મુનશીજી

દીપક બારડોલીકર
04-10-2018

‘તમે શું નહીં ભણો, આમલીપીપળી કરાવતો તમારો શેતાન પણ ભણતો થઈ જશે ! −− સીધા કરી દઈશ −− !’

આ શબ્દો હતા અમારા મુનશી સાહેબના. બારડોલીના ઉર્દૂ શાળાના એ હેડ ટીચર. નામ હતું રફીઉદ્દીન. ઊંચા, ઉજળા ને એકવડા બાંધાના તેજસ્વી આદમી. સ્વભાવે મળતાવડા હતા, પણ ખોટું સ્વીકારે નહીં. કોઈ ધનવાન પણ ખોટી વાત ચલાવે તો વિનમ્રતાથી કહી દેતા, ‘માફ કરજો, તમારી આ વાત યોગ્ય લાગતી નથી.’

અને એવે પ્રસંગે કોઈ જમીનદાર ઉશ્કેરાઈ જાય તો તેને ય ટાઢો પાડતાં કહેતા, ‘બોલો અત્યારે દિવસ છે કે રાત ?’ − અને પોતે જ એનો જવાબ આપતાં કહેતા, ‘દિવસ છે. અને હું એને રાત કહું તો તમે નહીં માનો, ખરું ને!’ − − અને જમીનદાર માથું હલાવીને ના પાડે કે તરત મુનશીજી હસતાં હસતાં સંભળાવી દેતા, ‘તો પછી અમે શું કામ માનીએ ! આગને બાગ યા બાગને આગ શા માટે કહીએ !’

મુનશીજી એક કાબેલ શિક્ષક હતા. બહુ કાળજીથી ભણાવતા. દરેક નવો શબ્દ અને તેનો અર્થ બરાબર સમજાવતા. વારંવાર રટાવતા. ઉચ્ચાર શુદ્ધ થવો જોઈએ, જોડણી ય શુદ્ધ, નહિતર મુનશીજી રાતાપીળા થઈ જાય. રાડ પાડે, ‘ઉદ્ધારને ઉધાર કહો છો, નાલાયકો !’

મુનશી સાહેબની આ સખ્તાઈ હોવા છતાં ક્યારેક ક્યારેક અમને શરારત સૂજતી અને અમે, હું ને મારા ત્રણેક સહપાઠીઓ, ગાપચી મારી જતા. બોર, જાંબુ, કરમદાં - ખટમડાં ચૂંટવા - ખાવા માટે સીમમાં ભાગી જતા. આમ થતું ત્યારે મુનશીજી પોતે અમને શોધવા સીમમાં જતા. હાથમાં નેતરની સોટી હોય, ખેતરવાડીઓને ખંખોળે, અમને પકડી લાવે, ફટકારે અને ભણાવે ! પ્રસ્વેદ લૂછતાં કહે ય ખરા, ‘ઓ નાલાયકો, ભણો, નહિતર આ દુનિયા તમને ભક્ષી જશે!’

મુનશીજીને અમારી એવી ફીકર હતી, જેવી કોઈ સમજદાર બાપ પોતાનાં સંતાનોની ફીકર કરે છે. તેમને કેળવે છે, સૂઝસમજ આપે છે.

આ ઉર્દૂ શાળા હતી એથી કરીને મુનશીજીએ અમને ઉર્દૂ ભાષા શીખવવાના ઘણા પ્રયાસો કરેલા. પરંતુ ખાસ કરીને જમણી તરફથી લખાતી એ ભાષાની લિપિ અમને ઘણી અઘરી લાગતી હતી, વળી રસ જાગે એવો માહોલ પણ ન હતો. અને અમારા વહોરા કુટુંબોમાં તો ઠેઠ ગુજરાતી ભાષાનું ચલણ હતું; આથી ઉર્દૂ શાળામાં અમને ઉર્દૂ ભાષા આવડી નહીં. અલબત્ત બોલચાલના થોડા શબ્દો જરૂર જીભે ચડ્યા હતા, મલેકપુરી ઉર્દૂ જેવા. − આવેગા જાવેગા જેવા …

