હઠીસિંઘ

દીપક બારડોલીકર
30-08-2018

નામ હતું હઠીસિંઘ : કદાવર - પુષ્ટિવાન આદમી. જુઓ તો, પુસ્તકોમાં જોયેલી રાણા પ્રતાપની છબી સાંભરી જાય ! ભરાવદાર ચહેરો અને મૂછો પણ રાણા જેવી !

બારડોલી નજીક બમરોલી ગામના એ જમીનદાર, મોટા ખેડવાયા. અને ગામની પટલાઈ પણ એમને હસ્તક હતી. આથી લગભગ દરરોજ બારડોલીની મામલતદાર કચેરીમાં તથા પોલીસ ઓફિસમાં તેમના મજબૂત પગલાં પડતાં. કહે છે કે તેમણે પટલાઈની વ્યવસ્થા એવી કરી હતી કે બમરોલી ને અતરાફનાં ગામોમાં ચોરીચકારી કે અન્ય ગુનાના બનાવો જવલ્લે જ બનતા.

હઠીસિંઘ, જેવા કદાવર ને ટટ્ટાર હતા એવો જ તેમનો ભૂરિયો ઘોડો પણ રૂઆબદાર, પાણીદાર ! અહીં હઠીસિંઘ ઘોડો પલાણે કે ત્યાં બારડોલી સામું દોડતું આવે ! અને મીંઢોળા નદી વળોટ્યા પછી ગામની પાકી સડક ઉપર તો એ ઘોડો ઘૂઘરી છમકાવતો એવી રવાલ ચાલે કે રાહદારીઓ, બે ઘડી ઊભા રહીને, ઘોડાને અને તેના અસ્વારને જોયા કરે !

પોલીસ-લફરાં ને કચેરીનાં કામકાજ પતાવ્યા પછી તે આવે શાકમાર્કિટ તરફ. ઘોડો તેમની પાછળ હોય, નસકોરાં બોલાવતો. અહીં એ રજપૂત જમીનદારનો મુકામ હોય, બારડોલીના મશહૂર ફરસાણવાળા મંગુભાઈ ઝીણાભાઈની વિશાળ દુકાનમાં. અહીં તેમનાં ટેબલખુરસી નિશ્ચિત હતાં. હઠીસિંઘ અહીં મગજ-બરફી, સેવચેવડાનો નાસતો કરે, ચા પીવે અને ઉપલી બજારમાં આવે. ઘોડો તેમની પાછળ હોય. લગામ તેમના ખભે પડેલી હોય ! − − અહીં તો કશી ખરીદી કરે નહીં. પણ એક ચોક્કસ દુકાને શેઠિયાને સત્તાવાહી અવાજે કહે, ‘કાલે ચાકર આવશે, તેને જરૂરી માલસામાન બાંધી આપજો.’ અને ઘોડો પલાણી રવાના થઈ જાય, બમરોલી તરફ નહીં, રેલવે સ્ટેશન તરફ.

સ્ટેશનને રસ્તે તેમને બારડોલીના એક મોટા જમીનદાર યુસૂફ ગબા મળે. ભારે જાંબાઝ જોશીલા આદમી. પક્કા કૉન્ગ્રેસી. નાકરની લડાઈ વખતે નમતું નહીં જોખવા બદલ તેમની જમીનો, સરકારે ખાલસા કરી, હરાજ કરી નાખી હતી, તો પણ તે એકના બે થયા ન હતા. આ બન્ને ઘોડેસવાર − દિલાવર જવાનો સીમની, જમીનજાગીરની વાતો કરતા રેલવે સ્ટેશને જતા, પ્લેટફોર્મ પર થોડું ટહેલતા અને પાછા વળી જતા.

આ હઠીસિંઘ દેખાવે લાગતા હતા ખાસા કઠોર-કરડા. પણ માંહ્યલો હતો મલમલ - શો મુલાયમ. કોઈ દુખ્યાભૂખ્યાને જોતા તો તેના રોટલાનો પ્રબંધ કરાવી આપતા. અગર કોઈ ભિક્ષાર્થી બ્રાહ્મણ મળી જતો તો તેને હવેલીએ લઈ જતા અને ચાકરને કહેતા, ‘અલ્યા મોહન, આ મહારાજને ભાથું બંધાવી આપ. કસર રહેવી ન જોઈએ. − − અને સાંભળ, તું ય કંઈ આપ, મહારાજને કે ઈશ્વર રાજી થાય ને તારા છાપરામાં ત્રિજું માણસ આવે … !’ − અને તે ખૂબ હસતા ! − મોહનનું ય મોં મલકી જતું.

આ હઠીસિંઘ સાથે અમારી, યાને મારી તથા મારા વ્યાયામવીર મિત્ર રતનજી ઢીમર સાથે ઘણી સારાસારી હતી. અમે દર અઠવાડિયે ત્રણચાર વાર, સાંજના સમયે, બારડોલીથી બમરોલી સુધી દોડ લગાવતા. અને બમરોલી જઈએ એટલે હઠીસિંઘની હવેલીને તો સલામ ભરવી જ પડે. અગર હઠીસિંઘ હાજર હોય તો - તો ખાનપાન વિના પાછા જવા ન દે. અને તે ન હોય તો પણ ઉકાળેલા, બદામ-પિસ્તાવાળા, દૂધના ગ્લાસ પીધે જ છૂટકો. એ વગર જવાય જ નહીં. જઈએ તો બીજે દિવસે હઠીસિંઘની ધારદાર નારાજગીનો સામનો કરવો પડે !

