બાબુ સુથાર સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ
11-05-2019

ડો. બાબુ સુથાર એ ગુજરાતી ભાષા-સાહિત્યનું એક વિરલ વ્યક્તિત્વ, સર્જક, ભાષાવિજ્ઞાની અને ભાષાના તત્ત્વચિંતક હોવા ઉપરાંત તેઓ એક સંપાદક છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરીને એમણે યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં સાઉથ એશિયા સ્ટડીઝ વિભાગમાં ગુજરાતીનું અધ્યાપન કર્યું. અમેરિકા વસવાટ પહેલાં થોડોક સમય એમણે ગુજરાતમાં પત્રકારત્વની ભૂમિકા પણ નિભાવેલી. ગુજરાતી ભાષાની પ્રથમ ‘લર્નર્સ ડિક્શનરી’ તૈયાર કરવાનું માતબર શ્રેય પણ એમને જાય છે. એ ઉપરાંત ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો અને સાહિત્યક્ષેત્રે પણ એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નવલકથા, નવલિકાઓ, કવિતા ઉપરાંત બાળસાહિત્ય સ્વરૂપોમાં એમની સર્જનશીલતા સતત વહેતી રહી છે. તેમણે “સંધિ” ત્રિમાસિકનું સંપાદન પણ સંભાળેલું. એમની સાથેનો ભાષાવિજ્ઞાન વિષયક આ વાર્તાલાપ માહિતીપાત્ર બની રહેશે.

પ્રશ્ન : બાબુભાઈ, આપણા લોકોમાં ભાષાવિજ્ઞાન એ થોડોક અલ્પ પરિચિત વિષય છે. સાહિત્યની ચર્ચાઓ વારંવાર થાય છે, પરંતુ જે સામગ્રીથી સાહિત્ય રચાય છે તે, એટલે કે ભાષા, એના વિજ્ઞાન અને એના શાસ્ત્ર વિષે આપણું થોડું દુર્લક્ષ રહ્યું છે. ભાષાવિજ્ઞાનીના કાર્યક્ષેત્ર વિષે સૌપ્રથમ થોડી સમજણ આપશો?

ઉત્તર : મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે ભાષાવિજ્ઞાની એક કરતાં વધુ ભાષાઓ જાણતો હોય છે. પણ એ વાત સાચી નથી. ભાષાવિજ્ઞાની એક જ ભાષા જાણે તો પણ ચાલે. એક કરતાં વધારે ભાષા જાણે એને પોલિગ્લોટ કહેવામાં આવે છે. પણ પોલિગ્લોટ હોય એ ભાષાવિજ્ઞાની હોય એ જરૂરી નથી. આ એક પ્રકારનું વિજ્ઞાન છે. ભાષાવિજ્ઞાની જગતની કોઈપણ ભાષાનો, એની સામગ્રી એકત્ર કરીને, એનું વિશ્લેષણ કરીને એનું વ્યાકરણ લખી શકે. જેમ કે મેં આફ્રિકાની કિસી ભાષાનું નાનકડું વ્યાકરણ તૈયાર કરેલું, પણ કિસી ભાષાના બે વાક્યોથી વધારે મને બોલતાં નહોતાં આવડતાં. એટલે ભાષાવિજ્ઞાની સૌ પહેલાં તો જે તે ભાષાનો ડેટા ભેગો કરે, પછી એ ડેટાનું વર્ગીકરણ કરે, પછી એના આધારે એનુ અર્થઘટન કરે અને એમાં કોઈ સામન્ય સિદ્ધાંત બનાવે અને પછી એ સિદ્ધાંતને ચકાસે. બીજું એ છે કે, ‘આ સાચું, આ ખોટું’, એ માથાકૂટમાં ભાષાવિજ્ઞાની નહીં પડે. કોઈ માણસ ‘મેં ખાધું’ની જગ્યાએ ‘હુંએ ખાધું’ એમ કહે તો ભાષાવિજ્ઞાની એને એમ નહીં કહે કે આ ‘હુએ ખાધું’ એ ખોટું છે. ભાષાવિજ્ઞાની એ વાક્યને ડેટા તરીકે લઇ લેશે, પછી એવાં બીજાં કયાં વાક્યો કેવા માણસો બોલે છે અને એની સંરચના શું છે એની તપાસ કરશે. એટલે ભાષાવિજ્ઞાની કોઈ નિયમો નહીં બનાવે કે ‘આ સાચું અને આ ખોટું’. બીજું, ભાષાવિજ્ઞાનીઓ જે પણ ભાષાનો અભ્યાસ કરતા હોય એને ક્લાસિકલ ભાષામાં ન્યૂન નહીં કરે. કોઈ એમ કહે કે ‘સંસ્કૃતમાં આમ છે એટલે ગુજરાતીમાં પણ આમ હોવું જ જોઈએ’ તો એ વાત ભાષાવિજ્ઞાની નહીં સ્વીકારે. એ એમ કહેશે કે ગુજરાતી એક સ્વતંત્ર ભાષા છે. ઉદાહરણ તરીકે, થોડોક વખત એ ચર્ચા ચાલેલી કે ‘પુનઃ’માં જે વિસર્ગ આવે છે એને કારણે ગુજરાતી સંધિમાં વિસર્ગનો ર કરવો જોઈએ. પણ ગુજરાતીઓ જો વિસર્ગ બોલતા જ ન હોય તો એ વિસર્ગનો ર કઈ રીતે થઇ શકે? તો, આ ત્રણ મુખ્ય સિદ્ધાંતોનું પાલન મોટા ભાગના ભાષાવિજ્ઞાનીઓ કરતા હોય છે. 

