ભીતર

રવીન્દ્ર પારેખ
11-10-2021

અટકી ગયો દેહ
હવા બહાર તો હતી
પણ હવે શ્વાસ બનતી ...
રક્ત બનેલું એટલું જ રહ્યું
નવું બનતું અટકી ગયું
આંસુ 
હૈયેથી આંખ સુધી આવતાં
વચ્ચે જ થંભી ગયું હતું
એમાં ખારાશ ભળતાં ભળતાં રહી ગઈ હતી
જળ ગળામાં જ અટકી પડ્યું હતું
અન્ન રહી ગયું હતું ઉદરમાં
એનું રક્ત બનવા લાગ્યું હતું
પણ પછી ન અન્ન કહેવાય કે ન રક્ત એવું કૈંક ...
પછી હું પોતે ફરી વળ્યો મારામાં
ખૂણે ખૂણો જોઈ વળ્યો
આંસુ 
આંખ તરફ ઊંચે ચડતું હતું
એમાં ખારાશ ભળતી હતી 
પણ ક્યાંથી તે ...
બહુ કોશિશ કરી પણ
હર્ષ બનાવનારું બિંદુ ક્યાંયથીય હાથ ના લાગ્યું
અન્ન 
રક્ત બનતું હતું
પણ ક્યાંથી અન્ન રહેતું ન હતું 
ને ક્યાંથી રક્ત બનતું હતું એ ...
જીવંત રાખનારું કૈક તો હતું
પણ એ શું હતું?
રક્ત?
તે તો મૃતમાં પણ હતું
હવા?
તે પણ મૃતની બહાર તો હતી જ !
પ્રશ્ન એ હતો કે
એને શ્વાસ કોણ બનાવતું હતું તે ...

000

e.mail : [email protected]

‘એતદ્દ -231‘માં પ્રગટ કાવ્ય; જુલાઈ - સપ્ટેમ્બર 2021; પૃ. 18

Category :- Poetry / Poetry