કોન્ટ્રેક્ટ કિલર

નીરવ પટેલ
27-09-2020

તારી ગણતરી ખોટી છે
મા પાસે હાલરડાં સાંભળ્યાં,
બાપુ સાથે ચકાચકીની વાર્તા સાંભળી,
ધૂળમાં રમતાં રમતાં એકડો ઘૂંટ્યો,
મને ન ચાહતી એક ઉજળિયાત કૉલેજિયન છોકરીના પ્રેમમાં પડ્યો
સંસાર જોડ્યો, છોકરાં થયાં,
નોકરીએ જોતરાયો, નિવૃત્ત થયો,
૫-૧૫ દલિત કવિતાઓ લખી ...
ત્યાં તો મૂઆ કાળમુખા,
તું ડાબે પગે ડંખ મારી કહેવા લાગ્યોઃ
ચાલ, વખત પૂરો થયો!
નક્કી તારી ગણતરીમાં કાંઈક ગરબડ છે,
મને તો સો શરદના આશીર્વાદ મળ્યા હતા,
આટલામાં મારો ભવ પૂરો થાય કઈ રીતે?
મારું તો હજી બધું ય બાકી છે,
ઇર્ષ્યાખોર, ખૂંચી ખૂંચીને હું તને શું ખૂંચું છું?
એક પિપૂડી જ તો વગાડું છું :
મારા સમાજ કે ઈતર સમાજોને સંભળાય
એ પહેલાં તને ક્યાંથી સંભળાઈ ગઈ?
મારી ફૂંક છીનવીને તું શું કરીશ?
મારી પિપૂડીથી ય પાવરફુલ
દલિત કવિતાની કૂખે કુસુમ-શીતલ જેવી
સેંકડો નવી દુંદુભિઓ જન્મી ચૂકી છે.
તું મારો કોન્ટ્રેક્ટ કિલર તો નથી ને?
મેં હમણાં જ લીન્ચિંગથી છળી મરીને
મારા કેન્સરગ્રસ્ત ફેફસાંની ય પરવા કર્યા વિના
પૂરજોરથી પિપૂડી વગાડી હતી!

નીરવ પટેલના અવસાન પછી પ્રગટ થયેલા તેમના કાવ્યસંગ્રહ ‘વૉન્ટેડ પોએટ્સ’, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ-માંથી સાભાર

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 14

Category :- Poetry