આ એક લાંબો લેખ છે, પણ લેખક જે રીતે SDGનો ગાંધીના સિદ્ધાંતો અને કાર્ય સાથે અનુબંધ બતાવે છે એ નોંધનીય લાગ્યો એટલે અનુવાદ કર્યો. આ ફાધરે વળતા ઈમેલથી મંજૂરી આપી દીધી! મારો હેતુ એ છે કે ગાંધી વિચારના બીજ દુનિયામાં કેવા કેવા ખૂણામાં તેમના નિર્વાણ પછી આટલા બધા વર્ષે પણ કેવા લોકોના દિલો-દિમાગમાં ફૂટી નીકળે છે અને તેઓ ગાંધીના જીવન/કાર્યને કેવી બખૂબીથી ઓળખી શકે છે એ જાણવું ગમે તેવું છે. ક્યાં 21મી સદીમાં કામરૂન દેશનો એક પાદરી અને ક્યાં પોરબંદરમાં 19મી સદીમાં જન્મેલ મોહન? એતો ગાંધીને ‘પ્રોફેટ’ જ કહે છે.
— આશા બૂચ
mkgandhi.org સામયિકમાં ફાધર રેવરન્ડ જ્યુડ થાડેસ લાંગેહ દ્વારા ‘ગાંધી અને સમાજ : પુષ્ટિકારક વિકાસ તરફ એકીસાથે ચાલવું’ શીર્ષક હેઠળના લેખમાં ગાંધીજીના સર્વોદયના સિદ્ધાંતોને મૂર્તિમંત કરવા રચનાત્મક કાર્યક્રમની આપેલી રૂપરેખા અને તેનો યુ.એન. દ્વારા ઘડી કઢાયેલા ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ’ સાથેનો અનુબંધ વિગતવાર ચિત્રિત કરવામાં આવ્યો છે. તેમાં ચંચુપાત કરીએ તે પહેલા લેખકને પહેચાનીએ.
ફાધર રેવરન્ડ જ્યુડ થાડેસ લાંગેહ રોમન કેથલિક ધર્મના પાદરી કલેરેશિયન મિશનરીઝ – કેમરૂનમાં મેજર સુપિરિયરના હોદ્દા પર કાર્યરત છે. 2001ની સાલમાં ગાંધીજીની આત્મકથા વાંચ્યા બાદ તેઓને ગાંધીજીના જીવન-કાર્યમાં રસ પડ્યો અને ત્યારથી તેઓ ગાંધીજીના પ્રખર અનુયાયી અને સંશોધક રહ્યા છે. તેમના લેખો અને અન્ય લખાણોએ તેમને વિશ્વભરમાં જાણીતા કર્યા છે. તેમને ‘શાંતિદૂત’નો પુરસ્કાર એનાયત થયો છે. તેઓ આફ્રિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોંસેક્રેટેડ લાઈફ – અબુજા(નાઈજીરિયા)માં અધ્યાપક છે. આ લેખમાંથી તારવેલા કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.
•••
એક ઉક્તિ છે, “જો ઝડપથી ચાલવું હોય તો એકલા ચાલો. જો દૂર સુધી ચાલવું હોય તો બીજાની સાથે ચાલો.” એમ ધારી લેવું આસાન છે કે અન્યની સાથે રહીને કામ કરવાથી કાર્ય ધીમું ચાલે કેમ કે સાથી કાર્યકરોમાંથી કોઈની સાથે અસહમતી થાય કે કોઈ નિરુત્સાહ કરે તો તેનાથી પ્રગતિ રૂંધાય. તેથી ઊલટું એક જૂથમાં કામ કરવાથી એકબીજા સાથે વિચારોની આપ-લે કરવાનું શક્ય બને, સાથે મળીને ચિંતન કરી શકાય, એક સાથે મળીને ધ્યેયની ક્ષિતિજ તરફ જોઈ શકાય અને સાથે વિચાર વિમર્શ કરી શકાય. એકજૂટ થઈને કામ કરવાથી પ્રાપ્ત સંસાધનો વહેંચવા સરળ બને; ખાસ કરીને શાંતિ, ન્યાય અને ઔદાર્ય કે જે આપણા હૃદયમાંથી ઉદ્ભવે છે. શાંતિ, કે જે એટલી મૂલ્યવાન છે, છતાં માનવી માનવી વચ્ચે તેમ જ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે તેની જાળવણી ક્ષણભંગુર થયેલ છે. એ નોંધવું રહ્યું કે એકતા માનવ જાતનું સહુથી શક્તિશાળી બળ છે, ખાસ કરીને આજના ખંડિત વિશ્વમાં.
