‘સરદાર વલ્લભભાઇનાં ભાષણો’ પુસ્તક(પ્રકાશક : નવજીવન, 1949)ની આપણી આ સફર :
[1]

રમેશ સવાણી
સરદાર પટેલ (31 ઓક્ટોબર 1875 − 15 ડિસેમ્બર 1950) સાથે હું ગુજરાત અને બહાર ફર્યો. એમનાં ભાષણો સાંભળ્યાં. એમના જુસ્સાનો / મિજાજનો અનુભવ કર્યો. બહુ મજા પડી. અદ્દભુત. આનંદ થયો.
બન્યું એવું કે 9 માર્ચ 2025થી 27 માર્ચ 2025 દરમિયાન મારું ફેસબૂક એકાઉન્ટ બંધ રહ્યું. આ સમય દરમિયાન ‘સરદાર વલ્લભભાઇનાં ભાષણો’ નામનું 527 પેજનું પુસ્તક વાંચ્યું. 1918થી 1947 દરમિયાન સરદાર પટેલે જે ભાષણો આપ્યાં તેનો આ સંગ્રહ છે. ‘જય સરદાર’ના નારા પોકારતા નેતાઓ / સમાજ આગેવાનોએ પણ આ પુસ્તક વાંચ્યું નહીં હોય. કદાચ વાંચ્યું હોય તો સમજ્યા નહીં હોય. ‘નવજીવને’ આ પુસ્તક 1949માં પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકના સંપાદકો છે નરહરિ દ્વારકાદાસ પરીખ અને ઉત્તમચંદ દીપચંદ શાહ.
સરદાર પટેલનું તેજ, એમની નિર્ભયતા, એમનું નૂર, એમની અખૂટ ધીરજ, અન્યાય વિશે બાળી મૂકે એવી ચીડ અને ગુજરાતના ખેડૂતવર્ગને ટટ્ટાર કરવાની, તેજસ્વી બનાવવાની એમની તાલાવેલી, વગેરે એમના ગુણોનો પરિચય થાય છે. લોકોની ખોટી ખુશામત કરીને નહીં પણ સાચી સેવા કરીને, તેમને ખરી વાત કડવી લાગે તેવી હોય તો પણ સાફ સંભળાવીને તેમના દિલમાં પ્રવેશ કરી શકાય છે, અને તેમને જ્યાં લઈ જવા હોય ત્યાં દોરી શકાય છે, એ આ ભાષણોમાં સ્થળે સ્થળે આપણને જોવા મળે છે. વળી હાથમાં લીધેલાં કામની વિગતોમાં બહુ ઝીણવટમાં ઊતરી અથાક પરિશ્રમ લઈ તે ઉપર કાબૂ મેળવવાથી જ સફળતા મળી શકે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ.
આપણે સરદારના કેટલાંક વિચારો / પાસાંઓ વિશે વાત કરીએ. સરદારની ભાષા પર પક્કડ કેવી હતી? લોકોને કઈ રીતે પોતાની સાથે ખેંચી રાખતા? પોતાની વાત લોકોના ગળે કેવી રીતે ઊતારતા હતા? થોડાં ઉદાહરણો જોઈએ :
“કુંભાર ગધેડા ઉપર પહેલા એક મણ ભાર મૂકે. તે ખેંચે તો પાછો અધમણ ભાર વધારે, એમ કરી કરીને તેની પાસે બે મણ બોજો ખેંચાવે છે. સરકાર પણ તમે જેમ જેમ બોજો સહન કરતા જાઓ છો તેમ તેમ વધારે બોજો તમારા ઉપર મૂકે છે.”
(ખેડા સત્યાગ્રહ, 18 એપ્રિલ 1918)
“આ વખતે સરકારનો પિત્તો ઉછળ્યો છે. છો ને લોઢું ગરમ થાય, પણ હથોડાને તો ઠંડુ જ રહેવું ઘટે. હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે. તમે ઠંડા જ રહો. ક્યું લોખંડ ગરમ થયા પછી ઠંડુ નથી થતું? કોઈ પણ રાજ્ય પ્રજા ઉપર ગમે તેટલું ગરમ થાય તો તેને છેવટે ઠંડું પડ્યા વિના છૂટકો જ નથી. પ્રજાની પૂરતી તૈયારી હોવી જોઈએ.”
(બારડોલી સત્યાગ્રહ, 1928)
“બ્રિટિશ હિંદની અને રાજ્યોની પ્રજા વચ્ચે જુદા જુદા શા સબંધ છે તેની હિંદના અનેક રાજાઓને આજે ખબર નથી. એ તો એમ જ સમજી બેઠા છે કે પોતે ઈશ્વરી અંશ છે. ‘ખમ્મા બાપુ’ કહેનારાઓ પણ એટલા બધા વધી ગયા છે કે બાપુને છીંક આવે ત્યારે ખોળો ઘરે છે કે રખે નાક ભોંય ન પડી જાય !”
(રાજકોટ પ્રકરણ, 21 નવેમ્બર 1938)
“આખી દુનિયા વિગ્રહમાં સપડાઈ જવાની છે, લગભગ સપડાઈ ગઈ છે. તમે એમ ન માનતા કે આપણે લડાઈમાં સંડોવાયા નથી; જેમ ચૂલામાં સળગતા લાકડાનો છેવટનો ભાગ પોતાને સળગ્યા વગરનો માને પણ તે સળગ્યા વગર નથી રહેતો.”
(આઝાદી વિના બીજું ન ખપે, 26 જાન્યુઆરી 1942)
“આ શહેરમાં તો કાપડ ઢગલા મોઢે ઉત્પન્ન થાય છે. પણ મીઠાઈ વેચનારાનાં છોકરાં ભૂખે મરે તેવું આજે થયું છે !”
(આખરી લડતની તૈયારી, 26 જુલાઈ 1942)
“અત્યારે જગતમાં ચાર હઠ જાણીતી છે : 1. રાજહઠ, 2. બાળહઠ, 3. સ્ત્રીહઠ અને 4. અંગ્રેજોની પીછેહઠ; અને એમાં પાંચમી તમારી ઊભા રહેવાની હઠનો ઉમેરો થાય તો એ નવી વસ્તુ છે.”
ટપોટપ બધા ય નીચે બેસી ગયા હતા.
(કોલેજના વિદ્યાર્થીઓને, 28 જુલાઈ 1942)
(‘તલવારનો સામનો તલવારથી કરો’ અંગેનો અર્થ શું? તેના જવાબમાં:)
“આપણા પર જે માણસોના રક્ષણની જવાબદારી હોય, એમના પર જોખમ આવતાં ખાટલા તળે ભરાઈ જવું કે બારણાં અટકાવી દેવાં, એના કરતાં તો રક્ષણ માટે લડતાં લડતાં મરી જવું સારું, એ એનો અર્થ છે. જાનવર પણ સંકડામણમાં આવતાં શિંગડાં ઉઠાવે છે, તો માણસ પોતાની બહેન દીકરી પર જોખમ આવતાં નાસી જાય એ તો જાનવરથી પણ ભૂંડો કહેવાય. આપણામાંથી કાયરતા કાઢી નાખવી જોઈએ, એ એનો અર્થ છે.”
(સ્વરાજ ઈમારતની ચાર દીવાલ, 30 ડીસેમ્બર 1946)
“રાજાઓને વીનવું છું અને કહું છું કે હમણાં આવો. આખરે હારીને આવશો એ શોભશે નહીં. લગ્નનાં વાજાં લગ્ન વખતે શોભે. મરણ વખતે નહીં શોભે !”
(વડોદરામાં જાહેરસભા, 15 એપ્રિલ 1947)
[2]
શું ઈશ્વરને નાકમાં કાણું પાડતા નહોતું આવડતું?
સરદાર પટેલ કુરિવાજો / અંધશ્રદ્ધાના સખત વિરોધી હતા. પછાતપણાનું એક કારણ કુરિવાજો / અંધશ્રદ્ધા છે તેમ તેઓ માનતા હતા અને ઉગ્ર ભાષામાં તેની ઝાટકણી કાઢતા હતા.
“શું નાનાં નાનાં બાળકોને પરણાવી માર્યે કોઈ દિવસ કોઈ કોમનું કલ્યાણ થઈ શકે? જે પ્રજા છાતી પર ગોળી ઝીલવાની તૈયાર થવાનો દાવો કરતી હોય તે પોતાનાં નાનાં નાનાં બાળકોને કદી પરણાવે? તેને માટે શું સરકારને અમુક ઉંમર પહેલાં છોકરાં પરણાવવાની બંધી કરનારા કાયદા કરવા પડે? જો સરકારને આપણા સુધારા માટે કાયદા ઘડવા પડતા હોય તો આપણે તેની સાથે કેમ લડી શકીશું? જેમ આપણે સરકારના દિલનો પલટો ઈચ્છતા હતા તેમ આપણા પોતાના હૃદયનો પલટો પણ કરવો પડશે. નાનપણમાં છોકરાઓને પરણાવી, કાચી ઉંમરે તેમના પર ઘરસંસારનો બોજો લાદવો એ પોતાના બચ્ચાંની હત્યા કર્યા બરાબર છે. ”
(બારડોલી વિજય, 1928)
ચંપારણના ખેડૂતોને
ગાંધીજી તમને આશીર્વાદ આપે છે, હું તમને ગાળો આપવા આવ્યો છું. તમે ચંપારણવાસીઓનાં મોં ઉપર નૂર કેમ નથી? રસકસથી ભરેલી, કાચું સોનું પાકી શકે એવી ધરતી છતાં તમને કેમ પૂરું ખાવાનું નથી મળતું? મહેનતમજૂરી કરનારા તમે કેમ પશુ જેવા અપંગ થઈને બેઠા છો? તમને શરમ નથી કે તમે તમારી સ્ત્રીઓને પડદામાં રાખીને પોતે જ અર્ધાંગ વાયુથી પીડાઓ છો? એ સ્ત્રીઓ કોણ છે? તમારી મા, બહેન, પત્ની. એમને પડદામાં રાખીને તમે માનો છો કે તમે એમના શિયળની રક્ષા કરી શકશો? એમનો એવડો અવિશ્વાસ શો? કે તમારી ગુલામી એઓ બહાર આવીને જુએ એથી તમે ભડકો છો? તમે એમને ગુલામ પશુડી જેવી રાખી છે. એટલે એમની ઓલાદ તમે પણ ગુલામ પશુ જેવા રહ્યા છો. મારું જો ચાલતું હોય તો બધી બહેનોને કહું કે આવા બીકણ અને બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતાં એમને છેડા ફાડી આપો ! જે બ્રાહ્મણ ઢીંગલાંઢીંગલીના વિવાહ કરવાને માટે સ્મૃતિ ટાંકે છે તે બ્રાહ્મણ નથી, પણ રાક્ષસ છે; અને જે માબાપો એ બ્રાહ્મણનું માનીને છોકરાંને લગ્નની કાળીમાતાને વધેરે છે તેઓ પોતે પશુ છે. મારા હાથમાં કાયદા હોય તો હું તો એવાંઓને ગોળીથી ઠાર કરવાની સજા ઠરાવું.”
(બિહારયાત્રા, 1929)
“કિસાનોએ મરણ પાછળ જમણ કરવાનો નકામો ખર્ચ ન કરવો જોઈએ. કુટુંબમાં કોઈનું મરણ થાય તો શોક પાળવો જોઈએ. તેને બદલે ઊલટા આપણે તો મિથ્યાભિમાન અને અજ્ઞાનને લીધે, દેવું કરીને કુટુંબીઓ અને સ્નેહીઓને જમાડીને ખુશાલી વ્યક્ત કરીએ છીએ. આથી તો આપણે જંગલીમાં ખપીશું. પ્રેતભોજન ખાનાર અને ખવડાવનાર બંનેનું બૂરું થાય છે. બંને મૂરખમાં ખપે છે. ખરચ કરનાર દેવાના ડુંગર નીચે દબાઈને પોતાને તથા કુટુંબીઓને પાયમાલ કરે છે. આપણી પાસે પૈસા હોય અને મરણ પામેલાનું કલ્યાણ ઇચ્છતા હોઈએ અથવા કાયમ એની નામના રહી જાય એવું ઈચ્છતા હોઈએ તો એટલું ધન બાળકોનાં ભણતરમાં કે ગામની સફાઈ જેવાં સાર્વજનિક કામમાં વાપરવું ઠીક છે. આ જ પ્રમાણે લગ્ન વગેરે પ્રસંગોએ પણ પોતાના ગજા જેટલો જ ખર્ચ કરવો જોઈએ. આપણી મર્યાદાની બહાર જઈ, કરજ કરીને ખર્ચ ન કરવો જોઈએ.”
(કિસાન સભામાં, 1936)
“કિસાનોમાં ધર્મને નામે અનેક જાતનાં વહેમ અને પાખંડ ઘૂસી ગયા છે. આપણા જ ગામમાં વસનારાં આપણા જ ભાઈબહેન, જેમનો ખેતીવાડીના કામધંધામાં આપણે વારંવાર ખપ પડે છે અને કેટલાંક કામોમાં જેમના વિના આપણું ગાડું આગળ જ નથી ચાલતું, એવા અનેક દલિતોનો ધર્મના નામે તિરસ્કાર કરીને તેમની લાગણી દુભાવીએ છીએ એ એક પાપ છે. જેને આપણે અછૂત માનીએ છીએ તે જો આપણો સમાજ છોડી બીજો ધર્મ સ્વીકારી લે તો તે જ ઘડીથી તેને અટકી શકાય છે ! આમ બનતું આપણે નજરોનજર જોઈએ છીએ.”
(કિસાન સભામાં, 1936)
નવજુવાનોને
“થોડો ત્યાગ કરનારને હિન્દુસ્તાનમાં લોકો પૂછે છે. એથી તો લાખો પાખંડીઓ પૂજાય છે. ભગવું પહેર્યું એટલે ભોળો હિન્દુ તેને સાધુ માને છે. ભગવાધારી એટલા સાધુ નથી. તેમ ધોળી ટોપી ને ધોળું કુડતું પહેર્યું એટલે ગાંધીનો માણસ નથી થઈ જતો.”
(રાજપીપળાની લોકસભા, 25 ડિસેમ્બર 1937)
બહેનોને
“બેડી તો ચોરને સરકાર પહેરાવે. તમે કાંઈ ચોર નથી. પણ તમે તો ખોટા ઘરેણા પહેરો છો. ઈશ્વરે આવું સુંદર નાક આપ્યું છે તો પછી તેમાં કાણું શા માટે પાડો છો? આવું શરીર તેણે રચ્યું છે તો શું નાકમાં કાણું પાડતાં તેને નહોતું આવડતું?”
(આઠમી રાનીપરજ પરિષદ, 19 ફેબ્રુઆરી 1935)
[3]
વાડામાં માણસ ખીલી નથી શકતો !
સરદાર પટેલના નામે સંસ્થાઓ ઊભી કરનારાઓએ / ‘જય સરદાર’ નારા બોલનારાઓએ સરદારને જ્ઞાતિના વાડામાં સિમિત કરી મૂક્યા છે. કેટલાંક સ્વાર્થી લોકો સરદારના નામનો ઉપયોગ કરીને નેતાઓ બની ગયા છે અને સત્તાપક્ષની / હિન્દુત્વવાદી તત્ત્વોની ચાપલૂસી કરવામાં પાછા પડતા નથી. સરદાર હિંદુરાષ્ટ્રના વિરોધી હતા.
“ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે, ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું.”
(બારડોલી સત્યાગ્રહ, 1928)
ખેડૂત એટલે કોણ
“કિસાનોમાં હિન્દુ- મુસલમાન કે ન્યાતજાતના ભેદભાવ હોય જ નહીં. ધરતી ખેડીને મહેનતથી ધન પેદા કરનારા અનેક નાના જમીનદાર, કિસાન કે ખેતીકામમાં મદદ કરનાર મજૂર, ચાહે તે ગમે તે ધર્મ કે જાતિના હોય, તો પણ એ બધા કિસાન જ છે. કુદરતમાં કદી નાતજાત કે ધર્મનો ભેદભાવ જોવામાં આવ્યો નથી ને આવશે પણ નહીં. કુદરતી આફતો-આસમાની સુલતાની-કે તેની કૃપા બધા પર એક સરખી જ ઊતરે છે. બધા કિસાનોની આર્થિક દુર્દશા સરખી જ છે. આપણે સૌ ભેદભાવો છોડી, કોમી ઝઘડા મિટાવી દઈને, એક સાથે આર્થિક, સામાજિક અને રાજકીય ઉન્નતિના કામમાં લાગી જઈશું ત્યારે જ આપણો ઉદ્ધાર થશે.”
