આંતરરાષ્ટૃી ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ભાષાશાસ્ત્રી પ્રબોધ પંડિત(25 જૂન 1923 − 28 નવેમ્બર 1975)નું આ જન્મશતાબ્દી વર્ષ છે. એ નિમિત્તે સ્મરણાંજલિરૂપે “એતદ્દ”એ ખાસ નિમંત્રણ આપીને મેળવેલા બે લેખો આ અંકમાં (ઑક્ટોબર – ડિસેમ્બર 2022) પ્રસ્તુત છે. બન્ને લેખકમિત્રોનો પણ ખાસ આભાર.
— “એતદ્દ” સંપાદક

હર્ષવદન ત્રિવેદી
ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત (૨૩ જૂન, ૧૯૨૩ – ૨૮ નવેમ્બર, ૧૯૭૫) ભારતના આંતરરાષ્ટ્રીય કક્ષાના એક અગ્રણી ભાષાવિજ્ઞાની હતા. ગુજરાતી ભાષામાં તેમણે આધુનિક ભાષાવિચારણાનો પાયો નાખ્યો, રાષ્ટ્રીય કક્ષાએ તેઓ ભારતમાં સમાજભાષાવિજ્ઞાનના એ સમયના અગ્રદૂત બન્યા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમના મર્મર ધ્વનિઓ વિષયક કામ માટે પોંખાયા … ડૉ. પ્રબોધ પંડિતનો જન્મ ભાવનગરના વલભીપુરમાં થયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ અમરેલી અને અમદાવાદમાં મેળવ્યું હતું. ૧૯૪૨માં તેમણે શાળા પૂરી કરીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો હતો. જેલમાંથી મુક્ત થઈને તેમણે ૧૯૪૪માં અમદાવાદમાં સંસ્કૃતમાં બી.એ. કર્યું અને મુંબઈના ભારતીય વિદ્યા ભવનમાંથી તેમણે ૧૯૪૬માં સંસ્કૃત અને તુલનાત્મક ભાષાશાસ્ત્રમાં એમ.એ.ની ઉપાધિ મેળવી. તેમના પિતા પંડિત બેચરદાસ દોશી પ્રાકૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. પાલિ-પ્રાકૃતનો અભ્યાસ પ્રબોધભાઈએ તેમની પાસે કરી લીધો હતો. અનુસ્નાતક અભ્યાસ પૂરો કર્યા બાદ ૧૯૪૭માં તેઓ લંડન ગયા અને ત્યાં વિખ્યાત ભાષાવિજ્ઞાની રાલ્ફ ટર્નર પાસે ચૌદમી સદીના જૈન આચાર્ય તરુણપ્રભસૂરિની કૃતિ ‘ષડાવશ્યક બાલાવબોધવૃત્તિ’ પર કરેલા કામ માટે એમણે ૧૯૪૯માં પીએચ.ડી.ની પદવી મેળવી. લંડનમાં જ તેમણે જે.આર. ફર્થ અને ડબ્લ્યુ.એસ. એલન જેવા વિખ્યાત ભાષાવિજ્ઞાન અને ધ્વનિવિજ્ઞાનના નિષ્ણાત પાસે એ વિષયોનો અભ્યાસ કર્યો. આ ગાળામાં તેમણે વિખ્યાત ફ્રૅન્ચ ભાષાવિજ્ઞાની જ્યૂલ બ્લોક (Jules Bloch) સાથે પેરિસમાં થોડો વખત પસાર કર્યો. બ્લોક મરાઠી ભાષા પરના તેમના કામ માટે જાણીતા છે. બ્લોક સાથેના સંપર્કના કારણે તેમનું ધ્યાન બોલીવિજ્ઞાન તરફ પણ આકર્ષાયું હતું. આમ તેમનો પરદેશનિવાસ ઘણો ફળદ્રુપ નીવડ્યો. પૅરિસમાં જ્યૂલ બ્લોક પાસે અભ્યાસ કરવા માટે પંડિત ફ્રૅન્ચ ભાષા પણ શીખ્યા હતા. માનવશાસ્ત્રી મેલિનોવ્સ્કીના પરિચયમાં પણ તેઓ આવ્યા હતા.
૧૯૫૦માં પંડિત ભારત પાછા ફર્યા અને અમદાવાદની એલ.ડી. આટ્ર્સ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે અને ૧૯૫૫માં ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં તેમણે ૧૯૬૪ સુધી કામ કર્યું હતું. વચ્ચે ૧૯૫૫-૫૭માં પૂણેની ડેક્કન કૉલેજના લૅંગ્વેજ પ્રૉજેક્ટમાં મુલાકાતી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ એ જ સંસ્થામાં ૧૯૬૪-૬૫માં તેમણે અધ્યાપન કર્યું. ૧૯૬૬માં તેઓ દિલ્હી યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન વિભાગમાં જોડાયા અને વિભાગના વડા તરીકે જીવનના અંત સુધી એટલે કે ૧૯૭૫ સુધી કામ કર્યું. આ દરમિયાન તેઓ પરદેશની કેટલીક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે જઈ આવ્યા હતા. ૧૯૫૫-૫૬માં યેલ યુનિવર્સિટીમાં તેમને પોસ્ટ-ડૉક્ટરલ ફેલોશિપ મળી હતી. આ ઉપરાંત, તેમણે મિશિગન અને કોર્નેલ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે કામગીરી બજાવી હતી.

પ્રબોધ બેચરદાસ પંડિત
ડૉ. પંડિતે તેમના જીવનકાળમાં ભારત અને ભારત બહાર વ્યાપક પ્રવાસો કર્યા હતા, ભાષાવિજ્ઞાનની પરિષદો, પરિસંવાદોમાં તેમણે ભાગ લીધો હતો. એ સમયના ટોચના ભાષાવિજ્ઞાનીઓ સાથે તેઓ સંપર્કમાં રહેતા હતા. પીટર લાડેફોગેડ કે એલી ફિશર યોર્ગેન્સન જેવા ટોચના પ્રાયોગિક ધ્વનિવિજ્ઞાનીઓ પંડિતના વિચારોને ગંભીરતાથી લેતા અને તેમની થિયરીઓને પ્રાયોગિક ધોરણે ચકાસવાનું કામ પણ કરતા હતા. આ ગાળામાં પંડિત પરદેશમાં, ખાસ કરીને અમેરિકામાં, ભારતીય ભાષાવિજ્ઞાનના પ્રતિનિધિ કે એક પ્રકારના roving ambassador બની ગયા હતા.
તેમનો જીવ અધ્યયન–સંશોધનમાં જ વ્યાપ્ત રહ્યો હતો. પંડિત અનેક ભાષાઓના જાણકાર હતા. પ્રૉ. અશોક કેળકરની નોંધ પ્રમાણે ડૉ. પંડિત ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અંગ્રેજી ઉપરાંત ફ્રૅન્ચ, ઉર્દૂ, મરાઠી અને રાજસ્થાની ભાષાઓ જાણતા હતા. ભારતમાં ભાષાવિજ્ઞાનીઓની એક આખી પેઢી તેમની પાસે તૈયાર થઈ હતી.
૧૯૭૫ની ૨૦મી નવેમ્બરે દિલ્હીમાં સેરેબ્રલ હેમરેજના કારણે ૫૨ વર્ષની નાની વયે તેમનું અવસાન થયું હતું. (યોગાનુયોગ એવો છે કે ડૉ. પંડિતના અનુગામી પ્રૉ. રવીન્દ્રનાથ શ્રીવાસ્તવ પણ લગભગ એટલી જ ઉંમરે અવસાન પામ્યા હતા!)