પ્રશ્ન : હવે ભાષાવિજ્ઞાનની મુખ્ય શાખાઓ વિષે વાત કરીએ.

ઉત્તર : પહેલાં તો, ધ્વનિવિન્યાસનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેને ધ્વનિવિન્યાસશાસ્ત્ર કહે છે, એટલે કે ફોનોલોજી. કોઈપણ ભાષાના ધ્વનિની ભાત કયા પ્રકારની છે, એનો એ શાખા અભ્યાસ કરે છે અને એમાં ઘણું બધું કામ થયું છે. એના અનેક સિદ્ધાંતો પણ છે. ત્યાર પછી રૂપતંત્ર, એટલે કે નવા શબ્દો કઈ રીતે બનાવવામાં આવે છે અને એ શબ્દો એકબીજા સાથે કઈ રીતે જોડાય છે, એને મોર્ફોલોજી કહે છે. જેમ કે ‘સારો છોકરો’, ‘સારી છોકરી’, ‘સારું છોકરું’. પછી શબ્દો કઈ રીતે વાક્યમાં આવે છે એને લાગતું એક શાસ્ત્ર છે તે વાક્યતંત્ર - એ પણ ભાષાવિજ્ઞાનની એક શાખા છે - એને સિન્ટેક્સ કહેવાય છે. ત્યાર પછી ભાષાના અર્થની વાત કરે છે તે, એટલે કે ભાષાનો અર્થ કઈ રીતે સમજવો - એ સેમેન્ટિક્સ. પછી ભાષા રોજબરોજના ઉપયોગમાં કઈ રીતે આવે છે - દાખલા તરીકે ‘તું’ અને ‘તમે’ શબ્દો ક્યારે વપરાય છે. ભાષાનો યુસેજ કે વપરાશ, એનો અભ્યાસ કરતી શાખા તે પ્રેગ્મેટિક્સ. આટલી મૂળભૂત શાખાઓ છે. ત્યાર પછી અનેક ઇન્ટર-ડિસિપ્લિનરી શાખાઓ છે. મગજ અને ભાષાના સંબંધની વાત કરે તે ન્યુરો-લિન્ગ્વિસ્ટિક્સ, ચિત્ત અને ભાષાના સંબંધની વાત કરે તે સાયકો-લિન્ગ્વિસ્ટિક્સ, ભાષા અને સમાજ વચ્ચેના સંબંધની વાત કરે તે સોશિયો-લિન્ગ્વિસ્ટિક્સ, અથવા સમાજભાષાવિજ્ઞાન, ભાષાનો ઐતિહાસિક અભ્યાસ કરે તે ઐતિહાસિક ભાષાવિજ્ઞાન, ભાષાઓની તુલના કરતું શાસ્ત્ર તે તુલનાત્મક ભાષાવિજ્ઞાન. અત્યારે તો ભાષાવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ થઇ ગઈ છે, અમેરિકામાં તો ફોરેન્સિક લિન્ગ્વિસ્ટિક્સના ખાસ વિભાગ છે. ગુના પકડવામાં ભાષાવિજ્ઞાન કઈ રીતે મદદ કરી શકે એનો અભ્યાસ એમાં થતો હોય છે. કોમ્પ્યુટેશનલ લિન્ગ્વિસ્ટિક્સ પણ હવે આવ્યું છે. એટલે જ્યાં જ્યાં ભાષા છે ત્યાં ત્યાં ભાષાવિજ્ઞાન હાજર થઇ જાય છે. એમાં પણ ઘણું સુપર-સ્પેશ્યલાઈઝેશન છે.

