
કાન્તિભાઈ શાહ
આજે ‘હિંદુત્વ’ ચર્ચાનો એક મુખ્ય વિષય બન્યો છે. હિંદુત્વ એટલે શું, તેનું સ્વરૂપ કેવું હોય, રાષ્ટ્રીયતા ઘડતરમાં તેનું શું સ્થાન, વગેરે બાબતની છણાવટ આજે અત્યંત જરૂરી બની ગઈ છે.
હિંદુ ધર્મનો નેપોલિયન
હિંદુત્વની વાત આવે એટલે સૌથી પહેલી યાદ વિવેકાનંદની જ આવે. આધુનિક જમાનામાં હિંદુત્વનો ડંકો સૌથી પહેલો બુલંદીથી દુનિયાભરમાં જો કોઈએ વગાડ્યો હોય, તો તે વિવેકાનંદે. રોમા રોલાંએ વિવેકાનંદને હિંદુ ધર્મનો નેપોલિયન કહ્યો છે. વિવેકાનંદે એક રીતે હિંદુત્વનો દિગ્વિજય કરાવ્યો અને હિંદુત્વની અસ્મિતા આ દેશમાં જગાડી. તેથી હિંદુત્વની ચર્ચા વિવેકાનંદને તેમાં લાવ્યા વિના થઈ જ ન શકે. આજે હિંદુત્વનો ઝંડો ઉપાડીને કોઈ વાત કરવા માગતું હોય, તો તે વાતનું નિરીક્ષણ-પરીક્ષણ-મૂલ્યાંકન વિવેકાનંદની હિંદુત્વની વિભાવનાના સંદર્ભમાં જ થઈ શકે, થવું જોઈએ. વિવેકાનંદના વ્યક્તિત્વમાં હિંદુત્વ એના પરમોજ્જ્વલ અને પરમ કલ્યાણકારી સ્વરૂપમાં મૂર્તિમંત થયું હતું. તેથી જ હિંદુત્વનું આ અધ્યયન આપણે ખાસ કરીને વિવેકાનંદના વિચારોને સામે રાખીને કરી રહ્યા છીએ.
વિવેકાનંદનું વ્યક્તિત્વ એક બીજી રીતેયે નોંધપાત્ર છે. વિવેકાનંદ પ્રાચીન અને અર્વાચીન વચ્ચેના સેતુ સમાન છે, પ્રાચીન અને અર્વાચીનના સંમિલન રૂપ છે. અંગ્રેજો આ દેશમાં આવ્યા, તેની સાથે આધુનિકતાનો જબ્બર પડકાર આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિ સામે ઊભો થયો. તેને લીધે દેશમાં એક નવું પર્વ શરૂ થયું. આધુનિકતાનાં મંગલ તત્ત્વોનો સ્વીકાર અને તેની સાથોસાથ અસલ ભારતીયતાનું પુનરુત્થાન – આવી એક બૃહદ્દ ને ગહન પ્રક્રિયાનો આરંભ થયો. આ પ્રક્રિયા હજી આજેયે ચાલુ જ છે. પરંતુ રાજા રામમોહન રૉયથી માંડીને તેનો આરંભ થયેલો અને વિવેકાનંદ દ્વારા તે પ્રક્રિયાનું નક્કર કાઠું બંધાયું.
આ પ્રક્રિયામાં ધર્મ-સમન્વય અને સંસ્કૃતિ-સંગમનોયે સ્વાભાવિક જ સમાવેશ થઈ જતો હતો. બ્રહ્મોસમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરે આ દિશાની જ મથામણ હતી, છેવટે રામકૃષ્ણ પરમહંસની સાધનામાં ચરમ બિંદુએ પહોંચી અને પૂર્ણપણે સભાન બની. રામકૃષ્ણ પરમહંસ આપણા દેશના જ નહીં, દુનિયાભરના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ ઘટના બની ગયા છે. એમણે ધાર્મિક ને સાંસ્કૃતિક સામંજસ્યનું એક મહાન ને મંગલકારક પગલું ભર્યું. એક વ્યક્તિએ પોતાના જીવનમાં બધા ધર્મોની સત્યતા સાબિત કરી તથા બધા ધર્મો ઈશ્વર તરફ લઈ જનારા છે, એવી સાક્ષાત્ અનુભૂતિ કરી. આ જ અનુભૂતિનો વિવેકાનંદે જગતના ચોકમાં બુલંદ ઉદ્ઘોષ કર્યો તથા આ દેશમાં સમન્વયકારી ને સર્વસમાવેશક હિંદુત્વનો નારો ગજવ્યો. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પણ આપણા માટે પોતીકા જ છે અને હવે ભારતીય સંસ્કૃતિના એક ભાગરૂપ બની ગયા છે, એ વાત પણ ભારપૂર્વક કહેનારા વિવેકાનંદ જ હતા.
