મુનશીની વાર્તા મારી કમલા અંગે બે ગૂંચવણ

દીપક મહેતા
05-06-2021

‘વિશ્વવિહાર’ના મે ૨૦૨૧ના અંકમાં આદરણીય યશવંતભાઈ મહેતાના લેખ ‘મુનશીની સામાજિક નવલકથાઓ’ના છેલ્લા પેરેગ્રાફના અનુસંધાનમાં થોડુંક :

માત્ર મધુસૂદન પારેખે જ નહિ, મુનશી વિષે પીએચ.ડી. કરનાર ‘સંશોધકો’એ પણ આ વાત લખી છે. અને લખે તે સ્વાભાવિક છે, કારણ મુનશીએ પોતે ૧૯૪૩માં પ્રગટ થયેલ આત્મકથા ‘સીધાં ચઢાણ’માં આ વાત લખી છે : ‘જ્યારે જ્યારે મને કોઈપણ પ્રકારનો તીવ્ર ઉદ્વેગ થતો ત્યારે તેને અવલંબીને કોઈ કાલ્પનિક પ્રસંગ ઊભો કરી, તેને નોંધ દ્વારા વ્યક્ત કરવાની મને નાનપણથી ટેવ હતી, પણ તે અંગ્રેજીમાં જ. ૧૯૧૨ના જૂન કે જુલાઈમાં મને એવો ઉદ્વેગ થયો, ત્યારે ગુજરાતીમાં એ વ્યક્ત થઈ શકશે કે કેમ તેનો પ્રયોગ કરવા મેં ‘મારી કમલા’ નામક ટૂંકી વાર્તા લખી કાઢી. ચંદ્રશેખરે એનાં વખાણ કર્યાં અને ભાષાશુદ્ધિ કરી ‘સ્ત્રીબોધ’માં છાપવા માટે મોકલી આપી.’

આ લખનારે પણ પહેલાં તો આ વાત સ્વીકારી લીધેલી. પણ પછી થયુંઃ ‘સ્ત્રીબોધ’માં એ વાર્તા છપાઈ ત્યારે કેવી દેખાતી હશે? સાથે કાંઈ ચિત્ર-બિત્ર હશે? એટલે ‘સ્ત્રીબોધ’ની ૧૯૧૨ની ફાઈલનાં પાનાં ઉથલાવવા માંડયાં. (સારે નસીબે ‘સ્ત્રીબોધ’ની ઘણાં વર્ષોની ફાઈલ કમ્યુટરવગી છે.) એક વાર નહીં, બે વાર ઉથલાવ્યાં. પણ તેમાં ક્યાં ય ‘મારી કમલા’ વાર્તા જોવા જ ન મળી! સંવત ૧૯૭૩ની દીવાળીના દિવસે જેની પ્રસ્તાવના લખાઈ હતી તે મુનશીનો વાર્તાસંગ્રહ ‘મ્હારી કમલા અને બીજી વાતો’ (પહેલી આવૃત્તિ) સદ્ભાગ્યે મળી ગયો. એક પાનાની મુનશીની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ ‘સને ૧૯૧૧ની સાલથી મ્હેં ટૂંકી વાર્તાઓ લખવા માંડી ત્યારથી અત્યાર સુધી લખાયેલી વાર્તાઓનો આ સંગ્રહ પ્રગટ થાય છે. ત્હેમાંની ‘મ્હારી કમલા’ સુન્દરી સુબોધમાં, ‘એક સાધારણ અનુભવ’ કપોળમાં, ‘કોકિલા’ ગુજરાતીના દિવાળીના અંકમાં, ‘મ્હારો ઉપયોગ’, ‘ગૌમતિ દાદાનું ગૌરવ’, ‘મ્હારા બચાવમાં’ એ સમાલોચકમાં, ‘એક પત્ર’ અને ‘શકુન્તલા અને દુર્વાસા’ ભાર્ગવ ત્રૈમાસિકમાં, ‘નવી આંખે જૂના તમાસા’ વીસમી સદીમાં અને બાકીની ચાર ‘નવજીવન અને સત્ય’માં જુદા જુદા તખલ્લુસ નીચે પ્રકટ થઈ હતી.’ (જોડણી મૂળ પ્રમાણે.) તરત ‘સુન્દરી સુબોધ’ની ૧૯૧૨ની ફાઈલ ઉથલાવવાવું શરૂ કર્યું. (ફરી કમ્પ્યુટરની કૃપાથી.) ‘સુન્દરી સુબોધ’ના જૂન ૧૯૧૨ના અંકના, ૩૫૮મા પાને ‘મ્હારી કમલા’ વાર્તા શરૂ થાય છે. વાર્તા કોઈ તખલ્લુસથી પ્રગટ થઈ નથી. ‘મ્હારી કમલા’ની નીચે કૌંસમાં લખ્યું છેઃ ‘લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મનુશી. બી.એ.એલ.એલ.બી.’ એટલે કે ‘મારી કમલા’ છપાયેલી ‘સ્ત્રીબોધ’ માસિકમાં નહીં, પણ ‘સુન્દરી સુબોધ’ માસિકમાં. અને કોઈ તખલ્લુસથી નહિ, પણ મુનશીના નામે જ.

પણ મુનશીએ ‘સીધાં ચઢાણ’માં ‘મ્હારી કમલા’ના પ્રથમ પ્રકાશન વિષે માત્ર આટલું જ નથી લખ્યું. બીજું પણ લખ્યું છે અને તે વધુ ગૂંચવાડો ઊભો કરે તેવું છે. ‘‘ગુજરાતમાં ત્યારે એક પ્રખર ને ચીવટવાળા સાહિત્યકાર હતા. જે ગુજરાતી સાહિત્યની રગેરગ પિછાણતા. એમણે સાહિત્યસેવામાં જ જીવનનું સાર્થક્ય ગણ્યું હતું. એમણે ‘સ્ત્રીબોધ’માં છપાયેલી ‘ઘનશ્યામ વ્યાસ’ની વાર્તા વાંચીને એ ‘વ્યાસ’નો પીછો પકડ્યો. આ કોઈ નવો લખનાર છે કોણ? જૂનામાંથી કોઈ આવું લખે તેમ નથી. એમણે ‘સ્ત્રીબોધ’માં તપાસ કરાવી ને ચંદ્રશંકરનો પત્તો મેળવ્યો. ચંદ્રશંકરને લઈ એ મારે ત્યાં આવ્યા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા મારી ઓરડીએ! મેં આવકાર આપ્યો. નરસિંહરાવભાઈએ મુક્ત કંઠે ગુજરાત સાહિત્યક્ષેત્રમાં મને આવકાર આપ્યો.’’

મુનશીની આ વાત આમ તો સીધી, સાદી, સાચી લાગે છે. પણ ઝીણવટથી વાંચતાં કેટલીક મુશ્કેલી ઊભી થાય છે. પહેલી વાત એ કે મુનશીની પહેલી વાર્તા ‘મ્હારી કમલા’ ‘ઘનશ્યામ વ્યાસ’ના તખલ્લુસથી પ્રગટ થઈ જ નહોતી. આપણે અગાઉ જોયું તેમ ‘કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી.એ. એલ.એલ.બી.’ એવા પોતીકા નામે જ તે ‘સુન્દરી સુબોધ’ના જૂન ૧૯૧૨ના અંકમાં પ્રગટ થઈ હતી. એટલે નરસિંહરાવભાઈએ ‘ઘનશ્યામ વ્યાસ’નો પીછો પકડવાનો સવાલ જ નહોતો. ‘નવો લખનાર’ કનૈયાલાલ માણેકલાલ મુનશી હતો એ સ્પષ્ટ હતું.

નરસિંહરાવ દિવેટિયાએ ૧૮૯૨થી ૧૯૩૫ સુધી ખૂબ જ વિગતવાર ડાયરી લખી છે જે ૧૯૫૩માં પુસ્તકરૂપે પ્રગટ થઈ હતી. સંપાદકો હતા ધનસુખલાલ કૃ. મહેતા અને રામપ્રસાદ પ્રે. બક્ષી. ડાયરી લખવાની નરસિંહરાવભાઈની પદ્ધતિ વિલક્ષણ હતી. પોતાની પાસે નાની ખિસ્સા ડાયરી સતત સાથે રાખતા. જે કાંઈ બને, જુએ, વાંચે, લખે, સાંભળે, તેની ટૂંકી નોંધ તરત લખી લે. પછી તેને આધારે રોજ રાત્રે મોટા ચોપડામાં વિસ્તૃત નોંધો લખે. વાંદરાથી કોઈને મળવા ગયા હોય તો પોતે કેટલા વાગ્યાની લોકલ ટ્રેનમાં બેઠા, કેટલા વાગે ઉતર્યા તે નોંધે. ટ્રેનમાં કોઈ ઓળખીતું મળ્યું હોય કે નવી ઓળખાણ થઈ હોય તો એ પણ નોંધે. પોતે સામે ચાલીને મુનશીને ઘરે ગયા હોય અને તેમની વાર્તાનાં વખાણ કર્યાં હોય તો એ વાત નરસિંહરાવ પોતાની ડાયરીમાં નોંધે જ નોંધે. પણ તેમની ડાયરીમાં આવો કોઈ પ્રસંગ નોંધાયેલો જોવા મળતો નથી. પણ મુનશી સાથેનો પોતાનો પહેલો મેળાપ નરસિંહરાવભાઈએ ડાયરીમાં નોંધ્યો છે જ. પણ તેની વિગતો મુનશીએ કહી તેના કરતાં સાવ જુદી છે. નરસિંહરાવભાઈ નોંધે છેઃ ‘’વાંદરા - તા. ૨૩-૬-૧૨, રવિવાર. આજે (યુનિયનની સભામાં) એક કન્હૈયાલાલ માણેકલાલ મુનશીનું ઓળખાણ ચંદ્રશંકરે કરાવ્યું. એડવોકેટ માટે ટર્મ ભરે છે. ફેબ્રુ.માં પરીક્ષા આપશે - વાત કાઢતે હેમણે જ કહ્યું કે મ્હારા કાકા હરદેવરામ (ભરૂચના) હતા, સબજજ, ત્હેમને ઓળખતા હશો. હરદેવરામ માસ્તર! મ્હોટા ભાઈની વખતનું ઓળખાણ!’’ (જોડણી મૂળ પ્રમાણે.)

૧૯૪૩માં ‘સીધાં ચઢાણ’ પ્રગટ થઈ તે પહેલાં ૧૯૩૭માં નરસિંહરાવભાઈનું અવસાન થયું હતું. નહિતર મુનશીએ જે લખ્યું છે તે અંગે તેમણે ખુલાસો કર્યો જ હોત. તો બીજી બાજુ નરસિંહરાવ જેવાની બાબતમાં આખી વાત મુનશીએ કશા આધાર વગર ઉપજાવી કાઢી હોય એમ માનવાનું પણ મન ન થાય. એટલે આ ગૂંચ ઉકલ્યા વગરની જ રહે છે.

પ્રગટ : “વિશ્વવિહાર”, જૂન 2021 

Category :- Opinion / Literature