પ્રશ્ન : બાબુભાઈ, તમે અવારનવાર ભારત જાવ છો. ગુજરાતની અનેક શિક્ષણસંસ્થાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તમે મળો છો, વ્યાખ્યાનો આપો છો. ભાષાની બારીકીઓ વિષે, એના પદ્ધતિસરના અભ્યાસ વિષે, કેટલી સજાગતા અને પ્રતિબદ્ધતા ત્યાં તમને જોવા મળે છે? અને, ગુજરાતમાં ભાષાવિજ્ઞાનનું શિક્ષણ ક્યાં અને કેવું અપાય છે?

ઉત્તર : કમનસીબે ગુજરાતમાં ભાષાવિજ્ઞાનના શિક્ષણની ગુણવત્તા વધારે ને વધારે બગડતી જાય છે. પહેલાં આપણી પાસે વડોદરામાં સારું ડિપાર્ટમેન્ટ હતું. વડોદરામાં હજુ પણ એ ડિપાર્ટમેન્ટ છે, પણ એક જમાનામાં ત્યાં પ્રો. માહુલકર, પ્રો. ભારતી મોદી, કે પ્રો. નાથ, પ્રો. ઉષા દેવી જેવાં જે વિદ્વાનો હતાં, એ પ્રકારના વિદ્વાનો હવે ત્યાં મળતા નથી. ભાષાવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે એટલે એમાં પુષ્કળ સંવાદ, રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે, થવો જોઈએ; તે કમનસીબે હવે ત્યાં થતો નથી. હું રૂબરૂ વડોદરા જાઉં છું ત્યારે મારી સાથે પણ કોઈ સંવાદ થતો નથી, હું ત્યાનો વિદ્યાર્થી છું છતાં. સુરતમાં ડિપાર્ટમેન્ટ હતું તે બંધ થઇ ગયું. અને અમદાવાદમાં એ લોકો ૧૯૩૨ની સાલમાં જે વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન હતું એના આધારે થોડુંક ભણાવે છે. ત્યાર પછી એ લોકો આગળ ગયા નથી. હકીકતમાં ૧૯૫૭ની સાલમાં ચોમ્સ્કી નામના ભાષાવિજ્ઞાનીએ એક નાનકડી પુસ્તિકા લખી - Syntactic Structures,  એના પગલે ભાષાવિજ્ઞાનમાં એક બહુ મોટી ક્રાંતિ આવી ગઈ. ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ચોમ્સ્કીના સિદ્ધાંતોનો અભ્યાસ નહીં થતો હોય. પણ અમદાવાદમાં નથી થતો. એટલે ભાષાવિજ્ઞાનનો અભ્યાસ ગુજરાતમાં નબળો છે અને એમાં પણ ગુજરાતી ભાષાવિજ્ઞાનનો અભ્યાસ તો બહુ જ નબળો છે.

પ્રશ્ન : હવે જોડણીની વાત કરીએ. એક દલીલ એવી છે કે ક્લિષ્ટ જોડણીને કારણે આપણા ભાષકો ગુજરાતીથી વિમુખ થઇ રહ્યા છે. કેટલાકે એનો જવાબ ઊંઝા જોડણી રજૂ કરીને આપ્યો. જોડણીના મુદ્દે તમારા વિચારો જાણવાની ઈચ્છા છે.

