દલિત નવલકથાનો સબળ મુસદ્દો ‘ફેરફાર’

ભરત મહેતા
19-02-2021

ઉમેશ સોલંકીનાં કાવ્યો “નિરીક્ષક” તેમ જ “નિર્ધાર” સામાયિકમાં વાંચેલાં અને એક સશક્ત કવિઅવાજની પણ પ્રતીતિ થયેલી. જ્યારે ‘ફેરફાર' નવલકથામાંથી પસાર થયો, ત્યારે દલિત નવકલકથામાં હું જે ઝંખું છું તે, સાંપ્રત સમય ઝિલાયેલો નજરે પડતાં મને ગમી.

આપણે ત્યાં મોટે ભાગે સામંતશાહી વખતના, આઝાદીપૂર્વેનાં ચિત્રણો જ દલિત નવલકથામાં મળે છે. આઝાદી પછી, આજના સમયે, ઉના-થાનની ઘટના વેળાએ, ૮૦-૮પના અનામત આંદોલનની વેળાએ દલિતલેખકો શું અનુભવે છે અને એની સર્જનાત્મક અભિવ્યક્તિ કેવો આકાર લે છે તે જાણવા હરહંમેશ તત્પર રહું છું. છતાં કોણ જાણે કેમ પણ પ્રતિસાદ સાંપડતો નથી. આવી નિરાશાભરી સ્થિતિમાં જયંત ગાડીતની ‘બદલાતી ક્ષિતિજ’, “પ્રશાંમુ' કે મોહન પરમારની ‘સંકટ' આશ્વાસન આપનારી નીવડે છે. મોહન પરમારની ‘સંકટ' નવલકથા પણ દલિત ઓળખની, સાંસ્કૃતિક સંકટની નવલકથા છે. “સંકટ'માં ગાંધીપ્રભાવથી કૉન્ગ્રેસ તરફી દલિતોની જૂની પેઢી અને બાબરીધ્વંશમાં દલિતોના વિનિયોગ પછી ભા.જ.પ.તરફી બનેલી નવી પેઢી જોવા મળે છે. પરન્તુ ‘સંકટ'માં દલિતોની આગવી ઓળખની મથામણનો જે અભાવ હતો તે હવે ફેરફાર' નવલકથા પૂરો કરે છે. એ અર્થમાં 'ફેરફાર' નવલકથા ‘સંકટ'ની પરંપરાને વધુ સુદઢ બનાવે છે. “રાશવા સૂરજ’ પછીના ત્રીજા ભાગમાં દલપત ચૌહાણ અમદાવાદની ચાલીઓમાં, મિલોના ધૂમાડામાં લઈ જવાના છે એની પણ પ્રતીક્ષામાં છું.

અત્યારે તો નવીપેઢીના લેખક ઉમેશ સોલંકીએ ‘ફેરફાર' નવલકથા દ્વારા જે દલિત નવલકથાની દિશા તરફ સંકેત કર્યો છે તે નોંધપાત્ર લાગ્યો છે તેની ચર્ચા કરવાની ઈચ્છા છે. વીસમી સદીના પ્રારંભે ટાગોરે હિંદુત્વની, અસ્મિતાની ખોજ કરતાં નાયકને ‘ગોરા'માં આલેખ્યો હતો. ત્યાં નવાસવાં ગ્રેજ્યુએટસ્‌ થયેલાં છોકરડાંઓ નિબંધ લખતાં, ચર્ચા કરતાં આલેખાયાં છે. પરિણામે ‘ગોરા’ નવલકથા વિચારપ્રધાન (novel of ideas) નવલકથા બને છે. સવર્ણ અને મધ્યમવર્ગીય સમાજ સુધી અક્ષરજ્ઞાન પહોંચેલું જે ધીરે ધીરે દલિત સમાજ સુધી પણ પહોંચ્યું. હવે દલિત વિધાર્થીઓ સરકારી હોસ્ટેલોમાં ભણતા થયાં, આંબેડકર-ફૂલે-કબીર-ગાંધી વાંચતા થયાં. તેથી શિક્ષિત દલિતોને કેન્દ્રમાં રાખીને પણ અસ્મિતાની ખોજ આલેખી શકાય તેવી પૂરી સંભાવના, શક્યતા રચાઇ છે. જેનો અભાવ મને ગુજરાતી સાહિત્યમાં ખટકતો હતો. “ફેરફાર’ નિમિત્તે એ ખોટ પૂરી થઈ છે તેનો આનંદ છે. ફેરફારને ‘ગોરા'ની અડોઅડ મૂકી શકાય તેમ છે. ગૌરમોહન હિંદુઅસ્મિતાની ખોજ કરે છે. ચુસ્ત હિંદુ બને છે. પછડાય છે. એ આયરીશ બાળક હતો કેવળ અપનાવેલો તેથી પિતા એને ધાર્મિકવિધિથી દૂર રાખે છે અને એ સત્ય જાણે છે. પછી ગૌરમોહન ઘરમાં કામ કરવા આવતી લછમનિયાના હાથનું પાણી પીવે છે! એ પૂર્વ એ લછમનિયાની ચિંતા કરતો, માન જાળવતો પણ સ્પર્શતો નહીં. ‘ફેરફાર' નવલકથામાં તો એ કહેવા માંગે છે કે અહીં તો અમે એ દૂરતાનો ક્ષણેક્ષણ અનુભવ કર્યો છે. હિંદુ સમાજનો સભ્ય (insider) ગૌરમોહન જે ઘડીએ બહારનો (outsider) છે તે પ્રતીતિ થતાં જ એની ધાર્મિક ઓળખ ખરી પડે છે. જ્યારે ‘ફેરફાર'નો નાયક પ્રકાશ વડાલિયા તો સદીઓથી અસ્પૃશ્ય-બહિષ્કૃત, બહારનો(outsider) ગણાતો દલિત છે. તેથી એણે તો હિંદુત્વના ચાબખાં દિનપ્રતિદિન ખાધાં છે. તેથી એ પોતાની આગવી ઓળખ માટે મથ છે.

આમ, જોવા જઈએ તો વીસમી સદીના પૂર્વે ગોવર્ધનરામે પણ નિબંધો જ લખવા હતા. એ દ્વારા સંસ્કૃતિવિમર્શ જ કરવો હતો, પરન્તુ નિબંધ કરતાં નવલકથાને વધુ અને વ્યાપક વાચકસમાજ મળે એ હતુંથી જ એમણે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા લખેલી હતી. જે નવલકથામાં પણ ચર્ચાઓ જ ચર્ચાના તમને પ્રકરણોના પ્રકરણો મળશે. એ રીતે ત્યાં પણ એ વિચારપ્રધાન નવલકથા બને છે. સવર્ણ અને શિક્ષિત કથાનાયક ગોવર્ધનરામને હાથવગો હતો. એની મહેચ્છા પણ કલ્યાણગ્રામની હતી. આદર્શોન્મુખ નવી પેઢીનો એક તંતુ ‘ફેરફાર’ સુધી વણાયેલો જોવા મળે છે.

‘ફેરફાર’ના કેન્દ્રમાં દલિત અને શિક્ષિત યુવાન છે. જેની ઈચ્છા છે કે જાતિવાદનું ઝેર સમાજમાંથી કેમ મિટાવી શકાય. ક્યાં લગી અત્યાચારો સહન કરવાના રહેશે? દલિત જો ઘોડેસવારી કરે કે મૂછો રાખે તો ય આવી બને એવો દેશ લોકશાહી દેશ ગણાય? મનુવાદમાંથી મુક્તિ શી રીતે મળે એ એનો સવાલ છે. પરન્તુ ‘ગોરા' કે ‘સરસ્વતીચંદ્ર'માં પાત્રો વચ્ચેના સંબંધમાં જે ક્રિયાઓનું નિરૂપણ છે. જે સાંકેતિક ઘટનાઓ દ્રારા ટાગોર ગૌરમોહનની વાત મૂકે છે તેનો આ નવલકથામાં અભાવ છે તેથી હું આ નવલકથાને દલિત નવલકથાઓનો મુસદ્દો કહું છું. વાત ખૂબ જ નાની છે. ઉત્તર ગુજરાત વડાલી ગામથી દલિત હોવાના ક્ટુ અનુભવોની મૂડી લઇને નીકળેલો કિશોર અમદાવાદમાં ભણે છે. હૉસ્ટેલમાં, ફેક્ટરીમાં, ચાલીમાં આવડે એવાં સંગઠનો કરે છે. આંબેડકરની વિચારધારા દ્વારા પ્રસરાવવાનો પ્રયાસ કરે છે. હિદુધર્મની ઓળખ સામે ભીમધર્મની ઓળખ ઊભી કરવા પ્રયાસ કરે છે. એ પ્રયાસોમાં એક વેળાએ એને જાનનું જોખમ થાય એવો સવર્ણો તરફથી હુમલો થાય, બીજીવાર તો એક સાથી કાર્યકર મૃત્યુ પામે એવો હુમલો થાય! બીજીવારનો હુમલો તો દલિતો દ્વારા જ થયાનો સંકેત છે! આનાથી નિરાશ થઈને એક સાથીમિત્ર આત્મહત્યા પણ કરે છે! સવર્ણોના અત્યાચારોથી કંટાળેલા દલિતોની નવી પેઢી ના છૂટકે હિંસાનો પણ સાથ લેશે એવા એક દશ્ય સાથે નવલકથા પૂરી થાય છે. લેખક કદાચ આને ફેન્ટસી ન પણ ગણાવે પણ એમણે સેવેલી દહેશત એટલી જ છે કેજો દલિત આત્યાચારો નહીં અટકે તો દેશમાં આ દુઃસ્વપ્ન સાચું પણ પડે!

“આંખ ખૂલી. અંધારું હતું. ઘડિયાળ આંખની નજીક લાવ્યો. ચાર વાગ્યા હતા. પાછો ઊંધી ગયો. ફરી આંખ ખૂલી. સાત વાગ્યા હતા. ઊભો થયો ઓસરીમાં ગયો. છાપું લીધું. તકિયાનો ટેકો લઈ પથારીમાં બેઠો. છાપું સીધું કર્યું. લાલ રંગમાં હેડલાઈન હતીઃ

દલિતોનો આતંક

સબહેડિગમાં હતુંઃ

ચાર અલગ અલગ ગામોમાં કારમી હત્યાઓ

ચાર ફોટામાંથી એક ફોટો દીવાલનો હતો, દીવાલ પર મોટા અક્ષરે લાલ રંગથી લખ્યું હતુંઃ Red Dalit.

શ્વાસ થંભી ગયા. આંખો ચોંટી ગઈ, સ્હેજ ભીની થઈ. છાપાને છાતી પર મૂકીને આંખો બંધ કરી.” (પૃ. ૧૮૬)

ગાંધીજીની સાર્ધજન્મશતાબ્દી વેળાએ આ નવલકથા ગાંધીજીના દલિતોદ્વારના કાર્યક્રમોને પ્રશ્નાર્થ હેઠળ મૂકે છે. એની શરૂઆત જ અર્પણ પંક્તિથી થાય છે. આ નવલકથાનું અર્પણ જુઓ કોને થયું છે?

“વકીલ અને વાળંદ સરખા વેતન માટે ઉમંગસેવી ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિધાપીઠમાં દસ દસ, પંદર પંદર, વીસ વીસ અને આનાથી પણ વધુ વરસથી કરાર પર કામ કરતા, અને છેલ્લા એકાદ વર્ષથી બૅકિંગ દ્વારા વળતર મેળવી સાદું જીવન જીવવા માટે પણ સંઘર્ષરત દલિત, આદિવાસી, ઓ.બી.સી. સહિત સૌ મિત્રોને અર્પણ”.

નવલકથા ‘હું'ના કથનકેન્દ્રમાં લખાયેલી છે. શહેરમાં રહી ફેક્ટરીમાં નોકરી કરતો નાયક છે. જે પહેલાં હૉસ્ટેલમાં ભણતો હતો અને હવે નોકરી કરે છે. બેઉ પરિવેશના એના અનુભવો નવલકથામાં મુકાતા જાય છે. ફેક્ટરીમાં જેમ્સ જેવા કંપનીના વફાદાર કર્મચારીઓ છે, તો પ્રકાશની ઠેકડી ઉડાવનારા ય છે. પ્રકાશ વડાલિયા નવલકથાનો નાયક છે. બીજા પ્રકરણથી નાયકનું શૈશવ નિરૂપાયું છે. દલિત સમાજની જુદી જુદી ખાસિયતો બોલીમાં નોંધાતી જાય છે. પહેલા પ્રકરણમાં એ પરિપક્વ યુવાન છે. નવલકથાનો ફ્લેશબેક ટેકનિકથી પ્રારંભ થાય છે. નાયકના જીવનમાં ઘટેલી જુદી જુદી ઘટનાઓ વારેવારે સ્મૃતિના સહારે રજૂ થઈ છે. સવર્ણ છોકરી સાથે લગ્ન ન થઈ શકે એ ખબર હોવા છતાં બેઉ એકમેકને ચાહતા હતા. બીજા પ્રકરણમાંના એક દશ્યમાં સ્ત્રી-પુરુષ સંબંધોમાં આવતી ધર્મ, જાતિ, પ્રદેશની વાડાબંધીનો સંકેત છે.

“સામે રેલવેના પાટા. પાટાની પેલે પાર સૂકું ઘાસ. ઘાસની નજીક તલાવડી. તલાવડીમાં થોડું પાણી, પાણીની પેલી પાર પાછું સૂકું ઘાસ. ત્રણ ગાયો, બે ભેંસો અને છ-સાત ગઘેડાં ઘાસ ચરતાં હતાં. તલાવડીથી થોડે દૂર લીમડા નીચે બેઠેલો એક ગધેડો પૂંછડું હલાવતો, માથું હલાવતો, વાગળતો અને ગધેડાંઓને જોયા કરતો. દસ-બાર મિનિટ સુધી હું આ જોતો રહ્યો. બધું બિલકુલ શાંત હતું. અચાનક લીમડા નીચે બેઠેલો ગધેડો ઊભો થયો અને એક ગધેડી પાસે ગયો. ગધેડીને પંપાળવા લાગ્યો, પછી સંવનન માટે પ્રયત્ન કરવા લાગ્યો. ગધેડી દૂર ભાગી ગઈ. ફરી પ્રયત્ન કર્યો, ફરી દૂર ભાગી ગઈ, ત્રીજી વાર પ્રયત્ન કર્યો, ગધેડાને સફળતા મળી. સંવનન પૂરું થતાં ગધેડી ગધેડાથી દૂર થઈ પૂંછડું પટપટાવવા લાગી. ગધેડો ધીમે ધીમે લીમડા તરફ જવા લાગ્યો.

કેવું સંવનન! પાપ અને પુણ્યના પ્રભાવથી સાવ છેટું. સંવનન જોઈ મને આદિમાનવ નહીં, જેમને કોઈ વસ્ત્ર અને શાસ્ત્ર સ્પર્શી શક્યાં નથી એ આદિમાનવ.'' (પૃ. ૨)

એની આ માન્યતાઓના કારણે જ કૃતિ જે એની કૉલેજની મિત્ર છે તેની સાથેના સંબંધોમાં ખુલ્લાપણું દેખાય છે. બેઉ કૉલેજના મિત્રો હતા. નાયક આવે એટલે નાયિકા આવે અને રમ્ય પ્રેમકહાની શરૂ થાય! પણ અહીં એવું કશું જ બનતું નથી! સંસ્કૃતિકથાની અડોઅડ પ્રેમકથાના જાણીતા ડોળિયાંને લેખકે સમજપૂર્વક દૂર રાખ્યું છે. નાયક ભલે કૉલેજમાં ભણતો હોય પણ ખાસ્સો વિદગ્ધ અને પરિપક્વ ‘લેખકે’ બનાવ્યો છે. એ સંદર્ભે ‘હૂ હૂ' (નરોત્તમ પલાણ) નવલકથા યાદ આવે છે. છતાં અહીં એ સભાનતાની વચ્ચે પણ લોહીમાંસવાળો પણ નિરૂપાયો છે. ખાસ કરીને કૃતિ સાથેના સંબંધ વિશે એણે જે અનુભવ્યું તે આ સંદર્ભે જોઈ શકાય.

“કૃતિ દેખાઈ. ચુંબકીય સ્વભાવ ધરાવનારી કૃતિ. દષ્ટિમાં ખેંચાણતત્ત્વ ઉમેરનારી કાયા ધરાવતી કૃતિ. એનું હોવું મને ગમતું. એનું બોલવું મને વધારે ગમતું. મારી લગોલગ બેસીને બોલવું ક્યારેક સ્વને ભૂલી જવા જેવું લાગતું. છતાં આ બધામાં એક નિયમ હતો. જીવનનાં અનુભવમાંથી ઘડાયેલો એક નિયમ. પણ કૃતિને તો નિયમ જેવું શાનું હોય. એને હું ગમ્યો અને તરત કહી દીધું આઈ લવ યુ. મને થશે ત્યારે કહીશ કહી મેં એને હતાશ કરી નાખી. કૃતિની હતાશા ચાર મહિના ચાલી. હંમેશાં શાંત રહેનારો હું પછીના ચાર મહિના સુધી કોલેજિયનોનાં મનના કોલાહલનું કારણ બની ગયો.” (પૃ. ૯૮)

તેમ છતાં માલા અને મૃત્યુ બે જ વિકલ્પોથી ગ્રસ્ત ‘છિન્નપત્ર'(સુરેશ જોષી)ના નાયકથી આ નાયક જુદાં ઘાટઘૂટવાળો છે. તેથી કૃતિના વિદેશ ચાલ્યા ગયા પછી આ સંબંધ ખરી પડે છે એનો ઝાઝો વસવસો નાયકને નથી. નાયકને મન એ મૈત્રીનું મધુર સ્મૃતિથી એનું ઝાઝું મૂલ્ય નથી. પ્રકાશને ‘છિત્રપત્ર’નો અજય કે શરદબાબુનો દેવદાસ થવું પાલવે તેમ નથી. સંબંધની અધૂરપ માટે જવાબદાર વ્યવસ્થાને એને બદલાવી છે. જ્યારે કૃતિ એનાથી વિખૂટી પડી જાય ત્યારે એના એક મિત્ર ભરતભાઈ સાથેની એની ચર્ચા જુઓ -

“અરે પ્રકાશ, અમને બધાને તારી ચિંતા છે. અમને ખબર છે કે તું બહુ સંવેદનશીલ છે. ભલે તું કહેતો નથી, પણ કૃતિનો આઘાત તને અંદરથી તો હેરાન કરે જ છે.”

“ભરતભાઇ, મેં કેટલીવાર કહ્યું કોઈ આઘાત નથી. આઘાત તો શું આઘાતનો અણસાર પણ નથી.”

“મતલબ કે તું કૃતિને પ્રેમ કરતો નથી, એમ?”

“હું વિચારને પ્રેમ કરું છું, વ્યક્તિને નહીં. વિચાર વિચાર વચ્ચે મેળ ના બેસે એટલે પ્રેમ રહેતો નથી.”

“પણ, પ્રકાશ, જગતમાં બે વિરોધી વિચારવાળાં પ્રેમીઓને મેં જોયાં છે, જે લગ્ન કરીને સ્થાઇ થયાં છે.”

ચા આવી. અમે ચા લીધી. બાજુના ટેબલ પર મૂકી.

“એ લગ્નમાં વ્યવહાર વધારે કામ કરતો હોય છે. ડર વધારે કામ કરતો હોય છે.” (પૃ. ૧૪૦-૧૪૧)

આ રીતે નાયકનો ‘પ્રણયકાંડ’ પૂરી ગરિમાથી, સ્વસ્થતાથી ચિત્રિત થયો છે. ત્યારે હું … વર્ષનો હતો પંક્તિથી વારેવારે નાયક ભૂતકાળના પ્રસંગોમાં આલ્યો જાય છે. વળી, આ ભૂતકાળના પ્રસંગોની અડોઅડ વર્તમાન મૂકાય છે તેથી રચાતી સંનિધિનો કાર્યસાધક વિનિયોગ થયો છે. આ નાયકના બીડી પીતા, દારૂ પીતા, મારતા બાપ છે. માને કોઈકની સાથે સંબંધ છે તે અગિયાર વર્ષનો પ્રકાશ કનિયા અને જગલા સાથે નજરોનજર નિહાળે છે. ત્યારે એને આવી અનુભૂતિ થાય છે.

“મને આખી રાત ઊંઘ ના આવી. વહેલી સવારે ઊંઘ આવી. એ દિવસે નિશાળમાં ગયો નહીં. પછીના ત્રણ દિવસ નિશાળમાં જવા નીકળતો, પણ નિશાળમાં જતો નહીં. ગામથી છેટે આવેલા વૉંઘામાં જતો. વોંઘામાં ભટક્યા કરતો. બોરડીઓ ગંજેરી નાખતો. આકડા તોડી નાંખતો. ભૂંડને પથ્થર મારતો. ભૂંડનું બચ્ચું હાથમાં આવે તો ઊંચું કરીને પટકી નાંખતો. શર્ટની બાંય ચાવી નાંખતો. રેતી મોંઢામાં નાંખતો. વૉંઘાના એ ત્રણ દિવસ બરાબર યાદ છે. એ દિવસ બહુ અળવીતરા હતા. હુ નિશાળમાં જવા લાગ્યો. રમવા લાગ્યો. સહજપણે આવતી ગાળો બોલવા લાગ્યો. બાઈની આંખોમાં થોડું થોડું જોઈ બોલવા લાગ્યો. પંદરેક દિવસ ગયા ત્યાં તો બાઈ મને ફરી ગમવા લાગી.” (પૃ. ૭)

જેમ બુદ્ધને નગરચર્યામાંથી દર્શન લાધ્યું તેમ જ પ્રકાશ વડાલિયાનું થાય છે. તેથી જ હવે જ્યારે એ નગરવાસી બન્યો ત્યારે એને ચાની કીટલીએ કામ કરતા ટીણાને જોઈને વિચાર આવે છે.

“ટીણા, તું અહીં કામ કેમ કરે છે?

મારો બાપો ઠોંહી ઠોંઠીન મરી જયો. મારી મા શરીર ઘસીન મનઅ ખવરાવતી. પહી એનઅ અંદરનો કોક રોગ થ્યો. પહી એય મરી જી. દસ વર્ષનો ટીણો થૂંકતો હોય એમ બધું બોલી ગયો. હું સુન્ન પડી ગયો. ટીણાના નાક પર બાઝેલા દાણાદાર પરસેવાને જોઈ રહ્યો. વિચારવા લાગ્યો, આ દાણાદાર પરસેવો એટલે બીજું શું, ટીણા જેવાં બાળકોનું જીવન. હું અર્ધો કલાક પાટલી પર ગુમસૂમ બેસી રહ્યો. કટિંગ આપતા, કપ-રકાબી ધોતા, આવતા-જતા, ઊઠતા-બેસતા ટીણાના મનને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કશું સમજાયું નહીં. હું અંદરથી ઢીલો થઈ ગયો.

વ્યવસ્થાની ઊણપો ઠેરઠેર છતી થાય છે છતાં ક્યાં ય આક્રોશ દેખાતો નથી. બધા પાણીની જેમ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા છે. કોઈ હલવાનું નામ નથી લેતું. નથી એમને સૂરજ ગમતો કે નથી ગમતી સપાટ અને પોચી જમીન. મને ગૂંગળામણ થવા લાગી.”(પૃ. ૧૨, ૧૩ )

આદિવાસી લાલો ભોળી ભોળી વાતો કરતો, સારી સારી ઉપમા આપતો લાલો નરી કરુણતાનો ભાર લઇ રમે છે, ભમે છે અને રખડે છે. લાલાને એની કરુણતા પજવતી નથી. કારણ કે લાલાને ખબર નથી કે એનું બાળપણ વેડફાય છે. ખોબો ભરીને જુદી જ રીતે ચવાણું મોંઢામાં ભરી, દસ-બાર વાર ચાવી લાલો સરળતાથી બોલ્યોઃ મારો બાપો વાવાનો, મારી મા ઓંકલીની. મારો બાપો મરી જિયો. હૂંઠાં-બીડી બવ પીતેલો, દારૂ બવ પીતેલો એટલઅ મરી જિયો. થોડીવાર ચવાણું ચાવી લાલો ફરી બોલ્યોઃ મારી પોતાની માડી નાહી જી, જૂની બેડી કાઠિયાવાડ મેં. પસી મેં મારા મોમાને ઘેર ઘોર કરિયું.

લાલા, તું ક્યા ધોરણમાં ભણે છે?

નથી ભણતો

તારે નથી ભણવું?

ના

કેમ ?

મેં ગોવાળિયો હુ એટલે. જમણા હાથથી નાક લૂછતા લાલાએ જવાબ આપ્યો.

દાહોદ, પંચમહાલ આદિવાસી ગ્રામવિસ્તારમાં બકરાં ચરાવતા છોકરાને ગોવાળિયો કહે છે. લાલો ગોવાળિયો હોવાથી ભણી શકતો નથી. લાલો દિવસના બેવાર બકરાં ચરાવવા જાય છે. સવારે વહેલો અનો સાંજે ચાર વાગે. બે-બે કલાક બકરાં ચરાવીને લાલો ઘરે આવે છે. આવીને રમે છે, ભમે છે, જમે છે અને ઊંઘી જાય છે. લાલો રોજ નિશાળમાં જાય છે, નિશાળ છૂટી ગયા પછી નિશાળના મેદાનમાં બકરાં ચરાવવા માટે. લાલાને ભણવાની ઈચ્છા નથી. લાલાનાં મામા-મામીને ગોવાળ લાલો સારો લાગે છે, દફતર લઈને આવતો-જતો મહેશ નાયક નહીં.” (પૃ. ૧૩-૧૪)

આ બધાની સાથે પોતાનું બાળપણ સરખાવતું જાય છે. પ્રકાશ જ્યારે તેર વર્ષનો થયો ત્યારે બાપાનું મોત થયેલું એ એને યાદ આવે છે.