(કિસાન સભામાં, 1936)
“તમને ખબર છે કે હું ન્યાતજાતના વાડાની બહાર નીકળી ગયેલો માણસ છું. એટલે કોમી માણસ તરીકે તમે મારું સ્વાગત કરી શકો એમ નથી. મુલકના બંધન તોડવાની ખાતર જ્ઞાતિના બંધનની બહાર નીકળવું જોઈએ.”
(કરાંચીમાં પાટીદારોને, 28 ઓગસ્ટ 1938)
વડોદરા પાટીદાર છાત્રાલયમાં
“કોમ, નાત, જાત ઝપાટાબંધ નીકળી જવાનું છે. બધી વસ્તુઓ ઝપાટાબંધ ભૂલી જવી જોઈએ. વાડામાં માણસ ખીલી નથી શકતો. તમારે બધાએ નવા યુગને, ક્રાંતિના કાળને ઓળખી લેવો જોઈએ.”
(ક્રાંતિના કાળને ઓળખો, 16 એપ્રિલ 1947)
સરદારને ખોટા પાડવા પાંચ વર્ષ બાદ RSSનો જન્મ 27 સપ્ટેમ્બર 1925ના રોજ થયો
“હિંદુ-મુસલમાનની એકતા એ હજુ તો એક કુમળું વૃક્ષ છે. એને કેટલા ય વખત સુધી અતિશય સંભાળથી પોષવું જોઈશે. હજી આપણાં મન જોઈએ તેટલાં સ્વચ્છ નથી. દરેક બાબતમાં એકબીજાનો અણવિશ્વાસ રાખવાની આપણને આદત પડી ગઈ છે, તે જતી નથી. એ એકતાને તોડી પાડવાના અનેક પ્રકારનાં પ્રપંચો અને પ્રયત્નો થશે.”
(પાંચમી ગુજરાત રાષ્ટ્રીય પરિષદ, 31 મે 2021)
[4]
દુનિયામાં આપણી નાલેશી થાય છે, એ આપણી બેવકૂફી છે !
આપણી આઝાદીની લડત સમયે એક મોટો પડકાર હિન્દુ સમાજના ભાગલાનો હતો. હિન્દુઓ અમુક જાતિઓને અસ્પૃશ્ય સમજતા હતા. દલિતોને સાર્વજનિક સ્થળોએ અપમાનિત કરવામાં આવતા. મંદિરોના દ્વાર દલિતો માટે બંધ હતા. આ અસ્પૃશ્યતા નાબૂદ કરવાનું કામ બિનદલિતોએ કરવાનું હતું, દલિતોએ નહીં. ગાંધીજીએ કરવાનું હતું, ડો. આંબેડકરે નહીં. કેમ કે અસ્પૃશ્યતાનું આચરણ તો બિનદલિતો કરતા હતા. 31 જાન્યુઆરી 1920ના રોજ, મુંબઈથી આંબેડકરે ‘મૂકનાયક’ સામયિક શરૂ કર્યું અને ભેદભાવ સામે અવાજ ઊઠાવ્યો કે અસ્પૃશ્યતા તો ગુલામી કરતા ખતરનાક છે. 20 માર્ચ 1927ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ સ્થળે દલિતો ચવદાર તળાવમાંથી પાણી લઈ શકે તે માટે આંબેડકરે સત્યાગ્રહ કર્યો હતો. આ તળાવમાંથી મુસ્લિમો / ખ્રિસ્તીઓ પાણી લઈ શકતા હતા પણ દલિતો નહીં. 2 માર્ચ 1930ના રોજ, આંબેડકરે કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ કર્યો, જે 5 વર્ષ 11 મહિના 7 દિવસ ચાલ્યો હતો. ગાંધીજીએ ડિસેમ્બર 1920માં નાગપુર કાઁગ્રેસ અધિવેશનમાં અસ્પૃશ્યતા દૂર કરવા હાકલ કરી, અને અસ્પૃશ્યતાનિવારણ કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરમજનક બાબત એ છે કે 2025માં પણ ગામડાઓમાં દલિતોનું સ્મશાન અલગ છે !
“ગુલામીમાંથી મુક્ત થવાની આશા રાખતા હોઈએ તો આપણે પોતે જ આપણા ભાઈઓને ગુલામીમાંથી પહેલા મુક્ત કરવા જોઈએ. અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મ ઉપર કલંક છે; એ ધર્મને બહાને ચાલતો ઢોંગ છે. એને આપણે નાબૂદ કર્યે જ છૂટકો છે.“
(પાંચમી ગુજરાત રાજકીય પરિષદ, 1 જાન્યુઆરી 1921)
“અસ્પૃશ્યતા એ તો એક મનનું કારણ છે.”
(36મી રાષ્ટ્રીય મહાસભા, અમદાવાદ, ડિસેમ્બર 1921)
“જે ખેડૂતો મજબૂત છે, સુખી છે, સાધનવાળા છે તેમના ઉપર એક આરોપ, તહોમત છે કે તે અભિમાની છે. તેથી ઉતરતા વર્ગને સતાવે છે. ઉતરતા વર્ગ પાસેથી વેઠ કરાવે છે. સરકાર જેટલી વેઠ નથી કરાવતી તેટલી આ કરાવે છે. આટલી બધી પ્રવૃત્તિ થયા છતાં ખેડૂતના દિલમાં એ ઠસ્યું નથી કે કોઈ પણ માણસને અસ્પૃશ્ય માનવો એ પાપ છે. અસ્પૃશ્યતા એ વહેમ છે. કૂતરાને અડીને નાહવું ના પડે, બિલાડીને અડીને નાહવું ના પડે, તો પછી જે આપણા જેવો મનુષ્ય છે તેને અડીને કેમ અભડાઈએ? હિંદુઓ જાગો. તમે ભૂલ કરો છો. અંત્યજો મુસલમાન ને ઈસાઈ થઈ જાય છે. તે જો ખ્રિસ્તી થઈને આવે તો તમે તેને સલામ કરશો !”
(ધોળકા તાલુકાના ખેડૂતોને, જૂન 1927)
“અંત્યજોની હાડમારી કાઠિયાવાડમાં વિશેષ છે. રેલગાડીમાં મુસાફરી કરતાં તેમને ભારે ત્રાસ વેઠવો પડે છે. નબળાનું રક્ષણ કરવું એ રાજ્યનો ધર્મ છે. સબળા તો પોતાનું રક્ષણ કરી શકે છે. પણ જો નબળાનું રક્ષણ રાજ્ય ન કરે તો બીજા કોણ કરે? રાજ્યની જાહેર શાળાઓમાં ભણવાનો, જાહેર કૂવાતળાવના પાણીનો ઉપયોગ કરવાનો અને સાર્વજનિક મકાનોમાં વિસામો લેવાનો હક અંત્યજોને મળવો જોઈએ. રાજદરબારમાં તેમને અસ્પૃશ્ય ન ગણાય તેવો બંદોબસ્ત થવો જોઈએ. રાજાઓ ધારે તો આ દુઃખીઓનું દુઃખ સહેજે ભાંગી શકે તેમ છે.”
(પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ, 30 માર્ચ 1929)
“અસ્પૃશ્યતાનિવારણ, આપણા રચનાત્મક કાર્યક્રમનું આ અંગ એટલું મહત્ત્વનું છે કે તેની સાથે ઉપરચોટિયા કામ લીધે મુદ્દલ પાલવે તેવું નથી. હિન્દુઓ અસ્પૃશ્યતા કાઢીને બેસી ગયા હોત તો આપણી છેલ્લા 12 માસની લડત 1,000 ગણી વધુ ઝળકી ઊઠી હોત. એટલું ચોક્કસ છે કે રાષ્ટ્રીય આત્મશુદ્ધિના આ મોટા કાર્યને સિદ્ધ કર્યા વિના અને હિન્દુ ધર્મ ઉપરના આ ડાઘને ધોયા વિના સ્વરાજ આવશે તોયે તો એ તે પોકળ હશે.”
(કરાંચી કોંગ્રેસના પ્રમુખપદેથી, માર્ચ 1931)
“ઊંચનીચના ભેદ, અસ્પૃશ્યતા વગેરે નહીં માનવાં જોઈએ. કોઈ કોઈ વખત અમારા સનાતનની ભાઈ અકળાય છે પણ ખરા. સ્વરાજની જેને વધારે જરૂર છે એને તે પહેલું મળવું જોઈએ.”
(મજૂરોને, 25 ઓગસ્ટ 1938)
“સ્વરાજની ઈમારતની ચોથી દીવાલ અસ્પૃશ્યતાનિવારણની છે. ગાંધીજીએ એક દલિતબાળાને દત્તક લીધી. તે વખતે સનાતનીઓ ખળભળી ઊઠ્યા હતા અને બૂમો પાડવા લાગ્યા કે આ તો કોઈ ધર્મનો નાશ કરનારો આવ્યો છે. પણ દક્ષિણ ભારત કે જ્યાં સનાતનીઓ ખૂબ ચુસ્ત કહેવાય છે અને જ્યાં સૌથી વધારે અસ્પૃશ્યતા હતી ત્યાં દલિતો માટે મોટા મોટા મંદિરો ખૂલી રહ્યા છે, ત્યારે અહીં ડાકોરનું મંદિર હજી નથી ખૂલ્યું અને ગામડામાં દલિતો ઉપર મારપીટ થાય છે. અસ્પૃશ્યતા કાઢ્યા વિના આપણો છૂટકો નથી. આજે થોડા દલિતો આપણી સાથે ન હોય, તો એમાં નવાઈ નથી. ડો. આંબેડકરને જે વીત્યું છે, તેવું થોડાને વીત્યું હશે. એનામાં જેટલી લાયકાત છે એટલી લાયકાત આપણામાંથી થોડામાં હશે.”
(સ્વરાજની ઈમારતની ચાર દીવાલ, 30 ડિસેમ્બર 1946)
“અહીં પાદરી ડોક્ટરો આવે છે. તેમાં બાઈ ડોક્ટરો પણ હોય છે. એ ઘોડા પર બેસીને બધે ફરે છે. સાથે સાથે ધર્મનો પ્રચાર કરે છે. અસ્પૃશ્યતા કાઢી નાખવા દલિત બાઈને કે ભાઈને કમ્પાઉન્ડર તરીકે રાખે છે. એક બ્રાહ્મણ દવા લેવા આવે તેને અડીને દવા લેવી પડે છે. ખ્રિસ્તીઓ અસ્પૃશ્યતા કાઢવા આટલું કરે એ આપણા માટે શરમભરેલું છે. આપણા વિદ્યાલયમાં અસ્પૃશ્યતા ન જ હોવી જોઈએ. નાતજાતના ભેદ પણ ન હોવા જોઈએ.”
(વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની બાળાઓને, 7 એપ્રિલ 1947)
“હું ગેસ્ટહાઉસમાં આવ્યો ત્યાં દલિતો કહે કે અમે સત્યાગ્રહ કરીએ છીએ. પૂછું કેમ? તો કહે કે અમને મહેસાણામાં બસમાં પટેલિયાઓ બેસવા દેતા નથી. જેટલા મંદિરો હોય, જેટલા જાહેર સાધન હોય એ ગરીબમાં ગરીબ અસ્પૃશ્ય માટે ખુલ્લાં હોવાં જોઈએ.”
(વડોદરામાં જાહેરસભા, 15 એપ્રિલ 1947)
“રાજ્યની અંદર દલિતોને હિસ્સો મળે એમાં હું તો નારાજ થાઉં જ નહીં. બધો જ હિસ્સો મળે તો રાજી થઉં. રાજ્યની જવાબદારી રાજ્ય છોડી નહીં શકે. રાજ્ય કાયદા કરે છે એ કેટલીક વાર કાગળ પર રહે છે. દલિતો માટે કાયદા કર્યા છતાં એનો અમલ જેવો જોઈએ એવો નથી થતો. એમાં સમાજની પણ કસૂર છે. રાજ્યે પણ એટલું તો કરવું જોઈએ કે દલિતોને લાભ ન આપે ત્યાં મોટર ચલાવવાનાં, હોટલો ચલાવવાનાં લાયસન્સ નહીં આપવા જોઈએ. અસ્પૃશ્યતા કાઢવાની આપણને અધીરાઈ આવવી જોઈએ.”
(ક્રાંતિના કાળને ઓળખો, 16 એપ્રિલ 1947)
“અંગ્રેજોએ પોતાના સ્વાર્થ ખાતર આપણી એબને પાળીપોષી કાયમ રાખી. નાતમાં અનેક જાતના વાડા થયા. એક બ્રાહ્મણની કોમને 84 જાત. કૂવાના દેડકાને કૂવાનું અભિમાન, એને મહાસાગરની ગમ નથી. એ કંઈ હિન્દુ ધર્મની સંસ્કૃતિ નથી. કાલે જ બોચાસણથી આવ્યો ત્યાંના મહારાજ મારી પાસે આવ્યા અને કહે કે મંદિરમાં આવો. તમારો કુટુંબનો તો (સ્વામિનારાયણ) મંદિર સાથે જૂનો સંબંધ છે. પણ સાથે સાથે કહે કે એમાં દલિતને દાખલ કરવાની અમારી હિંમત નથી ચાલતી.”
(કરમસદમાં માનપત્ર, 6 એપ્રિલ 1947)
“અસ્પૃશ્યતા કાઢો. મંદિરોમાં, જાહેર સ્થળોમાં, જાહેર વાહનોમાં, કૂવા, રેલવે, કશામાં સ્પૃશ્ય-અસ્પૃશ્યનો ભેદ નહીં હોવો જોઈએ. એથી દુનિયામાં આપણી નાલેશી જણાય છે, એ આપણી બેવકૂફી છે.”
(કાઁગ્રેસ માટે સત્તા જોઈતી નથી, 16 એપ્રિલ 1947)
[5]
પૂંજીપતિઓ હંમેશા સત્તાને રાજીરાજી રાખી પોતાનો સ્વાર્થ સાધતા હોય છે !
સત્તાની ચાપલૂસી કરનાર ‘ગોદી મીડિયા’ કહેવાય છે. જ્યારે આઝાદીની લડત ગાંધીજી ચલાવી રહ્યા હતા, ત્યારે ભારતીય માલિકીના અખબારો પણ અંગ્રેજોની ઈચ્છા મુજબના સમાચારો પ્રસિદ્ધ કરતા હતા. અંગ્રેજોની ભાટાઈ કરતા હતા. 2025માં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ગૃપ મોદીજીની સ્તુતિ કરે છે; એવું જ કામ આઝાદીની લડત વળાએ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ અખબાર કરતું હતું.
રાજકોટના રાજાની પ્રજાવિમુખતાના કારણે પ્રજા પરિષદના પ્રમુખ ઢેબરભાઈએ અવાજ ઊઠાવ્યો તો લાઠીચાર્જ કરી તેમને જેલમાં પૂર્યા. સરદારે લોકોને નિર્ભય થઈને રાજા સામે લડવાનું કહ્યું. આ લડત જેટલી લાંબી ચાલે એટલાં કાઠિયાવાડના રાજાઓનાં સિંહાસનોનાં મૂળિયાં હલી જવાનાં હતા. આ સંદર્ભમાં સરદાર કહે છે : “આજે ટાઇમ્સમાં એક ડહાપણભર્યો લેખ આવ્યો છે. તે લખે છે કે ‘આ તો કેવળ મિથ્યા લડત છે અને પૈસાની બરબાદી થાય છે.’
