પહોંચી ગાંધીએ ગોળમેજીમાં,
પૂર્વ લંડન ઉતારો રાખ્યો
નરી ગરીબીનો સ્વાદ ચાખ્યો
જોઈને ગાંધીજીનો રસાલો
સિગાર ને ફૂલ વેચનારા
હસીને ફરકાવતા રૂમાલો
જઈ પહોંચ્યા એ લેંકેશાયર
મજૂર પૂછે, 'તમે અમારી
કાં છીનવી લીધી રોજગારી?'
'અમારો પ્યારા, ન વાંક કાઢો
તમારે પેટે હશે તસુભર
અમારે પેટે તો વેંત ખાડો!'
મજૂર ગાંધીની પાસે આવ્યા
ઉપાડી લઈ એમને ખભા પર
હિપીપ હુર્રે કહી વધાવ્યા
સવારે રમતા શિશુઓ સાથે:
નિયોમિ, બર્નાર્ડ, જ્હોન, એલિસ
વિલી, કસાન્ડ્રા, મિશેલ, મોરિસ
વિચારે ભુલકાં કે ગાંધીજીનો
જનમદિવસ છે, તો શું કરીશું?
હા પાર્ટી રાખીશું, નોતરીશું!
'ચલોને ગાઈએ રામધૂન …
ને ફંડફાળા કરીકરીને
અપાવીએ એને પાટલૂન!'
'હું એમને ગાંધીકાકા કહું છું'
'હું એમના ઘરની સામે રહું છું'
'બજાવીએ ચાલો બેંડવાજાં'
પછીથી આ ભેટો મોકલાઈ –
તૂટેલા ક્રેયોન, મીણબત્તી,
બે ઊની કૂતરાં અને મીઠાઈ
બધું જ તો લઈ ગયેલા સાથે
… તમે કહો છો કે ગોળમેજીથી
ગાંધી આવેલા ખાલી હાથે?
e.mail : udayanthakker@hotmail.com