ગમે એમ, પણ આજે હું દળદાર ઉર્દૂ ગ્રંથોના અનુવાદની ક્ષમતા ધરાવું છું એ પાકિસ્તાનની બક્ષિશ છે. 1948માં હું પાકિસ્તાન ગયેલો. ત્યાં મારી સામે ઉર્દૂનો એક ઘૂઘવતો સમુદ્ર હતો ! હેરાન થઈ ગયેલો ! કદાચ ડૂબી જાત. પણ નહીં, અમારા મુનશી સાહેબના ઉર્દૂ વિશેના પ્રયાસો મને અહીં કામ આવ્યા. મલેકપુરી ઉર્દૂને તુંબડે હામ ભીડીને હું સમુદ્રમાં ફલાંગી ગયો અને ઊછળતો - ડૂબતો પાર ઊતરી ગયો. સતત મહેનત કરી, મિત્રોની સહાય લીધી અને મિર્ઝા ગાલિબ તથા મૌલાના આઝાદને વાંચવા - સમજવા જેટલી ક્ષમતા મેળવી લીધી !

ઈન્સાન અગર ઈચ્છે તો શું ન થઈ શકે ! અલબત્ત ઈરાદામાં, નિર્ધારમાં દૃઢતા હોવી જોઈએ, અડગતા હોવી જોઈએ અને હોસલો શાહીનનો - ગરુડનો :

નિર્ધારમાં પેદા કર,
ગરુડની પાંખો.
વામણા થઈ જશે
વિરાટ પહાડો !

•••

અમારા આ મુનશીજી રફીઉદ્દીનને આંબાના છોડ ઉછેરવાનો ઘણો શોખ હતો. કેરીગાળામાં તે અમને સારામાં સારી કેરીના ગોટલા લઈ આવવાનું ફરમાન કરતા. એ ગોટલાને તેઓ ખાતરમિશ્રિત માટીથી ભરેલા ડબ્બાઓમાં રોપતા. કાળજીપૂર્વક છોડ ઉછેરતા અને ત્યારે પછી એ છોડ, તેમને ગામ - વાલોડ લઈ જતા. આ ઉદ્યમી ઉસ્તાદે આ રીતે વાલોડમાં એક સારી એવી આંબાવાડી ઊભી કરી લીધી હતી !

એક વાર હું કરાચીથી બારડોલી ગયેલો, ત્યારે ખાસ અમારા મુનશીજીને મળવા માટે વાલોડ ગયેલો. મારે તેમની સ્થિતિ જાણવી હતી, કેટલીક ભેટસોગાતો આપવી હતી. તેઓ અવસ્થાએ પહોંચ્યા હતા, પણ કૃષ કાયામાં ખાંસી કકરાટી હતી. વર્ષો પછીની આ મુલાકાત હતી એટલે ઝટ તેઓ મને ઓળખી શક્યા નહીં. કશો ઉત્સાહ દેખાડ્યો નહીં, પણ જ્યારે જાણ્યું કે હું તેમનો એક વિદ્યાર્થી છું, બારડોલીનો મૂસાજી હાફિઝજી છું, તો તેમનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો ! બોલ્યા, આવ ભાઈ, બેસ. − તે મૂસાજી ને,  કે જે અચ્છાને ઈચ્છા કહેતો હતો !’ … અને હસાહસ ! આ હસાહસમાં તેમનાં બેગમ પણ શામિલ થઈ ગયાં. તેમણે જ પૂછ્યું, ‘અભી ક્યા કામ કરતે હો ? ઔર આજકલ કહાં હો, બારડોલી મેં યા કોઈ ઔર શહર મેં ?’

અને જ્યારે તેમણે જાણ્યું કે હું કરાચીમાં છું, વ્યવસાયી પત્રકાર છું ને શાયરી પણ કરું છું તો મુનશીજીએ મને છાતી સરસો ચાંપી લીધો અને ખાસી વાર સુધી મારી પીઠ થાબડતા ને દુઆઓ દેતા રહ્યા ! કહ્યું ય ખરું, ‘મીર તકી મીર કો પઢો, મિર્ઝા ગાલિબ કો પઢો − શાઈરી સંવર જાયેગી !’

એવા ઉસ્તાદો આજે ક્યાં ?

એમના ગુસ્સામાં અમારા ભાવિની ચિંતા હતી, એમની સોટીમાં સાચું માર્ગદર્શન હતું ! 

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Category :- Profile