ઇતિહાસનું ખોટું આકલન ને વિપરીત અર્થઘટન
આવા એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં આજના હિંદુત્વ અંગેના વિચારો, વલણો ને અભિગમોને સમજવાં જોઈએ. એ એક ભારે મોટા દુ:ખની વાત છે કે આપણું અધ્યયન આપણને એમ કહી રહ્યું છે કે આજનું હિંદુત્વ તો રામકૃષ્ણ-વિવેકાનંદ પ્રણીત અસલ હિંદુત્વ કરતાં સાવ ભિન્ન જ નહીં, તેનાથી તદ્દન વિપરીત અને તેનું વિરોધી છે. સાવરકરજી અને ગોળવલકરજીના વિચારોનો વિવેકાનંદની ભૂમિકા સાથે તેનો લગીરે તાલમેલ બેસતો નથી. એટલું જ નહીં, એ બધું વિવેકાનંદથી સાવ વિરુદ્ધ દિશાનું છે. તો રામકૃષ્ણ-વિવેકાનંદના કર્યા-કરાવ્યા ઉપર બિલકુલ પાણી ફેરવી રહ્યું છે તથા ભારતીય સંસ્કૃતિને પારોઠનાં પગલાં ભરાવી રહ્યું છે !
આ વસ્તુનો હજી ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે. આવું કેમ થયું ? ભારોભાર દેશપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ માટેના ઉત્કટ મમત્વ છતાં આ દેશને તેમ જ તેની અસલ સંસ્કૃતિને છિન્નભિન્ન કરી નાખે એ દિશામાં આટલું બધું કેમ ખેંચાઈ જવાયું ? આમાં ઊંડા ઊતરતાં એમ સમજાય છે કે ઇતિહાસના ખોટા રીડીંગે – આકલને અને વિપરીત અર્થઘટને આમાં ઘણો ભાગ ભજવ્યો છે. ઇતિહાસની પોતાની ઉપયોગિતા છે, તેમ તેની મર્યાદા પણ છે. તેમાં વસ્તુનિષ્ઠાની જગ્યાએ subjectivity – વ્યક્તિલક્ષિતાનું તત્ત્વ આવી જતું હોય છે. પૂર્વગ્રહો ને પૂર્વગ્રંથિઓ પણ ઘણો ભાગ ભજવી જાય છે. વળી, જ્યારે મનમાં અમુક આશય કે હેતુ સાથે ઇતિહાસનું વાચન થાય, ત્યારે તો પોતાને મનભાવન અને પોતાના હેતુને અનુકૂળ એવી જ અને એટલી જ વસ્તુ ઇતિહાસમાંથી લઈ લેવાય છે; એટલું જ નહીં, ક્યારેક તો પોતાનો હેતુ સાધવા ઇતિહાસનાં તથ્યોને પણ મારી-મચકોડીને રજૂ કરાય છે તથા પોતાના હેતુનું ઇતિહાસ ઉપર આરોપણ પણ કરાય છે.
અભ્યાસ કરતાં એમ જણાય છે કે સાવરકરજી અને ગોળવલકરજી દ્વારા ઇતિહાસનું ઘણું ખોટું આકલન અને વિપરીત અર્થઘટન કરાયું છે. એમનો ઇતિહાસ જ હજારેક વરસ પહેલાં હિંદુસ્તાન ઉપર થયેલ મુસ્લિમ આક્રમણોથી શરૂ થાય છે. તે પહેલાં તો અહીં બધું રામરાજ્ય જ સતત ચાલુ હતું. હિંદુઓનો ભવ્ય ને ગૌરવવંતો ઇતિહાસ જ ચાલુ હતો. મુસ્લિમોએ જ અહીં આવીને તેમાં વિઘ્ન નાખ્યું. તેમણે આપણા ગૌરવને ખંડિત કરી નાખ્યું, આપણા ઉપર જુલ્મી શાસન ઠોકી બેસાડ્યું. તેમણે ધર્માંતરો કરાવ્યાં, મંદિરો તોડ્યાં, આપણી સંસ્કૃતિને ભ્રષ્ટ કરી મૂકી. હિંદુ ધર્મ માટે આ સૌથી મોટો અંધારયુગ હતો. શિવાજી, રાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ વગેરેએ આની સામે હિંદુત્વનો ઝંડો ઊંચક્યો. અને આજે પણ આપણે એ જ લડાઈ લડવાની છે, હિંદુત્વનું ગૌરવ પાછું લાવવાનું છે, આ ભૂમિમાં ફરી હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનું છે. આ હિંદુસ્તાન હિંદુઓનું જ છે – આજના હિંદુત્વવાદીઓની વાતનો સાર કાંઈક આવો છે.
