Opinion Magazine
Number of visits: 9458123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશહિતમાં પ્રશ્ન પૂછનાર દેશદ્રોહી અને મૂંગા રહેનાર દેશપ્રેમી !

રમેશ ઓઝા|Opinion - Opinion|4 June 2023

રમેશ ઓઝા

ચીને માગણી કરી છે કે ભારતે લદાખમાં ભારત-ચીન સરહદે ૨૦ કિલોમીટરનો બફર ઝોન રચવો જોઈએ. બફર ઝોન એટલે એવો પ્રદેશ જ્યાં લોકો ભલે રહેતા હોય, ભલે તેમને નાગરિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે, પણ જ્યાં સુધી બે દેશ વચ્ચે સીમા સમજૂતી ન થાય ત્યાં સુધી વ્યાપક પ્રમાણમાં લશ્કરી કે મુલ્કી બાંધકામ (ઇન્ફ્રાસ્ટ્રકચર) કરવામાં ન આવે. આ માગણી ચીને ભારત ચીન સરહદી મંત્રણાના અઢારમાં રાઉન્ડમાં કરી હતી જે ૨૩મી એપ્રિલે યોજાઈ હતી. પાંચ અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો પણ તમને આ વાતની જાણ હતી? આ બાબતે ભારતે શું કહેવાનું છે એ તો પછીની વાત છે, અહીં તો વાટાઘાટોમાં શું મુદ્દા ઉપસ્થિત થઈ રહ્યા છે તેની જાણકારી જ આપવામાં નથી આવતી. ચીની કે બીજા દેશોના મીડિયા દ્વારા આપણને ખબર પડે છે કે ચીન શું કરી રહ્યું છે.

સામ્યવાદી ચીને તિબેટ પર આક્રમણ કર્યું એ પછી ૭મી નવેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલે વડા પ્રધાન જવાહરલાલ નેહરુને લાંબો પત્ર લખીને સલાહ આપી હતી કે તિબેટ ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ બની રહેવું જોઈએ. નેહરુ વિરોધી રાષ્ટ્રવાદીઓ આ પત્રની યાદ હંમેશાં કરાવે છે. આવો એક પત્ર એ સમયના કૃષિ અને અન્ન પુરવઠા પ્રધાન કનૈયાલાલ મુનશીએ પણ લખ્યો હતો. એ વાત સાચી છે કે આવું સૂચન સરદાર અને મુનશીએ કર્યું હતું, પરંતુ એ કઈ રીતે થાય તેની કોઈ રૂપરેખા બેમાંથી કોઈએ આપી નથી. તિબેટ ૧૭૨૦ની સાલથી વ્યવહારમાં ચીનના કબજામાં હતું. વાચકોએ હેનરિક હેરરનું ‘સેવન યર્સ ઇન તિબેટ’ નામનું પુસ્તક વાંચવું જોઈએ અથવા એ જ નામથી બનેલી ફિલ્મ જોવી જોઈએ. (આ પુસ્તક ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. મહેન્દ્રભાઈ મેઘાણીએ તેનો અનુવાદ કર્યો છે) તિબેટ દુનિયાના અંધારે ખૂણે પડેલું, દુનિયામાં શું બની રહ્યું છે એની જાણકારી વિનાનું, એકલું અટૂલું, ઉપેક્ષિત, અવિકસિત, જગત કરતાં લગભગ ૫૦૦ વરસ પાછળ એવું એક રાષ્ટ્ર હતું. ૧૯૦૩માં લોર્ડ કર્ઝનના કહેવાથી કર્નલ ફ્રાન્સીસ યંગહસબંડના નેતૃત્વ હેઠળ સૈનિકોની એક ટુકડીએ તિબેટમાં પ્રવેશ કર્યો ત્યારે તિબેટના ૧૩માં દલાઈ લામા ડરીને મોંગોલિયા નાસી ગયા હતા.

ગાંધીજીએ તેમનાં દક્ષિણ આફ્રિકાનાં વર્ષો દરમિયાન પડછંદ કાયા ધરાવતા કાળાઓને એકલા અટૂલા ગોરાને જોઇને નાસી જતા જોયા હતા અને એવા નિર્ણય પર આવ્યા હતા કે જ્યાં સુધી પ્રજાની અંદર આત્મવિશ્વાસ પેદા ન થાય ત્યાં સુધી કોઈ પ્રજા બે પગે ઊભી ન રહી શકે, આઝાદી તો બહુ દૂરની વાત છે. માટે તેમણે કહ્યું હતું કે કાળાઓની મુક્તિ માટેની લડતને હજુ વાર છે. તેમનું બીજું તારણ એ હતું કે બળ બાવડામાં નથી, આત્મામાં છે.

