દેશની કોઈ પણ સરકાર સાધારણ માણસને મદદ ન થઈ જાય એની ચિંતા કરતી હોય છે. આ મામલે કાગડા બધે જ કાળા જેવી સ્થિતિ છે. જે આવે છે તે લૂંટે જ છે. બજેટમાં પણ રાહત નામની જ થતી હોય છે ને તે પણ બીજે રસ્તે તો ખંખેરી લેવામાં જ પરિણમે છે. ઇન્કમ ટેક્સના સ્લેબ વધારવામાં કેન્દ્રીય નાણાં મંત્રી કાયમ ઉદાસીન રહ્યાં છે. જે ટેક્સ નથી ભરતા એમની ચામડીને ઘસરકો ય નથી થતો, પણ જે ટેક્સ ભરે છે, તેની ચામડી અનેક રીતે છોલાતી રહે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ તો હોજરી કાતરે જ છે. હમણાં એક દુકાનદારનો મ્યુનિસિપલ ટેક્સ આવ્યો, તેમાં બે’ક હજારનો ફાયર ટેક્સ લાગ્યો. દુકાનદારે ફાયર સેફટીનો જે ખર્ચ કરવાનો હતો તે તો કર્યો જ, પણ ફાયર ટેક્સના બે હજાર શેને માટે, તેનો કોઈ ખુલાસો મળતો નથી. આવા તો એટલા ટેક્સ લાગે છે કે ઇન્કમ જેવું ખાસ રહેતું જ નથી. આવક પર એક વાર ઇન્કમ ટેક્સ ભર્યા પછી છૂટકો થતો નથી. ઠેર ઠેર GST લાગતો જ રહે છે. GST તો કોરોના કરતાં વધુ ચેપી છે. કોરોના તો ગયો, પણ GST જતો નથી. એ લાગુ થયો ત્યારે એવી વાત હતી કે પછી બીજા કોઈ ટેક્સ લાગશે નહીં, પણ એ નરી છેતરપિંડી જ હતી. GST તો વધતો જ રહ્યો ને તેની સમાંતરે છાના-ઉઘાડા ટેક્સ પણ લાગતા જ રહ્યા. એક વાર ટેક્સના વિષચક્રમાં માણસ ફસાય છે, પછી તેનો અભિમન્યુની જેમ છળથી મરવા સિવાય છૂટકો થતો જ નથી. મરે ત્યાં સુધી ભરે – એ સ્થિતિ કરની બાબતમાં સાધારણ માણસની છે.
જે નફ્ફટ છે, કરચોર છે, તેનું ખાસ કૈં બગડતું નથી, પણ જે પ્રમાણિક છે ને ઈમાનદારીથી જીવવા માંગે છે, એને કોઈ રાહત સરકારો દ્વારા કરની બાબતમાં મળતી નથી. તે માંદો પડે તો મરવાનું સસ્તું પડે એવી હાલત છે, કારણ દવાખાનાં અને હોસ્પિટલનાં ખર્ચને તે પહોંચી વળે એવી સ્થિતિ જ રહી નથી. એક સમય હતો જ્યારે 55 કે તેથી વધુ ઉંમરનાનો આરોગ્ય વીમો કોઈ ઉતારતું ન હતું. એ સ્થિતિ પછી બદલાઈ અને નિવૃત્તોનો હેલ્થ ઈન્સ્યોરન્સ ઉતારવાની સગવડ ઊભી થઈ. શરૂઆતમાં પ્રીમિયમ ઓછું રહ્યું, પછી તો એ પણ વધવા લાગ્યું. કેટલીક કંપનીઓ તો પ્રીમિયમ જ લાખોમાં વસૂલતી થઈ. જો હોસ્પિટલમાં દાખલ થવાનું જ ન થાય તો હજારો રૂપિયાનું પ્રીમિયમ, વીમો લેનારે એમ જ જતું કરવાનું થાય ને તે ય વર્ષોવર્ષ ! કેટલાકે ખોટાં બિલ મૂકીને વીમો પકવી લીધો, પણ અગેઇન, જે એવું કરવા જ માંગતો ન હતો, તે તો દર વર્ષે હજારો રૂપિયા એમ જ જા-ખાતે વીમા કંપનીઓને ચૂકવતો રહ્યો. દર વર્ષે પ્રીમિયમ તો વધતું જ રહ્યું, તેટલું ઓછું હોય તેમ સરકારનો ડોળો ઈન્સ્યોરન્સ પર ઠર્યો ને તેણે તેમાં મોં માર્યું જ ને GSTનો 18 ટકાનો ચેપ મેડિકલ ઈન્સ્યોરન્સને પણ લાગ્યો. આમ હજારો રૂપિયા પ્રીમિયમ તો ફોગટ જતું જ હતું, તેમાં ખાતર પર દિવેલની જેમ 18 ટકા GST પણ સરકારને દાનમાં આપવા જેવું થયું. આટલું દાન સરકારને આપવાનું સાધારણ માણસને પરવડે એમ જ ન હતું. ઘણાએ તેને માટે લોન પણ લેવી પડી. જે પેન્શનર્સ છે તેને તો વાર્ષિક પ્રીમિયમ બે મહિનાનાં પેન્શન જેટલું મોંઘું પડતાં વીમા કંપનીને કાગવાસ નાખવા જેવું જ થયું. કંપનીઓ તો પ્રીમિયમ ઘટાડવા તૈયાર નથી ને સરકારને તો વધુ પ્રીમિયમ પર GST વધારે મળે એમ છે એટલે એ પણ શું કામ બોલે?