ઐતિહાસિક તથ્યોની અવહેલના ન કરાય
હવે, આ બધું કેટલું સાચું છે, તે ઐતિહાસિક તથ્યોના આધારે તપાસવાની જરૂર છે. શિવાજીના કાળમાં ખરેખર વાસ્તવિકતા આનાથી સાવ જુદી જ હતી. શિવાજીની ઇસ્લામની કટ્ટર દુશ્મન તરીકેની છાપ તદ્દન ખોટી છે. આ સમયગાળામાં હિંદુ-મુસ્લિમ સંબંધો કાયમી દુશ્મનાવટના નહોતા. ત્યારે જે લડાઈઓ થયેલી તે હિંદુ-મુસ્લિમ વચ્ચેની નહીં, રાજાઓ વચ્ચેની હતી. મુસ્લિમો પ્રત્યે દ્વેષ કે ધિક્કારની લાગણી હતી જ નહીં. શિવાજી ઇસ્લામ સામે યુદ્ધે ચડ્યા નહોતા. શિવાજીના હિંદુત્વમાં ક્યાં ય કહેતાં ક્યાં ય ઇસ્લામનો અનાદર કે મુસ્લિમો પ્રત્યેનો દ્વેષભાવ જણાતો નથી.
– આ બધું નક્કર હકીકતો અને ઐતિહાસિક તથ્યોના આધારે શિવાજીના સંદર્ભમાં આપણે જોઈ ગયા છીએ. હજીયે આવી જ બીજી કેટલીક નક્કર હકીકતો આપણે થોડા વ્યાપક સંદર્ભમાં જોઈ જઈએ. આપણા જાણીતા-માનીતા રંગરેખા અને શબ્દના કલાકાર ગુલામ મોહમ્મદ શેખે હમણાં એક મુલાકાતમાં કહ્યું કે, “આપણે ઇતિહાસનું ઉચિત અર્થઘટન કરવાનું છે. માણસોને અલગ પાડતા ઇતિહાસના ખંડિયેરના કાટમાળ હેઠળથી સમન્વયકારી ઇતિહાસને ખોદીને બહાર કાઢવાનો છે.”
કોમી વિખવાદ આધુનિક ઘટના છે
એ એક નક્કર હકીકત છે કે ભારત કાયમ એક ભાતીગળ દેશ રહ્યો છે. અહીં પાર વિનાની વિવિધતાવાળો સમાજ સાથે જીવતો આવ્યો છે. મુસ્લિમો આવ્યા તે પણ શરૂના થોડા સંઘર્ષ બાદ અહીંના સમાજમાં ભળી ગયેલા. હિંદુ-મુસલમાન વચ્ચે કાયમી દુશ્મનાવટનું વાતાવરણ રહ્યું નહોતું. હિંદુ-મુસ્લિમ વચ્ચેનો કોમી વિખવાદ એ આધુનિક ઘટના છે, મધ્યયુગની નહીં. લગભગ ઓગણીસમી સદીના અંત સુધી અહીં હિંદુ-મુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડો થયાં નહોતાં. કોમી હુલ્લડો એ છેલ્લાં એક સો વર્ષની જ ઘટના છે. સેંકડો વરસોના સહ-અસ્તિત્વને પરિણામે અહીં એક સંમિશ્રિત સંસ્કૃતિ પાંગરી રહી હતી, અને તેમાં મુસ્લિમોનોયે નોંધપાત્ર સાંસ્કૃતિક ફાળો મળી રહ્યો હતો. બંને એકબીજાના રીતરિવાજ, રહેણીકરણી વગેરે અપનાવતા થયા હતા, એકબીજાના તહેવાર સાથે ઊજવતા થયા હતા.
