-1-
૧૯૪૧માં ક્રિપ્સ મિશનના પાછા ફર્યા પછી સરકારે ભારતને ચારે બાજુથી લૂંટવાની શરૂઆત કરી દીધી. જાપાન સાથે યુદ્ધ કરવા અંગ્રેજ અને અમેરિકન સૈન્યો દરેક નગરમાં ગોઠવી દેવામાં આવ્યાં હતાં. એ લોકોનો બધો ખર્ચ ભારત સરકારે ઉપાડી લીધો હતો. આખરે તો આ ખર્ચ પ્રજા પાસેથી વસૂલ કરવામાં આવતો હતો. આ ઉપરાંત વધારાના ખર્ચ માટે પ્રજા ઉપરનો કરભાર વધારી દેવામાં આવ્યો હતો. આથી દરેક ચીજના ભાવ વધી ગયા હતા. સારામાં સારું બધું અનાજ પરદેશ મોકલી દેવાતું હતું અથવા તો ભારતમાં ગોઠવાયેલા સૈન્યને આપી દેવાતું હતું. આથી અનાજ મોંઘુંદાટ થઈ ગયું. ભારતનાં બજારોમાંથી અનાજનો જથ્થો પગ કરી ગયો. અનાજના ભાવ આસમાનને આંબી ગયા. ગરીબ પ્રજાજનો ભૂખે મરવા લાગ્યા. દેશની બધી સુખસગવડો સૈનિકો માટે રાખવામાં આવી. પોતાની જ ભૂમિ પર લોકોને ગુલામની જેમ રાખવામાં આવ્યા. સપ્તસિંધુના આ ફળદ્રુપ દેશમાં (માનવસર્જિત) દુકાળ પડ્યો.
બોલવા-ચાલવા, પત્ર લખવા, ભાષણ આપવા, સભા-સંમેલન, વર્તમાનપત્ર બધાં પર પ્રતિબંધ મુકાઈ ગયો. આખો દેશ એક વિશાળ કોન્સન્ટ્રેશન કેમ્પ (રાજકીય કેદીઓની છાવણી) જેવો બની ગયો હતો. કદાચ હિટલરે તો પાંચેક કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવ્યા હતા. અંગ્રેજ સરકારે તો પાંત્રીસ કરોડની વસ્તીવાળા આખા દેશને જ મિલિટરી કેમ્પ બનાવી દીધો હતો. જોરશોરથી શોષણ અને આતંકનો કેર વર્તાવવામાં આવ્યો હતો. ત્યારે મારી ઉંમર અગિયાર વર્ષની હતી પણ એ કપરા દિવસોની સ્મૃતિ આજે પણ તાજી છે. બાપુજી અને આશ્રમવાસીઓ ચિંતાતુર હતા. મને જોતાં જ જેમના મુખ પર મીઠું હાસ્ય ફરકી જતું તે મહાદેવકાકા પણ ખૂબ વ્યગ્ર દેખાતા હતા. દાદીમા પણ ઉદાસ હતાં. ૧૯૪૧માં બારડોલીમાં કાઁગ્રેસનું અધિવેશન ભરાયું હતું. હું પણ બાપુજી અને દાદીની સાથે સુરત જિલ્લાનો પ્રવાસ ખેડીને બારડોલી ગઈ હતી. જવાહરલાલજી અને તેમની બાવીસ વર્ષની પ્રિયદર્શિની કન્યા ઇન્દુ પણ બારડોલી આવ્યાં હતાં. તેઓ બારડોલી આશ્રમમાં અમારી સાથે જ રહ્યાં હતાં. બાપુજી, દાદી અને હું ઉપરને માળે રહેતાં હતાં અને એ લોકો નીચેના ઓરડાઓમાં રહેતાં હતાં. અમારા વડીલો દેશની કરુણ હાલતથી ચિંતિત હતા.
કાઁગ્રેસના નેતાઓ તથા બાપુજી તો ઊંડી ચિંતામાં હતા. ૧૯૪૨ના ઓગસ્ટમાં મારા પિતાજી (રામદાસ ગાંધી) અમને બધાંને લઈને સેવાગ્રામ ગયા હતા. મેં કશું પૂછ્યું નહોતું પણ આજે વિચાર કરતાં લાગે છે કે જરૂર મારા પિતાજીને આવનારા કઠણ સમયની ઝાંખી થઈ ચૂકી હતી. એટલે જ કદાચ મારાં માતાપિતા, ઉષા, કનુ અને હું બાપુજી અને દાદી સાથે થોડા દિવસ રહેવા સેવાગ્રામ ગયાં હતાં.
સાતમી ઓગસ્ટની સાંજે બાપુજી, દાદી, અને મહાદેવકાકાને વર્ધા સ્ટેશન પર મૂકવા અમે ગયાં હતાં. સ્ટેશન ૫૨ પગ મૂકવા જેટલી પણ જગા નહોતી. આખો વર્ધા જિલ્લો સ્ટેશન પર ઊમટી પડ્યો હોય એવું લાગતું હતું. મુંબઈ મેલ થોડો મોડો પડ્યો હતો. આટલા બધા ઘોંઘાટ વચ્ચે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ એક ખુરશીમાં બાપુજી પાંચ-દસ મિનિટ માટે સૂઈ ગયા હતા. ત્યારે તો મને કશી નવાઈ લાગી નહોતી કે આટલા ઘોંઘાટ વચ્ચે પણ બાપુજી નરી સ્વસ્થતાથી ઊંઘી શકે છે. પણ આજે જ્યારે મારા માનસપટ પર એ ચિત્ર ઉપસાવીને જોઉં છું તો મને નવાઈ થાય છે કે કેવી અદ્ભુત સાધના હશે બાપુજીની કે એક ક્ષણનો પણ વ્યય કર્યા વગર, આરામની જરૂર જણાઈ ત્યારે જ્યાં જે સ્થિતિમાં હતા ત્યાં એ જ સ્થિતિમાં પાંચ-દસ મિનિટની ઊંઘ ખેંચી કાઢી અને તાજા થઈને તરત જ ભીડમાં પણ મહાદેવકાકાને લેખ લખાવવા લાગ્યા! આશ્રમની અમારી પ્રાર્થનામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ દર્શાવતો ગીતામાં જે ઉપદેશ છે તેનો પાઠ આપવામાં આવતો હતો. અમે આ શ્લોકનો નિત્યપાઠ કરીએ છીએ. બાપુજીએ સ્થિતપ્રજ્ઞની આ સ્થિતિ હાંસલ કરી લીધી હતી.
મુંબઈ મેલ વર્ધા સ્ટેશનના પ્લેટફૉર્મ પર આવ્યો. ક્યારે ય લાગણીવશ ન થનારા મારા પિતા એમના પિતાજીને વિદાય આપતાં વિવશ થઈ ગયા હતા. ચરણરજ લેતા મારા પિતાજીને બાપુજીએ બાથમાં લઈ લીધા. દાદીને પ્રણામ કરતી વખતે માદીકરા બંનેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. એ વખતે તો હું લાગણીઓની આ બધી વાતો સમજી શકી નહોતી. પણ હવે સમજાય છે કે તે દિવસે બાપુજી, દાદી, મારા પિતા અને મા ચારેયને હવે પછી આવનારા વિકટ સમયની અનુભૂતિ થઈ ગઈ હતી, નહિ તો મારા પિતાજી અને દાદા જાહેરમાં આમ પોતાની લાગણીઓને પ્રગટ થવા ન દે.
•
-2-
૮મી ઑગસ્ટ, ૧૯૪૨ને દિવસે બાપુજી મુંબઈ પહોંચ્યા. સાંજે ધોબી તળાવના વિશાળ મેદાનમાં [ગોવાળિયા ટેંકના મેદાનમાં – વિ.ક.] એક જાહેર સભાનું આયોજન ક૨વામાં આવ્યું હતું. મુંબઈની પ્રજા બાપુજીનાં દર્શન માટે ઊભરાઈ હતી. દેશવાસીઓને તેમના પ્યારા નેતાના માર્ગદર્શનની ખૂબ જરૂર હતી. બાપુજીએ દેશવાસીઓને ‘ભારત છોડો’(ક્વિટ ઈન્ડિયા)નો મંત્ર આપ્યો. આ મંત્ર નહોતો પણ અંતરાત્માનો પોકાર હતો … સમજાવટ, સમાધાન, ચર્ચાવિચારણાનો સમય વીતી ગયો હતો. હવે તો ‘કરો કે મરો’ એ એક જ વાત બાકી રહી હતી. એ માટે બાપુજીએ દેશને ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપ્યો હતો. જાણે કે કોઈ મહાન સંતે દેશવાસીઓને આઝાદીની દીક્ષા જ આપી દીધી. એ જ વખતથી ભારતને ખૂણે ખૂણે ‘ભારત છોડો’નો મંત્ર ગુંજી ઊઠ્યો હતો. ‘ભારત છોડો’નું આંદોલન શરૂ થઈ ગયું. મુંબઈના ધોબીતળાવ પર સૂર્યાસ્ત સમયે બાપુજીએ આઝાદી માટેની અંતિમ લડતનું દેશવાસીઓને આહ્વાન આપ્યું.
બાપુજી સંદેશા, પત્ર, લેખ વગેરે લખવાનું પતાવીને રાત્રે બાર વાગ્યે સૂવા જતા રહ્યા. દાદી પણ કેટલાયે દિવસોથી અસ્વસ્થ હતાં એટલે એ પણ સૂઈ ગયાં. ફક્ત મહાદેવકાકા અને સ્વામીકાકા મોડી રાત સુધી જાગતા હતા. એ લોકો ઊંઘી ન શક્યા. બાપુજીને શ્રદ્ધા હતી કે સરકાર તેમને પકડશે નહિ. કાઁગ્રેસનું અધિવેશન પૂરું થતાં સુધી તો સરકાર રોકાઈ જશે. પણ મહાદેવકાકાનું હૃદય ધરપકડની કલ્પના માત્રથી વ્યથિત હતું. એમણે એમના પરમ સખા સ્વામી આનંદ સાથે હવે શું થશે એ અંગેની વાતો—ચર્ચાઓ કરી. પોતાની બધી જવાબદારીનાં કામ સ્વામીને સમજાવી દીધાં જાણે ફરી મળવાનું બનવાનું જ ન હોય! બ્રહ્મચારી સ્વામી તેમના અંતરંગ મિત્રની સલાહ-શિખામણો ધ્યાનપૂર્વક સાંભળતા-સમજતા હતા. બંનેને એમ જ હતું કે હવે તો સરકાર કાયમને માટે જેલમાં પૂરી રાખશે. કદાચ ક્રાન્તિકારીઓની જેમ બાપુજીને પણ બ્રિટિશ સરકાર આજીવન કેદની સજા કરશે. જો આવો જુલમ ગુજારવામાં આવે તો બાપુજી નક્કી ઉપવાસ પર ઊતરશે અને આ વખતના ઉપવાસ કદાચ આમરણાંત ઉપવાસ પણ હોય. ચર્ચિલ તો એટલો નિષ્ઠુર હતો. કે એની સરકાર બાપુજીને જેલમાં જ મ૨વા દેશે. એવું થાય તો દેશનું શું થાય ? આટલા બધા સાથીદારો કે જેમણે પોતાનાં જીવન બાપુજીને ચરણે સમર્પિત કરી દીધાં છે તે લોકો કેવી રીતે જીવી શકશે ?
મહાદેવકાકાને કંઈક આવા આવા વિચારોમાં ઊંઘ આવતી નહોતી. રાત્રે ત્રણ વાગ્યે બંને મિત્રોએ કશોક ખખડાટ થતો સાંભળ્યો. એ લોકો બહાર બગીચામાં આવ્યા. બહાર પોલીસ વાન ઊભી હતી. મહાદેવકાકાનો ભય સાચો ઠર્યો. ધૂંધળા ભાવિની અને બાપુજીની ચિંતામાં મહાદેવકાકા ધ્રૂજી ઊઠ્યા. એમણે દબાતે પગલે જઈને બાપુજીને જગાડ્યા. બાપુજી તો નિર્વિકાર પ્રસન્ન ચિત્તે ઊઠ્યા અને તેમણે કહ્યું : ‘આમંત્રણ આવી ગયું?” બાપુજી તૈયાર થઈ ગયા. દાદી પણ જાગી ગયાં. તૈયાર થઈને બધાં બહાર આવ્યાં. પોલીસ અધિકારીએ વૉરંટ બતાવ્યું. બાપુજી અને મહાદેવકાકાનાં નામનું વોરંટ હતું. દાદી માટે વોરંટ નહોતું.
બાપુજીએ બીમાર પત્નીને પૂછ્યું : ‘તારે શું કરવું છે? તારી ઇચ્છા હોય તો અત્યારે મારી સાથે આવી શકે છે. પણ તારે માટે વોરંટ નથી. બહાર રહીને કામ કરી શકીશ. તારી ઇચ્છામાં આવે તેમ કર.’ તોંતેર વર્ષની એ મહિલાના હૃદયને કેવો આઘાત થયો હશે ! આ વખતની લડત આમરણાંત હતી. ‘કરો યા મરો’નો પડકાર હતો. આ અગ્નિપરીક્ષામાંથી કોણ સહીસલામત પાર ઊતરશે ? એ પરમ પવિત્ર પતિવ્રતાનું મન તો પતિની સાથે રહીને મરણને શરણ થવા ઝંખતું હતું. બહાર રહેવામાં પણ મુશ્કેલીઓનો પાર નહોતો. એના કરતાંયે વધારે તો એકલતા અકળાવી મૂકશે. ભગવાન જાણે ફરી ક્યારે પતિનાં દર્શન થશે? આ સરકાર તો પાપી છે, ક્રૂર છે. બદલો લેવાના ઈરાદે ચર્ચિલ કદાચ પતિને મળવા જ ન દે. એ તો હવે એકાકી જ છે. શું કરી શકવાની હતી? મહાદેવ પણ જેલ જઈ રહ્યા છે. પણ ના, ના, આવી કટોકટીની ક્ષણે નાસીપાસ ન થવાય. એના પતિ સંત છે. એમને લાયક એ બનશે. જેને માટે એના પતિ જેલ જઈ રહ્યા છે એ જ પ્રવૃત્તિ હવે પોતે આગળ ધપાવશે. તે વખતે સરકારે એની ધરપકડ કરવી હશે તો કરશે. પણ ત્યાં સુધી તો પતિના વ્યામોહમાં કર્તવ્યભ્રષ્ટ નહિ થાય. હવે પછી શું થશે એ તો રામ જાણે, પણ અત્યારે તો પતિની સાથે રહેવાનો લોભ જતો કરવો એ જ ધર્મ છે. કાલે શું કામ, આજે સાંજે જ વિશાળ જાહેર સભાનું આયોજન થયું છે. બાપુજી તો નહિ હોય. લોકો હતોત્સાહ થઈ જશે. એમને પણ આશ્વાસન તો આપવું જ પડશે ને !
આવા આવા વિચારો એ સતીસાધ્વી સ્ત્રીના મનમાં ઘોળાતા હશે. દાદીએ કોઈને કશું કહ્યું નહિ. કહેવા-કારવવાનો સમય જ કયાં હતો ? પણ એક મિનિટ માટે બિરલા હાઉસના નીરવ વરંડામાં બધા ચૂપચાપ ઊભા ઊભા આ વૃદ્ધાના ઉત્તરની પ્રતીક્ષા કરતા હતા; ત્યારે દાદીએ કહ્યું : ‘તમે જાઓ, મારે માટે હજી આમંત્રણ આવ્યું નથી. હું બહાર જ રહીશ.’ ગાંધીજી પોતાની બીમાર પણ બહાદુર પત્નીની હિંમત અને ધી૨જ જોઈને ગદ્ગદિત થઈ ગયા. બોલ્યા : ‘ચિંતા ના કરશો. રામ રાખે તેમ રહેશો. ફરીથી મળવાનું ન થાય તોપણ જન્મોજન્મ હું તમારો જ છું.’
સહુએ સ્તબ્ધ થઈને આ પ્રેમી દંપતીનો ત્યાગપૂર્ણ વાર્તાલાપ સાંભળ્યો. પોલીસવાન બાપુજી અને મહાદેવકાકાને લઈને અદૃશ્ય થઈ ગઈ.
•
-3-
બિરલા હાઉસમાંથી સ્વામીકાકા રાતોરાત પગે ચાલતા શહેરમાં ગયા. કોઈ મિત્રના પ્રેસમાં ગઈકાલે સાંજે બાપુજીનું ‘કરેંગે યા મરેંગે’ ભાષણ છાપવા આપી આવ્યા હતા. પ્રેસમાં પહોંચીને બાપુજી પકડાઈ ગયા છે – એવા સમાચાર સૂર્યોદય થતાં પહેલાં જ અને સરકાર જાગે તે અગાઉ જ આ ભાષણની સાથે છપાવ્યા ને તેની દસ હજાર નકલો આવતા-જતા રાહદારીઓ દ્વારા શહેરમાં વહેંચાઈ ગઈ. થોડીક નકલો રેલવે ટ્રેનમાં અજાણ્યા મુસાફરોની સાથે મુંબઈ, કલકત્તા, અમદાવાદ વગેરે શહેરોમાં મોકલાવી દીધી. રાતોરાત સમાચાર પ્રસરી ગયા કે સરકારે ક્રૂરતાની મર્યાદા તોડીને ગાંધીજીને પકડી લીધા છે. સવાર પડતાં જ લોકો કામધંધા પડતા મૂકીને રસ્તાઓ પર નીકળી પડ્યા. હવે કોઈને જેલની કે મોતની બીક નહોતી. પરમ પવિત્ર નેતાને જ સરકારે જેલમાં પૂરી દીધા એનાથી વધારે હવે શું બનવાનું હતું!
સાંજે દાદી જાહેર સભામાં ગયાં. આ વૃદ્ધ કે જે આજીવન પતિની છાયા થઈને જ રહી, જેણે ક્યારે ય મોં ખોલ્યું જ નહોતું તેણે આજે મુંબઈની જાહેર સભાના મંચ પરથી પોતાનાં સંતાનો જેવા પ્રજાજનોને એક માતાના અંતરની તૂટીફૂટી પણ પ્રેમ નીતરતી વાણીમાં સંબોધન કરતાં કહ્યું, ‘મારા પતિ(આપણા બાપુજી)ને તો સરકાર ઉપાડી ગઈ. ક્યાં એની મને ખબર નથી. પણ આપણો માર્ગ સ્પષ્ટ છે. આપણે આઝાદી માટે કશુંક કરવું પડશે. છેવટે મોતને ભેટીશું. હવે પાછા વળવાનો તો પ્રશ્ન જ નથી. મને શ્રદ્ધા છે કે તમે સહુ બાપુજીના સંદેશાનું પાલન કરશો. મરવું જ છે તો પછી કોઈ વાતનો ડર શાનો? ભગવાન જે ગુજારશે તે સહી લઈશું પણ સમાધાન તો કરવું જ નથી.’
મહાનગર મુંબઈના નાગરિકોએ આ વૃદ્ધાની તૂટીફૂટી અર્ધ ગુજરાતી મિશ્રિત હિન્દુસ્તાની વાણી સાંભળી. ઉત્સાહ અને શૌર્યથી લોકોનાં હૃદય ઊભરાઈ ગયાં. ‘કરેંગે યા મરેંગે’ના નાદથી અને તાળીઓના ગડગડાટથી મહાનગરના રસ્તાઓ ગાજી ઊઠ્યા. મંચની નીચે પોલીસ અધિકારી હાજર જ હતા. બિરલા હાઉસમાંથી દાદીનો સરસામાન પણ સાથે લેતા જ આવ્યા હતા તો હવે સમય વેડફ્યા વગર દાદીની પણ ધરપકડ કરીને મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં પૂરી દેવામાં આવ્યાં.
આખા દિવસની ચિંતા, બીમારી અને ઊંઘ વગરના અડતાળીસ કલાકના સતત પરિશ્રમથી દાદી ખૂબ થાકી ગયાં હતાં. શરીરમાં તાવ ભરાયો હતો. ચિંતાઓને કારણે ઝાડા થઈ ગયા. એટલી સરકારની મહેરબાની હતી કે ડૉ. સુશીલા નય્યર દાદીની સાથે હતાં. એમણે બે દિવસ અને બે રાત જેલમાં દાદીની ચાકરી કરી. પણ એ બીમાર મહિલાને માંદગી કે ડૉક્ટરની સારવારની દરકાર નહોતી.
બે જ દિવસની માંદગીમાં દાદી તબિયતથી સાવ ભાંગી પડ્યાં ત્યારે સરકાર એ બંનેને મોટરમાં બેસાડીને કશેક લઈ ગઈ. ખડકી સ્ટેશન જોઈને સુશીલાબહેન સમજી ગયાં કે તેઓ પૂનાની નજીકમાં ક્યાંક છે. સવાર થતાં થતાંમાં તો સરકારે દાદી અને સુશીલાબહેનને આગાખાન મહેલમાં લાવી મૂક્યાં. ત્યાં બાપુજી, મહાદેવકાકા, મીરાંબહેન, સરોજિની નાયડુ વગેરે હતાં. દાદીની તબિયત જોઈને સહુ ચિંતામાં પડી ગયાં. બાપુજીએ હસતાં હસતાં મશ્કરી કરતાં કહ્યું : ‘છેવટે તારાથી બહાર ન જ રહેવાયું ને? સરકારને આજીજી કરીને તો અહીં આવી નથી ને?’
દાદીએ સ્મિત સાથે પતિના હળવા વિનોદને ઝીલી લીધો. હવે દાદી નિશ્ચિંત હતાં. સરકારને હવે જે કરવું હોય તે કરે, એ તો એના પતિ પાસે આવી ગઈ હતી.
[‘અણમોલ વિરાસત’]
(6, 7, 8 જાન્યુઆરી 2025)
સૌજન્ય : નંદિતાબહને મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક : 203, 204 તેમ જ 205