'ઇરોસ'થી 'અગાપે'ની પ્રેમયાત્રા

રૂપાલી બર્ક
17-12-2019

'૨૮ પ્રેમકાવ્યો' વિશે રૂપાલી બર્કનો 'પરબ'માં 'અભ્યાસ'-લેખ

યુવા કવિ ઉમેશ સોલંકી નવલકથાકાર અને કવિ છે. આ અવલોકન લખાઈ રહ્યું છે ત્યારે રેખાચિત્રોનું એમનું પુસ્તક ‘માટી’ પ્રકાશિત થઈ ચૂક્યું છે. ‘ફેરફાર’ નવલકથા બાદ ‘૨૮ પ્રેમકાવ્યો’ એમનું બીજું પુસ્તક છે. પારંપરિક રીતે લખાતાં આવતાં અને એવા નામાભિધાનથી અપેક્ષિત પ્રેમકાવ્યોનો છેદ ઊડાડી દઈને શીર્ષક જેટલું ચોંકાવનારું પુરવાર થાય છે એટલાં જ કાવ્યો ચોંકાવનારાં પુરવાર થાય છે. નથી અહીં પ્રેમની સુંવાળપનું સ્થૂળ આલેખન કે એને વર્ણવતી પુષ્પિતા વાણી. કાવ્યોમાં કવિએ ’ઑબજૅક્ટિવ કૉરીલેટિવ’નો જાણતા-અજાણતા વધતા-ઓછા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. સઘળું કહી દેવાને બદલે ઇંગિત કરે છે અને ભાવકો પર છોડી દે છે. ક્યારેક, એથી ‘કોઠી’ જેવું કાવ્ય કોયડો બની રહે છે.

પ્રેમ ‘વરસાદનું પહેલું ટીપું’ હોઈ શકે તો ‘ગટરનું ઢાંકણું’ કેમ નહીં? (‘અને તું?’, પૃ. ૭૧) પ્રેમના રૂપક થકી લોકોને વિભાજિત કરતી સમાજમાં પ્રવર્તતા ભેદભાવની દીવાલો પર સવાલ ઉઠાવનારાં અહીં સમાવિષ્ટ કાવ્યો ઉર્મિકાવ્યો નહીં (‘ટીલડીઓ’ અને ‘પતંગ અને ઝંડા’ કાવ્યોને બાદ કરતાં) બલકે વિચારશીલ અને એથી ય આગળ પ્રગતિશીલ કાવ્યો છે. પ્રેમના રૂપકને અંગત સંદર્ભથી ઉપર જઈ સામાજિક સંદર્ભે પ્રયોજવામાં આવ્યું છે માટે આ સંગ્રહમાં સમાવિષ્ટ કાવ્યોને સામાન્ય પ્રેમકાવ્ય કરતાં અલગ દ્રષ્ટિકોણથી સમજવા પડે.

સદીઓથી સમાજ પ્રેમનો વેરી રહ્યો છે. સાંપ્રત સમયમાં આંતરધર્મ પ્રેમ કે લગ્ન બાબતે ‘લવ જિહાદ’ના નામે નૈતિક પોલીસગીરીના માધ્યમથી રાજકારણ રમાય છે એ વાસ્તવથી આપણે ક્યાં પરિચિત નથી. પ્રેમને મળેલા નવા આયામ વિશેનાં કાવ્યો પણ લખશે નવી પેઢીનો કોઈ કવિ. એ દિવસ દૂર નથી. એવું જ સમલૈંગિક પ્રેમનું છે. અત્યાર સુધી અપરાધ ગણાતા આ પ્રેમને હવે કાનૂની માન્યતા મળી છે પણ સમાજ એને સ્વીકારતો નથી તેથી આવા પ્રેમીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. સમલૈંગિક પ્રેમના અધિકાર માટે સંઘર્ષ કરનારાનું ‘ક્વિયર લીટરેચર’ જોરશોરથી લખાવા માંડ્યું છે. પ્રેમ એકાધિકાર (monolithic) નથી, તે સ્થળ, કાળ, સંજોગને આધીન હોય છે. ડુંગળીનાં અનેકો પડ જેવાં પડ ધરાવે છે. વળી સમયની સાથે પ્રેમની પરિભાષા કેવી બદલાતી રહે છે !

કાવ્યસંગ્રહ અર્પણ કરાયો છે : ‘આંતરજાતીય, આંતરપેટાજાતીય લગ્ન માટે વિચારરત, સંઘર્ષરત પ્રેમીઓ અને આંતરજાતીય, આંતરપેટાજાતીય પ્રેમલગ્ન કરનારાં દંપતીઓને’. સામાન્ય રીતે આપણે ‘જ્ઞાતિ’ અને જ્ઞાતિ હેઠળ ‘જાતિ’ એમ સમજીએ છીએ. અહીં ‘જાતિ’ અને ‘પેટાજાતિ’ એમ વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ નોંધવાનું છે. અર્પણ જાણે કાવ્યસંગ્રહનો ઢંઢેરો ના હોય ! અર્પણ વાંચી કાવ્યસંગ્રહના શીર્ષકથી થતો ભ્રમ તૂટી જાય છે.

સૌપ્રથમ તો ફળીભૂત થતા અટકી જતાં પ્રેમના મૂળમાં વર્ણભેદ બતાવી દલિત કવિઓની આગલી પેઢી કરતાં સાવ નોખો અને નવો ચીલો ચાતર્યો છે ઉમેશ સોલંકીએ. આ અગાઉ લખાયેલી દલિત કવિતામાં અને ગદ્યમાં ભારતીય સમાજની જ્ઞાતિપ્રથાના પરિણામે ઉદ્ભવતા બિનદલિત સમાજ દ્વારા થતાં દમન અને શોષણ, તિરસ્કાર અને આભડછેટને જેટલા વણી લેવાયાં છે એટલી હદે દલિત સમુદાયમાં પ્રવર્તતા જાતિભેદને આલેખવામાં આવ્યો નથી. દલિત ગદ્યમાં જ્ઞાતિપ્રથાના પરિણામે દલિત મહિલા પર આચરવામાં આવતાં યૌન શોષણનું પણ આલેખન થયેલું છે પરંતુ આંતરજાતીય અને આંતરપેટાજાતીય પ્રેમ કે લગ્નના મુદ્દાને સ્પર્ષવામાં આવ્યો નથી.

દલિત સાહિત્ય સમાજ અને સામાજિક વ્યવસ્થા સાથે ગાઢ નિસ્બત ધરાવે છે. અશ્વેત સાહિત્યની માફક દલિત સાહિત્યને એટલે જ સાંસ્કૃતિક ચળવળ કહેવામાં આવે છે. ભેદભાવથી ખદબદતો સમાજ બીમાર હોય છે. બીમાર સમાજની નાડી તપાસી, નિદાન કરી, સામાજિક વ્યાધિઓનો ઉપચાર કરવા માટે, એટલે કે સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિ-જાતિ (જાતિ-પેટાજાતિ) આધારિત ભેદભાવને નેસ્તનાબૂદ કરવાનો દલિત યુવા કવિનો નિર્ધાર આ કાવ્યસંગ્રહમાં પ્રબળ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે એ ખૂબ આવકારદાયક છે. કવિ ઉમેશને આ બદલ અભિનંદન!

પ્રથમ કાવ્યનું શીર્ષક છે ‘વૉંઘું’. નોંધમાં સમજાવ્યું છે એમ — ‘વહેળો, કોતેડી કે વોકળો . . જેને સાબરકાંઠાની લોકબોલીમાં વૉંઘું કહે છે. વૉંઘું નાનાંમોટાં ગામના વંચિત સમુદાયો માટે કુદરતી હાજતે જવા માટેનું સ્થળ પણ છે; ઘણીવાર જાતીય સમાગમ માટે વૉંઘાનો છેક અંદરનો ભાગ કામમાં આવતો હોય છે.’ આ કાવ્યમાં વર્ણાવેલું વૉંઘું ખૂબ સૂચક છે. સમાજને માન્ય ન હોય એવો પ્રેમસંબધ બાંધવો હોય તો સમાજની આંખોથી દૂર ‘થોર’, ‘કાંટા’ અને ‘બાવળ’ વચ્ચે પ્રેમ ખીલવવો પડે. ખોલકાને (ગધેડાના બચ્ચા) વાગેલા રોડાથી પ્રેમિકા ‘બોલનાર’ (સ્પીકર)*ને,