“આજે એકાએક ટાઇમ્સને દયા છૂટી આવી છે. સાત વર્ષ જ્યારે અંધેર કારભારથી પ્રજા કચડાઈ રહી હતી ત્યારે કાંઇ ન સૂઝ્યું, પણ હવે જ્યારે નાક દબાયું ત્યારે તેની એ બધી ડહાપણભરી સલાહ શરૂ થઈ. અત્યારે શી એવી ગરજ આવી છે કે દયા ખાવા નીકળી પડ્યા છો? રૂપિયા 500ના દિવાનને બદલે રૂપિયા 2,500નો દિવાન બોલાવાયો ત્યારે કેમ કાંઈ ના લખાયું? આખા મુંબઈ ઇલાકાનું તંત્ર ચલાવવા રૂપિયા 500નો પ્રધાન છે અને ખાબોચિયા જેટલા રાજકોટનું તંત્ર ચલાવવા રૂપિયા 2,500ના પગારથી 72 વર્ષના બુઢાને (કેડલને) બોલાવવામાં આવે છે ત્યારે કેમ કાંઈ બોલાતું નથી? (1933માં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 26/- હતો. 2025માં 10 ગ્રામ સોનાનો ભાવ રુપિયા 93,380/- છે. આ મુજબ તો હાલ પગાર થાય મહિને 24,27,880 રુપિયા !) અમારે એવા ઘરડા બળદને ગાડી નથી આપવી. અમારે તો હાલના અંધેર રાજ્યકારભારનો ભુક્કો કરી નાખવો છે અને તેની ફરી રચના કરી તેને સજીવન કરવું છે.”
(રાજકોટ પ્રકરણ, 21 નવેમ્બર 1938)
‘ભારત છોડો-Quit India’ ચળવળનો આરંભ મુંબઈમાં કાઁગ્રેસ અધિવેશનમાં 8 ઓગસ્ટ 1942ના રોજ થયો. તેના થોડાં દિવસ અંગ્રેજોએ સામ્યવાદીઓને જેલમુક્ત કર્યા, જેથી તેઓ કાઁગ્રેસનો વિરોધ કરી શકે. સરદાર કહે છે : “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સમયવાદીઓના સ્વદેશાભિમાનની હવે પ્રશંસા કરે છે એમને છોડાવવાને માટે પહેલાં જ્યારે એસેમ્બલીમાં ઠરાવ આવ્યો ત્યારે ગૃહ મંત્રી મેક્સવેલે એમને માટે જે શબ્દો કહ્યા હતા તેવા તો કોઈ શબ્દો બીજા કોઈ માટે પણ ના વાપરી શકાય. તે વખતે આ ટાઈમ્સે એ શબ્દોને ટેકો આપ્યો હતો.”
(આખરી લડતની તૈયારી, 26 જુલાઈ 1942)
પૂંજીપતિઓ ક્યારે ય લોકોની સમસ્યાઓ / વેદનાઓ સાથે નથી હોતા; તેઓ હંમેશાં સત્તાને રાજીરાજી રાખી પોતાનો સ્વાર્થ સાધતા હોય છે !
[6]
‘તમારે હવે આ સાધુઓને પડતા મૂકવા જોઈએ !’
સ્વામિનારાયણ પંથવાળા પોતાનું ઊંચું રાખવા સરદાર પટેલનો પણ ઉપયોગ કરે છે. સ્વામિનારાયણના નિત્યસ્વરુપદાસ સ્વામીએ એક કથામાં કહ્યું હતું : “સરદાર પટેલ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત શિષ્ય હતા. સતત 16 વરસ સુધી કરમસદથી ચાલતા ચાલતા વડતાલ પૂનમ ભરી હતી. 16 વરસ સુધી એકાદશી નિર્જળા રહ્યા હતા. સરદારનો જન્મ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી થયો હતો !”
‘સરદારના સંભારણાં’ પુસ્તકમાં; મોટિવેશનલ લેખક શૈલેષ સગપરિયા કહે છે કે “BAPSના સ્થાપક પ્રગટ બ્રહ્મસ્વરૂપ યજ્ઞપુરુષદાસ મહારાજે સરદાર જ્યારે નાના હતા ત્યારે ‘મોટા થઈને મોટું નામ કરશે’ એવા આશીર્વાદ પણ આપેલા.”
આ બધું મહાજૂઠ છે. સરદાર 30 વરસના હતા ત્યારનો એક પ્રસંગ રાજમોહન ગાંધીએ, ‘સરદાર પટેલ, એક સમર્પિત જીવન’ પુસ્તકમાં પેજ -19 ઉપર લખ્યો છે. સરદાર ત્યારે બોરસદમાં વકીલાત કરતા હતા. સરદારના પિતા ઝવેરભાઈ, સ્વામિનારાયણના યજ્ઞપુરુષદાસજીના ભક્ત હતા; વડતાલ મંદિર તરફથી કેસ થતાં પોલીસે યજ્ઞપુરુષદાસજી સામે વોરંટ કાઢ્યું. પિતા ઝવેરભાઈ બોરસદ પહોંચ્યા.
વલ્લભભાઈએ પૂછ્યું : “કેમ અચાનક આવવાનું થયું? મને કહેવડાવ્યું હોત તો હું જાતે કરમસદ આવી જાત.”
ઝવેરભાઈ : “આપણા મહારાજ સામે વોરંટ નીકળે અને પોલીસ પકડી જવાની ધમકી આપે ત્યારે તમારી આબરૂ અને લાગવગ શા કામના?”
વલ્લભભાઈ : “મહારાજ સામે વોરંટ? મહારાજ તો ભગવાન પુરુષોત્તમના અવતાર છે અને આપણા બધાનો મોક્ષ મેળવી આપવા સમર્થ છે. પકડવાની કોઈની હિંમત કેવી રીતે ચાલે?”
ઝવેરભાઈ : “વડતાલ-બોચાસણના મંદિરનો ઝઘડો છે. તારે આ વોરંટ રદ્દ કરાવી આપવું પડશે. મહારાજની ધરપકડ થાય તો આપણી આબરૂને ધક્કો પહોંચે.”
વલ્લભભાઈ : “આપણી આબરૂને ધક્કો શાનો લાગે? વોરંટ નીકળ્યું છે તેનું કારણ પણ હશે. તમારે હવે આ સાધુઓને પડતા મૂકવા જોઈએ. ખટપટ ચલાવે, ઝઘડા કરે, અદાલતે ચડે તેવા સાધુ આ લોકમાં કે પરલોકમાં આપણું કશું ભલું કરવાના નથી !”
સવાલ એ છે કે પ્રગટ બ્રહ્મસ્વરૂપ યજ્ઞપુરુષદાસજીએ સરદાર જ્યારે નાના હતા ત્યારે ‘મોટા થઈને મોટું નામ કરશે’ એવા આશીર્વાદ આપી શકતા હોય તો તેમને સરદાર પાસે પોતાની સામેનું વોરંટ રદ્દ કરાવવા દોડવું પડે? પોતાની સામેનું વોરંટ પ્રગટ બ્રહ્મસ્વરૂપ જાતે જ રદ્દ ન કરી શકે?
આ પુસ્તકમાં 1918થી 1947 સુધી 29 વર્ષનો ગુજરાતનો રાજકીય / આર્થિક / સામાજિક જીવનનો ઇતિહાસ છે. ખેડા સત્યાગ્રહ / ગુજરાત રાજકીય પરિષદ / બોરસદ સત્યાગ્રહ / ગુજરાત રેલસંકટ / બારડોલી સત્યાગ્રહ / બોરસદ પ્લેગ નિવારણ / હળપતિ પરિષદ / રાજકોટ રાજ્ય પરિષદ / ગુલામીની જંજીર તોડો / સ્વરાજ ઈમારતની ચાર દીવાલ વગેરે પ્રકરણો વાંચતા એવું લાગે કે કોઈ જવાબદાર / સંવેદનશીલ માણસ હાથ જોડીને બેસી ન રહે. પરંતુ આ 29 વરસ દરમિયાન મુશ્કેલ / કપરી સ્થિતિમાં સ્વામિનારાયણ પંથની હાજરી કે તેમની સેવા ક્યાં ય દેખાતી નથી. રેલ સંકટ / પ્લેગ / અસહકારની ચળવળ કે ‘ભારત છોડો’ ચળવળમાં સ્વામિનારાયણ પંથનું સહેજ પણ યોગદાન નથી. તેમણે તો મંદિરો જ નિર્માણ કર્યા હતા. 29 માર્ચ 1935માં બોચાસણમાં પ્લેગના કેસ થયા હતા, તે પ્રગટ બ્રહ્મસ્વરૂપ અટકાવી શક્યા ન હતા.
આ પુસ્તકમાં સરદાર બે વખત સ્વામિનારાયણ પંથ વિશે કહે છે : “સ્વામિનારાયણ પંથમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, પણ લોકપ્રવાહમાં તણાઈ તેમાં પણ અસ્પૃશ્યતા પેસી ગઈ છે.”
(સ્વરાજ ઈમારતની ચાર દીવાલ, 30 ડિસેમ્બર 1946)
“કાલે જ બોચાસણથી આવ્યો. ત્યાંના મહારાજ મારી પાસે આવ્યા અને કહે કે મંદિરે આવો. તમારા કુટુંબનો તો મંદિર સાથે જૂનો સંબંધ છે. પણ સાથે સાથે કહે કે એમાં દલિતને દાખલ કરવાની અમારી હિંમત નથી ચાલતી !”
(કરમસદમાં માનપત્ર, 6 એપ્રિલ 1947)
સરદારે જે મહારાજનો ઉલ્લેખ કર્યો છે તે BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના સ્થાપક યજ્ઞપુરુષદાસજી શાસ્ત્રી (31 જાન્યુઆરી 1865 / 10 મે 1951) હતા. લોકો તેમને પ્રગટ બ્રહ્મસ્વરૂપ માનતા હતા, પરંતુ તે તો પોતાના મંદિરમાં દલિત પ્રવેશ કરે તેનાથી ફફડતા હતા !
[7]
સત્ય/ અહિંસા/ આપભોગ/ રેંટિયાથી આઝાદી મળે?
જાગૃતિ ફિલ્મ (1954)નું પ્રદીપે લખેલું ગીત છે :
“दे दी हमें आज़ादी बिना खड्ग बिना ढाल
साबरमती के सन्त तूने कर दिया कमाल !
धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई
दागी न कहीं तोप न बंदूक चलाई
दुश्मन के किले पर भी न की तूने चढ़ाई
वाह रे फ़कीर खूब करामात दिखाई
चुटकी में दुश्मनों को दिया देश से निकाल
साबरमती के सन्त तूने कर दिया कमाल !
સવાલ એ છે કે તલવાર / હિંસા વિના વિજય મળે? સત્ય / અહિંસા / આપભોગ / રેંટિયા / ખાદીથી આઝાદી મળે? શું બીજા વિશ્વયુદ્ધની સ્થિતિના કારણે આપણને આઝાદી મળી?
“ગાંધીજી હિન્દુસ્તાન આવ્યા, ત્યારે એમણે ચાર વસ્તુ દેશની આગળ મૂકી. એ જો આપણે બરોબર કરી હોત, તો આજે આપણે સ્વતંત્ર થઈને બેસી ગયા હોત. એ સ્વતંત્રતા આખી દુનિયામાં ક્યાં ય નથી, એવી જુદા જ પ્રકારની હોત. અત્યારે પણ સ્વતંત્રતા આપણને મળવાની તો છે જ, પણ એમાં મીઠાશ નથી દેખાતી. જે ચાર વસ્તુઓનો પાયો એમણે નાખ્યો એમાંથી એકની દીવાલ પણ આપણે પૂરી ચણી શક્યા નથી. સ્વરાજ ઈમારતની ચાર દીવાલ છે : રાષ્ટ્રીય કેળવણી / હિંદુ-મુસ્લિમ એકતા / ખાદી અને અસ્પૃશ્યતાનિવારણ.”
(સ્વરાજ ઈમારતની ચાર દીવાલ, 30 ડિસેમ્બર 1946)
[ખાદી / રેંટિયો શા માટે?]
“બ્રિટિશ રાજનીતિનું મોટામાં મોટું પાપ આ દેશના એકના એક ગૃહઉદ્યોગનો બુદ્ધિપૂર્વક નાશ કરવામાં રહેલું છે. અંગ્રેજ રાજસત્તાની જમાવટ પહેલા આ દેશ પોતાને જોઈતું બધું કાપડ બનાવવા ઉપરાંત લાખો રૂપિયાનું કાપડ પરદેશને પૂરું પાડતો હતો. એ વખતે આ દેશમાં એક પણ કારખાનું કે મિલ નહોતી. એ બધું કાપડ હાથે કાંતેલા સૂતરનું અને હાથવણાટનું બનતું હતું. કરોડો માણસો આ ઉદ્યોગથી ઘેર બેઠા વગર મૂડી રોક્યે પોતાની રોજી મેળવી શકતાં હતાં. આ બધાની રોજી તૂટી ગઈ છે. તેમને માટે બીજો કોઈ એવો ધંધો નથી કે જેમાં એટલાં બધાં માણસો કામે લગાડી શકાય.”
(પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ, 30 માર્ચ 1929)
“તમારા પકવેલા માલની અને તમારી વચ્ચે કેટલાક દલાલ છે તે વિચારો. તમારો કપાસ બાવળે જાય, ત્યાં જીનમાં પિલાય, તેનું રૂ બને, ત્યાંથી પ્રેસવાળા પાસે જાય, તેની ગાંસડીઓ બંધાય, ત્યાંથી રેલમાં અમદાવાદ જાય, તે સોદામાંયે વચમાં વેપારી હોય, ત્યાંથી મુંબઈ જાય, ત્યાંથી આગબોટમાં પરદેશ જાય, ત્યાં કારખાનામાં કંતાય અને વણાય, તેનું કપડું બને તે પાછું આગબોટમાં મુંબઈ આવે, મુંબઈની મૂળજી જેઠા માર્કેટમાં ભરાય, ત્યાંથી અમદાવાદ આવે. અમદાવાદથી તે કાપડ ચલોડે આવે ને પછી તમે પહેરો. આ કેટલો બધો ઊંધો વેપાર છે? બળદની પાસેથી આપણે જેમ ખેતીનું કામ લઈએ છીએ તેમ આપણી પાસે મજૂરી કરાવી પરદેશીઓ બધું લઈ જાય છે. અને આ નાટક બધું આપણા માણસો મારફત જ ચાલ્યા કરે છે. ગાંધીજી કહે છે કે 60 કરોડનું કાપડ વિલાયતથી આવે છે તે બંધ કરો. તમારું કપડું તમે પેદા કરો. તેમાં તમારા વણકરો ઊભા રહેશે. તેમાં તમારી મા, બહેન દીકરીઓ પોષાશે.”
(ધોળકા તાલુકાના ખેડૂતોને, જૂન 1927)
[પરદેશી કાપડનો બહિષ્કાર કેમ?]
“આ સરકાર વેપાર સારું આવેલી છે. વેપાર નરમ થતાં, સરકાર નરમ થશે.”
(અસહકાર, 29 માર્ચ 1921)
[અહિંસા શા માટે?]
“આપણા જુવાનિયાઓ અમલદારની સામે ઉદ્ધતાઈ શીખે નહીં. આપણે વિનય છોડીશું તો જુવાનિયાઓ તેથી આગળ વધી ઉદ્ધતાઈ શીખશે, અને તેમ થાય તો આપણી લડતનું પરિણામ વિપરીત જ આવે, અને જીતવાને બદલે જરૂર હારીએ.”
(ખેડા સત્યાગ્રહ, મે 1918)
“સરકારને હરાવવી હોય તો એક જ માર્ગ છે કે તોફાન કરવું નહીં. જો આપણે લાકડીચાળો કરીએ તો ગઈ વખતે વીરમગામ, અમદાવાદમાં થયું તેમ થાય અને આપણે જરૂર પછડાઈએ.”
(અસહકાર, 29 માર્ચ 1921)
“સત્યાગ્રહની લડતમાં કદી હારવાપણું છે જ નહીં. આપણા સ્વાર્થત્યાગના પ્રમાણમાં આપણને ફળ મળ્યું છે. રાષ્ટ્રમાં જે ચેતન અને આત્મશ્રદ્ધા પ્રગટ્યાં એ આ અવસરનું મોટામાં મોટું ફળ છે. આ મૂડીના જોરે આપણે આગળ વેપાર કરી શકીએ છીએ. એ કબૂલ કરવું જોઈએ કે આપણે જે જોઈએ છે તે મેળવવા માટે જેવો અને જેટલો ભોગ આપવો જોઈએ એટલો આપવામાં પ્રજા અશક્ત નીવડી છે. પ્રજામાં થાક જણાયો. નેતાઓએ પ્રજાની શક્તિનો અંદાજ કાઢીને સત્યાગ્રહની લડાઈ થોભાવી દીધી. લડાઈની રીત બદલી. સત્યાગ્રહની લડાઈ હંમેશાં બે પ્રકારની હોય છે : એક જુલમોની સામે અને બીજી પોતાની નબળાઈઓની સામે. આળસ છોડી દો, વહેમો ફગાવી દો; ડર છોડો, કુસંપનો ત્યાગ કરો; કાયરતા ખંખેરી નાખો, હિંમત રાખો, બહાદુર બનો, આત્મવિશ્વાસ રાખતા શીખો. આટલું કરશો તો તમે જે ઈચ્છશો તે એની મેળે આવી મળશે. જગતમાં જેને માટે જે લાયક છે તે તેને મળે જ છે.”