તેમના યશસ્વી જીવનકાળમાં તેમને અનેક માન-સન્માન મળ્યાં. ૧૯૬૪માં ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સના તેઓ વિભાગીય પ્રમુખ બન્યા હતા. ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ પુસ્તક માટે તેમને ૧૯૬૭માં સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યનો શિરમોર ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને ૧૯૭૪માં મળ્યો હતો.
ભારતીય ભાષાવિજ્ઞાનની ટોચની સંસ્થા લિંગ્વિસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયા સાથે તેઓ સંકળાયેલા હતા અને ૧૯૬૮માં તેના પ્રમુખ બન્યા હતા.
પંડિતના વિદ્યાકીય જીવનને બે તબક્કામાં વહેંચી શકાય. ગુજરાતમાંનો તેમનો કાર્યકાળ અને ગુજરાત બહારનો, એમાં ય ખાસ કરીને દિલ્હી ખાતેના કાર્યકાળ દરમ્યાન તેઓ ભાષાવિજ્ઞાનના નવા નવા પ્રવાહોના સતત સંપર્કમાં રહ્યા. તેમની વિદ્યાકીય પ્રવૃત્તિઓ સતત વિકાસ પામતી રહી. તેમની કારકિર્દીમાં પ્રારંભ ઐતિહાસિક–તુલનાત્મક ભાષાવિજ્ઞાન અને આપણે જેને ભાષાવિદ્યા (Philology) કહીએ તેનાથી થયો. લંડનમાં પીએચ.ડી.ની પદવી માટે ‘ષડાવશ્યક બાલાવબોધ’નું પાઠાલોચન–પાઠસંપાદન કર્યું. એ સાથે તેઓ ઐતિહાસિક ધ્વનિસ્વરૂપવિચાર (historical phonology) તરફ વળ્યા. ત્યાર બાદ તેમણે ધ્વનિવિજ્ઞાન (phonetics) અને વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમના વિદ્યાકીય જીવનના બીજા તબક્કામાં તેઓ વિનિયુક્ત (applied) અને સામાજિક ભાષાવિજ્ઞાન (sociolinguistics) તરફ વળ્યા. આમ ભાષાના ઇતિહાસ અને સંરચનાથી માંડીને ભાષાના સામાજિક સંદર્ભ સુધી તેમનો વિદ્યાવ્યાપ જોવા મળે છે. ભારતમાં સમાજભાષાવિજ્ઞાનના મુખ્ય પુરસ્કર્તા તરીકે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળી. તેમાં તેમના ધ્વનિસ્વરૂપ અંગેના વિચારોની સાથે સમાજભાષાવિજ્ઞાનના ક્ષેત્રે તેમણે કરેલાં પ્રદાનની મોટી ભૂમિકા રહી છે.
પંડિતનો ભાષાવિજ્ઞાનક્ષેત્રે પ્રવેશ થયો ત્યારે ગુજરાતીમાં પરંપરાગત ભાષાચિંતન, પાઠસંપાદન, ઐતિહાસિક–તુલનાત્મક ભાષાવિજ્ઞાનક્ષેત્રે કામ થતું હતું. પંડિતે પરદેશમાં ભાષાવિજ્ઞાનની તાલીમ લીધી અને ગુજરાતમાં આધુનિક ભાષાવિચારનો સૂત્રપાત કર્યો. ગુજરાતીમાં અનેક પુસ્તકો–લેખોમાં તેમણે ગુજરાતી ભાષાનાં વિવિધ પાસાંઓની એ સમયના આધુનિક અભિગમોથી વિચારણા કરી અને ભાષાચિંતનને નવી દિશા આપી. ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન’, ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ તથા ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ એ તેમના ગુજરાતીમાં મહત્ત્વનાં પુસ્તકો છે. ‘ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો’ એ તેમનો એક મહત્ત્વનો લેખ છે. ‘પચરંગી સમાજમાં ભાષા’ એ તેમના અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ છે.
‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ એ તેમનો મહત્ત્વનો ગ્રંથ છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપ વિશે પ્રથમ વાર જ આધુનિક અને વૈજ્ઞાનિક ચર્ચા કરવામાં આવી છે. મર્મર સ્વરો વિશેની તેમની અત્યંત મહત્ત્વની વિચારણા પણ અહીં રજૂ થઈ છે. ઉચ્ચારણપ્રક્રિયાની પણ વૈજ્ઞાનિક અને વિશદ રજૂઆત અહીં પહેલી જ વાર થઈ છે. આ પુસ્તકમાં મર્મર, સ્વરો, મહાપ્રાણ અને નાસિક્ય વ્યંજનો, અક્ષર, કાલમાન, જંક્ચર, વગેરે અંગેની મૌલિક વિચારણા પ્રાપ્ત થાય છે. અહીં તેમણે ધ્વનિપરિવર્તન અને વ્યાકરણ પરિવર્તનની ચર્ચા કરી છે. તેમાં તેમણે ૧૩મી સદી અને ૨૦મી સદીની ગુજરાતી ભાષાની તુલના કરી છે. પ્રથમ પ્રકરણ ભાષાના સંકેતોમાં ભાષાવિજ્ઞાનના સંરચનાત્મક અભિગમની ઝાંખી થાય છે. પછી ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને છેલ્લે બોલી વિશેની તેમની વિચારણા આંશિક રીતે રજૂ થઈ છે.
પંડિતે પોતે સ્પષ્ટ કહ્યું છે તેમ તેમની વિચારણા પર અમેરિકન સંરચનાત્મક ભાષાવિજ્ઞાન અને નિકોલસ ટ્રુબેત્ઝકોય તથા ઑન્ટ્રે માર્તિને જેવા યુરોપિયન ભાષાવિજ્ઞાનીઓની ધ્વનિસ્વરૂપવિષયક વિચારણાનો પ્રભાવ છે. પંડિતના મર્મર અને મહાપ્રાણ અંગેનાં સંશોધનોને પીટર લાડેફોગેડ તથા એલી ફિશર યોર્ગેન્સન જેવાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રાયોગિક ધ્વનિવિજ્ઞાનીઓનું સમર્થન સાંપડ્યું છે. આ વિદ્વાનોએ પંડિતનાં સંશોધનોનો વિસ્તાર કર્યો હતો.

પ્રબોધ બેચરદાસ પંડિત
‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ ગ્રંથ પછી પંડિતનાં બે પુસ્તકો ગુજરાતી ભાષામાં બહાર પડ્યા. એક તો ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩) તથા ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ (૧૯૭૮). આ બંને પુસ્તકો પંડિતની ગતિશીલ વિદ્યાપિપાસાના પરિપાકરૂપ છે. અગાઉ કહ્યું તેમ પંડિત ભાષાવિજ્ઞાનના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોના સીધા અને જીવંત સંપર્કમાં રહેતા હતા. અનેક આંતરરાષ્ટ્રીય ભાષાવિજ્ઞાનીઓ સાથે તેમને ઘરોબો હતો. તેમની સાથે વિચારોની આપ-લે કરતા હતા. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રનાં નવાં વિચારો–સંશોધનો અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં હતાં અને આજે પણ થતાં રહે છે. પંડિત પોતાના વિદ્યાર્થીઓને તો અંગ્રેજી–હિન્દી ભાષાના માધ્યમથી આ નવા પ્રવાહોનો પરિચય કરાવતા હતા પણ પોતાની માતૃભાષા ગુજરાતીમાં પણ અત્યંત ટેક્નિકલ કહી શકાય એવા વિચારો તેમણે સરળ શૈલીમાં પ્રસ્તુત કર્યા છે. ઉદાહરણ તરીકે તેમનાં બે ગુજરાતી પુસ્તકોનો ઉલ્લેખ કરી શકાય. ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ એ સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ‘કવિ નર્મદ વ્યાખ્યાનમાળા’ના આશ્રયે ૧૯૭૨માં આપેલાં વ્યાખ્યાનો છે. તો ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ એ મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ૧૯૭૩માં યોજાયેલી ‘ઠક્કુર વસનજી વ્યાખ્યાનમાળા’ના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો છે.
આ બંને વ્યાખ્યાનોમાં નોમ ચોમ્સ્કીના ભાષાવિચાર સહિતના આધુનિક અભિગમોનો પરિચય ગુજરાતી અભ્યાસીઓને ગુજરાતી ઉદાહરણો દ્વારા તેમણે કરાવ્યો છે. આમ તો આ અભિગમો અત્યંત ટેક્નિકલ ને પારિભાષિક સંજ્ઞાઓના ભારથી લથપથ છે. જેમને અમેરિકન–યુરોપિયન સંરચનાત્મક ભાષાવિજ્ઞાનનો બરાબરનો અભ્યાસ ન હોય, આધુનિક તર્કશાસ્ત્ર અને ગણિતનો પરિચય ન હોય એમના માટે આ અભિગમો સમજવા અઘરા છે. પણ પંડિતે અહીં પરિભાષાને ટાળીને ગુજરાતી ઉદાહરણો વડે સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પંડિતની આ વિશેષતા રહી છે.
‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’માં ઇતિહાસ, સમાજ અને માનવના ચિત્તતંત્રની વાગ્વિષયક ક્ષમતા એમ ત્રણ વ્યાખ્યાનોમાં ત્રણ અલગ અલગ અભિગમોનો પરિચય કરાવ્યો છે. અહીં તેમણે જે તે નૂતન અભિગમોનો નામોલ્લેખ કર્યા વિના પરિચય કરાવ્યો છે.
ભાષાવિજ્ઞાનમાં ૧૯૫૦ પછી અનેક પરિવર્તનો આવ્યાં, નવા નવા પ્રવાહો આવ્યા. ઐતિહાસિક તુલનાત્મક ભાષાવિજ્ઞાનથી માંડીને ભાષાની સંરચના કે બંધારણને સ્પર્શતી વિચારણામાં નવા અભિગમો આવ્યા. ભાષાવિજ્ઞાની નોમ ચોમ્સ્કીના વિચારોના કારણે ભાષાવિજ્ઞાનમાં નવી ક્રાન્તિ થઈ. આ ક્રાન્તિનો પ્રભાવ અનેક વિદ્યાશાખાઓ પર પડ્યો હતો. પંડિતે અહીં આ બધા વિચારોનો પરિચય પરિભાષાને બને તેટલી સરળ ભાષામાં કરાવ્યો છે. પ્રથમ વ્યાખ્યાનમાં ઐતિહાસિક–તુલનાત્મક ભાષાવિજ્ઞાનના નવા પ્રવાહો, બીજા વ્યાખ્યાન ‘વાગ્વહાર’માં ભાષાના સામાજિક સંદર્ભની ચર્ચા થઈ છે. તેમાં ચોમ્સ્કીને પડકારનારા વિખ્યાત સમાજભાષાવિજ્ઞાની વિલિયમ લબોવ (William Labov)ના વિચારોનો તેમના નામોલ્લેખ વિના વિસ્તારથી પરિચય કરાવ્યો છે. લબોવે ન્યૂ યૉર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ભાષકોના સામાજિક–આર્થિક મોભા વિશે કરેલા એક સર્વેનો અહીં વિગતે ઉલ્લેખ છે. લબોવનું આ સંશોધનકાર્ય સમાજભાષાવિજ્ઞાનમાં અત્યંત જાણીતું છે. અહીં તેમણે સમાજમાં જોવા મળતા વૈવિધ્યનો નિર્દેશ કર્યો છે. આ સંદર્ભમાં પંડિત કહે છે કે, ભાષા પણ સંસ્કૃતિનો જ અંશ છે. સંસ્કૃતિના વ્યાકરણના એક ભાગ તરીકે ભાષાને ગણીએ તો જે વૈવિધ્ય દેખાય છે એ વિવિધ સાંસ્કૃતિક સંદર્ભોના ચોકઠામાં બરાબર બંધબેસતું આવતું વ્યાકરણસ્વરૂપ જ છે એમ સિદ્ધ કરી શકાય. (પૃ. ૨૦)
ત્રીજા વ્યાખ્યાન ‘વ્યાકરણ’માં એ વખતની છેલ્લી પચીસીમાં જે નવાં સંશોધનો થયાં તેનો પરિચય અપાયો છે. અહીં મુખ્યત્વે ચોમ્સ્કીના જનરેટિવ ભાષાવિજ્ઞાનની ચર્ચા થઈ છે. તેમના innateness હાઇપોથિસિસની પણ ગવેષણા કરવામાં આવી છે. તેઓ કહે છે : ‘માનવભાષાનું અસ્તિત્વ, માનવબુદ્ધિની અમુક પ્રકારની સજ્જતા ઉપર જ અવલંબેલું છે. આ સજ્જતા માનવની વિશેષતા છે, બાળક આ સજ્જતા સાથે જ અવતરે છે. આ કંઈ સમાજ પાસે શીખેલો ધર્મ નથી. એ તો માનવનો માનવ તરીકેનો ધર્મ છે.’ (પૃ. ૫૨)
ભાષાનું આંતરિક સ્વરૂપ એટલે શું? ભિન્ન ભિન્ન ભાષાઓનું આંતરિક સ્વરૂપ ભિન્ન હશે કે એમાં કંઈ સમાનતા હશે? અત્યારે આ પ્રશ્નોના જવાબ આપવા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે અને છેલ્લા દસકામાં ભાષાવિજ્ઞાને આ દિશામાં, આવા પ્રશ્નો ઉઠાવવાની દિશામાં, ઘણી પ્રગતિ કરી છે એમ તેમણે નોંધ્યું છે.
‘વ્યાકરણ : અર્થ અને આકાર’ એ તેમણે મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ૧૯૭૩માં આપેલા ઠક્કુર વસનજી વ્યાખ્યાનમાળા શ્રેણીનાં વ્યાખ્યાનો છે. ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ની જેમ અહીં પણ ભાષાવિચાર–વ્યાકરણવિચારના એ જમાનાનાં નવાં સંશોધનો–પ્રવાહોનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ વ્યાખ્યાનોમાં ડૉ. પંડિતે પ્રેરણા, નિર્ધારણા અને અપેક્ષા એ અર્થોની ગુજરાતી ભાષામાં વ્યાકરણના સ્તરે થતી અભિવ્યક્તિ તપાસી છે તથા ગુજરાતીમાં રૂપતંત્ર અને સંધિનું વર્ણન કર્યું છે. આ માટે તેમણે એ જમાનામાં અત્યંત અદ્યતન ગણાતા ભાષાવિજ્ઞાની નોમ ચોમ્સ્કીના જનરેટિવ વ્યાકરણના મૉડલ, તે પછીના અર્થપરક વાક્યતંત્રીય મૉડલ અને ચાર્લ્સ ફિલમોરના કેસ ગ્રામરના મૉડલનો ઉપયોગ કર્યો છે. આમ, અહીં વ્યાકરણતત્ત્વને લગતાં વિવિધ અદ્યતન દૃષ્ટિબિંદુઓની ચર્ચા થઈ છે.
આ પ્રવાહોને પદવિન્યાસ પક્ષ, અર્થ પક્ષ અને કારક પક્ષ એવાં નામો આપી શકાય. (પૃ. ૪૭) ચોમ્સ્કી પદવિન્યાસ પક્ષ(જનરેટિવ સિન્ટેક્સ)ના અગ્રણી છે. એમના જ વિદ્યાર્થીઓ જ્યૉર્જ લેકૉફ, રોસ, મેકોલે, પૉલ પોસ્ટલ, વગેરે અર્થ પક્ષ(જનરેટિવ સિમેન્ટિક્સ)ના પુરસ્કર્તાઓ છે. આની સમાંતરે જ ચોમ્સ્કીના બીજા એક વિદ્યાર્થી ચાર્લ્સ ફિલમોરે The case for case નામના લેખમાં ૧૯૬૬માં પોતાનો કારક પક્ષ રજૂ કર્યો.
ચોમ્સ્કીનો પક્ષ ૧૯૫૭ પછી અસ્તિત્વમાં આવ્યો ૧૯૬૫માં The Aspects of Theory of syntax પુસ્તકમાં પોતાનો મત સુધારાવધારા સાથે રજૂ કર્યો હતો. બાકીના બે પક્ષ ૧૯૬૫ પછી અસ્તિત્વમાં આવ્યા.
પંડિત કહે છે કે, આ બધા પક્ષોમાં સામ્ય વધારે છે અને વૈષમ્ય ઓછું છે, એવું લાગે છે. બધાય માને છે કે વાક્યનો બાહ્ય આકાર વ્યાકરણતત્ત્વને પામવા માટે પૂરતો નથી. એ વાક્યની પાછળ શું રહેલું છે તે તપાસીએ તો જ વાક્યાવાક્ય નિર્ણય થઈ શકે. અર્થની અભિવ્યક્તિ કઈ રીતે થાય છે એ તપાસવું એ જ વ્યાકરણનો યક્ષપ્રશ્ન છે. માત્ર એ અર્થ કઈ ભૂમિકાએ અને કઈ રીતે પ્રવેશે છે તે વિશે ટેક્નિકના ભેદો છે. શબ્દને અર્થો છે એવો આગ્રહ તો આ બધા જ વ્યાકરણવિદોએ મૂકી દીધો છે. અર્થને શબ્દગત આકાર મળે છે. જુદી જુદી ભાષામાં એ અર્થ માટે એક શબ્દ હોય, વધારે શબ્દો હોય, એક પદ હોય, વધારે પદ હોય, એવી બધી શક્યતાઓ સમાવી લઈ શકાય એવાં રૂપાંતરણો નક્કી કરવાની પણ શોધ છે. અર્થ કેવી રીતે શબ્દને પામે છે એ વિશે વ્યાકરણતત્ત્વવિદોની આ ખોજમાં માનવની અભિવ્યક્તિમાં રસ લેનારા અનેક વિચારકોને ઉપયોગી સામગ્રી સાંપડી રહે. (પૃ. ૪૮)
A grammatical sketch of Gujaratiમાં પણ ગુજરાતી વ્યાકરણવિષયક તેમના વિચારો જોવા મળે છે. આ ચર્ચા મુખ્યત્વે વર્ણનાત્મક પરંપરામાં છે. ભારતીય ભાષાઓનાં વ્યાકરણની રૂપરેખા નિર્ધારિત કરવા અંગેની ભારત સરકારની એક યોજનાના એક અંશ તરીકે આ કામ કરવામાં આવ્યું હતું.
Phonemic and Morphemic Frequencies of Gujarati પણ ડેક્કન કૉલેજના એક પ્રૉજેક્ટનો ભાગ છે. આ પુસ્તકના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ૧૦,૦૦૦ જેટલા શબ્દો પર આધારિત ધ્વનિઘટકો અને રૂપઘટકોની આવૃત્તિ અહીં આપવામાં આવી છે. આ માટે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ અને તે માટે એ જમાનામાં ઉપલબ્ધ ટેક્નૉલૉજીની મદદ લેવામાં આવી હતી. આ મૂળે શૉર્ટહૅન્ડની એક સિસ્ટમ વિકસાવવા અંગેના ભારત સરકારના શિક્ષણવિભાગના એક પ્રૉજેક્ટનો હિસ્સો હતો. આના પરથી કહી શકાય કે ડૉ. પંડિતનું અકાળે અવસાન થયું ન હોત તો તેમણે કૉમ્પ્યૂટેશનલ ભાષાવિજ્ઞાનમાં પણ બહુ મહત્ત્વનું પ્રદાન કર્યું હોત. પંડિતે બનારસમાં પ્રાકૃત ભાષા પર હિન્દીમાં પ્રવચનો આપ્યાં હતાં. ડૉ. ઊર્મિ દેસાઈએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે.
જીવનનાં પાછલાં વર્ષોમાં તેઓ સમાજભાષાવિજ્ઞાનમાં વધારે પ્રવૃત્ત થયા હતા. ભારતમાં સમાજભાષાવિજ્ઞાનને પ્રચલિત કરવાનું શ્રેય તેમને જ જાય છે. ભારતમાં સમાજભાષાવિજ્ઞાનના તેઓ મુખ્ય પુરસ્કર્તા હતા. ભારતની ભાષાસમસ્યા, ત્રિભાષી ફૉર્મ્યુલા, દ્વિભાષિકતા કે બહુભાષિકતા, ભાષાધોવાણ, ભાષાનિયોજન જેવી બાબતો અંગે તેમણે ઊંડી વિચારણા કરીને કામ કર્યું હતું. તેઓ ભારતની ત્રિભાષા ફૉર્મ્યુલા અને તત્કાલીન ભાષાશિક્ષણની પદ્ધતિથી પણ અસંતુષ્ટ હતા.
આ ક્ષેત્રમાં તેમનાં લખાણો, સંપાદનો મુખ્યત્વે અંગ્રેજીમાં છે. Language in a plural society, India as a Socio-linguistic Area નામનાં પુસ્તકો ઉપરાંત Linguistics and Sociology નામનો એક લેખ તેમણે લખ્યો હતો તે Linguistics and neighboring sciences – ૧૯૭૪ (Bartch and Vennemann)માં છપાયો હતો. પંડિતના આ અંગેના વિચારોનો પ્રભાવ નવયુવાન ભાષાવિજ્ઞાનીઓ જ નહીં, સમાજશાસ્ત્રના અભ્યાસીઓ પર પણ પડ્યો હતો.
Language in a Plural Society (‘પચરંગી સમાજમાં ભાષા : ભારતનો દાખલો’ શીર્ષકથી ગુજરાતી ભાષામાં ડૉ. દયાશંકર જોશી દ્વારા અનૂદિત) એ બહુ મહત્ત્વનું પુસ્તક છે. ડૉ. પ્રબોધ પંડિતનાં જીવનભરનાં સંશોધન-અધ્યયન અને ક્ષેત્રકાર્યનો નિચોડ આ પુસ્તકમાં જોવા મળે છે. અહીં તેમના નિર્ભિક અને મૌલિક વિચારો વ્યક્ત થયા હતા. ભારતના એ વખતના અગ્રણી ભાષાવિજ્ઞાની તરીકેના તેમના મોભાને છાજે એવા આ વિચારો છે.
