‘ઋણાનુબંધ’ : પન્ના નાયક

બકુલા ઘાસવાલા
30-11-2020

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફિયામાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (૧૯૬૭) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટી.વી. પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે — દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.” 

— પન્ના નાયક

ગુજરાતી સાહિત્યની ઢગલાબંધ વાર્તાઓ વાંચવાનું બન્યું છે. એને સ્ત્રીની દ્રષ્ટિથી તપાસવાનું પણ બન્યું છે, તો પણ પન્નાબહેનની બિન્ધાસ્ત, પારદર્શક, વાસ્તવિકતાનું નિરૂપણ કરતી અને હળવી શૈલીમાં પણ લખાયેલી બે-ત્રણ વાર્તા સમેત પંદરેક જેટલી ડાયસ્પોરા વાર્તાઓ માટે પણ કહી શકાય જે એમણે ઉપર કવિતાઓ માટે લખ્યું છે. એટલે જ કદાચ વાર્તા, કવિતા બન્ને વિશે અભિવ્યક્તિ સાથે સાથે પણ થઈ જાય તો નવાઈ નહીં. નીના પટેલ અને દેવિકા રાહુલને પણ ડાયસ્પોરા સાહિત્યમાં પન્નાબહેન સાથે વાંચ્યાં છે. નારીવાદીઓની વિવિધ જ્ઞાતિમાં પન્નાબહેન ક્યાં બંધબેસે તે વિશે મારે વિચારવું નથી કારણ કે સ્ત્રી કેન્દ્રિત વિચારવું અને કોઈ પણ જાતના છોછ વગર લખવું એમને સહજ છે. કદાચ બંધિયાર મગજને વાંચતી વખતે હેં! પણ થઈ જાય છતાં માનવમનની ગડીઓ ઉકેલવામાં જેમને રસ હોય તેમનું બંધિયારપણું હવડ મગજનાં બારણાં ખોલી મુક્તિનો અહેસાસ કરાવી શકે.

આ વાર્તાઓ વાંચતાં વિચારું કે આ વિષય પર તો વાર્તા આવી જ નહીં અને ખૂલ જા સીમ સીમ જેવી વાર્તા પ્રગટે. વર્ષો સુધી અમેરિકા રહ્યા પછી ઘરઝુરાપાથી લઈ બે પેઢીનું અંતર અને સમન્વય, નિજી દ્રષ્ટિએ ત્યાં ઉછરતી બીજી-ત્રીજી અને હવે તો ચોથી પેઢી વિશે પણ પન્નાબહેનનાં વાર્તા, લેખો, કાવ્યો પ્રકાશ પાડે છે. બ્યાસી-ત્યાસી વર્ષે સોળ વરસની કાચી કુંવારી મુગ્ધ કન્યાની શારીરિક અને માનસિક અવસ્થાને તેઓ ઉજાગર કરતાં પોતાની વાત કહી શકે છે. પોતાનાં માતાપિતા, સંયુક્ત કુટુંબ, અમેરિકાની સ્વ-તંત્રતા, સ્વ-છંદ સાથે સમાંતર ચાલતી જવાબદારીભરી જિંદગીની એકલતા અને એકલવાયાપણાં વચ્ચે જડી જતી મનમોહક મૈત્રી અને સહવાસસભર આનંદમય ક્ષણોને ઝડપી લઈ માણતાં એમને આવડ્યું છે. બંધિયાર સમાજ વચ્ચે મુક્તિ શોધતાં એમને આવડ્યું છે કારણ કે એ પોતે મનથી જ મુક્ત છે. તેઓ જિંદગીનાં અંતિમ પડાવે નટવર ગાંધી સાથેના સહવાસને માણે છે, પ્રમાણે છે, પોતાની મનમરજી અકબંધ રાખીને જીવે છે અને લખે છે કે એમને નટવર ગાંધીમાં ‘ઈચ્છાવર’ જડ્યો છે. પોતાનાં ગુલાબ પ્રત્યેના પ્રેમને માટે તેમણે કરેલા શબ્દપ્રયોગ છે, ‘ગુલાબગાંડી’. આ ગુલાબગાંડી અને આકંઠ કાવ્યને જ્યારે સવારે ‘ઈચ્છાવર’ સોનેટ અર્પણ કરે, ત્યારે સુખની વ્યાખ્યા કરવાનું કામ જ શું છે! અહીં તો મોસમ છલકે અને સુખ પણ છલકે. પન્નાબહેન, આ તો મીઠી ઈર્ષ્યા થાય તેવું છે! 