(કિસાન સભામાં, 1936)
[નમ્રતા જૂઓ. જેલમાં ગયા, સત્યાગ્રહો કર્યા, અંગ્રેજોના જુલમ સહન કર્યા, છતાં સફળતાને ગળે વળગાડવાની લાલસા નહીં.]
“અંગ્રેજો ગયા તે માટે આપણે શું કર્યું છે? જુવારના ખેતરમાં તાળીઓ પાડી ચકલાં ઉડાડીએ તેમ ખાલી હાકોટા આપણે સ્વરાજ મેળવ્યું છે. મહેનત કર્યા વગર મળી ગયું છે એટલે ગભરાઈ ગયા છીએ. સ્વતંત્ર દેશોએ સ્વતંત્રતા મેળવવા માટે જે ભારે ભોગો આપ્યા છે તેના પ્રમાણમાં આપણે ઓછા ભોગ આપ્યા છે અને ઓછા દુઃખ સહન કર્યા છે.”
(કરમસદમાં માનપત્ર, 6 એપ્રિલ 1947 તથા વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં, 7 એપ્રિલ 1947)
[8]
સરદાર નેહરુ વિશે શું માનતા હતા?
ગોડસેવાદીઓએ એક ભ્રમ ફેલાવ્યો છે છે કે સરદાર પટેલ અને નેહરુ વચ્ચે ગજગ્રાહ હતો, બન્ને સામસામે હતા ! RSS પર સૌપ્રથમ પ્રતિબંધ મૂકનાર સરદાર પટેલ હતા. સરદાર હિન્દુ મહાસભા તથા મુસ્લિમ લીગની રાજનીતિના આલોચક હતા. સરદારનું ઊંચું સ્ટેચ્યૂ ઊભું કરવા પાછળનો આશય સરદારના આદર્શો લોકોમાં દૃઢ બને તે ન હતો. સરદારના નામે રાજનીતિ કરનારાઓમાં / સરદારના નામે સંસ્થાઓ ઊભી કરનારાઓમાં સરદારની સાદગી દેખાય છે? સરદારની પ્રામાણિકતા, નિષ્ઠા દેખાય છે? અન્યાય સામે અવાજ ઉઠાવવાનો જુસ્સો / હિંમત દેખાય છે? તડિપાર / ક્રિમિનલને મિનિસ્ટર બનાવે તેવું સરદાર ક્યારે ય સહન કરી શકે? આવા નેતાઓ સરદારની પ્રતિમાના પડછાયામાં પણ ઊભા રહેવાને લાયક નથી ! RSS પાસે સરદાર જેવો કોઈ નેતા ન હતો એટલે સરદારનું અપહરણ કર્યું છે. સરદારને ઊંચા કરી ગાંધીજીને / નેહરુને નીચા દેખાડવાની મેલી રમત છે. સરદાર તો નેહરુના ગુણો-બાહોશી, ત્યાગ, કુશળતાનો આદર કરતા હતા. આઝાાદીના મહાન લડવૈયાઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા ગોડસેવાદીઓની WhatsApp યુનિવર્સિટીએ માઝા મૂકી છે.
[જાહેરમાં નેહરુને ક્રેડિટ]
“અમલદારોના હાથમાં વધુ સત્તા સોંપી હોય તો તેનો તેવો કેવો દુરુપયોગ કરે છે, તેમ જ ફાવે તેને પોતાની વિશાળ જાળમાં ખેંચી લાવવા માટે જોઈતાં ખરાંખોટાં બહાનાં તેઓ કેટલી સહેલાઈથી કાઢી શકે છે તે બારડોલી સત્યાગ્રહની લડત વખતે આપણને બરાબર જોવા મળ્યું. સત્યાગ્રહને બોલિશેવિઝમનું રૂપ કલ્પવામાં આવ્યું અને મને ભારતીય લેનિનની મોટી ઉપાધિ આપવામાં આવી ! લેનિન વિશેનું મારું બધું જ્ઞાન પંડિત જવાહરલાલ નેહરુએ લખેલા ‘સોવિયેટ રશિયા’ નામના નાનકડા પુસ્તકમાંથી મને મળેલું છે. મારે કબૂલ કરવું જોઈએ કે સોવિયેટ સંસ્થાઓની વ્યવસ્થા તથા સોવિયેટ પદ્ધતિ બાબત હું તદ્દન અજાણ છું. પણ આજે ભણેલા મધ્યમ વર્ગને ખેડૂત અને મજૂર વર્ગના સંપર્કમાં લાવવા માટે કોઈપણ કલ્યાણકારી ચળવળ કે પ્રવૃત્તિ ઉપાડવામાં આવે તો તેને ભયના ચિહ્ન તરીકે જ લેખમાં આવે છે; અને આવી હિલચાલોને બદનામ કરવા માટે બોલિશેવિઝમ અને કોમ્યુનિઝમ એ બે વિશેષણો ગમે ત્યારે તૈયાર જ હોય છે.”
(સાતમી મહારાષ્ટ્ર પ્રાંતિક પરિષદ, 4 મે 1929)
[જવાહરલાલના પિતા વિશે]
“પંડિત મોતીલાલજીએ મારા કામ પર ટીકા કરી હોય તો હું તો તેમની આગળ બચ્ચું છું. એમના ત્યાગની, એમની દેશ સેવાની કિંમત હું શી રીતે આંકી શકું? મારા જેવા કાચા સિપાઈની ભૂલ થતી જણાય ત્યાં ભૂલ બતાવવાનો તેમના જેવા અનુભવીનો હક છે.”
(નાગપુરની જીતનું રહસ્ય, સપ્ટેમ્બર 1923)
“હું કારાવાસમાંથી બહાર નીકળું તે પહેલાંથી જ પંડિત જવાહરલાલે મારા માટે હુકમ કરી રાખ્યો હતો કે તેમની પાછળ હિંદુસ્તાનનું તંત્ર મારે સંભાળવું. એમનો હુકમ માથે ચડાવું છું. તેનો અમલ કરવાનો પ્રયત્ન કરું છું.”
(માંડવીના ખાદીભંડારનું ઉદ્ઘાટન, નવેમ્બર 1930)
[આઝાદીના ચાર મહિના પહેલા]
“આ રાજ્યતંત્રને ઉખેડી નાખવામાં અમારા નેતા ગાંધીજી હતા. રાજતંત્ર ચલાવવામાં અમારા નેતા જવાહરલાલ નહેરુ છે. એની બાહોશી, ત્યાગ, કુશળતાની જોડી નથી. ગાંધીજીની સિપાહીગીરી જેટલી વફાદારીથી કરી તેટલી જ વફાદારીથી પંડિત જવાહરલાલજીની સિપાહીગીરી કરવા ત્યાં ગયો છું. એને મારાથી થાય તેટલી મદદ કરવાનો મારો ધર્મ છે અને તે પ્રમાણે કરું છું.”
(વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં, 7 એપ્રિલ 1947)r
[9]
‘આ સત્યાગ્રહ નહીં, ઘાતકીપણું છે !’
સત્યાગ્રહ એટલે શું? વિવેક ચૂક્યા વિના સત્ય માટે અવાજ ઊઠાવવો. સત્યાગ્રહમાં દુ:ખ વેઠવાનું છે, દુઃખ આપવાનું નથી.
[કાયદાનો સવિનય ભંગ કોણ કરશે?]
“આઠ દસ પંદર દિવસે કાયદાનો સવિનય ભંગ થવાનો છે, એવા પ્રકારે અને એવી વ્યક્તિઓ મારફતે કે જે અહિંસાત્મક હોય, જેનામાં ક્રોધ ન હોય, ઈર્ષા ન હોય, જેની સાત્ત્વિકતા-શુદ્ધતાની શંકા ન હોય.”
(ધર્મયુદ્ધના મંડાણ, 11 ફેબ્રુઆરી 1930)
“તાકાત વગર બોલવાથી ફાયદો નથી. દારુગોળા વગર જામગરીથી ભડાકો નથી થવાનો. રાજાઓ સામે બખાળા કે ગાળો દેવાથી કાંઈ નથી થવાનું. આપણી આબરૂ વધવાની નથી. જગત તો કહેશે કે એક નાનું ઠાકરડું આ લાખ બે લાખના નામર્દોને સતાવી રહ્યું છે. તેને તો ફજેત થવાપણું કાંઈ છે જ નહીં. જેને મૂકી લાજ તેને નાનું સરખું રાજ. દુ:ખ તમારે વેઠવું પડશે, અહીં ભાષણ કરે છે તેને વેઠવું નહીં પડે. મોટા વરઘોડા, સરઘસો કે ભાષણો અને છાપાંથી કોઈ પ્રજા કે રાજ્ય માત થયાં નથી. સંગીન અને સાચા કાર્યથી જ આ પરદેશી રાજ્યતંત્રને માત કરી શકાશે.”
(કાર્યકરોને, 25 જૂન 1936)
“પોતાના કુટુંબને આર્થિક મદદ મળશે એવી આશા રાખનાર સત્યાગ્રહીએ લડતમાં દાખલ ન થવું જોઈએ. કોઈપણ સત્યાગ્રહીએ એવી આશા ન રાખવી જોઈએ કે પાછળથી એવી ફરિયાદ ન કરવી જોઈએ કે કાઁગ્રેસે મને આટલી સગવડ ન આપી.”
(ખેડા સત્યાગ્રહીઓને, 7 સપ્ટેમ્બર 1940)
“સરકાર પાસે તો હકૂમત છે, તોપબંદૂક છે, પશુબળ છે. તમારી પાસે સાચનું બળ છે, દુઃખ સહન કરવાની શક્તિ છે. આવો આ બે બળનો મુકાબલો છે. તમારી વાત સાચી છે એનું જો તમને ભાન બરાબર હોય, આ અન્યાય છે ને તેની સામે થવું એ ધર્મ છે એ વાત તમારા અંતરમાં ઊગી ગઈ હોય, તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કામ કરી શકવાની નથી. જુલમીમાં જુલમી રાજ્ય પણ પ્રજા એકત્ર થાય છે ત્યારે તે સામે ટકી શકતું નથી. મિજાજ કાબૂમાં રાખીને, સાચ ઉપર અડગ રહીને, સંયમ પાળીને, સરકાર સામે ઝૂઝવાનું છે. જપ્તી અમલદારો આવશે, તમને ખૂબ સતાવશે, ઉશ્કેરણીના કારણો આપશે, ગમે તેવી ભાષા વાપરશે, તમારી સતામણી કરશે અને જેટલી જેટલી તમારી નબળાઈઓ તેમના જોવામાં આવશે તેટલી મારફતે તમારા ઉપર હુમલા કરવા મથશે, સરકાર એકે ઉપાય બાકી નહીં રાખે, તમારામાં ફાટફૂટ પાડશે, કજિયા કરાવશે, છતાં મુખ્ય વસ્તુ ઉપરથી તમે ન ડગશો, અહિંસાની પ્રતિજ્ઞા ઉપરથી ન ચળશો. શાંતિથી અને સંયમથી દૃઢ રહેજો કે અમારે હાથે કરીને સરકારને પાઈ પણ નથી આપવી, જોઈએ તો જપ્તી કરો, ખલસા કરો, ખેતર પર જાઓ, હરાજી બોલાવો, જે કંઈ કરવું હોય તે જબરજસ્તી કરો, મરજિયાત કંઈ નહીં કરાવી શકો; અમારે હાથે તમને કશું નહીં મળે. એ જ લડતનો મૂળ પાયો છે. કોઈ સુધરેલી સરકાર પ્રજાની સંમતિ સિવાય રાજ કરી શકે નહીં.”
(બારડોલીનો સત્યાગ્રહ,1928)
“મારા સાંભળવામાં આવ્યું છે કે તમારા ગામમાં આજે એક ખ્રિસ્તી જપ્તી અમલદાર નિમાયા છે તેને ગામમાંથી સીધુંસામાન મળતા નથી. મારી સલાહ છે કે એમ ન કરશો. અમલદાર કાંઈ આપણા દુ:શ્મન નથી. એ બિચારો હુકમનો તાબેદાર થઈને આવ્યો છે. હુકમનો આનાદર કરી નોકરી છોડવાની તેની હિંમત નથી. તેના ઉપર આપણને દ્વેષ ન હોય. કોઈની જિંદગીની જરૂરિયાતો અટકાવવી, દૂધ, શાક, ધોબી, હજામ ન મળે એમ કરવું એ સત્યાગ્રહ નથી. બજારમાંથી મળતી ચીજો પૂરા દામ આપતાં સૌની જેમ તેમને પણ મળવી જોઈએ. એક અજાણ્યો માણસ ગામમાં આવીને પડે ને તેનો આવો બહિષ્કાર થાય તો તેની કેવી સ્થિતિ થઈ પડે? તેનાથી ન નોકરી છોડાય, તેમ ન લોકોનો ત્રાસ સહેવાય. આવી સ્થિતિમાં કોઈને મૂકવો એ સત્યાગ્રહ નહીં પણ ઘાતકીપણું કહેવાય. માટે ઘી, દૂધ, શાક તેમ જ જો કોઈ વાંધો પડે તો દવા વગેરે જિંદગીની જરૂરિયાતો કોઈ અટકાવે નહીં. જરૂર જપ્તીના કામમાં તેને કોઈ જાતની મદદ ન કરવી, ગાડી કે મજૂર કે પંચ એવું કશું આપવાની સાફ ના કહેવી. તેને કહી દેવું કે અમારે તમારી ઉપર રોષ નથી, તમે ખ્રિસ્તી હો કે હિન્દુ કે મુસલમાન હો – અમારે તો બધા સરકારી નોકરો સરખા છે, અમારે તમારી સાથે અંગત વિરોધ કંઈ જ નથી; પણ અમારી સામે તમે જપ્તીના દરોડા લાવો તેમાં અમે તમને મદદ ન જ આપી શકીએ. આપણો ઝઘડો તો મોટાઓ સાથે છે, આવા ગરીબ નોકરો સાથે નથી. આપણું બળ તો સભ્યતાથી દુઃખ સહન કરવામાં રહેલું છે. સરકારમાં નબળાઈ છે તેથી તે પોલીસની મદદ લે છે અને તેથી આબકારી ખાતાની મદદ લઈને લોકોને દબાવવાની કોશિશ કરે છે. એવી સ્થિતિમાં પોલીસને પણ ખાવાપીવાની ચીજોમાં અડચણ નાખવી યોગ્ય નથી. ભૂખે મરતા લશ્કર સામે લડવું એ ધર્મયુદ્ધ નથી. તેથી મારી કડોદ ગામને સલાહ છે કે એવા કંઈ કાયદા ગામલોકે કર્યા હોય તોપણ હવે તે ફેરવી નાખજો.”
(બારડોલીનો સત્યાગ્રહ, 1928)
[10]
સરદાર રાજાઓ સામે લડવાનું કેમ ટાળતા હતા?
કેટલાંક લોકોને પ્રશ્ન થાય છે કે રજવાડી શાસનમાં અંગ્રેજ શાસન કરતાં વધુ અન્યાય થતો હતો છતાં કાઁગ્રેસે રાજાઓ સામે લડવાને બદલે અંગ્રેજો સામે લડત ચલાવી તેનું શું કારણ? વાસ્તવમાં રાજાઓ પણ બ્રિટિશ હકૂમતના ગુલામ હતા. એટલે રજવાડાની પ્રજા તો ગુલામની પણ ગુલામ હતી. રાજાઓ અંગ્રેજોની ઓથમાં અન્યાય કરી રહ્યા હતા. એટલે બ્રિટિશ શાસન હટાવવું જરૂરી હતું.
