સીંઝાટાણું થાય અને ત્યાં અંધકારનું પંખી;
વિરાટ પાંખો વીંઝે.
સીંઝાટાણું થાય અને ત્યાં ઝાલર કેરું મૌન,
પાદરથી તે પથ્થરની એક મૂર્તિ સુધી;
નાદ રૂપે રૅલાય.
સીંઝાટાણું થાય અને ત્યાં બૅસી ફળિયે,
સાઠ વરસની આંખો;
સુણી-સાંભળી કથા જ કહેતી હોય;
અને કૈં સુણી એમને; હરખાતી સહુ;
ટબુક આંખમાં વિસ્મય ઝરતું હોય.
સીંઝાટાણું થાય અને ત્યાં વાળું કરતી વેળા,
તાણ કરીને કૉણ પીરસે મને ?
કૉની આંખો; મારી આંખો સામેરી મંડાય ?
સીંઝાટાણું થાય અને ત્યાં;
જીવવું પોતે બની જતું કૈં બોજ,
હવે અહીં હરરોજ !
તા. ૦૨/૦૨/૧૯૮૪
સીંઝાટાણું = ઢળતી સાંજનો સમય
ટબુક આંખમાં = શિશુઓની આંખમાં
વાળું = રાત્રિ ભોજન
તાણ કરીને = આગ્રહ કરીને