ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (11)

સુમન શાહ
28-09-2021

આજે, વાર્તાસર્જનની મારી પદ્ધતિની કેટલીક વાતો કરું :

મારી મોટીબા મરજાદી વૈષ્ણવ હતી. એ જમાનામાં સ્ટૅન્ડિન્ગ કીચન અને ગૅસના ચૂલા ન’તા. ૬૬-૬૭ વર્ષ પહેલાંની વાત છે. માટીનો ચૂલો અને માટીની સઘડી હોય. દર છ-આઠ મહિને મોટીબા ચૂલો અને સઘડી બદલી નાખે પણ શિલ્પી કલાકારની જેમ પૂરી ઝીણવટથી જાતે બનાવે. એક નાની સગડી પણ બનાવતી. શિયાળામાં તાપવા એની ચોફેર બેસવાનું. વધેલી માટીનાં કોડિયાં બનાવે. માટી ગૂંદે કેળવે ઘાટ ઘડે ને પછી ઠરવા દે. છેલ્લે એ પર પૉલિશ માટેનું ભીનું પોતું ફેરવે.

એનું રસોડું સદા સ્વચ્છ સુવ્યવસ્થિત : લાકડાં કૉલસા છાણું કૅરોસિન વચમાં નડે નહીં એ કારણે થોડે આઘે પણ યોગ્ય જગ્યાએ જ ગોઠવી રાખે; દીવાસળીની પેટી પણ. એનું પાણિયારું એટલું ચોખ્ખું કે જોતાં જ પાણી ઠંડું લાગે ને તરત પીવાનું મન થાય. થાળીઓ વાડકા પવાલાં લોટા પીત્તળનાં હોય, એને ચકચકતાં રાખે. રાંધવા બેસે ત્યારે સાલ્લો વગેરે કપડાં બદલી લેતી. જમણ સમ્પન્ન થાય એ પછી અબોટચૉકા કરતી. રસોડાને લીપીગૂંપીને ચોખ્ખું ચણાક બનાવી મૂકે, નાનું આંગણું જોઈ લો.

રાત હોય, ફાણસ સળગતું હોય. ચૂલાના લાકડાને ભૂંગળીથી ફૂંક મારે કે તરત બધું ભડ ભડ થવા લાગે. સઘડીના અંગારાને આંગળાં વતી આઘાપાછા કરે. બાજરીના રોટલા હાથે ટીપતી, કલેડી પર ફૂલીને દડો થાય. ઘર આખામાં મીઠી સુવાસ પ્રસરે. એ પર કણીદાર ઘીનો લોચો રમતો રમતો ફરતો થાય. એ રોટલા, તાંદળજાની ભાજી અને રીંગણનું શાક અને એના હાથનાં ગરમાગરમ દાળ-ભાત માટે હું અધીરો થઈ ગયો હોઉં. કૅરીનું અથાણું ને શેકેલો પાપડ તો હોય જ. એની બનાવેલી બધી જ વાનગીઓ દેખાવે સુન્દર અને હમેશાં રસપ્રદ નીવડે.

આજે આપણે લોકો ઘઉંના ગ્લુટેનથી ડરીએ છીએ, ત્યારે તો ઘઉંની વાનગી આમ જ, ‘ભારે’ ગણાતી. થાળી માટે એક પાટલો ને બેસવા માટે એક પાટલો - એ જ ડાઇનિન્ગ ટેબલ ! બન્ને પાટલા મારે જ પાથરવાના. હાથ-મૉં ધોવાના જ - ક્યાં ક્યાં અડકીને આવ્યો હોઈશ - એ એનું કાયમી વાક્ય. પાણીનો લોટો પણ મારે જ ભરવાનો. આમાનું કંઈ પણ કરવામાં ચૂક થાય તો વઢે.

પણ સંકલ્પ એવો કરાવેલો કે સવારે ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ લીધા પહેલાં જમાય નહીં. મોટીબા સૌ પહેલાં, અંગારાને - અગ્નિને - ઘીનું ટપકું જમાડે, તરત સોડમ આવે. ગાય-ગવાનેક કાઢે, એ પછી જ થાળી પીરસે. અન્નદેવને મારે પ્રણામ કરવાનાં ને કૉળિયો, ના, પ્રસાદ, પ્રસાદ પરના તુલસીપાનને ‘જયશ્રીકૃષ્ણ’ બોલી આરોગવાનું ને પછી જ પહેલો કૉળિયો ભરવાનો. ત્રણેક રોટલા તો આમ જ ઊતરી જતા. દાળભાત હું આંગળાંથી સબડકા બોલાવીને જમતો. બહુ મજા આવી જતી.