ભાવનગરના આપણા ડૉ. મહેબૂબ દેસાઈ કહે છે કે, “હિંદુ-મુસ્લિમ પ્રજાના વ્યવહાર-વર્તનમાં કોમી એખલાસ આ આખા સમયગાળા દરમ્યાન જોવા મળે છે. મુસ્લિમ પ્રજાએ કેટલાક હિંદુ સંસ્કારો સહર્ષ સ્વીકારી લીધા હતા. લગ્નની વિધિઓમાં ગવાતાં ગીતો અને જશ્ન એ હિંદુ સંસ્કૃતિની દેણ છે. મુગલકાલીન મુસ્લિમ સમાજમાં તેનો સ્વીકાર થયો. એ જ રીતે હિંદુ સમાજના રીતરિવાજો – ખાનપાનમાં ઇસ્લામિક સંસ્કારોનો પ્રવેશ ગુલાબજાંબુ અને જલેબી સ્વરૂપે થયો.” ભારતમાં અનેક મુસલમાનો દિવાળી અને હોળી જેવા તહેવારો ઊજવતા. તેવી જ રીતે હિંદુઓ ઈદ અને મહોરમ જેવા પર્વોમાં ઉત્સાહથી ભાગ લેતા. કેટલાક ઉત્સવો સામૂહિક રીતે પણ ઊજવાતા.
અહીંના મુસલમાનોનાં ધાર્મિક અને સાંસ્કૃતિક લખાણો અરબીમાં નહીં, ઉર્દૂમાં છે. ઉર્દૂ ભાષા ફારસી અને હિંદી ભાષાના સમન્વયમાંથી ઉદ્ભવી છે. આવું ભાષાકીય આદાનપ્રદાન ઘણું થયેલું છે. મુલ્લા અબ્દુલ કાદિર બદાયુનીએ હિંદુ પંડિતોની સાથે મળીને અથર્વવેદ અને રામાયણનું ફારસી ભાષમાં રૂપાંતર કર્યું હતું. હિંદુઓમાં પણ ફારસી ભાષાના વિદ્વાન લેખકો થઈ ગયા. ૧૮મી સદીમાં ‘મુનશી’ શબ્દ જ ફારસી ભાષા ઉપર સારું સામર્થ્ય ધરાવતા હિંદુઓ માટે વપરાતો. ઔરંગઝેબના ભાઈ દારા શિકોહે બનારસમાં સંસ્કૃત વિદ્વાનો પાસે રહીને ઉપનિષદોનો ઊંડો અભ્યાસ કરેલો. દારાએ ‘મજમા-ઉલ-બહેરાં’ નામે એક ગ્રંથ લખ્યો, જેનો અર્થ થાય છે – ‘બે મહાસાગરોનો સંગમ. હિંદુ ધર્મ અને ઇસ્લામ.’ આ ગ્રંથમાં તેણે પોતાના સૂક્ષ્મ અભ્યાસના આધારે બંને ધર્મોનાં સમાન તત્ત્વો દર્શાવી આપ્યાં છે. બંને ધર્મમાં સૃષ્ટિનાં પાંચ મૂળભૂત તત્ત્વો, એટલે કે પંચ મહાભૂતની જે સમાન કલ્પના છે, તેની દારાએ સરસ છણાવટ પણ આ ગ્રંથમાં કરી છે. મુગલોની ગાદીની લડાઈમાં અનેક હિંદુ રાજાઓ અને સામંતોએ દારાને નહીં, ઔરંગઝેબને સાથ આપ્યો, એટલે ઔરંગઝેબ ગાદીએ બેઠો. હિંદુઓએ જો દારાને ગાદીએ આવવામાં સાથ આપ્યો હોત, તો હિંદુસ્તાનનો ઇતિહાસ કદાચ જુદો હોત. ‘મહાભારત’નો પહેલો ફારસી અનુવાદ અકબરે કરાવેલો અને તે ગ્રંથમાં ખૂબસૂરત ચિત્રો તેના દરબારના હિંદુ-મુસ્લિમ ચિત્રકારોએ સાથે મળીને દોરેલાં. અકબરના દરબારના એક કવિ અબ્દુર્રહીમ ખાનખાનાએ કૃષ્ણભક્તિનાં ગીતો લખેલાં. રસખાન અને નજીર અકબરાબાદી જેવા મુસલમાન કવિઓ તો રામકૃષ્ણની લીલા ગાતાં એમની ભક્તિમાં ડૂબેલા હતા. હિંદી કવિતામાં રસખાનનો ફાળો અવ્વલ દરજ્જાનો છે.
