Opinion Magazine
Number of visits: 9458117
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે –  

સુમન શાહ|Opinion - Literature|23 May 2023

(This series of my writing I dedicate to my friends, Prabodh Parikh, Paresh Naik, Babu Suthar, Amrit Gangar, Hemang A., Kamal Vora, Vipool Kalyani, Abhimanyu Acharya, Aditya Joshi, Satishchandra Joshi, Madir Shah and Purvarag Shah …)

સુમન શાહ

આપણા સામ્પ્રત સાહિત્યનો વિચાર કરું છું તો એનો એક વિશેષ ઊડીને આંખે વળગે છે. તે એ કે ધર્મવિચાર, અધ્યાત્મવિદ્યા, ઇતિહાસ, સમાજકારણ, રાજકારણ કે વિજ્ઞાન સાથેનો એનો અનુબન્ધ કપાઈ ગયો છે. એ સર્વથી કપાયેલું આજનું એ સાહિત્ય જીવે છે ખરું પણ શબ્દ અને તેના લેખનની આવડતના જોરે ચલાય એટલું ચાલ્યા કરતા નાનકડા કોઈક જીવજન્તુ જેવું ! એના એ લઘુ કદથી મોટા ભાગનાઓ ત્રસ્ત છે પણ કોઈને એના વિકાસનો કે નાશનો વિચાર આવતો નથી.

પરિણામે રાજશાસન સંસ્કૃતિ સભ્યતા સમાજ અને આપણને સવિશેષે વ્હાલા આપણા સાહિત્ય વિશે કે કલા માત્ર વિશે, આપણે આજે નિરાશ, હતોત્સાહથી મન્દપ્રાણ અને કિમ્ કર્તવ્યમૂઢ મનોદશામાં સબડી રહ્યા છીએ. એવું કેમ છે એનો વિચાર માંડવાને ઘણું મૉડું થઈ રહ્યું છે.

આપણી હરેક સાહિત્યપરક સદેચ્છા છિન્નભિન્ન થઈ રહી છે. નથી તો માર્ગદર્શન મળતું, સંસ્કૃત કે પશ્ચિમની સાહિત્યમીમાંસાએથી કે એને આધાર આપતી પૂર્વની કે પશ્ચિમની એકેય ફિલસૂફીએથી. આજે લગભગ સૌ સંવેદનશીલ બૌદ્ધિકોને તમામ ગ્રાન્ડ નૅરેટિવ્ઝ ચૂપ અનુભવાય છે, એકે ય પરમ્પરિત કે સુરચિત કહેવાતું વિશ્વદર્શન પ્રેરણા કે ઉપકારક સાતા આપી શકતું નથી.

બીજી તરફ, આ ગ્લાનિના નિરસન માટે કોઈ વ્યક્તિવિશેષ સંભવશે એવી આશા રાખવી તે તો મને બાલિશ રોમાન્ટિસિઝમ લાગે છે. આપણી પાસે મેઇન સ્ટ્રીમમાં સંસ્થાપિત એકે ય મનીષી નથી કે નથી આપણી પાસે એકે ય નવલોહિયો પ્રતિભાવન્ત નવોદિત. સૌ આમ જ અને કેટલાક અંગત બળે સામે વ્હૅણ ઝઝૂમી રહ્યા છે. ટૂંકમાં, આપણે ઠોસ વૈચારિક આધારો વિનાની દયનીય દશામાં જીવીએ છીએ.

આનું એક કારણ તો આપણે જ છીએ. આપણે કશો નવ્ય વિચાર વિચારતા જ નથી. આપણને જાણ્યે-અજાણ્યે પરિસ્થતિ કોઠે પડી ગઈ છે. સમજીને કે ના-સમજીને આપણે સ્થિતસ્ય સમર્થનમ્ કરી રહ્યા છીએ. કશાક ગુપ્ત ભયે કરીને આપણે સીમાઓમાં સુખ જોઈ રહ્યા છીએ. આપણાં સાહસ જૂથબંધીમાં અને કોણ મોટો કોણ નાનો-ની હુંસાતૂંસીમાં ખરચાઇ રહ્યાં છે. અને, એવું જાણવા છતાં આપણે એ જ કરી રહ્યા છીએ, એટલે કે, મહા પ્રજ્ઞાપરાધમાં સરી રહ્યા છીએ.