ભાષાકીય વિવિધતા ધરાવતા પચરંગી સમાજમાં એક કરતાં વધારે ભાષાઓ વચ્ચેના સંપર્કો ચાલુ જ રહેતા હોય છે. આવી પરિસ્થિતિમાં ભાષાનું કાર્ય (function) શું છે અને ભાષાસંપર્કની પરિસ્થિતિનાં ભાષાકીય પરિણામો શાં આવે છે તેની અહીં તપાસ કરવામાં આવી છે. પંડિતનું તારણ એવું છે કે, પશ્ચિમની ભાષાકીય પરિસ્થિતિ વિશેના સિદ્ધાંતો ભારતને લાગુ પાડી શકાય તેમ નથી. આથી ભારતીય પરિસ્થિતિને મૂલવવાના માનદંડો ભારતીય પરિસ્થિતિમાંથી ઉપજાવવાના રહે છે. (પૃ. ૪)
પંડિત કહે છે કે, ભાષાની બહુલતા અને વિવિધતા એ ભારતની ખાસ વિશિષ્ટતા છે. ભારત માટે આ કંઈ નવું લક્ષણ નથી. છેલ્લાં ત્રણેક હજાર વર્ષથી ભારતમાં તેનું અસ્તિત્વ છે. આ વિવિધતાની પાછળ આપણને એકતા જોવા મળે છે. (પૃ. ૧)
તેઓ એક વાત ભારપૂર્વક કહે છે કે, આ ભાષાકીય વિવિધતા પોતે તો કોયડારૂપ છે જ નહીં પરંતુ આપણે આ વિવિધતા સાથે કઈ રીતે પનારો પાડવા માગીએ છીએ એ કોયડો બને છે. (પૃ. ૨)
પંડિતનો સ્થાયી દ્વિભાષિકતા (stable bilingualism) અને પરિપૂરક વિતરણ (complementary distribution)ના વિચારો સમાજભાષાવિજ્ઞાનમાં તેમના મૌલિક પ્રદાનરૂપ છે.
તેઓ કહે છે કે, ભાષા કદીયે વાગ્વ્યવહારમાં આડખીલીરૂપ બનતી નથી. બહુભાષી સમાજના ભાષકોએ એવા રસ્તા શોધી કાઢ્યા જ હોય છે કે જેથી પોતાની ભાષા જાળવી પણ શકે અને બીજી ભાષાના ભાષકો સાથે વાગ્વ્યવહાર કરી શકે. તેઓ દ્વિભાષી કે બહુભાષી બની જતા હોય છે. (પૃ. ૨)
દ્વિભાષી સમાજમાં વિવિધ ભાષાના ઉપયોગની તરાહો (patterns) એકબીજીને પૂરક (complementary) હોય છે. સમાજની પ્રવૃત્તિનાં વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી ભાષાઓની વહેંચણી એક જાતનું શ્રમવિભાજન (division of labor) કહી શકાય. (પૃ. ૩)
પંડિતનું અન્ય એક નિરીક્ષણ મહત્ત્વનું છે કે ભાષકોમાં બોલચાલના સ્તરે જણાતું દ્વિભાષી સામર્થ્ય સમાજના સભ્યો વચ્ચેના મોઢામોઢના વાગ્વ્યવહાર પર આધાર રાખે છે. આ ભાષકોએ વિવિધ ભાષા પર જે સામર્થ્ય મેળવ્યું છે તે વિધિવત્ શિક્ષણ દ્વારા નહીં. (પૃ. ૭)
મુંબઈમાં ઘરમાં પોતાના ઘાટી કે બાઈ સાથે મરાઠી બોલતી અને છતાંય કદી મરાઠી નહીં શીખેલી ગુજરાતણના દાખલા ઘણાં સ્થાને જોવા મળશે.
દક્ષિણ ભારતમાં કે બંગાળમાં સ્થાયી થયેલા ગુજરાતી, મરાઠી, મારવાડી કે હિન્દી ભાષકો ત્યાંની સ્થાનિક ભાષા આસાનીથી બોલી શકતા હોય છે. આ આપણો અનુભવ છે. આવી દ્વિભાષી પરિસ્થિતિ અચલ અને સ્થાયી છે. બીજી-ત્રીજી પેઢીએ પણ સચવાયેલી છે. આ સ્થાયી દ્વિભાષીતા (stable bilingualism) એ ભારતમાં ઊંડે મૂળિયાં ધરાવતી બહુભાષીતાનું એક અગત્યનું તત્ત્વ છે.
પશ્ચિમના દેશોની અને ભારતની પરિસ્થિતિની તુલના કરતાં પંડિત કહે છે કે યુરોપ-અમેરિકામાં બીજી-ત્રીજી પેઢી સુધી આવતાં ભાષકો પોતાની માતૃભાષાનો ત્યાગ કરે છે, અને સ્થાનિક બહુમતીની ભાષા સ્વીકારી લે છે. (પૃ. ૭)
અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓની પણ એ જ હાલત છે. એ લોકો પોતાનાં બાળકો સાથે પણ અંગ્રેજીમાં જ વાગ્વ્યવહાર કરે છે. એ લોકો કે ત્યાંની સંસ્કૃતિ અજાણ્યા-આગંતુક લોકોનો અસ્વીકાર કરે છે. જ્યારે ભારતમાં સ્થિતિ આનાથી તદ્દન વિપરીત છે. આપણી સંસ્કૃતિ અજાણ્યા આગંતુકોની સ્વીકૃતિમાં માને છે. ભારતના ભાષા-અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, અહીં ભાષાની જાળવણી એ સામાન્ય ધોરણ (norm) છે અને ભાષાબદલી (language-shift) એ અપવાદ છે. ડૉ. પંડિતે ભાષા-નિભાવ અને language-shift અંગે એક સરસ નિરીક્ષણ વ્યક્ત કર્યું છે. ‘યુરોપ તથા અમેરિકામાં બીજી પેઢીના લોકો ડોમિનન્ટ ભાષાને અપનાવી લઈને પોતાની માતૃભાષા ત્યજી દેતા હોય છે. ત્યાં language-shiftનો જાણે કે ધારો જ પડી ગયો છે. પોતાની માતૃભાષા ત્યજવામાં તેમને કંઈ નવાઈ જેવું લાગતું નથી. ત્યાં ભાષા-નિભાવ – language maintenance એ અપવાદ છે. બહુ ઓછો બનતો બનાવ છે. જ્યારે ભારતમાં સ્થિતિ વિપરીત છે. ભારતીયો માટે ભાષા-નિભાવ ન થાય તો જ નવાઈ કે નોંધપાત્ર ઘટના ગણાય. પોતાની માતૃભાષાનો ત્યાગ પણ બહુ ઓછો તેઓ પસંદ કરતા હોય છે. તે એક અપવાદની બાબત છે. આથી અમેરિકન સમાજશાસ્ત્રીઓ પોતાની વાતનો આરંભ ભાષાઓનો નિભાવ શા માટે કરવો? એ પ્રશ્નથી કરે છે, જ્યારે ભારતીય સમાજશાસ્ત્રી લોકો પોતાની માતૃભાષાનો ત્યાગ શા માટે કરે છે એ જિજ્ઞાસાથી પોતાની વાત શરૂ કરે છે. (પંડિત, ૧૯૭૭, Language in a Plural Society, પૃ. ૭-૮)
પંડિતે આમ ભાષા-નિભાવ(language maintenance)નો એક સરસ સિદ્ધાંત આપ્યો છે. દરેક સિદ્ધાંતના અપવાદો હોય કે પ્રત્યુદાહરણો હોય છે એવું જ આ કિસ્સામાં પણ બન્યું છે. ઘણા કિસ્સામાં ભાષકોએ પોતાની માતૃભાષાનો ત્યાગ કરીને મુખ્ય પ્રાદેશિક ભાષા અપનાવી લીધી હોય એવું પણ બન્યું છે. દા.ત., મુંબઈમાં ખોજા સમાજના ઘણા ભાષકોએ પોતાની માતૃભાષા ગુજરાતી છોડીને હિન્દુસ્તાની અપનાવી લીધી છે.