સૂફી સંતોનું અનોખું પ્રદાન
હિંદુ-મુસ્લિમના સાંસ્કૃતિક સમન્વયની બાબતમાં સૂફી સંતોએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે. ખરું જોતાં, સૂફી ફકીરો જ ઇસ્લામને અહીં લઈ આવ્યા અને એમણે જ તેને અહીં સર્વત્ર ફેલાવ્યો. સૂફી ફકીરોએ બંને ધર્મોની જુદી જુદી ઉપાસના-પદ્ધતિઓને મહત્ત્વ આપવાને બદલે ધર્મના આધ્યાત્મિક પાસાને જ વિશેષ મહત્ત્વ આપ્યું. બંને ધર્મોની સમાનતા અને એકતાને જ તેઓ વધુ ને વધુ ઘૂંટતા રહ્યા. અનેક ફકીરોએ એમ કહ્યું કે કુરાનમાં કહ્યું છે તેમ અલ્લાહે હિંદુસ્તાનમાં પણ પોતાના રસૂલો મોકલ્યા છે. રામ અને કૃષ્ણ આવા ખુદાના પયગંબરો જ છે અને વેદ ઈશ્વરની જ વાણી છે. સૂફી સંત મઝહર-જાને-જાનનું સ્પષ્ટ મંતવ્ય હતું કે “હિંદુઓ ઇસ્લામ પૂર્વેના આરબો જેવા મૂર્તિપૂજક નથી, એમની મૂર્તિપૂજાનું સ્વરૂપ જુદું છે, અને તેથી બુતપરશ્ત કહીને એમની નિંદા કરવી ઉચિત નથી. હિંદુઓ તો આધ્યાત્મિક સાધનામાં આવી મૂર્તિઓ અને ચિત્રોનો ઉપયોગ એકાગ્ર થવા માટે અને ધ્યાન ધરવા માટે કરે છે. આમ કરીને તેઓ તેની સાથે આધ્યાત્મિક અનુસંધાન સાધે છે. આ વસ્તુ આપણે સૂફીઓ પણ આપણા મનમાં કોઈ પીરની મૂર્તિ રાખીને ધ્યાન કરીએ છીએ તેના જેવી જ છે.”
સૂફીઓએ અરબી-ફારસીમાં લખ્યું, તેમ ઘણું બધું અહીંની સ્થાનિક ભાષાઓમાં પણ લખ્યું. આને લીધે તેઓ પોતાનો સંદેશો સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચાડી શક્યા. આ રીતે પંજાબમાં રહેતા બાબા ફરીદે પંજાબીમાં લખ્યું અને તેની ગણના પંજાબીના શરૂશરૂના કવિઓમાંના એક તરીકે થાય છે. ગુરુ નાનકે આદિ ગ્રંથ સાહિબમાં બાબા ફરીદની કવિતામાંથી અનેક ઉદ્ધરણો આપ્યાં છે. સૈયદ વારિસ શાહે મધ્યયુગીન પંજાબી સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિ ‘હીર રાંઝા’ની રચના કરી હતી. એવી જ રીતે મહારાષ્ટ્રમાં શેખ મોહમ્મદે મરાઠીમાં લખ્યું, જે ત્યાં બહુ જ લોકપ્રિય થયું. વારકરી પરંપરામાં તેને ઘણી માન્યતા મળી. શિવાજી મહારાજના ગુરુ ગણાતા એવા સમર્થ રામદાસે પણ તેના વિશે કહ્યું છે : “ધન્ય હો શેખ મોહમ્મદ ! તેં આ બ્રહ્માંડના ભેદો અમારી સામે અદ્ભુત શૈલીમાં ખોલી બતાવ્યા છે. તેં આ સમગ્ર વિશ્વમાં અંતર્ગત રહેલી ગૂઢ એકાત્મતા અને અભિન્નતાનું ખરેખરું દર્શન કરાવ્યું છે. અમે તારા ઋણી છીએ. હું તારી ચરણરજ મારા માથે ચઢાવું છું.”
શેખ મોહમ્મદની ફિલસૂફી અદ્વૈતને મળતી આવતી હતી. આવા જ એક બીજા મહાન સૂફી સંત થઈ ગયા, શેખ નિઝામુદ્દીન ઓલિયા. એમણે કહ્યું કે, “રેતીના જેટલા કણ છે, તેટલા બધા વિવિધ માર્ગ ઈશ્વરભક્તિ માટે છે.” શેખ નિઝામુદ્દીનના ઉપદેશનો મુખ્ય સાર એ હતો કે ઈશ્વર માટેનો પ્રેમ માણસના વ્યક્તિત્વમાં અને માણસના વ્યવહાર-વર્તાવમાં પ્રગટ થવો જોઈએ. ઈશ્વર જેમ માણસ-માણસ વચ્ચે કોઈ ભેદભાવ રાખતો નથી, તેમ સાધકે પણ ધર્મ, જાતિ, ભાષા, ભૂગોળ વગેરેના બધા જ ભેદભાવોથી ઉપર ઊઠી જઈને આ બધાં ઈશ્વરનાં જ સંતાન છે એ રીતે એમની સાથે વર્તન કરવું જોઈએ. નિઝામુદ્દીને એમ પણ કહ્યું કે, “કોઈ પણ માણસના હૃદયને જે દુભવે છે, તે આધ્યાત્મિક સાધના કરી શકતો નથી. માણસના હૃદયને સુખ-શાંતિ પહોંચાડવાં, એ જ ખુદાને પામવાનો અચૂક માર્ગ છે.”
