હે કોરોના ! તને દશાવતાર પછીનો કયો અવતાર ગણવો એની હજી મને કશી ગડ નથી બેસતી.
ધર્મસંસ્થાપનાય યુગે યુગે સંભવનારો તે તું જ છે? ખબર નથી પડતી.
એટલી ખબર ચૉક્કસ છે, કે તું પ્રાણઘાતક છું, જેને અંગ્રેજીમાં અમે lethal કહીએ છીએ.
પણ તારા આગમને મને બે વસ્તુનાં દાન દીધાં છે :
પહેલું દાન એ કે —
હું ગુજ્જુ સાહિત્યકાર આજે આપોઆપ સાવ કહેતાં સાવ સ્વાયત્ત થઈ ગયો છું.
એ માટે ન તો મારે કશી આપખુદીને પડકારવી પડી કે ન તો મારે કશી સ્વતન્ત્રતાને પોકારવી પડી. પરાયત્તતા સઘળીનો નાશ. તારો ખૂબ આભાર, કોરોના. નહિતર કોણ જાણે ક્યારે અમે સ્વાયત્ત થાત ને કોણ જાણે ક્યારે અમારામાં શક્તિ ઊતરત ને કોણ જાણે ક્યારે અમારાથી કિંચિત્ કશુંક લખાત -રીયલ કે સર્રીયલ ! હા, કેમ કે અમે રીયલમાં ય રાચીએ ને સર્રીયલમાંયે રાચીએ એવા રાચણીઆ છીએ. અમારે ય એવી બે પાર્ટી છે.
જો ને, સ્વાયત્ત છું એટલે જાતે ચા બનાવું છું, જાતે નાસ્તાની પ્લેટ બનાવું છું, જાતે જ જાતને કહું છું – ખાવા માંડ, તરત પછી તારે બીજા કામે ચડવાનું છે. જાતે જ જાતને પૂછું છું – ચા કેવી લાગી, બરાબર ઉકાળી તો છે ને …
જો ને, સ્વાયત્ત છું એટલે એકલો, ના, એકલવીર છું. ન સ્વજનનો, ન પ્રિયજનનો, ન પડોશીનો, કોઈનોયે મને ટેકો તો છે જ નહીં. બાકી અમારે ત્યાં સ્વાયત્ત હોવા માટે પણ બેચાર હાથવગા ટેકાની જરૂર પડતી હોય છે. એ જોતાં, હું પરિશુદ્ધ સ્વાયત્ત છું. કેમ કે તું જો, હું માત્ર મારા જ ટેકે ઊભેલો છું, ચાલું છું પણ મારા જ ટેકે – નથી કોઈ હાથ ઝાલનાર કે લાકડી પકડાવનાર. અને સગવડ તો કેવી કે મારે લાંબે કશે જવાનું તો છે જ નહીં. બેડરૂમમાંથી કીચનમાં કે ટૉયલેટમાં કે પાછો બેડરૂમમાં કે પાછો કીચનમાં ને પાછો ટૉયલેટમાં ! સ્વાયત્તાના કુંડાળામાં ફર્યા કરું છું.
ટેકાની વાત ભલે એટલે રહી. બાકી, નથી કામવાળી. નથી, દૂધનાં પાઉચ લાવી આપનારો છોકરો. શાકભાજી જાતે લેવા કેમ જવાય? તો કોઈને લાવી આપો એમ કેમ કહેવાય? નથી ખાવાનું બનાવી આપનારી રસોઈયણ બાઈ – જેને ફૅશનમાં અમે લોકો cook કહીએ છીએ ને ખોરાકને food કહીએ છીએ. એવા શબ્દો વાપરવાથી અમને બહુ ગર્વ થતો’તો, પણ એ ગર્વ આજે ઊંધો વળી ગયો છે – જાણે ઊધું પવાલું !
બીજું દાન એ કે —
હે કોરોના ! તારે પ્રતાપે મારું સ્વરૂપાન્તર થઈ રહ્યું છે.
તને જણાવું કે અમારા કાફ્કાના ગ્રેગર સામ્સાનું થઈ ગયેલું એમની Metamorphosis વાર્તામાં. પણ એ તો વાર્તા. હકીકતમાં હું માણસ પણ સાહિત્યકાર બની ગયેલો તે પાછો માણસ બનવા તરફ છું. એક અનોખું સ્વરૂપાન્તર …
વધુ, તને કાલે કે પછીથી કહીશ, કેમ કે કીચનમાં જઈને મારે મારા માટે શાક-ભાખરી-દાળ બનાવવાનાં છે …
= = =
(March 30, 2020 : Ahmedabad)