'હેલો, આ એકટ્રેસોનું શું છે?'
'શું હોય? બધીઓ માંદી છે.'
'મેં તો જુદું જ સાંભળ્યું છે.'
'શું?'
'એ જ કે બધી ડ્રગ્સ લે છે.'
'તે બરાબર જ છેને ! '
'એ કઈ રીતે?'
'માંદી હોય તો જ ડ્રગ્સ લેને!'
'હેલો, તું ડોબીની ડોબી જ રહી !'
'તે કઈ રીતે?'
'હું દવાની નહીં, 'ડ્રગ્સ'ની વાત કરું છું.'
'ડોબી હું નથી, તું છે.'
'તે કઈ રીતે?'
'હવે માંદા હોય તે જ ડ્રગ્સ લે એવું નથી.'
'એમ? તો, તો કાલથી હું પણ લઈશ.'
'હવે તો લોકો જુદી રીતે નશો કરે છે.'
'મને તો ખબર જ નહીં !'
'તો શું? આ લોકો તો ખાંસીના સિરપ લે છે,'
'તે તો ખાંસી રોકવા હશે.'
'કપાળ તારું. ખાંસી રોકવા આખી બાટલી ?'
'ઓત્તારીની ! આ હાળું ખરું.'
'લોકો તો સિરપમાં સોડા નાખીને ઢીંચે છે.'
'એ ખરું. દવાની દવા ને નશાનો નશો.'
'દવા ને દારૂ એ બધું જુદું નથી કૈં !'
'હા, હવે તો દવા જ દારૂ થઈ ગઈ છે !'
૦
દંડને દંડવત …
૦
પોલીસ : એઈ, માસ્ક ક્યાં છે?
ચોર : આ રહ્યું.
પોલીસ : તે ગજવામાં કેમ રાખ્યું છે?
ચોર : માસ્ક ચોરેલું છે.
પો : તે પહેર્યું કેમ નથી?
ચો : પહેરું તો ચોર લાગુને !
પો : એ તો મંત્રીઓ પણ પહેરે, ને તું તો ચોર જ –
ચો : ચોર નથી. ખાલી માસ્ક ચોર્યું છે.
પો : તે ચોર જ કહેવાય.
ચો : સોરી. માસ્ક ચોર્યું, પણ પહેર્યું નથી.
પો : પહેર્યું કેમ નથી?'
ચો : પહેરતાં આવડતું નથી.
પો : પહેરાવી આપું. બોલતો કેમ નથી?
ચો : થેંક યુ !
પો : એઈ, જાય છે ક્યાં?
ચો : હવે શું છે?
પો : દંડ લાવ.
ચો : શેનો દંડ?
પો : માસ્ક નથી પહેર્યું તેનો.
ચો : આ શું, માસ્ક પહેરેલું તો છે.
પો : પહેલાં નો'તું પહેર્યુને !
ચો : હવે તો પહેરેલું છેને !
પો : તે નહીં ચાલે.
ચો : તો કાઢી નાખું?
પો : બકવાસ નહીં ! ફાઈન ભર !
ચો : ફાઈન? વેરી ફાઈન !
પો : વેરી ફાઈન નહીં, ફાઈન ! દંડ !
ચો : કેટલો?
પો : હજાર રુપિયા !
ચો : પૈસા જ નથી.
પો : ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ પણ ચાલશે.
ચો : કાર્ડ હોત તો માસ્ક શું કામ ચોરતે ?
૦
અટપટું ચટપટું
૦
'પપ્પા, આ વિચિત્ર લિંક ભણવામાં આવી છે.'
'અરે ! આ તો deoએ મોકલી છે ! '
'એ શું છે?'
'એ પોર્ન લિંક છે.'
'એટલે શું? સમજાયું નહીં.'
'એ તો તારા deoને પણ સમજાયું નથી.'
'આવું મારે ભણવાનું?'
'મારે ભણવાનું તે તને મોકલી દીધું લાગે છે.'
૦
'હવે દાળ-શાક આવશ્યક ચીજોમાંથી પણ બાકાત?'
'હા. ગરીબો માટે ઝેર જ આવશ્યક રહ્યું છે હવે તો!'
૦
૦૦૦
પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 30 સપ્ટેમ્બર 2020