પંડિતનું મહત્ત્વનું નિરીક્ષણ એ છે કે, બહુભાષી સમાજના ભાષકો પરિસ્થિતિના સંદર્ભ પ્રમાણે એક ભાષામાંથી બીજી ભાષામાં સરે છે. પણ એથી કોઈ એક વ્યાકરણિક નિયમોમાંથી બીજા તદ્દન જુદા જ વ્યાકરણિક નિયમોમાં સરતો નથી. હિન્દી, પંજાબી, મરાઠી – કન્નડ કે તમિળ, સૌરાષ્ટ્રી જેવી ભાષાના અભ્યાસોએ આ દર્શાવ્યું છે. (પૃ. ૧૨)
ભારતની ત્રિભાષી ફૉર્મ્યુલાથી ડૉ. પંડિત સંતુષ્ટ ન હતા. તેમના મતે સરકારી ભાષાનીતિએ ભાષાશિક્ષણમાં ત્રિભાષી ફૉર્મ્યુલા અપનાવી ત્યારથી ભાષાનો કોયડો વધારે ગૂંચવાયો છે. વિદ્યાર્થીના દૃષ્ટિબિંદુથી જો જોઈએ તો તેની પાસે બે શૈક્ષણિક વિકલ્પો રહે છે. કાં તો ત્રણ ભાષા શીખવી, કાં તો વિધિવત્ ભાષાશિક્ષણ વગર ચલાવવું. હાલના સમયે જોઈએ તો વિદ્યાર્થીનો કૉલેજના સ્તર સુધીનો ઘણોખરો સમય પ્રમાણભાન વગર, ભાષાના વિધિવત્ શિક્ષણ પાછળ ખર્ચાય છે. વળી, આ ભાષાઓ એના રોજ-બ-રોજના ઉપયોગના એકેય ક્ષેત્રમાં એની કાર્યકારી ઉપયોગિતા (functional utility) વધારે એવા દૃષ્ટિબિંદુથી શીખવાની નથી. પરિણામે માતૃભાષાના માધ્યમવાળી શાળામાં ભાષાઓનું ભાષાસામર્થ્ય નોંધપાત્ર રીતે ઓછું જોવા મળે છે. (પૃ. ૪૧)
આજે આપણા વિદ્યાર્થીઓમાં અંગ્રેજી–હિન્દી ભાષાનું પર્યાપ્ત પ્રભુત્વ જોવા નથી મળતું તેનું નિદાન અહીં જોવા મળે છે.
માતૃભાષાશિક્ષણ વિશે ડૉ. પંડિત કહે છે કે, શિક્ષણમાં માતૃભાષાનું સ્થાન પણ વિશિષ્ટ છે. નવા નવા સંદર્ભોમાં માતૃભાષાનો ઉપયોગ વધતો જાય તેમ તેમ તેનો વિકાસ થતો જાય. માતૃભાષામાં (એટલે કે દરેક દેશી ભાષામાં) પારિભાષિક સંજ્ઞાઓનો અભાવ છે. એવું કારણ આપીને નવા ક્ષેત્રમાં તેના પ્રવેશ માટે વિલંબ ન કરવો જોઈએ અને આ દૃષ્ટિથી જ માતૃભાષાના શિક્ષણનું આયોજન થવું ઘટે. (પૃ. ૪૨)
ડૉ. પંડિતે ૧૯૭૪માં ગુજરાતી સાહિત્ય પરિષદના વિભાગીય પ્રમુખ તરીકે ‘પહેલી ભાષા, બીજી ભાષા અને…?’ શીર્ષકથી એક વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં તેમણે ભારતની તત્કાલીન ભાષાકીય પરિસ્થિતિમાં અંગ્રેજી અને હિન્દીમાં સ્થાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ગુજરાતીમાં તેમનું એક મહત્ત્વનું પ્રદાન તે બોલીવિજ્ઞાનના ક્ષેત્રે છે. પૅરિસમાં જ્યૂલ બ્લોક જેવા વિદ્વાન પાસે બોલીવિજ્ઞાનની જાણકારી મેળવ્યા બાદ, તેમાં તેમણે પ્રગતિ કરી હતી. તેમણે ચરોતરી બોલીનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન કર્યું હતું જે ‘ચરોતર સર્વસંગ્રહ’(૧૯૫૪)માં પ્રકાશિત થયું હતું. આ ઉપરાંત, તેમણે ગુજરાતની સરહદી બોલીઓનું સર્વેક્ષણ linguistic survey of borderlands of Gujarat નામના પ્રૉજેક્ટમાં કર્યું હતું. જેનો અહેવાલ ગુજરાત રિસર્ચ સોસાયટીના જર્નલ(૧૯૫૨)માં પ્રકાશિત થયો હતો. પંડિતના વિદ્યાર્થીઓ ડૉ. યોગેન્દ્ર વ્યાસ, શાંતિભાઈ આચાર્ય વગેરેએ બોલીવિજ્ઞાનના ક્ષેત્રની કામગીરી આગળ ધપાવી છે.
Murray B. Emeneau અને Charles Fergusson જેવા અગ્રણી ભાષાવિજ્ઞાનીઓ દ્વારા સંપાદિત ગ્રંથ Linguistics in South Asiaમાં ગુજરાતી ભાષામાં ભાષાવિચારણા અંગેનો એક લેખ પંડિતે લખ્યો છે. તેમણે તેમાં ગુજરાતીમાં ભાષાવિજ્ઞાનવિષયક વિચારણાની આછી રૂપરેખા આપી છે. તેમણે આ નિમિત્તે અનેક મહત્ત્વનાં નિરીક્ષણો-વિધાનો પણ વ્યક્ત કર્યાં છે. ગુજરાતીમાં ભાષાવિષયક વિચારણાની તત્કાલીન સ્થિતિ અંગેનું તેમનું વિધાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે :
The study of linguistics is in the doldrums in Gujarat, the comparative – historical tradition never settled down in the scholarly circles of Gujarat. The present historical and liberal humanistic literary elite could hardly encourage a descriptive tradition. (પૃ. ૧૧૮)
પંડિત વ્યવસાયે અને સ્વભાવે પણ શિક્ષક હોવાથી આ નવું જ્ઞાન કે નવા વિચારો ભારતના અભ્યાસીઓ સુધી પહોંચે તથા ભાષાવિજ્ઞાનની પાયાની સૂઝ અધ્યાપકોમાં કેળવાય એવી તેમની ઇચ્છા રહેતી હતી. આ માટે તેમણે અને તેમના સાથીઓએ પરદેશમાં પ્રચલિત સમર સ્કૂલ(ગ્રીષ્મ પાઠ્યક્રમ)નો વિચાર ભારતમાં અમલમાં મૂક્યો. ભારતમાં વિવિધ સ્થળોએ ઉનાળાના વૅકેશનમાં તેઓ ભાષાવિજ્ઞાનની એક મહિનાની સમર સ્કૂલો યોજતા હતા. આવી સમર સ્કૂલોમાં પંડિત અને બીજા કેટલાક અગ્રણી ભાષાવિજ્ઞાનીઓ દેશભરના અધ્યાપકોને ભાષાવિજ્ઞાનનું પાયાનું જ્ઞાન આપતા તેમ જ વિષયના નૂતન પ્રવાહોની પણ ચર્ચા કરતા હતા. આ સમર સ્કૂલોની પરંપરા પંડિતના અવસાન પછી પણ ઘણાં વર્ષો સુધી ચાલુ રહી હતી. આ સમર સ્કૂલોના કારણે દેશના વિવિધ ભાગોના અભ્યાસીઓ પંડિતના વિદ્યાર્થી બન્યા હતા. આજે આ સરસ પરંપરા લુપ્તપ્રાય છે.