ઉત્તર : જોડણી વિષે આપણે બહુ જાણતા નથી. વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન ૧૯૨૧માં શરૂ થયું. એમાં એવું કહ્યું છે કે જોડણી ભાષાના ધ્વનિની રજૂઆત કરે છે. એટલે આપણે એવું માની લીધું કે જેવું બોલાય એવું લખાવું જોઈએ. અથવા તો જે લખાય છે તે આપણે જે બોલીએ છીએ એની રજૂઆત છે. પણ ત્યાર પછી ભાષાવિજ્ઞાનનો જે વિકાસ થયો એમાં લેખનવ્યવસ્થા અને જોડણીવ્યવસ્થા વિષે બહુ સરસ વાત કરી છે, કે જોડણી અને ધ્વનિ વચ્ચે સમાનતા હોવી એને અકસ્માત સમજવો. અસમાનતા જ નિયમ છે. એટલે જેમ જોડણીની એક વ્યવસ્થા છે એમ ધ્વનિની એક વ્યવસ્થા છે. અને એ બંનેને જોડવા માટે એક ત્રીજી વ્યવસ્થા છે. હવે, આપણી જોડણી કાચી છે એનું મુખ્ય કારણ એ છે કે આપણે શાળામાં વિદ્યાર્થીઓને કહેતા જ નથી. હું મારી વાત કરું તો મેં ગુજરાતીમાં એમ.એ કર્યું ત્યાં સુધી મને કોઈએ એમ નથી કહ્યું કે મારી જોડણી ખરાબ છે. છેક અમેરિકા આવ્યો ત્યારે મધુ રાયે મારું ધ્યાન દોર્યું કે ‘બાબુભાઈ તમારી જોડણી આટલી બધી ખરાબ કેમ છે?’ પછી મારી રીતે મેં મારી જોડણી સુધારવાનું શરૂ કર્યું ને અત્યારે એ પ્રમાણમાં ઠીકઠીક થઇ ગઈ છે, તો પણ ભૂલ પડે છે. એટલે બાળકોમાં પહેલેથી એક જાતની સજાગતા કેળવવામાં આવે તો એની ભૂલો ન થાય. જોડણીમાં કેટલીક અરાજકતા જરૂર છે પણ એ અરાજકતા દૂર કરી શકાય એમ છે. પણ ઊંઝા જોડણીનું જે આયોજન છે તે બરાબર નથી. એમાં ઘણી બધી સૈદ્ધાંતિક મુશ્કેલીઓ પણ છે. એટલે હું એમ માનું છું કે અત્યારની આપણી જોડણીવ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે બીજું શું કરી શકાય એ વિચારવું જોઈએ. એક જ અક્ષર જુદીજુદી રીતે લખાતો હોય છતાં એનું સામાન્યીકરણ અને સરળીકરણ કેવી રીતે કરી શકાય ... જોડણી-આયોજન એ ભાષાવિજ્ઞાનની એક આખી શાખા છે. અંગ્રેજીની જોડણી પણ કંઈ એટલી સરળ નથી. છતાં આપણા બાળકો અંગ્રેજી ભણે છે. એક જ અક્ષર સી, એનો ઉચ્ચાર અંગ્રેજીમાં ક થાય, ચ પણ થાય અને સ પણ થાય. અંગ્રેજીમાં આ બધી અવ્યવસ્થા છે છતાં બાળકોને કે વાલીઓને એની સામે ફરિયાદ નથી. એ એમ નથી કહેતા કે અંગ્રેજીની જોડણી સહેલી કરી આપો. ગુજરાતીની જ જોડણી શા માટે સહેલી કરવાની? બાળકોને આ સહેલું પડશે, એ મોટેરાંઓ નક્કી કરે એ સૌથી મોટો ડિઝાસ્ટર છે. બાળકો શીખી લેતાં હોય છે, એમને શીખવાની વ્યવસ્થા આપણે પૂરી પાડવી પડે. કોઈ ગુજરાતી છોકરો ગણિત બરાબર ન કરે તો મા-બાપ કહેશે કે તું બરાબર ભણતો નથી, પણ ગુજરાતી બરાબર નહીં લખે તો કહેશે કે માસ્તર બરાબર ભણાવતા નથી. આ આખી માનસિકતા બદલવાની જરૂર છે. ગુજરાતી ભાષાને ટેકનોલોજીને લાયક બનાવવા માટે કેટલુંક આયોજન કરવાની જરૂર છે, પણ સરકાર જ્યાં સુધી એ હાથમાં ન લે ત્યાં સુધી એ શક્ય નથી.

પ્રશ્ન : જોડણીની ચર્ચા કરીએ છીએ તો આપણી ભાષાના કોશોની વાત કરીએ.તમે એ દિશામાં પણ કામ કર્યું છે.

