હું ત્યાં નથી

જયન્ત પંડ્યા
27-11-2019

 

જરી ન રડશો અહીં મુજ સમાધિ પાસે ઊભી,
નથી હું અવ ત્યાં કશે, નવ રહ્યો વળી હું ઊંઘી,
સહસ્ર મરુતો તણો ઘૂઘવતો છું ફુત્કાર હું,
અને ચમકતી દ્યુતિ, બરફ પે, હું હીરા સમી.
પીળા કણસલે ફૂટે સૂરજતેજની સેર હું,
વળી શરદકાલનાં મૃદુલ વર્ષણો તે ય હું.
તમારું ઊઠવું થશે રવહીણા પ્રભાતે યદિ
તદા ત્વરિત વેગની ગતિવિધિ ઊંચાઈ તણી
વિહંગવલયે રચી, અરવ પાંખની, એ ય હું.
હું છું મસૃણ તારકો ટમકતેજ, રાત્રિ તણા.
સમાધિ સમીપે ઊભી વિલપશો લગીરે નહીં,
નથી જ નથી હું તહીં, મરણ મારું ક્યાં છે થયું ?

(વરસો પહેલાં, લંડનમાં, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના એક જાહેર અવસરે, અહીં નીચે મૂકાયું અંગ્રેજી કાવ્ય પેશ કરીને તત્ક્ષણ અનુવાદ કરવાનો પ્રસંગ ઊભો કરેલો. તે અવસરે ગુજરાતીના એક અવ્વલ સાહિત્યકાર અને મિત્ર દિવંગત જયન્ત મ. પંડ્યાએ આ ઉપર આપ્યો અનુવાદ કરેલો. અબીહાલ, તે કવિના 'આમ્રમંજરી' નામક કાવ્યસંગ્રહમાં સામેલ છે. − વિ.ક.)

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning's hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

                                      − Mary Elizabeth Frye

Category :- Poetry