આ દુરાવસ્થાનું બીજું મોટું કારણ તો એ છે કે આપણામાંના ભાગ્યે જ કોઈનું મૉઢું બદલાઇ રહેલા યુગ ભણી છે. પ્રેઝન્ટ ટાઇમસ્પિરિટથી આપણામાંના કોણ કોણ વાકેફ છે, એ પ્રશ્નનો ઉત્તરદાતા નિરાશવદન છે. સરેરાશ ગુજરાતી સાહિત્યકારની જ્ઞાનપરક દુનિયાનું ક્ષેત્રફળ આઠ-દસ ચોરસ ફીટથી વધારે નથી. એ એક સમર્થ કલાકાર તરીકે વિશ્વ સામે નથી ઊભો.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સાયબરનેટિક્સ, કમ્પ્યૂટર સાયન્સ, ઇન્ટરનેટ ટૅક્નોલૉજિ, કે ગૂગલ જેવાં પ્લૅટફૉર્મ્સની સત્તાએ મનુષ્યને જે દિશામાં વિચારતો કર્યો છે એની આપણામાંના ભાગ્યે જ કોઈને જાણ છે. એટલું જ નહીં, આપણે એવી સંકીર્ણ અને રુગ્ણ મનોદશાનો ભોગ બન્યા છીએ કે એ અધુનાતન વિચારોની દિશાએ તો કદી ફરકવું જ નહીં …

આ સંજોગોમાં, હું Yuval Noha Harari-ની પ્રભાવક અને સમુપકારક વિચારધારાનો પરિચય મેળવવા અને સૌ જિજ્ઞાસુઓને આપવા ચાહું છું.

હરારી ઇઝરાઇલી છે, જાહેર બોદ્ધિક છે, હીબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલામમાં ઇતિહાસના પ્રૉફેસર છે. ૧૯૭૬માં જનમેલા ૪૭ વર્ષના હરારીનાં ત્રણ પુસ્તકોએ વિશ્વભરના વિચારકો-ચિન્તકોનું ધ્યાન ખૅંચ્યું છે. એ પુસ્તકો છે,

Sapiens: A Brief History of Humankind.

Homo Deus: A Brief History of Tomorrow.

21 Lessons for the 21st Century.

અલબત્ત, એ પુસ્તકોમાં સાહિત્ય કે કલાવિષયક સીધું કંઈ જ નથી પણ સાહિત્ય અને કલાઓ જે વિશ્વમાં હવે જનમવાની છે, જીવવાની છે, એ વિશ્વની એમાં એક વૈજ્ઞાનિક કલ્પના છે, આગાહી છે, આલોચના છે.

Big history અને Social philosophy હરારીનાં ગમતીલાં વિષયક્ષેત્રો છે.

વિશેષ, હવે પછી. 

= = =

(05/23/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નોટ બંધ થાય તેથી કૈં કાળું નાણું બંધ નહીં થાય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 May 2023