આમ સરદાર અને મુનશીએ કહ્યું તો ખરું કે તિબેટને બફર સ્ટેટ તરીકે જાળવી રાખવું જોઈએ પણ એ કઈ રીતે તેનો કોઈ માર્ગ બતાવ્યો નહોતો. કારણ કે એવો કોઈ માર્ગ હતો જ નહીં. કાળા આફ્રિકનોની માફક તિબેટીઓ પણ પોતાની જાતઓળખ ધરાવતા નહોતા. બે પગે ઊભા રહી શકે એમ નહોતા. પણ રાષ્ટ્રવાદીઓ એવો દેખાવ કરે છે કે સરદારે રામબાણ ઉપાય સૂચવ્યો હતો જે નેહરુએ અજમાવ્યો નહોતો.

હવે ચીને એ જ ભારતના એ જ સરદારના કહેવાતા રાષ્ટ્રવાદી રાજકીય અનુયાયીઓને કહ્યું છે કે લદાખમાં ભારત અંકુશ રેખાને લાગીને એટલે કે ભારતની તરફ ૨૦ કિલોમીટરનો બફર ઝોન રચે. સરદારનાં સૂચનથી બરાબર ઊલટું. તિબેટને બફર ઝોન બનાવવાની જગ્યાએ તિબેટની આ બાજુએ ભારતમાં લદાખમાં બફર ઝોન રચવાની માગણી ચીને કરી છે. પણ ન ચૂં કે ચા. પ્રજાને જાણકારી જ આપવામાં નથી આવતી. બહારથી ખબર પડે છે કે ચીન શું કરી રહ્યું છે. ૬૪માંથી ૨૭ પેટ્રોલિંગ સ્ટેશન ભારતે ગુમાવી દીધાં છે એની જાણ બહારથી થઈ. ભારત કહી શક્યું હોત કે એ શક્ય નથી. અમે એક ઇંચ પણ જમીન જતી નહીં કરીએ. હા, સરહદ સમજૂતી માટે તૈયાર છીએ. ભારત કહી શક્યું હોત કે જો બફર ઝોન રચવા જ હોય તો અંકુશ રેખાની બન્ને તરફ બન્ને દેશો ઝોન રચે. આવું કહ્યું હોત તો જનતાને ૫૬ ઈંચની છાતીનો પરિચય પણ થાત. જાહેરસભાઓમાં મર્દાનગી જોઇને જો કેટલાક લોકો ગદગદિત થઈ જતાં હોય તો કલ્પના કરો કે ચીનને મોઢામોઢ આમ કહ્યું હોત તો તો તેમનાં ઘરે લાપશીના આંધણ મૂકાયા હોત. પણ ન ચૂં કે ન ચા.

બીજું ચીને બફર ઝોનની માગણી માત્ર લડાખ સરહદે કરી છે, અરુણાચલ પ્રદેશમાં નથી કરી. શા માટે નથી કરી? ભારતે કહેવું જોઈતું હતું કે આપણે બન્ને સમગ્ર સરહદે બન્ને તરફ બફર ઝોન રચીએ. પછીથી નિરાંતે વાટાઘાટો કરીશું અને ધીરે ધીરે વિવાદનો અંત લાવશું. યુદ્ધની સંભવના નહીં રહે અને કારણ વિનાના લશ્કરી ખર્ચાઓથી બન્ને દેશને રાહત મળશે. એ પૈસા લોકોના વિકાસ પાછળ ખર્ચી શકાશે. ચીને અરુણાચલ પ્રદેશમાં બફર ઝોનની માગણી એટલા માટે નથી કરી કે તે અરુણાચલ પ્રદેશને વિવાદિત સમજતું જ નથી. સંપૂર્ણ અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરે છે. બને કે વાટાઘાટો દરમિયાન ભારતે બન્ને તરફ અને સમગ્ર સરહદે બફર ઝોન રચવાની માગણી કરી પણ હોય અને ચીને તે સાંભળતાની સાથે જ ઠુકરાવી દીધી હશે.

જે હોય તે, ભારત પોતાની ભૂમિકા સ્પષ્ટ કેમ નથી કરતું? શા માટે પ્રજાને વિશ્વાસમાં લેવામાં નથી આવતી? રાહુલ ગાંધી જ્યારે પૂછે છે કે ચીન સાથે શું ચાલી રહ્યું છે અને આપણે આપણો કેટલો પ્રદેશ ગુમાવ્યો છે એ દેશની જનતાને વિશ્વાસમાં લઈને કહો ત્યારે તેમને દેશદ્રોહી જાહેર કરવામાં આવે છે. દેશહિતમાં પ્રશ્ન પૂછનાર દેશદ્રોહી અને મૂંગા રહેનાર દેશપ્રેમી! બુદ્ધિનું આવું તળિયું આ પહેલાં ક્યારે ય જોવા મળ્યું નથી.

એની વે, ચીને ઉપર કહી એવી લદાખમાં થોડો ઘણો નહીં, વીસ કિલોમીટરનો બફર ઝોન રચવાની માગણી કરી છે અને એ પણ માત્ર લદાખમાં, અરુણાચલ પ્રદેશમાં નહીં. ભારત ચૂપ છે. આ ભારતના ભડવીર શાસકોની આજના દિવસની વાસ્તવિકતા છે. માટે ગાંધીજીએ કહ્યું હતું કે સાચી તાકાત કાળજામાં હોય છે, બાવડામાં કે હથિયારોમાં નથી હોતી. કૃતિ વિનાના ઠાલા શબ્દોમાં તો જરા ય નથી હોતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જૂન 2023

Loading

ડો. જયંત ખત્રી : અધા ધી ગ્રેટ

કીર્તિ ખત્રી|Profile|3 June 2023

કર્મનિષ્ઠ પુત્રની પિતાને અંજલિ :

ડો. જયંત ખત્રી વિશેની કેટલીક જાણવા જેવી વાતો

આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના મુખ્ય પ્રણેતા ડો. જયંત ખત્રી એટલે મારા પિતાશ્રી. બે દિવસ પછી મંગળવાર, 6ઠ્ઠી જૂને તેમની પુણ્યતિથિ છે એટલે એમના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો ફરી યાદ કરવાનું ઉચિત ગણાશે. માત્ર વાર્તાકાર નહીં, એક કામદાર નેતા, માનવતાવાદી તબીબ, પ્રામાણિક રાજકારણી, મંત્રમુગ્ધ કરી દે તેવા વક્તા, અનોખા ચિત્રકાર, સંગીતપ્રેમી … સાચા અર્થમાં બહુમુખી પ્રતિભા … એમના જીવનના જુદાં-જુદાં પાસાંઓ વિશે એમના અવસાન પછી ઘણું ઘણું લખાયું છે. છતાં જેમ ડો. ખત્રીની વાર્તાઓને ફરી ફરીને વાંચવાથી નવા અર્થઘટન અને સમજણ ખૂલતા જાય છે  તેમ એમના જીવનના અન્ય પાસાઓનુંયે છે. રંગીન કાચના ટુકડાઓને કેલિડોસ્કોપમાં નાખીને ફેરવવાથી જુદી જુદી ભાત – ડિઝાઇન આકાર પામે છે તેમ જયંત ખત્રીનું વ્યક્તિત્વ પણ જુદાં-જુદાં પાસાંઓને એકસાથે એકઠાં કરવાથી ઉપસતું રહે છે. સાથે સાથે આ તમામ હકીકતોએ તેમની સર્જન પ્રક્રિયા પર પણ અસર કરી હોય એમ માનવાનેય કારણ છે.

આ રીતે વિચાર કરીએ તો  આપણી આંખ સામે બે જયંત ખત્રી તરી આવે છે. એક જયંત ખત્રી એટલે કર્મવીર જયંત ખત્રી. ગીતાના સંદેશમાં છે તેમ આંખ મીંચીને કર્મ નિભાવતા જયંત ખત્રી અને બીજા સાવ અલગારી જયંત ખત્રી. એક જયંત ખત્રી દુનિયાની માયાજાળમાં ઓતપ્રોત લાગે તો બીજા દુનિયાથી પર હોય એવા એકાકી જીવ લાગે. કુટુંબ અને સમાજ પ્રત્યેની ફરજો બજાવવામાં તેમણે ક્યારે ય પાછીપાની કરી નહોતી. આખો દિવસ કાર્યમાં રત રહેતા. માંડ ચાર-પાંચ કલાકની ઊંઘ લેતા. માંડવીમાં રાતે દવાખાનું બંધ થયા પછી જીમખાને જતા. ક્યારેક જમ્યા વિનાયે ક્લબમાં જતા. અનિદ્રા જેવું હતું, પણ મૂળ તો કોઇ બેચેની, કોઇ અજંપો એમને હોય એવું લાગ્યા કરે. સંભવત: તેથી જ ઘણીવાર એવું બનતું કે જીમખાનામાંથી પાછા ફરતાં રાતે દોઢ-બે વાગ્યે. જયંત ખત્રી ઘેર આવવાને બદલે દરિયા તરફ જતા રહે. રાતના ઘોર અંધકારમાં ઘૂઘવતા સાગરની ડરામણી મુદ્રા વચ્ચે ય જયંત ખત્રી સિગારેટ પર સિગારેટ ફૂંકતા રહેતા. સમય જાણે થીજી જતો. ચાર-પાંચ કિ.મી. જેટલા વિસ્તારમાં માણસ જોવા ન મળે એવા નિર્જન કિનારા પર કલાકો સુધી બેસી રહીને જયંતભાઇ વિચાર્યા કરતા. તો ક્યારેક અમારા ઘરની ત્રીજા માળની અગાશીની પાળ પર બેસીને મોડી રાત્રે તેઓ વાયોલીન કે દિલરૂબાના સૂરમાં પોતાની જાતને જાણે ભેળવી લેતા અને છતાંયે જીવને શાંતિ ન મળે તો દરિયાની વાટ પકડી લેતા. બેચેની અને અજંપાની વાત આવે કે તરત જ જયંતભાઇની મોટી, ચમકતી આંખો યાદ આવે. એમના ચહેરા પર નજર કરતાં જ અતિ પ્રભાવશાળી આંખો તમારું ચિત્ત હરી લે. હોલીવૂડનો પ્રખ્યાત અભિનેતા યુલ બ્રિનર યાદ આવી જાય. મેગ્નિફિસન્ટ સેવન, તારાશ બુલ્બા અને બેનહર જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતાના શિખર સર કરનાર યુલ બ્રિનર માથું મુંડાવેલું જ રાખતો. પણ તમે એના ચહેરા પર નજર કરો તો મોટી માંજરી આકર્ષક આંખો તમને જકડી લે. જયંતભાઇની આંખો પણ એવી જ. ક્યારેક એમાં વહાલનો દરિયો ઉછળતો દેખાય તો ક્યારેક આક્રોશના તણખાયે જોવા મળે. આવી અનોખી આંખોવાળા જયંતભાઇ ક્યારેક બપોર પછીના સમયમાં આરામ ખુરશી પર લંબાવીને બારી બહાર આકાશ તરફ મીટ માંડી લાંબા સમય સુધી જોયા કરતા. આ રીતે આકાશમાં ખોવાઇ જવું અને દરિયા પર ઘૂમવું એ જયંતભાઇની વિચારપ્રક્રિયાનો ભાગમાત્ર હતા. સામાન્ય માણસ અને એના કલ્યાણને કેન્દ્રમાં રાખીને ફિલસૂફની જેમ વિચારતા રહેતા.

આવા વિચારમંથનને લીધે જ પોતાના તમામ કર્મક્ષેત્રો માટે જયંતભાઇ એક આગવી દૃષ્ટિએક `વિઝન’ વિકસાવી શક્યા હતા. સંભવત: તેથી જ દરેક ક્ષેત્રમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું એ વિશે તેઓ સ્પષ્ટ હતા. દા.ત. કર્મચારીઓના વિશાળ હિત ખાતર હડતાળનું શસ્ત્ર ઉગામવામાં વાંધો નહીં, પરંતુ કોઇ ભ્રષ્ટાચારી કર્મચારીને બચાવવા માટે યુનિયન મેદાને પડે એ જયંતભાઇને મંજૂર નહોતું. એકવાર એક કંડક્ટર `કટકી’ કરતાં ઝડપાયો અને એનો કેસ યુનિયન પાસે આવ્યો ત્યારે જયંતભાઇ ગુસ્સે ભરાયા હતા.

તેમના વિશે આટલી વાત કર્યા પછી કુટુંબ જીવનની વાત કરીએ. એક જીનિયસ કહી શકાય એવી બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ સામે કુટુંબની સ્થિતિ કેવી હતી ? માંડ લખતા વાંચતા આવડે એવા જીવનસાથી અને રૂઢિચુસ્ત વડીલો. વિરોધાભાસી પરિબળોથી દ્વંદ્વ પેદા થાય એવી સ્થિતિ હતી. છતાં ક્યાંયે ટક્કર સર્જ્યા વિના કુટુંબજીવન તેમણે નિભાવ્યું. એમની સાહિત્યિક કે જાહેરજીવનની બીજી કોઇ પ્રવૃત્તિ ક્યારે ય કુટુંબ જીવનમાં અવરોધક બની નહીં. ખરેખર તો કુટુંબ વ્યવસ્થા એવી હતી કે જયંતભાઇ માટે જાહેર પ્રવૃત્તિ કરવાને પૂરતી મોકળાશ હતી. ડો. જયંત ખત્રી સાવ નાના હતા ત્યારે પિતાનું છત્ર ગુમાવેલું. મોટાભાઇ શિવજીભાઇએ તેમને ઉછેર્યા અને ડોક્ટર બનાવ્યા. મુંબઇમાં માટુંગા અને કરી રોડ એમ બબ્બે સ્થળે દવાખાના ધૂમ ચાલે. ગુજરાતી સામયિકોમાં ડો. ખત્રીનાં ચિત્રો નિયમિત પ્રસિદ્ધ થતાં. પણ બકુલેશ સાથેની દોસ્તીએ તેમને વાર્તા લખવા પ્રેર્યા. પણ પ્રથમ પત્નીના અવસાનનો આઘાત અને એ પછી પેદા થયેલી સ્થિતિમાં ડો. ખત્રી મુંબઇની ધીકતી કમાણી છોડી કચ્છ પાછા ફર્યા અને માંડવીમાં દવાખાનું શરૂ કર્યું. અમે પાંચ ભાઇ અને મોટા બહેન સૌ પિતાજીને `અધા’ કહેતા. એમની સાથે અમે કચ્છમાં ખૂબ ફર્યા છીએ. માંડવીની આસપાસનો દરિયા કિનારો તો અમે અવારનવાર ખૂંદતા રહેતા. માંડવીમાં મિત્રો અને સાથી સર્જકો સાથે સાહિત્ય વિષયક ચર્ચા કરવાનું જયંતભાઇને ગમતું. કેટલીયેવાર અમારે ઘેર રાતે લેખકોનો ડાયરો જામતો. અધા પોતાની વિશિષ્ઠ શૈલીથી ચર્ચામાં ભાગ લેતા અને ખાસ તો કોઇ નવી વાર્તા લખવા ધારી હોય તેની માંડીને વાત કરતા. 

તેમની આ એક ખાસિયત હતી. તેઓ વાર્તા લખતાં પહેલાં વાર્તા કહેતા. એક જ કથાવસ્તુની જુદા જુદા દૃષ્ટિકોણથી રજૂઆત કરતા અને સાથી મિત્રોના પ્રતિભાવ પણ જાણતા. ક્યારેક કથા ફલેશબેક પદ્ધતિએ કહેતા તો કયારેક `હું’ને સામેલ કરીને તો કયારેક વળી ત્રીજી રીતે. વાર્તાલેખનમાં પણ જયંતભાઇ એક જ વાર્તાને જુદી જુદી રીતે રજૂ કરતા અને આખરે અંતિમરૂપ આપતા. તેથી જ તેમની વાર્તાઓ સંઘાડા ઉતાર લાગે છે. કેટલીકવાર તેમણે ચર્ચેલી વાર્તાઓ પાછળથી લખાઇ જ ન હોય એવુંયે બન્યું છે. ચર્ચા દરમ્યાન સાથીઓના ટેલન્ટની કસોટીયે કરતા અને પછી હીરાપારખુની જેમ અલગ તારવી લેતા. `સર્જકને ઘડવામાં વાતાવરણ ભાગ ભજવે છે કે પછી એ શક્તિ વારસાગત દેન છે.’ એ વિષય પર પાર્લા અધિવેશન વખતે સાથી સર્જકો સાથે ચર્ચા કરી હતી. એક તરફ કવિવર ટાગોરના કલાવૃત્તિથી છલકાતા પરિવારનો દાખલો આપ્યો હતો તો બીજીતરફ બકુલેશને મૂક્યા હતા. બકુલેશના માતા-પિતા બિલકુલ અભણ. બકુલેશ જાતે પણ બહુ ભણ્યા નહોતા. છતાં પશ્ચિમના સાહિત્યના મોટા અભ્યાસી હતા અને ટૂંકી વાર્તામાં નવો ચીલો પાડયો હતો. તો ભુજના મિત્રો સાથે અશ્લીલતાના મુદ્દે થયેલી ચર્ચામાં જયંતભાઇએ મૂળ મુદ્દો દૃષ્ટિનો છે એવું વિધાન કરીને ઉમેર્યું હતું કે એક તરફ સૌંદર્યવાન મોડેલ જેવી નિર્વત્ર સ્ત્રી છે તો બીજીતરફ ભૂખમરાથી સબડતી ગરીબ સ્ત્રી કે જેને અંગ ઢાંકવા માટે કપડુંયે નથી – એ પણ નિર્વસ્ત્ર છે. અશ્લીલ કોણ ? એ સમયે ખત્રીએ બે રેખાચિત્રો પણ ફટાફટ દોરી આપ્યાં હતાં.

ભુજના ખત્રી ચોકમાં મામાઇ ભાઇ સામજીભાઇ મચ્છરને ઘેર પણ જયંત ખત્રીની બેઠકો રાતભર ચાલતી. સામજીભાઇને જ્યોતિષ વિજ્ઞાનમાં રસ એટલે જયંતભાઇની કુંડળીનીયે ચર્ચા થતી. સામજીભાઇના ગુરુ પ્રભુલાલ દવે ભૂસ્તરશાસ્ત્રી હતા અને કચ્છની ખનિજ સંપત્તિ વિશે એમનો ઊંડો અભ્યાસ. એમના સંપર્ક બાદ આશ્ચર્ય લાગે તેવી ઘટનામાં જયંત ખત્રીએ માતાના મઢમાં ફટકડીનું કારખાનું નાના પાયે શરૂ કર્યું હતું. એ સમયે કચ્છ `ક’ વર્ગનું રાજ્ય હતું. ખનિજ માટે લીઝ કેમ લેવી એના નિયમોયે પૂરતા ઘડાયા નહોતા, એ સમયે તેમણે આ સાહસ કર્યું હતું. ટ્રાન્સપોર્ટેશનની કોઇ વ્યવસ્થા નહીં. ગધેડાઓ પર ફટકડીના થેલા નાખીને કોટેશ્વર બંદરે માલ લઇ જવાયો. મોટા ઓર્ડર મળતાં માલ મુંબઇ મોકલવાનો હતો પણ જૂન મહિનામાં આખરની મોસમ શરૂ થઇ ચૂકી હતી એટલે કોઇ પણ વહાણવાળો મુંબઇ જવા તૈયાર ન થયો. આખરે કોટેશ્વરથી માંડવી સુધીની ખેપ નક્કી થઇ. પણ અફસોસ કે વહાણ માંડવીના બારામાં આવતાં જ માલસાથે ડૂબી ગયું. સાથે જયંતભાઇનું સપનુંય ધરબાઇ ગયું. જયંતભાઇની દૃષ્ટિ અને વ્યક્તિત્વ ક્યાં સુધી વિસ્તરેલા હતા તેનો આ ઉત્તમ દાખલો છે.

જાપાન પર અમેરિકાએ પહેલો અણુબોંબ ઝીંક્યો ત્યારે એના વિશેની તમામ વૈજ્ઞાનિક માહિતી અને આઇન્સ્ટાઇનની થિયરી અંગે જયંતભાઇએ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર વાર્તાલાપ આપ્યો હતો. કામદાર પ્રવૃત્તિને સંબંધ છે ત્યાં સુધી માંડવીનું નાવિક મંડળ અને ભુજનું કચ્છ એસ.ટી. કર્મચારી મંડળ લાંબું ટક્યા નહીં પરંતુ કંડલામાં બંદરીય કર્મચારી સંઘે જયંતભાઇને મોખરાનું સ્થાન અપાવ્યું. કંડલા પોર્ટ ટ્રસ્ટ બોર્ડમાં જયંતભાઇ કામદાર નેતાની હેસિયતથી પ્રથમ ટ્રસ્ટી તરીકે નીમાયા હતા. તેમની સફળતામાં અગાઉ કહ્યું છે તેમ કામદારના સર્વગ્રાહી વિકાસની નીતિએ ભાગ ભજવ્યો છે. કામદારોની સલામતીનો પૂરતો બંદોબસ્ત ઉપરાંત તેમના આવાસ માટે અધાના યુનિયને જમીન મેળવીને નવો રાહચીંધ્યો હતો. આજે કંડલામાં બબ્બે કોલોનીઓ જયંતભાઇના નામ સાથે સંકળાયેલી છે. તો ગોપાલપુરીમાં પોર્ટ કર્મચારીઓને રહેણાકના 3,000 પ્લોટ રાહતભાવે અપાયા તેમાં પણ મૂળ તો જયંતભાઇની દૃષ્ટિ જવાબદાર હતી.

એક વાર કંડલા બંદરે આવેલા ગ્રીસ જહાજની કેબિનમાં બે કાળા મજૂરોને કેદ કરાયા હોવાની માહિતી મળતાં `માનવ અધિકાર’નો મુદ્દો ઉઠાવીને જયંતભાઇના યુનિયને તેમને મુક્ત કરાવ્યા હતા. એ સમયે ઇંદિરાજીનું શાસન હતું. દિલ્હીમાં સાંસદ ભૂપેશ ગુપ્તાએ આ કેસમાં દરમ્યાનગીરી કરી હતી. આમ છતાં જયંતભાઇ જાતે જેના માટે ગૌરવ અનુભવતા એ કિસ્સો તો દરિયાને ખોળે પોઢેલા માંડવીના બાર ખારવાઓના વળતરનો હતો. મધદરિયે એક વહાણ તોફાનમાં સપડાયું અનેડૂબી જતાં બાર જણ સાગરશહીદ થયા. આ કેસનો ઇતિહાસ લાંબો છે પણ સંભવત: આખા ભારતમાં મૃત ખલાસીઓ માટે કોર્ટે વળતર મંજૂર કર્યું હોય એવો આ પ્રથમ બનાવ હતો. તેથી એનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે. પણ એથીયે નોંધનીય બાબત અહીં એ હતી કે વહાણમાલિક જે જ્ઞાતિના હતા એ જ્ઞાતિના કેટલાક લોકો કે જેમના ફેમિલી ડોક્ટર જયંતભાઇ હતા તેમણે કોર્ટ કેસ થયા પછી દવાખાને આવવાનું બંધ કર્યું હતું. ટૂંકમાં, વળતરના આ કેસની જયંતભાઇની પ્રેક્ટિસ પર અસર થઇ હતી. પણ આ જ ઘટનાએ `અધા’ને ખારવા જ્ઞાતિમાં ભારે લોકપ્રિયતા અપાવી. અરે, આજે એમના અવસાનના ચાર-ચાર દાયકા પછીયે અમે લોકો ખારવા પાંચાડામાંથી પસાર થઇએ છીએ ત્યારે અવાજ સંભળાય છે … `જો જેન્તી ડોક્ટરનો ગીગો જાયશ …’

આજે એટલા જ ભાવથી ઓળખીતા ખારવા અમને બોલાવે છે … અને છતાં નિયતિનો ખેલ તો જુઓ કે અધાના અંતિમ વરસો દરમ્યાનની ચૂંટણીમાં આ જ વોર્ડમાં એટલે કે ખારવા પાંચાડામાં તેમને સુધરાઇની ચૂંટણીમાં હાર ખમવી પડી. જેના માટે અધાએ પ્રેક્ટિસની પરવાહ ન કરી ત્યાં જ આવો `બદલો’ મળ્યો ! રાજકારણને સંબંધ છે ત્યાં સુધી પણ જયંત ખત્રી શરૂઆતથી જ ડાબેરી વિચારસરણીવાળા હોવા છતાં ઉદારમતવાદી તરીકે જ વર્ત્યા હતા. જે એમની સતત વિચારપ્રક્રિયા અને દૃષ્ટિ `વિઝન’ને આભારી હતા. જાહેર જીવનમાં શુદ્ધતા અને પારદર્શિતાના તેઓ આગ્રહી હતા. 1952ની પ્રથમ લોકસભા ચૂંટણી પ્રો. કે.ટી. શાહ કચ્છમાંથી લડ્યા એની પાછળનાં જવાબદાર કારણોમાં એક જયંત ખત્રી અને એમના સાથીઓયે હતા. કે.ટી. શાહ ડાબેરી ઝોકવાળા સ્વતંત્ર ઉમેદવાર હતા એટલે જયંતભાઇ એમને ટેકો આપે એમાં નવાઇ ન લાગે, પણ 1962માં કચ્છમાં સ્વતંત્ર પક્ષ જેવા મૂડીવાદી રાજકીય પક્ષના ઉમેદવાર તરીકે મ.કુ. શ્રી હિંમતાસિંહજી મેદાને જંગમાં ઊતર્યા અને એમની તરફેણમાં ડો. ખત્રીએ તન-મનથી પ્રચાર ઝુંબેશ ચલાવી. એ ઘટનાએ, ખાસ કરીને એમના યુવાન સાથીઓમાં ચર્ચા અને નારાજગીયે જગાવી હતી. મ.કુ. હિંમતાસિંહજી એટલે રાજવી કુટુંબના નબીરા, સામંતશાહી યુગના પ્રતીકને ટેકો શા માટે – એમ કહીને મિત્રોએ બગાવત કરેલી, પણ ખત્રીએ એ સમયના શાસક પક્ષ કાઁગ્રેસની આપખુદ નીતિઓની તુલનાએ સ્વતંત્ર પક્ષ `લેસર ઇવિલ’ છે એવું કહેલું. આ જ જયંત ખત્રીએ થોડાં વરસો પછી માંડવીના પુલ પર કચ્છના માજી રાજવી વિજયરાજજીનું પૂતળું મૂકવાની દરખાસ્ત સુધરાઇએ કરી ત્યારે વિરોધ કર્યો હતો કારણ કે, કચ્છના વિકાસમાં આ રાજવીનો કોઇ નોંધપાત્ર ફાળો નહોતો એમ તેઓ માનતા.

વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓના પ્રચારને બાદ કરતાં જયંતભાઇનું રાજકારણ માંડવી સુધરાઇ પૂરતું મર્યાદિત હતું, પણ 1962ની વિધાનસભા પેટા ચૂંટણીમાં કોાઁગ્રેસ અને સ્વતંત્ર પક્ષની સમાંતર સભાઓ એકી સમયે મળી હતી ત્યારે તેમણે કરેલું પ્રવચન આજે ય માંડવીવાસીઓને યાદ છે.  આઝાદ ચોક કે અન્ય સ્થળે થતી સામાન્ય સભાઓમાં ખાસ જયંતભાઇને સાંભળવા લોકો આવતા. શાંત અને સ્વસ્થ અવાજે કોઇપણ ઉશ્કેરણી વિના મુદ્દાસર બોલવાની એમની શૈલી હતી. 1962માં ચીને આક્રમણ કર્યા પછી જયંતભાઇની તમામ ટપાલ `સેન્સર’ થતી. એકવાર ભુજ ખાતે પોતાના ડાબેરી મિત્રોને જયંતભાઇએ કહેલું કે, `સેન્સર’થી ડરવાની કોઇ જરૂર નથી. હવે તમે લોકો ખુલ્લા પોસ્ટકાર્ડમાં જ જે કાંઇ લખવું હોય તે લખીને પોસ્ટ કરજો. આઝાદી પછીના બે દાયકા સુધી ભારતભરમાં કાઁગ્રેસનો ડંકો વાગતો હતો, તેવા સમયે માંડવીમાં વિપક્ષની સુધરાઇ હતી. અરે, સાઠના દાયકામાં તો મોટા સલાયા અને મચ્છીપીઠ જેવા માંડવીના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારમાં કાઁગ્રેસના ઉમેદવારને હરાવીને વિપક્ષે જીત મેળવીને સનસનાટી સર્જી હતી. સલાયાની જીત જયંતભાઇ રચિત નાવિક મંડળને આભારી હતી. હરિરામભાઇ કોઠારીના નેજા હેઠળની એ સમયની માંડવી સુધરાઇ સ્વચ્છતા તેમજ  વિકાસની નજરે ગુજરાતમાં બીજા નંબરની ગણાતી.

(કીર્તિ ખત્રી જયંત ખત્રીના પુત્ર)
[પ્રગટ : “કચ્છમિત્ર”; 05 જૂન 2020]
https://www.facebook.com/groups/glauk/posts/2988666154565251/?comment_id=2990418591056674

Loading

લાગે છે ! 

"પ્રણય" જામનગરી|Poetry|3 June 2023

હળવું-મળવું ય સજા લાગે છે ! 

હોઉં તન્હા; તો મજા લાગે છે !  

ખૂબ કંટાળો મને આવે છે,

મારી જેવા જ બધા લાગે છે !    

મારો શબ્દ જ નકામો હો જાણે,

તારું હસવું ય કળા લાગે છે ! 

બંધ પરબીડિયા મહીં કોઈ,

નક્કી વસમી જ બલા લાગે છે ! 

તૂં ઉદાસી છે, તો ગઝલ સાંભળ,

એ જ અક્સીર દવા લાગે છે !    

એને ગમતી નથી ઉદાસ આંખો,

માણસો ખૂબ ભલા લાગે છે ! 

આજ જૂદી જ છે દશા મનની,

આજ જૂદી જ અદા લાગે છે ! 

એમને ઓળખી શક્યા જ નહીં,

આપણી એ જ ખતા લાગે છે ! 

હોય તારી કે મારી; કે સહુની,

એકસરખી જ કથા લાગે છે ! 

જીવ અંદરથી રાજી રાજી છે,

 જાણીતી આબો-હવા લાગે છે ! 

બેસી રહીશું ‘પ્રણય’; તો પસ્તાશું,

કૌરવોની આ સભા લાગે છે !   

તા. ૦૩/૦૫/૨૦૨૧      

Loading

...102030...985986987988...1,0001,0101,020...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved