જાંબુનું ઝાડ

કૃષ્ણ ચંદ્ર
30-11-2019

ઉર્દૂ સાહિત્યના પ્રખ્યાત લેખક કૃષ્ણ ચંદ્ર ટૂંકી વાર્તાઓ ઉપરાંત વ્યંગકથાઓ માટે પણ પ્રતિષ્ઠિત હતા. તેમની આ કથા આઝાદી પછી સરકારી કચેરીઓમાં જોવા મળતા — અને એ વખતે હજુ લોકોને સંપૂર્ણપણે કોઠે ન પડી ગયેલા - રંગઢંગનું લાલ ફીતાશાહીનું ચોટદાર આલેખન કરે છે. આ દિવસોમાં, સાઠીનાં વરસોની આ વાર્તા યાદ કરવાનું નિમિત્ત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સે પૂરું પાડ્યું છે. દસમા ધોરણના વિદ્યાર્થીઓના પાઠ્યક્રમમાંથી એમણે એ સહસા પડતી મૂકી છે અને તે માટે કોઈ વિધિસર કારણ આપ્યું નથી. બને કે વાર્તા વાંચ્યાથી કારણ સમજાઈ રહે …

°°°°°

રાત્રે જોરદાર વાવાઝોડું આવ્યું. તેમાં સચિવાલયની લૉનમાં ઊભેલું જાંબુનું ઝાડ જમીનદોસ્ત થઈ ગયું. સવારે માળીએ જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઝાડની નીચે એક માણસ પણ દબાયેલો હતો.

માળી દોડતો ચપરાસી પાસે ગયો, પ્યુન દોડતો ક્લાર્ક પાસે ગયો, ક્લાર્ક દોડતો સુપ્રિન્ટેન્ડન્ટ પાસે ગયો. સુપ્રિન્ટેન્ડન્ટ દોડતા બહાર આવ્યા. જોતજોતામાં ઝાડ તળે દબાયેલા માણસની આજુબાજુ ટોળું જમા થઈ ગયું.

એક ક્લાર્કે કહ્યું, ‘બિચારું જાંબુનું ઝાડ … કેટલું ઘટાદાર ને ફળાઉ હતું.’

‘અને તેનાં જાંબુ પણ કેટલાં મીઠાં હતાં,’ બીજા ક્લાર્કે સંભાર્યું.

‘જાંબુની સીઝનમાં હું થેલી ભરીને આ ઝાડનાં જાંબુ ઘરે લઈ જતો હતો. મારાં બાળકોને એનાં જાંબુ બહુ ભાવતાં.’ ત્રીજા ક્લાર્કે રડમસ અવાજમાં કહ્યું.

‘પણ પેલો માણસ?’ માળીએ દબાયેલા માણસ તરફ ઇશારો કરીને કહ્યું.

‘અરે હા … માણસ ...’ સુપ્રિન્ટેન્ડન્ટ વિચારમાં પડી ગયા.

એક ચપરાસીએ પૂછ્યું, ‘એ જીવે છે કે મરી ગયો? ખબર નથી પડતી.’

‘આટલું વજનદાર ઝાડ પડ્યા પછી કોઈ બચતું હશે? મરી જ ગયો હશે.’ બીજા ચપરાસીએ કહ્યું.

અચાનક ઝાડની દિશામાંથી અવાજ આવ્યો, ‘ના, ના, હું જીવું છું.’

જોયું તો ઝાડ નીચે દબાયેલો માણસ કણસતાં-કણસતાં માંડ બોલી શકતો હતો.

એ સાંભળીને ચપરાસીએ આશ્ચર્યથી કહ્યું, ‘આ તો જીવે છે.’

માળીએ કહ્યું, ‘ઝાડ હટાવીને આપણે જલદી એને બહાર કાઢીએ.’

આળસુના પીર જેવા એક ચપરાસીએ કહ્યું, ‘અઘરું લાગે છે. ઝાડનું થડ બહુ ભારે ને વજનદાર છે.’

‘કશું અઘરું નથી.’ માળીએ કહ્યું, ‘સુપ્રિન્ટેન્ડન્ટસાહેબ હુકમ કરે તો હમણાં પંદર-વીસ માળી-ચપરાસી-કારકુન ભેગા થઈને માણસને બહાર કાઢી દઈએ.’

‘ખરી વાત છે.’ કારકુનો એકસાથે બોલી ઊઠ્યા. ‘ચાલો, જોર લગાવો. અમે તૈયાર છીએ.’

બધા ઝાડ ખસેડવા તૈયાર થઈ ગયા. પણ સુપ્રિન્ટેન્ડન્ટે તેમને રોક્યા. કહે, ‘ઘડીક ખમો. હું અન્ડર-સેક્રેટરીને પૂછી લઉં.’

સુપ્રિન્ટેન્ડન્ટ અન્ડર-સેક્રેટરી પાસે ગયા. અંડર-સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરીને મળ્યા. ડેપ્યુટી સેક્રેટરી જૉઇન્ટ સેક્રેટરી પાસે પહોંચ્યા. જૉઇન્ટ સેક્રેટરી ઊપડ્યા ચીફ સેક્રેટરી પાસે અને ચીફ સેક્રેટરી પહોંચ્યા મંત્રીમહોદયની કૅબિનમાં. મંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને કંઈક કહ્યું. ચીફ સેક્રેટરીએ જૉઇન્ટ સેક્રેટરીને કંઈક કહ્યું. જૉઇન્ટ સેક્રેટરીએ ડૅપ્યુટી સેક્રેટરીને કંઈક કહ્યું. ડેપ્યુટી સેક્રેટરીએ અંડર સેક્રેટરીને કહ્યું. એમ ફાઇલ ચાલતી રહી અને આખો દિવસ નીકળી ગયો.

બપોરે જમવાના ટાઇમે દટાયેલા માણસની આસપાસ ઠઠ જામી હતી. લોકો જાતજાતની વાતો કરતા હતા. કેટલાક આઝાદમિજાજ કારકુનો પોતાની મેળે સમસ્યા ઉકેલવા ઇચ્છતા હતા. તે સરકારશ્રીની પરવાનગી વિના જ ઝાડ ખસેડી નાખવું, એવી તૈયારી કરી રહ્યા હતા. એવામાં સુપ્રિન્ટેન્ડન્ટ ફાઇલ સાથે દોડતા આવ્યા. કહે, ‘આપણે જાતે ઝાડ હટાવી નહીં શકીએ. આપણે કૉમર્સ ડિપાર્ટમેન્ટના છીએ અને આ ઝાડનો મામલો છે. એ ઍગ્રિકલ્ચરમાં લાગશે. હું આ ફાઇલ પર “અરજન્ટ”નો શેરો લગાડીને તેને કૃષિ વિભાગમાં મોકલી આપં છું. ત્યાંથી જવાબ આવે કે તરત ઝાડ હટાવી દઈશું.’

બીજા દિવસે કૃષિવિભાગમાંથી જવાબ આવ્યો કે ઝાડ કૉમર્સ ડિપાર્ટમૅન્ટના બગીચામાં પડ્યું છે. એટલે તેને હટાવવું કે નહીં, તેનો નિર્ણય લેવાની જવાબદારી કૉમર્સ વિભાગની છે.

આ જવાબ વાંચીને કૉમર્સ વિભાગના સાહેબને ચડ્યો ગુસ્સો. તેમણે તત્કાળ લખ્યું કે ઝાડ ગમે ત્યાં હોય, પણ તેની જવાબદારી કૃષિવિભાગની જ કહેવાય. કૉમર્સ વિભાગને તેની સાથે કશો સંબંધ નથી.

બીજા દિવસે ફાઇલ ચાલતી રહી. સાંજે કૃષિવિભાગમાંથી જવાબ આવ્યો - અમે આ મામલો હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટને સોંપી રહ્યા છીએ. કારણ કે અમારાથી ફક્ત અનાજ અને ખેતીવાડીની જવાબદારી લેવાય, જ્યારે અહીં તો વાત ફળાઉ ઝાડની છે. જાંબુનું ઝાડ ફળાઉ હોવાથી તેમાં હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ લાગશે.

રાત્રે માળીએ તેના ઘરેથી દાળ-ભાત લાવીને ઝાડ નીચે દબાયેલા માણસને ખવડાવ્યાં. ત્યાં સુધીમાં એ માણસની ચારે તરફ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો, જેથી લોકો કાયદો-વ્યવસ્થા હાથમાં ન લઈ લે અને પોતાની મેળે ઝાડ હટાવી ન દે. પણ એક પોલીસ કૉન્સ્ટેબલને દયા આવી. એટલે તેણે દબાયેલા માણસને જમાડવાની માળીને છૂટ આપી.

માળીએ દબાયેલા માણસને ધીમા સાદે કહ્યું, ‘તમારી ફાઇલ ચાલુ છે. મોટે ભાગે કાલે નિર્ણય લેવાઈ જશે. ’

દટાયેલો માણસ કશું બોલ્યો નહીં.

માળીએ તેની પર પડેલા ઝાડના થડ ભણી જોઈને કહ્યું, ‘સારું છે, થડિયું તારા પગ પર પડ્યું છે. બાકી કમર પર પડ્યું હોય, તો કરોડરજ્જુ ભાંગી ગઈ હોત.’

દટાયેલો માણસ ચૂપ જ રહ્યો.

માળીએ ફરી કહ્યું, ‘તમારા પરિવારમાં કોઈ છે? મને અતોપતો આપો, તો હું તેમને સમાચાર આપવાની કોશિશ કરું.’

દટાયેલા માણસે માંડ-માંડ કહ્યું, ‘હું અનાથ છું. મારે આગળપાછળ કોઈ નથી.’

અફસોસ પ્રગટ કરીને માળીએ વિદાય લીધી.

ત્રીજા દિવસે હૉર્ટિકલ્ચર વિભાગમાંથી જવાબ આવી ગયો. જવાબ બહુ કડક હતો, અને કટાક્ષથી ભરપૂર.

હૉર્ટિકલ્ચર વિભાગના સચિવ સાહિત્યપ્રેમી જણાતા હતા. તેમણે લખ્યું હતું, ‘નવાઈની વાત છે. અત્યારે આપણે સૌ જ્યારે વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છીએ, ત્યારે આપણા દેશમાં એવા પણ સરકારી અફસર મોજુદ છે, જે વૃક્ષ કાપવાનું સૂચન કરે છે, એ પણ એક ફળાઉ ઝાડ, અને એ પણ જાંબુનું, જેનાં જાંબુ લોકો હોંશે-હોંશે ખાતા રહ્યા છે. આવી સ્થિતિમાં અમારો વિભાગ જાંબુનું ઝાડ કાપવાની પરવાનગી આપી શકે નહીં.’

એક જણે કહ્યું, ‘હવે શું કરીશું? ઝાડ ન કપાય તો પછી, એક કામ કરીએ. આ માણસને કાપીને બહાર કાઢી લઈએ.’

બીજાએ કહ્યું, ‘બરાબર છે. આ માણસને બરાબર વચ્ચેથી-ધડમાંથી કાપીએ, તો તેનો અડધો ભાગ આગળથી બહાર નીકળી જશે ને બાકીનો અડધો પાછળથી. અને ઝાડને કશું નુકસાન નહીં થાય.’

‘પણ એમાં હું માર્યો જઈશ.’ દટાયેલા માણસે કહ્યું.

‘એની વાત પણ ખરી છે.’ એક કારકુને કહ્યું, પણ માણસને કાપીને બહાર કાઢવાનો આઇડિયા આપનાર એમ હાર માન્યા નહીં. કહે, ‘આજકાલ પ્લાસ્ટિક સર્જરી કેટલી આગળ વધી ગઈ છે, એની તમને ખબર નથી લાગતી. મને ખાતરી છે કે આ માણસને વચ્ચેથી કાપ્યા પછી ફરી પ્લાસ્ટિક સર્જરીની મદદથી જોડી શકાશે.’

આ ચર્ચાના અનુસંધાનમાં ફાઇલ મેડિકલ વિભાગમાં મોકલવામાં આવી. ત્યાં ત્વરિત પગલું લઈને ફાઇલને બીજા જ દિવસે યોગ્ય પ્લાસ્ટિક - સર્જનને તપાસ માટે મોકલી આપવામાં આવી. સર્જને દટાયેલા માણસની તબીબી તપાસ કરી, તેનું બ્લડપ્રેશર માપ્યું, નાડીની ગતિ તપાસી અને રિપોર્ટ લખ્યો કે આ માણસની પ્લાસ્ટિક સર્જરી તો થઈ શકે અને તે સફળ પણ થાય, પરંતુ માણસ મરી જશે.

એટલે આ નિર્ણય માંડવાળ કરવામાં આવ્યો.

રાત્રે દટાયેલા માણસને ખીચડીના કોળિયા ભરાવતી વખતે માળીએ તેને કહ્યું કે હવે મામલો ઉપર ગયો છે. સાંભળ્યું છે કે કાલે સચિવાલયમાં બધા સચિવોની મિટિંગ થવાની છે. તેમાં તમારો કેસ મુકાશે અને આશા છે કે બધું ઠીકઠાક થઈ જશે.