‘આછું સ્મિત વેદનામાં ભેળવી
વ્હાલ ભરેલા શબ્દો બોલી :
‘ખોલકા જેવો તુંય રૂડો’.

કાવ્યની અંતિમ પંક્તિઓ છે :

‘ખોલકું હજુ ત્યાં જ ઊભું છે
વૉંઘું રોડાંનું પર્યાય બન્યું છે’.

સમાજના ભેદભાવોને લીધે ફળીભૂત નહીં થઈ શકતા પ્રેમની વ્યથા આ કાવ્યમાં છલકાય છે. આમ, પ્રથમ કાવ્ય આ સંગ્રહના મોટાભાગના ‘unrequited love’ના, અધૂરા રહી જતા પ્રેમને વાચા આપતાં કાવ્યો માટે ભાવકને તૈયાર કરે છે. ‘મોહણિયું’ કાવ્યમાં વૉંઘુ જેટલું જ સુલભ છે પ્રેમીજનોને પ્રેમક્રીડા માટે. બન્ને સ્થળે,

‘લિસોટીમાં લુછાઈ જાય
ભેદોના ડાઘ.'

મારા વિદ્યાર્થીઓને અનેકવાર સમજાવું છું એમ ‘પ્રેમથી પેટ ભરી શકાતું નથી’ એ કહેવતની યાદ અપાવે છે ‘અનાજનો પહેલો દાણો’ કાવ્ય.

પ્રસિદ્ધ મનોવિશ્ર્લેષક અને સામાજિક ત્તત્વચિંતક ઍરિક ફ્રોમ એમના જાણીતા પુસ્તક The Art of Lovingમાં નોંધે છે : “બે અજાણી વ્યક્તિઓ નજીક આવે છે પછી એમની વચ્ચે કોઈ અવરોધો રહેતા નથી. નજદીકી પ્રાથમિક ધોરણે જાતીય સંબંધ દ્વારા સ્થપાય છે. શારીરિક જુદાપણું શારીરિક સમાગમથી દૂર થાય છે.” ભારતના સંદર્ભમાં સામાજિક જુદાપણાનો વાસ્તવ પણ પ્રેમીઓની આડે આવે છે. પશ્ચિમના દેશોમાં આપણા દેશમાં હયાત એવી જાતિપ્રથા કે એટલી હદે ધર્મ આધારિત ભેદભાવ નથી. રંગભેદ હતો પણ સમય જતા એ ક્ષીણ થયો છે. શ્વેત-અશ્વેત વ્યક્તિઓ મુક્તપણે પ્રેમ કે લગ્ન કરી શકે છે. આપણા દેશમાં પ્રેમના માર્ગે ચાલવા ઈચ્છતી બે વ્યક્તિઓ માટે સમાજ અવરોધ બને છે એટલો પશ્ચિમના દેશોમાં નથી બનતો. સંગ્રહના અગિયારમા કાવ્ય ‘માંડ દેખાતી દોરી’માં સામાજિક દીવાલોથી ઉદ્ભવતી, ખાસ કરીને આભડછેટની ‘જુગો જુની વેદના’નો ઉલ્લેખ છે. ‘મગરાની વાતો’માં સમજણના ભાર વિહોણા નટખટ કિશોરપણાના વીતી ગયેલા જીવનકાળની મીઠી સ્મૃતિઓને બોલનાર વાગોળે છે. પણ એટલે અટકતો નથી. જાગૃતિ વિકસે એમ સમજાય છે કે સમાનતા મેળવવા જુગોથી ચાલ્યા આવતા રિવાજને તોડવા પડશે. ‘નિયમની છાતી પર’ — આ કાવ્યમાં માણસને ઝુલાવતો બળવાન સમય છે જેને નિયમથી (નોંધ : અહીં નિયમ એટલે માણસ રચિત નિયમ) પકડી શકાતો નથી.

