સરકારની શક્તિ જનતાની અજ્ઞાનતાઓમાં સમાયેલી છે અને એ વાતને સરકાર ખૂબ સારી રીતે જાણે છે, એટલે જ એ હંમેશાં સાચા જ્ઞાનનો વિરોધ કરતી આવી છેઃ રશિયાના મહાન સાહિત્યકાર ટૉલ્સ્ટૉયે કરેલી આ વાત દેશની ૧૭મી લોકસભાની ચૂંટણી દરમ્યાન યાદ આવી રહી છે. આ ચૂંટણી ટાણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ સમગ્ર ચર્ચાઓમાં સૌથી અસ્પૃશ્ય કોઈ મુદ્દો હોય, તો તે છે શિક્ષણનો પ્રશ્ન!
કોઈ પણ સમાજના વિકાસમાં શિક્ષણ એ પાયાની ભૂમિકા અદા કરે છે. નવજાગરણ સમયે શિક્ષણે પશ્ચિમમાં ધર્મ અને રાજાના જોહુકમીપણા અને બંધિયારપણા, વ્યક્તિના મનુષ્યત્વને ડામતા અત્યાચારો અને ધાર્મિક બંધનો સામે અવાજ ઉઠાવ્યો હતો. લોકશાહી ક્રાંતિ અને લોકશાહી જીવનરીતિ માટે શિક્ષણ જ મશાલ બન્યું હતું. ભારતમાં પણ ભક્તિ-ચળવળે, જ્ઞાન અને ભક્તિના અધિકારને સર્વ મનુષ્યો સુધી પહોંચાડવા એક અનોખી મથામણ કરી હતી. બધી જ ભાષા, ધર્મ અને રાજ્યોમાં પેદા થયેલા એ ભક્તો અને સંતોએ જ્ઞાતિ-જાતિ-લિંગ અને ધર્મના ભેદોને ભાંગીને, ‘સાબાર ઉપર માનુષ’ની ઘોષણા કરી હતી. એ ભક્તિ – ચળવળે સીંચેલ મનુષ્યત્વને નવજાગરણકાળમાં આપણા દેશમાં, રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે, શિક્ષણના પ્રસાર દ્વારા દૃઢીભૂત કર્યું. આપણા રાજ્યમાં, દુર્ગારામ મહેતા, વીર કવિ નર્મદ અને કરસનદાસ મૂળજીએ ધર્મમાં પેઠેલા સડા સામે અવાજ ઉઠાવ્યો હતો.
દેશમાં અંગ્રેજોના શાસન દરમિયાન જ ધર્મનિરપેક્ષ આધુનિક શિક્ષણની શરૂઆત થઈ હતી. આપણી આઝાદીની ચળવળ દરમિયાન પણ એક સાચા ધર્મનિરપેક્ષ, વૈજ્ઞાનિક અને લોકશાહી-શિક્ષણ અને શિક્ષણના ખર્ચની સરકારની જવાબદારી એ બંને માંગણીઓને લઈને લડાઈ થઈ હતી, પરંતુ આ માંગણીઓ પૂરી થવાની તો દૂર, આઝાદી પછી શિક્ષણ ઉપર એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
દેશની આઝાદી પછી આજ સુધી જેટલા પણ પક્ષોએ કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તા પર કબજો જમાવ્યો છે, તેમણે શિક્ષણને સંકુચિત કરવાની નીતિ અપનાવી છે. ૧૯૫૭માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ સી.ડી. દેશમુખે કહ્યું હતું : We want to restrict eudcation in order to minimise the number of educated unemployed.
આપણા દેશમાં શિક્ષણના વેપારનાં દ્વાર ખોલી આપ્યાં ૧૯૮૬ની નવી શિક્ષણનીતિએ. જેનો સાર એટલો જ હતો કે શિક્ષણ આપવું એ સરકારની જવાબદારી નથી! (NPE, ૧૯૮૬, આર્ટિકલ-૧૧.૨) આ ત્યારે જ શક્ય બને કે ફીમાં જંગી વધારા કરવામાં આવે અને રોજગારલક્ષી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે ખાનગી પેઢીઓને સોંપવામાં આવે. (NPE-૧૯૮૬, ૪.૬૮૭૪.૬૯) પરિણામસ્વરૂપે આપણે જોયું કે શિક્ષણના બજેટમાં ક્રમશઃ ઘટાડો કરવામાં આવ્યો અને આજે સ્થિતિ એવી છે કે, ‘પૈસા દો, શિક્ષણ લો’ની નીતિ છે. દેશના અનેક વિદ્વાનો અને કમિશનોએ ભલામણ કરી છે કે કેન્દ્રીય બજેટના ઓછામાં ઓછા ૧૦ ટકા શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે, પરંતુ તેની સામે સ્થિતિ સાવ જ વિપરીત છે.
દેશમાં ૨૦૧૬-૧૭માં માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીઓ ૮૬૪ અને માન્યતાપ્રાપ્ત કૉલેજો ૪૦,૦૨૬ છે. તેની સામે શિક્ષણમાં પ્રવેશનો આંકડો લગભગ ૨૬ ટકા છે. (‘ધ હિંદુ’, તંત્રીલેખ, ૩૦-૬-૧૨)
શિક્ષણ પાછળ ખર્ચ જોઈએ તો :
૨૦૧૩-૧૪ના બજેટમાં ૪.૫૭ ટકા
૨૦૧૬-૪૭ના બજેટમાં ૩.૬૫ ટકા
૨૦૧૭-૧૮ના બજેટમાં ૩.૭૧ ટકા.
શિક્ષણને સંકુચિત કરવામાં દેશના બંને મોટા સંસદીય પક્ષોની ભૂમિકા સમાન જ રહી છે. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, તમામ સ્તરે સ્થિતિ અતિ ગંભીર છે.
દેશમાં ૨૦૧૪ બાદ અને રાજ્યમાં છેલ્લાં ૨૩ વર્ષથી ભા.જ.પ.નું શાસન છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્યના શાસકપક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણ સંદર્ભે અનેક મોટાં વચનો આપ્યાં હતાં. જેમાં સૌથી પહેલું વચન હતું; શિક્ષકોની ખાલી પડેલી જગ્યા તાત્કાલિક ભરવામાં આવશે, મહિલાઓ માટે વિશેષ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવશે અને યુ.જી.સી.ને દૂર કરીને એક હાયર એજ્યુકેશન કમિશન બનાવવામાં આવશે. અલબત્ત, દેશમાં ચારે બાજુથી પ્રબળ વિરોધ થયો હોવા છતાં શાસકપક્ષે, શિક્ષણમાં વેપાર અને વિદેશી મૂડીરોકાણની સરળતા કરી આપવા ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ના નામે શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ કરી નાંખતો હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા ઍક્ટ પસાર કરી દીધો. પરંતુ એ સિવાયનાં વચનો તો આજે પાંચ વર્ષે ઠાલાં જ સાબિત થયાં છે. કેટલાક આંકડાઓ પર નજર નાંખીએ:
– સત્તામાં આવ્યાનાં અઢી વર્ષ બાદ ડિસેમ્બર, ૨૦૧૬માં કેન્દ્રિય માનવસંસાધન મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે, લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતમાં સરકારી શિક્ષકોની પ્રાથમિક કક્ષાએ ૧૭.૫ ટકા જગ્યાઓ અને માધ્યમિક કક્ષાએ ૧૪.૭૮ ટકા જગ્યાઓ ખાલી છે. ભારતમાં મંજૂર થયેલી માધ્યમિક શિક્ષકોની કુલ એક લાખ જગ્યાઓ ખાલી છે. લોકસભામાં મુકાયેલા આંકડા અનુસાર ૯,૦૭,૫૮૫ પ્રાથમિક શિક્ષકો અને ૧,૦૬,૯૦૬ માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી છે. અલબત્ત, વાસ્તવિક આંકડો, સરકારી આંકડાઓ કરતાં જુદો હોઈ શકે છે.
– સરકારી તેમ જ સરકારી અનુદાનિત, ખાનગી શાળાઓ અને અન્ય તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ લેનારની સંખ્યા ૧૩,૦૫,૦૧,૧૩૫(૨૦૧૪-૧૫)થી ઘટીને ૨૦૧૬-૧૭માં ૧૨,૨૩,૦૭,૮૯૨ જેટલી થઈ. એટલે કે કુલ ૬૬,૯૩,૨૪૩ વિદ્યાર્થીઓની ઘટ થઈ. સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓ ગયા ક્યાં ?
– ૨૦૧૬-૧૭ના આંકડાઓનો એક અંદાજ માત્ર જોઈએ, તો પ્રાથમિક શાળામાં (ધો.૧થી ૫)માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨,૩૮,૦૭,૮૯૨ છે, પરંતુ એ જ વર્ષે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા (ધો.૬થી ૮) ૬,૬૦,૭૯,૧૨૩ છે, તો માધ્યમિક શાળામાં(ધો.૯-૧૦)માં પ્રવેશ લેનારની સંખ્યા ૩,૨૨,૨૩,૮૫૪ છે. જે ઉચ્ચતર માધ્યમિકમાં ૨,૪૩,૯૭,૫૩૬ થઈ જાય છે.
હજુ કેટલાક વધુ આંકડાઓ જોઈએ :
– દેશની માત્ર ૫૫.૩૧ ટકા શાળાઓમાં જ આચાર્ય માટે અલગ રૂમ છે.
– વીજળીનું કનેક્શન માત્ર ૬૦.૮૧ ટકા શાળાઓમાં છે.
– દેશની ૮૨.૯૬ ટકા શાળાઓમાં પુસ્તકાલય છે, પરંતુ ગ્રંથપાલ માત્ર ૫.૦૨ ટકા શાળાઓમાં જ છે.
– દેશની માત્ર ૨૮.૨૪ ટકા શાળાઓમાં જ કમ્પ્યૂટર છે, તેમાંથીયે માત્ર ૧૪.૧૧ ટકા શાળાઓમાં જ કમ્પ્યૂટર કામ કરે છે, જ્યારે ઇન્ટરનેટ કનેક્શન માત્ર ૯.૪૬૨ શાળાઓમાં છે.
એક નજર ગુજરાતની સ્થિતિ પર પણ નાંખીએ :
– ગુજરાતમાં ૧૨.૮૯ ટકા શાળાઓ આચાર્ય વગરની છે.
– માત્ર ૪૮.૫૨ ટકા શાળાઓમાં જ આચાર્ય માટે અલગ રૂમની વ્યવસ્થા છે.
– ગુજરાતની ૩૩.૫૬ ટકા શાળાઓમાં પાણી, શૌચાલય અને હાથ ધોવાની સુવિધાનો અભાવ છે.
– લાઇબ્રેરીની સુવિધા ૯૪.૬૯ ટકા શાળાઓમાં છે, પરંતુ લાઇબ્રેરિયન માત્ર ૮.૫૫ ટકા શાળાઓમાં છે.
– શાળામાં ભણાવતા શિક્ષકોમાંથી ૧.૧૬ ટકા શિક્ષકો માધ્યમિકથી પણ ઓછું ભણેલા, ૧૮.૯૦ ટકા શિક્ષકો, માધ્યમિક પાસ થયેલા, ૧૭.૩૮ ટકા શિક્ષકો ઉચ્ચતર માધ્યમિક સુધી ભણેલા, ૩૬.૫૨ ટકા ગ્રૅજ્યુએટ થયેલા, ૨૫.૨૧ ટકા અનુસ્નાતક થયેલા અને ૦.૫૩ ટકા એમ.ફિલ. થયેલા. જ્યારે માત્ર ૦.૩૦ ટકા શિક્ષકો પીએચ.ડી. થયેલા છે.
– ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪,૦૦૦થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, ૪૧૩ ગ્રંથપાલોની નિમણૂક થતી નથી. રાજ્યની શાળાઓમાં ૩,૦૦૦થી વધુ આચાર્યની જગ્યાઓ ખાલી છે. (ગુજરાત સમાચાર, ૧૯-૬-૨૦૧૮)
– રાજ્યના ૨૧૨ તાલુકાઓમાં ૨૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૮ પછી ભણવાનું છોડી દે છે. રાજ્યના ૨૮ તાલુકાઓમાં ૪૦ ટકાથી વધુ ડ્રોપઆઉટ રેશિયો છે.
– ગુજરાતની ૬૫ ટકા આશ્રમશાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો નથી. (ગુજરાત સમાચાર, ૧૦-૪-૨૦૧૮)
– સરકારી અંગ્રેજીમાધ્યમ શાળાઓમાં ૮૮૪ના બદલે માત્ર ૪૫ શિક્ષકો છે. (ગુજરાત સમાચાર, ૨૭-૪-૨૦૧૮)
– ગુજરાત ઉચ્ચશિક્ષણ લેનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૪.૭૨ ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૧૮.૮૮ ટકા છે.
– એક આર.ટી.આઈ.માં મળેલી માહિતી મુજબ રાજ્યમાં ૬૮૫૪ જેટલી શાળાઓમાં ૧૬,૪૪૩ વર્ગખંડની અછત છે.
સહુથી વધુ અરાજકતા અને અંધાધૂંધી ઉચ્ચશિક્ષણમાં જોવા મળી રહી છે. સેમેસ્ટરપ્રથા, ઑનલાઇન ઍડ્મિશન, યુનિવર્સિટી અને કૉલેજોમાં થતી લાયકાત વગરની અને રાજકીય વગ આધારિત નિમણૂકો, અભ્યાસક્રમની અનિશ્ચિતતા, શિક્ષણના ઘટતા જતા દિવસો, પાઠ્યપુસ્તકોનો અભાવ, પરીક્ષાઓ અને પરિણામોમાં છબરડા, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયોને ખતમ કરવાની નીતિ, ખાલી જગ્યાઓમાં ભરતી અંગે ઉદાસીનતા, ગ્રામકક્ષાએ કૉલેજોનો અભાવ, હૉસ્ટેલ્સનો અભાવ, વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ અને અંતિમ ઘા સમાન, શિક્ષણની સ્વાયત્તતાને ખતમ કરી નાંખનાર હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા ઍક્ટની જોગવાઈઓ, વગેરેએ ઉચ્ચશિક્ષણની દુર્દશા કરી નાંખી છે.
૧૯૯૨માં બુડાપેસ્ટની કેન્દ્રિય યુરોપિયન યુનિવર્સિટીમાં વક્તવ્ય આપતાં ઇતિહાસકાર ઍરિક હોબ્સબૉમે કહ્યું હતું કે ‘હું એવું વિચારતો હતો કે ઇતિહાસનો વ્યવસાય પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર જેવો જોખમી નથી, પરંતુ હવે હું સમજ્યો છું કે તે પણ જોખમી હોઈ શકે છે. અમારો અભ્યાસ બૉમ્બફેક્ટરીમાં પરિવર્તિત થઈ શકે છે. આવી પરિસ્થિતિ અમને બે રીતે અસર કરે છે : એક તો એ કે અમારી સામાન્ય જવાબદારી છે ઐતિહાસિક તથ્યો, હકીકતો વિશેની; અને બીજી જવાબદારી છે રાજકીય વૈચારિક ઇરાદાઓથી ઇતિહાસની ટીકા કરવાના સંદર્ભની.’
ભારતમાં અભ્યાસક્રમોમાં ઇતિહાસ સાથે ભયંકર ચેડાં થઈ રહ્યાં છે. ભારતમાં જ બધું શ્રેષ્ઠ હતું, વિજ્ઞાનની તમામ શોધો પણ ભારતમાં જ થઈ હતી, હિંદુધર્મ જ સૌથી શ્રેષ્ઠ છે વગેરે મુજબની વાતો વિવિધ રીતે અભ્યાસક્રમોમાં દાખલ કરાઈ રહી છે. ગુજરાતમાં શિક્ષણમાં પૂરકવાચન તરીકે દાખલ કરાયેલ દિનાનાથ બત્રાનાં પુસ્તકો તેનું તરતનાં વર્ષોનું ઉદાહરણ છે. આમ, ધર્મનિરપેક્ષ શિક્ષણના બદલે સાંપ્રદાયિક શિક્ષણને સામેલ કરીને ભાવિ પેઢીની વૈચારિક ક્ષમતાને રૂંધવાની સાજીશ ચાલી રહી છે.
આટલાં વર્ષોનો અનુભવ દર્શાવે છે કે શિક્ષણ બાબતે તમામ સરકારોની ભૂમિકા સંપૂર્ણપણે નકારાત્મક જ રહી છે. ઓછામાં ઓછું શિક્ષણ લોકો સુધી પહોંચે છે અને જેટલું પણ શિક્ષણ લોકો સુધી પહોંચે, તે પણ મૂલ્યવિહીન હોય, તે પ્રકારની નીતિઓ ઘડવામાં આવે છે. પરિણામે શિક્ષણમાં ચાલી રહેલી હાલાકીઓ ક્યારે ય ગંભીર મુદ્દો બનતી નથી.
તેમાં ય છેલ્લાં પાંચ વર્ષ તો શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા પર તરાપનાં રહ્યાં છે. જે.એન.યુ.ની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રગતિશીલ વિચારો અને મુક્ત વાતાવરણ, જે શૈક્ષણિક સંસ્થાઓની પાયાની બાબત છે, તેને રૂંધવાનો એક ફાસીવાદી તખ્તો જાણે કે તૈયાર થઈ રહ્યો છે.
આ અંધાધૂંધી અને અરાજકતામાં, શિક્ષણ પ્રત્યે આપણી નિસબત કેળવાય અને સક્રિયતા ઉજાગર થાય, એ સમયની તાતી જરૂરિયાત છે.
E-mail : meenakshijoshi@in.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 09 – 10