અહિંસક ક્રાન્તિ

આચાર્ય કૃપાલાણી
18-03-2020

સત્યાગ્રહવિશેષ

સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.

દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે.

•••

સત્યાગ્રહ

પહેલાંના જમાનામાં જે કદાચ શક્ય નહોતું તે આજે શક્ય બન્યું છે. આજે દુનિયા એવી સંગઠિત થઈ છે કે તેના જટિલ તંત્રને સત્યાગ્રહથી, હડતાલ અને અસહકારથી કામ કરતું અટકાવી શકાય. વળી, આધુનિક જમાનામાં અંતરો ઓછાં થઈ ગયાં છે અને રાજકીય લોકશાહી આગળ વધી છે અને સૌને માન્યતા, વાણી, છાપાં અને મંડળીની છૂટ મળી છે એટલે દુનિયા લોકમત વિશે વધુ સંવેદનશીલ બની છે. ઔદ્યોગિક ક્ષેત્રમાંના ઝઘડા પતાવવામાં જે બને છે તેમાં આનું દૃષ્ટાંત જોઈ શકાય એમ છે. જો મજૂરો વ્યવસ્થાપકોને સહકાર ન આપે તો આખો ને આખો ઉદ્યોગ ઠપ્પ કરી દઈ શકાય છે. એક ઉદ્યોગ બંધ પડે એટલે આજે તો તેની અસર બીજા અનેક ઉદ્યોગો ઉપર પણ પડે છે. મજૂરો જો સામાન્ય હડતાલ પાડે તો વધુમાં વધુ સુસંગઠિત આધુનિક રાજ્યને પણ સમાધાન કરવાની ફરજ પડે. રાજ્યનાં યુદ્ધનાં અને વિનાશનાં યંત્રો જ વિવિધ ક્ષેત્રને મજૂરોના સહકાર વિના નકામાં થઈ પડે.

પહેલાં કદી નહોતું સમજાયું એટલી સ્પષ્ટ રીતે આજે એ સમજાયું છે કે જુલમ ચાલુ રાખવા માટે મજલૂમની નિષ્ક્રિય સંમતિ ઉપરાંત તેમનો સક્રિય સહકાર પણ કોઈ પણ ઉપાયે મેળવવો પડે છે. ગરીબો અને દલિતોને બાંધનારી સાંકળ મોટે ભાગે તેમણે પોતે જ ઘડેલી હોય છે. તેઓ જે ક્ષણે મદદ કે સહકાર આપવાનો ઇનકાર કરે તે જ ક્ષણે ઉદ્યોગપતિઓના, વેપારીઓના અને સરકારના અન્યાય, અત્યાચાર અને શોષણનું આખું તંત્ર જ તૂટી પડે. આ જ કારણે મજૂર સંગઠનની ચળવળ શક્ય જ નહીં પણ ભયજનક થઈ પડી છે. આમ જનતા એક વાત ઉત્તરોત્તર વધુ ને વધુ સમજતી થઈ છે કે પોતે જ બધી સત્તાનું મૂળ છે, બધા ઉદ્યોગો, વેપાર અને રાજવહીવટની કરોડરજ્જુ છે. તેમણે પોતાના ન્યાય અધિકારો મેળવવા માટે સંગઠિત થઈને એકબીજા સાથે સહકાર કરવાની અને તેમના હિતની વિરુદ્ધ કામ કરનાર સામાજિક, આર્થિક કે રાજકીય સત્તા સાથે અસહકાર કરવાની જ માત્ર જરૂર છે. હડતાલ અથવા તો સામાન્ય હડતાલ સુધ્ધાં વ્યવહારુ રાજકારણમાં ક્ષેત્રની બહારની વસ્તુ છે એવું આજે તો કોઈ સ્વાર્થી અને મૂર્ખ હોય તે જ માને. આજે તો સૌ કોઈ સ્વીકારે છે કે મજૂર સંઘો ન ઊભા થયા હોત, અને તેમણે હડતાલનું હથિયાર ન વાપર્યું હોત તો મજૂરોને લગતા ઘણા મહામૂલા સુધારાઓ થઈ શક્યા ન હોત. જેને લીધે હડતાલ શક્ય અને કાર્યસાધક બને છે તેને જ લીધે વિશાળ પાયા ઉપરનો સત્યાગ્રહ પણ શક્ય બને છે. એના જેવાં જ સંગઠન, વ્યૂહરચના અને કાર્યપદ્ધતિ સત્યાગ્રહ માટે પણ પૂરતાં છે. બાહ્ય વ્યવહારુ પગલાંઓમાં ઝાઝો ફેર નહીં હોય, માત્ર એ બંનેની પાછળ કામ કરતી અને વ્યાપી રહેલી ભાવના જુદી હશે.