ઇતિહાસ રાજાઓનો જ નહીં, પ્રજાઓનો પણ
આવી રીતે સૂફી સંતોએ બહુ મોટું કામ કર્યું. આની સાથે મધ્ય યુગમાં અનેક હિંદુ સંતો પણ પાક્યા. આ બધાએ હિંદુ-મુસ્લિમ એકતાને પોષી. કબીરે તો પોતાની આગવી રીતે હિંદુ-મુસ્લિમ એકતાને ખૂબ જ ઘૂંટી. આવી રીતે બહારથી આવેલ ધર્મ-વિચારનો તેમ જ સંસ્કૃતિનો આપણી સંસ્કૃતિ સાથે સંગમ કરાવી દેવાની જે એક લાંબી ને ઊંડી પ્રક્રિયા ચાલી, તે એક બહુ જ મોટું કામ આપણે ત્યાં આ સમયગાળામાં થયું. આ સંતો ને ફકીરો દ્વારા આપણા સમાજમાં આવી સમન્વયની સૂક્ષ્મ પ્રક્રિયા અદૃશ્યપણે ચાલતી રહી.
ઇતિહાસ માત્ર રાજાઓનો નથી હોતો, પ્રજાઓનો પણ હોય છે; ખરું જોતાં, ખરો ઇતિહાસ રાજાઓનો નહીં, પ્રજાનો જ હોય છે. વિનોબાજીએ ખરેખર બહુ સાચું કહ્યું છે કે, “આ બધી વાતો તમને ઇતિહાસના ગ્રંથોમાં ક્યાં ય નહીં મળે. આ જે ખરો ઇતિહાસ છે તેની તો લોકોને જાણ જ નથી ! બાળકોને ઇતિહાસમાં બસ, માત્ર કેટલાક રાજા ને બાદાશાહોનાં નામ ભણાવી દેવાય છે. જો કે લોકોને તે રાજાઓ ને બાદશાહોનાં નામ ખબર નથી હોતાં, પણ આ બધા સંત પુરુષોનાં નામ ખબર હોય છે. પોતાનું સાચું કલ્યાણ કરનાર કોણ છે, તે લોકો જાણે છે. એટલે આવા સંતો ને ફકીરોને લોકો શ્રદ્ધાપૂર્વક યાદ રાખે છે.”
ધર્માંતર વિશે
સૂફી ફકીરો પોતાની સાથે ઇસ્લામની સમાનતાની તથા સામાજિક ભેદભાવ ન હોવા જોઈએ એવી ફિલસૂફી પણ લઈને આવેલા, અને આની આપણા અનેક જાતિભેદો અને અસ્પૃશ્યતાથી ખદબદતા સમાજ ઉપર ઘણી અસર પડી. આને લીધે ઘણાં ધર્માંતરો થયાં. ધર્માંતરો માત્ર રાજાઓ દ્વારા તલવારના જોરે થયાં છે, એવી છાપ તદ્દન ખોટી છે. સામાન્ય રીતે શાસકનો ધર્મ પ્રજા બળજબરીથી કે ખુશામતખોરીથી સ્વીકારતી હોય છે. આમ છતાં મુસ્લિમ શાસનકાળનાં સેંકડો વરસોને અંતે પણ હિંદુઓની જબ્બર બહુમતી કાયમ રહી, તે ધર્માંતરો બહુ મોટા પ્રમાણમાં બળજબરીથી નહોતાં થયાં, તેની સાક્ષી પૂરે છે. ઉપરાંત, ઝીણવટથી જોઈએ તો રાજધાની દિલ્લી ને આગ્રામાં મુસલમાનોની સંખ્યા ક્યારે ય ૨૦-૨૫ ટકાથી વધારે નથી રહી. એટલે કે મુસ્લિમ શાસકોના નાક નીચે ૭૫-૮૦ ટકા વસ્તી ગેર-મુસ્લિમ રહી શકી હતી. જ્યારે બંગાળ, બિહાર, સિંધ, પંજાબ જેવા દૂરના પ્રદેશોમાં ધર્માંતર આના કરતાં વધારે પ્રમાણમાં થયેલું જોવા મળે છે. આ હકીકત વિવેકાનંદના એવા નિરીક્ષણને સાચું ઠેરવે છે કે ધર્માંતર માટે જવાબદાર મુખ્યત્વે આપણી જાતિ-વ્યવસ્થા અને અસ્પૃશ્યતા દ્વારા આચરાતા અત્યાચારો છે.
સમજવાની વાત એ છે કે બાદશાહોને તો રાજ્ય ચલાવવું હતું, ધાર્મિક વિવાદ નહીં. આપણે અગાઉ બાબરનું વસિયતનામું જોઈ ગયા, જેમાં તેણે પોતાના દીકરા હુમાયુને શિખામણ આપી હતી કે, “આવું સર્વ ધર્મ ધરાવનાર રાજ્ય આપણને મળ્યું, તે માટે અલ્લાહનો આભાર માનવો જોઈએ …. તમામ લોકોને એમના ધર્મના સંસ્કાર પ્રમાણે અનુસરણ કરવા દેજે. તો જ આ રાજ્યની એકાત્મતામાં વૃદ્ધિ થશે.”
મંદિરોના દસ્તાવેજો શું કહે છે ?
મુસ્લિમ બાદશાહો બધા જુલ્મી હતા અને હિંદુઓને દુ:શ્મન માની એમના ઉપર એમણે ત્રાસ ગુજાર્યો, એવી જે એક છાપ ઊભી કરાઈ છે, તે પણ ખોટી જ છે. શિવાજીકાળમાં મંદિરો તોડવા અંગે પણ ખોટો હોબાળો ઊભો કરી દેવામાં આવ્યો છે. અને આનાથી ઊલટાં કેટલાંક નક્કર તથ્યોને દાબી દેવામાં આવ્યાં છે. આવી કેટલીક ચોક્કસ ઐતિહાસિક વિગતો જોઈએ –
મથુરા-વૃંદાવન ક્ષેત્રનાં લગભગ ૩૫ મંદિરોમાંયે મુગલ શાસકો અકબર, જહાંગીર અને શાહજહાં પાસેથી નિયમિત સહાય મળતી રહેલી. તેના દસ્તાવેજો પણ આજ સુધી મોજૂદ છે. આશરે ૧,૦૦૦ વીઘાં જમીન આને માટે અકબરે દાનમાં આપી રાખેલી.
અવધના નવાબો અને એમના અધિકારીઓએ અયોધ્યામાં અનેક મંદિરો બંધાવ્યાં, મરામત કરાવી અને તેને માટે જમીન દાનમાં આપી. અયોધ્યાનું મશહૂર હનુમાનગઢીનું મંદિર બંધાવવા માટે જમીન અવધના નવાબ સફદરજંગે દાનમાં આપેલી.
ઔરંગઝેબે ચિત્રકૂટમાં બાલાજીના મંદિર માટે ૩૩૦ વીઘાં કરમુક્ત જમીન આપેલી. મુગલ શાસકોએ અલ્હાબાદના સોમેશ્વરનાથ મહાદેવના મંદિર માટે ફાળો આપ્યો. વારાણસીમાંના જંગુમબાઢી શિવ મંદિરની સારસંભાળ માટે મુગલ શાસકો તરફથી જાગીર મળી હતી. ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિર માટે તથા ગુવાહાટીના ઉમાનંદ મંદિર માટે મુગલ શાસકો તરફથી સહાય મળેલી. ટીપુ સુલ્તાને પોતાના રાજ્યનાં અનેક મંદિરોને ખુલ્લા દિલે જમીનો આપેલી – આ બધાના જ સત્તાવાર દસ્તાવેજો આજે પણ જે-તે મંદિરમાં મોજૂદ છે. અમરનાથ હિંદુ તીર્થધામની શોધ એક મુસ્લિમ ભરવાડે કરેલી.
રામના પરમ ભક્ત તુલસીદાસને મસ્જિદમાં આશરો !
તુલસીદાસ રામના પરમ ભક્ત. એમણે સંસ્કૃતમાં નહીં, સામાન્ય લોકોની અવધી ભાષામાં લખ્યું. પણ તેને કારણે તે વખતના બ્રાહ્મણો એમના ઉપર ખફા થઈ ગયા અને એમને મંદિરમાંથી કાઢી મૂક્યા. ત્યારે તુલસીદાસ અયોધ્યાની એક મસ્જિદમાં જઈને રહ્યા. એમણે લખ્યું છે –
તુલસી સરનામ, ગુલામ હૈ રામકો,
જાકો ચાહે સો કહે, વોહૂ.
માંગ કે ખાયિબો, મસજિદ મેં રહિબો,
લેલૈ કો એક ને દબૈ કો દોઉ.
શીખો મુસ્લિમોને હાંકી કાઢવા હિંદુત્વનો ઝંડો લઈને ખૂબ લડેલા, એવીયે એક છાપ ઊભી કરાઈ છે, પણ તે સાચી નથી. ગુરુ ગ્રંથ સાહિબમાં મુસ્લિમ સૂફીઓને પણ સ્થાન અપાયું છે. શીખોના સુપ્રસિદ્ધ સુવર્ણ મંદિરમાં હરમંદિરનો શિલાન્યાસ કરવા માટે એક સૂફી સંત મીર મિયાંને બોલાવેલા. ગુરુ તેગબહાદુરની મુસ્લિમ પીરો અને સૂફીઓ સાથે સારી દોસ્તી હતી. ગુરુ ગોવિંદસિંહ જરૂર પડ્યે મુસ્લિમો સામે લડેલા, પણ એ કાંઈ કાયમી દુશ્મનાવટ નહોતી. જ્યારે ઔરંગઝેબે એમને વાતચીત માટે બોલાવ્યા, તો તેઓ એને મળવા માટે નીકળ્યા. જો કે તેઓ મળે તે પહેલાં ઔરંગઝેબનું મૃત્યુ થયું. ત્યારે ગુરુ ગોવિંદસિંહ ઔરંગઝેબના બેટા બહાદુરશાહ સાથે સંધિ કરીને પાછા ફર્યા. રાણા પ્રતાપના બેટાએ પણ અકબરના બેટા જહાંગીર સાથે સુલેહ કરી લીધેલી.
૧૮૫૭ના બળવામાં પેશવા, રાણી લક્ષ્મીબાઈ વગેરેએ મુગલ સમ્રાટ બહાદુરશાહની આગેવાની માનેલી. રાણી લક્ષ્મીબાઈ લડતાં-લડતાં શહીદ થઈ ત્યારે તેની સાથે શહીદ થનારી તેની સહેલી મુસ્લિમ હતી. આમાં હિંદુ-મુસ્લિમ ભેદભાવ અને વૈમનસ્ય ક્યાં રહ્યું ? અરે, અકબરની હિંદુ પત્નીથી જહાંગીર જન્મેલો, જહાંગીરની હિંદુ પત્નીથી શાહજહાં થયો, ઔરંગઝેબ પણ હિંદુ સ્ત્રીને પરણેલો અને છેલ્લા મુગલ બાદશાહ બહાદુરશાહની માનું નામ લાલબાઈ હતું.
– આવા તો એક નહીં અનેકાનેક કિસ્સાઓ નક્કર હકીકત રૂપે ઇતિહાસમાં નોંધાયેલા પડેલા છે. આ કિસ્સાઓ ચોખ્ખેચોખ્ખું કહી જાય છે કે આ સમયગાળામાં હિંદુ-મુસલમાન વચ્ચે કાયમી દુશ્મનાવટ હતી જ નહીં. આ કિસ્સાઓ સંઘર્ષના નહીં, સહયોગના છે. આ કિસ્સાઓ શત્રુતા કે વૈમનસ્યના નહીં, સદ્ભાવ ને સમભાવના છે. આ કિસ્સાઓ વિભાજનના નહીં, સમન્વયતાના છે. માટે આ કિસ્સાઓ એમ કહી જાય છે કે ઓગણીસમી સદીના અંતે અહીં હિંદુ-મુસ્લિમોની એક સંમિશ્રિત સંસ્કૃતિ પાંગરી રહેલી અને હિંદુત્વ હવે સર્વસમાવેશક ભારતીયતામાં મ્હોરી રહ્યું હતું.
રામકૃષ્ણ–વિવેકાનંદની વાત કેટલી બધી સમયોચિત !
આની સાથોસાથ ઇતિહાસની આ નક્કર હકીકતો એમ પણ કહી જાય છે કે રામકૃષ્ણ-વિવેકાનંદની સર્વધર્મ-સમન્વય અને સંસ્કૃતિ-સંગમની વાત એકદમ સમયોચિત હતી અને તે માટેની ઘડી બરાબર પાકી ગઈ હતી, તે માટેની ભૂમિકા તૈયાર થઈ ગઈ હતી.
પરંતુ એ અત્યંત દુ:ખદ ને દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે આ બધાં ઐતિહાસિક તથ્યોની ઘોર ઉપેક્ષાએ તથા ઇતિહાસના સાવ ખોટા આકલને તેમ જ વિપરીત અર્થઘટને આમાં ભારે મોટો વિક્ષેપ ઊભો કરી દીધો.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ઑગસ્ટ 2024; પૃ. 04-07