ઐતિહાસિક અવલોકન

નઝમી રામજી
10-05-2016

‘કેન્યાનું સૌ પ્રથમ ગુજરાતી અને અંગ્રેજી માસિક’ −ની ઘોષણા સાથે “અલક મલક” સામયિક કેન્યાના પાટનગર નાઇરોબીથી 1985-86ના અરસામાં આરંભાયેલું. સામયિકના માનદ્દ તંત્રી તરીકે પંકજ પટેલ હતા, જ્યારે માનદ્દ સહતંત્રી તરીકે રશ્મિ પટેલ હતા. તેનું સંચાલન અિશ્વન ડી, શાહ (વિક્કી શાહ) તેમ જ જે.કે. મુટુરી કરતા. તો મુદ્રણ સ્થળ ‘આર્ટીસ્ટીક પ્રિન્ટર્સ’ હતું તેમ કહેવાયું છે.

આ સામિયકમાં નઝમી રામજી નામના એક અભ્યાસુ લેખકની કલમે કટાર આવતી. વિક્ટોરિયા સરોવર કાંઠે આવેલા કિસુમુ ખાતે 31 માર્ચ 1942ના રોજ જન્મેલા આપણા આ નઝમુદ્દીન દૂરાણીનું એક અકસ્માતમાં નાઇરોબીમાં 01 જુલાઈ 1990ના દિવસે કારમું અવસાન થયેલું. નઝમીભાઈએ ગુજરાતી, કિસ્વાહિલી અને અંગ્રેજીમાં ય લખાણ કર્યાં છે. ખોજા પરિવારના આ નબીરાનું અવસાન થયા પછી, ગુજરાતી આલમે આ ઇતિહાસ ખોયો હોય, તેમ હાલ અનુભવાય છે.

નઝમી રામજી 'ડિસેમ્બર ટ્વેલ્વ મૂવમેન્ટ' નામક ભુગર્ભ પ્રવૃત્તિમાં ય સક્રિયપણે સંકળાયેલા હતા અને કવિતા સર્જન ઉપરાંત પત્રકારત્વ ય કરતા રહેતા. વળી, કેટલાંક સામયિકોનું પણ એ સંચાલન કરતા.

'નઝમી રામજી' નામે લખતા, નઝમુદ્દીન દૂરાણી વિશેની આ વિગતો અને આ સમગ્ર લેખન સામગ્રી એમના નાના ભાઈ શિરાઝ દૂરાણીના સૌજન્યે પ્રાપ્ત થઈ છે. સહૃદય આભાર. 

••••••••••••••••••••••••••••••••••••••••••

— 1 —

એશિયન કેન્યાવાસીઓએ મોટી સંખ્યામાં આ દેશને પોતાની જન્મભૂમિ તરીકે અપનાવવાની શરૂઆત કરી, તેને નજીકમાં 100 વરસ થશે. એટલે આ સમય અનુકૂળ કહેવાય કે આપણે જરા આપણા ઇતિહાસ તરફ નજર નાખીએ. આપણા બાપ-દાદાઓ શા માટે પોતાની માતૃભૂમિનો ત્યાગ કરી એક નવા સ્વદેશની શોધમાં નીકળી પડ્યા ?

આમ તો પૂર્વ આફ્રિકા અને ભારત વચ્ચેનો સંબંધ હજારો વરસોનો છે. આ સંપર્કનું કારણ હતો વેપાર. હિંદી મહાસાગરના માર્ગ દ્વારા આફ્રિકા અને એશિયા વચ્ચે ઘણી સદીઓથી વેપાર ચાલી રહ્યો હતો. આ સંબંધને કારણે થોડા ઘણા ભારતીયોએ આ ખંડના કાંઠાના વિસ્તારમાં વસાહતો થોડી સંખ્યામાં ઊભી કરી હતી. આવી જ રીતે થોડા ઘણા આફ્રિકી લોકોએ પણ ભારતના જુદા જુદા ભાગોમાં વસાહત કરેલ. આ લોકોના વંશ આજે પણ જોવામાં આવે છે કે જેઓ સીદીઓ તરીકે ઓળખાય છે.