“ત્યારે હું તેર વર્ષનો હતો. બાપાની તબિયત વધારે બગડી હતી. ઘરનું દેવું વધી ગયું હતું. બાપા માંડ માંડ એક મહિને માંદગીમાંથી બેઠા થયા. દારૂ, બીડી બધું એક ઝાટકે છોડી દીધું, છતાં મોતનો ભય તેમના પર બરાબર સવાર હતો. બાપાનાં પૂજાપાઠ વધી ગયાં હતાં. સત્યનારાપણની કથા, મોહણિયા બાવજીની બાધા, ચામુંડાની બાધા, કંઈ કેટલી ય બાધા રાખવા લાગ્યા. ઘરમાં ઘણાં બધાં દેવી-દેવતાઓની છબીઓ લાગી ગઇ. બાપા રોજ સવારસાંજ ચોખ્ખા ઘીનો દીવો અને દરેક દેવી-દેવતાને બે બે અગરબત્તી કરતા. અગરબત્તીની ધૂમ્નસેર દેવી-દેવતાનાં મોંઢાને અડે તેની ખાસ કાળજી રાખતા. ત્રણ મહિના વિત્યા કે બાપા પાછા માંદગીમાં પટકાયા. આ વખતે માંદગીમાં એવા પટકાયા કે ફરી ઊઠી ના શક્યા. છેવટે મરી ગયા.” (પૃ.૧૪-૧૫)

તેથી બાળમજૂરોને સરકારી છાત્રાલયમાં મોકલે છે. જેમ કે ટીણિયાને ફરી બાબુભાઈ સરાણિયા બનાવે છે. કપરકાબી ધોતી આંગળીઓમાં પેન્સિલ પકડાવે છે. અબાલવૃદ્ધ સાથે ભળે છે. ઉકાકાકા, પૂંજાકાકીથી માંડી રંજન, રીટા, દક્ષા, રાકલો, ટેણિયો સુધી મૈત્રી છે. છોકરાં ભણાવવાના લીધે લોકપ્રિયતા વધે છે. વાલ્મીકિવાસમાં જ ઘર ભાડે રાખે છે. દક્ષાના બાપા ભાડું લેવાની ના પાડે છે. મગન રીક્ષામાં પૈસા લેવાની ના પાડે. રશીદચાચા સાઇકલ પંચરની દુકાનવાળા પંચરના પૈસા લેતા નથી! નાયકને પણ નાનપણમાં કોઇકે આવી મદદ કરેલી પણ એમાં ‘હેતુ' જુદો હતો. જ્યારે ગામમાં સરકસ આવ્યું અને નિશાળમાંથી જોવા જવાનું નક્કી થયું, દસ રૂપિયા જમા કરાવવાના હતા. પ્રકાશે ઘરે જઈને મા-બાપને વાત કરી પણ માર પડેલો! એ વખતે વર્ગમાં ભણતી અફસાનાએ એને ‘દહ રૂપિયા’ આપેલા. જો કે એ ‘દહ રૂપિયા’ એણે કેમ આપેલાં એ રહસ્ય પછી ખૂલે છે.

“બાજુમાં અવાજ સંભળાયોઃ ‘પ્રકાશ, ઊભો રે!’ હું ઊભો રહ્યો. અવાજ અફસાનાનો હતો. મારી પસે આવીને બોલીઃ ‘સરકસ ચેટલું મસ્તન હતું, નૈ?’ મેં હકારમાં માથું હલાવ્યું. તરત તેણે પૂછ્યુંઃ 'તન્‌ ખબર સ, મેં તન દહ રૂપિયા ચમ આલ્યા'તા?” મેં ડચ કર્યું. તેણે કહ્યુંઃ 'રમઝૉનમંઅ્‌ ગરીબનઅ્‌ પૈસા આલીઓ તો પુન મલઅ. તમે તો પાસા નેંચા એકઅ્‌ વધારે પુન મલઅ.' અફસાનાની વાતની મને ત્યારે ગમ પડેલી નહીં. મારું મન તો સર્કસના અનંદથી ભરેલું હતું. હું હસવા લાગ્યો.” (પૃ. ૧૦)

આમ, એને જે મદદ મળેલી એમાં ‘હેતુ' પુણ્ય કમાવવાનો હતો! જયારે નાયક ટેણિયાને, ભોલાને કે રંજનને મદદ કરે છે તેમાં આવો ધર્મભી્‌રુતાના હેતુ નથી બલકે સામાજિક નિસબત વ્યક્ત થાય છે. નગરનાં આવાં દલિત-વંચિત બાળકોને જોતાં જ એને નાનપણના મિત્રો જીવો, પૂંજિયો યાદ આવે છે. જ્યારે પોતે કિશોરાવસ્થામાં ખેડબ્રહ્મામાં બૂટપોલિશ કરતો ત્યારે એક દારૂડિયાએ પોલિશ કરાવી પૈસા નહીં આપેલા તે એને માથામાં મારી ભાગી છૂટેલો એ પણ યાદ આવે છે.

નવલકથામાં ‘સમય’ આ રીતે અવળસવળ થયા કરે છે. હૉસ્ટેલમાં ભણતો નાયક ગોધરાકાંડ વખતે જે કોમીઆંદોલન થયું એનાં કારણે થોડો સમય વડાલી ચાલ્યો જાય છે. આ સમયે ગોધરા અનુગોધરાકાંડ ખેલાયો તેની અસર છેક ગામડાગામમાં કેવી પડી તે પણ ઝિલાયું છે. મુસ્લિમોની સામે દલિતોનો હાથા તરીકે ઉપયોગ થયો હતો.

“બજારમાં નકરાં ટોળાં હતાંઃ ક્યાંક નાનું ટોળું, ક્યાંક મોટું ટોળું , ક્યાંક બેઠું ટોળું, ક્યાંક ઊભું ટોળું, ક્યાંક આઘુંપાછું થતું ટોળું, ક્યાંક ટોળામાં ભળતું ટોળું. આખું બજાર ટોળાંથી ઉભરાતયું હતું.” (પૃ. ૪૮)

“ગુપસુપ ગુપસુપ ચાલી પછી મોટું ટોળું પાછું ટોળાંઓમાં ફેરવાઈ ગયું. ખરી ગરમીમાં ખાડો ખોદીને પરસેવાથી રૅબઝેબ થઈ ઝાડ નીચે બેઠા હોઈએ અને વાયરો અડવાથી જે આનંદ ચહેરા પર દેખાય એવો આનંદ ટોળાંઓમાં દેખાતો હતો. એકાએક દૂરથી નારો સંભળાયો. ટોળાંઓએ એને ઝીલી લીધો. ઊંચા થતા જમણા હાથ સાથે બોલાયેલો ‘જય શ્રીરામ'નો નારો ગગનભેદી બન્યો. પછી તો ‘વંદે માતરમ્‌' “ભારતમાતા કી જય”ના નારા બુલંદ બનવા લાગ્યા. ટોળાં ઘડીમાં રેલીમાં ફેરવાઈ ગયાં. બધાનાં માથે કેસરી પટ્ટી બંધાઈ ગઈ. નારાઓ ક્યારેક સ્પષ્ટ તો ક્યારેક ઘોંઘાટરૂપે સંભળાતા.” (પૃ. ૪૮)

નવલકથામાં ક્રાંતિનું કેન્દ્ર નરસિંહ ભગત છાત્રાલય છે. આ છાત્રાલયમાં ભણતા વિધાર્થીઓની સાથે નાયક હંમેશાં ચર્ચા છેડતો અને એને દલિત સંદર્ભથી મૂલવતો દા.ત. ૧૫મી ઓગષ્ટે ધ્વજસલામી વખતે થતી ચર્ચા જુઓઃ

“નરસિંહ ભગતનો ઓટલો એ દિવસે ઘડીક વીસમી સદીના પૂર્વાર્ધમાં આંટો મારી આવતો. આપણે હજુ આઝાદ થ્યા નહીં તોય તિરંગો ફરકાઈન દંભ કરવાનો? વિનોદની બોલવાની ઝડપમાં અને આંખમાં આક્રોશ જણાયો. આઝાદ ના થયા હોત તો નરસિંહ ભગતમાં આપણે ભણત ખરા? ભરતભાઈએ વાત વાળી. ના, ભરતભાઈ ઓંય તમારી ભૂલ પડે છે. તમે એવું કેમ નથી કહેતાં કે આઝાદી હોત તો બનાસકાંઠામંઅ પોલીસોએ મહિના પહેલાં બે દલિતોનઅ વીંધી નાંખ્યા હોત ખરા? મેં ભરતભાઈની વાતો છેદ ઉડાડ્યો.

“હજારો વરસની માનસિકતાને બદલાતા સમય તો લાગે ને, પ્રકાશ?”

“માનસિકતા બદલાય તોં હુધી આપણે ભોગ પણ આપવાનો અને તિરંગોય ફરકાવવાનો?” પરસેવાનું એક ટીપું મારી ડાબી આંખની ભ્રમર પરથી સરકી ચીબુક પર અટક્યું.” (પૃ. ૫૯)

વાત તો ગાંધીજી લગી જ પહોંચી.

“ગાંધીજીની ટીકા કરવાનો આપણને અધિકાર નથી. આપણું લેવલ શું?

ભરતભાઈ, ગોંધીની ટીકા આપણે તો હુ, રસ્તે રખડતું દલિતનુ નૉનું છોકરુંય કરી હકે. ગોંધીની ટીકા કરવાનો, પાછી ગાળ ઘઈન ટીકા કરવાનો દરેક દલિતને અધિકાર છે. કારણ, ગોંધીને વર્ણવ્યવસ્થા ગમતી તી અવ જેનઅ વર્ણવ્યવસ્થા ગમતી હોય એનઅ આપણઅ હુ ગમાડવાના. એવા લોકો તો આહડે મારી. મારો ઊંચો અવાજ ત્રીસેક ફૂટ દૂર નરસિંહ ભગતના દરવાજા સુધી પહોંચી ગયો.” (પૃ. ૬૦)

આ નાયક ભગવાનને માનનારા હૉસ્ટેલના છોકરાંઓને એ એક જ સવાલ પૂછતો -

“તારા ગામમાં દલિતોની હાલત કેવી છે?

