ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ ઊજવી રહી છે, ત્યારે તેને અભિનંદન આપીએ ને કહીએ કે આ સપ્તાહ દરમિયાન જ અંક્લેશ્વરથી 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયું તો તેનો પણ વિકાસમાં સમાવેશ કરે. તાજેતરમાં જ પોલીસને રિકવરીમાં રસ કેમ છે એ સંદર્ભે પોલીસને કરેલી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની આ ટકોર- ડ્રગ્સ આટલું બધું મળે છે, આટલો દારૂ વેચાય છે, આટલો જુગાર રમાય છે, તો આ બધું અટકાવોને ! તેમાં તો તમે સહેજ પણ સાવધાન નથી. આ બધું કયા સ્ટેજ પર લઈ જવું છે? – ગુજરાત સરકારની નજર બહાર નહીં જ હોય. ડ્રગ્સમાં થયેલ વિકાસનું સપ્તાહ ભવિષ્યમાં ગુજરાત ઊજવે તો નવાઈ નહીં ! ગુજરાતના ગૃહમંત્રી 1,600 કિલોમીટરના દરિયા કિનારેથી પોલીસ ડ્રગ્સ પકડે છે તો પોરસાય છે કે આટલું ડ્રગ્સ પકડાયું ને તેટલું ડ્રગ્સ પકડાયું, પણ હવે ગૃહ મંત્રીશ્રી શું કહેશે જ્યાં ડ્રગ્સ ગુજરાતમાં જ બનતું થયું છે કે પ્રોસેસ થાય છે? બીજા કોઈ પીઠ થાબડે કે ન થાબડે, તેમણે તો પોતાની પીઠ ડ્રગ્સને મામલે ઠોકી જ લેવી જોઈએ.
ગુજરાતમાં હાલની સરકારનાં શાસનને ત્રેવીસ વર્ષ થયાં, પણ છેલ્લાં પાંચ વર્ષમાં જ ગુજરાતમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 કિલો પ્રવાહી ડ્રગ્સ, 73,163 પિલ્સ-ઇન્જેક્શન્સ પકડાયાં છે એનું ગૌરવ પણ સરકાર લઈ શકે, કારણ પોલીસની સક્રિયતા વગર એ શક્ય નથી. ગુજરાતમાં પોલીસ તંત્ર સક્રિય છે એની ના જ નથી, પણ ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે ને ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે એની ચિંતા પણ થવી ઘટે. દરિયા કિનારે ડ્રગ્સ ઠલવાવાનો ગુજરાતનો ઇતિહાસ જ નથી, એ ઇતિહાસ રચાઇ રહ્યો છે એટલું જ નહીં, તેનાં ઉત્પાદનનો યશ પણ ગુજરાતને મળી રહ્યો છે ત્યારે તે અંગે કોઈ કાર્યવાહી કરવાની રહે છે કે કેમ તે પ્રશ્ન જ છે. વળી આ તો જાહેર કારોબારની વાત થઈ, પણ પાછલે બારણે જે ધંધા ચાલતા હશે એનો તો કોઈ હિસાબ જ નથી. એ જે હાનિ ગુજરાતનાં યુવાધનને પહોંચાડી રહ્યાં છે તેનો પણ ક્યાં કોઈ હિસાબ છે? એ અંગે કોઇની જવાબદારી બને છે કે કેમ તેની પણ કોઈ સ્પષ્ટતા નથી. બને કે કાલે કોઈ, બાળકો, યુવાનોને ડ્રગ્સની બદીમાં ધકેલવાની વાતને પણ વિકાસમાં જ ખપાવે.
આમાં પોલીસ તંત્રનો પણ કેટલો વાંક કાઢીશું જ્યાં પૂરતી સંખ્યામાં પોલીસ જ ન હોય? લાખ લોકો પર 196 પોલીસની જરૂર હોય, ત્યાં 117 જવાનથી જ સરકાર કામ કાઢતી હોય તેને શું કહીશું? તમામ ક્ષેત્રોમાં સરકાર કરકસરથી કામ કરે તો કસર રહી જ જાય એ શક્ય છે ને. ખરેખર તો આ કરકસર પણ નથી, કંજૂસી છે. આ કંજૂસી સરકારને ભારે ન પડે તો સારું. સરકાર લોકો વગર કામ લેતી થાય, તો લોકો પણ સરકાર વગર કામ લે એમ બને.
આજકાલ તો દવાને નામે કેમિકલ મેળવીને યુવાપેઢીને બરબાદ કરતું ડ્રગ્સ બની રહ્યું છે ને તેનાં પર કોઈ નિયંત્રણ પણ નથી. વીતેલા મહિનાઓમાં પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ બનાવતી ફેક્ટરીઓ પણ ઝડપાઇ છે. રાજકોટના કાલાવડ રોડ પર આતંક મચાવનાર એક સાધુના આશ્રમ પર બુલડોઝર ફેરવી દેવાતાં આશ્રમમાં ગાંજાનું વાવેતર થતું હોવાનું પણ બહાર આવ્યું છે. સુરતના પલસાણામાંથી દવાને નામે મેફેડ્રોન બનાવતી ફેક્ટરી 51 કરોડનાં ડ્રગ્સ સાથે ઝડપાઇ છે. સાણંદ પાસે પણ હજારો કિલો ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. અમદાવાદના ચાંગોદર, અંકલેશ્વર, સૌરાષ્ટ્રમાંથી નશાની ટેબ્લેટ્સ બનાવતી કહેવાતી ફાર્મા કંપનીઓ ઝડપાઈ છે. ગુજરાતમાં ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ચાલી નીકળ્યો હોય એવું વાતાવરણ છે. ગુજરાત એ.ટી.એસ., એન.સી.બી. સહિતની એજન્સીઓએ અડધો ડઝનથી વધુ યુનિટ્સ પર દરોડા પાડી 8,000 કરોડનું ડ્રગ્સ પકડયું છે. એક તરફ જીવન રક્ષક દવાઓને નામે જીવન ભક્ષક નશીલું ડ્રગ્સ બને છે, તો બીજી તરફ પૈસાની લાલચમાં નાની નાની ફાર્મા કંપનીઓ વિદેશી તત્ત્વોના હાથા બની રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ વેપલામાં માત્ર ગુજરાત જ નથી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પણ જોડાયેલું છે.
કસ્ટમ્સ વિભાગે જુલાઈમાં મુંદ્રા એરપોર્ટ પરથી 110 કરોડની 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ સાથેનું પશ્ચિમ આફ્રિકા મોકલવાનું કન્ટેનર પકડ્યું હતું. ઓક્ટોબરમાં વલસાડના ઉમરગામ અને દહેરી પર દરોડા પાડી 25 કરોડનું 17 લિટર લિક્વિડ મેફેડ્રોનનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી હતી. ઓક્ટોબરમાં જ દિલ્હી પોલીસે 7,000 કરોડનું કોકેઇન પકડ્યું ને તેમાનું 5,000 કરોડનું 518 કિલો કોકેન અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં બન્યું હોવાનું ખૂલ્યું છે. આ બધું રાતોરાત નથી થયું. ગુજરાતનાં જ નગરોમાં ડ્રગ્સ બનાવવાની હિંમત વધે એવું વાતાવરણ ઊભું ન થયું હોત તો આ શક્ય ન હતું. આ મોકળાશ તંત્રોની આંખ આડા કાન કરવાની વૃત્તિને આભારી છે, એવું નહીં?
ટૂંકમાં, જોબવર્કનાં નામે નશાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, તે વધુ ઘાતક છે, તે એ રીતે કે દરિયા કિનારે ઠલવાતું ડ્રગ્સ તો તૈયાર હોય છે, જ્યારે ગુજરાતમાં તો એનાં ઉત્પાદનની ઠેર ઠેર ફેક્ટરીઓ ચાલે છે. ડ્રગ્સનો આ વેપલો બહુ જૂનો નથી, પણ તે જે રીતે આખા રાજ્યમાં વ્યાપી વળ્યો છે તે અનેક રીતે ચિંતા ઉપજાવનારો ને જોખમી છે. થોડા પૈસાની લાલચમાં ડ્રગ્સની ફેક્ટરી ચલાવનારાઓ રાજ્યના યુવા વર્ગ માટે જે જોખમ ઊભું કરી રહ્યાં છે તે શરમજનક છે ને તેને કોઈ પણ રીતે તંત્રોએ રોકવું જ રહ્યું.
અંકલેશ્વર આવકાર ફાર્મા કંપની 2016માં જ શરૂ થઈ છે. અહીંનું કોકેઇન દિલ્હી પહોંચ્યું હતું. કંપનીનો એરિયા ઘણો મોટો છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે તેમાં કામ કરનારો સ્ટાફ દસનો પણ નથી. એનું ટર્ન ઓવર પણ ખાસ નથી. આ સ્થિતિમાં વધુ કમાણીની લાલચે કંપની ડ્રગ્સમાં સંડોવાઈ હોય એમ બને. કંપનીએ કરારમાં પ્રોડક્ટ બનાવવામાં વપરાતાં કેમિકલ્સ ક્લોરોફોર્મ, બ્રોમાઇન, એસિટોન, હાઇડ્રોકલોરિક એસિડ અને એક્ટિવેટેડ કાર્બનનાં નામ આપ્યાં, પણ સાતમાંથી બેનાં નામ કોડવર્ડમાં રાખ્યાં. આ કોડવર્ડને કારણે આખું રેકેટ ગુપ્ત રીતે ચાલતું હતું જેથી કયો પદાર્થ બને છે એનો ખ્યાલ ન આવે. એમ લાગે છે કે ડ્રગ માફિયાઓ કોડવર્ડમાં કંપનીઓને ઓર્ડર આપીને ડ્રગ્સ બનાવડાવતાં હોય ને કંપની અંધારામાં રહેતી હોય એ અશક્ય નથી.
વાત એવી છે કે અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીને ડ્રગ માફિયાઓએ દક્ષિણ અમેરિકાથી 1,300 કિલોથી વધુ ડ્રગ્સ પૂણેની બોગસ કંપની મારફતે પ્રોસેસિંગ માટે મોકલ્યું. કંપની તરફથી 700 કિલોથી વધુ ડ્રગ્સ તો પ્રોસેસ કરીને દિલ્હી મોકલી દેવાયું, પણ બાકીનું 518 કિલો ડ્રગ્સ પ્રોસેસ થતું હતું ત્યાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દરોડો પાડ્યો. 5 આરોપીઓને અંક્લેશ્વરથી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે દિલ્હી લઈ જવાયા ને રિમાન્ડ પૂરાં થતાં તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરાયા ને વળી ચાર દિવસના રિમાન્ડ મેળવાયા. કંપનીના જે ભાગમાંથી કોકેઇન અને મેથનો જથ્થો મળ્યો, એ ભાગ પોલીસે સીલ કરી દીધો છે. સાચું તો એ છે કે અંકલેશ્વરમાં જ ડ્રગ્સ પ્રોસેસ કરીને દિલ્હી મોકલાતું હતું ને ત્યાંથી દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડાતું હતું. એના પરથી સમજી શકાય એવું છે કે દેશમાં ડ્રગ્સના વ્યવસ્થિત ફેલાવાનું કેવું કાવતરું રચાયું હશે. અફસોસ એ વાતનો છે કે આ બધાંમાં ગાંધીનું ગુજરાત નિમિત્ત બન્યું છે. દારૂબંધી નામની છે ને કોઈ પણ બ્રાન્ડનો દારૂ મેળવવાનું મુશ્કેલ નથી, એવી સ્થિતિમાં ગુજરાત ડ્રગ્સમાં પણ સંડોવાય એ કોઈ રીતે ઈચ્છવા જેવું નથી.
એ અત્યંત દુ:ખદ છે કે પંજાબ પછી ડ્રગ્સને મામલે હવે ગુજરાત વગોવાઈ રહ્યું છે. શિક્ષણ, ડ્રગ્સ, બળાત્કાર, હત્યા, આત્મહત્યા એમ અનેક ક્ષેત્રે થઈ રહેલો વિનિપાત સરકાર નજર અંદાજ કરે ને આપવડાઈમાંથી બહાર ન આવે એ સ્થિતિ દૂર થાય તેવી પ્રાર્થના કરીએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑક્ટોબર 2024