સમજણની ગોળી

આશા વીરેન્દ્ર
05-09-2020

આજે સવારથી સુમિબેન ઉદાસ હતાં. જીવને કંઈ ચેન પડતું નહોતું. હંમેશ હસતી રહેતી પત્નીને આમ ભારેખમ ચહેરો લઈને ફરતી જોઈને વિનોદભાઈને નવાઈ લાગી. અંતે ન  રહેવાયું ત્યારે એમણે પૂછી જ લીધું, ‘મેડમ, શું વાત છે? આજે મૂડ કેમ બગડેલો છે?’

સવાલ પુછાતાંની સાથે જાણે ‘રોતી’તી ને પિયરિયાં મળ્યાં’ જેવો ઘાટ થયો. સુમિબેનની આંખોમાંથી ડબક ડબક આંસુ સરી પડ્યાં, ‘મને નથી ગમતું અહીંયા. ચાલોને પાછાં મુંબઈ જતાં રહીએ!’

‘તારું મગજ તો ઠેકાણે છે ને? આપણને લંડન આવ્યાને પૂરા પંદર દિવસ પણ નથી થયા. છ મહિના પછીની ટિકિટ લઈને આવ્યાં છીએ. ને તને જ કેટલી હોંશ હતી અહીં આવવાની ! ગયે વખતે આપણે લંડન આવ્યાં …’

‘હા,હા, યાદ છે બધું,’ પતિને વચ્ચે જ અટકાવતાં સુમિબેને કહ્યું, ‘છેલ્લે બે અઢી વર્ષ પહેલાં અહીંથી પાછાં ફરતાં હતાં ત્યારે મેં વિશાલ અને વંદનાને કહેલું કે અમને એટલી મજા આવી કે, જલદી જલદી ફરીથી આવીએ એવું મન થાય છે. ત્યારે હું એવું બોલેલી એ વાત સાચી પણ આ વખતે …’ એમણે પોતાની જીભ પર બ્રેક મારી. ‘ના, ના, કોઈને નથી કહેવું. મનમાં જ રાખવું છે.’

સગાં-સંબંધી કે આડોશી-પાડોશી સૌ કોઈ આ દંપતીના નસીબનાં વખાણ કરતાં, ‘તમે તો ભારે નસીબદાર! મુંબઈમાં રહો કે લંડનમાં, બે ય ભાણાંમાં લાડવો છે તમારે તો! દીકરાઓ અને વહુઓ તમારી આરતી ઉતારે છે ને પોતરા-પોતરીને તો દાદા-દાદી મળ્યાં એટલે જાણે સ્વર્ગ મળ્યું !’

એમ તો સુમિબેન પણ પરિવાર તરફથી મળતાં માન-સન્માન અને પ્રેમથી સંતુષ્ટ હતાં. ગઈકાલે વિશાલ સાથે મોલમાં જવા માટે વિનોદભાઈ ગાડીમાં બેસી ગયા હતા અને સુમિબેન બેસવા જતાં હતાં ત્યાં જ યાદ આવ્યું કે અરે ! ચશ્માં લેવાનાં તો રહી ગયાં. એ ચશ્માં લેવા પાછાં ઘરમાં ગયાં ત્યાં સુધી બધું બરાબર હતું.

પોતાની પાસેની લેચ કીથી બારણું ખોલીને ચશ્માં લેવા જાય ત્યાં વંદનાએ સ્પીકર પર રાખેલા ફોન પર એની બહેનપણી રીટાનો અવાજ સંભળાયો, ‘વંદુ, સાસુ-સસરાને ઇન્ડિયાથી બોલાવવાના ઘણા ફાયદા છે. જો, તને સમજાવું. એક તો એનાં મા-બાપની હાજરીથી આપણો વર ખુશ રહે. બીજું, છોકરાંઓનો ચાર્જ એમને સોંપી દઈએ એટલે આપણે જે કરવું હોય એ કરવા માટે છુટ્ટાં. ત્રીજું, સાસુમાની રસોઈનાં વખાણ કરીએ એટલે એ ખુશ થઈને રોજ નવી નવી વાનગી બનાવતાં રહે ને આપણે માથેથી કિચનનું કામ ઓછું થાય. હજી તો લાંબું લિસ્ટ છે. બોલ, ગણાવું?’

વહુની વાત સાંભળવાનો ઈરાદો ન હોવા છતાં વંદના શું જવાબ આપે છે એ સાંભળવા સુમિબેને કાન સરવા કર્યા. જો કે મનમાં તો પૂરી ખાતરી હતી કે, હમણાં વંદના કહેશે, ‘ના, હું કંઈ મારા ફાયદા માટે એમને નથી બોલાવતી. એ લોકો આવે એ સાચે જ મને બહુ ગમે છે. મારાં સાસુ તો એટલાં પ્રેમાળ છે કે …’ ત્યાં તો વંદનાનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો, ‘બસ બસ, બહુ સાંભળી લીધા ફાયદા. હવે થોડા ફાયદા બીજા ફોન માટે બાકી રાખ. અત્યારે મને જરા ય ફુરસદ નથી.’