આ ઘણા લાંબા ગાળાનો સંબંધ 16મી સદીમાં પોર્ચુગીઝ સામ્રાજ્યશાહીઓએ બળજબરીથી બંધ કરાવ્યો. આની સાથે આ બે ખંડોની મિલકત મોટી કલમે અહીંના દેશોમાંથી નીકળી યુરોપ લઈ જવામાં આવી. 17મી સદીના અંતમાં પોર્ચુગીઝ સામ્રાજ્ય શાહીઓનો જોરદાર હથિયારબંધ સામનો થવાને કારણે હાર થઈ અને હિંદી મહાસાગર પરનો તેઓનો કબજો તૂટી ગયો. આ સાથે પૂર્વ આફ્રિકા, અરબસ્તાન અને ભારતના પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો જૂનો સંબંધ ફરી ચાલુ થયો. ભારતથી આવતા વેપારીઓ અને ખલાસીઓમાં વધારે પડતા ગુજરાત પ્રાંતના માણસો હતા.

પરંતુ આ સંબંધ પાછો વધારે ન વધી શક્યો કારણ કે આ દરમ્યાન એક નવી હુમલાખોર સત્તા અહીં દાખલ થઈ. આ  વખતે આ  શાંત સંપર્ક તોડવાવાળા હતા અંગ્રેજ સામ્રાજ્યવાદીઓ. તેઓએ પહેલાં ભારતના પૂર્વના વિસ્તાર ઉપર બળજબરીથી કબજો કર્યો. ત્યાંથી આસ્તે આસ્તે આખા દેશ પર કબજો જમાવ્યો, અનેક શૂરવીરોએ તેઓનો સામનો કર્યો અને શહીદી વહોરી લીધી.

19મી સદીમાં ગુલામોનો વેપાર બંધ કરવાના બહાને અંગ્રેજ સામ્રાજ્‌યશાહીઓએ પૂર્વ આફ્રિકા ઉપર હુમલો કરવાનું શરૂ કર્યું અને આ સદીના અંતમાં અહીં પણ પોતાનો લશ્કરી કબજો જમાવ્યો. આ સિવાય અંગ્રેજોનો કબજો દુનિયાના બીજા ઘણા ભાગોમાં પણ ફેલાએલ.

પૂર્વ આફ્રિકામાં જે ભારતીઓની વસાહત 19મી સદીમાં થયેલ તે અંગ્રેજ સામ્રાજ્યના બીજા ભાગોમાં થયેલ વસાહતનો એક જ ભાગ છે. દાખલા તરીકે 1834 પછી અંગ્રેજ હકુમત નીચેના વેસ્ટઇન્ડિઝના મુલકો જેવા કે જમાઇકા, ટ્રીનીડાડ, ગુયાના વગેરેમાં ઘણા ભારતીઓને શેરડીના મોટા ખેતરોમાં કામ કરવા લઈ જવામાં આવેલ. આ સિવાય દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, ફીજી અને બીજા ઘણા મુલકોમાં મજૂરોને લઈ જવામાં આવેલ.

દેખાવમાં તો આ મજૂરો પોતાની બિન-દબાણ મરજીથી કરારનામા ઉપર સહી કરી પરદેશ લઈ જવામાં આવ્યા. પરંતુ બે નોખી જાતના દબાણ આ લોકો પર હતા. ઘણા જેઓ શહેરોમાં નોકરીની શોધમાં આવ્યા હોય તેઓને ઘણી ગોરી કંપનીઓ બળજબરીથી પકડી અને સહી કરાવતી અથવા તો ખોટી વાત કરી અને છેતરીને સહી કરાવતા. બીજી બાજુ ઘણા માણસોની આર્થિક સ્થિતિ એવી કફોડી હતી કે પરદેશ કમાવા ગયા વગર બીજો કોઈ છૂટકો જ ન હતો. આવી સ્થિતિના કારણો આપણે નીચે વધારે વિગતવાર તપાસશું.