“દેશી રાજ્યોની સ્થિતિ કઢંગી અને દુઃખદાયક છે. જગતમાં આવી વિચિત્ર સંસ્થાઓ બીજે ક્યાં ય નથી. રાજ્યોની સંજ્ઞાથી ઓળખાતાં છતાં તે સંસ્થાઓની પરાધીનતાનો પાર નથી. આ બધાંના ઉપર સામ્રાજ્ય તરફથી એક ચોકીદાર રાખવામાં આવ્યો છે. આ દેશમાંથી અનેક દેશી રાજાઓ દર વર્ષે યુરોપની સફરે જાય છે, તેમાંથી ત્યાં કોઈપણ રાજાનું કોઈ પણ દેશમાં સ્વાગત થયું હોય કે તેને માન મળ્યું હોય એવું બન્યું છે? પ્રજાને સુખે સુખી અને દુ:ખે દુઃખી એ રાજ્યસૂત્ર ક્યાં ય પળાતું નથી. પોતાની પ્રજા ઉપર સિતમ ગુજારવાની અમર્યાદિત સત્તા મળેલી છે ખરી. પરંતુ રૈયતને રંજાડી મનગમતા કરવેરા વસૂલ કરી રાજ્યની તિજોરી ભરવામાં કે દેહાંતદંડની સજા કરવાની સત્તા ભોગવવામાં ખરી રાજ્યસત્તા રહેલી નથી. જગતની સર્વ સત્તાઓની સામે પ્રજાનું રક્ષણ કરવામાં જ ખરી રાજ્યસત્તા રહેલી છે. તે કોઈ પણ દેશી રાજ્ય પાસે અગર તો બધાં રાજ્ય એકત્ર થાય તો તેમની પાસે પણ નથી. લાંબા કાળની પરાધીનતાને લીધે રાજ્યધર્મનો લોપ થઈ ગયો છે. અંધાધૂંધી અને અરાજકતા વ્યાપક થઈ પડ્યાં છે. પ્રજા પ્રાણરહિત, નિસ્તેજ અને કંગાળ બની ગઈ છે. આ દુઃખદાયક સ્થિતિને માટે આપણા રાજામહારાજાઓ જ જવાબદાર છે એ માનવું ભૂલ ભરેલું છે. સામ્રાજ્યના મહાન વૃક્ષની જબરદસ્ત છાયામાં નાનાં મોટાં રાજ્યના કુમળા છોડ કરમાઈ ગયા છે. ચેતન વગરના અને લગભગ જડ જેવા બની ગયા છે. દેશી રાજ્યોમાં દેખાતી અરાજકતા એ તો ખરી રીતે સામ્રાજ્યમાં પ્રવર્તતી અરાજકતાનો પડઘો છે. રાજાઓ શું કરી શકે? પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપી નિર્બળ રાજ્યો રાજ્યોને સબળ બનાવે. સામ્રાજ્યની ઓથમાં ભરાવા કરતાં પ્રજાનો પ્રેમ સંપાદન કરવામાં રાજ્યની વિશેષ સલામતી રહેલી છે. રાજ્ય એ પ્રજાને ખાતર છે, રાજ્યને ખાતર પ્રજા નથી. રાજ્યની તિજોરીના રાજાઓ ટ્રસ્ટી છે, માલિક નથી. કેટલાક રાજા તો એવા છે કે જેમને આ દેશમાં રહેવું મુદ્દલ ગોઠતું નથી. અને પ્રસંગવશાત્ આ દેશમાં આવવું પડે ત્યારે પણ એવા સંજોગો સાથે આવે છે કે જેથી કુટુંબકલેશ થાય છે અને ખુદ રાજરાણીને શરમ છોડી દિલ્હીના તખ્ત સુધી રાજાનાં અપલક્ષણની રાવ ખાવા દોડવું પડે છે. આવા રાજાઓને અમર્યાદિત ભોગવિલાસ ભોગવવા હોય તો રાજગાદી છોડવી જ જોઈએ. રાજાઓએ પોતાના કુળની ઈજ્જતની ખાતર પણ આ પરદેશ ભટકવાની પ્રથા એકદમ બંધ કરવી જોઈએ.”
(પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ-1, 30 માર્ચ 1929)
“બહુ બોલવાથી લાભ નહીં, પણ હાનિ થાય છે. કાઠિયાવાડને આજે ખરી જરૂર ઓછું બોલવાની, અને શું બોલવું તે બોલતાં શીખવાની છે. કાઠિયાવાડને જરૂર ઝેરી હવાની નહીં પણ પ્રેમની હવા પેદા કરવાની છે. તમે મને પૂછશો કે રાજામહારાજા નિંદાપાત્ર નથી? અત્યાર સુધી એવું રાજ્ય જગતમાં એકે નથી થયું કે જે નિંદાપાત્ર નથી થયું. પણ નિંદા કર્યે શું વળે? કેટલાંક તો તમારાં દુઃખો એવા છે કે જે તમારી જાહેરમાં કહેવાની શક્તિ પણ નથી. ખેડૂતો ઉપર અનેક જુલમો હશે છતાં તે અહીં આવીને જાહેર નથી કરી શકતો. ‘બાપુનું રાજ બહુ સારું’ એમ તે જાહેરમાં કહેશે. તો એવી સ્થિતિમાં પરિષદ ભરવામાં કે દેશી રાજ્યમાં પેસીને કામ કરવામાં કેટલી બધી મુશ્કેલીઓ પડે છે? આવી મુશ્કેલીમાં આપણે આજે વધારો કરશું કે ઘટાડો કરશું? આજે એવાં રાજ્યો કાઠિયાવાડમાં પડેલાં નથી શું કે જ્યાં આપણને ઉતારો મેળવવો પણ મુશ્કેલ પડે? એવી સ્થિતિમાં ખૂબ બખાળા પાડવા હોય, રાજાને ખૂબ સંભળાવ્યું એમ કહેવડાવવું હોય તો તમને મારી સૂચના છે કે બ્રિટિશ હિન્દુસ્તાનમાં આવો, મુંબઈ જાઓ, વિરમગામ જાઓ. ત્યાં પાંચપંદર દિવસ જોઈએ એટલું બોલી લો. પણ નકામું બહુ બોલવાથી આખરે તમને પક્ષાઘાત થવાનો છે. રાડો પાડનારાએ બળવો નથી કરી જાણ્યો. એ બળવો કરનાર મૂંગા છે. એ પોતાનું જોર પોતામાં ભરી રાખે છે, અને વખત આવ્યે તે બહાર કાઢે છે. જગતમાં ગાંધીજી જેવો બીજો કોઈ બળવાખોર નથી. પણ એનો બળવો અસત્યની સામે છે, પાખંડની સામે છે, મેલની સામે છે, કોઈ વ્યક્તિની સામે નથી. આપણે જે બોલીએ એમાં બળ હોવું જોઈ. ખાલી નિંદાથી હાર્યો હોય એવા રાજાનો એક દાખલો જગતમાં નથી. ”
(પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ-2, 30 માર્ચ 1929)
“નાટકશાળાના તરગાળાના છોકરાઓ તલવારો ચડાવીને ફરે છે. તેમનામાં જે સ્વતંત્રતા છે તેટલી સ્વતંત્રતા પણ આજે દેશી રાજાઓમાં નથી.”
(રાજસ્થાની કાર્યકરોને, 25 જૂન 1936)
“હરિપુરાના ઠરાવથી તમે ગુસ્સે થયા છો કે બ્રિટિશ હિંદ અને દેશી રાજ્યોની પ્રજા વચ્ચે ભેદભાવ કેમ ગણ્યા? પણ તમારા હિત માટે જ એમ કર્યું છે. દેશી રાજ્યમાં લડત ઉપાડીને પછી તમે કાઁગ્રેસ પાસે આવો, એટલે જે મોરચે દુ:શ્મન સામે લડવું જોઈએ તે છોડીને તેણે તમારી સાથે આવવું પડે. આથી તો કાઁગ્રેસની શક્તિ ક્ષીણ થઈ જાય. સૂર્યને ગ્રહણ લાગવાથી સારા જગતમાં અંધકાર ફેલાઈ જાય છે. કાંગ્રેસને ગ્રહણ લાગશે તો સારો દેશ કમજોર બની જશે. જાણતાં અજાણતાં રાજાઓ જે જુલમ કરે છે, તે એવા ખ્યાલથી કરે છે કે આપણી પાછળ સલ્તનત ઊભી છે.”
(દક્ષણી રાજસ્થાન અધિવેશન, 22 મે 1938)
“રાજા ગમે તેવો હોય પણ તેને પદભ્રષ્ટ કરવા આપણે બેઠા નથી. એને પદભ્રષ્ટ કરવાનો આપણે વિચાર પણ કરતા નથી. આપણે જે માગીએ છીએ તે તો સત્તાની મર્યાદા માગીએ છીએ. ભવાઈની પાછળ, ગાનારીઓનાં નખરાં પાછળ અને વેશ્યાઓ નચાવવા પાછળ રાજા જો લખલૂટ ખર્ચ કરે અને ખેડૂતો ભૂખે મરે તો તેવું રાજ્ય જીવે નહીં. એટલે જવાબદાર રાજ્યતંત્રની માગણી પ્રજા કરે તેમાં નવાઈ નથી. લોકજાગૃતિ થોડા માણસોના ભારે ભોગથી થાય છે …ગર્વિષ્ઠ રાજાઓ અંગ્રેજને દરવાજે ચપરાસીને પૈસા ચાંપીને પણ અંદર જાય. પણ ખેડૂતની ઝૂંપડીમાં તેમનાથી નહીં જવાય ! હવેના રાજવીઓ એટલે તો રાજકુમાર કોલેજનો પાક ! અને રાજકુમાર કોલેજનો પાક એટલે સડી ગયેલાં ફળ ! એ કોલેજમાંથી ઓછા જ લાયક નીકળ્યા હશે. જાણે નાલાયક બનાવવા માટે ત્યાં મોકલાતા ન હોય ! રાજકુમાર એટલે જાણે વિચાર કરવાની શક્તિ નહીં, આચાર-વિચારભ્રષ્ટ. પ્રજા તરફ ભાવથી, માનથી અને પ્રેમથી રાજવીઓ જૂએ એ ભાવના જ હવે તો રહી નથી. ઇંગ્લેન્ડનો રાજા કહેવાય છે તો શહેનશાહ, પણ એ આખરે તો પ્રજાનો સેવક જ છે. પ્રજા જ ખરી એની ધણી છે. એટલે તો એડવર્ડ આઠમાને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યો. અને અહીં તો બહારથી નાચનારીઓ લાવીને નચાવે તોયે તમે કંઈ બોલી શકવાના નથી. પણ રાજાની નાલાયકી એ આપણી પોતાની નાલાયકી છે. એટલે પ્રજાએ તો રાજાના ચોકીદાર બનવું જોઈએ. આપણે ચોકી રાખીએ ત્યાં સુધી રાજા સારો રહે જ.”
(રાજકોટ રાજ્ય પ્રજા પરિષદ, સપ્ટેમ્બર 1938)
[11]

વલ્લભભાઈ પટેલ
‘ખેડૂતો આટલું સમજી જાય તો સરકાર સામું જોવું ન પડે !’
આપણે ત્યાં ગામડાંઓ ભાંગતા જાય છે. મુખ્યત્વે રોજગારી / બાળકોનું શિક્ષણ / સુરક્ષા માટે તથા ભેદભાવથી છૂટવા માટે શહેરીકરણ વધતું જાય છે. અમુક જ્ઞાતિઓમાં લગ્નસંબંધ તો જ થાય છે જો છોકરો શહેરમાં સેટ થયેલો હોય અને પોતાનો એપાર્ટમેન્ટ હોય. આઝાદીની લડત સમયે / ખેડા સત્યાગ્રહ (1918); બોરસદ સત્યાગ્રહ (1923); બારડોલી સત્યાગ્રહ (1928) વગેરે પ્રસંગે સરદાર પટેલ ગામડાંઓમાં રહ્યા હતા. ગામડાંની ગંદકી / એબ વગેરે બાબતે તેમણે ગામલોકોને ચેતવ્યા હતા.
[સ્વરાજનું ગામ કેવું હોય?]
“અત્યારે તો ગામમાં પેસતાં ભાગોળથી નાકે જૂચા દેવા પડે છે ! પોતાના ઉકરડા ક્યાં કરવા, કેમ કરવા, એ ખેડૂત જાણતો નથી. મળમૂત્રની ક્રિયાઓ તેને આવડતી નથી. બળદ ફાવે ત્યાં પોદળો કરે તેમ એનું છે. તે પોતાનું સોનાનું ખાતર વેડફી મારે છે અને ગંદકીમાં રિબાય છે. આદર્શ ગામમાં ખેડૂત ખાડા કરી ખાતર સંઘરે, ઢોરનું મૂતર ખાડામાં સચવાય એમ કરે, ખાડા ઉપર પાટિયાં મૂકી તેના ઉપર પાયખાનું ગોઠવે, અને સોનાનું ખાતર ગુમાવી ન દે. એ કળા જાણનાર ખેડૂતના ગામમાં ગંદકી ન હોય, માખીનું નામ ન હોય. ઈશ્વરે આટલી છૂટી જમીન આપી છે, ખુલ્લી હવા અને સુંદર પ્રકાશ આપ્યો છે. ત્યાં ખેડૂત શા માટે નરકવાસ ભોગવે? તેને તો સ્વર્ગ સમાન ગામ બનાવવું જોઈએ.”
“આજે તો આંગણામાં બાળકોને પાયખાને બેસાડે છે ! તેના ઉપર માખી બેસે છે અને એ જ માખી તેના ઓરડામાં જાય છે. એ ગામના ખેડૂતોનાં બાળકો કેવા સુંદર હોય? તેમનાં આંખ,નાક, મોં પર મેલ વળગ્યો ન હોય, તેમના કપડાં ગંદા ન હોય. તેમના ગાલની આરપાર એવું લોહી ચમકતું દેખાતું હોય કે જાણે ગુલાબનું ફૂલ. પણ ખેડૂતની સ્ત્રીએ જિંદગીમાં ગુલાબનું ફૂલ જોયું હોય ત્યારે એવાં બાળકો ઉછેરતાં તેને આવડે ને? તેને તો બિચારીને માત્ર છાણ ચૂંથી જાણ્યું છે. તેને બાળકો છતાં ક્યાં આવડે છે? તે તો બાળકને અફીણની ગોળી ગળાવીને, કાં તો ટપલું મારીને કાં તો ઘેડિયામાં ધબબડાવીને મૂંગુ કરે છે ને વૈતરું કર્યા કરે છે. એ રીતે કાંઈ ખેડૂતના ઘરમાં દેવ ઉત્પન્ન થાય?”
“આદર્શ ગામમાં પોતાની સ્ત્રીઓનું ખેડૂતો માન રાખતા હોય, તેમના પ્રત્યે પ્રેમ રાખતા હોય, તે સંસારની ભાગીદાર ગણાતી હોય. અત્યારે ખેડૂતને સ્ત્રી સાથે કેમ વર્તન રાખવું એ જ આવડતું નથી. ગાય ભેંસ લાવે ને કાઢે તે પ્રમાણે સ્ત્રીને લાવે છે અને રજા આપે છે. એને ઘર બહાર જવા દેતા નથી. આવી સભાઓમાં આવી શીખવા દેતા નથી. ખેડૂતમાં મર્દાનગી નથી તેથી તે પોતાની સ્ત્રીમાં વિશ્વાસ નથી.”
“ઢોલ ગમારા શૂદ્ર પશુ નારી, યે સબ તાડન કે અધિકારી – એ જ જો તમે હજુ માનતા હો તો આપણે ગુલામ છીએ અને ગુલામ જ રહેવાના. એટલું સમજજો કે સ્ત્રી એ માતા થવાની છે અને નમસ્કાર કરવાને યોગ્ય છે, લાકડીને યોગ્ય ન હોય. હું તમારી સ્ત્રીઓને દેવીઓ અને સતીઓ બનાવવા ઈચ્છું છું. તેવી થશે તો તેઓ તમારું ઘર શોભાવશે. પછી એમનામાં તમારા પોતા કરતાં વધારે લાયકાત જોઈ તમને શરમ જરૂર લાગશે. પછી તેમને તમે ગાળ નહીં આપી શકો, તેમની સાથે માનથી સભ્યતાથી વર્તવું પડશે.”
“જે ખેડૂત કપાસ ઉગાડતો છતાં કપડા બહારથી લાવે છે તેને હું ખેડૂત જ કહેતો નથી. સ્વરાજના ગામમાં કંઈ આવા મકાનો હોય? માણસ અને ઢોરનું રહેવાનું ભેગું હોય? આટલાં માંકડ, ચાંચડથી ભરેલાં તે ઘર હોય? તેમાં બિચારી સ્ત્રીની શી દશા? એક તરફથી છોકરાં રો-કકળ કરે, બીજી તરફથી ઢોર બરાડા પાડે ! હું કોઈ ગામે જાવ છું ત્યારે ખેડૂતના ઘરનું પાણી પીતા દર્દ થાય છે, પણ ક્યાં જાઉં? મેલાઘેલા પણ ભાઈ છો એટલે જેમ તેમ પી લઉં છું. દૂબળા (કાયમી ખેતમજૂર) પાસે કામ લેવું જ હોય તો તેને સુધારો, દારૂ છોડાવો, માણસ બનાવો. તમે ઠાલા બીવો છો. સુધરેલો મજૂર તો તમને 4 કલાકમાં 12 કલાકનું કામ આપશે; અને આવો ગમાર રહેશે તો આખો દિવસ બબડતો કામ કરશે છતાં તેના કામમાં ભલીવાર નહીં હોય. એવો ગમાર માણસ કહ્યું ન માને. સમજાવ્યો ન સમજે, ફાવે તેમ નાસી જાય. કંઈક સમજુ હોય તો તેને બેસાડીને તમે વાત પણ કરી શકો. પણ તમે તો હાથે કરીને એને પીવાના પૈસા આપો છો અને માણસને ઢોર બનાવો છો !”
“પણ આ સ્વરાજ ક્યારે સ્થાપન કરી શકાય? ગામમાં જરા પણ કોઈ કુસંપ ન હોય ત્યારે, ગામના બધા ભાગો પોતપોતાની ફરજો સમજીને બજાવતા હોય ત્યારે. આ શરીરમાં અનેક જુદા જુદા હોય છે પણ કેટલા એકસંપથી પોતપોતાનાં કામ કરે છે? ગામ એના જેવું હોવું જોઈએ. ગામમાં એક દુઃખી હોય, એક ભૂખ્યો હોય તો આખા ગામને તે દુઃખ લાગવું જોઈએ. પણ ખેડૂત આજે કુસંપમાં ડૂબેલો છે, મિથ્યા મોટાઈમાં તણાય છે. જ્યાં ગામમાં અનેકને ખાવાનું મળતું નથી ત્યાં મોટાઈ શી? જ્યાં સરકાર દરબારમાં આપણી ઈજ્જત નથી ત્યાં આપણે વડાઈમાં તણાવવાનું શું ને અંદર અંદર લડવાનું શું? વેપારી લોકોમાં એકની સ્થિતિ સારી હશે તો જાતભાઈને ડાળીએ ચઢાવશે, પણ ખેડૂત ઊંચે ચડતા ભાઈનો પગ ખેંચશે. એવી ઈર્ષા અને કુસંપ કાઢી નાખો.”
સાચું સ્વરાજ ઉપરથી પડવાનું નથી, પણ ખેડૂતે જાતે લેવાનું છે. સ્વરાજની ઈમારત ગામડાંમાંથી ઊભી કરવાની છે. ખેડૂતો આટલું સમજી જાય તો સરકાર સામું આપણે શા સારું જોવું પડે? ખેડૂત સમજે તો શું થઈ શકે તે આપણે બારડોલીમાં બતાવી આપ્યું હતું. સમજો તો સ્વરાજ લેવું એટલું જ સહેલું છે. સાપ કાંચળી ઉતારી અવળી મૂકે છે તેમ મરજીમાં આવે ત્યારે આ રાજ્યને ખેડૂત ઉતારી નાખી શકે. સ્વરાજ જો અંગ્રેજ પાસેથી આવવાનું હોય તો શા માટે મારા જેવાને અહીં ગામડાંમાં આવવું પડત?
(આદર્શ ગામ, 18 ડિસેમ્બર 1928)
[12]
‘જેટલી શાળાઓ છે તેના કરતા પીઠાં વધારે છે !’
ગાંધીજી / સરદાર ‘જવાબદાર રાજ્યતંત્ર’ની માંગણી કરતા હતા તેમાં ગ્રામપંચાયત / મ્યુનિસિપાલિટી / ખેડૂત-મજૂર કલ્યાણ / અસ્પૃશ્યતા નિવારણ / ઋણમુક્તિ / લાંચરુશવત / વેઠવારા / દારૂનિષેધનો સમાવેશ થતો હતો. આજે પણ સર્વત્ર દારૂ વેચાય છે, તેમ કહેવાને બદલે કહેવું જોઈએ કે સર્વત્ર દારૂ પીનારા લોકો છે. આ સંદર્ભમાં કબીરે (1440- 1518) કહ્યું હતું : ‘ગલી ગલી ગોરસ ફિરૈ મદિરા બૈઠિ બિકાય – ગોરસ વેચવા ગલી ગલી ઘૂમવું પડે છે, પણ મદિરા તો દુકાને જ બેસીને વેચાય છે !’ ડિમાન્ડ છે તો સપ્લાય છે ! ‘દારૂ પીનાર ન હોય તો પીઠું આવવાનું નથી.’ દારૂના કારણે ગરીબોની હાલત કફોડી થતી હોવાથી દારૂનિષેધનો મુદ્દો ઊઠ્યો હતો.
“દારૂનિષેધ માટે પીઠાંઓ પર પહેરા ભરવાનું કામ અમે વિશાળ પાયા પર ઉપાડ્યું છે અને તેનું પરિણામ પણ સારું આવેલું છે. પહેરા ભરનારની પસંદગી કરવામાં અમે બહુ જ કાળજી રાખી છે, તેમના કામની કસોટીમાંથી તેઓ પાર ઊતર્યા છે અને કેટલાકોને તો દારૂ પીનાર કે વેચનારાઓના હાથના મારની પણ બરદાસ્ત કરી લેવી પડી છે.”
(36મી રાષ્ટ્રીય મહાસભા-અમદાવાદ, ડિસેમ્બર 1921)
“આ પવિત્ર દેશમાં વસતી હિન્દુ અને મુસલમાન બેઉ મુખ્ય કોમના ધર્મમાં મદ્યપાનનો નિષેધ કરેલો છે. ત્યાં રાજ્યની ઊપજ વધારવા ખાતર પરરાજ્યના આબકારી ખાતાનું અનુકરણ કરી શરાબનો વેપાર અને પ્રચાર કરવો એ મહાપાપ છે. દેશી રાજ્યોને એ શોભતું નથી. કાઠિયાવાડમાં કોઈ કોઈ રાજ્યોએ દારૂબંધીની પહેલ કરી સુંદર દાખલો બેસાડ્યો છે. તેમનું અનુકરણ કરી આખા કાઠિયાવાડમાંથી આ ચેપી રોગનો જેમ બને તેમ જલદી નાશ કરવો ઘટે છે.”
(પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ, 30 માર્ચ 1929)
“વડોદરા રાજમહેલથી માંડીને તે ગરીબની ઝૂંપડી સુધી દારૂએ સત્યનાશ વાળ્યું છે. જે રાજ્યનીતિ ગરીબ લોકોને વ્યસની બનાવી રાજ્યની ઉપજ તેમના વ્યસનીપણા દ્વારા વધારવાની હોય તે રાજ્યમાં, તે રાજકુટુંબમાં સુખ શાંતિ શી રીતે હોઈ શકે? રૈયત દારૂતાડી છોડી દેશે તો મહેસૂલનું શું થશે એમ જે રાજ્યને થાય છે તે રાજ્યની મને દયા આવે છે. આ મેળો જ્યાં હજારો સ્ત્રીપુરુષ પવિત્ર થવા આવે છે, ત્યાં દારૂનાં પીઠાં ખોલવાની રજા આપવામાં અને ઉત્તેજન પણ આપવામાં આવે એ કોઈ હિન્દુ રાજાને શોભે? પવિત્ર હોવું જોઈએ એવા આ યાત્રાના ધામમાં દારૂની દુકાન કરવા દેવી એના જેવું મહાપાપ એકે નથી. દારૂમાંથી મહેસૂલ ઉત્પન્ન કરવાવાળાં રાજ્યો ગરીબને આબાદ કેમ બનાવી શકાય છે તે કળા આવા પ્રદર્શનમાં આવી જુએ અને પાંગળી ગરીબ પ્રજા ઉપર રાજ્ય કરવાને બદલે આબાદ પ્રજા ઉપર રાજ કરવાનો વિચાર કરે તો કેવું સારું? આજે તો રાજ્યમાં જેટલી શાળાઓ છે તેના કરતાં પીઠા વધારે છે !”
(દેશી રાજ્યોની આબકારી નીતિ, એપ્રિલ 1929)
“સરકારે દારૂનિષેધના પ્રચાર માટે 4 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. ચાર લાખની મદદ આપવાને બદલે સરકાર શા સારુ એટલી દુકાન નથી બંધ કરતી? આપણા જેવા દેશમાં દારૂનિષેધના પ્રચારની શી જરૂર હોય? યુરોપ-અમેરિકામાં ભલે જરૂર હોય, કારણ ત્યાં દારૂ પીવામાં આબરુ રહેલી છે. પણ અહીં દરેક ધર્મમાં જે વસ્તુનો નિષેધ છે તેના પ્રચારની શી જરૂર હોય? જો સરકારની શુદ્ધ દાનત હોય તો સરકાર દરેક ગ્રામ પંચાયતને અને સ્થાનિક મંડળને આ બાબતમાં કાયદા કરવાની છૂટ આપે, ખોટા કેસો કરવાના બંધ કરે, અને પોતાના અમલદાર વર્ગને ખબર આપે કે દારૂનિષેધ એ સરકારનું ધ્યેય છે અને છાનાછૂપી પણ તેની વિરુદ્ધ તેઓ પ્રચાર ન કરે.”
(તામિલનાડુનો પ્રવાસ, સપ્ટેમ્બર 1929)
“વડોદરા રાજ્ય ઉપર આપણા જ પોતાના જ દેશબંધુ અને આપણા પોતાના ધર્મબંધુ રાજ્ય કરે છે, તેમ છતાં તેઓ મદિરાનો વેપાર છોડી આપણને હજુ સુધી મદિરાપાનમાંથી બચાવવા તૈયાર નથી. રાજ્યને આવક કરવાની જરૂર હોય તો તેમ કરવાના બીજા અનેક રસ્તા છે. પણ ગરીબ, અજ્ઞાન ને જંગલમાં વસતી કોમને દારૂ પાઇ પોતાનું મહેસૂલ વધારવું એમાં મહાપાપ છે. જે પ્રજા અજ્ઞાન ને રંક છે, જે ગરીબડી પ્રજા રાજ્યના આશ્રય ઉપર અને ઉજળિયાત પ્રજાની દયા ઉપર જ રહેલી છે, તેમાં દારૂનો વેપાર કરવો અને તેવી પ્રજાને દારૂવાળાઓના જુલમો અને જાતજાતની આંટીઘૂંટીઓનો ભોગ થઈ પડવા દેવી, તે ખરેખર એ પ્રજા ઉપર અત્યાચાર છે. જેઓ શરાબમાં ફસાયા છે તેઓનું ધન કમાવું ને ન કમાવું સરખું જ છે. કારણ કે જેટલું પેદા કરશે તેટલું સાંજ પડ્યે દારૂ ને તાડીની દુકાનમાં આપી આવશે. જો શરીર દારૂ ભરવા માટે બનાવ્યું હોત તો ઈશ્વર પીપ જ ન બનાવત? એટલે મારી સલાહ માનો તો દારૂની વાસ આવે ત્યાંથી નાસો!”
(આઠમી રાનીપરજ પરિષદ, 19 ફેબ્રુઆરી 1935)
“અમદાવાદમાં દોઢ લાખ મજૂરો રહે છે તે બધા કારખાનાંઓમાં કામ કરી ઠીક ઠીક કમાય છે; પણ જેટલું કમાય છે તેટલું બધું પીઠાંમાં આપી આવે છે. પ્રાંતમાં સૌથી વધારે દારૂ ત્યાં પિવાય છે. એવા શહેરોમાં દારૂની દુકાનો બંધ કરવાનો સરકારે ઠરાવ કર્યો છે. આપણે કાંઈ શહેરના મજૂર નથી; પણ ગામડાંઓમાં રહેનાર ખેડૂતો છીએ. આપણે માટે આ પાપમાંથી છૂટવું તેમના જેટલું કઠણ ન હોવું જોઈએ.”
(હળપતિઓને ઉપદેશ, 15 ડિસેમ્બર 1937)
“જ્યારે બ્રિટિશ હદમાં દારૂનિષેધની ચળવળ શરૂ કરી ત્યારે તો અમે માનેલું કે વડોદરા એમાં મદદ કરશે; પણ આજે તો વડોદરાની હદમાં મફત મોટરમાં લઈ જઈને દારૂ પાવામાં આવે છે. મુંબઈ સરકારે જ્યારે 20 લાખની આવક જતી કરી ત્યારે વડોદરા તેની ઉપર વેપાર ચલાવવા માંગે છે એ કેમ બની શકે? ત્યાં તોફાન થાય છે છતાં રાજ્ય કંઈ કરતું નથી. આ સ્થિતિમાં વડોદરાની પ્રજાની પણ એ ફરજ છે કે તેમણે આ પીઠાં પર પહેરો ભરી તે દુકાનો બંધ કરાવવી જોઈએ.”
(વડોદરાની પ્રજાને સંદેશો, 29 ઓક્ટોબર 1938)
“તમે દારૂતાડી છોડ્યાં તેથી હું રાજી થયો છું. તમારી બૈરીઓ એથી વધારે રાજી થઈ હશે, કારણ કે તમે હવે ઘેર જઈને ગાળ નથી દેતા. તમે સૌ ઝડપથી દારૂતાડી છોડીને તેના ભાગના પૈસા બચાવો, જેથી તમારે દેવું કરવું ન પડે. એટલી વસ્તુ તમે કરો તો પાંચ વર્ષમાં આ જિલ્લામાં કોઈ ઓળખી શકવાનું નથી કે ક્યો દૂબળો ને કયો ધણિયામો.”
(હળપતિ પરિષદ, 24 એપ્રિલ 1938)
[13]
આ શાળાઓ એ ગુલામખાનાં છે !’
આપણું શિક્ષણ વિદ્યાર્થીઓને સંકુચિતતા / અંધશ્રદ્ધા મુક્ત કરતું નથી. વૈજ્ઞાનિક અભિગમ રોપી શકતું નથી. માસ્ટર ડિગ્રીવાળા / PhD થયેલા પણ ધર્મ આધારિત રાષ્ટ્રની હિમાયત કરે છે. આપણા ડોક્ટરો / એન્જિનિયરો / IAS-IPS / જજ / કુલપતિઓ પણ ભારે અંધશ્રદ્ધાળું હોય છે. આપણી કેળવણી વિચારોમાં સ્પષ્ટતા લાવી શકતી નથી. આપણું શિક્ષણ અન્યાય / શોષણ / ભેદભાવ સામે અવાજ ઉઠાવવાનું શીખવી શકતું નથી. હિમ્મત આપી શકતું નથી. મનુભાઈ પંચોળી દર્શકે કહ્યું હતું : ‘ભણાવવું એટલે શું? ભણાવવું એટલે જાણકારી આપવી અને સાથે મર્દાનગી આપવી. આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવવાનું છે. આપણા શિક્ષણમાંથી, સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઉઠીને ઊભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે. શિક્ષણનું ખરું કામ આ છે. ભણેલો માણસ શૂરવીર હોય સેવા પણ એને માટે જ છે. સેવામાંથી મર્દાનગી પ્રગટ થવી જોઈએ. સામાન્ય માણસમાં નૂર પ્રગટવુ જોઈએ. શિક્ષણ, સાહિત્ય અને સેવા, જે કરવાનું છે તે આ છે. શિક્ષણ ખાતર શિક્ષણ નહીં, સાહિત્ય ખાતર સાહિત્ય નહીં, સેવા ખાતર સેવા નહીં, તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ. માણસ બેઠો થવો જોઈએ. આવી તાકાત જો ન નીપજતી હોય તો શિક્ષણ -સાહિત્ય-સેવા બધું ય નકામું.’
“મને તો લાગે છે કે વિદ્યાપીઠ માટે આ સ્થાન પસંદ કરવામાં ભૂલ થયેલી છે. બારડોલીમાં પણ જુગતરામને મેં કહ્યું કે છોકરાઓને લઈને વેડછી ભાગી જાઓ, નહીં તો છોકરાઓને બહારથી આવનારાઓનો ચેપ લાગશે. રાષ્ટ્રીય કેળવણીનો ઉદ્દેશ ખેડૂત છોકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય અને પાછા ગામડામાં જઈને રહે એ છે. મારે તો ગાડું હાંકનાર, ખરપડી પકડનાર, કોશ ખેંચનાર, હળ લઈ ખેતી કરનાર જોઈએ છે. અત્યારે તો સૌને હાથ હલાવીને કે જીભ હલાવીને કામ કરવું છે. આ વિદ્યાપીઠનો ઉદ્દેશ એના વિદ્યાર્થીઓ ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન કરે એ છે. હળ પકડી ચારપાંચ વીઘાં જમીન ખેડી નાખે ત્યારે હું કહું કે આ ખરો સ્નાતક !”
“જાતે ધન પેદા ન કરતાં બીજાનું ધન લેવાની બુદ્ધિ ચલાવે એને હું બુદ્ધિનો વ્યભિચાર કહું છું. ગુજરાતની ખેતીમાં ખાતર કયું નાખવું, શું ફેરફાર કરવો એ વિશે તમે બહુ તો નિબંધ લખી શકો પણ એનો ઉકેલ ન કરી શકો. આ રીતની તમારી બુદ્ધિ અને તમારા શિક્ષણનો શું ઉપયોગ? તુલસી કહે છે તેમ ‘પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન’ એટલું જ તમે શીખો તો વિદ્યાપીઠના તમે સારામાં સારા સ્નાતક થઈ શકો. તમે એક પણ ચોપડી ન વાંચો તો ચાલે. ચારિત્ર ખીલ્યું હશે તો બુદ્ધિ તો ખૂબ ખીલવાની છે. ચોપડીઓ વાંચનારા હંમેશ સારા ચારિત્રવાન હોય છે એમ પણ નથી. વિદ્યાવિલાસીઓ ચારિત્રમાં પડેલા હોય છે, તેઓ ભોગવિલાસી પણ હોય છે એવો મારો અનુભવ છે. ચારિત્રશુદ્ધિ અઘરું કામ છે પણ ઉધમી જીવન ગાળનારને ચારિત્રભંગના પ્રસંગ ઓછા આવે છે. પુસ્તકીય કેળવણીની પરવા ન કરો. એવા માણસો ખૂબ મળે છે અને ઘણાખરા ગુજરાત ક્લબમાં નવરા રહે છે તે ભાડે પણ મળશે. તમે ભાષણો, ચર્ચાઓ કેવી રીતે કરો, લેખ કેવી રીતે લખો એ નહીં, પણ દરિદ્ર માણસોનું સંકટ કેવી રીતે ટાળી શકો, સ્વરાજ્યના સિપાઈ કેવી રીતે બની શકો એ જાણવું હોય તો કહું. ખેડૂતોને ઓળખવા અને જાતે ખેડૂત બનવા મારે 20 વર્ષનો પાછલો અનુભવ અને સઘળું ભણેલું ભૂલવું પડ્યું !”
“તમે બાર મહિને મળી હ્સ્વઇ-દીર્ઘઈની ચર્ચા કરતા એ સાક્ષરોના ટોળામાં નહીં જાઓ તો સુખી થશો. સ્વરાજ મળશે તો ય તમારું જીવન તો સ્વરાજની ઈમારત ચણવામાં જવાનું છે. મેં તો કદી આયર્લેન્ડ કે કેનેડાના બંધારણ વાંચ્યા નથી. ખેડૂતો આગળ એની શી જરૂર? બધા આગેવાન વાત મોટી મોટી કરે છે પણ એમ પૂછવામાં આવે કે ‘તારી શી યોજના છે બતાવ,’ ત્યારે ગભરાય છે. આ વિદ્યાપીઠ સારામાં સારા ખેડૂતો અને મજૂરો પેદા કરવા માટે છે. દેશસેવા ન કરવા ઈચ્છનાર માટે અહીં સ્થાન નથી. તમારી આબરૂ ઉપર કોઈ હાથ ના નાખે એ સંભાળજો, સંપ કેળવજો, ચારિત્ર ખીલવજો. તમારી પાસે વખત થોડો છે, મામલો ગંભીર છે. ગાફેલ ન રહેશો.”
(સ્નાતકોને, 12 જાન્યુઆરી 1930)
“અત્યારનું શિક્ષણ એ કુશિક્ષણ છે. એ આપણા હાથપગ ભાંગી નાખે છે. મન નબળું પાડી નાખે છે. પરદેશી શિક્ષણ સરકારે એટલા ખાતર દાખલ કરેલું કે કારકુનો પેદા થાય, નોકરી કરે અને એનું રાજ્ય ચલાવી આપે. એથી ન આપણું શિક્ષણ રહ્યું, ન એનું પૂરું આવ્યું. આ શાળાઓ એ ગુલામખાનાં છે. આજે જે કેળવણી આપવામાં આવે છે એ પોપટના જેવી છે. એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એકતાર નથી થતો, નથી એનો માનસિક કે શારીરિક વિકાસ થતો. કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીઓનું મન ખીલે, એનું શરીર ખીલે, એના આત્માનો વિકાસ થાય. જો ઘરનું વાતાવરણ અનુકૂળ ન હોય તો શાળામાં જેટલું ભણે એટલું ઘેર જાય ત્યારે રાત્રે ભૂલીને આવે. શિક્ષણનો હેતુ શાળા અને ગામ એકબીજાને પૂરક બને, બંનેને એકતાર કરનાર હોવો જોઈએ. શારીરિક અને માનસિક કેળવણી સાથેસાથે અપાય એવું હોવું જોઈએ. ગામડાં આજે જે પ્રકારનાં છે એ પ્રકારનાં રહે તો ન બાળકોને શિક્ષણ આપી શકાય, ન ગામના લોકોને આપી શકાય … આપણે નવા જમાનાને અનુકૂળ થવું જોઈએ. છોકરાને ભણાવીએ અને છોકરીને ન ભણાવીએ તો એ તો કજોડું થાય. બંને દુઃખી થાય. એક પણ કજિયો કોર્ટ-કચેરીએ, ઉમરેઠ, નડિયાદ જાય તો એ આ શાળાને ડાઘ લાગ્યો એમ માનજો. તમારા પોતાનામાં જે નબળાઈ હશે તેની છાપ છોકરાં ઉપર પડ્યા વગર રહેવાની નથી.”
(થામણાની ગ્રામશાળા, 9 ઓક્ટોબર 1940)
“વિદ્યાર્થીને માણસમાંથી જાનવર બનાવવો હોય તો રાજકુમાર કોલેજમાં મોકલવો અને જાનવરમાંયે ગધેડો બનાવવો હોય તો વિલાયત મોકલવો. રાજકુમાર બાળક હોય છે ત્યારથી તેને શિક્ષણ આપવા માટે એક અંગ્રેજને તેની સાથે રાખવામાં આવે છે, જો કે રાજકુમારને રાજ તો અહીં કરવાનું છે.”
(જયપુર રિયાસત, 24 ઓક્ટોબર 1940)
“દેશી ભાષાને કેળવણીનું વાહન બનાવવાનો અર્થ એવો નથી થતો કે વિદેશી ભાષાઓ આપણે શીખવી નથી યા તો શીખવવી નથી. આધુનિક દુનિયામાં કોઈ પણ મુલક પોતાની ચાર સીમાઓની અંદર પુરાઈ રહીને એકલો પોતાની બધી જરૂરિયાતો પૂરી કરવાને સમર્થ નહીં થાય. તેને બીજા મુલકો સાથે સંપર્ક રાખ્યા વિના છૂટકો નથી. આવા સંપર્કને સારું વિદેશી ભાષાઓ જાણવી જરૂરી છે. પરંતુ એકેએક દેશવાસી પરદેશો સાથેના સંપર્કમાં આવતો નથી. બહુ થોડા પ્રજાજનો મારફતે એ સંપર્ક સધાય છે. એવા થોડા લોકોએ વિદેશી ભાષાનું જ્ઞાન જરૂર મેળવી લેવું જોઈએ. તે જ પ્રમાણે જે લોકો પરદેશોની વિચારસરણીઓ સાથે માહિતગાર રહેવા માંગે છે, તેમણે પણ વિદેશી ભાષાઓ જાણી લેવી જરૂરી છે. વળી જે લોકો પરદેશમાં મુસાફરી કરવા માંગે છે અથવા પરમુલકો સાથે વેપાર કરવા ઇચ્છે છે, તેમને પણ થોડુંઘણું વિદેશી ભાષાનું જ્ઞાન આવશ્યક છે. પરંતુ એ બધી જાતના લોકોની સંખ્યા દેશની વસ્તીની સંખ્યાને મુકાબલે બહુ થોડી હોય, એ દેખીતું છે. વળી તેમને પણ પોતાના કામ માટે જેટલું જરૂરી હોય, તેટલું જ વિદેશી ભાષાનું જ્ઞાન જોઈએ. પરંતુ આપણે યાદ રાખીએ કે આખરે 100માંથી 99 માણસો દેશની અંદર જ રહેવાના છે અને તેમને વિદેશી ભાષા જાણવાની જરૂર નથી પડતી અને ભવિષ્યમાં પણ નહીં પડે. એટલા માટે દરેક વિશ્વવિદ્યાલયની ફરજ છે કે, તે બધી 100માંથી એક જણને માટે વિદેશી ભાષા શીખવાનો બંદોબસ્ત કરે તેની સાથે 100માંથી 99 ની કેળવણીમાં ગાફેલ ન રહે, પોતાની કેળવણીની પદ્ધતિ ગોઠવવામાં આ હકીકત ધ્યાનમાં રાખી ઘટિત ફેરફાર કરે.”
(કેળવણીનું વાહન, 30 નવેમ્બર 1946)
“શાળાઓમાં કે કોલેજમાં અભ્યાસ કરતી બહેનોએ મોજશોખની નહીં પણ મહેનત કરવાની ટેવ પાડવી જોઈએ. ભાઈઓમાં પણ દોષ આવ્યો છે કે મહેનત કરવી એ નોકરચાકરનું, ગમારનું કામ છે એમ માને છે. એ બહુ ખોટું છે. હાથપગ ચલાવવામાં જ ખરી શોભા છે. આપણે મજૂરની માફક નહીં પણ જ્ઞાનપૂર્વક મહેનત કરીએ. તેની સાથે આપણામાં સંસ્કાર, સારા વિચાર આવે, જગતમાં જ્યાં જ્યાં આ સારી વસ્તુ હોય તે ખેંચવાની શક્તિ આવે, મધમાખી ફૂલમાંથી બધી મીઠાશ ખેંચી લે છે તેમ. નરકની માખને ફૂલ પર બેસાડવામાં આવે તો પણ એ સુવાસ નથી લેવાની, ગંદકી જ કરવાની છે, પણ મધમાખી જ્યાંથી મળે ત્યાંથી મધ જ લેવાની છે. તેમ આપણે કરવું જોઈએ … ગરીબાઈ એ કોઈ પણ પ્રકારની એબ, દોષ નથી. ગરીબાઈનો મારો પોતાનો બચપણનો દાખલો આપું. આઠ દસ દિવસનું ભાથું ખભે લઈ પેટલાદ જતા અને પાંચ-સાત છોકરા સાથે એક કોટડીમાં રહેતા અને હાથે રાંધીને ખાતા … વિદ્યાલયમાંથી ભણી બહાર નીકળીએ ત્યારે કોઈપણ આપણને ઓળખી શકે કે આ વિદ્યાલયની બાળા છે. એની વાણીમાં મીઠાશ છે, એના આચારવિચારમાં વિનય અને વિવેક છે, એનામાં ઉચ્ચ પ્રકારની સભ્યતા છે, હિન્દુ સંસારમાં શોભે એવી ચારિત્રવાન વાળા છે, એવી છાપ આપણી પડવી જોઈએ … આજ સુધી મા બાપ એમ માનતા કે ભણાવવાથી છોકરીઓ વંઠી જાય. પણ વહેમ ઝપાટાબંધ નાબૂદ થતો જાય છે. સંસારનું ગાડું બે પૈડાંથી ચાલે છે. પણ છેલ્લાં 200 વરસથી આપણે અપંગ થઈ પડ્યાં છીએ. કારણ આપણા એક અંગને આપણે ખોટું પડી જવા દીધું છે.”
(વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની બાળાઓને, 7 એપ્રિલ 1947)
“અહીં ખેતીવાડીની કોલેજ કાઢવાનો વિચાર થયો. એમાં જનાવરોની ઓલાદ સુધારવી, તેને કેવો ખોરાક આપવો જોઈએ, તેનું દૂધ કેવી રીતે વધારવું, અત્યારે જમીનનું તળ ઊતરી ગયું છે, પ્રત ઊતરી ગઈ છે, તે કેવી રીતે સુધારવું એ બધું ખેડૂતોને બતાવવાનો ઉદ્દેશ છે. ખેડૂતોના શરીર જેવાં હાડપિંજર છે, તેવી આપણી ગાયો છે. મરણપથારીએ પડ્યા હોઈએ ત્યારે ગાયને ખરીદી ગોદાન કરીએ. પછી એ ગાયનું દાન લેનાર એને કતલખાનામાં વેચી એના પૈસામાંથી બીજી ચાર ગાય ખરીદી ત્યાં વેચવાનો ધંધો કરે છે. આજે તો ગાયનું નામ રહ્યું છે. સૌ ભેંસ રાખે છે. કહે છે કે પોસાતી નથી. તો ગાય પોસાય એ પ્રયોગ અહીં કરી બતાવવો છે.”
(કૃષિ મહાવિદ્યાલય, 6 એપ્રિલ 1947)
“શિક્ષક ઓછું કે પાતળું શિક્ષણ આપી શકે ભલે, પણ એના ચારિત્રનો પ્રભાવ પડતો હોય તો ઘણું કરી શકે. એટલે શિક્ષકે પોતાનું જીવન જેટલું બને તેટલું નિર્મળ કરવું જોઈએ.”
(પ્રાથમિક શિક્ષકોને, 4 એપ્રિલ 1947)
[14]
‘માણસોનો વળી ધણી કેવો?’
સરદાર પટેલ ખેડૂતો / શ્રમિકો / દૂબળા અંગે સતત ચિંતા કરતા હતા. એમની ખરાબ દશા તેમણે જોઈ હતી.
“હું ઇચ્છું છું કે ખેડૂત દેવામાંથી મુક્ત થાય. પણ વધારે તો એ ઇચ્છું છું કે ખેડૂત ખેડૂત બને, માણસ બને, જાનવરની દશામાંથી મુક્ત થાય. ખેડૂતો પર શાહુકારના દેવાના ઢગ ખડકાયા છે. ઘણા શાહુકારોએ નીતિન્યાય છોડી ન કરવા જેવાં કામો કર્યાં છે. ખેડૂતને દેવામાંથી મુક્ત કરવો એ રાજ્યનો ધર્મ છે. જે મહેનત કરે તેનો હક પહેલો છે.”
(રાજપીપળા લોકસભા, 25 ડિસેમ્બર 1937)
“એક માણસ બીજા માણસને ગુલામ રાખે એ ગુનો છે. રાખનાર તો ગુનેગાર છે જ, પણ રહેનાર પણ ગુનેગાર છે. જે માણસો ગુલામીને પસંદ કરતા થઈ ગયા છે તેને ગુલામીમાંથી છોડાવવા કઠણ છે. દૂબળાની પ્રથા આપણને લજવનારી છે, કારણ કે આપણે માણસાઈનો હક કોઈ બેસી જાનવરની દશા ભોગવતા થયા છીએ. ખેડૂતોને ત્યાં દૂબળા થયા તેના કરતાં તેમને ઘેર ઢોર થયા હોત તો તેઓ પોતાના ઘરમાં એક ગાળો તમારે રહેવા માટે કાઢી આપત. જે ઘાસનાં ઝૂંપડામાં તમે રહો છો તેમાં તો ઢોર પણ રહે નહીં. ઝૂંપડાં ઘાસનાં હોય તેનું દુઃખ નથી પણ તે રેઢિયાળ દશામાં છે. ઢોરને પ્રેમથી ઘાસચારો અપાય છે અને તમને રોટલો તિરસ્કારથી અપાય છે. તેથી જ તમારી આ દશાને હું જાનવર કરતાં ય બૂરી દશા કહું છું. જે પક્ષી પાંજરામાં રહેવાને ટેવાયેલું છે તેને જો તેનો સંભાળનાર છૂટું કરે તો તે ગભરાય છે અને પાછું પાંજરામાં જ આવે છે તેમ ખેડૂતો જો આજે હળપતિઓને છુટા કરે તોયે તેઓ પાછા આવે, કારણ કે ગુલામી પ્રત્યે એમને અણગમો પેદા થયો નથી. તમને ઈશ્વરે હાથ પગ આપ્યા છે અને તમે મહેનત કરી શકો છો. જેટલી મહેનત તમે કરો છો તેટલી મહેનતનું ફળ ભોગવી જાણો તો તમારા જેવું સુખી જગતમાં બીજું કોઈ ન હોય; કારણ કે તમારી જરૂરિયાત ઓછામાં ઓછી છે. પેટ ભરીને રોટલો મળે, ખુલ્લામાં રહેવાનું મળે અને સાદાં કપડાં પહેરવાં મળે એટલે તમારી બધી જરૂરિયાતો સંપૂર્ણ થઈ. આટલું મેળવવું તમારા જેવા મહેનતુ લોકો માટે કઠણ નથી.
તો પછી તમારે શા માટે સ્વતંત્રતા વેચી ગુલામ થવું પડે છે? પણ તમે બૈરી કરવા ખાતર તમારી જિંદગી વેચો છો, પોતે ગુલામ બનો છો. જે બૈરીને પરણો છો તેને ગુલામ બનાવો છો, અને છોકરા પેદા કરો છો તેમને પણ ગુલામ બનાવો છો. એમ તમારે ન કરવું જોઈએ. દૂબળાની આ પ્રથા સુરત જિલ્લા બહાર ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી. આખા હિન્દુસ્તાનમાં પણ દૂબળા અને ધણિયામાનો વહેવાર નથી. માણસોનો વળી ધણી કેવો? આપણે જેમ પોતાના હક ઓળખીએ છીએ તેમ પોતાની જવાબદારી પણ ઓળખવી જોઈએ. જેને સ્વતંત્રતા ભોગવવી છે તેનું વર્તન કેવું હોય? તેના મોઢામાંથી ગાળ, ભૂંડી ભાષા નીકળવી ન જોઈએ. તે કોઈનું અપમાન ન કરે, કોઈને ટુંકારો ન કરે. પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતાં શીખવું. તે જ પ્રમાણે શરીર પણ ચોખ્ખું રાખો. કામ કરીને આવો કે તરત જ નાહી લો. સુંદર મુખમાંથી મધુર વચનો અને રામનું નામ બોલવાના છે તેમાં દારૂતાડી નાખવાં તે પાપ છે. તમારું વધારેમાં વધારે નુકસાન કર્યું હોય તો તેણે કર્યું છે. તમને લાગે છે કે તેનાથી થાક ઊતરે છે પણ તે ખોટું છે. તે તો શક્તિ અને ધન હરે છે. તમારાં છોકરાંઓને, ખેડૂતનાં છોકરાંઓની જેમ ભણાવો. આ લોકશાળાઓ કાઢવાનો હેતુ એ જ છે. જો દેશમાંથી ગુલામી કાઢવી હોય તો જે સૌથી વધારે ગુલામ છે તેમને પહેલા સુખી કરવા પડશે. મહેનત કરે તે ઉત્તમ મનુષ્ય છે. જે મજૂરી નથી કરતો પણ માત્ર જીભ હલાવી ખાય છે તે ઈશ્વરનો ચોર છે.”
(હળપતિઓને ઉપદેશ, 15 ડિસેમ્બર 1937)
“આ દેશમાં કચડાયેલા વર્ગો તો અનેક છે. તેઓ અનેક જાતની આપત્તિઓથી પીડાય છે. પરંતુ તમારું દુઃખ એ બધાથી જુદી જાતનું છે. એમ તો દલિતોને પણ દુઃખ છે કે તેઓ માનવી હોવા છતાં તેમને અસ્પૃશ્ય ગણવામાં આવે છે. પણ છતાંએ તેઓ પોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છે. તમે અસ્પૃશ્ય ન હોવા છતાં પરતંત્રતાના ઘોર દર્દથી પીડાઓ છો. પશુનો જેમ માલિક હોય છે, તેમ એક માનવીનો બીજો માનવી માલિક થઈ બેઠો છે. જ્યારે એક માનવી બીજા માનવીને નાથ ચડાવે છે ત્યારે એ ભયંકર વસ્તુ થઈ પડે છે.”
(હળપતિ પરિષદ, 24 એપ્રિલ 1938)
“મુંબઈની અંદર કાઁગ્રેસના હાથમાં સત્તા આવી ત્યારે તેમણે પહેલું કામ મુંબઈ અને ઇલાકાના મિલના મજૂરોને લાભ થાય, ફાયદો થાય એ પ્રમાણે પગારમાં વધારો મળે તે કર્યું. હડતાલ પાડ્યા સિવાય કોઈ દિવસ વધારો મળ્યો નહોતો. 12%નો વધારો વગર હડતાલે એક સપાટે કાઁગ્રેસ પ્રધાનમંડળે કરી આપ્યો. એ જ પ્રમાણે ગમે ત્યારે ગમે તે ખેડૂતોને કાઢવા રાખવા એ સંબંધી જે કાયદા ઘડાઈ રહ્યા છે એથી જમીનદારો અકળાય છે. છતાં કાઁગ્રેસ યથાશક્તિ કરોડો ખેડૂતો માટે પણ કામ કરી રહી છે. દુનિયાના મજૂરો એક થાય એ એક સુંદર આદર્શ છે. મને ગમે તો ખરું. પણ મને સ્વપ્નાં કંઈ ગમતાં નથી. જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ત્યારે સ્વપ્નાં જૂઠાં લાગે છે. તેથી મને તો એક વસ્તુ ગમે છે. આજનો આપણો શો ધર્મ છે? આવતી કાલે કોઈ આપણને મદદ કરનાર છે તેથી આજે બેસી રહીએ તો આજ બગડવાની અને કાલ તો બગડવાની જ છે. હું તો ઈચ્છું છું કે શ્રમજીવીઓનું કલ્યાણ થાય. પણ આપણે એને સાચા માર્ગ પર ચડાવવો રહ્યો. અને સાચો માર્ગ તો એ રહ્યો કે પોતે પગભર થવું.
સંઘબળ, સત્ય, અહિંસા વગેરે કાઁગ્રેસના સિદ્ધાંતોનું સેવન એણે કરવું જોઈએ. આજે આપણા મજૂરો હિંસાને માર્ગે પોતાની સંગઠનશક્તિનો ઉપયોગ કરવા જાય તો એક જ દિવસમાં ભાંગી જાય. જેટલા માણસોએ અમદાવાદમાં ગાંધીજીના સંગઠનનો અભ્યાસ કર્યો છે, તેમને જોયું છે અને કબૂલ કરે છે કે એ અનોખું છે. વીસ વરસથી અમદાવાદમાં મજૂરોનું કામ ચાલે છે. પાંચસો તો એના પ્રતિનિધિ છે. યાલીસ હજાર કાયમના સભ્યો છે. એનું દવાખાનું, શાળા, સામાજિક કામ વગેરે સુંદર ચાલે છે. આવું સંગઠન દુનિયામાં નથી. ‘દુનિયાના મજૂરો એક થાઓ’ એ સૂત્ર ઉપર આપણે બેસી જઈએ તો એ તો ઝાંઝવાનાં જળ જેવું છે. ચામડીના, પ્રાંતના, દેશના ભેદ ભુલાઈ જાય ત્યારે એ બને. આજે જર્મનીના મજૂરો હિન્દુસ્તાનના મજૂરો માટે લડશે એવું કોઈ કહેતું હોય તો મારે એનું મોઢું જોવું છે !“
(મજૂરોને, 25 ઓગસ્ટ 1938)
[15]
‘પ્રજાબળ એકત્ર થાય તો કોઈ પણ સરકાર તેની સામે થઈ શકતી નથી !’
‘ખેડા સત્યાગ્રહ’ શા માટે હતો? કોણે કરેલ? કઈ રીતે કરેલ? તેનું પરિણામ શું આવ્યું? ખેડા જિલ્લાના ખેડૂતો; અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતા. આથી ગાંધીજીની આગેવાની હેઠળ સરદાર પટેલ / ઇન્દુલાલ યાજ્ઞિક / શંકરલાલ બેંકર / મહાદેવ દેસાઈ / નરહરી પરીખ / મોહનલાલ પંડ્યા / રવિશંકર વ્યાસ વગેરેએ બ્રિટિશ રાજ વિરુદ્ધ 22 માર્ચથી 5 જૂન 1918 દરમિયાન આ સત્યાગ્રહ કર્યો હતો.
તેમણે ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત લઈ લોકોને સંઘર્ષ માટે તૈયાર કર્યા. અંગ્રેજ સરકારે ચેતવણી આપતા કહ્યું કે જે પણ ખેડૂતો કરવેરો નહિ ભરે તેમની જમીન તથા અન્ય સંપત્તિ જપ્ત કરવામાં આવશે તથા કોઇપણ રીતે પાછી આપવામાં આવશે નહિ. જો કે સરકારની આ ચેતવણી છતાં ખેડૂતો પોતાની માંગ પર અડીખમ રહ્યાં. કર જમા ન થતાં સરકારે કલેક્ટર અને ઠેકેદારોને ખેડૂતોની જમીન / સંપત્તિ તથા ઢોર જપ્ત કરવાના આદેશ આપ્યા. ખેડૂતોએ પોલીસ દ્વારા થતી અટકાયતો તેમ જ બળપ્રયોગનો કોઇ પણ જાતનો વિરોધ ન કર્યો. આ ચળવળમાં એકતા અને શિસ્તનું અજોડ પ્રદર્શન થયું. તેમનાં ઘર, જમીન, ઢોર તથા આજીવિકાના અન્ય સ્રોત છીનવી લેવા છતાં મોટા ભાગના ખેડૂતો શાંત રહ્યાં અને સરદાર પટેલને મજબૂત ટેકો આપ્યો. દેશના અન્ય ભાગમાં રહેતાં ગુજરાતીઓએ વિદ્રોહ પ્રત્યે સહાનૂભૂતિ દર્શાવતાં સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો અને ચળવળમાં ભાગ લેનારા ખેડૂતોના પરિવારોને ખોરાક, રહેવાની સગવડો કરી આપી. આ સત્યાગ્રહના કારણે સરકાર કર માફ કરવા બાધ્ય બની. તેણે ચાલુ તથા આગામી વર્ષનો કરવેરો માફ કર્યો તથા કરના દરમાં કરેલો વધારો પાછો ખેંચ્યો. સાથે જ લોકોની જપ્ત કરાયેલી સંપત્તિ પરત કરી.
“બોરસદ તાલુકાના લોકો આખા જિલ્લામાં તોફાનીમાં તોફાની ગણાય છે. અને ખાસ કરીને કાંઠાના લોકો ઘણા તોફાની છે એમ કહેવાય છે. હવે સત્યાગ્રહની લડત કાંઠામાં શરૂ થઈ છે. માટે આપણે ટંટો, લૂંટફાટ, અને દંગા વગેરે છોડી દેવાં જોઈએ, અને ન્યાયને રસ્તે ચાલવું જોઈએ. તમારામાં જે ઝનૂન હોય તેને ન્યાયને રસ્તે લડતાં વાપરવું. તમારી શક્તિનો ખોટો ઉપયોગ કરવો નહીં. ધારિયાં ઉગામવાનું છોડી દેવું. ભાઈચારો રાખવો. વિનયથી, વિવેકથી ચાલવું. આપણા જે હક હોય તે મક્કમપણે માગવા. મામલતદારોની બીક છોડી દેવી. હકની વાત હિંમતથી કહેવી. આપણી લડતનો મુખ્ય હેતુ એ છે કે પ્રજામાંથી ભય કાઢી નાખવો, કુચાલ, કુસંપ, ટંટોફિસાદ દૂર કરવાં. સરકાર તમને ખૂબ તાવશે, તમને દુઃખ પણ આપશે. પણ દુઃખ વિના સુખ નથી, સમજીને દુઃખ વેઠવું એ સારામાં સારો રસ્તો છે. સરકાર શું કરશે? જપ્તીઓ કરશે. ચોથાઈ ચઢાવશે જમીન ખાલસા કરશે. પરંતુ તમે કોઈપણ જાતનું તોફાન ન કરશો. મેં જોયું છે કે તમારે ત્યાં જપ્તી થાય ત્યારે તમે ધારિયા ઉછાળો છો. પરંતુ હવે તો આપણે લાકડીયે ઉગામવી નહીં. જમીન ખાલસા કરે તો કંઈ આખા ગામની જમીન ખાલસા ન થાય. તમારી જમીનમાં તમે જ હળ ઘાલશો. છેવટમાં મારી વિનંતી છે કે આકાશ ને પાતાળ એક થઈ જાય તો પણ તમારી પ્રતિજ્ઞા તોડશો નહીં. તેમ કરશો તો ખેડા જિલ્લાનું નામ હિંદના ઇતિહાસમાં પહેલું લખાશે. આખા હિન્દુસ્તાનની આંખ અત્યારે તમારી ઉપર છે. રૈયત જે ઇન્સાફ માગે તે ઇન્સાફ સરકારને આપવો જ પડે. જો પ્રજાબળ એકત્ર થાય તો કોઈ પણ સરકાર તેની સામે થઈ શકતી નથી.”
(ખેડા સત્યાગ્રહ-1, 18 એપ્રિલ 1918)
“આખા જિલ્લામાં ખાલસાની નોટિસો કાઢી; મુખ્ય માણસોને ઘેર જપ્તીઓ કરી; ખાલસાના હુકમો કર્યા; ચોથાઈ દંડ લીધા; ઊભો પાક જપ્તીમાં લીધો; કેદ કરવાનો ડર બતાવ્યો; પણ પ્રજા અડગ રહી. ગામેગામ જપ્તીઓનું કામ પૂરજોસથી ચાલે છે, છતાં પ્રજાએ હિંમત છોડી નથી. જપ્તી કરનાર અમલદારો ખેડૂતને સહેલાઈથી ભારેમાં ભારે ત્રાસ આપી ડરાવવાના હેતુથી જપ્તીમાં લઈ શકાય તેવી બીજી મિલકત હોવા છતાં, સંખ્યાબંધ ભેંસો જપ્તીમાં લે છે, ખાસ કરીને દૂઝણી ભેંસો લે છે. કેટલીક જગ્યાએ તો જપ્તીમાં લઈ તરત જ તેને તાપમાં બાંધવામાં આવે છે. કોઈ જગ્યાએ તેને તેનાં પાડિયાંથી વિખૂટી પાડવામાં આવે છે. જાનવરો રાડો પાડે છે, અને સ્ત્રીઓ કકળાટ કરે છે. તે જોઈ છોકરાં હ્રદયભેદક રૂદન કરે છે. જપ્તીની મુદ્દત દરમિયાન ભેંસની કિંમત અડધી થઈ જાય છે. છતાં ધર્મ પાળનાર ખેડૂત ધીરજથી પ્રતિજ્ઞાનું પાલન કરે છે, અને શાંતિથી દુઃખ સહન કરે છે. અમલદાર વર્ગનો ભય પ્રજામાંથી નીકળી ગયો છે; અને ખેડાના ખેડૂત અમલદારની સાથે હિંમતથી અને માનપૂર્વક કામ લઈ શકે છે; એટલું જ નહીં પણ ગરીબમાં ગરીબ રૈયત સેંકડો વરસથી મૂંગે મોંએ વેઠ કરી ગુલામગીરીની દશા ભોગવતી તે હવે મુક્ત થઈ છે. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે. અને સામાની કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ તેટલો જ સબળ હોય તો જરૂર આપણે જીતી શકીએ એ સત્યાગ્રહની લડતનું રહસ્ય છે.”
(ખેડા સત્યાગ્રહ-2, મે 1918)
“ખેડા જિલ્લાની પ્રજાએ હિંમત અને સહનશક્તિ દાખવી ન હોત તો આ લડતમાં અમે કાંઈ પણ કરી શક્યા ન હોત. એટલે જે માન મને આપવામાં આવ્યું છે તે સઘળું હું તમને પાછું વાળું છું.
(ખેડા સત્યાગ્રહ-3, 29 જૂન 1918)
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર