પૂર્વમંત્રી અનુરાગ ઠાકુરનાં હીન વચનોની બચકાના અનુમોદનામાં છલકાતું સત્તામાનસ તળિયાઝાટક તપાસ માંગે છે … ઇનફ ઇઝ ઇનફ !
જાતિગણનાનો મુદ્દો હમણેની લોકસભાની ચૂંટણીમાં ઠીક ગાજ્યો હતો અને ઉત્તર પ્રદેશની લોકસભાની બેઠકો પર સમાજવાદી પક્ષ ને કાઁગ્રેસ ભા.જ.પ.ને પરાસ્ત કરી શક્યા તેમાં પિછડે-દલિત-અલ્પસંખ્યક(પી.ડી.એ. ફોર્મ્યુલા)ની અસરકારક ભૂમિકા રહી હતી. પચીસ-ત્રીસ વરસ રહી હતી. પચીસ-ત્રીસ વરસ પર ભા.જ.પ.ના મંદિર મુદ્દા સામે વિશ્વનાથ પ્રતાપસિંહ મંડલાસ્ત્ર ઉગામી કેટલાક સમય માટે એની કૂચ રોકી હતી. હાલના વડા પ્રધાને જ્યારે દિલ્હી નીમ્યા દંડનાયક તરીકે ગુજરાતનો હવાલો સંભાર્યો ત્યારે પોતાના અધિકૃત પરિચયની સત્તાવાર યાદીમાં પોતે પછાત સમુદાયમાંથી આવે છે એ ઉપસાવવાની ખાસ કાળજી લીધી હતી અને મંદિર-મંડલ મિલાવટની અક્સીર રાજનીતિ ખેલી જાણી હતી. વિકાસના વરખ સોતી આ રાજનીતિ એમને ફળી તેનું પ્રમાણ 2014થી 2024ના દસકા થકી સૌને મળી પણ રહ્યું છે.
છેલ્લા ત્રણ દાયકાની ભારતીય રાજનીતિના ટૂંકા ચિત્રણથી અહીં શરૂઆત કરી એની પાછળ લાગેલો ધક્કો અલબત્ત મંગળવારે અને બુધવારે જે રીતે જાતિગણનાના પ્રશ્ને લોકસભાને માથે લીધી છે એનો છે. અંદાજપત્રની સાથે, વસ્તુતઃ દેશના એકંદર અર્થકરણ અગર અનર્થકારણ સાથે, આ પ્રશ્ન ગાઢપણે સંકળાયેલો છે. વિકાસનાં ફળ અને વિકાસની તક નીચે સુધી ઝમતાં નથી અને બધી જ વિકાસજોગવાઈઓ કોઈની જશમાં કોઈની જંધામાં અટવાઈ જઈ સરવાળે ક્રિમી લેયરમાં મોક્ષ પામે છે. તાજેતરનાં વર્ષોમાં આપણા અર્થકારણે કેટલા અબજપતિઓ પેદા કર્યા એ સમાચારથી રાજાના મહેલના દીવા જોઈ જમનાની ઠંડીમાં ગરમી અનુભવવાની કોશિશ કરનાર આમ આદમી પેઠે રાજી થવાની નિયતિ આ દેશના જનસાધારણની રહી છે.
સમજવાનો મુદ્દો અહીં એ છે કે આ વિષમતામાં આપણા હાડમાં પડેલી જાતિપ્રથાનુંયે ચોક્કસ યોગદાન છે. ખેડૂતોને ટેકાના ભાવ ધોરણસર ને સમયસર માટે એ માંગ દિલ્હી દરબારની ભાગોળે ટુંટવાઈને પડી છે, તો ખેતમજૂરોનું ખુદનું શું એવો પ્રશ્ન આપણને થાય એ ય સ્વાભાવિક છે. ભાઈ, આ ખેતમજૂર એ તો રૂપાળું નામઝભલું છે. તે ઘણુંખરું દલિત હોય છે એ સાદી વાત આપણા ખયાલમાં જ નથી આવતી.
નહીં કે સમાનતા માટેની, ખરું જોતાં જો કે, વિષમતા ઘટાડવાની, કોઈ હિલચાલ થઈ જ નથી. લોહિયાએ અસરકારકપણે આ મુદ્દો ઉચક્યો હતો અને જયપ્રકાશના આંદોલન આસપાસ કર્પુરી ઠાકુરથી માંડી મુલાયમ ને લાલુ જેવાના પ્રવેશે એનાં કંઈક ઇંગિત પણ આપેલાં છે. માયાવતી મુખ્ય મંત્રીપદે પહોંચી શક્યાં એમાં દલિત અગ્રતાપૂર્વકની સર્વસમાજ ફોર્મ્યુલાનો હિસ્સો પણ ઇતિહાસદર્જ છે.
અલબત્ત, આ બધી રાજકીય ઘડભાંજ છતાં, જૂના વારાનો પ્રયોગ તાજો કરીને કહીએ તો આપણી જે ‘પોલિટિકલ ઇકોનોમી’ છે તે એક નાનકડા વર્ગનો માલિકીભોગવટો બની રહેલ છે. રાહુલ ગાંધીએ મંગળવારે ચિત્રાત્મક રીતે લોકસભામાં કહ્યું તેમ આ આખી અવસ્થા એટલે કે અનવસ્તા ચક્રવ્યૂહ સરખી, અને એને ભેદવા સારુ જાતિગણનાનો 2010નો સંસદીય નિર્ધાર, જેમાં કાઁગ્રેસ ને ભા.જ.પ. સહિત સૌ સામેલ હતા, અમલમાં મૂકવાની તાકીદ છે. ક્યાં કોને કેટલું મળે છે અને મળવું જોઈએ તેની વાસ્તવિક ગણતરી વગર ‘સબકા વિકાસ’નું સૂત્ર ખાલી ખાલી ખખડે છે.
મુશ્કેલી એ છે કે, જાતિની વાત નીકળે એટલે સમાજમાનસ અને સત્તામાનસ અકળાઈ ઊઠે છે – કારણ, વિનોબા કહેતા તેમ, જાતિ વો હૈ જો જાતી હી નહીં! આ જાતિ જતી નથી એનું કમનસીબ પ્રમાણ લોકસભાની ચર્ચામાં પૂર્વમંત્રી અનુરાગ ઠાકુરના એ હીણા ઉદ્દગારોથી મળ્યું કે જેમની જાતિના કોઈ ઠેકાણાં નથી (કોઈ જાણતું નથી) તેવા લોકો જાતિગણનાની વાત કરે છે. અનુરાગ ઠાકુરની રજૂઆતને એક્સ વાટે સર્વોચ્ચ સત્તાસ્થાનેથી અનુમોહના મળી રહી તે આ કમનસીબીને કરપીણ બનાવે છે.
વાસ્તવિકતા એ છે 1881 અને 1931 સેન્સસમાં જાતિગણના ઠેલાતી રહી છે. વિકાસનાં ફળ બધે પહોંચે તેને માટે અનિવાર્ય જરૂરતો પૈકી આ એક પાયાની જરૂરત છે ત્યારે તું કયા કુળનો એ જીર્ણ માનસિકતા ખંખેરી આગળ વધવાની તાકીદ સાફ છે.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 31 જુલાઈ 2024