ખલાસ! સુમિબેનના કાળજામાં વંદનાનું હાસ્ય ફાંસ બનીને ખૂંપી ગયું. ત્યારથી એમના મનમાં ગડમથલ ચાલુ થઈ ગઈ હતી. વંદના મારે માટે જાત જાતની ભેટ સોગાદ લાવે છે; મમ્મી-પપ્પા, ચાલો, હોટેલમાં જમવા જઈએ, વીક એંડમાં ફરવા જઈએ – એવી વાતો કરે છે, ઉમળકો બતાવે છે એ બધું શું માત્ર દેખાવનું જ? રીટાની વાતના જવાબમાં એ હસી એનો અર્થ એ કે એના બતાવવાના અને ચાવવાના જુદા છે.

સાંજે વિશાલ પૂછવા આવ્યો કે, ‘મમ્મી, આજે રૂમમાં કેમ બેસી રહ્યાં છો? બહાર આવોને!’ ત્યારે એમણે બહાનું કાઢ્યું, ‘માથું દુ:ખે છે. તબિયતમાં મજા નથી. વંદનાને કહેજે કે મારે આજે જમવું પણ નથી.’ થોડી વારમાં વંદના દૂધનો ગ્લાસ અને સફરજન લઈને આવી પહોંચી, ‘મમ્મી, અત્યાર સુધી બોલ્યાં કેમ નહીં કે તબિયત બરાબર નથી? કહ્યું હોત તો દવા આપી દેત ને! હવે  દૂધ પી, ફ્રૂટ ખાઈને આ ટેબ્લેટ લઈ લો. પછી આરામ લાગે તો બધાં સાથે બેસીને થોડું જમજો.’ પછી હસીને બોલી, ‘તમે તો મારો પ્રોગ્રામ ફ્લોપ કરી નાખ્યો. તમારા હાથની ડબકાવાળી કઢી ખાવા મળશે એમ કરીને મેં બધી તૈયારી કરી રાખી હતી. ચાલો, વાંધો નહીં. બધાંનાં નસીબમાં મારા હાથનું જ ખાવાનું લખ્યું હોય તો શું થાય?’

એના ગયા પછી સુમિબેન વિચારે ચઢ્યાં. આ હું શું કરી રહી છું? નાની એવી વાતનું વતેસર કરીને શા માટે વાતાવરણને ડહોળી રહી છું? એકાએક એમને પોતાનાં સાસુ યાદ આવ્યાં. ભણેલી ભલે નહીં પણ જીવનનું ગણતર ગણી ચૂકેલી સ્ત્રી. વસ્તારી ઘરમાં કોઈને પણ નાનું એવું ય મનદુ:ખ થાય ત્યારે કેવી સરસ રીતે સમજાવતાં !

‘જો બેટા, આપણે જે રંગનાં ચશ્માં પહેર્યાં હોય એનાથી જ દુનિયાને જોશું તો આખી દુનિયા એ જ રંગની દેખાશે પણ બીજાની નજરે પણ જોઈએ ત્યારે સાચું સમજાય. ને મનમાં ખોટા વહેમ રાખી જીવવું નહીં. દૂધને ફાડવા માટે લીંબુનાં બે ટીપાં જ પૂરતાં હોય છે એમ એક નાની એવી ગેરસમજ આખા ઘરની શાંતિ છીનવી લે છે.’ દિવંગત સાસુના સ્મરણે એમને પોતાની ભૂલનું ભાન કરાવ્યું. રસોડામાં જઈ એમણે વંદનાને કહ્યું, ‘બધું તૈયાર છે ને? લાવ, ડબકાવાળી કઢી બનાવી કાઢું. તારો પ્રોગ્રામ ફ્લોપ નહીં થવા દઉં.’

‘અરે મમ્મી, હમણાં તો તમને માથું દુ:ખતું હતું ને આટલી વારમાં કઢી બનાવવા તૈયાર થઈ ગયાં? સૂઈ રહોને મમ્મી!’

‘ના બેટા, તેં આપેલી ગોળીથી ઝટ સારું થઈ ગયું. હવે જરા ય માથું નથી દુખતું.’

ને પછી એ સ્વગત બોલ્યાં, ‘મારી વહુએ મને દવાની ગોળી આપી અને સાસુએ સમજણની ગોળી આપી પછી મનમાં પેઠેલા ભૂતનો ભાગ્યા વિના છૂટકો છે?’

(મૃણાલિની ધૂલેની મરાઠી વાર્તાને આધારે)

https://bhoomiputra1953.com/2020/09/04/સમજણની-ગોળી/

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2020

Category :- Opinion / Short Stories