ઉત્તર : હા, સાર્થ જોડણીકોશ અને બીજા અનેક કોશો બન્યા છે, પણ મારી દૃષ્ટિએ એ પ્રભાવવાદી, એટલેકે ઇમ્પ્રેશનિસ્ટિક છે, વૈજ્ઞાનિક ઢબે કોશ તૈયાર થવા જોઈએ એ થયા નથી. એને કારણે કોશમાં જે ઉદાહરણ આપવામાં આવે છે એ ઉદાહરણ પણ ખોટાં હોય છે. આપણે એ પણ નક્કી કરવાની જરૂર છે કે કેટલી ધ્વનિવ્યવસ્થા કોશમાં પ્રવેશવી જોઈએ. નવાં સંશોધનો અને નવી ટેકનોલોજીનો લાભ ગુજરાતી ભાષાને મળવો જોઈએ એ પણ મળતો નથી. જોડણીકોશ કે શબ્દકોશ સાથે જે લોકો સંકળાયેલા છે એ પરંપરામાં તૈયાર થયેલા લોકો છે. એમની ભાષા વિશેની સૂઝ ઉપર હું શંકા નથી કરતો, પણ સાયન્સ ઓફ લેક્સિકોગ્રાફી, કોશનું વિજ્ઞાન - એમાં તો એ લોકો નબળા છે જ. શબ્દના અર્થ કઈ રીતે આપવા એ પણ નક્કી કરવાની જરૂર છે. દાખલા તરીકે, એક શબ્દકોશમાં ‘છોકરો’ શબ્દના અર્થો પૈકી એક અર્થ ‘ચાવાળો’ પણ છે. એટલે આ રીતે પ્રભાવવાદી શબ્દકોશો તૈયાર થયા છે એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો બહુ નબળા છે. પણ ગુજરાતમાં આ બધું ચાલે છે.

પ્રશ્ન : ગુજરાતી ભાષા બાબતે આપણા લોકોની માનસિકતા વિષે તમે કેટલાક ઉલ્લેખો કર્યા, પણ બાબુભાઈ આ સમય વૈશ્વીકરણનો છે. હું અને તમે બંને, દરિયાપાર જઈને વસ્યાં છીએ. ગુજરાતી ભાષા લુપ્ત થઇ રહી છે એવી ચિંતા સતત વ્યક્ત થાય છે. તમને લાગે છે કે ગુજરાતી ભાષા લુપ્ત થઇ જશે?

ઉત્તર : ભાષા સંપૂર્ણપણે લુપ્ત નહીં થાય પણ ભાષાનું ધોવાણ તો ઘણું થયું છે. એટલું બધું ધોવાણ થયું છે કે અત્યારે ગુજરાતમાં પણ ગુજરાતી ભાષા પર માતૃભાષા જેવું નિયંત્રણ હોય એવા માણસો મળવા મુશ્કેલ છે. એટલે કે જો એ માણસે દસ મિનિટ ગુજરાતીમાં બોલવાનું હોય તો એ નહીં બોલી શકે. એ ઘણા બધા અંગ્રેજી શબ્દો બોલશે, ઘણી અંગ્રેજી પ્રભાવવાળી વાક્યરચનાઓ પણ લઇ આવશે. એનો અર્થ એ થયો કે ગુજરાતી ભાષાનું ધોવાણ થઇ રહ્યું છે. જેમ કે આપણા સંબંધવાચક શબ્દો - બા, બાપુજી, બહેન. આ બધા શબ્દોનું ધોવાણ થઇ ગયું છે. કારણ કે શહેરમાં લોકો એમ જ કહેશે કે ‘મારા ફાધર આવવાના છે, મધર કાલે આવશે અને સિસ્ટર જરા બિમાર છે’. હવે આ શબ્દો આપણી પાસે નથી એવું તો નથી. સમાજ-ભાષાવિજ્ઞાનમાં કોઈએ એક બહુ સરસ કન્સેપ્ટ આપ્યો છે- લેન્ગવેજ લોયલ્ટી. એટલે કે ભાષા-વફાદારી. ગુજરાતી પ્રજાની ભાષા-વફાદારી બહુ નબળી છે. એને પાછી લાવવા માટે સરકારે પગલાં લેવાં જોઈએ, કારણ કે પ્રજા તો શું કરે? આમાં કોઈ મંદિરનો મહંત તો પગલાં લે નહીં. ભાષાવિજ્ઞાનીઓએ ઘણું કામ કર્યું છે અને દુનિયાની ઘણી ભાષાઓ એમણે રીસ્ટોર કરી છે. હમણાં મેં વાંચ્યું કે કોઈ શિક્ષણના અધિકારીએ એવો નિર્ણય લીધો છે કે પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ ગુજલિશમાં આપવું, ગુજરાતીમાં નહીં. એટલે આપણે વિદ્યાર્થીઓને કહીશું કે ‘પહેલાં વોટર લો, પછી એમાં ફિંગર બોળો’. આ નિર્ણય સત્તાવાર રીતે લેવામાં આવ્યો છે. અને ગુજરાતી પ્રજા ચૂપ છે, કારણ કે એને એની પડી નથી. એટલે ભાષાનું એટલું બધું ધોવાણ થશે કે એને કારણે માનવતાનું ધોવાણ થશે, માનવસંબંધોનું અને એના પર્યાવરણનું ધોવાણ થશે. કારણ કે એક તત્ત્વજ્ઞાનીએ કહ્યું છે કે ભાષા આપણી હયાતીનું ઘર છે. જે ઘર આ રીતે કરપ્ટ થઇ જાય એ ઘરનાં મૂલ્યો પણ પાછળથી એવાં જ થઇ જશે. હું એમ નથી કહેતો કે આપણે પરંપરાગત મૂલ્યો જ જાળવી રાખવાં જોઈએ, પણ જે મૂલ્યોની માણસજાતને જરૂર છે એ મૂલ્યોને ટકાવી રાખવાં માટે ભાષાને ટકાવી રાખવી પડે. ગુજરાતી ભાષાનું બહુ મોટા પાયે ધોવાણ થઇ રહ્યું છે અને એના માટે હું સ્પષ્ટપણે કહીશ કે પ્રજા તો જવાબદાર છે જ પણ સરકાર પણ એટલી જ જવાબદાર છે. હું આ સંદર્ભે ‘કલાપી’ની પંક્તિઓ વારંવાર વાપરું છું. ‘રસહીન થઇ છે ધરા, દયાહીન થયો નૃપ.’ ગુજરાતી પ્રજા રસહીન થઇ છે અને સરકાર દયાહીન થઇ છે. તમને કદાચ ખબર હશે કે આપણે ત્યાં ગુજરાતી ભાષામાં પાસ થવાથી વધારે માર્ક મેળવવાની જરૂર નથી. એકંદર ટકાવારીમાં ગુજરાતીના માર્ક ગણાતા નથી. એટલે સરકાર જો આમ માળખાગત રીતે ભાષાને અવગણે તો પ્રજાને પણ એમ થાય કે ખાલી પાસ જ થવાનું છે. તમે અંગ્રેજી ભાષામાં ભણો એની સામે મને વાંધો નથી, પણ તો પછી અંગ્રેજી ભાષા ઉપર તમારું માતૃભાષા જેવું પ્રભુત્વ હોવું જોઈએ. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે બાળક ગર્ભમાં હોત ત્યારે એ માતૃભાષા શીખવાની શરૂઆત કરે છે. હવે બાળકોને જ્યારે તમે અંગ્રેજી માધ્યમમાં મૂકો ત્યારે એ ગર્ભમાં જે શીખ્યું છે એ ભૂલવાની પ્રક્રિયા શરૂ થાય છે. એમાં નુકસાન તો બાળકને જ થાય છે. 

પ્રશ્ન : બાબુભાઈ, આપણે ત્યાં જૂની કહેવત છે, ‘બાર ગાઉએ બોલી બદલાય’. આપણી આ કહેવત ભાષા વિષે શું કહે છે? બોલી એટલે અંગ્રેજીમાં ડાયલેકટ અને ભાષા એટલે લેન્ગ્વેજ.

ઉત્તર : હા, ઘણા લોકો અમુક રીતે કંઇક બોલે અને હું કંઇક કહું એટલે સામે કહે કે ‘એ તો બાબુભાઈ, બાર ગાઉએ બોલી બદલાય’. એ વાત બરાબર છે, પણ તમે આ કહેવતને બરાબર સમજો. એમાં કહ્યું છે કે બોલી બદલાય, ભાષા બદલાય એમ નથી કહ્યું. ભાષા તો સરખી જ રહે છે. આપણા ચિત્તમાં એનું જે વ્યાકરણ છે એ વ્યાકરણ તો એ જ રહે છે. સ્થળ પ્રમાણે બોલચાલની ભાષા બદલાય છે છતાં પણ આપણે એકબીજાને સમજી શકીએ છીએ કારણ કે વ્યાકરણ એક જ રહે છે. બોલી બદલાય એ સ્વાભાવિક છે અને બોલી બદલાવી જોઈએ. એક આખું શાસ્ત્ર ઊભું થયું છે જે ભાષાને વેરિયેશન્સ તરીકે જુવે છે. એટલે ભાષા ભૂગોળ પ્રમાણે બદલાય, ભાષા સમય પ્રમાણે બદલાય, ભાષા પરિસ્થિતિ પ્રમાણે પણ બદલાય. ભાષામાં આ બધા બદલાવો આવે એ ભાષાની સમૃદ્ધિ બતાવે છે. પણ કોઈપણ ભાષાકીય ભૂલને આ કહેવતનું ઉદાહરણ આપીને જસ્ટિફાય ન કરી શકાય.

પ્રશ્ન : આ જ રીતે અખાની ‘ભાષાને શું વળગે ભૂર’ વાળી કહેવત પણ આપણે વારંવાર ટાંકીએ છીએ.

ઉત્તર : અખાને એ વખતે સંસ્કૃતના પંડિતો બહુ હેરાન કરતા હતા. સંસ્કૃતમાં જે કહેવાય એ જ બરાબર છે અને આવી પ્રાદેશિક ભાષામાં કહેવાય એ બરાબર નથી. વિદ્વત્તા સંસ્કૃતમાં જ શોભે. અત્યારે જેમ ઘણા લોકો માને છે ને કે અંગ્રેજીમાં બોલે તો વટ પડે, ગુજરાતીમાં બોલે તે વિદ્વાન ન લાગે. તો આ સંસ્કૃતવાળી માન્યતા સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આ કહેલું. એટલે અહીં ભાષાનો અર્થ સંસ્કૃત ભાષા કરવાનો છે. સંસ્કૃત ભાષા વાપરે તો જ જ્ઞાની કહેવાય એવું નથી, ગુજરાતી ભાષામાં પણ જ્ઞાન પ્રગટ કરી શકાય, એવું કહીને અખાએ ગુજરાતી ભાષાનું ગૌરવ કર્યું છે. પણ આપણે એને સંદર્ભ બહાર કાઢીને એનો અર્થ કરીએ છીએ અને આપણી ભૂલોને ન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરીએ છીએ.

પ્રશ્ન : બાબુભાઈ તમારી વાત કરીએ તો તમારી અંદર એક સર્જક એટલે કે કલાકાર છે અને એક વૈજ્ઞાનિક પણ છે, કારણ કે તમે ભાષાવિજ્ઞાની છો. ભાષાના સિક્કાની આ બે બાજુનો તાલમેલ કેવી રીતે જાળવો છો?

ઉત્તર : વર્ષો પહેલાં મેં ભણવાનું શરૂ કર્યું ત્યારે મેં ક્યાંક એરિસ્ટોટલને વાંચ્યો અને પછી મને થયું કે મારે પહેલાં તો ભાષાના ફિઝિક્સને સમજવું જોઈએ. બીજું કે ભાષાની ક્રિયેટિવિટી કઈ રીતે થાય છે એ સમજવું જોઈએ. અને ત્રીજું ભાષાની ફિલસૂફી શું છે એ જાણવું જોઈએ. આ ત્રણ મોડેલ મારા મનમાં હતાં. મને થયું કે હું સર્જક છું એટલે ભાષાની સર્જનાત્મકતાનો ખ્યાલ તો મને આવે છે. હવે ભાષાની સંરચનાનો અભ્યાસ કરવો હોય તો માટે ભાષાવિજ્ઞાન પાસે જવું પડે. એટલે એમ કરીને હું ભાષાવિજ્ઞાન પાસે ગયો. પછી મને સમજાયું કે ભાષા સાથે ફિલસૂફી પણ જોડાયેલી છે તો એ માટે ભાષાનું તત્ત્વચિંતન સમજવું જોઈએ એટલે હું ફિલોસોફી ઓફ લેન્ગ્વેજ પાસે ગયો. એટલે આ ત્રણેત્રણમાં આખરે તો મારો રસ ભાષાના સત્ત્વને પામવાનો છે. એટલે લખવું એ મારા માટે મારી અંગત લાગણી કે સંવેદનાને વ્યક્ત કરવી એ તો બરાબર છે પણ પરંતુ એની સમાંતરે ભાષા શું છે અને એમાં સર્જનાત્મકતા કઈ રીતે કામ કરે છે એ પણ હું સમજવા પ્રયત્ન કરતો હોઉં છું. એટલે મારા માટે લખવું - સર્જન કરવું, વિશ્લેષણ કરવું, અને ભાષા વિષે ચિંતન કરવું એ ત્રણે એક જ પ્રકારની પ્રવૃત્તિઓ છે. ભાષાનું સત્ય સમજવા માટે મને આ ત્રણેત્રણ જરૂરી લાગે છે, કારણકે મને રસ છે આખરે ભાષાના સત્ત્વમાં.

પ્રશ્ન : ગુજરાતી ભાષાના દરજ્જાને ઊંચો લાવવા માટે ગુજરાતી પ્રજાએ શું કરવું જોઈએ?

ઉત્તર : મારું એમ કહેવું છે કે કોઈપણ ભાષા ચડિયાતી કે ઊતરતી નથી હોતી. ભાષાને ચડિયાતી કે ઊતરતી એના ભાષકો બનાવતા હોય છે. કોઇ પણ ભાષામાં એવું કોઈ વ્યાકરણમૂલક લક્ષણ નથી જેને કારણે આપણે એમ કહી શકીએ કે આ ભાષા ઊંચી છે. પ્રજા ભાષાને ઊંચી કે નીચી બનાવતી હોય છે. એટલે ભાષા પરત્વેનો પોતાનો અભિગમ પ્રજા બદલે તો ગુજરાતી ભાષાનો દરજ્જો ઊંચો આવે. આપણે ભાષાને આર્થિક ઉપાર્જન સાથે જોડી છે. અંગ્રેજી ભાષા સારી આવડે તો નોકરી જલદી મળે. મને એનો કોઈ વાંધો નથી. પણ ભાષાવિજ્ઞાનીઓ બે પ્રકારની બહુભાષિતાની વાત કરે છે. એક એડિટિવ, એટલે કે વધારાનું. એમાં માતૃભાષા જળવાઈ રહે અને બીજી ભાષા ઉમેરાય અને તમને એ મદદ કરે. અને બીજા પ્રકારની બહુભાષિતા એવી છે જેમાં બીજી ભાષા પહેલી ભાષાની જગ્યા લઇ લે. આને સબટ્રેક્ટિવ બાયલિન્ગ્વલીઝમ કહે છે. એમાં પહેલી ભાષાની બાદબાકી થઇ જાય છે. આપણે આ બીજા પ્રકાર તરફ જઈ રહ્યાં છીએ. અંગ્રેજીને ઉમેરણ તરીકે લઈએ તો ગુજરાતી ભાષાનો દરજ્જો ઊંચો આવે. એનો દરજ્જો ઊંચો લાવવા માટે બીજું ઘણું કરી શકાય એમ છે, એનું રીતસરનું આયોજન કરવું પડે. શિક્ષણમાં ઉપયોગી થઇ પડે એવા પ્રૂફ-રીડિંગના, અનુવાદના, જાહેર વ્યાખ્યાનના કોર્સ કરી શકાય. ભાષા સાથે કેટલું બધું જોડાયેલું છે. અત્યારે ગુજરાતીઓ ગુજરાતી ટી.વી. ઉપર જે ગુજરાતી બોલે છે એ સાંભળીને આપણને ત્રાસ થાય છે. એમને જો તાલીમ આપવામાં આવે. બીજું ભાષાને જો ઇન્ડસ્ટ્રી સાથે, વેપાર સાથે જોડવામાં આવે તો એનો સામાજિક દરજ્જો ઊંચો આવે. પણ આપણે એવું કશું કરતા નથી. એટલે ગુજરાતી મા-બાપે એવું માનવાની જરૂર નથી કે મારું બાળક ગુજરાતી ભણશે તો પછાત રહી જશે. મારું એવું માનવું છે કે એ કેવળ અંગ્રેજી જ ભણશે અથવા અંગ્રેજી અને ગુજરાતી બંને બરાબર નહીં જાણે તો એ સૌથી વધુ પછાત રહી જશે. એન.આર.આઈ.એ પણ સરકારને કહેવું જોઈએ. મોટા ભાગના એન.આર.આઈ. વિષે તમે પણ નોંધ્યું હશે કે ગુજરાતી માધ્યમમાં ભણીને આવ્યા છે. અને એમની ભારત પ્રત્યેની વફાદારી છે એને હું ભાષાની વફાદારી સાથે જોડું છું. પણ હવે અંગ્રેજીમાં ભણીને આવેલા જે નવા એન.આર.આઈ. છે એમની વફાદારીનું પોત જરા જુદા પ્રકારનું છે. જેમ એમની ગુજરાતી પરત્વેની વફાદારી ઓછી છે એમ એમની દેશ પરત્વેની વફાદારીમાં પણ ક્યાંક ઊણપ જોવા મળે છે. દેશ પરત્વેની લાગણી, સમાજસેવા, અને ભાષા પરત્વેની વફાદારી વચ્ચે ગાઢ સંબંધ છે. 

e.mail : [email protected]

[પ્રગટ : “નવનીત સમર્પણ”, ફેબ્રુઆરી 2019; પૃ. 30-38]

Category :- Opinion / Interview