આગળ કહ્યું તેમ પંડિત પરિભાષા કે ટેક્નિકલ શબ્દાવલિના ખાસ ઉપયોગ વિના જ ભાષાવિજ્ઞાન ભણાવી શકતા હતા. ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ કે ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ કે ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ જેવાં પુસ્તકો આનાં ઉદાહરણરૂપ છે. ડૉ. ઊર્મિ દેસાઈ કહે છે કે તેઓ જે તે અભિગમની શાસ્ત્રીય પરિભાષા(technical jargon)ની કડાકૂટમાં પડવાનો પ્રયત્ન કર્યા વિના રસાળતાથી રજૂ કરે છે. નૂતન અભિગમનું અને તેના પ્રણેતાનું પણ નામ દીધા વગર એનો પરિચય તેમણે કરાવ્યો છે. (દેસાઈ, ૨૦૦૩)
પશ્ચિમના નવા સિદ્ધાંતો કે થિયરીઓ ગુજરાતી ભાષામાં અને એ પણ એ ભાષાના અલ્પ જાણકારો કે અનભિજ્ઞો સમક્ષ રજૂ કરતી વખતે પારિભાષિક સંજ્ઞાઓ, જે તે થિયરી અને તેના પ્રણેતાનો નામનિર્દેશ ટાળવા પાછળનો પંડિતનો તર્ક સમજી શકાય છે. પણ આવા તર્કની ઉપયોગિતા મર્યાદિત ગણી શકાય. ભાષાવિજ્ઞાન એક એવો વિષય છે કે, તેના પૂરતા જ્ઞાન માટે તે અંગેનાં લખાણો અંગ્રેજીમાં વાંચવાં જરૂરી છે. ગુજરાતીમાં આવો વિષય સમજાવતી વખતે જે તે પારિભાષિક સંજ્ઞાઓ, થિયરીના મુખ્ય પુરસ્કર્તાઓનાં નામો વગેરેનો અંગ્રેજીમાં યોગ્ય રીતે (દાખલા તરીકે કૌંસમાં) ઉલ્લેખ થાય તો વાચકને ખબર પડે કે પશ્ચિમની કઈ થિયરીની વાત થઈ રહી છે. દા.ત., પંડિતે ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમોના ત્રીજા વ્યાખ્યાનમાં ચોમ્સ્કીની competence – performance, innateness, linguistic universal વગેરે સંજ્ઞાઓ-વિભાવનાઓની ચર્ચા અંગ્રેજી નામોલ્લેખ વિના કરી છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર’માં પણ ચોમ્સ્કી, ચાર્લ્સ ફિલમોરના case grammar, ચોમ્સ્કી અને એમના વિદ્યાર્થીઓ વચ્ચેનો વિવાદ, The aspect of the theory of syntax, પુસ્તક બાદ વ્યાકરણમાં અર્થવિજ્ઞાનની ભૂમિકા અંગેના એકદમ અદ્યતન વિવાદોનો ઉલ્લેખ છે પણ તેનો નામ-નિર્દેશ સાવ અછડતો હોવાથી વાચકને ખ્યાલ આવશે નહીં કે તેને કેટલી અદ્યતન માહિતી મળી રહી છે. વળી અંગ્રેજી પારિભાષિક સંજ્ઞાઓના ગુજરાતી પર્યાયો નક્કી કરવાથી તેમ જ આવા વૈજ્ઞાનિક વિષયનું ગુજરાતી ભાષામાં નિરૂપણ કરવાથી ગુજરાતી ભાષાની શાસ્ત્રભાષા(metalanguage)નો પણ વિકાસ થાય છે. ભાષા વિશેની વાત ભાષામાં રહીને જ કરવી પડે એ એક અલગ અનુભવ છે. અંગ્રેજી પર્યાયો, નામનિર્દેશ વગેરેના કારણે જિજ્ઞાસુને અંગ્રેજીમાં વધુ વાચનમાં મદદ મળી રહે છે.
ગુજરાતીમાં શાસ્ત્રભાષા અથવા તો અધિભાષા(metalanguage)નો મુદ્દો ભાષાવિજ્ઞાન, સાહિત્યવિવેચન વગેરેમાં અનેક વાર ચર્ચાયો છે. ભાષાવિજ્ઞાનમાં પ્રબોધ પંડિત, હરિવલ્લભ ભાયાણી, ભારતી મોદી, ઊર્મિ દેસાઈ, યોગેન્દ્ર વ્યાસ, વગેરેએ પોતપોતાની રીતે અને પોતાના લક્ષ્ય વાચકને ધ્યાનમાં રાખીને તેનાં સમાધાન શોધ્યાં છે.
****
(આ લેખના પ્રેરક કિરીટ દૂધાત છે. બાબુ સુથાર અને હેમન્ત દવેએ આ લેખ વાંચી જઈને પોતાના પરામર્શનનો લાભ મને આપ્યો છે. હેમન્તે તો આ લખાણમાંના પુનરાવર્તનદોષો નિવારવામાં પણ મને મદદ કરી છે. આ સહુ વિદ્વાનોનો આભાર.)
કેટલીક પૂરક માહિતી-નોંધો :
૧. ડૉ. ઊર્મિ દેસાઈએ તેમનાં પુસ્તકો ‘ભાષાશાસ્ત્રની કેડીએ’ તથા ‘ભાષાનુષંગ’માં પંડિતનાં પુસ્તકોના વિસ્તૃત અવલોકન ઉપરાંત પંડિતના ભાષાવિજ્ઞાનમાં પ્રદાનની વિગતે ચર્ચા કરી છે. આ બધા લેખોને ભેગા કરીને ગોઠવવામાં આવે તો પંડિત પર એક નાની પુસ્તિકા તૈયાર થઈ શકે તેમ છે. ઊર્મિબહેને ડૉ. પંડિતના બે મહત્ત્વના લેખોના ગુજરાતી અનુવાદ પણ કર્યા છે. પંડિતના પ્રત્યક્ષ વિદ્યાર્થી ડૉ. શાંતિભાઈ આચાર્યે ‘પ્રબોધ પંડિત’ નામનું એક ખૂબ મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. તેમાં ડૉ. પંડિતનાં જીવન અને કાર્યની વિગતે ચર્ચા કરાઈ છે. એમાં આપેલી પંડિતની સંપૂર્ણ ગ્રંથસૂચિ પણ નમૂનારૂપ છે.