એમની એક કવિતા જોઈએ. 

દિવાળીની રજાઓ માણવા હું દેશ ગઈ હતી.
મારાં માને, મારા બાપુને, મારાં કુટુંબીઓને,
સ્વજનોને, પરમ મિત્રોને—સૌને મળી. અરે,
મારા બાળપણના ઘરને અને હજી ય ફૂલડાં
વેરતાં મારાં વૃક્ષોને મળી. અવર્ણનીય મઝા
આવી ગઈ! હૈયું તરબતર થઈ ગયું.
અને આ બધાંમાં મારી પરદેશી નોકરી
સાવ ભુલાઈ ગઈ.
થોડા સમય પછી હું નોકરીએ પાછી આવી છું.
કમાલ એવી છે કે અહીં કોઈ મને
ઓળખતું જ નથી!
મારી boss એની એ જ. એનું મન
પુરુષનું છે ને તન સ્ત્રીનું. અતિશય મહત્ત્વાકાંક્ષી,
સૌની જેમ મને ય એ મહોરાવાળું સ્મિત
ક્યારેક આપે છે. એને ને મને ઠીક ઠીક
બને છે.
અમારા બન્નેના ઉપરી પણ હજી એ જ છે.
એક હાથે મૂછને વળ દેતા અને બીજે
હાથે પાટલૂનના ખીસાનું પરચૂરણ ખખડાવતા
આખા મકાનમાં આંટા મારી સૌને સૌની
‘duty’નો અર્થ સમજાવે છે.
મારી સાથે કામ કરતાં મીડોરી વિલ્મા, નેન્સી,
ઇલિઝાબેથ, કેની, જ્હોન, બિલ—સૌ સૌના ડેસ્ક
પર છે.
મને કોઈ ઓળખતું નથી. તદ્દન નવી,
અપરિચિત વ્યક્તિ લાગું છું. ક્યારેક કોઈક
મને સ્મિત આપે છે ત્યારે ઘડીભર … ના, ના,
એ તો સહજ formality.
હું પૈડાંવાળી ખુરશી ઘસડી મારા ડેસ્ક પાસે બેસું છું.
ડેસ્ક પરનાં મારી સામે મીટ માંડતાં પુસ્તકો, બારે માસ
તાજગી આપતો મની-પ્લાન્ટ, ડેસ્કના ડાબા ખાનામાં
સચવાયેલા પત્રો, જમણી બાજુનું ટાઇપરાઇટર અને ડેસ્ક
પર લટકતું (ગઈ એ દિવસની તારીખ બતાવતું) કૅલેન્ડર—
સૌ મને પરિચિત આવકાર આપે છે અને બોલી ઊઠે છે :
“Oh, we missed you very much.”