‘નિયમ જો હોત નહીં
ઝૂલવું પણ હોત નહીં.
ઝૂલી ઝૂલીને ઝૂલવું હવે ડગલું વધ્યું છે
નિયમની છાતી પર એનું પગલું પડ્યું છે.’

(પૃ. ૬૧)

સદીઓથી ચાલતી આવી સમાજની અન્યાયી હકુમતને પડકારવાની વૈશ્વિકીકરણના યુગની પેઢીને તાલાવેલી હોય એ સ્વાભાવિક છે,

‘સમયને નિયમથી પકડી શકાતો નથી.’ (પૃ. ૬૧).

‘લત’ કાવ્યમાં સત્તર વર્ષના યુવક-યુવતીને એ ઉંમરે થતા ‘પપી લવ’ —વિજાતીય આકર્ષણનો અનુભવ વર્ણાવેલો છે. કાચી ઉંમર હંમેશાં અપરિપક્વ હોતી નથી. સુયોજનરૂપે સમાજના ડરથી સંકોચાવાને બદલે વિસ્તરવાનો નિર્ણય લેવાય છે :

'શું કરવું?
વિસ્તરવું
કે સંકોચાવું
સંકોચાવામાં હિત નથી
વિસ્તરવામાં મળવાની પ્રીત નથી
સ્થિરતાને વળી કોહવાટ વહાલો
કોહવાટ એ સત્તરની રીત નથી.
. . . .
સાથે લાગી
કોહવાટ ન ભાળવાની
કીકીને પણ લત નિરાળી.'
(પૃ.૫૫-૬)

‘ખેંચાણ’ કાવ્યમાં આવા જ બીજા દ્વંદ્વનો સામનો કરે છે. પ્રેમના જાદુમાં રંગાયેલો છતાં ય ખખડી ગયેલી ઝૂંપડી પ્રત્યે પ્રબળ ખેંચાણ અનુભવતો અને છેવટે ‘ઠંડુ પડી ગયેલું શરીર’ બની જતા પ્રેમીની લાચારી દર્શાવવામાં આવી છે. ‘ફૂદું’ કાવ્યમાં કિશોરથી મોટી ઉંમરની ‘લાલ-લીલી બંગડી’ પહેરેલી સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ જેને ‘કાફ લવ’ કહેવાય છે અને મનોવિશ્લેષણની દૃષ્ટિએ જેને ‘ઇડીપલ કૉમ્લેક્સ’ કહે છે — એ વિશેનું આલેખન છે.

‘ઊખેડી ફેંક્યું’ કાવ્યમાં એક ડગલું આગળ જઈ આંતરજાતીય કે આંતરપેટાજાતીય પ્રેમ ખાતર કરવા પડતા સંઘર્ષની વરવી વાસ્તવિકતાનું આલેખન છે. સંઘર્ષ સહેલો નથી પણ તેથી હતાશાનો શિકાર બનવાને બદલે પ્રેમીઓ બાહોશ બની સામનો કરે છે. નીચેની પંક્તિઓ પરથી ઉપર ટાંકેલું ફ્રોમનું આ વિધાન પુરવાર થાય છે.

'તું મળે મને
અને ખબર પડે
ગામ આખું ચોમેરથી ચોંટી પડે.
ન ઊખેડીએ ગામને,°°°
તો ગામ આખું લોહી ચૂસે, દૂબળાં કરે
ઊખેડીએ ગામને
તો ગામ સાથે ચરચર ચામડી ઊતડે.
ઊતડેલી ચામડી
કાલે આવશે નવી
ધારી વિચારી
આંગળીઓમાં તારી
મારી આંગળીઓ નાખી
હથેળી પર મારી
તારી તે હથેળી દાબી
ગામને ઘમઘમ ઊખેડી ફેંક્યું
લોહીની બેચાર સેરો છૂટી
થોડી ઘડી પછી ટાઢક વળી
હૃદયમાં તોય ઝીણી કંપારી રહી.'
(પૃ. ૪૨-૪૩)

(°°°પુસ્તકમાં 'ન' છે, પણ 'પરબ'માં 'ને' છપાયું છે.)

પ્રેમસંબંધમાં નાયક-નાયિકાને નડતો ખલનાયક સમાજ છે. લોહી ચૂસતા, દૂબળા કરતાં સમાજનું સજીવારોપણ કરી એનાથી ઊભો થતો ખતરો બતાવેલો છે. ફ્રોમ લખે છે એમ, “કોઈને પ્રેમ કરવો ફક્ત પ્રબળ લાગણી નથી. એ નિર્ણય છે, ચુકાદો છે, વચન છે. જો માત્ર લાગણી હોત તો હંમેશ માટે પ્રેમ કરવાના વચનનો આધાર ન હોત.” એટલે તો ગામને ઊખેડી ફેંકવામાં સફળ થવાય છે. ‘બુઠ્ઠી થઈ’ કાવ્યમાં પણ પ્રેમી યુગલ સમાજની ટક્કર મક્કમતાથી ઝીલે છે. પૂરેપૂરી રીતે સમાજની કનડગતથી છૂટકારો નથી એ ‘માંડ દેખાતી દોરી’માં બોલનાર કબૂલે છે :

‘પણ ધારેલું સઘળું
નથી થતું’.

‘ઊખેડી ફેંક્યું’ કાવ્યના અંતે એથી જ હૃદયમાં ઝીણી કંપારી રહે છે ને. સમયની માફક સમાજ બળવાન છે એ અહેસાસ બાદ કોઈ ભ્રમ ટકે નહીં એ સ્વાભાવિક છે :

જુગો જૂની વેદનામાં
આખ્ખેઆખ્ખો ડૂબી ગયો :
તારા હૃદયને બાંધેલી
માંડ દેખાતી દોરીને
જોઈને હું તો રડી ગયો
રડાય એટલું રડી લઈને
દોરી કાપવા ધસી ગયો.
(પૃ. ૨૮)

સમાજમાં અદૃશ્ય દીવાલો છે એ વાસ્તવને સ્વીકારી લીધા બાદ સંબંધ કાપી નાખ્યો, પણ પ્રેમીને આશા છે કે ઈચ્છીએ તો સમાજને પહોંચી વળવું શક્ય છે. પ્રેમિકાને એ સવાલ કરે છે કાવ્ય ‘સરહદ’માં :

'કહેવાય છે
સરહદ કોઈ નડતી નથી પ્રેમને
તો કઈ સરહદ રોકી રહી તને?
. . . . .
નાહકની અટવાઈ ગઈ તું
. . . . .
સરહદ તને જે નડી રહી છે
રાજા-રાણીમાંથી ખડી થઈ છે
એક ડગલું તું આગળ આવ !
સરહદ આપણે તોડી નાખીએ' . . . .
(પૃ. ૩૦)

છૂટાં પડી ગયા બાદ અગાઉ નોંધ્યું છે તેમ, નિરાશા, ગુસ્સો, આત્મઘાતી વિચારો કે વેર-વૈમનસ્યની ભાવનાને સ્થાને સુયોજન(rationalization)થી કામ પાર પાડવામાં આવે છે. ખૂબ અઘરું છે પ્રિયપાત્રથી વિખૂટા પડવું પણ લાગણીના મામલા સાથે બાથ ભીડવા બુદ્ધિથી કામ લેવાય છે. જે થયું તે કેમ થયું ?

‘સદીઓની સદીઓ
ચક્કર માર્યા કરતી આમ તો
આજુબાજુ તારી ને મારી.
ચક્કર મારતી સદીઓને
સતત આપણે ખલેલમાં નાંખી
ઠેલી ઠેલીને પછી
ગમતી ક્ષણને બાહુપાશમાં રાખી
પણ
ક્ષણ ગમતી
સદીઓની ઘેલી બની
વેગથી અચાનક આવી કને
વેગથી એમ ખેંચી ગઈ તને
કે
એક ક્ષણ, તું ના છોડી શકી મારી કને’

(પૃ. ૪૭-૮).

સુયોજનના પરિણામે પ્રેમી પરિસ્થિતિ સાથે જબરજસ્ત સમાધાન કરી શકે છે.

'અડધું કશું હોતું નથી
મથી મથીને તોય અડધામાં જિવાય છે.’

આ તેને લાધેલું જ્ઞાન છે. ‘વાપસી’ એવા સૂચક શીર્ષકવાળા કાવ્યમાં પ્રેમી વિયોગના દુ:ખમાં ગરકાવ છે પણ વિચારશીલ હોવાને કારણે એને આવેલો વિચાર સાચવે છે અને સકારાત્મક ભવિષ્ય ભણી આગળ વધે છે :

'જીવવાના રસ્તા ખોલી આપ્યા
ઓળખ આપી, ઓળખમાં બળ આપ્યું
કેટકેટલું આપ્યું તેં મને
આમ ભલે કહેવાયો નબળો
ને મેં
શું ફેંદી બેચાર ચોપડી
કે તને હું ભૂલી ગયો' . . . .
(પૃ. ૭૦)

પ્રેમમાં નિરાશા પામતા પ્રેમીઓ માટે જીરવવા અને જીવવાની ચાવી છે આ પંક્તિઓમાં. એ જ સૂરમાં કાવ્ય ‘મારા રસ્તે’ કાવ્યમાં એક રાહ પર ડગ માંડેલા અને બાદમાં છૂટાં પડી ગયેલાં પ્રેમી-પ્રેમિકા અચાનક ભટકાઈ પડે છે ત્યારે એકબીજા પ્રત્યેનો અપરિચિતો વચ્ચે હોય એવો વ્યવહારનું આલેખન છે :

'હળવે ચાલ્યાં, અમે એક રસ્તે
હવે, એ એના રસ્તે હું મારા રસ્તે.
ટેરવાંને ટેરવાંની માયા છૂટી
. . . . .
અને, એ એના રસ્તે હું મારા રસ્તે
. . . . .
એણે જોયું ન જોયું કર્યું
નજરને મેં સ્વસ્થ કરી
‘જોયું ન જોયું’ ની કદર કરી
. . . . .
એ એના રસ્તે હું મારા રસ્તે
એ એના રસ્તે હું મારા રસ્તે.'

ઉપર ટાંકેલા કાવ્યાંશમાં બેવડાવેલી અંતિમ પંક્તિઓ નિસ્પૃહતાભરી વ્યવહારિક્તા વ્યક્ત કરે છે. પ્રેમી સ્વસ્થતાથી વાસ્તવ સ્વીકારી લે છે. ‘નામ છોડ્યું’ કાવ્યમાં પ્રેમિકાના અચાનક લીધેલા વળાંક બાદ પ્રેમી,

‘લાચાર આંખનાં આંસુઓને લૂછવા લાગ્યો
લૂછતાં લૂછતાં નામ જાણ્યું
નામ જાણી નામ છોડ્યું.’
(પૃ. ૫૩)

સંઘર્ષના અંતે સફળતા ના મળે તો સમાધાન શોધવું પડે છે. પણ ‘ચીકાશ’ કાવ્યમાં દર્શાવ્યું છે એમ ક્યારેક પ્રેમિકાને વરસો પછી જુએ છે,

‘અને લાગણી પાછી
એના સ્વભાવમાં આવી ગઈ'.
(પૃ. ૩૯)

ફ્રોમ નોંધે છે કે “જાતીય આકર્ષણ અમુક ક્ષણો માટે મિલનનો આભાસ કરાવે છે. પ્રેમ વિના આ મિલન બે વ્યક્તિઓને પહેલા જેવા જ અજાણ્યા બનાવી દે છે. પરિણામે એકબીજાની શરમ આવે અથવા ઘૃણા પણ અનુભવાય. મિલનનો આભાસ ગયા પછી જુદાપણું વધુ ગહન રીતે સામે આવે.” આંતરજાતીય/આંતરપેટાજાતીય પ્રેમ હોય તો સાંસ્કૃતિક જુદાપણું પણ નડતર બનતું હોય છે. ‘તો ચાલ !’ કાવ્યમાં પ્રેમીઓની વચ્ચે સંસ્કૃતિ ખડી છે અને હોઠને હોઠ સુધી પહોંચવા દેતી નથી. સહેજે હલતી નથી કે ઝોંકુ ખાતી નથી. આવા સંજોગમાં શું કરી શકાય? આગવું ખેતર બનાવી ને મકાઈ ઊગાડી શકાય.

‘પછી
ઊંચીઊંચી મકાઈની વચ્ચે
તારા હોઠને હોઠ મારા બનાવીએ
મારા હોઠને હોઠ તારા બનાવીએ
‘તો ચાલ!’
(પૃ. ૬૪)

‘આંખની અંદર’ કાવ્યમાં રંગનો ભાર રહી જાય છે બહાર

'અને આંખની અંદર
બસ સુંદર સુંદર’.
(પૃ ૬૬)

શીર્ષક ‘પ્રિયે’ પણ વાત અપ્રિય બનાવે એવી. શહેરમાં રોડ વચ્ચે શિસ્તબદ્ધ છોડ, સૈનિકની કતારો જેવી ઇમારતો, બગીચા, વગેરે જોઈ પ્રેમી આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ પોકારી ઊઠે છે :

‘નાનકડું એક્કેય ઝૂપડું નથી
અંદરથી છેક હું તો ડરી ગયો છું.
ક્યાં લઈને આવી, પ્રિયે, તું મને?
આ તો મારો દેશ નથી
આ તો મારો દેશ નથી.’ (
પૃ. ૧૮)

‘પ્રેમ’ કાવ્યનો પ્રથમ હિસ્સો પ્રેમી અને પ્રેમિકાની જીવનશૈલીનો આભજમીન જેટલો ફેર દર્શાવે છે. પ્રેમી કહે છે પ્રેમીકાને,

“મને કહેજે
જ્યારે તને એવું લાગે
કે આવું તો મને મારી દુનિયામાં પહેલીવાર લાગે.”

(પૃ. ૧૫-૬)

આ સંગ્રહની કવિતામાં પ્રેમને સાર્થક બનાવવા સંઘર્ષ છે પણ એ ઘાતક પગલા દ્વારા નહીં, રચનાત્મક રસ્તે ચાલીને, ‘સમાજના સજન’ થઈને વ્યક્તિગત પ્રેમની અસફળતાને સમાજ પ્રત્યે અનુકંપા દાખવી ઉત્તર વાળવાની મહેચ્છા છે. જે સમાજ નડતરરૂપ છે એના જ સજન બની એનું કલ્યાણ કરવું છે. સંગ્રહમાં સતત આવો ‘ડાયલૅકટિક’ રચતો વિચાર વ્યક્ત થતો રહે છે.

