‘ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૧૯’માં દેશમાં પ્રથમવાર લોકો સુધી ન્યાય પહોંચાડવાની બાબતે રાજ્યોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. સરકાર અને સરકારી એજન્સીઓની આંકડાકીય માહિતી, અહેવાલો અને દસ્તાવેજો પર આ અહેવાલ આધારિત હોઈ તેની અધિકૃતતા સ્વયંસ્પષ્ટ છે. આ અહેવાલ સેન્ટર ફેર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિયેટિવ, દક્ષ, ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સીસ, પ્રયાસ અને વિધિ સેન્ટર ફેર લીગલ પોલિસી એ સંસ્થાઓના સંશોધકોની અઢાર મહિનાની મહેનતના અંતે તૈયાર થયો છે.
૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોને આ અહેવાલમાં આવરી લેવાયા છે. પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયનાં ચાર તંત્રોની ન્યાયના વિતરણમાં રહેલી ભૂમિકા ચકાસવા બજેટ, માનવ સંસાધન, કાર્યબોજ, માળખાકીય સુવિધા અને વિવિધતાના માપદંડના આધારે છેલ્લાં પાંચ વરસની માહિતી પરથી રાજ્યોનું રેકિંગ કરવામાં આવ્યું છે. લોકો સુધી ન્યાય પહોંચાડવામાં મોટાં અને મધ્યમ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. તે પછીના ક્રમે કેરળ, તામિલનાડુ, પંજાબ અને હરિયાણા છે. ૧ કરોડથી ઓછી વસતી ધરાવતાં નાનાં રાજ્યોમાં ગોવા પ્રથમ ક્રમે છે. બહેતરીન કાનૂન અને ન્યાયવ્યવસ્થામાં મહારાષ્ટ્ર અવ્વલ છે તો દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ સૌથી તળિયે છે. મોટાં અને મધ્યમ રાજ્યોના ન્યાય વિતરણમાં ગુજરાત આઠમા ક્રમે છે.
ન્યાયમાં વિલંબ એ અન્યાય બરાબર છે, પરંતુ ઝડપી અને સમયસર ન્યાય મળતો નથી. એક તરફ દેશમાં લાખો કેસો અદાલતોમાં પડતર છે તો બીજી તરફ હજારો જગ્યા ખાલી છે. દેશમાં કુલ ૧૮,૨૦૦ જજીસની જગ્યાઓ મંજૂર થયેલી છે. તેમાંથી ૨૩ ટકા જગ્યા ખાલી છે. જો આ તમામ જગ્યાઓ ભરી દેવામાં આવે તો દેશમાં કોર્ટરૂમની અછત ઊભી થાય તેમ છે, કેમ કે જજીસની મંજૂર જગ્યાઓ જેટલા કોર્ટરૂમ્સ જ આપણી પાસે નથી. આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે જો જજીસની બધી જગ્યા સરકાર ભરી દે તો તેમના માટે નવા ૪,૦૭૧ કોર્ટરૂમ પણ બનાવવા પડે. ૨૦૧૬-૧૭ના વરસમાં પડતર કેસોના નિકાલમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે, પરંતુ બિહાર, યુ.પી., ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત સહિતનાં ૭ રાજ્યોમાં દર પાંચે એક કેસ પાંચ વરસ કરતાં વધુ સમયથી પડતર છે. આપણી અદાલતોમાં કુલ પડતર કેસો ૨.૮ કરોડ છે તેમાંથી ૨૩ લાખ કેસો તો ૧૦ વરસથી પડતર છે. એક ન્યાયાધીશ પર વાર્ષિક સરેરાશ ૧૧ હજાર કેસોનો કાર્યબોજ હોય છે. ૨૫ ટકા જેટલી ખાલી જગ્યાઓ, અદાલતી ખંડોની અછત, વકીલોની ફી સહિત એકંદરે મોંઘી ન્યાયપ્રણાલી જેવાં કારણો તો ન્યાયના વિલંબ માટે જવાબદાર છે જ, પરંતુ અંગ્રેજોના જમાનાની અદાલતોની વેકેશન પ્રથા, છાશવારે વકીલોની હડતાળ, કેસની સતત મુદતો જેવાં કારણોના નિકાલ અંગે પણ વિચારવાનું રહે.
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ન્યાયના સમુચિત વિતરણ માટે પોલીસ અને જેલતંત્રની ભૂમિકા પણ તપાસવામાં આવી છે. પુરાવાની અદાલતો પોલીસતપાસ પર આધારિત છે, પરંતુ જેમ ન્યાયતંત્ર બદહાલ છે તેમ જેલ અને પોલીસતંત્ર પણ બદહાલ છે. ન્યાય અતિ મોંઘો છે અને સામાન્ય માણસની પહોંચની બહાર છે તો સરકાર દ્વારા પૂરી પડાતી મફ્ત કાનૂની સહાય દેખાડો માત્ર છે. અહેવાલ જણાવે છે તેમ સરકાર કાનૂની મદદ માટે વ્યક્તિ દીઠ ૭૫ પૈસા જ ખર્ચે છે ! દેશની કુલ પોલીસ ફેર્સ ૨.૪ કરોડ છે પણ તેમાંથી ૨૨ ટકા જગ્યા તો ખાલી છે. તેમાં પોલીસ અધિકારીઓની ૧૦ ટકા જગ્યાઓ ખાલી છે.
ભારતની જેલો કેદીઓ અને તેમાં બહુમતી કાચા કામના કેદીઓથી ઠાંસોઠાંસ ભરી પડી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના તાજેતરના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૭ અંતિત ૧,૩૬૧ જેલોમાં ૪.૫૦ લાખ કેદીઓ છે. તેમાંથી ૬૭ ટકા અંડર ટ્રાયલ છે. ઇંગ્લેન્ડમાં અંડર ટ્રાયલ કેદીઓનું પ્રમાણ ૧૧ ટકા, અમેરિકામાં ૨૦ ટકા અને ફ્રાન્સમાં ૨૯ ટકા છે જ્યારે ભારતમાં તેનું પ્રમાણ ૬૭ ટકા જેટલું ઊંચું છે. વળી ૭૫.૪ ટકા કાચા કામના કેદીઓ એક વરસથી જેલોમાં બંધ છે. ખાલી જગ્યાઓથી જેલતંત્ર પણ મુક્ત નથી. ભારતની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ છે. અને ૩૩થી ૩૮ ટકા વહીવટી જગ્યાઓ ખાલી છે. જો ક્ષમતા પ્રમાણે કેદીઓને રાખવા હોય તો હાલની સ્થિતિએ વધુ ૧,૪૧૨ જેલકોટડીઓની જરૂર છે. બજેટની ફળવણી અને તેના ઉપયોગના માપદંડે ન્યાયની ચકાસણી ઉત્સાહજનક નથી. દેશના જી.ડી.પી.ના ૦.૦૮ ટકાનો ખર્ચ ન્યાયપાલિકા પર થતો હોય, કાનૂની સહાય માટે વ્યક્તિ દીઠ પોણો રૂપિયો ફાળવાતો હોય અને ફાળવેલું બજેટ પણ ન વપરાતું હોય તો ન્યાયતંત્રમાં સુધારા માટે શું કરવું તેની વિમાસણ થાય છે.
વિવિધતાના મુદ્દે ન્યાયની સ્થિતિ પણ ચિંતાજનક છે. દેશની આબાદીમાં સ્ત્રીઓ અડધોઅડધ છે પણ ન્યાયપાલિકા સિવાયના તંત્ર(પોલીસ અને જેલ)માં તેમની હાજરી બહુ ઓછી છે. ન્યાયતંત્રમાં ૨૬.૫ ટકા, જેલમાં અને પોલીસમાં માત્ર ૧૦ ટકા જ મહિલાકર્મીઓ છે. એકેયમાં ૩૩ ટકા મહિલા અનામતનો અમલ થયો નથી. દેશનાં ઘણાં રાજ્યોને ૩૩ ટકા મહિલા અનામતે પહોંચતા ૩૦૦ વરસ લાગશે. મહિલા જજો અને વકીલોની સંખ્યા વધી રહી છે પણ તે તેમની વસતીના પ્રમાણમાં તો નથી જ. એ જ રીતે સમાજના નબળા વર્ગો અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ પણ ખાસ જોવા મળતું નથી. એક પણ રાજ્યના ન્યાય, પોલીસ અને જેલના વહીવટીતંત્રમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતવર્ગોની અનામતો પૂરેપૂરી ભરાઈ નથી. દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૪.૧૧ ટકા છે પણ ૧૯૯૯-૨૦૧૩માં પોલીસમાં તેનું પ્રમાણ ૩થી ૪ ટકા જ છે.
આ અહેવાલ જેટલો ખાલી જગ્યાઓ, બજેટ અને માળખાકીય સુવિધાઓના અભાવ પર ભાર મૂકે છે તેટલો સિસ્ટમમાં સુધારા પર મૂકતો નથી. ન્યાય, પોલીસ, જેલ અને કાનૂની સહાય એ ચારેય સ્તંભો વચ્ચે બહેતર તાલમેલ કઈ રીતે શક્ય બને અને કઈ રીતે તંત્રમાં ધર્મ, સંપ્રદાય, જાતિ અને લિંગની વિવિધતાનું પ્રમાણ વધારી સમાનતા અને વિશ્વસનીયતા ઊભી કરવી તે અંગે મૌન છે. તેનાં તથ્યો ચોંકાવનારાં અને હતોત્સાહિત કરનારાં છે, પરંતુ ન્યાયપાલિકા અને તત્સંબંધિત તંત્રોમાં સમાજના નબળા વર્ગોના પૂરતા પ્રતિનિધિત્વ વિના સમુચિત ન્યાયની તાકીદ અધૂરી રહેવાની છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 01 જાન્યુઆરી 2020