મોહનદાસ કરમચંદ ગાંધી આપણને સર્વના કલ્યાણની દૃષ્ટિએ આ જગતને જોવામાં મદદ કરે છે. આથી જ તેઓ અન્યોન્યનો આશ્રય, કૌટુંબિક સંબંધો, સામૂહિક જીવન અને સામાજિક સુમેળ પર વધુ ભાર મૂકે છે. સર્વના કલ્યાણ દ્વારા જ આપણે સંપોષિત વિકાસ સાધી શકીએ.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2015માં દુનિયા સમક્ષ વિશ્વની તમામ પ્રજા માટે ટકાઉ અને વધુ સારું ભવિષ્ય સિદ્ધ કરવા માટેના નકશાનો પ્રસ્તાવ ઘડ્યો. આ 17 સંપોષિત વિકાસના ધ્યેય (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ) ગરીબી, અસમાનતા, આબોહવામાં આવતું પરિવર્તન, પર્યાવરણની કટોકટી ભરી પરિસ્થિતિ, શાંતિ અને ન્યાયનો થતો લોપ વગેરે જેવા પડકારોને સંબોધે છે. આ ધ્યેય આપણી સમક્ષ મુકાયા તેના ઘણાં વર્ષો પહેલાં ગાંધીજીએ સાર્વજનિક કલ્યાણની વિભાવના વિશે વાત કરી, તેનો અમલ કરીને તેનો પ્રચાર પણ કર્યો.
આ નિબંધના પ્રથમ વિભાગમાં એકજૂટ થઈને કાર્ય કરવાની તાત્કાલિક જરૂરિયાત વિશે અને બીજા વિભાગમાં ‘સર્વોદય’ના સિદ્ધાંતની વિશદ ચર્ચા કરવામાં આવી છે. ત્રીજો વિભાગ ટ્રસ્ટીશીપ અને રચનાત્મક કાર્યક્રમ ગાંધીજીના આશ્રમ જીવન અને દેશવ્યાપી કાર્યમાં કેટલા મહત્ત્વના હતા તેનું વિવરણ કરવામાં આવ્યું છે. ચોથા વિભાગમાં ગાંધી કેવા આર્ષદૃષ્ટા હતા અને સંપોષિત વિકાસના ધ્યેયના આગોતરા સંદેશવાહક હતા એ દર્શાવવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ વિભાગો વિશે વાચકો સારી પેઠે પરિચિત હોઈ શકે તેવી મારી ધારણા છે. રચનાત્મક કાર્યક્રમ અને સર્વોદયના વિચારો ગળથૂથીમાં મળ્યા હોવાને કારણે એનાથી હું સારી રીતે અવગત છું. છેલ્લાં બે–ત્રણ વર્ષમાં ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ’ વિષે ઘણું વાંચી–વિચારીને નિબંધો લખવાની તક મળી તેથી તેની ય સમજણ ગાંઠે બાંધેલી, પરંતુ ગાંધીજીએ અમલમાં મૂકેલાં અને પ્રચાર કરેલાં કાર્યો સાથે ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ’ના એકએક મુદ્દાને આટલા કુશળતાથી જોડી આપવાનું કામ ફાધર રેવરન્ડ જ્યુડ થાડેસ લાંગેહના લેખમાં જોવા મળ્યું એટલે નિબંધનો ચોથો ભાગ રજૂ કરેલ છે.
ગાંધી – સંપોષિત વિકાસના ધ્યેયના અગ્રદૂત
યુનાઇટેડ નેશન્સના સંપોષિત વિકાસના ધ્યેયનું ગાંધીની સાર્વજનિક કલ્યાણની વ્યાખ્યા સાથે સામ્ય :
ધ્યેય 1 : દરેક પ્રકારની ગરીબીનો સમગ્ર વિશ્વમાં અંત લાવવો.
