પર્સનલ કૉમ્પ્યુટર, ટેલિકોન્ફરન્સિંગ, ઇન્ફર્મેશન એજ, એપ્રોપ્રિયેટ એકનોલોજીનાં ઇનોવેશન્સ આપનાર ફ્યુચરિસ્ટની અલવિદા
પિસ્તાળીસેક વર્ષ પહેલાં પર્સનલ કૉમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિકૉન્ફરન્સિન્ગ જેવાં સંભવિત નવપ્રવર્તનો અર્થાત ઇનૉવેશન્સ વિશે લખીને ઇલેક્ટ્રૉનિક અને ડિજિટલ ક્રાન્તિનો વરતારો આપનાર સમાજવિજ્ઞાની અને ફ્યુચરિસ્ટ એટલે કે ભવિષ્યચિંતક એલવીન ટૉફલરનું તાજેતરમાં લૉસ એન્જેલસ ખાતે સિત્યાંશી વર્ષની વયે અવસાન થયું. વિજ્ઞાનની અને ટેક્નોલૉજિને કારણે દુનિયામાં આવનાર ધરખમ સામાજિક અને આર્થિક ફેરફારોની તર્કપૂર્ણ આગાહી તેમણે ગઈ સદીના છેલ્લાં ત્રણ દાયકા દરમિયાન કરી હતી. તેને લગતાં ત્રણ પુસ્તકો ‘ફ્યુચર શૉક’ (1970), ‘ધ થર્ડ વેવ’ (1980) અને ‘પાવર શિફ્ટ’(1990) એટલાં વિખ્યાત બન્યાં છે કે એમનાં નામ અંગ્રેજી ભાષાના શબ્દો બની ગયા છે. આવા બીજા શબ્દો પણ ટૉફલરે આપ્યા. જેમ કે, ‘ઇન્ફર્મેશન એઇજ’, ‘ઇન્ફર્મેશન ઓવરલોડ’, ‘એપ્રોપ્રિએટ ટેક્નોલૉજી’, ‘ઇલેકટ્રૉનિક કૉટેજ’, ‘ટેક્નોક્રૅટિક એલિટ’, ‘પેપરલેસ ઑફિસ’, ‘અૅન્ટિ-વૉર’, ’અૅડહોક્રસિ’, ‘પ્રોઝ્યુમર’ (પ્રોડ્યૂસર+કન્ઝ્યુમર), ‘પ્રૅક્ટોપિયા’ (પ્રૅક્ટીકલ + યુટોપિયા).
ટૉફલરનાં અન્ય પુસ્તકો છે ‘પ્રિવ્યૂઝ અૅન્ડ પ્રિમાઇસેસ’ (1983), ‘ધ અૅડેપ્ટિવ કૉર્પોરેશન’ (1985), ‘વૉર અૅન્ડ અૅન્ટિ વૉર’ (1995) અને ‘રેવોલ્યૂશનરી વેલ્થ’ (2006). તેમનાં મોટાં ભાગનાં પુસ્તકો તેમનાં પત્ની એડેલેઇડ એલિઝાબેથ ફૅરેલ ઉર્ફે હેઈદી સાથે લખાયાં છે, પણ લેખક તરીકે માત્ર પતિનું જ નામ લખાય છે.
દુનિયાની અનેક ભાષાઓમાં પહોંચેલા ટૉફલરના વિચારોને ગુજરાતીમાં લાવવાનું કામ જાણીતા સર્વોદયચિંતક કાન્તિ શાહે કર્યું છે. તેમણે ‘ત્રીજું મોજું’ (યજ્ઞ પ્રકાશન, 1982, 2015) પુસ્તકમાં ‘ધ થર્ડ વેવ’ અને ‘પાવર શિફ્ટ’નું સારલેખન કર્યું છે. ટૉફલરને મતે પહેલું મોજું એટલે માનવ ઇતિહાસમાં આવેલી કૃષિ-ક્રાન્તિ. તેનાથી ખેતીપ્રધાન સંસ્કૃિત ઊભી થઈ. તેમાં મનુષ્યનું શરીરબળ અને પશુબળ ઊર્જાના મુખ્ય સ્રોત હતાં. કુંભારનો ચાકડો અને ગાડાનું પૈડું નવી સંસ્કૃિતની આધારશીલા બની રહ્યાં. બીજું મોજું આવ્યું ઔદ્યોગિક ક્રાન્તિનું. ઉદ્યોગવાદ અને ભૌતિકવાદના ઘોડાપૂરે બધું પલટી નાખ્યું. એક બજારુ સંસ્કૃિત ઊભી થઈ. કૃષિસંસ્કૃિતના કેન્દ્રમાં માનવ અને તેનાં સુખશાંતિ હતાં. તેનું સ્થાન હવે ઉત્પાદન,નફો અને હરીફાઈએ લીધું. ઊર્જાનાં મુખ્ય સ્રોત કોલસો, ગૅસ અને તેલ હતાં. ફૅક્ટરીના સાંચાનું ચક્ર નવી સંસ્કૃિતની આધારશીલા બની ગયું. ટૉફલરના મતે હવે ત્રીજું મોજું આવી રહ્યું છે તે માનવીય ક્રાન્તિનું. બજારુતાનો અંત આવશે. વિજ્ઞાન, ટેકનોલૉજી, ઉદ્યોગ-ધંધા બધાંને માનવીય સ્વરૂપ સાંપડશે. દુનિયાની રીતિનીતિ માણસનું કુટુંબ જીવન, તેની સર્જકતા અને તેની મન:શાંતિ તરફની દિશાએ પગલાં માંડશે. ઊર્જાનો સ્રોત સૂર્ય બનશે. તે સમગ્ર સૃષ્ટિ તેમ જ બ્રહ્માંડ સાથેનો સુસંવાદ નવી સંસ્કૃિતની આધારશીલા બનશે.
ત્રીજા મોજાના પ્રભાવ હેઠળ આવી રહેલ અનેકવિધ પરિવર્તનોનાં લક્ષણો દર્શાવીને ટૉફલરે ગાંધીને યાદ કર્યા છે. તેણે એક લાંબુ પ્રકરણ લખ્યું છે જેનું નામ છે ‘ગાંધી વિથ સૅટેલાઇટ્સ’, અર્થાત ગાંધી અને ઉપગ્રહો સાથોસાથ. ઔદ્યોગિકરણના બીજાં મોજાએ માણસના જીવનને છિન્નભિન્ન કરી નાખ્યું. દુનિયા નફાખોરી, શોષણ, ગરીબી, પ્રદૂષણ, શહેરીકરણ, અછત, નિષ્ફળ લોકશાહી રાજ્યવ્યવસ્થા જેવી અનેક સમસ્યાઓના ભરડામાં સપડાઈ. તેની સામે ટૉફલરે ત્રીજા મોજાની સંસ્કૃિતનું વિવરણ કર્યું છે. તેણે તેનાં કેટલાંક પાસાં આ મુજબ વર્ણવ્યાં છે : વિકેન્દ્રિત ઉત્પાદન, માફકસરની ટેક્નોલૉજી, ફરી ફરી વાપરી શકાય તેવી ઊર્જા, મોટાં શહેરોથી વિરુદ્ધ વલણ, ઘરમાં રહીને ધંધોવ્યવસાય કરવાની તરેહ, ઉપભોક્તાનો સમાદર, લોકશાહીને બદલે નાનાં પ્રજાસત્તાકો. આ બધા વિચાર કાન્તિભાઈ શાહને મતે ટૉફલરના ત્રીજા મોજાનો ગાંધી દર્શન સાથેનો અનુબંધ ઊભો કરે છે.
જો કે ‘પાવર શિફ્ટ’ પુસ્તક વિશે કાન્તિભાઈનો મત આકરો છે. તે કહે છે કે અહીં ‘સુપર કૅપિટાલિઝમ કહેતાં મહામૂડીવાદની ધજા ફરકાવાઈ છે’. મહામૂડીવાદની ‘આસુરી સત્તાનું ટૉફલર જાણે સ્વાગત કરી રહ્યો છે, તેને જાણે મહાન ફિલસૂફીનાં વાઘાં પહેરાવી રહ્યો છે’. આ પુસ્તક માટે લેખકને મૅનેજમેન્ટ લિટરેચરમાં વિશિષ્ટ પ્રદાનનો મેકીન્ઝી ફાઉન્ડેશન અવૉર્ડ મળ્યો છે. જો કે ‘પૈસા ઉસેડી લેવા ખાતર આ લખ્યું-લખાવાયું હોય’ એવી પણ સંભાવના કાન્તિભાઈ જણાવે છે. તે લખે છે ‘રાક્ષસકાય બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનોએ લેખકને ખંડી લીધો હોય એવીયે શંકા જન્મે છે.’
ટૉફલર જે અનેક કંપનીઓ સાથે સમયાંતરે જુદી જુદી રીતે જોડાયેલા હતા તેમાંથી આઈ.બી.એમ.એ તેમને કમ્પ્યૂટરની સામાજિક અને સંસ્થાકીય અસરનો અભ્યાસ કરવા માટે રોક્યા હતા. ઝેરોક્સ કંપનીએ તેમને રિસર્ચ લૅબોરેટરી અંગે સંશોધન કરવાનું સોંપ્યું હતું. એટી અૅન્ડ ટી કંપનીએ ટેલિક્મ્યુિનકેશન અંગે તેમની સ્ટ્રૅટેજિક અડવાઈસ લીધી હતી. ટૉફલર દંપતિએ 1996 માં ટૉફલર અસોસિએટસ નામે બિઝિનેસ કન્સલટન્સી ફર્મ શરૂ કરી. તે અમેરિકા ઉપરાંત ચીન, દક્ષિણ કોરિઆ, મેક્સિકો, બ્રાઝીલ, સિંગાપુર, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ઉદ્યોગગૃહો, એનજીઓ અને સરકારો સાથે કામ કરે છે. ટૉફલરની વિશેષતા ટેક્નલૉજીના સમાજ પર પડતા પ્રભાવના ઊંડા અભ્યાસ અંગેની છે. એક સમાજશાસ્ત્રી તરીકે તે આર્થિક પ્રવાહો, પ્રૌદ્યોગિકી, ઉત્પાદક-ગ્રાહક, રાજકારણ, યુદ્ધ, પૉપ કલ્ચર, ધર્મ જેવાં પરિબળો વચ્ચેના આંતરિક સંબંધોનો અભ્યાસ કરે છે અને ભાવિ દિશા અંગેની શક્યતઓ શોધે છે. ટૉફલરના વિચારોને માન આપનારા મિખાઈલ ગૉર્બોચોવ, માર્ગારેટ થૅચર, જ્યૉર્જ ડબ્લ્યુ. બુશ, કાર્લ સેગાન, હ્યૂગો શાવેઝ, ઝાઓ ઝિયાન્ગ, ટેડ ટર્નર જેવી વ્યક્તિઓની યાદી ઘણી લાંબી છે. દુનિયાના બિઝનેસ લીડર તરીકે, પહેલાંની પેઢીના ટૉફલર તેમની મહત્તાની રીતે બિલ ગેઈટસ અને પીટર ડ્રકરની હરોળમાં મૂકાય છે.
જો કે ખૂબ પ્રસિદ્ધિ અને પૈસો મેળવનાર ટૉફલરના જીવનનો પહેલો તબક્કો સાવ જુદો હતો. ફરનો વેપાર કરતા પરિવારમાં જન્મેલા એલ્વિને લેખક બનવા માટે ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. વિચારસરણી ડાબેરી હતી, એટલે અશ્વેત મતદારોની નોંધણી અને કામદાર સંગઠનોને મદદ જેવાં કામોમાં જોડાતા. ઉત્તમ લેખન માટે જિંદગીનો સીધો અનુભવ અનિવાર્ય હોય છે તેવી સમજથી તેમણે કારખાનાંમાં વેલ્ડર અને મિકૅનિક તરીકે મજૂરી કરી. પણ તેમનું લેખન કૌશલ્ય શુદ્ધ સર્જનાત્મક સાહિત્ય કરતાં પત્રકારત્વ માટે વધુ અનુકૂળ હતું. એટલે કામદારો માટેની એક પત્રિકામાં લખવાનું શરૂ કર્યું. પછી ‘ફૉર્ચ્યુન મૅગેઝિન’માં કૉલમિસ્ટ અને લેબર વિભાગના સંપાદક બન્યા. ફ્રિલાન્સ રાઇટર અને કન્સલટન્ટ તરીકેનો વ્યવસાય તેમણે 1962 થી શરૂ કર્યો. સાથે પ્રતિષ્ઠિત સંશોધન સામયિકોમાં લેખો લખવાનું શરૂ કર્યું. પાંચ વર્ષ સંશોધન કરીને પુસ્તક ‘ફ્યુચર શૉક’ આપ્યું જેની સાઠ લાખ જેટલી નકલો આરંભે જ વેચાઈ. આ પુસ્તકમાં વિશ્વવ્યસ્થામાં બહુ ઝડપી પરિવર્તનો આવે ત્યારે સમાજમાં આવતાં અજંપા અને અવ્યવસ્થા તેમ જ તેમાં આશ્વાસન કેવી રીતે મેળવી શકાય તેની વાત કરી છે. એના માટે શિક્ષણ પણ જુદા પ્રકારનું હોવું જોઈશે. એ લખે છે: ‘આવતી કાલની દુનિયામાં જેને વાંચતાં ન આવડતું હોય તે એ વ્યક્તિ અભણ નહીં ગણાય. અભણ એ વ્યક્તિ ગણાશે કે જે જૂનું શીખેલું ભૂલીને નવું શીખી ન શકે.’
6 જુલાઈ 2016
++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 08 જુલાઈ 2016