પણ, સડક પરિવહન અને રાજમાર્ગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 28 જુલાઇ, 2024ને રોજ પત્ર લખીને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ જ નહીં, જીવન વીમા પ્રીમિયમ પર પણ GST ન વસૂલવા નાણાં મંત્રી નિર્મલા સીતારામનને વિનંતી કરી છે. તેમનું માનવું છે કે 18 ટકા GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લાદવા જેવું છે. લોકો જોખમ સામે કવર ખરીદી શકે તે માટે વીમા પ્રીમિયમ પર ટેક્સ લાદવો ન જોઈએ. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે મેડિકલ ઈન્સ્યોરન્સ પર GST ચૂકવવામાં આર્થિક બોજ પણ વધે છે, પણ નાણાં મંત્રીએ ગડકરીના પત્રની ધરાર અવગણના કરતાં સંસદમાં બચાવ કર્યો કે GST તો 2017માં લાગુ પડ્યો, તે પહેલાં પણ આરોગ્ય વીમા પ્રીમિયમ પર 15 ટકા ટેક્સ વસૂલાતો જ હતો. બીજી વાત એ કે GST ઘટાડવાનું જે તે રાજ્ય પર નિર્ભર છે, કારણ 18 ટકા GSTમાંથી 9 ટકા તો સીધા જે તે રાજ્યને પહોંચે છે. નાણાં મંત્રી આમ પણ બજેટમાં પટાવતા અને પતાવતા જ આવ્યાં છે. GSTને મામલે પણ એમણે એવું જ કર્યું. GST પહેલાં પણ ટેક્સ તો હતો જ ને તે પણ 15 ટકા. ખરું, પણ એ ટેક્સ GST હેઠળ 18 ટકા થઈ ગયો, તેનું શું? નામ GST થતાં જ 3 ટકા વધી ગયા એમાં સરકારની એકલી ખંધાઈ છે. એ ખરું કે રાજ્યને સીધા 9 ટકા જાય છે, પણ એ જ વખતે કેન્દ્રને પણ 9 ટકા મળે છે, તે ખરું કે કેમ? તે અંગે નાણાં મંત્રી ચૂપ છે. જો કેન્દ્ર 9 ટકા છોડી દે તો રાજ્યને પણ છોડવાની ફરજ પડે, પણ છોડવું કોઈએ નથી ને લૂંટવું બધાંએ છે.
