કરસનદાસ મૂળજી
જન્મ : 25 જુલાઈ, 1832 — મૃત્યુ : 28 ઓગસ્ટ, 1871
આજે 28મી ઓગસ્ટે કરસનદાસ મૂળજીનો સ્મૃતિ દિવસ છે. 1832થી 1871ના એમના જીવનકાળનું બલકે જીવનકાર્યનું આ દિવસોમાં ઠીક સ્મરણ થતું રહ્યું છે. ‘મહારાજ’ ફિલ્મ નિમિત્તે કરસનદાસનું પાત્ર હવામાં હતું જ; અને એમાં વળી અચ્યુત યાજ્ઞિકની પહેલી વરસીએ (ચોથી ઓગસ્ટે) 1983માં લખેલી કરસનદાસ વિષયક પુસ્તિકા પણ ફેરરમતી થઈ: 1982-83માં કરસનદાસ મૂળજીના જન્મની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ ખાસ તૈયાર થઈ હતી. ‘સેતુ’ મારફતે વિષમતા નિર્મૂલન પરિષદ જેવા ઉપક્રમ થકી અચ્યુત જે પ્રવૃત્તિઓ કરતા એમાં ગુજરાતમાં સુધારાની ને નવજાગૃતિની ચળવળ પણ એક ખાસ રસનો વિષય હતો.
આ લખું છું ત્યારે યાદ આવે છે કે સાર્ધ શતાબ્દી વિશે પૂર્વ વિચારણા માટે અમે ભેગા થયા ત્યારે સૂઝી આવેલી અને શોધી કાઢેલી સ્રોત સામગ્રીમાં વિજયરાય વૈદ્યકૃત ‘લીલાં સૂકાં પાન’ની જીર્ણશીર્ણ નકલ હજુયે મારા અંગત સંગ્રહમાં સચવાઈ છે. આ ‘લીલાં સૂકાં પાન’ વસ્તુત: નર્મદ યુગ પરત્વે વિજયરાયે લખેલા વીસ નિબંધોનો સંચય છે. નર્મદ યુગના ‘યાહોમ’ માહોલના પરિચયની રીતે – અને તેમાં ય સવિશેષ તો કરસનદાસ મૂળજીના પત્ર ‘સત્યપ્રકાશ’ના આરંભિક અંકો(સપ્ટેમ્બર-ડિસેમ્બર 1855)ની સટીક ઝલકની રીતે – અમને તે ખાસી ઉપયોગી થઈ પડી હતી.
‘મહારાજ’ ફિલ્મને પ્રદર્શિત થતી રોકવાની કોશિશ જો કે આ પ્રકારનો પહેલો કિસ્સો હતો એવું નથી. ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં વિશ્વનાથ ભટ્ટ કૃત વિરલ નર્મદચરિત્રમાંથી લીધેલો પાઠ કાઢી નાખવાની ઝુંબેશ કે.કા. શાસ્ત્રીના નેતૃત્વમાં ચાલી હતી એ વાતને દાયકાઓ વીતી ગયા, પણ એની સ્મૃતિ તાજી છે અને ‘મહારાજ’ વિવાદ જેવી ઘટનાઓ એ જખમને દૂઝતો જ રાખતી હોય છે.
વિશ્વનાથ ભટ્ટે નર્મદ આદિની સુધારક ચળવળનો ખયાલ આપતા જદુનાથ મહારાજ તરેહની ગેરરીતિઓનો ઉલ્લેખ કરેલો એટલે આ પાઠ કાઢી નાખવાની હિલચાલ થઈ હતી. મુદ્દે, નર્મદ કાળમાં સુધારક પ્રવૃત્તિની ચર્ચા કરીએ તો એમાં જદુનાથ મહારાજ પ્રકારનાં પાત્રો મારફતે પ્રગટ થતા જીર્ણમતની જિકર થયા વગર રહી શકે જ નહીં. જ્યારે શાસ્ત્રને નામે જીર્ણમતનું સમર્થન થાય ત્યારે તમે નર્મદને પ્રસ્તુત મહારાજને પડકારતો જુઓ જ કે શાસ્ત્રો કૈં ઈશ્વરે રચ્યા નથી, પછી તે વિધવા પુનર્વિવાહ જેવા પ્રશ્નો હોય કે અનુયાયીગણની પરિણીતા સાથે ગુરુએ સંબંધ બાંધવાનો મુદ્દો હોય.
વિજયરાય વૈદ્યે ‘લીલાં સૂકાં પાન’માં 1860ના ઓક્ટોબરની પાંચમી તારીખે નર્મદ જે દિલથી, જે દાઝથી, જે જોસ્સાથી ‘વિધવા પુનર્વિવાહ’ વિશે જાહેર સભામાં બોલ્યો હતો એની હૃદયવેધી નોંધ લીધી છે. બાળ વિધવાએ શું શું વેઠવું પડે છે એની તપસીલ આપી નર્મદે કહ્યું હતું: ‘એ સઘળું શું માણસજાતની કુમળી છાતીને વીંધી નાખીને એકદમ દયાનો ઝોલો આણવાને બસ નથી?’
તે દિવસે, નર્મદે લખ્યું છે, ‘ઘેર આવ્યા પછી મારાથી એક કલાક સુધી બોલાયું નહોતું. એ દહાડેથી મારા અવાજની આગલી મીઠાશ જતી રહી છે.’
મુદ્દે સુધારો ને નવજાગૃતિ એ ક્યારેક આપણી અક્ષરમંડળી માટે મહત્ત્વનાં વાનાં હતાં અને કથિત સાહિત્યસેવનમાંયે તે અગરાજ નહોતું. કરસનદાસ મૂળજીની કામગીરી જોઈએ ત્યારે કથિત જહાલ મંડળી એની અન્ય વિશેષતાઓ અને અર્પણ છતાં છેક જ ફીકી પડતી અનુભવાય છે. દસ વરસની છોકરી લગ્નલાયક ગણાય અને એના ધણીને એ લગ્નહક્ક ભોગવવા ન દે તો કાયદેસર સજાપાત્ર ગણાય, એવાયે દિવસો હતા.
1890માં એમાં સુધારાની વાત આવી ત્યારે તિલક મહારાજે તેનો વિરોધ કરેલો, ધર્મમાં અંગ્રેજોની દખલના મુદ્દે! ઊલટ પક્ષે, નરસિંહરાવ દીવેટિયાએ 11 વરસની કન્યા ફૂલમણિ, એના મોટી વયના પતિએ લગ્નહક્ક ભોગવવાની ધરાર ચેષ્ટા કરતાં મરણ પામી ત્યારે ‘ફૂલમણિ દાસીનો શાપ’ એ કાવ્ય લખી કહ્યું હતું કે આ દાવાગ્નિ આર્યભૂમિ આખીને ભસ્મીભૂત કરીને જ રહેશે.
મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક લિખિત આ પુસ્તિકાની પહેલી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે 1983માં મુંબઈમાં ફાર્બ્સ ગુજરાતી સભાના સહયોગથી યોજાયેલી સભામાં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર ધીરુબહેન પટેલે વ્યક્ત કરેલા વિચારો સાથે આ તવારીખ તપીસ પૂરી કરીશું:
‘વહેલા જન્મી પડેલો માણસ, એ જમાનામાં ‘મિસફિટ’ થાય એવો માણસ … ‘હું અને મારું જીવન’થી બહાર નીકળે છે તે દુ:ખી થાય છે. આજના જમાનામાં પણ કરસનદાસ ફરી જન્મે તો સુખી ન થાય. પાછો સુધારાનો ઝંડો ઉઠાવવો જ પડે.’
‘39 વરસના જીવનમાં એ માણસ પ્રબળ છાપ છોડી ગયો. જે સાહિત્ય હૃદયમાંથી નીકળ્યું તે લોકો સુધી પહોંચાડ્યું. નાત બહાર મૂકાયા, નાગર વાણિયાની નાતમાં ઘૂસ્યા. સુધારાનો કિનારો સાગરના મોજા જેવો છે. પ્રગતિ પછી પીછેહટ આવે તો નિરાશ ન થવું. નાગર વાણિયાનો સાથ છૂટ્યો તો બીજો સાથ મળ્યો. ફરી એકવાર દેશાટણ કરી આવ્યા.’
‘ધર્મગુરુઓનું વર્ચસ્વ સ્વતંત્ર બુદ્ધિ ન રહેવા દે. એની સામે લડ્યા. મહારાજ લાયબલ કેસ પતી ગયા પછી … લીંબડીમાંથી વિધવા બહેનને લાવીને એક સદગૃહસ્થની સાથે ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા. એમના આ સઘળાં કામ માટે વીરચક્ર, પરમવીરચક્ર મળવું જોઈએ.’
‘આપણે નાનપણમાં ઘણા ઉદ્દામ હોઈએ છીએ. પછી ઉંમર વધતાં લોહી ઠંડું પડી જાય છે. પણ કરસનદાસના જીવનમાં આમ ન બન્યું. કરસનદાસે ભાવિ પેઢી માટે કંઈક કર્યું. અત્યારે એ જીવતા હોત તો તે કયું માધ્યમ ન વાપરત?!’
એક રીતે આ બધા નાગરિક સ્વાધીનતાની આજની ચળવળના પુરોધા જેવો હતા … કાશ, એ સંધાનબોધ રહે!
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 ઑગસ્ટ 2024