ઔદ્યોગિક હડતાલના પાયામાં સ્વાર્થ, વિરોધ અને વર્ગદ્વેષ રહેલા છે. એની પાછળનો સિદ્ધાંત વર્ગ વર્ગ વચ્ચેની હરીફાઈ અને દ્વેષનો છે. એવું માનવામાં આવે છે કે એક વર્ગની હાનિ તે બીજાનો લાભ છે. આ દુશ્મનાવટ અને દ્વેષ હોવા છતાં, ઔદ્યોગિક હડતાલો વ્યવહારુ કારણોસર હિંસાને ટાળે છે. જેમણે સફળતાપૂર્વક હડતાલોનું સંચાલન કર્યું છે તેઓ અહિંસાનું મૂલ્ય સમજે છે. તેઓ જાણે છે કે વિજયી થવા માટે એક સારી કાર્યનીતિ તરીકે અહિંસાને કાળજીપૂર્વક વળગી રહેવું આવશ્યક છે. તેઓ સમજે છે કે તેમની સામે વાપરી શકાય એવું શારીરિક બળ એટલું તો પ્રબળ અને સુસંગઠિત છે કે તેઓ પોતાના માણસોનું ધૈર્ય શાંતિપૂર્ણ પદ્ધતિથી જ ટકાવી રાખી શકે અને એ રીતે તેમને ધનવાનોથી દબાયેલી સરકારોના આતંક જગાડે એવા બદલાથી અને પરિણામે ધૈર્ય ગુમાવી બેસવાથી બચાવી શકે. ઘણી વાર હડતાલિયાઓને હિંસા કરવા ઉશ્કેરીને અને ઉત્તેજન આપીને હડતાલને તોડી પાડવાનું ઉદ્યોગપતિઓને વધારે સોંઘું, સહેલું અને લાભકર્તા લાગે છે. શાંતિપૂર્ણ હડતાલમાં હિંસા દાખલ કરવા માટે ઉશ્કેરણી કરનાર ભાડૂતી માણસોનો ઉપયોગ જાણીતી વસ્તુ છે. ઔદ્યોગિક હડતાલોની વ્યૂહરચના હંમેશાં શાંતિપૂર્ણ અને અહિંસક પદ્ધતિઓ વાપરે છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં જે વસ્તુ કાર્યનીતિને કારણે આવશ્યક બની જાય છે તે જ સત્યાગ્રહમાં જીવનસિદ્ધાંત બની જાય છે. એ જ સંગઠિત જીવન-માત્રનો પાયાનો સિદ્ધાંત છે. દેખીતો સ્વાર્થવિરોધ હોવા છતાં સત્યાગ્રહી જીવમાત્રની મૂળભૂત એકતા સ્વીકારે છે. હડતાલિયો જે વસ્તુ નબળાઈને કારણે, તાકાતના અને હથિયારના અભાવે કરે છે, તે જ સત્યાગ્રહી નૈતિક બળને જોરે કરે છે. તે જાણે છે કે યુદ્ધમાં પણ લશ્કરનાં શારીરિક બળ કરતાં તેની ટકી રહેવાની શક્તિ અને ધૈર્ય જ અંતિમ વિજય માટે વધારે મહત્ત્વનાં હોય છે. આથી તે ભૌતિક કરતાં નૈતિક ગુણો ઉપર વધારે વિશ્વાસ રાખે છે અને છતાં તે બાહ્ય સાધનોની ઉપેક્ષા કરતા નથી, પણ એ સાધનો વિનાશનાં નથી હોતાં. એ સાધનો સહકાર અને સંગઠનનાં હોય છે. તે સમજે છે કે જુલમગાર કેવળ પશુબળથી નહીં પણ પશુબળના સંગઠનથી વિજયી નીવડે છે. તે જુલમગારના હિંસક સંગઠનનો સામનો પોતાના અહિંસક સંગઠનથી કરે છે. તેમ છતાં એના અહિંસક સંગઠનમાં સહકાર આપનાર વ્યક્તિઓમાં સત્ય અને અહિંસા વિશેની શ્રદ્ધા અને પોતાના પક્ષે ન્યાય રહેલો છે એવી શ્રદ્ધામાંથી જન્મેલું ઉચ્ચતર ધૈર્ય હોવું આવશ્યક છે. નૈતિક સિદ્ધાંતોમાંની આ શ્રદ્ધા અને ન્યાય પોતાને પક્ષે છે એવી માન્યતાને કારણે સત્યાગ્રહી પોતાના હેતુ અને ધ્યેયને વિશે જ નહીં પણ પોતે જે સામગ્રી અને સાધનો વાપરે છે તેને વિશે પણ સાવધ રહે છે. તે અહિંસક છે એનું કારણ કોઈ દુઃખદ આવશ્યકતા કે અશક્તિ નથી પણ તેણે સ્વેચ્છાએ નૈતિક બળને જોરે અહિંસક રહેવાનું પસંદ કર્યું છે એ છે. આમ એ બહાદુર પણ છે અને નીડર પણ છે, જ્યારે સૈનિક માત્ર બહાદુર હોય છે.