દટાયેલા માણસે નિઃસાસો નાખીને કહ્યું,

‘યે તો માના કિ તગાફુલ ન કરોગે લેકિન
ખાક હો જાએંગે હમ તુમકો ખબર હોને તક’.

દટાયેલા માણસના મોઢેથી શેર સાંભળીને આશ્ચર્યચકિત થયેલા માળીએ પૂછ્યું, ‘તમે કવિ છો?’

માણસે હળવેકથી હકારમાં ડોકું હલાવ્યું.

બીજા દિવસે માળીએ ચપરાસીને કહ્યું, ચપરાસીએ ક્લાર્કને અને ક્લાર્કે હેડક્લાર્કને. થોડી વારમાં આખા સચિવાલયમાં અફવા ફેલાઈ ગઈ કે દટાયેલો માણસ કવિ છે. પછી તો પૂછવું જ શું. લોકોનાં ઝુંડનાં ઝુંડ કવિને જોવા ઊમટી પડ્યાં. તેની ચર્ચા શહેરમાં પણ ફેલાઈ અને સાંજ સુધીમાં શહેરની શેરીશેરીમાંથી કવિઓ આવવા લાગ્યા. સચિવાલયની લૉન કવિઓથી છલકાઈ ગઈ અને દટાયેલા માણસની આસપાસ કવિસંમેલન જેવું વાતાવરણ બની ગયું.

દટાયેલો જણ કવિ છે, એની જાણ થતાં સચિવાલયની એક સબ-કમિટીએ નિર્ણય લીધો કે આ માણસની ફાઇલ સાથે નથી કૃષિવિભાગને સંબંધ કે નથી હૉર્ટિકલ્ચર વિભાગને. આ તો સાંસ્કૃતિક વિભાગનો મામલો છે. તેને અનુરોધ કરવામાં આવ્યો કે તે ઝડપથી નિર્ણય લે, જેથી કવિનો છુટકારો થાય.

ફાઇલ સાંસ્કૃતિક વિભાગના ટેબલે ટેબલે ફરતી સાહિત્ય અકાદમીના સચિવ પાસે પહોંચી. સચિવ એ જ વખતે કારમાં ઊપડ્યો અને પહોંચ્યો દટાયેલા કવિ પાસે. તેણે કવિ સાથે વાતચીત શરૂ કરી.

‘તમે કવિ છો?’ સચિવે પૂછ્યું.

‘હા.’

‘કયા ઉપનામથી અલંકૃત છો?’

‘ઝાકળ.’

‘ઝાકળ?’ સચિવ ચિત્કારી ઊઠ્યા, ‘તમે એ જ ઝાકળ છો, જેમનો ગદ્યસંગ્રહ “ઝાકળનાં ફૂલ”હમણાં જ પ્રગટ થયો છે?’

દટાયેલા માણસે હકારમાં ડોકું ધુણાવ્યું.

‘તમે અમારી અકાદમીના સભ્ય છો?’ સચિવે પૂછ્યું.

‘ના.’

‘નવાઈની વાત છે.’ સચિવે ઓર જોરથી ચિત્કારીને કહ્યું, ‘આટલો મોટો કવિ, “ઝાકળનાં ફૂલ”નો લેખક અને અમારી અકાદમીનો સભ્ય જ નહીં? અરર, અમારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ? આટલો મોટો કવિ ને આવો ગુમનામીમાં દટાયેલો પડ્યો છે?’

‘ગુમનામીમાં નહીં, અત્યારે તો ઝાડની નીચે દટાયેલો પડ્યો છું. મહેરબાની કરીને મને અહીંથી બહાર કાઢો.’

‘હમણાં જ વ્યવસ્થા કરું છું.’ સચિવ બોલ્યા અને તરત તેમના વિભાગમાં રિપોર્ટ કર્યો.

બીજા જ દિવસે સચિવ દોડીને કવિ પાસે આવ્યા અને કહે, ‘અભિનંદન … લો, મોં મીઠું કરો, અમારી સરકારી સાહિત્ય અકાદમીએ તમને કેન્દ્રીય શાખાના સભ્ય તરીકે ચૂંટી કાઢ્યા છે. લો, આ તમારો નિમણૂકપત્ર.’

‘પણ મને ઝાડની નીચેથી તો કાઢો.’ કવિએ દર્દની ચીસ સાથે કહ્યું. હવે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. તેમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી અને લાગતું હતું કે તેમને અસહ્ય પીડા થઈ રહી છે.

અકાદમીના સચિવે કહ્યું, ‘બહાર કાઢવાનું તો અમારા હાથમાં નથી. પણ અમારાજોગું હતું એ અમે કરી દીધું. બલકે, અમે તો તમારા મૃત્યુ પછી તમારી પત્નીને પેન્શન પણ અપાવી શકીએ છીએ. તમે એક અરજી આપી દો, એટલી વાર.’

‘પણ હું હજી જીવું છું.’ કવિએ ત્રુટક ત્રુટક શબ્દોમાં કહ્યું, ‘મને જીવતો રાખો.’

‘એમાં લોચો છે.’ અકાદમીના સચિવે કહ્યું, ‘અમારો વિભાગ ફક્ત સાંસ્કૃતિક બાબતો સાથે સંબંધિત છે અને ઝાડ કાપવામાં કલમ-શાહીને બદલે કરવત-કુહાડી જોઈએ. તેના માટે અમે જંગલખાતાને લખ્યું છે ને ઉપર ’અરજન્ટ’એવી ખાસ નોંધ પણ કરી છે.’

સાંજે માળીએ આવીને કવિને કહ્યું, ‘કાલે જંગલખાતાવાળા આવશે, ઝાડ કાપશે અને તમને બચાવી લેશે.’

બીજા દિવસે જંગલખાતાનો માણસ કરવત-કુહાડી લઈને આવ્યો, ત્યારે તેને ઝાડ કાપતાં અટકાવવામાં આવ્યો. ખબર પડી કે વિદેશવિભાગનો ખાસ હુકમ હતો કે આ ઝાડ ન કાપવું. કારણ કે તે દસ વર્ષ પહેલાં ટિમ્બકટુના પ્રધાનમંત્રીએ વાવેલું હતું. હવે તેને કાપી નાખવામાં આવે, તો બે દેશો વચ્ચેના સંબંધમાં તિરાડ પડે એવી સંભાવના હતી.

‘પણ એક માણસની જિંદગીનો સવાલ છે.’ એક કારકુન બરાડ્યો.

‘પણ આ બાજુ બે દેશો વચ્ચેના સંબંધનો - આંતરરાષ્ટ્રીય સ્તરનો સવાલ છે તેનું શું? અને એ તો સમજો કે એ દેશ આપણને કેટલી મદદ કરે છે. શું તેની સાથેની દોસ્તી માટે આપણે એક માણસનો જાન કુરબાન કરી ન શકીએ?’

‘કવિએ મરવું પડશે.’

‘બેશક. એમાં કોઈ શંકા નથી.’

અન્ડર-સેક્રેટરીએ સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું, ‘આજે સવારે વડાપ્રધાન વિદેશપ્રવાસેથી પાછા આવી ગયા છે. આજે ચાર વાગ્યે વિદેશ વિભાગ તેમની સમક્ષ આ ઝાડની ફાઇલ મૂકશે. એ જે નિર્ણય કરશે, તે સૌએ સ્વીકારવો પડશે.’

સાંજે પાંચ વાગ્યે સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ફાઇલ લઈને આવી પહોંચ્યો, ‘સાંભળો છો, કવિરાજ?’ ઉત્સાહથી છલકાતા અવાજે તેમણે કહ્યું, ‘વડાપ્રધાને ઝાડ કાપી નાખવાનો હુકમ આપી દીધો છે અને તેનાં જે કંઈ આંતરરાષ્ટ્રીય પરિણામ આવે, તે પોતે ભોગવવાની તૈયારી બતાવી છે. હવે કાલે ઑફિસ ખૂલશે એટલે આ ઝાડ કપાઈ જશે ને તમારો ઉદ્ધાર થઈ જશે. આખરે તમારી ફાઇલનો નિકાલ આવી ગયો.’

પણ કવિ કશું બોલ્યા નહીં. તેમનો હાથ ઠંડો હતો. કીકીઓ સ્થિર થઈ ગઈ હતી અને કીડીઓની એક લાંબી હાર તેમના શરીર પરથી ચાલી નીકળી હતી.

ઝાડની ફાઇલથી પહેલાં જિંદગીની ફાઇલનો નિકાલ થઈ ગયો હતો.

[ગુજરાતી રજૂઆત : ઉર્વીશ કોઠારી, સૌજન્ય : ‘કાર્ટૂન સેલ્ફી’]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 08-09 તેમ જ 12

Category :- Opinion / Short Stories