2017થી ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં અખાડા કરે છે ને આજે 42 હજાર શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષણનો કારભાર ચાલે છે. શિક્ષણને મામલે સરકાર એટલી ગરીબ છે કે તે જ્ઞાન સહાયકોને ફિક્સ પગારે રાખીને આંગળા ચાટીને પેટ ભરે છે ને આ દારિદ્રય અનેક સ્તરે સક્રિય છે. સરકાર પાસે નથી પૂરતી સ્કૂલો કે નથી પૂરતા વર્ગો કે નથી જરૂરી શૈક્ષણિક સામગ્રી. આ ગરીબી નથી, નકરી કંજૂસાઈ છે. ગુજરાતનો શિક્ષણ વિભાગ પૂરતા શિક્ષકો નથી ધરાવતો, પણ શિક્ષણ મંત્રીઓ એકથી વધારે ધરાવે છે ને તે કૈં કોન્ટ્રાક્ટ પર કે ફિક્સ પગારે નથી. આખો શિક્ષણ વિભાગ પગાર અને અન્ય લાભો પેટ ભરીને લે છે. તેઓ રિટાયર થશે તો નિવૃત્તિના પેન્શન વગેરે લાભો પણ ધરાઈને લેશે, પણ એ લાભો ન આપવા પડે એટલે સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરતી નથી. 21 ઓગસ્ટે જૂની પેન્શન યોજના સંદર્ભે શિક્ષકોએ આંદોલન શરૂ કર્યું છે ને તેનો ઠરાવ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહે એમ લાગે છે. એ નથી સમજાતું કે સરકારને કોઈ ટોકે એવી સ્થિતિ ગુજરાતમાં કેમ નથી? કેન્દ્ર સરકારને એ ખબર છે ખરી કે ગુજરાત શિક્ષણને મામલે મરી પરવાર્યું છે?
આખા દેશના શિક્ષણ બોર્ડની વાત કરીએ તો ગયે વર્ષે ધોરણ 10 અને 12માં 65 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 3 નેશનલ બોર્ડ અને 56 રાજ્ય બોર્ડની આ સ્થિતિ છે, તેમાં પણ રાજ્ય બોર્ડનાં પરિણામો વધુ નિરાશ કરનારા છે. સેન્ટ્રલ બોર્ડમાં ધોરણ 10માં 6 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, તો રાજ્ય બોર્ડમાં એ ટકાવારી 16ની છે. એ જ રીતે ધોરણ 12માં સેન્ટ્રલ બોર્ડમાં 12 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જ્યારે રાજ્ય બોર્ડમાં એ ટકાવારી 18ની છે. આ હાલત હોય ત્યારે શિક્ષકો વગર ચલાવવાની સરકારની દાનત બધી રીતે ધિક્કારને પાત્ર છે. કરુણતા એ છે કે આ પરિણામો નવી શિક્ષણ નીતિ લાગુ થઈ એ પછીનાં છે. નવી શિક્ષણ નીતિનો અર્થ શિક્ષણનો હ્રાસ એવો તો ન હોયને !
આટલું ઓછું હોય તેમ નોકરીમાં છે તેમાંના ઘણા શિક્ષકો હરામખોરી પર ઊતરી આવ્યાં છે અને એ અત્યંત શરમજનક છે. 9 ઓગસ્ટે એવા સમાચાર આવ્યા કે દાંતા તાલુકાની પાન્છાની પ્રાથમિક શાળાની ભાવનાબહેન કે. પટેલ નામની એક શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી છે ને તે અંબાજી નજીકની આ શાળામાં શિક્ષિકા તરીકે હાજર બતાવાય છે. તેનો રજાનો કોઈ રિપોર્ટ નથી કે નથી તેનું કોઈ રાજીનામું. તે દર વર્ષે દિવાળી વેકેશનમાં સ્કૂલે આવે છે ને દિવાળીની રજાઓ સહિતનો ત્રણેક મહિનાનો પગાર પણ લે છે. વાત તો એવી પણ છે કે તેનો આઠ વર્ષથી નિયમિત પગાર થાય છે. સાચું ખોટું તો સ્કૂલ જાણે, પણ દિવાળી વખતનો પગાર તો લેવાય જ છે એમાં કોઈ શંકા નથી. શિક્ષણ અધિકારી પગલાં ભરવાની વાત તો કરે છે, જોઈએ શું તોડ પડે છે તે ! શિક્ષણ મંત્રી ડિંડોરે તો કહ્યું છે કે એ બહેનને બરતરફ કર્યાં છે, પણ બનાસકાંઠાના બરતરફ થયેલ 32 શિક્ષકોની યાદીમાં ભાવનાબહેનનું નામ નથી. વાત બનાસકાંઠાની જ નથી, ખેડા, મહેસાણા, કડી, વડનગર, સૂરત એમ ઘણાં નગરોમાંથી શિક્ષકોની લાંબી ગેરહાજરીના અને વિદેશગમનના કિસ્સાઓ બહાર આવ્યા છે ને સરકાર મોડી મોડી પણ એ મામલે પગલાં ભરવા જાગી છે ખરી.
10 ઓગસ્ટે બાયડના મુખ્ય શિક્ષક આશિષ પટેલ એટલે છાપે ચડ્યા કે તેમનો વ્યવસાય બીજો જ છે ને નોકરી સ્કૂલમાં છે. સ્કૂલે ન પહોંચી વળતાં, સાહેબે તેમની જગ્યાએ એક ભાડૂતી માણસ રાખ્યો, જેથી ધંધાને વાંધો ન આવે ને શિક્ષણનું પણ પડીકું ન વળી જાય. પ્રાથમિક શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે ને બંને એક જ ગામના છે એટલે એક ઘરમાં ને એક સ્કૂલમાં એમ ગાડું ગબડે છે. આશિષ સર ભલા બહુ. બાળકોનો અભ્યાસ ન બગડે એટલે એમણે ભાડૂતી માણસ રાખ્યો. કાલ ઊઠીને સરકાર જ આવા ધંધાદારી આચાર્ય માટે એક એક ભાડૂતી માણસ પ્રોવાઈડ કરે તો નવાઈ નહીં ! આમ પણ સ્કૂલોમાં ભણાવવાનું તો ખાસ રહ્યું નથી, એટલે શિક્ષકોને બદલે કારકૂનો રખાય તો ય બહુ વાંધો આવે એમ નથી. શિક્ષક હોય તો તેણે પણ કામ તો કારકૂનનું જ કરવાનું છે. પરિપત્રોના જવાબો આપવા કે ડેટા મોકલવા કે પ્રવેશોત્સવ, શિક્ષા સપ્તાહ, નારી વંદના કાર્યક્રમ જેવા એટલા કાર્યક્રમો થાય છે કે શિક્ષકોએ તેનો વીડિયો ઉતારીને કે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરવાના હોય છે. એમાં બાળકો, શિક્ષકો, આચાર્યો એમ બધાં જ જોડાય છે. હવે આવી ભાંજગડમાં ભણાવવાની જગ્યા જ ક્યાં રહે? એટલે જ શિક્ષકો સ્કૂલોમાં ઓછા ને બીજે વધારે જણાય છે. એ જ કારણે કેટલાક શિક્ષકો વિદેશ રહીને કે લાંબી રજા પર ઊતરીને પણ સ્કૂલમાં હાજરી પુરાવી શકે છે.
જો કે, અન્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શાળામાં લાંબી ગેરહાજરી ભોગવતા શિક્ષકોની તપાસના હુકમો આપ્યા છે ને કોઈ જવાબદાર હશે તો તેની સામે આકરાં પગલાં ભરવાની જાહેરાત પણ કરી છે. સુરતની શિક્ષણ સમિતિમાં પણ 3 શિક્ષકો 6 મહિનાથી ચાલુ પગારે વિદેશમાં છે. એ પણ નોટિસ પ્રક્રિયા પૂર્ણ થતાં ટર્મિનેટ થાય એમ બને. એક તરફ હજાર શિક્ષકોની ઘટ બોલે છે ને બીજી તરફ સમિતિના 100 શિક્ષકો કોઈને કોઈ બહાને વર્ગમાં ક્લાસ લેવાનું ટાળે છે. કેટલાક શિક્ષકો તો સમિતિની ઓફિસમાં જ પડ્યા પાથર્યા રહે છે. એમને શું લાભ છે તે તો તેઓ જાણે, પણ અધિકારીઓ કયા લોભે એમને સમિતિમાં પડી રહેવા દે છે તે નથી સમજાતું. બને છે એવું કે જે શિક્ષકો સ્કૂલમાં રહીને ફરજ બજાવે છે, એમને વધારાના વર્ગો લેવાનો બોજ વધે જ છે. એટલું સારું છે કે આમાં ક્યાં ય વિદ્યાર્થીઓનો વિચાર કરવાનો આવતો નથી, કારણ બીજું બખડજંતર જ એટલું હોય છે કે બાળકોનો પહેલાં તો ઠીક, છેલ્લે પણ વિચાર થતો નથી. આગળ જતાં ગેરહાજર રહેનારા ને હાજર રહેનારા શિક્ષકોની ભરતીની જુદી જુદી જાહેરાતો આવે એમ બને. એમાં પણ ભણાવનારા શિક્ષકોની ભરતી જ ન થાય એમ બને, કારણ ભણાવવાનું તો ખાસ રહ્યું જ નથીને !