બઉ હારી નહીં.

આ તું જ કેય છે ને બઉ હારી નહીં. એ હજારો વરસથી હારી નહીં. તેં વિચાર્યું કઅ ત્યાર ક્યોં જાય તારો ભગવૉન.” (પૃ. ૬૧)

ધીરે ધીરે આવા એક વિધાર્થી પર નાયકની તાર્કિક વિચારસરણીનો વિજય થાય છે ત્યારે નાયકને આવી અનુભૂતિ થાય છે. “છેવટે એક મહિના પછી એસ.ટી. બસ પાછળ ચોંટાડેલા નાના સ્ટિકરનો એકાદ ભાગ ઊખડી જતાં ધીમે ધીમે આખું ઊખડીને ફંગોળાઈ જાય એમ દયાનંદનો ભગવાન દયાનંદ પરથી ઊખડીને કંગોળાઈ ગયો.” (પૃ. ૬૧, ૬૨)

ગાંધીનો નાયક સબળ વિરોધ કરે છે પરન્તુ તલવાર હવામાં નથી વીંઝતો. ગાંધીજીને પૂરેપૂરાં વાંચીને સવાલો કરે છે. જુઓ એક મિત્ર સાથેની વાતચીત.

“ગાંધી પરનો તારો આક્રોશ તને વધારે પડતો નથી લાગતો?

શું કરું ભરતભાઈ, ગોંધી વિશે જ્યારે પણ વિચારું છું, ત્યારે એ મને વર્ણવ્યવસ્થાની પોતડી પહેરીને ઊભેલા દેખાય છે. અને પોતડીને પૂનાકરારની હવા લાગ્યા કરે છે. ગાંધીને નાગા થવાનું ગમ્યું નહીં અને ગોંધીવાદીઓ ગૉંધીને નાગા કરવામાં માનતા નથી.

એટલે તું એમ માને છે કે પૂનાકરાર એ ગાંધીએ દલિતો સાથે કરેલી છેતરપિંડી છે?

સવાલ જ નથી.

પૂનાકરાર ના થયો હોત તો દલિતો આગળ આવી ગયા હોત, આ માન્યતા ભૂલ ભરેલી છે, પ્રકાશ.

ભરતભાઈ, પૂનાકરારે દલિતો પાસેથી પોલિટિકલ ડિગ્નિટી છીનવી લીધી, દલિતોને રાજકીય આશ્રયપણામાં ધકેલી દીધા. દલિતો પાસે આગવાપણાની તક આવી ન આવી કે ગોંધીએ એને ઝૂંટવી લીધી. દલિતોનું રાજકીય આગવાપણું છીનવી લેવાનું આળ ગોંધી પર રહેવાનું, રહેવાનું અને રહેવાનું'' (પૃ. ૬૨)

જો કે, ભરતભાઈના પ્રશ્નમાં પણ દમ છે પરન્તુ પૂનાકરાર છોડોને આખું પાકિસ્તાન જ મુસ્લિમોને આપી દીધું તો શું ત્યાં મુસ્લિમોની સ્થિતિ સુધરી છે? નાયકની જે માન્યતા છે તે અનેક દલિતકર્મશીલોની માન્યતાઓ પડઘો છે.

નાયક અને ભરતભાઈ હોસ્ટેલના મિત્રોને નિર્ભય બનાવે છે. હૉસ્ટેલમાં દારૂની ભઠી ચલાવનાર લુખ્ખાં તત્ત્વોને બોલાવી વિધાર્થીઓને દબાવવાની કોશિશ કરતા હાઉસમાસ્ટરની સામે અવાજ ઉઠાવે છે. અરજી કરે છે, સહીઓ ઉઘરાવે છે. નાયક ઘડાતો જાય છે. એના ઘડતરની ક્ષણે અનુભૂતિ સારી રીતે વ્યક્ત થઈ છે.

આમ, ત્રણ સ્તરે એ ક્રાંતિકારી ચેતના પ્રસરાવતો રહે છે. નરસિંહ ભગત છાત્રાલયમાં, ત્યારબાદ નોકરીના સ્થળે અને પછી જે ચાલીમાં એ વિધાર્થીઓ મફત શિક્ષણ આપે છે તે ચાલીમાં વડીલોની વચ્ચે પણ એ સિફતથી ફેરફાર આણે છે.

પ્રકાશ અભ્યાસી છે તેથી પ્રચલિત ઇતિહાસ અને દંતકથાઓની તિરાડોનું પ્રતિશ્રુતિ સમુ અર્થઘટન કરે છે. એમાં બ્રાહ્મણવાદે આ પ્રક્ષેપો ઊભા કર્યા હોવાની ધારદાર ધારણા રજૂ કરે છે. એણે જે ટાબરિયાંઓને ભણાવ્યાં એમાંથી એકાદનો પહેલો નંબર આવ્યો ત્યારે વાસમાં પેંડા વહેચ્યા અને ભજન રાખવામાં આવ્યાં તો એમાં પણ એ દલિતચેતનાનો અવકાશ ખોળી કાઢે છે.

“તમારું ગાવાનું બોલવાનું હરખું જ લાગ હ. મયના પેલાં ભજનમંઅ જાણ તમે કબીર નઅ રૉમાનંદની વાત કરી. નઅ જાતભાતના દાખલા આલીન કીધું ક રામાનં કબીરના ગુરુ નંઈ તાંણ ઝટકો તો લાગ્યો તો પણ હાચુંય લગ્યું તું એક વાત તો શીરાની જેમ ઊતરી જી ક રૉમાનંદ હગુણિયો અન કબીર નિરગુણિયો.

ભગત, નાથબાથ એમના, આપણા તો સાહેબ." (પૃ. ૮૧)

ભજન મંડળીમાં પણ નવતર ઉમેરતો જાય છે.

“તંબૂરો, તબલાં અને મંજીરા વચ્ચેના તાલમેલમાં મારી ગાયકીની ભૂલો ઢંકાઈ ગઈ. આમ પણ મારી પસંદગીમાં શબ્દોનું મહત્ત્વ વધારે રહેતું ગાયકીનું ગૌણ, ગાયકી શબ્દોને ધારદાર બનાવવા પૂરતી. એક પછી એક કબીરની રમૈનીઓ, સાખીઓ મારાથી ગવાતી જતી. ગાયકીમાં સમાજની સ્થિતિ મુખર થતી જતી. સાંભળનારમાં આક્રોશ કે આક્રોશ જેવું કશું ઊમટતું જતું. પીડા જેવું પીગળતું જતું. કબીરમાં લપાયેલો સામાજિક ઇતિહાસ પરિવર્તનનો સંકેત ધરબીને બેઠો હતો. એ સંકેત સાંભળનારમાં હજુ ઉઘડ્યો નહોતો.” (પૃ. ૮૨)

નરસિંહ અને કબીરની તુલના કરે છે, નરસિંહને નાતબહાર મૂકવાનાં કારણો ચર્ચે છે. નરસિંહની કવિતા ઉત્તરાર્ધમાં જ્ઞાનમાર્ગી કેમ બની તેની ચર્ચા કરે છે અને કહે છે. -

“જેમ બ્રાહ્મણોની ભક્તિપરંપરા હતી એમ અસ્પૃશ્યોની એટલે કે દલિતોની પણ આગવી સંતપરંપરા હતી. વર્ણવ્યવસ્થાનો વિરોધ, પુનર્જન્મનો વિરોધ, અવતારવાદનો વિરોધ, કુરાનનો વિરોધ, કર્મફળનો વિરોધ, કર્મકાંડનો વિરોધ, માનવ માટેનો પ્રેમ, માનવ માનવ વચ્ચે સમાનતાની વાત, આત્મતત્ત્વની આંતરખોજ, ટૂંકમાં સમાજ જે છે એવો નહીં પણ આવો હોવો જોઈએ એ દલિતોની સંતપરંપરાની વિશેષતા હતી. બ્રાહ્મણોની ભક્તિપરંપરા ભૂત અને ભાવિમાં વિહરનારી હતી. જ્યારે દલિતોની સંતપરંપરા વર્તમાનને ધ્યાનમાં રાખી ભવિષ્યને સૂચવનારી હતી.” (પૃ. ૮૪)

એટલું જ નહીં પણ અંધકારમાં દાટી દેવાયેલ ઇતિહાસ પર પણ પ્રકાશ પ્રકાશ ફેંકે છે આ રીતે લેખક દલિત પરિપ્રેક્ષ્યવાળો ઇતિહાસ પણ નવલકથામાં સિફતથી પરોવી દે છે!