અંગ્રેજ સામ્રાજ્યના બીજા મુલકોમાં આવા કરારનામી મજૂરોની હાલત અને 15થી 19મી સદી સુધી જે આફ્રિકી ગુલામોને બળજબરીથી લઈ જવામાં આવેલ તેઓની હાલતમાં ઘણો ફેર ન હતો. આ મજૂરોની જિંદગી તેઓના ગોરા શેઠ્યાના હાથમાં હતી. દિવસના 20 કલાક સુધી કામ કરાવવું. મનમાં ફાવે ત્યારે તેઓને કીર્તાથી માર મારવો, પોતાના છુટ્ટીના વખતમાં પણ તેઓને રજા નહીં કે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અથવા તો મન ફાવતું કરી શકે. છ છ મહિનાઓ સુધી પગારના પૈસા રોકી રાખવા, આવી વર્તણૂક સામે તેઓને ફરિયાદ કરવાનો અધિકાર પણ નહીં.

પૂર્વ આફ્રિકામાં આવા જ કરારનામામાં સહી કરાવી ભારતીય મજૂરોને કેન્યા-યુગાન્ડા વચ્ચેની રેલ બનાવવા માટે લાવવામાં આવ્યા. 1896થી 1903ના વરસો દરમ્યાન લગભગ 32,000 મજૂરો અહીં આવ્યા. આમાંથી 2,500 જેટલા માણસો અકસ્માત, બીમારી કે બીજા કારણોસર મૃત્યુ પામ્યા. બીજા 6,500 કામ કરતા ઈજા થતા પાછા ઘર ભેગા કરી દેવામાં આવેલ. 16,000થી ઉપર મજૂરો કરારનો વખત કે કામ પૂરું થતાં પાછા ચાલ્યા ગયા, અને 6,700 માણસોએ પૂર્વ આફ્રિકામાં રહી જવાનું નક્કી કર્યું.

આ સિવાય થોડા ઘણા વેપારીઓની તેમ જ તેઓની પેઢીઓમાં નોકરી કરવાવાળાની વસાહત તો અહીં પહેલેથી હતી. જો કે આ પેઢીઓ તો કિનારાના ગામોમાં હતી પરંતુ ધંધાના કારણે આ લોકોનું પૂર્વ આફ્રિકાના અંદરના ઇલાકામાં અવર-જવર તો ચાલુ જ હતી. ગઈ સદીના છેલ્લા દાયકા દરમ્યાન આ વેપાર વધવા લાગ્યો. ભારતીય વેપારી પેઢીઓનો ધંધો વધારવાને કારણે બીજા માણસો અહીં આવ્યા. આ સાથે બીજા ઘણા માણસો કે જેઓની આર્થિક સ્થિતિ સારી ન હતી તેઓએ થોડા ઘણા પૈસાની બચત કરી પોરબંદર, કરાંચી કે મુંબઈથી વહાણની સફર કરી પૂર્વ આફ્રિકા કામની શોધમાં આવ્યા.

ઉપરના અહેવાલથી સવાલ એ ઊભો થાય છે કે 19મી સદીમાં ભારતની એટલે કે અત્યારના ભારત, પાકિસ્તાન અને બંગલા દેશની હાલત કેવી હતી કે જેના કારણસર પોતાની માતૃભૂમિનો ત્યાગ કરી લાખો વતનીઓ હજારો માઇલની સફર કરી. દુનિયાના અનેક ભાગોમાં જઈ અને આ અજાણ્યા મુલકોમાં વસાહત કરી? આમ કરતાં અનેક લોકો માર્યા ગયા અને બીજાઓએ ઘણા દુખો સહન કરી આ નવા મુલકોને અપનાવ્યા. શું પોતાની જન્મભૂમિમાં તેઓની હાલત આ બધાં દુ:ખો અને મોત કરતાં પણ ખરાબ હતી ?

આ સવાલનો જવાબ આપવા માટે આપણને અંગ્રેજ સામ્રાજ્યશાહી નીચેના ભારતના ઇતિહાસ તરફ નજર નાખવી પડશે.

સૌજન્ય : “અલક મલક”, જૂન 1986; પૃ. 09- 10

**************************

— 2 —

આ પહેલાં, આપણે એ સવાલ રજૂ કરેલ કે ગઈ સદીમાં અંગ્રેજ સામ્રાજ્ય નીચેના ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી કે જેના કારણે લાખો ભારતીઓ પોતાની માતૃભૂમિ છોડી દુનિયાના બીજા ભાગોમાં પોતાનું નવું રહેઠાણ બનાવ્યું?

1757થી 1857 સુધીની સદી દરમ્યાન અંગ્રેજોના રાજનું સાધન ઇસ્ટ ઇન્ડિયા કંપની (કંપની સરકાર) હતી. 1857માં દેશપ્રેમીઓએ બળવો પોકાર્યો અને પરદેશી શાસન સત્તાને ખતમ કરવાની કોશિશ કરી. બે વરસથી વધારે લડાઈ ચાલુ રહ્યા બાદ દેશભક્તોની હાર થઈ. ત્યાર બાદ દેશનો કબજો અંગ્રેજ સરકારે સીધો પોતાના હાથમાં લીધો. આ કબજાે, પછી 1947 સુધી ચાલ્યો. આ વરસો દરમ્યાન અંગ્રેજોએ ભારતીઓની એકતા તોડવા માટે તેઓમાં અનેક ભેદભાવો ઊભા કર્યા. ખાસ કરીને હિંદુ-મુસલમાનો વચ્ચે ખટપટ ઊભી કરી. 1857ની પહેલી આઝાદીના જંગમાંથી તેઓએ પાઠ શીખ્યા કે આ બન્ને કોમો જો સાથે મળીને લડે તો તેઓનું સામ્રાજ્ય જલદીથી ખતમ થઈ જશે. દાખલા તરીકે આ લડાઈના નેતાઓમાં નીચે મુજબના સરદારોનો સમાવેશ હતો : મંગળ પાંડે, આહમદ શાહ, લક્ષ્મીબાઈ (ઝાંસીની રાણી), બહાદુર શાહ ઝફર (મુઘલ બાદશાહ), તાત્યા ટોપે.

આવી એકતાના બીજા અનેક દાખલાઓ આપણને ભારતના ઇતિહાસમાં મળે છે. આ સદીની શરૂઆતમાં જ્યારે અંગ્રેજોએ બંગાળના હિંદુ અને મુસલમાનોના વિસ્તારોના ભાગલા કરવાનું ઠરાવ્યું ત્યારે આ કોમોએ સાથે મળી તેનો જોરદાર સામનો કર્યો. રવીન્દ્રનાથ ટાગોર, અબ્દુલ રસૂલ, સુરેન્દ્રનાથ બેનરજી વગેરેની આગેવાની નીચે બંગાળીઓએ સ્વદેશી આંદોલન ઉપાડ્યું. ‘વંદે માતરમ’નો નારો પોકારી વિદેશી માલનો બહિષ્કાર કર્યો. આ જોરદાર વિરોધની સામે અંગ્રેજોને લાચાર થઈ ભાગલાની નીતિ છોડવી પડેલ.

આવો એક બીજો દાખલો આ સદીના બીજા દાયકા દરમ્યાનના પંજાબમાં જોવા મળે છે. દેશભરમાં આ વખતે પરદેશી શોષણ અને અત્યાચારો વિરોધી ઝુંબેશ ચાલી રહી હતી. 1919માં ડૉ. કીચલુ અને ડૉ. સત્યપાલની નેતાગીરી હેઠળ પંજાબના હિંદુ, શીખ અને મુસલમાન લોકો કોઈ પણ ભેદભાવ વગર આ ઝુંબેશને આગળ વધારવા હડતાળો અને મોરચાઓ રચતા અને ‘હિંદુ-મુસલમાન કી જય’ના નારા પોકારતા. આવી એકતા જોઈ, ડરી જઈ જુલમગાર સરકારી ફોજે જલિયાવાલા બાગમાં બિનહથિયારી લોકો ઉપર બંદૂકથી હુમલો કર્યો. આ હુમલામાં એક હજારથી વધારે દેશભક્તો શહીદ થયા અને બીજા હજારો ઘાયલ થયેલ.

આવાં તો કેટલાંએ કિસ્સાઓ આપણને ઇતિહાસમાં જોવા મળે છે. દેશપ્રેમીઓની આવી એકતાને તોડવા ગોરાઓએ પૂરજોર ઝુંબેશ ઉપાડી અને અનેક ભેદભાવો ઊભા કર્યા. આમાં તેઓ સફળ થયા અને અંતે 1947માં દેશના બે ભાગલા થયા.

ભારત ઉપરના 200 વર્ષના પરદેશી શાસન સત્તાના રાજ દરમ્યાન એક ચીજ એવી હતી કે જેમાં જરા પણ ફેર નહતો. પડેલ-દેશ ઉપરનું શોષણ અનેક રીતે દેશની મિલકતને હાથ કરી પોતાના દેશ ભેગી કરી દેવી. ભારત ઉપર લશ્કરી હુમલો કરી અનેક દેશભક્તોને લડાઈમાં હરાવી અંગ્રેજોએ દેશ ઉપર કબજો જમાવ્યો. પરંતુ આ કબજો કરવા માટે જે ખર્ચો થયો તે ભારતવાસીઓ પાસેથી જ કઢાવ્યો. 19મી સદીના પહેલાં 30 વર્ષ દરમ્યાન સામ્રાજ્યશાહીઓએ દેશને 70 કરોડ પાઉન્ડની રકમ આપવાની ફરજ પાડી. દર વરસે ભારતને એક મોટી રકમ અંગ્રેજ સરકારને ભરપાઈ કરવી પડતી અને જો કોઈ કારણસર આ ભરપાઈ ના થઈ તો તેના ઉપર 12% ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ) ભરવું પડે. દાખલા તરીકે 1901-1902ના વર્ષ દરમ્યાન આ વ્યાજની રકમ 1 કરોડ 70 લાખ પાઉન્ડ(17,000,000)ની હતી.

અંગ્રેજ સામ્રાજ્ય ભારતમાં સ્થાપિત થયું તે પહેલાં સેંકડો વરસોથી ભારતની કામગીરી અને હાથઉદ્યોગની વસ્તુઓ દુનિયાભરમાં પ્રખ્યાત હતી. પોતાનાં કારખાનાંઓમાં બનેલી વસ્તુઓને ઉત્તેજન આપવા માટે અંગ્રેજોએ ભારતના ઉદ્યોગોનો નાશ કર્યો. કારીગરો તેમ જ હાથઉદ્યોગ ચલાવનારાને સામ્રાજ્ય સરકારને કર ભરવાની ફરજ પડી, તેઓને હુકમ કરવામાં આવ્યો કે તેઓ શાસનસત્તાના કારભારી દ્વારા જ માલ વેચે અને તે પણ એકદમ નીચેના ભાવે. જો હુકમનું જરા પણ પાલન ના થયું તો કારખાનાંઓ બાળી નાખવામાં આવે, કારીગરોના હાથ કાપી નાખવામાં આવે અથવા તેઓની જાન પણ લઈ લેવામાં આવે. આવી વર્તણૂકને કારણે લાખો માણસો કામ વગરના થઈ ગયા.

ખેડૂતોની હાલત પણ અંગ્રેજોના રાજમાં આવી જ કફોડી થયેલ. પરદેશી સરકારે જમીન ઉપર એકદમ જ ઊંચો કર (લગામ) મૂક્યો. પાક સારો હોય કે ખરાબ, ખેડૂતે સરકારને કર તો ભરવો જ પડે. અગાઉના વખતમાં સારો પાક નીકળે તો તેઓ થોડો એક બાજુ રાખી મૂકે કે જે કોઈ વરસે સારો પાક ના ઉતરે ત્યારે કામ આવે. હવે તો એક પાકથી બીજો પાક ઉતરે તે દરમ્યાન પણ સાંસા પડવા લાગ્યા. સરકારને કર ના ભરાય તો તે ખેતરની લીલામી કરે. કર ભરવા માટે મોટે વ્યાજે પૈસા ઉધાર લેવા પડે અને તે પાછા ના ભરાય તો વ્યાજખાઉ જમીન જપ્ત કરી લે આવી હાલતમાં લાખો ખેડૂતો જમીન વગરના થઈ ગયા.

દેશમાં ભૂખમરો પણ વધી ગયો. 19મી સદીના પહેલાં 50 વરસમાં દેશના નોખા નોખા ભાગોમાં 7 વખત દુકાળ થયેલ કે જેમાં 5 લાખ માણસો માર્યા ગયા. આની સરખામણી આપણે આ જ સદીના છેલ્લા 50 વરસ સાથે કરીએ તો જોવા મળે છે કે આ વરસો દરમ્યાન 24 વખત દુકાળ પડેલ આમાં 2 કરોડ (20,000,000) માણસો ભૂખે મરી ગયેલ.