હું વાર્તા લખતો હોઉં ત્યારે મોટીબાની આ તકેદારીભરી સ્વચ્છ પવિત્ર ભોજનસર્જના મને યાદ આવે. એ કુનેહ, એ તજવીજ, યાદ આવે. એ સાદી પણ ગમતીલી સજાવટ અને રસોડાનો એ ઘરેલુ શણગાર જોઇને મને વિચારો આવતા કે કશું પણ કલા સ્વરૂપે હોય તો કેવું હોવું જોઈએ. મને થાય, હું મારા વાચકને વાર્તા પીરસું એ પહેલાં એને મોટીબાની રીતે સરજું, સજાવું, શણગારું. હું મને કહેતો - મારા નામે વાર્તાને જોતાં જ વાચકની વાચનભૂખ જાગી જાય, જાગેલી હોય તો તીવ્ર થઈ જાય, એમ થવું જોઈશે.

મોટીબા કરતી એવી પૂર્વતૈયારી કરું … મને યાદ છે, ઇન્ડિપેન વાપરતો ત્યારે ખાતરી કરી લેતો કે નિબ તરડાઈ ગઈ તો નથી ને, ડપકા પડે એવું તો નથી ને. એ પણ તપાસી લેતો કે એમાં પૂરતી શાહી છે કે કેમ - પેનને કાન પાસે લઈ જઈને ખખડાવવાની, આઇ મીન, હલાવવાની. મેં રાઈટિન્ગ ટેબલ પર બેસી કદી નથી લખ્યું. ક્લિપબૉર્ડમાં ૫-૭ કાગળ ફસાવ્યા હોય ને ખૉળામાં રાખીને લખું. એ જ હતું મારું નિજી લૅપટૉપ ! આજે છે એ, મશીની છે.

Picture courtesy : iStock

મોટીબા બન્ને હથેળીથી રોટલો ઘડતી તેમ હું વાર્તાવસ્તુને - કન્ટેન્ટને - ચોમેરથી ઘડું છું, રૂપ આપું છું, ફૉર્મ. એ રોટલો થવા દેતી એમ વાર્તાને હું થવા દઉં છું. એટલે કે આવા લેખ માટે, વાર્તા માટે કે મારા કોઈ પણ લખાણ માટે હું અનેક કલાકો ખરચું છું, એ થઈને રહે તે માટેની રાહ જોતાં હું થાકતો નથી. શબ્દો વાક્યો બદલ્યા જ કરું, બધું સુધાર્યા જ કરું. ક્યારેક તો મને શંકા પડે કે સાલું મને લખતાં નથી આવડતું કે શું !

વાર્તા લખાઈ ગઈ લાગે એટલે એનાં હું અનેક વાચન શરૂ કરું છું. જાણીને નવાઈ થશે કે દરેક વખતે વાર્તાને હું પહેલા વાક્યથી વાંચું છું.

પહેલું વાચન હું મારી માન્યતાવશ કરું છું. માન્યતા એ છે કે મારા શબ્દો જો પોતાની જ મોટાઈ બતાવવા પડ્યા રહે ને સામાના ધ્યાનને બળાત્ ખૅંચી રાખે, તો એ નહીં ચાલે. મારા શબ્દોએ પોતાનું કામ કરીને, બસ, ચાલી જવાનું…

ઍરહૉસ્ટેસની જેમ વર્તું છું. દરેક પૅસેન્જરે બેલ્ટ બાંધ્યો છે કે કેમ કેવી ઝીણી નજરે શોધી કાઢે છે, કેવું તરત કહે છે - સીટ અપરાઈટ પ્લીઝ - એવું જ હું શબ્દો અને વાક્યો જોડે કરું છું. અનુચિત લાગે એ શબ્દને તરત ટપારું, બદલું. વહેમ પડે કે જોડણી ખોટી છે, તરત કોશમાં જોઈને ચૅક કરું છું. વાક્યરચના તપાસું. કર્તા પાછળ ચાલી ગયો હોય કે કર્મ આગળ આવી ગયું હોય, તો બન્નેને સરખાં કરું. તકેદારી રાખું કે વાક્યો કારણ વગર લાંબાં તો નથી થયાં ને, તરત ટૂંકાં કરી નાખું.

દરેક ફકરો કથાવસ્તુનો એકમ ગણાય. પરખી લઉં કે ફકરો એ રીતે વર્તે છે કે કેમ, વસ્તુનું યોગ્ય ક્રમમાં વહન કરે છે કે કેમ. જો એમ ન લાગે તો અદલબદલ કરું છું, જરૂર જણાઈ હોય તો ફરી લખું છું. જોઈ લઉં કે એક ફકરામાં બીજો ઘૂસી તો નથી ગયો ને, ઝટ બન્નેને છૂટા પાડું છું.

બીજું વાચન હું મને એકલાને સંભળાય એમ જરા મોટેથી કરું છું, ખબર પડે કે કયો શબ્દગુચ્છ કથાપ્રવાહને રોકે છે, રૂંધે છે. આખી વાર્તા કે કોઈપણ લખાણ ખળખળ વહેતું ઝરણું હોવું જોઈએ. પરિણામે મને ખબર પડે છે કે ખળખળતું ક્યાં નથી, વાર્તા શ્રવણ-ગુણમાં ક્યાં કમજોર પડે છે. કેમ કે ભાષા લેખન-વાચન માટે છે એ બરાબર પણ મારો મારી જોડે આગ્રહ બંધાયો છે કે મૂળે તો ભાષા કથન-શ્રવણ માટે છે.

ત્રીજું વાચન હું એ માટે કરું છું કે વાર્તામાં ઊંડાણ છે કે કેમ. એવું ઊંડાણ કે જે અધિકારી ભાવકના મનમાં વસી જાય, એને થાય કે વાર્તાના ઘરમાં જઈને વસું. એમ થયું ન લાગે તો એ વાર્તાને ત્યાં ને ત્યાં પડી રહેવા દઉં છું - જોયું જશે, એવા ભાવથી …

ચૉથું વાચન હું એક ભાવક તરીકે કરું છું - જાણે વાર્તા કોઈ બીજાનું સર્જન હોય. એથી મને સમજાય છે કે રચના રસપ્રદ બની છે. તેમ છતાં લાગે કે કશુંક ખૂટે છે, નડે છે, તો, એ સ્થાનોનો પુનર્વિચાર કરું છું - એક જાતનું સૅલ્ફક્રીટિસિઝમ. અને તેને અનુસરતું ઍડિટિન્ગ અને રીરાઇટિન્ગ. એમ કરતાં કદી મને કંટાળો નથી આવતો.

એ ચૉથા વાચનનો અન્ત ત્યારે જ આવે છે જ્યારે વાર્તા હું કોઇ સામયિકને મોકલી દઉં છું. તે પછી પણ સુધારા-વધારા સૂઝે તો સમ્પાદકને વિનયપૂર્વકનો ત્રાસ આપું છું. કૃતિ વાર્તાસંગ્રહ માટે જાય ને છપાઈ જાય, પછી મારું કંઈ ચાલતું નથી. ત્યારે હું દિવ્ય અસંતોષનો આશરો લઈ ખૂશ રહું છું.

જો કે, હમણાં હમણાં મારી વાર્તા હું એક મિત્રને વાંચી બતાવું છું. એને વાર્તાકાર રૂપે વિકસવું છે. વાર્તાસર્જન જેમ શરૂ થયેલું તેમ વાંચવું શરૂ કરું છું. મિત્ર આગળ સર્જનના નાનામોટા કીમિયા, નુસખા, પ્રપંચ, ખુલ્લા કરું છું. વાર્તાને પ્રારમ્ભથી માંડીને અન્ત લગી  ક્રમે ક્રમે શબ્દ શબ્દ કે વાક્ય વાક્ય લઈને ઉકેલી બતાવું છું. શેનાથી શું સધાયું છે એ કહી બતાવવાની મને બહુ લહેર આવે છે કેમ કે એ મને ત્યાં અને ત્યારે જ સૂઝ્યું હોય છે. આ રીતના એકદમના અંગત વાચનથી અમને બન્નેને વાર્તા ઉપરાન્તના કલાસર્જનમાત્રની સમજ પડે છે. એને પાંચમું વાચન કહી શકાય.

= = =

(‘ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો’ - લેખશ્રેણીને અહીં વિરામ આપું છું.)

(September 28, 2021: USA)

Category :- Opinion / Literature