કોને કોને મળીઓ અઢળક લાભ; હવે એ જોવું છે,
કોની માથે તૂટી પડે છે આભ; હવે એ જોવું છે.
કોણ ઉદાસી પામે છે દુનિયાભરની આ વકરામાં,
લાભે છે લાખેણો કોણ જ લ્હાવ; હવે એ જોવું છે.
બાજી સઘળી કોનો જયજયકાર કરાવે છે આહીં;
અવળા કોના સાવ પડે છે દાવ; હવે એ જોવું છે.
કોની કિમ્મત તળિયે જઇને બેસી પડતી પળભરમાં;
કોના ઊંચે ખૂબ ચડે છે ભાવ; હવે એ જોવું છે.
સંબંધોમાં કોણ નથી પીડા પામેલું દુનિયામાં ?
કોણ છુપાવે અંદર-અંદર ઘાવ; હવે એ જોવું છે.
કોના કંઠે ફાંસીનો એ ફંદો આવે છે ને સાથ,
કોને કોને મળવાનો શિરપાવ; હવે એ જોવું છે.
પાઈ પાઈ કોણ ‘પ્રણય’, કરકસરપૂર્વક ખર્ચે છે,
કોના છે દિલ જગ માંહે દરિયાવ; હવે એ જોવું છે.
તા. ૨૫/૦૭/૨૦૨૨