દાહોદના ભીખા પટેલ કરીને એક શિક્ષકે 19 વર્ષથી નોકરી જ નથી કરી અને પગાર-ભથ્થાં લેવાનું ક્યારે ય ચૂક્યા નથી. જો કે, સુરતના શાસનાધિકારી મેહુલ પટેલે દોઢ વર્ષથી ગેરહાજર સમિતિની એક શિક્ષિકાને તમામ કાર્યવાહીને અંતે બરતરફ કરવાનો નિર્ણય લઈ લીધો છે, તો ઓગણીસ વર્ષથી નોકરી ન કરતાં દાહોદના એ શિક્ષકશ્રી સામે કોઈ પગલાં લેવાશે કે ભીનું જ સંકેલાતું રહેશે તે નથી ખબર. ગેરહાજર શિક્ષકોનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો ને ત્યાં શિક્ષણ મંત્રીએ એવો ખુલાસો કર્યો કે 2019થી 2022 સુધી અનધિકૃત રીતે ગેરહાજર રહેનાર 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ એવી માહિતી પણ આપી કે 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે અને 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. એમાંથી દસેકને તો સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. મીડિયા ઘણા વખતથી એ મામલે ગર્જી રહ્યું છે કે વિદેશ વસતા ને અહીં હાજરી પુરાવતા શિક્ષકો ચાલુ પગારે આવી સગવડ ભોગવી રહ્યા છે, એની સામે શિક્ષણ મંત્રીએ એવી સ્પષ્ટતા કરી છે કે એક પણ ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી. એ વાત જુદી છે કે દાહોદના 19 વર્ષથી નોકરી ન કરતાં શિક્ષકને પગાર-ભથ્થાં ચૂકવાયાં છે.
– તો, આ પરિસ્થિતિ છે. શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષકો સરખી નોકરી કરતાં નથી. કોઈ પગાર સ્કૂલમાંથી લે છે ને ધંધો ઘરેથી કરે છે. કોઈ વર્ષો સુધી પગાર ખાઈને સ્કૂલમાં હાજર જ થતાં નથી, કોઈ લાંબી રજા પર વિદેશ ફરે છે ને અહીં શિક્ષકની હાજરી પુરાતી હોવાથી, બદલીમાં બીજો શિક્ષક પણ મુકાતો નથી ને જે હાજર છે તેની પોતાની જવાબદારી ઉપરાંત બીજાની જવાબદારી પણ તેને માથે મરાય છે. અત્યારે શિક્ષકનાં સસ્પેન્શન અને ટર્મિનેશનનો પવન ફૂંકાયો છે, એમાં ઘણાની નોકરી જાય એમ બને. શિક્ષક જાય પછી એની જગ્યાએ નવા શિક્ષક આવશે એવું લાગે છે? ઘણુંખરું નહીં આવે. ખરેખર ઘટ છે ત્યાં ભરતી થતી નથી, તો આમ એકલદોકલની વિદાય પછી નવા શિક્ષક મુકાય એ વાતમાં દમ નથી. આમ પણ શિક્ષકની પરિપત્રોએ જવાબદારી એટલી વધારી મૂકી છે કે તે ટીચર કમ અને કલાર્ક જ્યાદા થઈ ગયો છે. આ બધું જો શિક્ષણને માટે જ થતું હોય તો, ધૂળ નાખી, પણ આ બધું શિક્ષણને ભોગે થાય છે. એમાં વિદ્યાર્થીનું તો કેવળ અહિત જ થાય છે. સુરતમાં જ 100 જેટલા શિક્ષકો વર્ગમાં ભણાવવા જતા ન હોય તો તેઓ છે શેને માટે એવો સાદો સવાલ પણ કોઈ અધિકારી કે મંત્રીને થતો નથી. આ બધું પાછું પ્રાથમિક શિક્ષણમાં થાય છે એટલે પાયાનું શિક્ષણ આપવામાં જ આટલા પ્રશ્નો છે. વિદ્યાર્થીઓને શિક્ષક ન ઓળખે એ તો સમજી શકાય, પણ શિક્ષકને પણ વિદ્યાર્થીઓ ન ઓળખે એવું શક્ય છે. વર્ગમાં ભણાવે તો બાળકો શિક્ષકને ઓળખેને !
જગતના કોઈ ખૂણામાં શિક્ષણ ગુજરાત જેટલું ગૌણ નહીં થયું હોય !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑગસ્ટ 2024