પણ સત્યાગ્રહના આગેવાને એવા માણસો સાથે કામ પાડવાનું છે, જેમનું શિક્ષણ, જેમની બુદ્ધિ અને જેમની બહારની સમાનતા ઓછાવત્તાં હોય છે. જ્યાં તેને સાચા આંતરિક બળની ખાતરી નથી મળતી ત્યાં તે માત્ર આચારમાં અહિંસાથી ચલાવી લે છે, જેમ કોઈ ધાર્મિક સુધારક બાહ્ય આચારના પાલનથી સંતોષ માને છે અને આશા રાખે છે કે સતત આચરણ કરતાં રહેવાથી એની ટેવ પડી જશે અને તેને લીધે ચિત્ત ઉપર અસર થતાં અંતે તેનું હૃદયપરિવર્તન પણ થશે. તેમ છતાં, એ આગેવાન કેવળ યાંત્રિક નિયમપાલનની મર્યાદા પણ સમજે છે અને એની અસર ઓછી કરવા માટે તે સતત સાધનશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ ઉપર ભાર મૂક્યા કરે છે, પણ તેણે કોઈ પણ વ્યવહારુ માણસની પેઠે જોખમ તો ખેડવું જ પડે છે. જો કે સત્યાગ્રહનો આગેવાન સામાન્ય સૈનિક પાસેથી માત્ર બાહ્ય નિયમપાલન મળે તો ચલાવી લે છે, તેમ આંદોલનનું સંચાલન કરનાર પોતાના મુખ્ય મદદનીશોની બાબતમાં ન ચલાવી લઈ શકે.

પ્રતિકાર નિષ્ક્રિય નહીં

લોકો સત્યાગ્રહનો અનુવાદ અંગ્રેજીમાં ‘પૅસિવ રેઝિસ્ટન્સ’ (નિષ્ક્રિય પ્રતિકાર) અથવા ‘નૉન-કો-ઑપરેશન’ (અસહકાર) એવો કરે છે, પણ એ શબ્દો ભાગ્યે જ એનો સાચો અર્થ દર્શાવે છે. સત્યાગ્રહમાં નિષ્ક્રિયતા જેવું કંઈ છે જ નહીં. તેમ એ નકારાત્મક ખ્યાલ પણ નથી. એ તો કાર્ય કરવાનો, સંગઠન સાધવાનો, લડત ચલાવવાનો અને પ્રતિકાર કરવાનો હકારાત્મક સિદ્ધાંત છે. સશસ્ત્ર પ્રતિકાર પૂરતો એ નિષ્ક્રિય છે, પણ એનો નૈતિક પ્રતિકાર ભારે સક્રિય અને દૃઢ સંકલ્પવાળો હોય છે. આ નૈતિક વિરોધ જુલમ, અન્યાય અને પાપ સાથેના સહકારથી સીધી કે આડકતરી રીતે મળતા બધા લાભો જતા કરે છે. આનો અર્થ અવશ્ય એવો થાય છે કે લડતમાં ભાગ લેનાર વ્યક્તિઓનાં જીવન શુદ્ધ હોવાં જોઈએ. એને લીધે વ્યક્તિએ કેટલાક પ્રતિબંધો, મર્યાદાઓ અને સંયમ સ્વીકારવાં જ પડે. કેટલીક વાર કેટલીક એવી બાબતોને પ્રતિબંધ પણ સ્વીકારવો પડે જે પોતે મૂળભૂત રીતે વાંધાજનક ન હોય, પણ અમુક સંજોગોમાં વાંધાજનક થઈ પડે, જેમ કે સરકારી અમલદારો સાથેનો ગાઢ સંબંધ, પરદેશી વસ્તુઓનો ઉપયોગ અથવા ઇલકાબોનો સ્વીકાર અને ઉપયોગ, સરકારી શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ અને વિદેશી અદાલતોને સહાય. કારણ, આ વસ્તુઓ મારફતે વિદેશી સરકાર આપણા દેશ ઉપર પોતાનો પ્રભાવ અને કાબૂ ટકાવી રાખે છે અને મજબૂત કરે છે એમ લાગતું હતું. કોઈ વાર પ્રતિબંધ ખરેખર એવી વસ્તુઓનો કે કાર્યોનો હોય જે નિર્દોષ પણ ન હોય તેમ નીતિનિરપેક્ષ પણ ન હોય, પણ ચોક્કસપણે હાનિકર્તા હોય, જેમ કે અસ્પૃશ્યતા અને કેફી પદાર્થોનું અને દારૂનું સેવન. કેટલાક લોકો એવું માનતા લાગે છે કે આવા પ્રતિબંધો એ સત્યાગ્રહની વિશેષતા છે, પણ સહેજ વિચાર કરતાં સ્પષ્ટ સમજાશે કે કેટલાક પ્રતિબંધો કાર્યસાધક અને કેન્દ્રિત હિંસક કે અહિંસક કાર્ય માટે આવશ્યક હોય છે. બધા જ ધર્મોએ, રાષ્ટ્રીય અને આદર્શ પ્રેરિત લડતોએ ભૂતકાળમાં એવા પ્રતિબંધોનો ઉપયોગ કર્યો છે. ખ્રિસ્તી, ઇસ્લામી, પ્યૂરિટન અને શીખોનાં લશ્કરોમાં આવા કેટલાક પ્રતિબંધો અને અંકુશો હતા અને જે કોઈ લશ્કર વિજયી થવા ઇચ્છતું હોય તેણે રાખવા જ પડે. બૉલ્શેવિકો આધ્યાત્મિક મૂલ્યોમાં અથવા ત્યાગમાં માને છે એવું કોઈ કહી શકે એમ નથી, તેમ છતાં બૉલ્શેવિઝમે આગેવાનો અને સૈનિકો ઉપર જ નહીં પણ સામાન્ય નાગરિકો ઉપર પણ જે પ્રતિબંધો લાદ્યા છે તેની સંખ્યાનો પાર નથી. સાચી વાત તો એ છે કે કોઈ પણ કલા કે ધંધો શીખવામાં અને કરવામાં માણસે અમુક પ્રતિબંધો પાળવા જ પડે છે.

સત્યાગ્રહ એ સામાજિક આંદોલન છે

પ્રાચીન કાળમાં અનિષ્ટનો પ્રતિકાર ન કરવા અંગે જે ખ્યાલ હતો તે મુજબ એ એક કેવળ આધ્યાત્મિક સિદ્ધાંત હતો. એ એક વ્યક્તિના પોતા પ્રત્યેના અને પોતાના સર્જનહાર પ્રત્યેના કર્તવ્યનો નિર્દેશ કરતો હતો. બેશક અમુક અંશે એ સામાજિક જીવનને પણ અસર કરતો હતો, પણ તે આડકતરી રીતે એને સમૂહના પ્રશ્નો સાથે કંઈ સંબંધ નહોતો. જો કે સારા માણસની સંખ્યામાં વધારો થાય એથી સામાજિક વ્યવહાર અને સંબંધોમાં ફેર પડે જ, પણ તે અલગ વાત થઈ. જ્યારે સત્યાગ્રહ એ વ્યક્તિગત કર્તવ્ય પણ છે અને સામાજિક અને રાજકીય ફરજ પણ છે. વળી, જૂના પ્રકારનો અપ્રતિકાર, કોઈ ઉદ્ધત બળિયાને કે અન્યાયી સત્તાધારીને તાબે ન થવાના વ્યક્તિના અધિકારનું સમર્થન પણ કરતો હતો, પછી એ સત્તા કૌટુંબિક, સામાજિક, આર્થિક કે રાજકીય સમૂહની કે વર્ગની ભલે હોય. સત્યાગ્રહ, આ બધા ઉપરાંત, મંડળ મારફતે કે સમૂહ મારફતે પગલાં લેવાની જોગવાઈ પૂરી પાડે છે. એનો હેતુ માત્ર કોઈના વ્યક્તિગત અધિકારનું સમર્થન કરવાનો અને તેનો વ્યક્તિગત વિરોધ નોંધાવવાનો નથી, પણ સામૂહિક પગલું લેવાનો અને જરૂર પડે તો કોઈ દૂષિત સામાજિક, આર્થિક કે રાજકીય તંત્રનો, તેનું કામ અશક્ય બનાવી દઈને, અંત લાવવાનો છે. એમાં ઠેઠ સુધી હેતુ દાબદબાણ લાવવાનો કે વેર વાળવાનો નથી હોતો, પણ પોતાનું કર્તવ્ય બજાવવાનો હોય છે, જેમાં વ્યક્તિને અને સમાજને અધોગતિએ પહોંચાડનાર અને ગુલામ બનાવનાર તંત્રને સહકાર આપવાનો ઇનકાર કરવાનો હક પણ સમાઈ જાય છે.

આ રીતે સામાજિક પ્રવૃત્તિ તરીકે કલ્પાયેલો સત્યાગ્રહ, જેઓ કોઈ દૂષિત કે અનિષ્ટ તંત્ર ચલાવતા હોય તેમને આડખીલીરૂપ અને મૂંઝવનારો થઈ પડે એ અનિવાર્ય છે. આ સંકુલ જગતમાં જ્યાં સૌનાં હિત સદા એકસરખાં હોતાં નથી, ત્યાં કોઈ પણ ઘર્ષણ વગર પોતાનું કર્તવ્ય બજાવી શકાતું નથી, પણ એ સંઘર્ષ જેઓ પોતાનું નૈતિક કર્તવ્ય કરવા માગે છે તે વ્યક્તિઓએ કે સમૂહોએ ઊભું કરેલું નથી હોતું. અને જો એ કર્તવ્ય દ્વેષ વગર, સત્ય અને અહિંસાનું પાલન કરીને બજાવવામાં આવ્યું હોય છે તો વિરોધી પોતાના કામમાં આડખીલી ઊભી કરવાની કે પોતાને મૂંઝવણમાં મૂકવાની ફરિયાદ કરી શકતો નથી. અગવડભરી પરિસ્થિતિને અને પરિણામે મૂંઝવણને અને નુકસાનને ટાળવાનું હંમેશાં તેના હાથમાં જ હોય છે. તેમ છતાં બે વ્યક્તિઓ કે સમૂહો પોતે જેને પ્રામાણિકપણે પોતાનું કર્તવ્ય માનતાં હોય તે બજાવવા જતાં તેમની વચ્ચે ઘર્ષણ જાગે એ સંભવિત છે. આવા સંજોગોમાં સત્યાગ્રહી લડતને ઉચ્ચતર સ્તરે લઈ જાય છે અને ત્યાં ઘર્ષણ માત્ર અમુક સમય પૂરતું અને ક્રોધ કે દ્વેષ વગરનું હોય છે.

[આચાર્ય કૃપાલાણી લિખિત અને નગીનદાસ પારેખ અનુવાદિત ‘ગાંધી વિચારવિમર્શ’ના એક પ્રકરણમાંથી સંપાદિત]

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 10-13 

Category :- Gandhiana