જમીન વગરના ખેડૂતો ગામો તરફ કામની શોધમાં આકર્ષાયા, પરંતુ અહીં પરદેશી સરકારે દેશી ઉદ્યોગનો નાશ કરેલ શહેરોમાં પણ કામ મળવું મુશ્કેલ હતું. એટલે જો દેશ બહાર સુધારવાની આશા હોય તો તે તરફ ખેંચાઈ એ તો સ્વાભાવિક છે. આવું ખેંચાણ અંગ્રેજ સામ્રાજ્યના બીજા વિસ્તારોમાંથી આવ્યું.

સૌજન્ય : “અલક મલક”, જુલાઈ 1986; પૃ. 09-10

*************

— 3 —

18મી સદીના છેલ્લા ભાગમાં, અંગ્રેજો પોતાનું ઉત્તર અમેરીકાનું સામ્રાજ્ય ખોઈ બેઠેલા. આની સાથે તેઓએ પોતાની ખેતીવાડીની વસાહતો પણ ગુમાવી. પરંતુ 19મી સદીના પહેલા ભાગમાં ફ્રાન્સ સાથે લડાઈમાં તેઓની જીત થતાં, ફ્રાન્સના જૂના ટાપુ સામ્રાજ્ય ઉપર કબજો જમાવ્યો અને ત્યાં મોટી કલમે વેચવા માટેના પાકો (દા.ત. શેરડી) પેદા કરવાનું નક્કી કર્યું, પણ આ ઇલાકાઓમાં મજૂરોની કમી હોવાને કારણે ભારતથી કરારનામી મજૂરોને લઈ જવામાં આવ્યા. આ સદીની અંતમાં જ્યારે તેઓએ દક્ષિણ અને પૂર્વ આફ્રિકા ઉપર કબજો વધારે જોરદાર બનાવ્યો ત્યારે અહીં પણ ભારતથી વસાહતીઓને લાવ્યા.

પૂર્વ આફ્રિકામાં જે ભારતીયો આવ્યા. તેઓ બે વર્ગના હતા. કરારનામી મજૂરો કે જેઓ રેલ બનાવવા લાવવામાં આવ્યા, અને બીજા વેપારીઓ અને તેઓની પેઢીઓમાં નોકરી કરવા વાળાઓ જેમ જેમ તેઓનો કબજો વધારે મજબૂત થતો ગયો તેમ તેમ રાજ્ય કારભાર વધતો ગયો. અંગ્રેજ વસાહતો એ ખેતીવાડીની ફળદ્રુપ જમીન આફ્રિકી હકદારો પાસેથી જપ્ત કરી. ગામો અને શહેરોનો વધારો થયો. આ સાથે અનેક કારીગરોની જરૂર ઊભી થઈ. એટલે ભારતથી સુથારો, ઇજનેરો, લુહારો, કડિયા, રંગારાઓ, દરજીઓ, મોચીઓ વગેરે આવ્યા. સરકારમાં બૅંકોમાં એની વેપારી પેઢીઓ માટે કારકુનો, હિસાબનીસો વગેરેની જરૂર પડતાં થોડાં ઘણાં અંગ્રેજી ભણેલા માણસોને પણ અહીં આવવાનું ઉત્તેજન અપાયું. આ સાથે શિક્ષકો, વકીલો અને ડૉક્ટરોને લાવવામાં આવ્યા અથવા તો અહીંના ભારતીય વસાહતોના બાળકોને આવી કેળવણી આપવા માટે ઉત્તેજન આપ્યું.

પણ અંગ્રેજ સરકારે વધારે ઉત્તેજન તો વેપારી વર્ગને આપ્યું. સામ્રાજ્યશાહીઓને ખપતું હતું કે ભારતીય વેપારીઓ અને તેઓના નોકરિયાતો દેશના એક એક ખૂણામાં જઈ વેપાર ધંધો ફેલાવે. આનાથી તેઓને બે બાજુથી ફાયદો થાય. એક બાજુ આફ્રિકી જનતામાં પૈસાથી ખરીદાયેલ વસ્તુઓની માંગ વધે. રોકડની જરૂર પડતાં આફ્રિકી મજૂરો અંગ્રેજ વસાહતોનાં ખેતરોમાં કામ કરવા નીકળી પડે. બીજી બાજુ વેપારીઓ પોતાની દુકાનોમાં અંગ્રેજ કારખાનાંઓમાં બનાવેલી ચીજો વેચે, આ ચીજો વિલાયતથી અંગ્રેજ આગબોટમાં પૂર્વ આફ્રિકા પહોંચે, આ માલનો વીમો ઉતરે અંગ્રેજ વીમાકંપનીઓમાં, ધંધામાં જે પૈસા આ વેપારીઓ કમાય તે જમા થાય અંગ્રેજ બૅંકોમાં, એટલે બધી તરફથી નફો તો છેલ્લે બાકી અંગ્રેજ મૂડીદારોને જ મળે. પરંતુ અજાણ્યા મુલકમાં વેપાર કરવાનાં જે કષ્ટ અને જોખમ હોય તે ભારતીય વેપારીઓ ઉપાડે.

આ રીતે અંગ્રેજ શાસન સત્તાએ પૂર્વ આફ્રિકા અને દુનિયાના બીજા ભાગોમાં જ્યાં પોતાનો કબજો હતો તેવા મુલકો અને ત્યાંની પ્રજાના શોષણમાં ભારતીય વસાહતોનો ઉપયોગ કર્યો. આ સિવાય બીજી પણ ઘણી રીતે આ પ્રજાઓનું શોષણ કર્યું અને તેઓ ઉપર અત્યાચારો કર્યા. દાખલા તરીકે જેમ ભારતમાં તેઓએ બળજબરીથી મોટી કલમે લગામ એકઠી કરી અને રૈયતને પાયમાલ કરી નાખી તેવી જ રીતે કેન્યાની પ્રજા ઉપર ઘર દીઠ એક કર મૂક્યો (અંગ્રેજીમાં જે ‘હટ ટેક્સ’ તરીકે ઓળખાતો). ગઈ સદીની અંતમાં અને આ સદીની શરૂઆતમાં કોઈ પણ બહાને ગોરાઓ દેશના ખેડૂતો અને ભરવાડો પાસેથી લાખોના હિસાબે ગાયો અને બકરાંઓ જપ્ત કરેલ. આ ઉપરાંત દેશની ફળદ્રુપ જમીનના લાખો એકરો ઉપર કબજો કરી અને તેના અસલી માલિકોની હાલત આ જ જમીન ઉપર ગુલામો જેવી કરી નાખેલ.

કેન્યા અને ભારતની પરદેશી હકૂમત દરમ્યાનની સ્થિતિમાં ઘણું સરખાપણું જોવામાં આવે છે. આ ખાલી અંગ્રેજ સામ્રાજ્યશાહીની શોષણ અને જુલમમાં જ નહિ, પણ આવા શાસન સામે જે બળવો રચવામાં આવેલ તેમાં પણ જોવામાં આવે છે.

ભારતમાં તાત્યા ટોપે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ખુદીરામ બોઝ અને અશફાક ઉલ્લાખાન, ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહ, સુભાષચંદ્ર બોઝ અને તેના સાથીદારો શાહનવાઝ ખાન અને લક્ષ્મીબાઈ, સ્વામીનાથન અને બીજાં અનેક લડવૈયાઓએ પરદેશી હુમલાખોરોનો હથિયારબંધ સામનો કરેલ. તેવી જ રીતે કેન્યામાં પણ અનેક દેશભક્તોએ ફિરંગીઓનો વિરોધ કરવા શસ્ત્ર ઉપાડેલ. તેઓના અમુક સરદારો હતા. ગીરિયામાનાં સ્ત્રી નેતા મે કટી લીલી, નાંડીના કોઈટાલેલ, માસાઈના મ્બાટેયાની, કીકુયુના વાયાકી, આરબ કેન્યાવા સીઓના મઝરુઈ કીસીના સ્ત્રી નેતા બોનારીરી, વકામ્બાના ઇટુમામુકા, ટાઇટાના મ્વાંગેકા અને માઉ માઉના કીમાથી ...

આવું જ ઐતિહાસિક સરખાપણું જોઈ ઘણાં દેશ પ્રેમી એશિયન કેન્યાવાસીઓએ આ દેશની આઝાદીની લડતમાં દિલોજાનથી ભાગ લીધેલ.

સૌજન્ય : “અલક મલક”,  અૉગસ્ટ 1986; પૃ. 12-13

Category :- Diaspora / History