રવીન્દ્ર પારેખ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 19 મે, 2023 ને રોજ 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરીને આખા દેશને આંચકો આપ્યો છે. આનાથી મોટો આંચકો 2016ની 8 નવેમ્બરની રાતના 8 વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 500ની અને 1,000ની નોટોને ચલણમાંથી રદ્દ કરીને આપ્યો હતો. એ રાત્રે 12 પછી 15.44 લાખ કરોડની 86 ટકા નોટ એક જ ઝાટકે રદ્દ થઈ ગઈ હતી. આવા આંચકાઓ મંત્રીઓની બદલીઓ કરીને, સર્જિકલ સ્ટ્રાઈક કરીને, 370મી નાબૂદ કરીને અપાતા જ રહ્યા છે. એટલું છે કે દેશની પ્રજાને સતર્ક ને ચિંતિત રાખવાના ઉદ્દેશોમાં સરકાર મહદ્દ અંશે સફળ રહી છે. 2016માં હજાર, પાંચસોની નોટો રદ્દ થતાં જ રોકડની જરૂર એકદમ વધી, એટલે RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ 2,000ની નોટો છાપવામાં આવી. નોટ છાપવાનો હેતુ બર આવતાં, હવે છ વર્ષે 2,000ની નોટ પાછી ખેંચવાનો રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે. આ નિર્ણય ‘જોર કા ઝટકા ધીરે સે લગે’ એ પ્રકારનો છે. આમ તો રિઝર્વ બેન્કે 2,000ની નોટોને ચલણમાંથી બહાર કરવાનું 2017-‘18થી જ શરૂ કર્યું હતું ને 2019-‘20થી તો બે હજારની નોટો છાપવાનું પૂર્ણપણે બંધ જ છે. છેલ્લાં ચાર વર્ષમાં રિઝર્વ બેન્કે જ બે હજારની 102 કરોડ નોટ રદ્દ કરી છે. અહીં સવાલ એ થાય કે 2016 પહેલાં જેનું અસ્તિત્વ જ ન હતું એ બે હજારની નવી નોટો રદ્દ કરવાની સ્થિતિ  કેમ આવી? એ સાચું કે નોટબંધીને કારણે ચલણની જરૂર ઊભી થતાં નવી નોટ બહાર પાડવી પડે એમ હતું, પણ બે હજારની નોટ બહાર પડવાને કારણે જમાખોરીને ઉત્તેજન આપવા જેવું જ થયું. હવે ચલણમાંથી એ નોટ પાછી ખેંચીને રિઝર્વ બેન્ક કદાચ પ્રાયશ્ચિત કરી રહી છે.

23 મેથી કોઈ પણ ચાર્જ વસૂલ્યા વગર બે હજારની નોટ ખાતામાં ભરવાનું કે બદલવાનું શરૂ થશે ને તે 30 સપ્ટેમ્બર, 2023 સુધી ચાલશે, પણ પ્રજાને રઘવાઈ થઈને દોડવાનો અનુભવ છે એટલે એ તો આ મામલે લાઇન નહીં લગાવે ત્યાં સુધી જંપવાની નથી. એને 2016નો, કલાકો લાઇનમાં ઊભાં રહેવાનો ને મરવાનો અનુભવ છે, એટલે એ નવો અનુભવ લેવા જૂના અનુભવની ફાળ સાથે તત્પર હોય તેમાં નવાઈ નથી. પ્રજા તો 23મીથી 20 હજારની મર્યાદામાં, એટલે કે 2,000ની 10 નોટને હિસાબે ખાતામાં જમા કરાવવા કે બદલાવવા દોડશે કે 2,000ની બે નોટને હિસાબે બેન્કોમાં બદલી કરવા ફોર્મ ભરશે ને કેવાયસીની પ્રક્રિયા પૂરી કરશે, એવી વાત હતી, પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસ.બી.આઇ.) તરફથી એવો ખુલાસો આવ્યો છે કે 2.000ની 10 નોટની બદલીમાં કોઈ ઓળખ આપવાની નથી કે નથી તો કોઈ ફોર્મ પણ ભરવાનું. રહી વાત ગામડાંની તો લોકો બિઝનેસ કોરસપોન્ડન્ટની મદદથી 2,000ની બે નોટ બદલાવી શકે છે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોને બે હજારની નોટો ઇસ્યુ ન કરવાની તાકીદ પણ કરી છે. ટૂંકમાં, રિઝર્વ બેન્કે ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ બે હજારની નોટ ખેંચવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પછી પણ કોઈ ફેરફાર આવે તો તેની તૈયારી લોકોએ રાખવાની રહે. હા, રિઝર્વ બેન્ક પોતે પણ નોટ બદલી માટે પોતાની પ્રાદેશિક શાખાઓ પર વ્યવસ્થા ઊભી કરશે એટલે જરા પણ પેનિક થવાની જરૂર નથી, વળી 30મી સપ્ટેમ્બર સુધીનો પૂરતો સમય છે, એટલે બહુ લાઇન નહીં લાગે, પણ જેની પાસે બે હજારની વધુ નોટો છે ને એક સાથે બે હજારની 10થી વધુ નોટો બદલી ન શકાય એવો નિયમ હોય ત્યારે વીસ વીસ હજાર જમા કરાવવા માણસો ઊભાં કરવા પડે ને એ મફતમાં નહીં થાય તો થોડી ખોટ ખાઈને પણ બે હજારની નોટોને ઠેકાણે પાડવા અમીરો કોશિશ કર્યાં વગર નહીં જ રહે ને એ કારણે પણ લાઈન લાગવાની શક્યતાઓ વધે જ છે. એવું બે હજારની બબ્બે નોટો બદલાવવાની બાબતે પણ ખરું જ !

આ બબ્બે નોટોની કે વીસ હજારની લિમિટ કેમ, આ અંગે પુછાતા રિઝર્વ બેન્કના જ પૂર્વ ડેપ્યુટી ગવર્નરે  સ્પષ્ટતા કરી છે કે નોટો અસલી છે કે નકલી, એની ચકાસણી કરવામાં સમય લાગે ને એ દરમિયાન અન્ય ગ્રાહક સેવાઓ ન ખોરવાય એટલે આ મર્યાદાઓ મુકાઈ છે. એનો અર્થ તો એ પણ ખરો કે બ્લેકની નોટો સાથે નકલી નોટોનું જોખમ પણ છે જ. 2016ને યાદ કરીએ તો 2,000ની નોટો બહાર પડી તે અરસામાં જ 2,000ની નકલી નોટો પાકિસ્તાનથી ભારતમાં ઘૂસાડવામાં આવેલી. એ સૂચક છે કે ભારતની સમાંતરે જ બે હજારની નોટો પાકિસ્તાનમાંથી બહાર પડવાનું શરૂ થયેલું ને ઘણી નકલી નોટો ભારતમાં પધરાવવામાં આવેલી. હકીકતે તો 2,000ની નોટો બહાર પાડવાનું પગલું જ નોટબંધીની આખી યોજના પર વિપરીત અસર પાડનારું હતું. તે એટલે કે જમાખોરી રોકવા જો હજાર, પાંચસોની નોટો રદ્દ કરી હોય, તો બે હજારની નોટોથી તો જમાખોરી ઑર વધે એમ હતું. હજારની બે નોટ તિજોરીમાં રાખવા કરતાં બે હજારની એક નોટ રાખવાનું વધારે સગવડ ભર્યું હતું, કારણ એથી જગ્યા ઓછી રોકાતી હતી ને વધુ નોટો સાચવવાની સગવડ આપોઆપ જ ઊભી થતી હતી. બીજું એ કે પાંચસોની નોટ બંધ કરીને પાંચસોની નવી નોટ જેમ બહાર પાડી એમ જ હજારની નોટ બંધ કરીને હજારની નવી નોટ બહાર પાડવાની હતી, તેને બદલે બે હજારની નોટો બહાર પાડી. એમ થતાં જમાખોરીને ઉત્તેજન આપવા જેવું જ થયું ને એની સમાંતરે નકલી નોટોનું ચલણ પણ વધ્યું. આ બધાંનો કાઁગ્રેસ, આપ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) જેવા વિપક્ષોએ એમ કહીને વિરોધ કર્યો કે નોટબંધી જેવો નિર્ણય નિષ્ણાતોને વિશ્વાસમાં લીધા વગર લેવાયો હતો, એમાં તથ્ય પણ હતું, પણ એનું કશું ઉપજયું નહીં.

હવે જ્યારે 2,000ની નોટો પાછી ખેંચવાની વાત આવી છે તો સપ્ટેમ્બરની ત્રીસમી સુધીમાં જેટલી નોટો બહાર પડી છે એનાથી વધુ નોટો પાછી આવે એમ બને. ઘણી નોટો પાછી ખેંચાઈ હોવા છતાં હજી 3.62 લાખ કરોડની નોટો ચલણમાં છે. આમ તો નોટબંધીનો આખો વેપલો કાળું નાણું બહાર કઢાવવાનો હતો, પણ ત્યારે પરિણામ નોટની બદલીમાં વધુ આવ્યું હતું. હવે જ્યારે 2,000ની નોટો પાછી ખેંચવાની વાત છે તો એમાં પણ બ્લેકના વ્હાઇટ થવાની તકો વધે એમ બને.

એ તો 30મી સપ્ટેમ્બરે ખબર પડે, પણ 23મી મેની રાહ જોયા વગર જ લોકો સોનામાં બે હજારની નોટોને  રોકવા જ્વેલર્સને ત્યાં ઉપડ્યા તો એમને માટે વેપારીઓએ સોનાનો ભાવ 63 હજારથી વધારીને 72 હજાર કરી દીધો, તો ક્યાંક 2,000ની નોટના 1,950 આપવાનું પણ બન્યું, તો, કોઈકે લાખોનો ટેક્સ ભરવાનો બાકી હતો, તે ભરી દઈને બે હજારની સેંકડો નોટોને ઠેકાણે પાડી દીધી. કેટલાક પેટ્રોલ પંપવાળાઓએ 500નું પેટ્રોલ પુરાવાય તો જ બે હજારની નોટ લેવાનું કબૂલ્યું. એ જ રીતે ગાડીની ખરીદીમાં ડાઉન પેમેન્ટ બે હજારની નોટમાં કરવાનો આગ્રહ પણ રખાયો. સુરતમાં એ.પી.એમ.સી.માં ખેડૂતોએ અને આંગડિયાઓએ તો બે હજારની નોટો લેવાનો જ ઇન્કાર કરી દીધો. આ રીતે નોટો લેવાનો ઇન્કાર કરી શકાય નહીં, કારણ 2,000ની નોટો લીગલ ટેન્ડર તરીકે હજી નકારાઈ નથી, તે ત્યાં સુધી કે 30મી સપ્ટેમ્બર પછી પણ કોઈ પાસેથી 2,000ની નોટ મળી આવે તો તેની સામે કાનૂની કાર્યવાહી નહીં થાય એવી સ્પષ્ટતા પણ રિઝર્વ બેન્કે કરી છે. શિરડીનાં સાંઈ સંસ્થાને તો ‘ભેંશ ભાગોળે..’ની જેમ અત્યારથી જ દાન પેટીમાં બે હજારની નોટો ન નાખવા અનુરોધ કર્યો છે. આવી તો કૈં કૈં રમતો હજી થાય તો નવાઈ નહીં ! નથી લાગતું કે અપ્રમાણિકતા જ આપણું રાષ્ટ્રીય ચરિત્ર છે?

હવે 2,000ની નોટ બંધ કરીને રિઝર્વ બેન્ક નવી નોટ બહાર પાડશે કે 500ની નોટો જ મોટાં ડિનોમિનેશન માટે પૂરતી થઈ પડશે એ અંગે નિષ્ણાતોનો મત એવો છે કે હવે લોકો ઘણું ખરું મોટી રકમ ડિજિટલ પેમેન્ટથી ચૂકવતાં થયાં છે એટલે મોટી નોટો બહાર નહીં પડે તો ચાલે, પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે જમીનની, મકાનોની ખરીદીમાં આજે પણ પચાસ ટકા લગભગ બ્લેકના ચૂકવાય છે ને એ રકમ એવી હોય છે કે તેનું 200-500ની નોટોમાં ચૂકવણું સગવડ ભરેલું ન જ હોય. રિઝર્વ બેન્કે નાણાંકીય વ્યવહારો સરળ કરવા હોય તો હજારની બંધ પડેલી નોટો નવેસરથી છાપવી જોઈએ. એ સાચું છે કે એ નોટો મોટે ભાગે તિજોરીઓનું જ વજન વધારતી હોય છે, પણ કાળું નાણું આપણે જ અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકાર્યુ હોય ત્યાં બીજો ઈલાજ નથી. એ પણ છે કે મોટી રકમ હવે સોનાચાંદી કે હીરાઝવેરાતમાં પણ રોકાય છે. એટલે મોટી નોટોથી જ કાળું નાણું વધે છે એ વાત પૂરી સાચી નથી. એમ તો ભારતીય ચલણમાં પાંચ હજારની અને દસ હજારની નોટો પણ હતી ને એ પણ મોરારજી દેસાઈની સરકારે 16 જાન્યુઆરી, 1978ને રોજ રદ્દ કરી હતી. આઝાદી પછીની એ પહેલી નોટબંધી હતી. એ નોટબંધી પણ કાળું નાણું બહાર કઢાવવાની ગણતરીએ જ થઈ હતી, પણ આજ સુધી એવું બન્યું નથી કે કાળું નાણું નાબૂદ થયું હોય. થોડો ટેક્સ ભરીને, ઘણો ટેક્સ બચાવવાની માનસિકતા લોકોમાં એ હદે ઘર કરી ગઈ છે કે નોટબંધી એક ઉપાય હોઈ શકે, પણ તે કાળું નાણું રોકવાનો એક માત્ર ઉપાય નથી જ ! રોકડી વાત એ છે કે નાણું બંધ થાય તો કદાચ કાળું નાણું બંધ થાય ને સૌ જાણે છે કે નાણું બંધ થાય એમ નથી, તો કાળું નાણું તો ક્યાંથી બંધ થવાનું…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 મે 2023

Loading

કર્ણાટકની ખિસકોલીઓ : છેતરપીંડી તારસ્વરે થાય, પરિવર્તન મંદસ્વરે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2023

રમેશ ઓઝા

ભારતીય સંસદીય રાજકારણના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. આ ઘટના નવી છે, પણ અપૂર્વ નથી. રાષ્ટ્રજીવનમાં કેટલીકવાર એવું બનતું હોય છે કે રાજકીય સમજ ધરાવનારા, ખુલ્લા સમાજનું મૂલ્ય સમજનારા અને માટે પ્રતિબદ્ધતા ધરાવનારા, કાયદાના રાજની કિંમત સમજનારા, મૂલ્યનિષ્ઠ જાહેરજીવન ઇચ્છનારા, સત્તાનું રાજકારણ કરનારા કોઈ પણ પક્ષ સાથે સીધો સંબંધ નહીં ધરાવનારા અર્થાત્ સ્પષ્ટ રાજકીય ભૂમિકા ધરાવનારા, પણ નિર્દલીય નાગરિકો ચૂંટણીમાં સીધો હસ્તક્ષેપ કરે છે. ભારતમાં ૧૯૭૭માં આવું બન્યું હતું, જ્યારે ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી પછી સામાન્ય ચૂંટણી જાહેર કરી હતી. કેટલીક પળ અસ્તિત્વની પળ હોય છે.

૧૯૭૭માં આ લખનાર જેવા હજારો યુવકો દેશ પર ઈમરજન્સી લાદનાર અને એ દ્વારા નાગરિકની આઝાદીને કુંઠિત કરનાર કાઁગ્રેસને પરાજીત કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જેઓ એકબીજાને ઓળખતા નહોતા કે કોઈ સંગઠન સાથે સંકળાયેલા નહોતા. દરેકની એક જ નિસ્બત હતી; લોકતાંત્રિક ભારતીય રાષ્ટ્રને બચાવી લેવું જોઈએ. ચૂંટણી જાહેર થયા પછી મુંબઈમાં પાંચ ગાર્ડનમાં યોજાયેલી વિરોધ પક્ષોની એ પહેલી સભા હતી. જયપ્રકાશ નારાયણે લોકફાળા માટે અપીલ કરી હતી. હું એક ડબામાં લોકો પાસેથી ફાળો ઉઘરાવતો હતો ત્યાં એક બી.ઇ.એસ.ટી.ની બસ આવી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને મારા ડબ્બામાં થોડાક પૈસા નાખ્યા. આવા અનુભવ મારા જેવા બીજા અનેક યુવકોને ત્યારે થયા હશે. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

દરેક યુગ જુદો હોય છે, દરેક યુગના રાજકીય પ્રશ્નોનું સ્વરૂપ જુદું હોય છે એટલે હસ્તક્ષેપનું સ્વરૂપ પણ જુદું હોય છે. ઈમરજન્સી એ ઇન્દિરા ગાંધીની ઊઘાડી તાનાશાહી હતી જ્યારે અત્યારે લોકશાહી માર્ગે લોકશાહીને ક્ષીણ કરવામાં આવી રહી છે. આખું જગત કહે છે કે ભારતીય લોકતંત્ર ચૂંટણીકીય લોકતંત્ર (ઈલેક્ટોરલ ડેમોક્રસી) છે, જેમાં નિયમિત ચૂંટણીઓ તો યોજાય છે, પરંતુ પ્રતિપક્ષોને મુકાબલો કરવા માટે એક સમાન અનુકૂળતા (લેવલ પ્લેઇંગ ફિલ્ડ) આપવામાં આવતી નથી. વિરોધ પક્ષોને મળતા પૈસાના સ્રોતને સૂકવી નાખવામાં આવે છે. પોતાને મબલખ પૈસા મળે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૈસા અને સત્તાના જોરે મીડિયા, ચૂંટણીપંચ, ભાડૂતી ફિલ્મ નિર્માતાઓ એમ દરેકને ખરીદવામાં આવે છે. આ રીતે વિરોધ પક્ષો સામે અનૂકુળતાની પ્રચંડ અસામનતા પેદા કરીને અથવા પ્રચંડ પ્રતિકૂળતા પેદા કરીને તેમની લોકતાંત્રિક જમીન આંચકી લેવામાં આવે છે.

આ સિવાય ચૂંટણીકીય લોકતંત્ર (ઈલેક્ટોરલ ડેમોક્રસી) અને ઉદારતાયુક્ત લોકતંત્ર (લિબરલ ડેમોક્રસી) વચ્ચે ફરક છે. એ નાગરિકના અધિકારોને પણ કુંઠિત કરે છે. બીજા પ્રકારનું ઉદારતાવાળું લોકતંત્ર સાચું લોકતંત્ર છે. પ્રાણવાન લોકતંત્ર છે. એમાં નાગરિકોને ડરાવવામાં નથી આવતા. ધર્મ, પરંપરા, સંસ્કૃતિ અને રિવાજોને નામે નાગરિકોને સતાવવામાં નથી આવતા. વિરોધીઓની પાછળ ટ્રોલિંગ કરનારા શ્વાનોને છોડી મૂકવામાં નથી આવતા. ઇતિહાસ સાથે અને કોઈના ભણતર સાથે ચેડાં કરવામાં નથી આવતા. ચૂંટણીકીય લોકતંત્ર માત્ર લોકતંત્રનું બાહરી કલેવર હોય છે એમાં અસ્થી, મજ્જા અને પ્રાણ નથી હોતાં. દેખીતી વાત છે કે ઉપર કહ્યા એવા નાગરિકોને આ ફરક પણ સમજાતો હોય. તેઓ બુદ્ધિમાન છે, જાતવફાઇ ધરાવે છે અને ઉપરથી સમાજ માટે નિસ્બત ધરાવે છે. તેમને ખબર છે કે આવી સ્થિતિ તેમની આવનારી પેઢીનું અને દેશનું નખ્ખોદ વાળશે.

દેખીતી રીતે ઊઘાડી તાનાશાહી કરતાં આ છૂપી તાનાશાહી વધારે ખતરનાક હોય છે. ઊઘાડી તાનાશાહી બંદૂકના જોરે ટકી રહે છે, જ્યારે છૂપી તાનાશાહી પ્રજાના એક વર્ગના મસ્તિષ્ક પર કબજો કરીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પ્રજાનો એક વર્ગ હોંશેહોંશે પોતાનું અહિત કરીને તેમને ટેકો આપે છે.

આવી સ્થિતિમાં હવે જ્યારે પ્રજા સામે પ્રજા હોય ત્યારે સુજાણ નાગરિકે હસ્તક્ષેપ કરવામાં સાવધાની રાખવી પડે છે. અને સાવધાની તેમ જ સંયમ ન રાખી શકે તો સુજાણ શેનો!

૧૯૭૭ પછી પહેલીવાર સુજાણ નાગરિક સમાજે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો. અત્યંત ગણતરીપૂર્વક અને અસરકારકપણે. તેમની નિસબત હતી પ્રાણવાન લોકતંત્રને પાછું ધબકતું કરવું. મબલખ પૈસા, ગોદી મીડિયા, પ્રચારાત્મક ફિલ્મો, આંગળિયાત ચૂંટણીપંચ વગેરેએ પેદા કરેલી પ્રતિકૂળતાઓ વચ્ચે વિરોધ પક્ષોને અનુકૂળતા પેદા કરી આપવી. એ એટલા માટે કે સત્તાપરિવર્તન સિવાય લોકતંત્ર બચવાનું નથી અને સત્તાપરિવર્તન માટે રાજકીય પક્ષોનું હોવું અને જીતવું જરૂરી છે. આ કામ પ્રબોધન દ્વારા કરવાનું હતું, પ્રજાની વચ્ચે વિગ્રહ પેદા કરીને નહીં.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે દેશનાં અને કર્ણાટકના ૧૨૦ જેટલાં નાગરિક સમાજનાં સંગઠનોએ ભેગા મળીને ઇડેલુ નામનાં પ્લેટફોર્મની રચના કરી. ઈડેલુનો અર્થ થાય છે, જાગો. વેક અપ, કર્ણાટક. આની શરૂઆત ચૂંટણી જાહેર થઈ એના છ મહિના પહેલાં કરવામાં આવી હતી. એમાં હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ જોડાયાં હતાં અને તેમણે તેમની ક્ષમતા અનુસાર કામની વહેંચણી કરી લીધી હતી. દેશ સામે જોખમ કઈ વાતનું છે એ વાત ગામડિયો પણ સમજી શકે એટલી સરળ ભાષામાં સમજાવતું આજની પરિભાષામાં નેરેટિવ્ઝ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ પણ દૃશ્ય શ્રાવ્યનાં અનેક માધ્યમોમાં. ૫૫૦ પોસ્ટર, ૮૦ વીડિયોઝ અને લોકસંગીતના ઢાળમાં ગીતોનાં સાત આલ્બમ. તેની દસ લાખ કોપીઝ તૈયાર કરવામાં આવી હતી અને હાથોહાથ કોપીની કોપી કરવાનું અને વહેંચવાનું કહેવામાં આવ્યું હતું. લોકોને છેતરપિંડીનાં સ્વરૂપ વીશે પણ જાણકારી આપવામાં આવી હતી. તેઓ તમારી સમક્ષ મુસલમાનો વિષે, ટીપુ સુલતાન વિષે, કેરળ વિષે શું કહેશે એ પણ કહેવામાં આવ્યું હતું. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે બરાબર ચૂંટણી વખતે કેરળ વિષે તમને એક ફિલ્મ બતાવવામાં આવશે.

તેમણે ૨૫૦ વર્કશોપ કર્યાં હતાં. ૧૦૩ મતદારક્ષેત્રોમાં વિશેષ ઘ્યાન કેન્દ્રિત કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો. પૂરો સમય આપનારા પાંચ હજાર યુવક યુવતીઓ વચ્ચે આ મતદારક્ષેત્રો વહેંચી આપવામાં આવ્યા હતા. આ સિવાય પોતાની અનુકૂળતાએ સમય આપનારાઓ અલગ. ૧૯૨ ટીમ બનાવવામાં આવી હતી. ચાર જથ્થાની રચના કરવામાં આવી હતી જેણે કર્ણાટકમાં સંગીત, ફિલ્મ, નુક્કડનાટક વગેરે પ્રબોધનનાં માધ્યમો સાથે યાત્રા કરી હતી. મત તોડનારા અગંભીર રાજકીય પક્ષોને કહેવામાં આવ્યું હતું કે તેઓ ઉમેદવાર ઊભા ન રાખે અને જો રાખશે તો તેઓ લોકોને જણાવશે કે તેઓ કોના માટે કામ કરે છે. ૪૯ અગંભીર ઉમેદવારોએ ઈડેનુના કહેવાથી ઉમેદવારી પાછી લીધી હતી.

તમને આ વાતની જાણ હતી? ક્યાંથી હોય! જાણ કરવાની મનાઈ છે. તમને કદાચ ખબર નહીં હોય કે ઈડેનુએ ચૂંટણીપૂર્વે સર્વે કર્યો હતો અને તેનો સર્વે ૯૫ ટકા સાચો ઠર્યો છે, જ્યારે કે બીજા માતબર અખબારોનાં એક્ઝીટ પોલ પણ ખોટા સાબિત થયા હતા. બીજું ઈડેનુના કોઈ માણસને તમે ટી.વી. પરની ચર્ચમાં નહીં જોયો હોય. છેતરપીંડી તારસ્વરે થાય, પરિવર્તન મંદસ્વરે થાય.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 મે 2023

Loading

...102030...9979989991,000...1,0101,0201,030...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved