Opinion Magazine
Opinion Magazine
Number of visits: 8399860
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

‘કુસુમાખ્યાન’ : પત્ની પ્રત્યે આભાર તેમ જ અપરાધભાવની વિરલ, વિસ્તૃત અભિવ્યક્તિ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|18 July 2022

કુસુમાખ્યાન, પ્રકાશક : ‘રંગદ્વાર’, જી-15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ, ફોન : 079-27913344, કિંમત રૂ.100/-

'કુસુમાખ્યાન' નામનાં નાનાં પુસ્તકમાં જાણીતા હાસ્યલેખક, અધ્યાપક અને વિવેચક મધુસૂદન પારેખે તેમનાં દિવંગત પત્ની કુસુમબહેનનું ટૂંકું ચરિત્ર આલેખ્યું છે. તેમાં તેમનાં ‘પાંસઠ વર્ષના પ્રસન્ન દામ્પત્યની યાત્રા’ પણ આવી જાય છે.

મધુસૂદનભાઈએ ગુરુવાર 14 જુલાઈએ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો.

તેમનાં જીવનસંગિનીનું સાત વર્ષ પહેલાં એટલે કે ફેબ્રુઆરી 2015માં અવસાન થયું. મધુસૂદનભાઈએ 2017માં પોતાની ચોરાણું વર્ષની ઉંમરે, પુરુષોએ ખાસ વાંચવા જેવું ‘કુસુમાખ્યાન’ લખ્યું. તેમણે નોંધ્યું છે : 'મેં સદ્દગત કુસુમનું ચરિત્ર આરંભે ભીની આંખે લખવા માંડ્યું; પણ પછી હું જાણે એમાં એ જીવન ફરી જીવતો હોવાનો મને અનુભવ થયો.’

'કુસુમાખ્યાન' ગુજરાતી સાહિત્યમાં અને સમાજમાં વિરલ પુસ્તક છે. તેમાં મધુસૂદનભાઈ પત્ની  કુસુમબહેન તરફ  આભાર અને અપરાધનો ભાવ વારંવાર  વ્યક્ત કરે  છે. આવું આપણે ત્યાં જાહેરમાં તો જવા દો, અંગત રીતે પણ જોવા મળતું નથી, અને આ બાબત સામાન્ય લોકો અને જાણીતી વ્યક્તિઓ બંનેને લાગુ પડે છે.

એટલે 'કુસુમાખ્યાન'ને એક ભારતીય પુરુષે કોઈ પણ દંભ વિના, અનૌપચારિક અને અનલંકૃત રીતે, સાચકલાઈના સતત રણકા સાથે વારંવાર, વિગતવાર પોતાની પત્ની પ્રત્યે વ્યક્ત કરેલા આભાર અને અપરાધાભાવની મનભર અભિવ્યક્તિ તરીકે વાંચવું જોઈએ.

અનેક સન્માન – પુરસ્કાર મેળવી ચૂકેલાં મધુસૂદન પારેખ લખે છે :  'હું કુસુમને જ બધો યશ સાચી રીતે આપું. એની છાયામાં જ હું ધીમે ધીમે વિકસ્યો, સમાજમાં પ્રતિષ્ઠા પામ્યો. સમાજનો વિશાળ વર્ગ મને  ‘હું, શાણી અને શકરાભાઈ'ના લેખક તરીકે નવાજતો થયો. અરે, કુસુમને પણ  કેટલાકે 'શાણી' નામથી નવાજી !’

આ કટાર પરથી થયેલાં પુસ્તક માટેનો શ્રેય પણ કુસમબહેનને જ જાય છે. કેમ કે, પુસ્તક કરવાનું સૂચન કુબા(પુસ્તકમાં અનેક વખતે વપરાયેલું હુલામણું નામ)નું, અને તેના માટે છાપાંનાં લેખોનાં કતરણો પણ એમણે જ સાચવી રાખેલાં. મધુસૂદનભાઈ (ઘણાં માટે મધુકાકા) આગળ લખે છે : ‘મેં હાસ્યરસના એકાંકીના સંગ્રહને ‘નાટ્યકુસુમો’ નામ આપીને કુસુમનાં કાર્યને એક અંજલિ આપી.’

1961માં વ્યક્ત થયેલી આ લાગણીની પરાકાષ્ટા પંચાવન વર્ષ બાદ ‘કુસુમાખ્યાન’ને અંતે આ શબ્દોમાં મળે  છે : 'રોજેરોજ હું કુબાની છબિ પાસે ઊભો રહી પ્રાર્થના કરું છું કે ‘કુબા! તમે અંબામાના દિવ્ય અંશ છો. મારી ભૂલો માફ કરીને મને તમારી પાસે રાખો.’ કુબા પુણ્યશાળી હતાં. એમનું ઋણ હું કેમ ચૂકવી શકું ? હું માત્ર તેમને ભાવભરી અંજલિ આપી અહીં વિરમું છું.'

લેખક કુબાના સમર્પણનો જુદા જુદા પ્રસંગે / સંદર્ભે તે એકથી વધુ વખત કૃતજ્ઞતાથી ઉલ્લેખ કરે છે : ‘એણે જાણે એનું જીવન મને જ સમર્પી દીધું હતું. એનામાં સમર્પણ ભાવ હતો જ.’ તેઓ અન્યત્ર લખે છે : ‘એનામાં પ્રેમથી છલોછલ સમર્પણ ભાવના હતી. એની આ સમર્પણ વૃત્તિ સંસારના પ્રત્યેક વ્યવહારમાં હું અનુભવતો.’

કુબાની ન્યોછાવરીની ખૂબ હૃદયસ્પર્શી સ્વીકૃતિ સ્વાસ્થ્યના સંદર્ભે છે. લેખકને શ્વાસની તકલીફ, બીજી બાજુ વાનગીઓનો શોખ. છતાં એમને ભાગ્યે જ કોઈ રોગ થયો જ્યારે કુસુમબહેનમાં અનેક વ્યાધિ ઘર કરી ગયા. એટલે મધુભાઈ લખે છે : 'હું ક્યારેક મજાક કરતો કે કુબાએ મારા બધા રોગ પોતાનામાં  ટ્રાન્સફર કરી દીધા છે. જો કે હું ચોક્કસ માનું છું કે મારાં તમામ દુ:ખો એમણે ભોગવવાનાં હોય તો એ નિ:સંકોચ ભોગવે. મારા માટે એ સતીરૂપ હતાં.' મધુકાકા એમ પણ લખે છે : ‘એમણે મારી મર્યાદાઓની ક્યારે ય ટકોર સુધ્ધા કરી નથી. આર્ય નારીની જેમ એમણે મને હૃદયથી સ્વીકારી લીધો હતો.’  રઘુવંશનો અજ રાજા કહે  છે : ‘અપરાધી સદા હું , તો ય જો મુજ પે તું  ન અભાવ લાવતી …’

પત્નીના ઋણના સ્વીકારની જેમ આપણા સમાજમાં પત્ની પ્રત્યે ભાગ્યે જ વ્યક્ત થતી બીજી લાગણી છે તે અપરાધભાવની. તેની પહેલી નોંધ તો દામ્પત્ય જીવનના આરંભના વર્ણનમાં જ મળે છે. શિક્ષકના કામમાં દિલોદિમાગથી પરોવાયેલા મધુભાઈ લખે છે : '… મને એના  આશાતુર મનને પારખવાની સૂઝ  પણ એ ગાળામાં નહિ. પતિ  તરીકે મારી પત્ની તરફની ફરજો નિશાળના મોહમાં મારાથી વિસરાઈ ગઈ  હતી.’

સંયુક્ત કુટુંબ અને ઘરના નાનામોટા મનદુ:ખ અંગે તેઓ લખે છે : ‘અમારા પરિવારમાં કોઈના ય પ્રગતિશીલ વિચારો નહીં … વહુઓ વિશે ઊંચા ખયાલ ઘરમાં કોઈને નહીં … કુસુમનું સ્વમાન કેટલીક વાર હણાય. કુસુમ મને સુધ્ધા એ વિશે વાત  કર્યા વિના મૂંગે મોઢે એ અપમાનો સહન  કરી  લે .. એ તો બધી માનસિક  યાતનાઓ  વેઠનારી મારી મૂંગી પત્ની  હતી.’

મધુભાઈએ અલગ રહેવા માંડ્યું, એ વખતે તેઓ લખે  છે : ‘… એના પ્રત્યે મારો રાગ વધતો જતો હતો. અગાઉની મારાથી થયેલી એની ઉપેક્ષા હું ભૂલી ગયો હતો.’ પોતાના ઘરકૂકડા સ્વભાવનો ઉલ્લેખ કરીને લેખક નોંધે છે : 'કુસુમને ફરવાનો, પ્રવાસનો બહુ શોખ. એની ઇચ્છા મૂરઝાઈ જતી એણે કદી એ બાબતે બળાપો કે ક્લેશ કર્યો નથી. મનની કેટલીક ઈચ્છાઓ સુષુપ્ત જ રહી હશે. આજે આ લખતી વેળા મને એની સહિષ્ણુતા અને પતિ તરીકે મારી એની ઇચ્છાઓ પ્રત્યેની બેદરકારી માટે ખેદ થાય છે.’ સુંદરજી બેટાઈએ 1958માં અવસાન પામેલાં પત્નીને યાદ કરીને લખેલી સુંદર છાંદસ દીર્ઘ કરુણપ્રશસ્તિ ‘સદ્દગત ચન્દ્રશીલાને’ યાદ આવે : ‘કૂણાં કોડ હશે તારા છેડાયા જ અજાણતા / અનપ્રેક્ષ્યાં કદી હુંથી ઉપેક્ષાતીર પામતાં’.

મધુકાકાએ એક વખત કુબાને પૂછ્યું : ‘તમે બીજા જન્મમાં પતિ તરીકે મને સ્વીકારો ?’ જેનો જવાબ મૌનમાં મળ્યો. એટલે પતિનો ચિત્તસંવાદ ચાલ્યો : ‘તેં  એમના માટે એમને માટે સમગ્ર જીવન દરમિયાન એમને ગમે એવું કશું કર્યું છે ખરું ? એમના ઘવાતા સ્વમાન વખતે તું એમની પડખે ઊભો રહ્યો છું ?એમના બચાવ પક્ષે તે કશી કામગીરી કરી છે ? લગ્નના બંને પ્રસંગે (દીકરા અને દીકરીએ કુબાની ઇચ્છા વિરુદ્ધ અન્ય જ્ઞાતિના જીવનસાથી પસંદ કર્યાં હતાં) તેં વ્યક્તિસ્વાતંત્ર્યનો દંભ કરીને કુબાની ભાવનાને ઠેસ મારી છે. તું નીતિની વાતો કરીને તારી ભીરુતા છૂપાવતો રહ્યો. હા, પતિ તરીકે તેં એમના જીવનમાં થોડો ફાળો આપ્યો. પ્રવાસો કરાવ્યા પણ એમની ધરબાઈ રહેલી આકાંક્ષાઓ વિશે તેં જાણવાની ઇચ્છા કરી? એમના આંતરમનને સમજવા તેં પ્રયત્ન કર્યો ?’

આવા અપરાધભાવ અને ઓશિંગણભાવની મનભર અભિવ્યક્તિ તરીકે ‘કુસુમાખ્યાન’ને વાંચતાં લેખકના મનની વાત અને તેમનું દામ્પત્ય જીવન વધુ આહ્લાદક રીતે ઉજાગર થાય છે. પત્નીના ગુણો માટે આ ‘મુગ્ધ પતિ’ને અનુરાગ છે : ‘અમે એમના બહુમુખી અને પ્રેમાળ વ્યક્તિત્વ પ્રત્યે એટલો આદર થતો કે હું એમને વંદન પણ કરી લેતો.’

જો કે ભક્તિ સુધી પહોંચનારા આદર સાથે મધુકાકાનું મન બીજી અનેક લાગણીઓથી છલોછલ છે. કુબાની શ્રેષ્ઠતા એમણે સ્વીકારી છે : ‘મારાથી એ મૂઠી ઊંચેરા નહિ, ખાસ્સી ઊંચાઈ ધરાવતાં હતાં. એમનાં વ્યક્તિત્વ આગળ હું ઝાંખો હતો.’

લગ્ન, સંયુક્ત પરિવારમાં પતિપત્નીનો શરૂઆતનો ગાળો, કારર્કિર્દીનો તબક્કો, નોકરી, મિલકત અને પૈસાના વ્યવહાર, બાળકોના ઉછેર ઇત્યાદિનાં વાચનીય સંસારચિત્રો લેખક આપે છે છે; અને તેમાંથી લગભગ દરેકમાં કુબાની કાર્યકુશળતાને તેમણે કેન્દ્રમાં રાખી છે. અનેક બાબતો અંગે વાંચવા મળે છે : કુસુમબહેને કરકસરથી પતિના અજાણતા કરેલી બચતને કારણે થઈ શકેલી એક મોંઘી તિજોરીની ખરીદી, મકાન માટે તેમના પલ્લાનું કરેલું વેચાણ, છેક 1950ના દાયકાથી શેરોની બાબતે જાણકારી અને બૅન્કના કામકાજની સજ્જતા, રોજેરોજના હિસાબ, લેખકને ભાવતાં ફરસાણ સાથેની રસોઈ, તેમની બાની આખર સુધી સારસંભાળ, પતિની વિદ્યાર્થિનીઓ માટેનો સ્નેહ, એક દલિત વિદ્યાર્થિની માટેનો સમભાવ જેવી કેટલી ય વાતો અહીં લાઘવથી રસપ્રદ રીતે આલેખાઈ છે.

પુસ્તકના શરૂઆતના પાંચ પાનાંમાં મધુસૂદનભાઈને પત્નીના મૃત્યુ પછીના પોતાની વિદીર્ણ મનોદશાનું વર્ણન કર્યું છે. વળી, તેમણે શબ્દફેરે એકાધિક વખત તેમની જિંદગીનાં કુસમબહેન પરના પૂરેપૂરાં અવલંબનનો અને કુસુમબહેન વિના જીવવું અકલ્પનીય હોવાનું પણ  જણાવ્યું છે.

પુસ્તકમાં વિશિષ્ટ છે તે કુસુમબહેનની પ્રબુદ્ધતાનાં વિવિધ પાસાં. કુબાને કિશોરવયથી જ લાગેલા વાચનશોખને કારણે છાપાંની પૂર્તીઓ, સામયિકો અને પુસ્તકોમાંથી તેમને ખૂબ આનંદ મળતો. છાપાંની પૂર્તિમાં શબ્દોનાં ચોકઠાં ભરવાના ‘અપ્રતિમ શોખ’ને કારણે તેમનું શબ્દભંડોળ માતબર થયું હતું.

સહુથી રોચક છે તે કુસુમબહેનના ભણતરનું નિરૂપણ અને પતિ-પત્નીની તેમાં જોવા મળતી સંવાદિતા. કુબાનાં દેરાણી હંસાબા બી.એ. અને  શાળામાં શિક્ષક. પરિવારમાં તેમનાં ભણતર અને નોકરીનો મોભો સચવાતો. મધુકાકાએ કુબાને એક વખત વાતવાતમાં પૂછ્યું : ‘તને  મેટ્રિકમાં પ્રથમ વર્ગ મળ્યો છે. તું કૉલેજમાં આગળ અભ્યાસ કરે તો કેવું?’ આ સવાલથી કુબાના ‘મુખ પર આશ્ચર્યની સાથે પ્રસન્નતા ઝળકી ઊઠી.’

એ પછી ‘જાન્મજાત શિક્ષક’ પતિએ પત્નીને ગુજરાતી સાહિત્ય શીખવવાની શરૂઆત કરી. લેખક વિદ્યાબહેન અને રમણભાઈ નીલકંઠને સંભારે છે.પછી લખે છે : ‘શિક્ષણ  દરમિયાન એના મુખ પર પ્રસન્નતાનો જે અપૂર્વ પ્રકાશ પ્રગટતો તે મારામાં ખુશીની લહેરો પ્રગટાવતો હતો … અમારાં બંનેના હૃદયના તંતુ દૃઢપણે ગૂંથાતા ગયા.’ પરીક્ષાના દિવસોમાં ઘરેથી ઘોડાગાડીમાં કોલેજ જતી વખતે મધુકાકા કુબા પાસે અગત્યના સવાલોનું પુનરાવર્તન કરાવી દેતા. બાળકોનાં ઉછેર અને ઘરની તમામ જવાબદારીઓની વચ્ચે કુબા બી.એ. થયાં. લેખક કહે છે : ‘મારી ધન્યતાનો પાર ન હતો. હું પત્નીનો શિક્ષક બન્યો. એની ઉચ્ચ શિક્ષણ પામવાની અભિલાષા પોષવામાં અને એને કૃતાર્થ કરવામાં કામયાબ નીવડ્યો તેનો તો મને આનંદ હતો જ. પણ એના મુખ પર જે પરમ સંતોષ ઝળકવા માંડ્યો તે મારા માટે અવર્ણનીય હતો. હું ક્રમશ: કુસુમમય બનતો જતો હતો. એ પોતે મારા પર ઓળઘોળ હતી જ … અમારું દામ્પત્ય પરસ્પરના નિર્વ્યાજ સ્નેહથી વિભૂષિત થવા માંડ્યું.’

કુબા એમ.એ. કરતાં હતાં.મધુકાકા યાદ કરે છે :‘મારે ‘સરસ્વતીચન્દ્ર’ ભણાવવાનો હતો. હું વર્ગમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓની સામે વ્યાખ્યાન આપતો હોઉં અને સામે આગળની પાટલી પર બીજી વિદ્યાર્થિનીઓ સાથે કુસુમબહેન બિરાજ્યાં હોય. અમારાં બંનેને માટે એ અવર્ણનીય આનંદનો પ્રસંગ હતો. કુસુમ માટે જિંદગીનો અકથ્ય કે અકલ્પ્ય અનુભવ હતો. વિશાળ વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે પતિનું વ્યાખ્યાન સાંભળવાનું હોય એનો અપૂર્વ ગૌરવ-આનંદ કેવો હોય!’

મૂળભૂત રીતે તેજસ્વી કુસુમબહેનની આંતરસમૃદ્ધિ વધતી ગઈ. ‘ગુજરાત સમાચાર’ની બાળકો માટેની ‘ઝગમગ’ પૂર્તિમાં તેઓ ઘણાં સમય સુધી અંગ્રેજી વાર્તાઓના અનુવાદ આપતાં રહ્યાં. મધુભાઈનાં પુસ્તકો કરવામાં તો તેમનો ફાળો હતો જ. પણ હવે પતિ જેના તંત્રી હતા તે ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના પ્રૂફ જોવાનું કામ પણ એમણે સંભાળી લીધું. પછીનાં વર્ષોમાં ‘બુદ્ધિપ્રકાશ’ની વાર્ષિક સૂચિનું કામ તેમણે સ્વીકાર્યું તે આખર સુધી ચાલુ રાખ્યું. ‘રઘુવંશ’ના અજ-વિલાપનો જાણીતો શ્લોક યાદ આવે : गृहिणी सचिव: सखी  मिथ: / प्रियशिष्या ललिते कला विधौ.

આવી પતિપરાયણતાની સાથે ‘કુબાના મનમાં સમાજમાં સ્ત્રીપુરુષ સમાનતા માટે પ્રબળ ખ્યાલ હતો … સ્ત્રીઓની સંસ્થામાં એમને કશુંક કરવાની પણ ઇચ્છા કેટલીક વાર  થઈ આવતી.’

એમણે એક વાર મધુકાકાને ‘વેધક અને સમજની કસોટી કરે તેવો સવાલ’ કર્યો હતો : ‘એક જન્મે કોઈ સ્ત્રી બને એટલે પછી દરેક જન્મે એને સ્ત્રીનો જ અવતાર મળ્યા કરે એને પુરુષનો અવતાર મળે જ નહીં?’ આ સવાલ નોંધીને  મધુકાકા ટિપ્પણી કરે છે : ‘આ શબ્દો પાછળ મર્મ હતો. સ્ત્રીનો જન્મ હોવાને કારણે એના કેટલા ય મનોરથ સુષુપ્ત જ રહ્યા. એનો એને રંજ હશે. પુરુષ થઈને એ સ્વતંત્ર વ્યક્તિત્વ માંગતી હતી  એવું મને સમજાયું.’

ગુજરાતીમાં પતિએ પત્નીનું લખેલું પહેલું ચરિત્ર ‘પાર્વતીકુંવર આખ્યાન’ 1881માં લખાયું છે. તેના લેખક મહિપતરામ રૂપરામ (1829-1891) ગુજરાતના સુધારાયુગના અગ્રણી કેળવણીકાર, સાહિત્યકાર, સમાજચિંતક અને જાહેર જીવનના કાર્યકર હતા. આ પૂર્ણ પત્નીકેન્દ્રી અને પ્રગતિશીલ જીવનચરિત્રમાં લેખક ‘પત્નીવ્રત’ શબ્દ પ્રયોજે છે.

તેના પછી ગાંધીજી આત્મકથામાં 1927માં  ‘ધણીપણું’ નામનું અઢી પાનાનું પ્રકરણ લખે છે. પછી છેક  2017માં ‘કુસુમાખ્યાન’ આવે છે.

આ ત્રણ લખાણો પછીનાં વર્ષોમાં ‘પત્નીવ્રત’ અપનાવનાર કે ‘ધણીપણા’ને દૂર રાખનાર પતિ આપણા સમાજમાં અને તેની અભિવ્યક્તિ આપણી ભાષામાં આવી છે કેમ તે સમાજશાસ્ત્ર અને  સાહિત્ય બંને માટે સંશોધન ઉપરાંત ચિંતનનો વિષય  છે.

મધુકાકાના નજીકના મિત્ર, તેમની સાથે ‘બુદ્ધિપ્રકાશ’ના એક સમયના સહતંત્રી અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી રમેશ બી. શાહ પુસ્તકના ચોથા આવરણ પરની નોંધને અંતે લખે છે : ‘ગૃહિણીની મૂક ગૃહસેવાની નોંધ લઈને ભાગ્યે જ એની જાહેરમાં કદર કરવામાં આવે  છે. કુસુમાખ્યાન કરીને મધુભાઈએ ગૃહસ્થોને એક દિશા ચીંધી છે.’

આ દિશામાં ડગ માંડતાં આપણા સદ્દગૃહસ્થોને કેટલો સમય  લાગે છે તે જોવાનું રહે …

(1700 શબ્દો)

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

18 July 2022 સંજય સ્વાતિ ભાવે
← તીસ્તા સેતલવાડ વડાપ્રધાનને આંખના કણાની જેમ કેમ ખટકે છે?
આબરુ સાચવવાની બીકે બેઆબરુ થવામાં ડહાપણ નથી … →

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • ડાયસ્પોરાને નામે ભળતું જ લખાય છે 
  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી
  • કસ્તૂરી મહેક
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા

Poetry

  • દેવકીની પીડા ..
  • રેશમ ગાંઠ
  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • PEN–India at 75
  • Personal reflection on India’s 75th independence anniversary
  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved