતરીને અને પુનરાવર્તન કરીને પણ ઉદાહરણોનાં રસપ્રદ વિવરણ કર્યાં છે. પરિણામે, ચર્ચા તર્કસરણીએ નહીં એટલી વાતચીતની રીતે ચાલી છે.
+ +
હરારી કહે છે તદનુસાર, એક બહુ પ્રચલિત દૃષ્ટિબિન્દુ એ છે કે માહિતીથી વાસ્તવિકતાની રજૂઆત કરી શકાય છે અને એ રજૂઆતમાં સફળતા મળે તો સત્ય સુધી પ્હૉંચી શકાય છે. જેમ કે, હું કહું કે ‘સામે દેખાય છે એ સર્પ છે’, તો એ વાક્ય ‘સર્પ’-ને રજૂ કરે છે, અને સામે જઈને જોવામાં આવે, ને જો ‘સર્પ’ જ હોય, તો મારું કહેવું સત્ય ઠરશે, પણ જો ‘રજ્જુ’ હશે, તો મારું કહેવું ખોટું ઠરશે, મારે સ્વીકારવું પડશે કે મારી રજૂઆત સફળ નથી થઈ.
પણ માહિતી-વાસ્તવિકતા-સત્ય, એ દૃષ્ટિબિન્દુને હરારી naive view ગણે છે, એટલે સુધી કહે છે કે — મારું આ પુસ્તક (Nexus) આ દૃષ્ટિબિન્દુનો ધરાર વિરોધ કરે છે. તેઓ ઉમેરે છે કે કેટલાક પ્રસંગોમાં એમાં સફળતા મળતી હશે, પણ એ રીતે માહિતીને ન ઓળખાવી શકાય; પોતાનું પુસ્તક એમ દર્શાવે છે કે માહિતી એક જુદી જ વસ્તુ છે. માનવસમાજમાં તેમ જ બાયોલૉજિકલ અને ફિઝિકલ સિસ્ટમ્સમાં કેટલીયે માહિતી એવી છે જે કશું જ રજૂ નથી કરતી. તેઓ ચોખ્ખા શબ્દોમાં લખે છે — does not represent anything.
એમણે દર્શાવ્યું છે કે વાસ્તવિકતાનાં કેટલાંક પાસાંની એકદમ ચોખ્ખી, સર્વથા વિશદ, રજૂઆત, સત્ય છે. આ વીગતને તેઓ પોતાના પુસ્તકનો સૈદ્ધાન્તિક પાયો ગણે છે.
એમના એ વિચારપક્ષનો સાર કંઈક આવો છે :
તેઓ જણાવે છે કે સાર્વત્રિક વાસ્તવિકતા, યુનિવર્સલ રીયાલિટી, છે અને રહેશે. તેથી સત્યની શોધને તેઓ યુનિવર્સલ પ્રોજેક્ટ ગણે છે. કેમ કે, દેખીતું છે કે વિભિન્ન પ્રજાઓ, રાષ્ટ્રો, સંસ્કૃતિઓ જુદાં જુદાં સત્યો ન સ્વીકારી શકે.
કહે છે, વાસ્તવિકતા વસ્તુલક્ષી હોય છે, તેમાં અનેક દૃષ્ટિબિન્દુઓ ભળ્યાં હોય છે. વાસ્તવિકતા હકીકતો પર ભરોસો રાખે છે, તો પણ, વાસ્તવિકતામાં લાગણીઓ, ભાવનાઓ, માન્યતાઓ જેવી આત્મલક્ષી બાબતો ભળી ગઈ હોય છે. દાખલા તરીકે, નાગરિકના જીવનમાં રાષ્ટ્રીયતા; રાષ્ટ્રીયતા પણ પ્રજાનાં દૃષ્ટિબિન્દુને પ્રભાવિત કરે છે. કહે છે, વાસ્તવિકતાની રજૂઆતમાં કેટલાંક પાસાંની ઉપેક્ષા કરાય છે, કેટલીક હકીકતોને વિકૃત પણ કરાય છે.
એ પણ ખરું કે માણસ વાસ્તવને રજૂ કરતાં ભૂલ કરી બેસે છે, જેમ કે, સામે દેખાતી વસ્તુ રજ્જુ હતી પણ હું એને સર્પ સમજી બેઠેલો. હરારી કહે છે, એવી ભૂલ સહજ છે, એથી misinformation મળે છે. જો કે માણસ ઇરાદાપૂર્વક પણ ભૂલ કરે છે, જેમ કે, સામે સર્પ હતો ને મેં કહેલું કે રજ્જુ છે. હરારી કહે છે, એથી disinformation મળે છે.
તેઓ વાતનો સાર દર્શાવે છે કે, વાસ્તવિકતાનું ચોખ્ખું અને પૂર્ણ સ્વરૂપ પામવાનું અશક્ય બની જાય છે.
ઉપરાન્ત, હરારી ત્રણ મહત્ત્વના વિચાર રજૂ કરે છે :
એક, એ કે ઇન્ફર્મેશન વસ્તુઓને ફૉર્મેશનમાં મૂકે છે. કહે છે, જેમ કે, હોરોસ્કોપ પ્રેમીઓને ઍસ્ટ્રોલૉજિકલ ફૉર્મેશનમાં મૂકે છે, પ્રૉપેગેન્ડા બ્રૉડકાસ્ટ મતદારને પોલિટિકલ ફૉર્મેશનમાં મૂકે છે, માર્ચિન્ગ સૉન્ગ્સ સૈનિકોને મિલિટરી ફૉર્મેશનમાં મૂકે છે.
બીજો વિચાર, એ કે માહિતીના કેટલાક આવિષ્કારો એવા હોય છે જે કશું જ રજૂ ન કરતા હોય, તો પણ અનેક લોકોને જોડતા હોય છે. જેમકે, સંગીતની સિમ્ફનીઝ, મૅલડીઝ કે ટ્યુન્સ કશી પણ વાસ્તવિકતાને રજૂ નથી કરતાં, તેથી એમને સાચાં કે ખોટાં ઠેરવવાનો પ્રશ્ન પણ ઊભો થતો નથી. તેમછતાં, તે અનેકાનેક લોકોની લાગણીઓને સિન્ક્રોનાઇઝ કરી શકે છે, લોકોને પોતાની સાથે જોડી શકે છે.
અહીં મને ‘ચિત્ર-તુરગ’ ન્યાયે કહેવાનું મન થાય છે કે ચિત્રમાં છે એ ‘તુરગ’, એટલે કે ઘોડો, વાસ્તવિક નથી છતાં એ ઘોડો નથી એમ પણ નથી. ચિત્ર-તુરગ કલાકૃતિ છે, એથી કશું જ રજૂ નથી થતું, તેમછતાં, એ અનેક લોકોને પોતાની સાથે જોડે છે.
એ જોડાણ, કનેક્ટિવિટી, હરારીના મન્તવ્ય અનુસાર, માહિતીનું પાયાનું લક્ષણ છે.
ત્રીજો વિચાર, એ કે માહિતી નવી વાસ્તવિકતા સરજી શકે છે.
તો, એમની વાતનો બોધ શું છે? : તેઓ પોતે જ કહે છે એમ — ઇતિહાસમાં માહિતી શો ભાગ ભજવે છે તેની ઊંડી તપાસ કરવી જોઈએ — આપણને પ્રશ્નો થવા જોઈએ કે એ કઇ પદ્ધતિએ વાસ્તવિકતાને રજૂ કરે છે, એ રજૂઆત કેટલી સાચી છે, કેટલી ખોટી છે — એ કેવી રીતે લોકોને જોડે છે — એ કઈ નવી વાસ્તવિકતા સરજે છે.
+ +
વાતને સમજવા-વિચારવાની થોડીક પ્રેરણા મળે એ માટે, માહિતીનું હું એક ઉદાહરણ રજૂ કરું છું :
‘વન્દે માતરમ્’ -એ સંસ્કૃત વાક્ય છે. એનો અર્થ છે, ‘માતા, હું તને વન્દન કરું છું’. એ વાક્ય, ભૂતકાળમાં કોઈક ક્ષણે, ‘હું માતૃભૂમિને વન્દન કરું છું’ એવા અર્થમાં એક ગીતમાં વપરાયું. એ પછી, નાગરિક અને રાષ્ટ્ર વચ્ચે સન્તાન અને માતા વચ્ચેની આત્મીયતા સૂચવવા એનો ઉપયોગ એક માહિતી-સૂત્ર રૂપે થવા લાગ્યો, જે વર્તમાનમાં પણ એ જ અર્થમાં થાય છે, બલકે એને રાષ્ટ્રભક્તિના ગીતનો દરજ્જો પણ અપાયો છે.
ગીતનો ઇતહાસ શું છે? :
ગીતની પહેલી બે ટૂક બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૬-માં સંસ્કૃતમાં લખી હતી, જેમાં માત્ર માતૃભૂમિની વન્દના છે. બીજી બાકીની ટૂકો પોતાની નવલકથા “આનંદમઠ”-માં ઉમેરવાના હેતુથી બંગાળીમાં લખી હતી, જેમાં દુર્ગાની સ્તુતિ છે.
ગીતના ઇતિહાસનો બીજો તબક્કો :
ગીતને રાજકારણમાં લઈ જવાય છે. રવીન્દ્રનાથ ટાગોર કૉન્ગ્રેસના કલકત્તા-અધિવેશનમાં એ ગીતને કમ્પોઝ કરે છે, ગાય છે. એટલે ગીતમાં સંગીત પણ ભળે છે.
ગીતના ઇતિહાસનો ત્રીજો તબક્કો :
ગીત સાથે અન્ય ભાષકો જોડાય એ હેતુથી એના અનુવાદો થાય છે. શ્રી અરવિન્દ એનો અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ એનો ઉર્દૂમાં અનુવાદ કરે છે.
ત્રીજો તબક્કો :
ગીતને રાજકારણમાં વિધિવત્ માન્યતા અપાય છે. ૧૯૩૭-માં ગીત વિશે કોંગ્રેસમાં ચર્ચા થાય છે. જવાહરલાલ નહેરુના વડપણ હેઠળની સમિતિ ગીતને માન્યતા આપે છે. એ સમિતિમાં અબુલ કલામ આઝાદ પણ હાજર હતા.
ચૉથો તબક્કો :
એ. આર. રહેમાન ગીતને સંગીતકલાની ઊંચાઇએ પ્હૉંચાડે છે, ગીતના સ્વીકાર અને ઝીલણમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે.
+ +
પરન્તુ, ગીતના એવા માહિતીસંચયના આ મૂલ્યવાન વિસ્તારમાં બંકિમ ચન્દ્રની એ નવલકથા “આનંદમઠ” બાબતે મુસ્લિમોએ ઊભી કરેલી ચર્ચાનું વિસ્મરણ થઈ ગયું છે. મુસ્લિમોનું કહેવું એમ હતું કે નવલમાં મુસ્લિમોને વિદેશી અને દેશદ્રોહી દર્શાવ્યા છે. વળી, ગીતમાં માતાની વન્દના છે, પણ ઇસ્લામમાં વ્યક્તિ કે વસ્તુની પૂજા કરવાની મનાઇ છે.
સમગ્ર માહિતી-સંચય મને આટલા મુદ્દા બાબતે ચિન્ત્ય લાગે છે :
૧: માહિતીથી વિકસેલા રાષ્ટ્રપ્રેમમાં આમ ભંગાણ ઊભું થાય છે.
૨: બંકિમ ચન્દ્રની નવલનું re-reading કે deconstruction અનિવાર્ય બની જાય છે.
૩: અને જો મુસ્લિમોની વાત ખોટી પડે છે, તો એમના રાષ્ટ્રપ્રેમ વિશે પ્રશ્ન જાગે છે.
૪: અને જો સાચી પડે છે, તો બંકિમ ચન્દ્રના સર્જક-કર્તૃત્વ વિશે પ્રશ્ન જાગે છે.
૫: પ્રશ્ન એ સમયના સમગ્ર ઑથોરિયલ ઍથિક્સ વિશે પણ ઊભો થાય છે.
૬: બૌદ્ધિકો પરનો પ્રજાકીય વિશ્વાસ ઊઠી જાય છે.
૭: સમજાય છે એમ કે રાજકારણે ગીતનો ઉપયોગ સ્વહેતુથી કર્યો એથી માહિતીનું રૂપ બદલાયું બલકે એથી માહિતીના વિસ્તારની શક્યતા સરજાઇ.
૮: સમજાય છે એમ કે કલાની સત્તા અને રાજસત્તા વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે.
૯: સૂચવાય છે એમ કે રાજસત્તા ગમે તે ક્ષણે સર્વોપરી થઈ શકે છે.
૧૦: સત્ય શું છે અને ક્યાં છે, એ નથી સમજાતું.
૧૧: છેલ્લે, આ સમગ્ર માહિતી-સંચયને અભરાઈએ મૂકી દેવાય છે.
૧૨: સમય વીત્યે, આ સઘળા માહિતી-સંચયનું વિસ્મરણ થવાનું. છતાં, નાનું કારણ મળે, અને બીજાં તત્ત્વો ભળે, એટલે એ ગમે તે ઘડીએ ફરીથી સામે આવી શકે છે.
૧૩: ત્યારે, એ નવી વાસ્તવિકતા કહેવાશે, જે આજના માણસને વિમાસણમાં મૂકી દેશે.
+ +
હું આ ઉદાહરણને ઇન્ફર્મેશન નેટવર્કનો એક કામચલાઉ દાખલો ગણું છું.
= = =
(22Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર