ઝાડ પરનાં પાંદડાં ઝાડને ખોરાક અને માણસને છાંયો આપે છે, નીચે પડેલાં પાંદડાંમાંથી જમીન અને જીવસૃષ્ટિ પોષણ મેળવે છે ….
અમદાવાદ મ્યુનિસિપિલ કૉર્પોરેશન આગામી દિવસોમાં શહેરને હરિયાળું બનાવવા માટેના ઉપક્રમો હાથ ધરવાની છે, એવા સમાચાર તાજેતરમાં આવ્યા છે. તેમાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ ઉપરાંત ઝાડ વાવવાં અને ઉછેરવાં અંગેના નિયમોના અમલીકરણની પણ વાત છે. કૉર્પોરેશને તેના તમામ પ્રયત્નો દરમિયાન એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અમદાવાદના લોકોના એક મોટા હિસ્સાને વૃક્ષો માટે બહુ અણગમો છે. આ અણગમાનું માટેનું એક કારણ ઝાડનાં પાંદડાંથી ‘કચરો’ થાય એવી વાહિયાત માન્યતા છે.
ઝાડનાં પાંદડાંને કચરો માનતા લોકો સવારે કચરાની ચા પીતા નહીં જ હોય, અને ચૈત્ર મહિનામાં કચરાના પાણીથી નહાતા પણ નહીં હોય. પાલક અને મેથીની ભાજી તો શીદને ખવાય ? લહેજત માટે કંઈ ધાણાં-મીઠા લીમડા-ફુદીનાના કચરાનો ઉપયોગ થતો હશે ? અને જમ્યા પછી વળી કચરાનો ડૂચો મોંમા ભરાય ? પાંદડાંના કચરાને કારણે આ બધી સ્વાદની માયાનો અને ભૌતિક જરૂરિયાતોનો ભલે એ લોકો ત્યાગ કરે પણ તેઓ એવા તો નથી જ કે જે તેમના હિન્દુ ધર્મ કે સમૃદ્ધ સંસ્કૃતિને ન જાણતા હોય.
ઝાડનાં પાંદડાંને કચરો ગણનાર એ લોકોને માર્કણ્ડેય પુરાણમાંની પ્રલયકથા ખબર જ હોય ને કે વિનાશમાં ય વટવૃક્ષ અડીખમ હોય છે અને તેનાં પાંદડાં પર ખુદ ઈશ્વર બાળકૃષ્ણનું રૂપ લઈને આવ્યા છે. બાલાષ્ટકમાં આવતો करारविन्देनपदारविन्दम मुखारविन्देन विनिवेशयन्तम। वटस्य पत्रस्य पुटे शयानम, बालम मुकुन्दम मनसा स्मरामि। શ્લોક જાણીતો છે. શ્રીમદ ભગવદ્દ ગીતાના દસમા અધ્યાયના ‘વિભૂતિયોગ’માં ભગવાન કહે છે अश्वत्थ: सर्व वृक्षाणाम – વૃક્ષોમાં હું અશ્વત્થ એટલે પીપળો છું. પંદરમા અધ્યાયના ‘પુરુષોત્તમયોગ’માં અશ્વત્થને સંસારનું પ્રતીક ગણીને उर्ध्वमूल: अध: शाखा એવી વિભાવના આપી છે.
ઝાડનાં પાંદડાંને કચરો ગણતા લોકોને એ પણ ખબર જ હોય કે આપણે ત્યાં દેવોનો સંબંધ વૃક્ષ કે છોડનાં પાંદડાં સાથે છે. તુલસી, વડ, પીપળો અને કદમ્બ કૃષ્ણ સાથે જોડાયેલાં છે, કેવડો પાર્વતી સાથે અને બિલી શિવ સાથે, આકડા હનુમાનજી સાથે અને ધરો ગણપતિ સાથે હોય. ગણેશને એક નહીં એકવીસ વનસ્પતિ ગમે છે. ગણેશોત્સવની શરૂઆત જ્યાં થઈ તે મહારાષ્ટ્રમાં તેને ‘પત્રી’ તરીકે ઓળખવામાં આવે છે. વળી કચરો ગણાતાં જે ઝાડનાં પાંદડાંને આપણી સંસ્કૃતિએ માંગલ્ય સાથે જોડ્યાં છે તેમાં આંબો, આસોપાલવ, કેન, કેળ ખાસ છે. એક જમાનો તો એવો ય હતો કે જેમાં લોકો કચરાના એટલે કે પાંદડાંના બનેલાં પડિયાં – પતરાળાંમાં જમતાં ય ખરા !
કોઈ પણ ધર્મની માન્યતાઓને ધક્કો પહોંચાડ્યા કે તરફદારી કર્યા વિના ધાર્મિકતાથી દૂર જઈને કેવળ મનુષ્યજીવનની રીતે જોઈએ તો પણ વૃક્ષોની અનિવાર્યતા આપણને સમજાય. વૃક્ષો અંગારવાયુ શોષીને પ્રાણવાયુ આપે, છાંયડો ધરે, ગરમી ઘટાડે, વરસાદ લાવે, જમીનનું ધોવાણ અટકાવે, ફળ આપે, અનેક ઓસડો પૂરાં પાડે, તેની પર વિશાળ જીવસૃષ્ટિ વિકસે. આવી પાયાની, પ્રાથમિક શાળા કક્ષાની સમજ આપણે ત્યાં લગભગ બધી ઉંમરના લોકો ગુમાવતા જાય છે. આપણને રોજેરોજ અડતાં ગ્લોબલ વૉર્મિંગ સામેના એક સંગીન ઉપાય એવાં વૃક્ષોનો ખોરાક બનાવવાનું કામ તે પર્ણનું. પર્ણ હવામાંથી અંગારવાયુ લે છે, મૂળ-થડ-ડાળીઓના અત્યંત અદ્દભુત કનેક્શનો થકી જમીનમાંથી પાણી લઈને અને સૂર્ય પાસેથી પ્રકાશ લઈને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઝાડનો ખોરાક બનાવે છે. ખોરાકના સંગ્રહનું અને ઝાડમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કામ પણ પર્ણનું.
માણસ જ્યારે ઝાડનાં પાંદડાં મોટા પાયે કાપે છે ત્યારે તે ઝાડને ભૂખે મારવા તરફ જાય છે કારણ કે ઓછાં પાંદડાં એટલે ઝાડનો ઓછો ખોરાક. કયાં ઝાડનાં પાન ક્યારે ખરે, કેટલાં ખરે, કેવી રીતે ખરે, નવાં પાન કેવી રીતે આવે તેનો એક ક્રમ જે તે સ્થળની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કુદરતે ગોઠવેલો છે. પાંદડાને કચરો ગણનારા – જો તેમને વાંચતા આવડતું હોય તો – તેમના સહુથી વધુ હાથવગાં માહિતીસાધન મોબાઈલમાં એક ગૂગલ કરશે તો ય ખબર પડશે કે તેઓ જેને કચરો ગણે છે તે પર્ણનું પ્રકૃતિની પ્રચંડ યોજનામાં કેવું મોટું સ્થાન છે. પર્ણ વિશેના માહિતીમાં એ પણ જાણવા મળશે કે પાંદડાં તો ઝાડની મૂળભૂત ઓળખ. આપણે ઝાડને નામથી – જો ઓળખતા હોઈએ તો – કેવી રીતે ઓળખીએ છીએ ? – એનાં પાંદડાંથી. પાંદડા ઝાડની ઓળખ છે. ચહેરો માણસની ઓળખ છે. ઝાડના પાંદડાને કચરો ગણનાર માણસને પૂછીએ કે તારા ચહેરાને કોઈ કચરો ગણે તો ?
આ કચરો ખરેખર તો જીવસૃષ્ટિની એક કડી હોય છે. પાન ખરીને જમીન પર પડે છે, જમીન પર પડેલાં પાનમાં પણ વૃક્ષે જમીનમાંથી મેળવેલાં અનેક પોષક દ્રવ્યો હોય છે. માટી પર તેનું આચ્છાદન થાય છે, જમીનની ભીનાશ ટકી રહે છે. પાંદડાંનો ઓઢો માટીને સાચવે છે. વળી તેની નીચે અને માટીમાં અનેક જીવજંતુઓ જીવે છે, પોષણ મેળવે છે. ખરેલાં પાંદડાં વરસાદનાં પાણીમાં પલળે, કહોવાય, ખાતરમાં ફેરવાય, માટીમાં ભળે, માટીને પોષણ મળે જે ઝાડને પણ મળે, ઝાડ તે પાંદડાં સુધી પહોંચાડે, ખરેલાં પાંદડાં તે જમીનને પાછું આપે. એવું પ્રકૃતિચક્ર સતત ચાલતું હોય. કંઈક આવાં જ સૃષ્ટિચક્રને રઘુવીર ચૌધરી ‘ધરાધામ’ સંગ્રહની ‘પાંદડું’ નામની ટચૂકડી કવિતામાં નિરૂપે છે :
વડનું પાંદડું ખરે
ચાર દિ’ પાણીમાં તરે,
એનાં પર શેવાળ વળે.
લહરના હિલોળે ચઢે
કાંઠે આવી મૂળને મળે. માટીમાં ભળે.
વાછરડાં તરણાં ચરે.
એ ન ભૂલીએ કે કેટલાક કહેવાતા સુધરેલા લોકો માટે જે ‘કચરો’ છે તે આ દેશના લાખો વનવાસી-આદિવાસીઓ માટે કંચન છે. આ કંચનનું એકંદર મહત્ત્વ સમજનારા થોડાક લોકો તો હોય છે. પણ શહેરોમાં જ્યાં વૃક્ષોનાં ખરેલાં પાંદડાને જમીનમાં ભળી જવા માટે માટી જ નથી. કૉન્ક્રિટ શહેરીજનોની કિસ્મત છે અને પેવર તેમની કારનાં પાર્કીંગ માટેના સેવર છે. એટલે બળતાં જીવે પણ સૂકાં પાંદડાંને બાળી નાખવાં પડે છે. ખરેલાં પાંદડાંનાં યોગ્ય વ્યવસ્થાપન માટેનો એક ઉપક્રમ પૂનાનાં અદિતી દેવધર ચલાવે છે. તેનું નામ છે ‘બ્રાઉન લીફ’. ‘ફોરમ ફૉર ઇકો-ફ્રેન્ડલી મૅનેજમેન્ટ ઑફ ડ્રાય લીવ્ઝ’ તરીકે ઓળખાતા આ મંચની વેબસાઈટ બહુ વાચનીય છે.
આમ તો પાંદડાનો સંબંધ પારણાંથી શરૂ થાય. છઠ્ઠીએ બાળકનું નામ પાડતી વખતે ફોઈ બોલે ‘ઓળી ઝોળી પીપળ પાન …’. નિશાળમાં પુસ્તકોનાં પાનાં વચ્ચે ઝીણાં જાળીદાર નક્ષીકામવાળું પીપળપાન હોય. તો વળી યુવાનીમાં પાન લીલું દેખાય ને કોઈ યાદ આવે. પાંદડાં વગરની ડાળખીને પાનખરની બીક ન લાગે. આખરી તબક્કામાં યાદ આવે દલપતરામ : ‘પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં : મુજ વીતી, તુજ વીતશે, ધીરી બાપુડિયાં !’ સુરેશ જોશીએ એ મતલબનું લખ્યું છે કે સૂકાઈ ગયેલાં પાનને ઊંચાં ઝાડ પરથી નીચે પડતું જોઈને થયું કે ખરવું પણ કેટલું સુંદર હોઈ શકે ! પણ આ બધી સરસ વાતોનું, વાહનોના ધુમાડાને અને પ્લાસ્ટિકને બદલે ઝાડનાં પાંદડાંને કચરો ગણનારા, ને એટલા માટે ઝાડ નૈં ઉગાડનારા અને ઊગેલા કાપનારા પેલા કચરાભૈઓને શું ?
********
01 મે 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 03 મે 2019