જો કે, GSTના જાણકાર સૂત્રોનું કહેવું છે કે 18ના 5 ટકા GST કરવા ગુજરાત સહિત ભા.જ.પ. શાસિત ઘણાં રાજ્યો સહમત છે, પણ તમામ રાજ્યો વચ્ચે સહમતી નથી. આ નવમી સપ્ટેમ્બરે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલમાં આખરી નિર્ણય લેવાય એમ બને. ખાસ કરીને પેન્શનર્સની તબિયતના પ્રશ્નો ઉંમર વધતાં વધે છે. તેની દવાના, દવાખાનાના કે હોસ્પિટલના ખર્ચ પણ વધે છે, એ સ્થિતિમાં તે હેલ્થ ઈન્સ્યોરન્સ એટલે લે છે કે અણધાર્યા કોઈ તબીબી ખર્ચને પહોંચી વળી શકે. આ તેને માટે સહેલું નથી. ક્યારેક પ્રીમિયમને માટે તેણે ઉધારી પણ કરવી પડી હોય એમ બને. એમાંથી તે તબીબી ખર્ચ કાઢે છે ને એવું નથી થતું તો પ્રીમિયમની રકમ તેને પાછી મળતી નથી. તે પ્રીમિયમ તો તેણે જતું જ કરવું પડે છે. નવો વીમો લે તો વળી તેણે હેલ્થ ઈન્સ્યોરન્સ માટે ઉધાર ઉછીનું કરીને પ્રીમિયમ ભેગું કરવું પડે છે. વધારે પ્રીમિયમ અને 18 ટકા GSTને લીધે ઘણાં જરૂરિયાત હોવા છતાં, મેડિકલ ઈન્સ્યોરન્સ લઈ શકતા નથી. સાચું તો એ છે કે આ વીમામાંથી તેની કોઈ આવક થતી નથી, તેણે તો ચૂકવવાનું જ થાય છે, તો આવક થતી હોય તેમ 18 ટકા GST લગાવતા સરકારને જરા પણ અરેરાટી થતી નથી? નિર્લજ્જતાની કોઈ તો અવધિ હોયને ! જેને માટે સબસિડી આપવાની હોય તેના પર 18 ટકા GST વસૂલવાની દાનતનો સાર્વત્રિક વિરોધ થવો જોઈએ, પણ લાચારીથી સૌ વેઠી લે છે એટલે સામેવાળાની હિંમત વધે છે.
નાણાં મંત્રીની અધ્યક્ષતામાં નવમીએ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની મળનારી મીટિંગમાં GST ઘટવાનો ગુજરાત સહિત કેટલાંક રાજ્યોને વહેમ છે, એટલે એ રાજ્યોએ GSTની તેમની કમાણીમાં ઘટાડો ન થાય તે જોવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. જો GST ઘટે તો રાજ્યોની આવકમાં અંદાજે 3,500 કરોડનો ઘટાડો થાય, પણ 1 માર્ચ, 2024ના સમાચાર મુજબ ફેબ્રુઆરી, 2024 દરમિયાન GSTની 1,68,337 કરોડની કુલ આવક થઈ જે 12.25 ટકાનો રેકોર્ડ વૃદ્ધિ દર સૂચવે છે. આ વધારામાં સતત ઉમેરો જ થયો છે, તેમાં ઘટાડો થયો નથી. આ સ્થિતિ હોય તો 18 ટકા GSTમાં ઘટાડો થતાં 3,500 કરોડની ખોટ સાવ નગણ્ય ગણાય. ગુજરાત સહિત રાજ્યોને ભય છે કે GST ઘટશે તો રાજ્યના વિકાસ માટે ખર્ચ નહીં કરી શકે. એ સાચું છે. GST ઘટે તો રાજ્યો તૂટવા માટેના પુલો કે રસ્તાઓ નહીં બાંધી શકે. વરસાદમાં વડોદરાની જે હાલત થઈ કે આખા રાજ્યોમાં અનેક ધોરી માર્ગો તૂટીને તારાજ થઈ ગયા, તેવો વિકાસ GST ઘટતાં ઘટી ન જાય એ રાજ્યોની ચિંતા છે. રાજ્યોએ એ વિચારવું જોઈએ કે GST ઘટશે તો તેમની આવક ઘટશે એ ખરું, પણ પ્રીમિયમ ઓછું થતાં હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારાઓની સંખ્યા વધશે એવું નહીં? વધારે પ્રીમિયમને કારણે જે આરોગ્ય વીમો ખરીદી નથી શકતા તેમનો GST ઘટતા વીમો લેવાનો રસ વધે એ શક્ય છે. જો કે, કેન્દ્રના અને રાજ્યોના GST અધિકારીઓ એકમતી સાધવા કોશિશ કરી રહ્યા છે. કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ પણ GST 18 ટકાથી ઘટાડવાની તરફેણ જ કરી છે.
ઈચ્છીએ કે કમ સે કમ નિવૃત્તોને તો 18 ટકા GSTમાં રાહત થાય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 સપ્ટેમ્બર 2024