ગાંધી : “આ પૃથ્વી પર સહુની જરૂરિયાત પૂરે તેટલું જરૂર છે પણ બધાના લોભને પહોંચી વળે તેટલું નથી.”
ધ્યેય 2 : ભૂખમરાનો અંત. ખોરાકની સામગ્રીની સલામતી, પોષણમાં સુધારો અને ટકાઉ ખેતીનો પ્રચાર.
ગાંધી : “આ દુનિયામાં કેટલાક લોકો એટલા ભૂખ્યા છે કે ઈશ્વર એમની સામે રોટલાના સ્વરૂપ સિવાય ન દેખાય.”
ધ્યેય 3 : સર્વ સ્થળે દરેક ઉંમરના લોકોને સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી મળે.
ગાંધી : “સ્વાસ્થ્ય એ જ સાચી મૂડી છે, નહીં કે ચાંદી અને સોનુ.”
ધ્યેય 4 : ઉત્તમ કક્ષાનું શિક્ષણ – સર્વ સમાવેશી અને સમાન કક્ષાનું શિક્ષણ તથા સર્વને આજીવન શિક્ષણની તક
ગાંધી : “લોકશાહીને કાર્યક્ષમ બનાવવા માહિતીની જાણકારી નહીં, પરંતુ ઉપયુક્ત કેળવણીની જરૂર છે.”
ધ્યેય 5 : લૈંગિક સમાનતા – તમામ કન્યાઓ અને સ્ત્રીઓના સશક્તિકરણ મારફત લૈંગિક સમાનતા સિદ્ધ કરવી.
ગાંધી : “સ્ત્રીને અબળા કહેવી એ તેની બદનક્ષી છે. જો બળનો અર્થ નૈતિક શક્તિ કરીએ તો નારી પુરુષ કરતાં એ બાબતમાં અનેકગણી વધુ ચડિયાતી છે.”
ધ્યેય 6 : સ્વચ્છ પીવાનું પાણી તથા આરોગ્ય – દરેક માટે હંમેશ ટકી રહે તેવી સ્વચ્છ પાણી અને આરોગ્યની વ્યવસ્થા.
ગાંધી : “આરોગ્ય અને સ્વચ્છતા એ સ્વતંત્રતા કરતાં વધુ મહત્ત્વના છે.”
ધ્યેય 7 : પરવડે તેવી સ્વચ્છ ઉર્જા – બધાને પરવડે, વિશ્વાસપાત્ર હોય, ટકાઉ હોય તેવી આધુનિક ઊર્જા મળી રહે.
ગાંધી : “અણુ શક્તિ ભલે અમેરિકન વૈજ્ઞાનિકોએ શોધી હોય અને લશ્કરના અધિકારીઓએ વિનાશ કરવાના હેતુસર વાપરી હોય, પણ બીજા વૈજ્ઞાનિકો તેનો ઉપયોગ માનવતાના હિત માટે કરે એ બિલકુલ શક્ય છે તે વિષે કોઈ શંકા નથી. આગ ચાંપનાર માણસ પોતાના વિધ્વંસક અને અધમ હેતુ પાર પાડવા આગનો ઉપયોગ કરે, પણ એક ગૃહિણી માનવ જાત માટે તેનો રોજ પૌષ્ટિક આહાર બનાવવા ઉપયોગ કરે છે.”
ધ્યેય 8 : રોજગારીની તકો અને આર્થિક વિકાસ – ટકાઉ, સર્વ સમાવેશી આર્થિક વિકાસ, પૂર્ણ રોજગારી, ઉત્પાદક ઉદ્યોગો અને બધા માટે પ્રતિષ્ઠિત કામની જોગવાઈ.
ગાંધી : ગાંધીના મતે ભૌતિક પ્રગતિની હારોહાર સામાજિક સંવાદિતા તથા નૈતિક ઉત્કર્ષને લક્ષ્યમાં લઈને ઘડવામાં આવતા આર્થિક કાયદાઓ પ્રકૃતિના નિયમો અનુસાર રચાવા જોઈએ. કુદરતના અને અર્થતંત્રના નિયમો વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. પ્રકૃતિના કાયદા વૈશ્વિક છે.