દલિતો માટે વાલ્મીકિ, હરિજન, જેવાં અત્યંતજ શબ્દો શી રીતે આવતાં ગયા એની સિલસિલાબંધ વિગતો રોમહર્ષક છે. આમ, નવલકથા કઈ રીતે જરૂરી દસ્તાવેજોને પણ આવરી લે છે જોઈ શકાય છે.

દલિતોને માટે વપરાતો વાલ્મીકિ શબ્દોનો ઇતિહાસ પ્રકાશ આ રીતે ખોલી આપે છે. આ રીતે આ નવલકથા એના ખરા અર્થમાં દલિત નવલકથા બનતી જાય છે.

“અમીચંદને નાભાજીના ભક્તમાલમાં આવતી શ્વપચ વાલ્મીકિ વિશેની પ્રિયદાસ અને સૂરદાસની રચના પરથી પસંદ પડ્યું હોવું જોઈએ. આ બંને રચનાઓનો વિષય મહાભારતમાં આવતી એક કથા છે. કથા એવી છે કે કુરક્ષેત્રનું યુદ્ધ પૂરું થતાં યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞમાં બધા ઋષિમુનિઓ હાજર રહ્યા. યજ્ઞના પ્રભાવ માટે ત્યાં મૂકેલો શંખ ન વાગવાનું પૂછતાં કૃષ્ણએ શ્વપચ વાલ્મીકિ ભોજન વગર રહી જવાનું કારણ આપ્યું. ભીમ અને અર્જુન શ્વપચ વાલ્મીકિના ઘરે ગયા અને પ્રશંસા કરતાં કરતાં મહેલમાં આવીને ભોજન લેવાનું કહ્યું. શ્રપચ વાલ્મીકિએ કહ્યું, હું તો હંમેશાં તમારું એઠું ઉઠાવું જ છું, તમારા દરવાજા બહાર ઝાડુ લગાવું છું, પણ ભીમ અને અર્જુન પછી વિનવણી કરીને શ્વપચ વાલ્મીકિને લઈ ગયા. દ્રોપદીએ છપ્પન પ્રકારના ભોજન બનાવ્યાં અને આપ્યાં. શ્વપચ વાલ્મીકિ છપ્પન ભોજન એકબીજામાં ભેળવી ખાવા લાગ્યા. ભોજન પૂરું થયું પણ શંખ ના વાગ્યો. કૃષ્ણએ શંખને પૂછયું. શંખે દ્રોપદીને પૂછવાનું કહ્યું, તો દ્રોપદીએ જણાવ્યું કે, શ્રપચને બધું ભોજન ભેગું કરતા જોઈ મને થયું કે હીન જાતિ શું સમજે ભોજનનો સ્વાદ. દ્રોપદીએ શ્વપચની માફી માગી. તરત શંખ વાગ્યો. ઘણા ટીકાકારો આ કથાને આગળ વધારે છે, અને આ વધારેલી કથા જ અમીચંદને ગમી ગઈ હશે એટલે વાલ્મીકિ નામ ફરીથી ઉછાળ્યું હશે. વધારેલી કથા પ્રમાણે પાંડવના દરબારમાં માનપાન મેળવીને જતા શ્વપચ વાલ્મીકિને ઈર્ષાળુ ઋષિઓએ કપટ સાથે પૂછયું, તમે પહોંચેલા મહાત્મા હો તો ઠેર ઠેર પહેલાં મળમૂત્રને કેમ નથી ઉપાડતા? શ્વપચ વાલ્મીકિએ વળતો જવાબ આપ્યો, સારું ત્યારે, મારી પરીક્ષા જ કરવી છે ને? તો મારી જાતિના બધા જ લોકો આજથી સમાજની ગંદકી સાફ કરશે. બીજી રીતે જોઈએ તો ભંગીસમુદાય રામાયણના રચનાકાર વાલ્મીકિને ગુરુ કે ભગવાન માને છે. આ નામ પણ ગમાડવા જેવું નથી. કારણ કે એના મૂળમાં બ્રાહ્મણવાદ છે.” (પૃ. ૮૯, ૯૦)

એની એ ચર્ચાના અંતે જ વાસનું નામ વાલ્મીકિવાસમાંથી કબીરવાસ બને છે. નામકરણથી થતો ગુલામીનો, અપરાધબોધનો અનુભવ પણ દલિતોને ય થાય છે. ચર્ચાઓ ઉગ્ર પણ થાય છે. છતાં ધીમે ધીમે એવો સ્વીકાર થતો રહે છે. વણકરવાસ, ચમારવાસ બધામાં હવે પ્રકાશને ભજનનું આમંત્રણ મળતું ગયું. એણે ક્રાંતિકારી રીતેભાતે ભજનમાં ભંગ પાડ્યો જ! પ્રકાશની કબીરચર્ચાની અસર થાય છે. વાલ્મીકિવાસ કબીરવાસ બને છે. ત્યાં એક દિવાલ તોડીને તલાટી રામમંદિર બનાવવા આવે છે પણ વડીલો વિરોધ કરે છે અને એને જવું પડે છે.

“અવ અમે ભંજયા ય નહિ ક નહિ વાલ્મીકિયા, અવ અમે બધા કબીરિયા.” (પૃ. ૯૩)

શિક્ષિતથી નિરક્ષર સુધી પ્રકાશ લોકોને અંધશ્રદ્ધમાંથી બહાર લાવે છે. જેમ ચાલીમાં કબીરથી કામ લે છે તો હોસ્ટેલના શિક્ષિત વિધાર્થીઓને દસ્તાવેજો આપી આપીને સમજાવે છે. વાલ્મીકિના રામ અને તુલસીદાસના રામમાં ફરક છે. વાલ્મીકિના રામ સરેરાશ મનુષ્ય છે.

“મારા ટેબલના ખાનામાંથી વાલ્મીકિનું રામાયણ કાઢ્યું. કૈકૈયીને ભાંડતાં રામ, લક્ષ્મણ, સીતા, કૌશલ્યા, ભરત; તો દશરથને કામાંધ કહેતા રામ-લક્ષ્મણ; યજ્ઞમાં કાળિયારને મારી આહુતિ આપતા રામ-લક્ષ્મણ; હરણાંઓનું માંસ ખાતાં રામ-લક્ષ્મણ-સીતા; સ્ત્રીનું અપમાન કરતા રામ લક્ષ્મણ; નિર્દોષ રાક્ષસોને મારતા રામ-લક્ષ્મણ; વાલીની હત્યા માટે મરણતોલ ઘાયલ કરેલા વાલીને ઉડાઉ જવાબ આપતા રામ; સીતાના વિયોગમાં કામથી પીડાતા રામ; ભરત પર શંકા કરતા રામ. આ બધું સાંભળી દયાનંદ તો જાણે શ્વાસ ચૂકી ગયો. લાંબો શ્વાસ લઈ બોલ્યો, અરે, આ તો એકદમ માણસ! આ રામ તો થયા હોય.” (પૃ. ૧૦૩-૧૦૪)

રામાયણને પોલિટિકલ આઇડિયોલૉજી અને પોલિટિકલ રિલિજીયનને વરેલું પ્રકાશ માને છે. એનાં સચોટ ઉદાહરણો આપે છે અરણ્યકાંડ અને યુદ્ધકાંડમાંથી જટાયુ દ્વારા આદિવાસી ગામોનો નાશ તેમ જ રામ દ્વારા કહેવામાં આવે કે મેં જનસ્થાનમાં વસતા ચૌદહજાર રાક્ષસોને મારી નાંખ્યા. આ રાક્ષસો કોણ? એવો પ્રશ્ન ઉઠાવે છે. વાલીના વધનું કારણ આપે છે સનાતન ધર્મ છોડી ભાઈની પત્ની સાથે સંબંધ રાખતો હતો એટલે તો વાલીની પત્નીની અનિચ્છા છતાં સુગ્રીવને કેમ પરણાવી? એથી પ્રકાશ રામાયણ અંગે એક સ્ફોટક બિંદુએ પહોંચે છે.

“રામાયણ એટલે નીતિ-અનીતિ, ગુણ-અવગણ, ધર્મ-અધર્મ વચ્ચેનો સંઘર્ષ એ વાત જ ખોટી છે. રામાયણ એટલે બે ધર્મો વચ્ચેનો સંઘર્ષ, બે સંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ, ઉપરાંત એક ધર્મ પ્રત્યેનું પક્ષપાતી વલણ.