ફ્રોમ લખે છે, “સમાજની રચના એવી રીતે થવી જોઈએ કે માણસની સામાજિક, પ્રેમાળ પ્રકૃતિ એના સામાજિક અસ્તિત્વથી વિખૂટું નહીં બલકે એમાં લીન હોવું જોઈએ. જે લોકો ગંભીરતાથી પ્રેમને માનવઅસ્તિત્વની સમસ્યાના એકમાત્ર તાર્કિક જવાબ તરીકે જુએ છે, એમને એવા તારણ પર આવવું પડશે કે જો પ્રેમને અત્યંત વ્યક્તિપ્રધાન, હાંસિયાકૃત બનવા ના દઈ, એક સામાજિક ઘટના બનાવવી હોય તો આપણા સામાજિક માળખામાં મહત્ત્વના અને આમૂલ પરિવર્તન જરૂરી છે. ‘શોધમાં’ પ્રેમ જોખમમાં છે તેવી ઘડીએ ફરિયાદના સ્થાને અત્યંત પરિપક્વતા દાખવી પ્રેમી કહે છે :

‘તારામાં ભળવાથી
ભળી હતી ઊર્જા મારામાં
મારામાં રહેલી
તારીમારી ઊર્જા સઘળી
થઈ રહી છે વિસર્જન.
વિચારું છું
જે ઊર્જાથી
ઇતિહાસને વાળવાનો હતો
મૂકવાનો હતો
ભાઠા પડેલા અગણિત હાથમાં . . . .
(પૃ. ૨૫)

પ્રેમને ‘ઇરૉસ’ (eros) — જાતીય પ્રેમના સામાન્ય સ્તરથી ઉપર ઉઠાવીને ‘અગાપે’ (agape) — સાર્વત્રિક પ્રેમના ઉચ્ચ સ્તરે લઈ જવાની કવાયત પ્રેમીને છેવટે ‘ઍલ્ટ્રુઇસમ’ (altruism) બીજાની સુખાકારી સુધી લઈ જાય છે. ઈરોસ અને અગાપેના બિંદુઓ સ્પષ્ટ કરતાં બે કાવ્યો છે — ‘પ્રેમ એટલે’ અને ‘પ્રેમ’. એકમાં,

‘પ્રેમ એટલે
હળવાનું મળવાનું હસવાનું
જીવવાનું પળ-પળનું.’ (પૃ. ૧૪)
બીજામાં,
‘સાથે મળીને
પીડાને
આપણી કને રાખીને
વગર વાંકે પિડાતાને પ્રેમ આપીએ . . . .’
(પૃ. ૧૬)

એ જ રીતે ‘પતંગદોર’ કાવ્યને અંતે પ્રેમીકાને ખોયા બાદ પ્રેમી હકારાત્મક વલણ અપનાવે છે :

'જંગલ વચ્ચે દરવાજાનો ટેકો લઈ
જતાં-આવતાં એકલદોકલને જોવા લાગ્યો
હાથ થોડો ઊંચો થઈ
ડાબેજમણે જમણેડાબે સ્હેજ હલી
સૌ ખંતીલા હાથને મળવા લાગ્યો' . . .
(પૃ. ૩૭)

કાવ્ય ‘સરહદ’ની અંતિમ પંક્તિઓ પ્રેમનો વ્યાપ વિસતારીને સુંદર આયામ અર્પે છે :

'વેરવિખેર થયા છે લોકો
વેરવિખેરને પણ જોડી નાખીએ.
(પૃ. ૩૦)

માનવઇતિહાસમાં જગતને સતત સતાવતી હિંસાખોરી, અશાંતિ, અરાજકતા, અસહિષ્ણુતા, વગેરેનો એકમાત્ર ઉકેલ છે અગાપે. આવો પ્રેમ જગતના સર્વમાં પ્રગટો એવી અભ્યર્થના.

-----

* પશ્ચિમમાં કવિ અને બોલનાર વચ્ચેનો સ્પષ્ટ ભેદ કરવામાં આવે છે.

[ઉમેશ સોલંકી, ૨૮ પ્રેમકાવ્યો (કાવ્ય સંગ્રહ). નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ મુદ્રક, ૨૦૧૮. પૃષ્ઠ ૭૧, મુલ્ય : રૂ ૭૦/-]

સૌજન્ય : પરબ, ડિસેમ્બર ૨૦૧૯, પૃષ્ઠ - ૩૯ થી ૪૫, વર્ષ : ૧૪, અંક : ૬, તંત્રી : યોગેશ જોષી, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ

Category :- Opinion / Literature