પન્નાબહેન ફક્ત ઘર, સ્વજનો, દેશ-વિદેશ વિશે જ પિષ્ટપેષણ કરે રાખે છે એવું લાગે પણ એમ નથી.એમનું ચિંતન સ્વથી સમષ્ટિ અને જગતના વિવિધ પ્રવાહો વિશે પણ વિસ્તર્યું છે. ખાસ કરીને સાહિત્ય સર્જન અને સંબંધિત પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, પુસ્તકાલય સંલગ્ન અભિક્રમ સાથે વાસ્તવિકતાનું ચિત્રણ એમણે સુપેરે કર્યું છે. નટવર ગાંધી સાથે દેશપરદેશ પ્રવાસનો આનંદ માણ્યો તો તેની વાત પણ કરી છે. તો સમાંતર હાંસિયામાં સીમિત મુસ્લિમ સાહિત્ય કે એકતા વિષયક વર્ણનમાં મંજુબહેન ઝવેરી, શરીફા, સરૂપબહેન, સૌમ્ય જેવાં સર્જક-વિવેચકો એમને યાદ આવે છે. મનસુખભાઈ ઝવેરી, સુરેશ દલાલ, રવિશંકરજી કે ઝકિર હુસેનને પણ તેઓ અવારનવાર યાદ કરી લે છે. ઉમાશંકર જોષી, સાંઈ મકરંદ કે નારાયણકાકા જેવા અનેક દિગ્ગજોના યજમાન રહી ચૂકેલાં પન્નાબહેનને પોતાનું ફિલાડેલ્ફિયાનું ઘર એટલું હ્યદયસ્થ છે કે તેઓ એ ઘર છોડીને કાયમ માટે વોશિંગ્ટન રહેવાનું વિચારી શકતાં નથી કારણ કે એમને માટે એ માલમિલકત નથી પણ ઘર છે.\

પુસ્તકમાં ગાંધીજીનો ઉલ્લેખ ધ્યાનાકર્ષક છે અને એ વિશે ખાસ્સી ચર્ચાને અવકાશ છે પરંતુ હવે હું વિચારપૂર્વક ગાંધી આચાર-વિચાર પર ચર્ચા કરતી નથી, એટલે ફક્ત નોંધ લઈ મારા લેખનું સમાપન કરીશ. પુસ્તકનું નામ ઋણાનુબંધ છે. સુરેશ દલાલને અર્પણ થયું છે. પન્નાબહેન માને છે કે એમની સર્જનપ્રક્રિયામાં સુરેશભાઈનું પ્રોત્સાહન પ્રાણવાન રહ્યું છે. ‘એકત્ર ફાઉન્ડેશન’ના અતુલ રાવલ, અપૂર્વ આશર અને હિતેન આનંદપરા, કમલ થોભાણીને એમણે ખાસ યાદ કર્યા છે. સુરેશભાઈને યાદ કરે તો આપોઆપ ‘ઈમેજ’ અને  ઉત્પલ ભાયાણી યાદ આવે જ.

આ ડિજિટલ પુસ્તક પન્ના નાયકની વિશિષ્ટ કૃતિઓનું સંકલન છે જેને ‘પન્ના વિશેષ’ કે ‘સમગ્રતામાં પન્ના સર્જન’ પણ કહી શકાય. હજી એક વાત લખવાનો લોભ રોકી શકતી નથી. પન્નાબહેનના દાદાએ ‘ઈરાવતી’ પુસ્તક લખેલું અને મારાં માનું નામ ઈરાવતી છે જેને અમે ઈરા કહીને સંબોધીએ. ઈરા અને પન્નાબહેનની ઉંમર સરખી. એટલે જ મેં પન્નાબહેનના મધરાતના પ્રશ્ન પરથી એક અનુકૃતિનું સર્જન કર્યું છે. પન્નાબહેનને નવાઈ લાગશે પરંતુ નાયક અટકનાં કારણે અનાવિલો એમને પોતાનાં જ માને છે તે એટલી હદે કે અનાવિલ સાહિત્યકારો નામનાં ગ્રંથમાં પન્ના નાયકનો સમાવેશ છે .મેં સંપાદકનું ધ્યાન દોરેલું તો પણ એમને વિશ્વાસ બેઠો નહીં પછી મને થયું કે મારું અને પન્નાબહેનનું કુળ તો એક છે તો પછી તેઓ પણ અનાવિલ કારણ કે અનાવિલનો એક અર્થ દોષ રહિત કે નિર્દોષ થાય છે. Love you. 

તો લ્યો, આ પન્નાબહેનનું પ્રથમ કાવ્ય; 

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશૉટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય?

પન્નાબહેન, ટાંગી જ શકાય ………

--

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001, Gujarat, India.

Category :- Opinion / Literature