ક્યા બે ધર્મ? ચંદ્રેશે મારા હાથમાંથી રામાયણ લઈ ટાઈટલ પર આંગળી ફેરવવા લાગ્યો. સનાતન ધર્મ અથવા બ્રાહ્મણધર્મ અને બીજા ધર્મ વિશે ચોક્કસ કહી શકાય એમ નથી. જે.ટી. વ્હીલર બૌદ્ધધર્મ માને છે, તો કોઈ એને દ્રવિડસંસ્કૃતિ સાથે જોડે છે, પણ એટલું ચોક્કસ કે એ ધર્મ સનાતન ધર્મની સામે પડનારો, અને નહીં સ્વીકારનારો શક્તિશાળી ધર્મ હતો. આ ધર્મને માનનારા દંડકારણ્યમાં વસતા હતા. દંડકારણ્ય એમનું હતું. આ ધર્મને માનનારાઓને મારવા માટે, ખદેડવા માટે અને સનાતન ધર્મ બનાવવા માટે સ્તો રામ દંડકારણ્યમાં ગયા હતા. અરણ્યકાંડમાં આને લગતા સર્ગ-૬માં ૪ શ્લોક, સર્ગ-૯માં ૨ શ્લોક અને સર્ગ-૧૦માં એક શ્લોક છે.” (પૃ. ૧૦૬)

આમ, જાતિવાદના મૂળિયાં સમી પુરાકથાઓનું નિમર્મ ઓપરેશન આ નવલકથાને દલિત નવલકથા બનાવવામાં મોટો ફાળો આપે છે. રાવણને બ્રાહ્મણ બનાવવામાં પણ રાજનીતિ હતી એમ માને છે. પુરાતત્ત્વવિદ હસમુખ સાંકળિયાએ રાવણને ગૌડ આદિવાસી ગણાવ્યો છે એમ આ નાયક પણ એને ભીલ માને છે! રામની ક્રૂરતાની પરાકાષ્ટા પણ એ ચીંધી બતાવે છે.

“મેં ચંદ્રેશને હાથમાંથી રામાયણ લઇ યુદ્ધકાંડના સર્ગ-૧૧૫ના પચીસે પચીસ શ્લોક વાંચ્યા બે મિનિટ તો સોપો પડી ગયો. રામ આવું બોલ્યા ત્યારે રામનો કોઈએ વિરોધ ના કર્યો?

ભરતભાઈ, વિરોધ કરવાની કોઈનામાં હિંમત જ નહતી. બીજાની વાત જવા દો, બધાની વચ્ચે અપમાનિત થતી સીતા પર શું વીત્યું હશે જ્યારે રામ ૧૪થી ૨૩ શ્લોકમાં બોલ્યા હશે કે, રાવણને ત્યાં ઘણા દિવસ રહેવાથી મને તારા ચરિત્ર પર શંકા ગઈ છે. જેમ દુખતી આંખોવાળાને દીવો સારો નથી લાગતો તેમ તું મને સારી નથી લાગતી. એટલે કે, હે સીતા, તારામારા વચ્ચે હવે કોઈ સંબંધ નથી. તારે જ્યાં જવું હોય ત્યાં જા! કારણ કે ઉચ્ચ કુળનું એવું કોણ હશે જે પારકાના ઘરમાં રહેલી પત્નીને અપનાવે. એટલે રાવણના ખોળામાં બેસેલી, એની કુદષ્ટિથી જોવાયેલી તને હું કેવી રીતે સ્વીકારું. જેના માટે તને જીતી એ કામ પૂરું થયું એટલે તારોમારો સાથ હવે પૂરો થયો. હે ભદ્રે, આ બહુ વિચારીને કહું છું કે તારી ઈચ્છા હોય તો લક્ષ્મણ અથવા ભરત અથવા શત્રુઘ્ન કોઈની પણ સાથે રહી શકે છે. અને જો ઈચ્છા હોય તો સુગ્રીવ અથવા વિભીષણ સાથે પણ તું રહી શકે છે. રામના આવા જીવલેણ આક્ષેપો પછી સીતા શું કરે? સીતાએ નારીને છાજે એવો વિરોધ કર્યો, રામ પર એની ઊલટી અસર થઇ. રામ વધારે લાલપીળા થઈ ગયા, વાલ્મીકિએ કહ્યું એ મુજબ રામે પોતાનો ચહેરો એવો કાળરૂપ કર્યો હતો કે કોઈ એમની સામે જોવાની હિંમત પણ નહોતું કરી શકતું. છેવટે રામની સંમતિથી લક્ષ્મણે સળગાવેલી અગ્નિમાં પ્રવેશી સીતાએ આત્મહત્યા કરી લીધી.” (પૃ. ૧૦૯-૧૧૦)

સીતાના લંકામાં અગ્નિપ્રવેશ, આત્મહત્યા સાથે જ રામાયણ પૂરું થયું છે એ પછીનું બધું પ્રક્ષિપ્ત છે તે સદષ્ટાંત ચર્ચો છે. એ પ્રક્ષેપણના કારણો પણ રજૂ કરે છે.

“ભરતભાઈ, આ સર્ગ પછી સીતાને જાણે જીવતી કરવા માટે બીજા સર્ગો લખાયા હોય એવું લાગે છે. કારણ કે રામાયણ અહીં પુરું થતાં રામના ચરિત્રનું ઘોવાણ થયું હશે. સમાજ આવા રામને સ્વીકારી નહીં શકયો હોય કે ખચકાટ અનુભવતો હશે એટલે પાછળથી નવા સર્ગો ઉમેરવામાં આવ્યા હશે. વળી, આ સર્ગનો પડઘો ઉત્તરકાંડમાં પડે છે. ઉત્તરકાંડમાં સીતાને ધરતીમાં સમાઈને આત્મહત્યા કરતાં બતાવ્યાં છે. જીવતાં કરેલાં સીતાની ફરી આત્મહત્યા, પછી શંકા તો પડવાની ને!” (પૃ. ૧૧૨)

“રામાયણનાં મૂળિયાં રામાયણમાં છે એમ કહી ઘણાં રામાયણનું ગૌરવ લે છે. આજે બરાબર સમજાયું કે એ મૂળિયાં એટલે બ્રાહ્મણવાદ અને સામંતવાદ. ગૌરવ લેનારને આ મૂળિયાંમાંથી જ પોષણ મળતું રહે છે. એટલે દશરથપુત્ર રામનો કોઈ પણ સ્વરૂપે પ્રચારપ્રસાર કરનારને શંકાની નજરે જ જોવા પડે. ભલેને પછી કોઈ ધનુષબાણ વગરના રામની મૂર્તિ બનાવી રામને માથે ચડાવે.” (પૃ. ૧૧૨)

પ્રકાશ સાથે સહમત થતાં વાર લાગે પણ એની દલીલોમાં ભરપૂર વજન છે. રાવણ-રામ, કબીર-તુલસી, ભગતસિંહ-ગાંધીજી એમ હૉસ્ટેલમાં એની ચર્ચાઓ પ્રાચીનથી અર્વાચીન ભારત સુધી ચાલે છે. આખી દાંડીકૂચને ભગતસિંહની વિચારધારા અટકાવવા માટેનું પગલું હતું એ સાબિત કરે છે. એ કહે છે.

“ઇતિહાસનાં પડળો ખોલું છું ત્યારે ઘણીવાર ભગતસિંહની વૈજ્ઞાનિક વિચારધારા મને વાલીના રૂપમાં દેખાય છે અને એ વાલીને ગાંધીજી રામ બનીને હણતા દેખાય છે.” (પૃ. ૧૧૭)

નાયક આ રીતે માને છેકે -

“ગાંધીજી દલિતસમાજને પંપાળી પંપાળી વર્ણવ્યવસ્થાને જાળવી રાખવા માગતા હતા. કારણ કે ગાંધીજી મનુના ચીલે ચાલ્યા હતા. સમય મનુનો હતો નહીં એટલે ગાંધીજીને મનુમાંથી હિંસા કાઢી નાખવી પડી. મારે મન ગાંધી એટલે પ્રચ્છત્ર મનુ.” (પૃ. ૧૪૩) “ટૂંકમાં ખેતમજૂરોના વિદ્રોહને શમાવી સામંતવાદને રક્ષણ પૂરું પાડવાનું કામ એક સમયે પશ્ચિમમાં ચર્ચે કર્યું હતું એવું જ કંઈક કામ ગામડાંઓમાં ગાંધીવાદીઓએ કર્યું.” (પૃ. ૧૫૫) “અને અતીતગૌરવ તો જુઓ, ભરતભાઈ, કે રાષ્ટ્રવાદને સંકુચિત અને જોખમી માનનારા ટાગોરને જાતિવાદમાં સામાજિક સહકાર દેખાય છે. માણસની અંદર પડેલી વિવિધ સંભાવનાઓને દાબી દેનારું દમન દેખાતું નથી.” (પૃ. ૧૫૮)

આમ, નવલકથામાં નાયક પોતાની દલીલોને મજબૂત રીતે મૂકવા માટે કોઈ મોટી હસ્તિની ટીકા કરતા અચકાતો નથી. પુનઃ એ પણ ઉમેરવું જોઈએ કે એ પરંપરામાંથી જ પ્રગતિશીલ તત્ત્વો ખોળી કાઢે છે. કબીર એનો આધાર છે. એ માને છે. કબીર ભગત નથી. કબીર મુરાડાધારી છે, લુકાઠાધારી છે, મશાલધારી છે. હવે જે ઘર બાળી સળગતો મુરાડો લઇને નીકળ્યો હોય એ શું શું ના બાળે, બધું બાળે, અને બાળ્યું, વેદ બાળ્યાં, પુરાણ બાળ્યાં, કુરાન બાળ્યું, ગીતા બાળી, સ્મૃતિ બાળી, મંદિર બાળ્યું, કાશી બાળ્યું, મસ્જિદ બાળી, મગહર બાળ્યું. કબીરને હાથી નીચે ચગદવાનો પ્રયત્ન, કબીરને ગંગામાં નાખી દેવાની વાત, કબીરને તોપથી ઉડાવી દેવાની કથા વગેરે ઇતિહાસ નથી, પણ કબીર પર થયેલા એકાદ અથવા એક કરતાં વધારે જીવલેણ હુમલાનો સંકેત તો છે જ. એ તત્કાલીન સત્સંગ અને ભજનને એક પ્રકારનાં સ્ટડી સર્કલ અને મોબાઈલ ટ્રેનિંગ સ્કૂલ જ માને છે. આજે પણ દલિતોનાં સંત્સંગ અને ભજનમાં રાજકારણની ચર્ચા થાય છે, સમાજના નિયમોની ચર્ચા થાય છે, પ્રશ્નો પુછાય છે, તો શું ત્યારે આવું નહીં થતું હોય? એવો વિચાર ઘણીવાર એને આવે છે.

નાયક આ ક્બીરની તુલના માર્ટિન લ્યૂથર અને તુલસીદાસ સાથે કરે છે.

“ભરતભાઈ, મને એટલું તો સમજાય છે કે લ્યૂથરનો વિરોધ કૅથલિક ચર્ચ સામે હતો, ખ્રિસ્તીધર્મ સામે નહીં. જ્યારે કબીરનો સીધો વિરોધ બ્રાહ્મણધર્મ સામે હતો, આજના સંદર્ભમાં વિચારીએ તો હિંદુધર્મ સામે હતો, મુસ્લિમધર્મ સામે વિરોધ હતો, નાથો સામે વિરોધ હતો, જૈન સામે વિરોધ હતો, બૌદ્ધ સામે વિરોધ હતો.

તમને ઢગલાબંધ લોકો એવા મળી જશે કે જે કહેતા ફરે છે કે પ્રભાવ પાડવાની બાબતમાં કબીર કરતાં તુલસીદાસ આગળ છે. હું આવી સરખામણીમાં માનતો નથી. કારણ કે તુલસીદાસ આજે ઓક્સિજન પર છે. તુલસીદાસને બચાવવા સરકારી મશીનરી લાગી છે, શૈક્ષણિક મશીનરી લાગી છે, ધાર્મિક મશીનરી લાગી છે. હવે આમાંથી કઈ મશીનરી કબીર સાથે છે? એકેય નહીં. છતાં ય કબીર લોકોમાં જીવે છે અને નિરોગી જીવે છે.” (પૃ. ૧૬૫)

ક્બીરના મૃત્યુ વિશે પણ નાયક નવો જ વિચાર રજૂ કરે છે. કબીરે જો બ્રાહ્મણવાદી વ્યવસ્થાના પાયા હચમચાવી નાખ્યા હોય તો સ્વાભાવિક છે કે કાશીના બ્રાહ્યણોને ધંધો ચોપાટ થઈ ગયો હશે, ધંધો ચોપટ થયા પછી બ્રાહ્મણો ચૂપ બેસી રહે એ તો બનવાનું નહીં. કબીરની મગહરકૂચથી તો બ્રાહ્મણવાદી વ્યવસ્થાને મરણતોલ ફટકો જ લાગ્યો હશે. વળી કબીર પર મુલ્લાઓ પણ કોપાયમાન હતા જ. બ્રાહ્મણો અને મુલ્લાઓની મિલીભગતે મગહર-કૂચ વખતે કે મગહરમાં કોઈક રાતે કબીરને હત્યા કરાવી દીધી હશે. લોકોમાં કબીરની હત્યાની થોડી ગંધ ગઈ હશે. લોકોના પ્રકોપને બહાર આવતાં પહેલાં દબાવી દેવા માટે કબીરને પહોંચેલી વ્યક્તિની વાત વહેતી કરી ફૂલોવાળી ચમત્કારિક ઘટના જોડી કબીરની લાશને ક્યાંક ઠેકાણે પાડી દીધી હશે.

વિચારપ્રધાન આ નવલકથાનું ગધ પણ નોંધપાત્ર છે. એના અણસારા સતત મળતા રહે છે. કેટલાક દષ્ટાંતો નીચે મુજબ જોઈ શકાય.

સિમેન્ટના તળિયા પર પડયા પછી અવાજ કરતા સ્ટીલના વાસણ જેવું અમારું ઘર થઈ ગયું.(પૃ. ૩૩) હીનાને ચુંબન કરતાં હીનાના હોઠ માતી હુકવણી જેવાં લાગે છે. (પૃ. ૪૧) માણિકાકી નાનું છોકરું હસે એમ હસી પડ્યા (પૃ. ૪૫) વાસમાં મારું રહેવું ઉત્સવ જેવું બની ગયું (પૃ. ૪૬) સરકારી બાંકડો ધૂળની ચાદર ઓઢીને ઊંઘતો હોય એવું લાગ્યું (પૃ. ૧) શિયાળાના ધાબળા જેવી બપોર હતી (પૃ. ૬) અફસાના હવે મને વર્ગના ગાલ પર ચોંટેલી ઝરી જેવી લાગે. (પૃ. ૧૧) બાપાના જવાથી વંટોળમાં ફંગોળાયેલી પ્લાસ્ટિકની થેલીની જેમ અમે ઊડવા લાગ્યા (પૃ. ૧૫) પાત્રોના સંદર્ભે પાત્રોના મેનેરેઝિમ્સ પકડ્યા છે. નોનસેન્સ બોલ્યા કરતો હાઉસમાસ્ટર, હાયહાય કરતી કૃતિ, રિસ્સલ બોલતો દીપક આ સંદર્ભે જોઈ શકાય.

આનો અર્થ એ નથી કે નવલકથામાં કોઈ મર્યાદા છે જ નહીં. કંટાળો, વિષાદ અનુભવતા નાયકનો નિરૂપિત વિચારવાયુ કેટલીક જગાએ વાચકને પણ કંટાળો આપે છે, કહી શકાય કે ત્યાં બિનજરૂરી પ્રસ્‍તાર છે. સામાજિક સંઘર્ષની આ નવલકથામાં સવર્ણોની સદંતર રહી શકાય એવી ગેરહાજરી પણ ખટકે છે. બીજું કે નાયકની ક્રાંતિકારી ચેતના અને કાર્યોને પડકાર હંમેશાં ભારતીય સમાજમાં કુટુંબીજનો તરફથી ફેંકાતો હોય છે. નાયકની આવી આકરી કસોટી પણ અહીં નજરે ચઢતી નથી. હૉસ્ટેલની ચર્ચાઓ, ચાલીની ભજનમંડળીઓની ચર્ચાઓ, ચાલીમાં દલિત બાળકોને એનું ભણાવવું ચોક્કસ એક વાતાવરણ સર્જે છે પણ સદીઓથી જડ, ચુસ્ત થયેલી સામેની સત્તા એને વિશેષ હંફાવતી નથી એવું લેખકે ગોઠવ્યું છે! દલિત સમાજના પ્રશ્નો પણ રજૂ થયાં જ છે. સામાજિક કુરૂઢિઓ, સમાજના વડીલોની લગ્ન વગેરે બાબતમાં વાંધા વચકા કાઢી પૈસા-દારૂ પામવાની વૃત્તિ પણ અન્ય સમાજની માફક અહીં છે. પ્રગતિશીલ વિચારોના પ્રસાર કરનારી આ હેતુલક્ષી નવલકથા ભલે કળાકીય ધોરણે ઉત્તમ ન ઠરતી હોય પરન્તુ પોતાનો ‘હેતુ’ પાર પાડવામાં ચોક્કસ સફળ થાય છે. અંતે હું કહી શકું આ ‘ફેરફાર' નવલકથા ગુજરાતી દલિત નવલકથામાં આવેલ ફેરફારનું ધારદાર વળાંકનું તેમ જ આંબેડકરી નવલકથાનું દષ્ટાંત છે.

લેખક ઉમેશ સોલંકીએ ૨૬ પ્રેમકાવ્યો' અને આ નવલકથાનું જાતે જ પ્રકાશન કર્યું છે. ઠેરઠેર યુવાનો સાથે આ નવલકથા/કાવ્યો નિમિત્તે ચર્ચાઓ કરી છે. નવલકથા અને કવિતાના માધ્યમથી સમાજમાં ક્રાંતિકારી ચેતના પ્રસરાવવાનો એમનો હેતુ બર આવો એવી શુભેચ્છા. વળી, હજુ લેખક નાની વયના છે તેથી એમના દ્વારા વધુને વધુ ક્રાંતિકારી સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ઉમેરાશે એવી આશા રાખી શકાય. ખાસ કરીને આજના ગુજરાતી સાહિત્યમાં તેમ જ સમાજમાં આવી રચનાઓની વિશેષ જરૂર છે.

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી 2021, પાના-નંબર 23થી 33

Category :- Opinion / Literature