હઠીસિંઘ ક્યારેક મજાકમાં અમને આમ પણ કહેતા, ‘તમે બન્ને સગા ભાઈ લાગો છો !’

અમે સવાલ કરતા : ‘તમે શા આધારે આમ કહો છો ? છે કશો તર્ક ?’

જવાબ મળતો : ‘તમારાં નામ એવાં છે, મૂસાજી - રતનજી ! પાછા ગાઢ મિત્રો !’

‘હા, એ બરાબર ! − મિત્ર એટલે ભાઈબંધ, બિરાદર, યાર, ખેરખાહ, ચાહક, સાથી, જોડીદાર, સોબતી … ’

‘એ રીતે તો હું ય તમારો ભાઈ થયો ને ?’

‘બેશક. પણ બેફીકર રહેજો, અમે તમારી મિલકતોમાંથી ભાગ નહીં માગીએ !’

અને હઠીસિંઘ એવું હસતા કે શેરી પડઘી જતી !

હઠીસિંઘની દિલાવરીનો અંદાજ આ પરથી આવી શકે છે કે ધાડપાડું ય તેમનાથી થડકતા. કહે છે કે એક વાર બમરોલી પડખેના એક ગામ પર ચઢી આવેલી એક ડાકુટોળકીને બંદૂક વડે તેમણે મારી ભગાવી હતી. કહે છે કે ત્યાર પછી કોઈ ડાકુટોળકી એ દિશામાં ફરકી ન હતી.

આ દિલાવર આદમી વ્યાયામવીર ન હતા, પણ વ્યાયામનું તેમને ઘણું આકર્ષણ હતું. અને આ કારણ હતું કે તેઓ ક્યારેક ક્યારેક અમારું કુસ્તીદંગલ જોવા આવતા હતા. અખાડામાં અમે દાવપેચની અજમાયશ કરતા, જોમજુસ્સો જમાવતા, ઊઠાપટક કરતા, અખાડો ધમધમતો ને એનો નશો હઠીસિંઘને ચડતો ! તે પોકારી ઊઠતા : ‘હે શાબાશ ! છે ને સિંહના બચ્ચા ! અગર બધા યુવાનો આવા હોય તો વિદેશીઓની મજાલ નથી કે અહીં રાજ કરે !’

અને એ દિવસે અમારી દિવાળી થઈ જતી ! મંગુ ઝીણાને ત્યાંથી મીઠાઈ હોય, ફરસાણ હોય, કેસરિયું દૂધ હોય અને ગામા, ઈમામબક્ષ, કલ્લુ, કિકરસિંઘ વગેરે વિખ્યાત પહેલવાનોની વાતો … ! ગોરા ઝેબિસ્કોને ગામાએ પછાડ્યાનો કિસ્સો સાંભળીને તો હઠીસિંઘ તાળી પાડી ઊઠતા ! અને પૂછતા, ‘આ ગામા ક્યાંનો?’

‘એ પંજાબનો.’ હું અભ્યાસના આધારે કહેતો. પતિયાલાના રાજાનો આશ્રિત હતો. ઈમામબક્ષ એનો ભાઈ. − − કિકરસિંઘ પણ પંજાબનો. કલ્લુ દિલ્હીનો. વડોદરે પણ એક વિખ્યાત પહેલવાન હતો - રમજુ. એ ગાયકવાડ મહારાજાનો આશ્રિત હતો. ખાસો રૂઆબદાર આદમી. તસ્વીરમાં તો મહારાજા જેવો લાગે !’

હઠીસિંઘ સાથે અમારો સંપર્કસંબંધ 1946 સુધી રહ્યો હતો. ત્યાર પછી એક તરફ એ રજપૂત જમીનદાર કેટલીક સરકારી ભાંજગડમાં પડ્યા હતા તો બીજી તરફ અમારો અખાડો બંધ થઈ ગયો હતો, અમને સેવાદળે ઉપાડી લીધા હતા અને ત્યાર પછી ધંધારોજગારે એવા વેરવીખેર કર્યા કે અમે એકબીજાનાં મોં જોવાને વલખી ગયા ! જીવ્યા મર્યાના વાવડને ય તરસતા રહ્યા !

•••

વિખ્યાત ઉર્દૂ સાયર બશીર બદરના આ અશઆર સાંભરે છે :

‘યારો નયે મોસમ ને યે અહસાન કિયે હૈં
અબ યાદ મુઝે દર્દ પુરાને નહીં આતે

ઉડને દો પરિન્દોં કો અભી શોખ હવા મેં
ફિર લૌટ કે બચપન કે ઝમાને નહીં આતે’

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Category :- Profile