૨. પંડિતનું આ જન્મશતાબ્દી વર્ષ છે તો આ નિમિત્તે તેમને વિદ્યાંજલિ અર્પતાં અનેક કામો થઈ શકે. તેમની ઉપર એક સ્વાધ્યાયગ્રંથ, પરિસંવાદ ઉપરાંત તેમનાં ઉપલબ્ધ પુસ્તકો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બને તેવા પ્રયાસો પણ કરવા જોઈએ. પંડિતના ભાષાવિજ્ઞાનક્ષેત્રે પ્રદાનના અનેક મુદ્દાઓ જેમ કે સમાજભાષાવિજ્ઞાન, તેમની ગુજરાતી ફોનોલૉજી અંગેની વિચારણા, તેમની વ્યાકરણ અંગેની વિચારણા વિશે એકથી વધુ વિદ્યાર્થીઓ પાસે પીએચ.ડી. પણ કરાવી શકાય તેમ છે. પંડિતે વિવિધ વિદ્વાનો વગેરેને લખેલા પત્રો ખંતપૂર્વક શોધીને તેમને પુસ્તકાકારે છપાવી શકાય. આવા પત્રોમાં પંડિતના વ્યક્તિત્વ પર ઘણો પ્રકાશ પડી શકે છે.
૩. ચોમ્સ્કી અને તેમના વિદ્યાર્થીઓ-સાથીઓ વચ્ચેનો વ્યાકરણમાં અર્થની ભૂમિકા અંગેનો શાસ્ત્રાર્થ થોડો ઉગ્ર અને થોડો કડવાશભર્યો પણ બની ગયો હતો. Randy Allen Harrisના પુસ્તક The Linguistics Wars-Chomsky, Lakoff, and the Battle over Deep Structure-Oxford University, ૧૯૯૩માં રસપ્રદ ચિતાર અપાયો છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ પુસ્તકમાં ચોમ્સ્કીના ભાષાવિચારની જે ચર્ચા થઈ છે તેની પ્રમાણમાં સરળ અને ઓછામાં ઓછી ટેક્નિકલ ચર્ચા માટે જુઓ – Bent Jakobsonનું પુસ્તક Transformational Generative Grammar, North Holland, ૧૯૭૭. ગુજરાતી ભાષામાં ચોમ્સ્કીના ભાષાવિચારની ચર્ચા માટે જુઓ : ડૉ. ભારતી મોદીનું પુસ્તક ‘પશ્ચિમમાં વ્યાકરણમીમાંસા : ચોમ્સ્કીયન યુગ’, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૨૦૨૨.
૪. ડૉ. પંડિત સંરચનાત્મક ભાષાવિજ્ઞાનની સાથે સંકેતવિજ્ઞાનના પણ અભ્યાસી હતા. જાણીતા નિબંધકાર–વિવેચક દિગીશ મહેતાને તેમણે ‘સંસ્કૃતિ’ સામયિક માટે આપેલી મુલાકાત ‘સંજ્ઞા, અર્થ અને કવિતા’માં ભાષા અને સાહિત્ય વચ્ચેના સંબંધની ચર્ચા કરતી વખતે તેમણે સંકેતવિજ્ઞાન અને વિખ્યાત અમેરિકન સંકેતવિજ્ઞાની ચાર્લ્સ મોરિસનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય સાહિત્યમાં એમણે ખાસ રસ લીધો હોય એવું જણાતું નથી. દિગીશ મહેતાની આ મુલાકાતથી હું સંતુષ્ટ નથી. ડૉ. પંડિત જેવા વિદ્વાન પાસેથી આટલા જ મુલાકાતી સમયમાં ઘણું મેળવી શકાયું હોત એમ લાગે છે. આ મુલાકાત પછીથી દિગીશ મહેતાના પુસ્તક ‘પરિધિ’માં પ્રકાશિત થઈ છે.
૫. પટિયાલાની પંજાબી યુનિવર્સિટીમાં પ્રૉ. એચ.એસ. ગિલ અને તેમના સાથીઓએ structural semantics અંગેનો એક અલગ વિભાગ સ્થાપ્યો હતો તેમાં ડૉ. પંડિતે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
૬. ડૉ. પંડિતના પરિવારમાં તેમનાં અર્થશાસ્ત્રી પત્ની ધૈર્યબાળા ઉર્ફે ધીરુબહેન, બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થતો હોવાનું ડૉ. અશોક કેળકરે તેમની શ્રદ્ધાંજલિમાં નોંધ્યું છે. (જુઓ : કેળકર, ૧૯૭૬)
સંદર્ભગ્રંથો :
આચાર્ય, શાંતિભાઈ, પ્રબોધ પંડિત, કુમકુમ પ્રકાશન, અમદાવાદ
દેસાઈ, ઊર્મિ ઘનશ્યામ, ભાષાશાસ્ત્રની કેડીએ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૧
દેસાઈ, ઊર્મિ ઘનશ્યામ, ભાષાનુષંગ, પ્રકાશક પોતે, મુંબઈ, ૨૦૦૩
પંડિત, પ્રબોધ, ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૬, ૧૯૭૪, ૨૦૧૫
પંડિત, પ્રબોધ, ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૩, ૧૯૮૨, ૧૯૯૮
પંડિત, પ્રબોધ, વ્યાકરણ : અર્થ અને આકાર, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૮, ૧૯૯૫
પંડિત, પ્રબોધ, પચરંગી સમાજમાં ભાષા : ભારતનો દાખલો, અનુવાદ : ડૉ. દયાશંકર જોશી, સેન્ટર ફૉર સોશિયલ સ્ટડી, સુરત, ૧૯૮૩
મહેતા, દિગીશ, પરિધિ, આર. આર. શેઠ, અમદાવાદ, ૧૯૭૬
Emeneau, M. B. and Fergusson, Charles. Linguistics in South Asia, Current Trends in Linguistics, vol. ૫, Mouton, ૧૯૬૯
Kelkar, Ashok, Prabodh Pandit, Indian Linguistics ૩૭, ૧૯૭૬
Pandit, Prabodh, A Grammatical sketch of the Gujarati language. Calcuttaઃ Registrar General, Government of India, ૧૯૭૬
Pandit, Prabodh, India as a sociolinguistic area, (Gune memorial lectures), Poonaઃ University of Poona, ૧૯૬૮
Pandit, Prabodh, Language in a plural society, (Devraj Channa Memorial lectures, ૧૯૭૫, read posthumously on his behalf by Prof. H.S. Gill and Rajani Kothari on March ૨ and ૩, ૧૯૭૬) Delhi University, ૧૯૭૫
Uberoi, Patricia and JPS, Towards a New Sociolinguisticsઃ A Memoir of P B Pandit, Economic and Political Weekly, Vol. ૧૧, No. ૧૭ (Apr. ૨૪, ૧૯૭૬)
વાઇટલ રિલેશન્સ, 302- બેન્કર હાઉસિંગ સોસાયટી, ત્રીજે માળ, સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, અમદાવાદ – 380 014
પ્રગટ : “એતદ્દ” • 236 • ઑક્ટોબર – ડિસેમ્બર 2022; પૃ. 67-79