ધ્યેય 9 : ઉદ્યોગો, નવીનીકરણ અને માળખું – મજબૂત માળખું રચવું, સર્વ સમાવેશી અને સંપોષિત ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવું તથા નવીનીકરણને ઉત્તેજન આપવું.
ગાંધી : “ધારો કે મારી પાસે સારી એવી મિલકત છે, જે વારસામાં મળેલી હોય કે મારા ઉદ્યમ કે વેપારથી; મારે એ સમજવું જોઈએ કે એ ધન-દોલત મારી નથી મને તો માત્ર બીજા લાખો લોકોની માફક સ્વમાનથી રોજગારી મેળવવાનો અધિકાર છે. બાકીની મારી મિલકત સમાજની છે અને એ સમાજના કલ્યાણ અર્થે જ વાપરવી જોઈએ.”
ધ્યેય 10 : અસમાનતા ઘટાડવી – દેશની અંદર અને બે દેશો વચ્ચે અસમાનતા ઘટાડવી
ગાંધી : “જ્યારે પણ તમને સંશય થાય કે તમારું અહમ બળવત્તર થાય તો આ કસોટી અજમાવો : સહુથી વધુ ગરીબ કે નબળા પુરુષ(કે સ્ત્રી)ના ચહેરાને યાદ કરો, અને જાતને પૂછો, તમે જે પગલું ભરવા ઈચ્છો છો તે એ લોકોને ઉપયોગી થશે?”
ધ્યેય 11 : દીર્ઘ કાળ સુધી ટકી શકે તેવાં શહેરો અને સમાજ – માનવ વસાહત સહુને સમાવિષ્ટ કરે, સલામત હોય, લવચીક અને ટકાઉ બને તેવી હોય
ગાંધી : ગાંધીનો ગ્રામ અર્થકારણનો નમૂનો આજના ટકાઉ શહેરોની યોજનાનો પૂર્વગામી હતો. ખમતીધર વિકાસ અંગે ગાંધીના વિચારો : “જ્યારે પણ તમને સંશય થાય કે તમારું અહમ બળવત્તર થાય તો આ કસોટી અજમાવો : સહુથી વધુ ગરીબ કે નબળા પુરુષ(કે સ્ત્રી)ના ચહેરાને યાદ કરો, અને જાતને પૂછો, તમે જે પગલું ભરવા ઈચ્છો છો તે એ લોકોને ઉપયોગી થશે?” તેને એનાથી કોઈ ફાયદો થશે? તેનાથી તે પોતાની જિંદગી અને કિસ્મત ઉપર કાબૂ મેળવી શકશે? બીજા શબ્દોમાં એ ભૂખ્યા અને આધ્યાત્મિક રીતે ક્ષુધાર્ત લોકોને સ્વરાજ મેળવવા તરફ દોરી જશે? ત્યારે તમારી શંકા અને અહમ ઓગળી જશે.
ધ્યેય 12 : જવાબદારીપૂર્વકનું ઉત્પાદન અને વપરાશ – જવાબદારીપૂર્વક દરેક વસ્તુનું ઉત્પાદન અને વપરાશ થાય તેની કાળજી કરવી.
ગાંધી : “ધરતી દરેક માનવની જરૂરિયાતો સંતોષાય તેટલું પૂરું પડે છે, પરંતુ કોઈના પણ લોભને પૂરતું થઇ રહે તેટલું નથી.”
ધ્યેય 13 : અબોહવા માટે પગલાં – આબોહવામાં આવતાં પરિવર્તનોનો અને તેના પ્રભાવનો સામનો કરવો.
ગાંધી : “એવો સમય આવી રહ્યો છે જ્યારે જે લોકો પોતાની લાલસાઓનો ગુણાકાર કરવા પાગલની માફક દોડે છે, તેઓ એક દિવસ પાછળ પગલાં ભરશે અને કહેશે, આપણે આ શું કર્યું?”
ધ્યેય 14 : જળમાં નભતું જીવન – દરિયા, મહાસાગર અને દરિયાઈ સંપત્તિનું સંપોષિત વિકાસ માટે સંવર્ધન અને રક્ષણ કરવું.
ધ્યેય 15 : જમીન પર નભતું જીવન – પૃથ્વીની પ્રાકૃતિક સંપદાનું રક્ષણ કરવું, તેને પૂર્વવત બનાવવું અને જંગલોનો લાંબા કાળ સુધી ટકી શકે તે રીતે ઉપયોગ કરવો, રણને વધતા અટકાવવાં, જમીનના ઘસારાને અટકાવીને પૂર્વવત બનાવવી અને જૈવિક વૈવિધ્યનો નાશ થતો રોકવો.
(ઉપરોક્ત બંને ધ્યેયના સૂચકાંક માટે ગાંધીએ દર્શાવેલ મત ઉપયુક્ત છે.)
ગાંધી : રાષ્ટ્રની મહાનતા તેમાં રહેતાં પ્રાણીઓની અને પ્રકૃતિની કેવી જાળવણી થાય છે તેના પરથી મૂલવી શકાય.
ધ્યેય 16 : શાંતિ, ન્યાયની સ્થાપના અને પ્રબળ સંસ્થાઓનું નિર્માણ – ટકાઉ વિકાસ સાધવા માટે શાંતિપૂર્ણ અને સમાવેશી સમાજની રચના કરવી, બધાને નિષ્પક્ષ ન્યાય મળે તેવી જોગવાઈ કરવી, દરેક સ્તરે અસરકારક, જવાબદાર અને સર્વસમાવેશી સંસ્થાઓની સ્થાપના કરવી.
ગાંધી : “માનવજાત પાસે અહિંસા એ સહુથી વધુ શક્તિશાળી તાકાત છે. માનવીએ ચતુરાઈથી બનાવેલા અતિ વિધ્વંસક શસ્ત્ર કરતાં પણ એ વધુ શક્તિશાળી છે.”
ધ્યેય 17 : ધ્યેયની સિદ્ધિ માટે સાજેદારી – સંપોષિત વિકાસ સાધવા તમામ ધ્યેયને અમલી બનાવવાના પ્રબળ સાધનોનો ઉપયોગ કરવો, અને દુનિયાના બધા દેશો વચ્ચે ભાગીદારીની ભાવનાનો પુનઃ સંચાર કરવો.
ગાંધી : “મક્કમ નિર્ધારવાળા લોકોનો એક નાનો સમૂહ કે જેને પોતાના ધ્યેય માટે બુઝાવી ન શકાય તેવી શ્રદ્ધા હોય તે ઇતિહાસ બદલી શકે.”
આમ યુ.એન. દ્વારા ઘડાયેલા સંપોષિત વિકાસના 17 ધ્યેયના સૂચકાંક સાથે ગાંધીજીના વિચારો અને કાર્યોની સમાનતાનો નિર્દેશ કરી ફાધર રેવરન્ડ જ્યુડ થાડેસ લાંગેહ કહેવા માગે છે કે યુ.એન. દ્વારા ટકાઉ વિકાસની વ્યાખ્યા બહાર પાડવામાં આવી તેના ઘણાં વર્ષો પહેલાં એક સમાજ તરીકે સાથે મળીને કાર્ય કરવાથી સંપોષિત વિકાસના ધ્યેય સિદ્ધ કરી શકાય તેમ કરી બતાવીને ગાંધી તેના સમર્થક રહ્યા છે. તેમના કાર્યો સાર્વત્રિક છે અને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં અમલમાં મૂકી શકાય તેવા છે. તેમણે સત્યાગ્રહની શરૂઆત દક્ષિણ આફ્રિકામાં કરી અને તેનો ઉપયોગ ભારતની સ્વતંત્રતા મેળવવામાં કરી શક્યા. સંપોષિત વિકાસનો માર્ગ એવો છે જે એવા આર્થિક વિકાસનો પથ બતાવે છે જે ભાવિ પેઢીની ધરતીનાં મીઠાં ફળ ચાખી શકવાની શક્તિને જોખમમાં ન મૂકે તેની ખાતરી આપે છે. ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત, રચનાત્મક કાર્યક્રમ અને આશ્રમમાં સામૂહિક જીવનના ખ્યાલોની દીર્ઘકાલીન અસર થઇ છે, જે દર્શાવે છે કે ગાંધી એક દાર્શનિક હતા જેમણે યુનાઇટેડ નેશન્સે આજે જે સંપોષિત વિકાસના ધ્યેયની વાત કરી છે તેની અગમવાણી ઉચ્ચારેલી.
e.mail : 71abuch@gmail.com