Opinion Magazine
Number of visits: 9667106
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થોડાક દોરાનો ફેર

બબલભાઈ મહેતા|Opinion - Cartoon, Opinion - Opinion|27 September 2023

બબલભાઈ મહેતા

એક કાળ એવો આવી ગયો કે ભારતના નવજુવાનોએ રાષ્ટૃની આઝાદી ખાતર પોતાના જીવનનાં બલિદાન આપવાની તૈયારી દાખવી. ભારતની માતાઓએ પોતાના વહાલા પુત્રોને દેશહિત ખાતર જેલમાં જવા હોંશેહોંશે વિદાય આપી. ભારતની સામાન્ય જનતાએ દેશપ્રેમથી પ્રેરાઈને કાંઈક ને કાંઈક ત્યાગની રેલ ચલાવી.

આજે એ જ ભારતમાં એકેએક ક્ષેત્રમાં નાનામાં નાની સેવાનો બદલો મંગાવવા લાગ્યો છે. મોટા મોટા પગારો ઓછા પડે છે. મોટામાં મોટા નફાઓ ઓછા પડે છે અને લાંચરુશવત આજે જીવનના દરેક ક્ષેત્રમાં વ્યાપી ગયેલ છે. ત્યાગ છૂટતો જાય છે અને વૈભવ વધતો જાય છે. સંયમ છૂટતો જાય છે અને વિલાસ વધતો જાય છે. અનીતિ વધતી જાય છે અને નીતિમત્તા ઘટતી જાય છે.

આનું કારણ શું છે ? અને એનો ઉપાય શો છે ?

શિયાળાની કડકડતી ટાઢમાં પણ ઇંગ્લૅન્ડ જેવા ઠંડા મુલકમાં ભારતનો પ્રતિનિધિ નગ્ન ફકીરરૂપે ગયો હતો. એ નગ્ન ફકીરીમાં એને રાષ્ટૃનું સાચું પ્રતિનિધિત્વ રજૂ થતું દેખાતું હતું. જાતે સ્વીકારેલી એ ગરીબાઈમાં એને રાષ્ટૃનાં માન-આબરૂ દેખાતાં હતાં.

આજે તો ભારતના પ્રતિનિધિને તોપો ફોડાય કે રાજવૈભવ દેખાડાય ત્યારે જ રાષ્ટૃનાં માન-આબરૂ વધતાં દેખાય છે. આ બન્ને અલગ અલગ દિશાઓ છે.

રેલગાડીના પાટા અલગ દિશામાં જવાની શરૂઆત જ્યાં કરે છે, ત્યાં બે પાટા વચ્ચે થોડાક દોરાનો જ ફરક હોય છે, પણ એની પરની રેલગાડી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ એ અંતર વધતું જાય છે. છેવટે એ મૂળના કરતાં સદંતર વિરોધી દિશામાં પણ જતી દેખાય છે. એમ આપણા પ્રતિનિધિઓએ બદલેલી એમની જરાક સરખી ચાલના પડઘા પ્રજાજીવનના એકએક ક્ષેત્રમાં પડવા લાગ્યા છે.

Loading

અનિંદા વ્રત અને ગુણોપાસના

વિનોબા|Opinion - Opinion|26 September 2023

આ જે અગિયાર એકાદશ વ્રત છે એમાં મેં એક અન્ય વ્રત ઉમેરી દીધું છે, અનિંદા વ્રત.

આપણે જેને જિહ્વા કહીએ છીએ, એમાં બહુ મોટી તાકાત રહેલી છે. આપણે જો એ શક્તિનો સદુપયોગ કરીએ, તો એનાથી આપણી પ્રજ્ઞા સ્થિર થવામાં બહુ મોટી મદદ મળી શકે તેમ છે. જિહ્વાનું એક કામ છે સ્વાદ. અને એની જે બીજી શક્તિ છે તે છે શબ્દશક્તિ.

વિનોબાજી

શબ્દમાં ખૂબ શક્તિ રહેલી છે. શંકરાચાર્યે તો કહ્યું છે કે – केषां अमोघ वचनम्‌। કોનું વચન અમોઘ હોય છે ? અમોઘ એટલે વ્યર્થ ન જનાર. તો શંકરાચાર્ય કહે છે – ये के च सत्य-मौन-शम-शीला: (ગુરુબોધસાર) – કે જે સત્યનિષ્ઠ છે, મૌનનિષ્ઠ છે, શમનિષ્ઠ છે – તેની વાણી અમોઘ હોય છે. અમોઘ વચન જેવું વાણી દ્વારા બહાર પ્રકટ થયું કે તેને વાસ્તવમાં યથાર્થરૂપે પ્રગટવું જ પડશે. सा वै देवी वाक्‌ – એ જે બોલે છે, તે થાય જ છે.

પરંતુ આજે તો આપણે લગભગ શબ્દશક્તિને ગુમાવી જ બેઠાં છીએ. આપણા દેશમાં ગાંધીજીની પહેલાં ઘણા બધા મોટા આગેવાન નેતાઓ એવા હતા કે તેમના બોલાયેલા શબ્દોનો સીધો અર્થ લોકો સમજી શકતા નહોતા. એટલું જ નહીં, એનો અવળો જ અર્થ ગ્રહણ કરી લેતા. એ વખતે જાણે એક રિવાજ પડી ગયેલો કે મનમાં અંદર એક વાત રાખવી અને બહાર બીજી વાતો કરવી. યુક્તિપૂર્વક ભાષા પ્રયોજીને લોકોને જે કાંઈ કહેવું છે તે કહી પણ શકાય અને એના પર કાનૂનનો પ્રહાર પણ ન થાય. એ વખતના નેતાઓ પોતાની વાણીમાં આ પ્રકારની તરકીબ લાવવા માટે કવાયત કરતા હતા. કેમ કે આ વસ્તુને કૌશલ્ય માનવામાં આવતું હતું.

પરંતુ ગાંધીજીએ ઋજુ વાણીનું પ્રચલન શરૂ કર્યું. જે વાત આપણા મનમાં હોય, એ જ વાત લોકોને કહેવાથી લોકશક્તિ જન્મી શકે છે. બાકી દાવપેચવાળી ભાષાથી કંઈ વળવાનું નથી. વાણીના ઉપયોગ સમયે તમારો ઇરાદો ષડ્યંત્ર રચવાનો છે, કેટલાક લોકો દ્વારા કેટલુંક કામ કરાવવા માંગો છો, લોકોને બાઈપાસ કરીને તમે કેટલુંક કામ કરાવવા માગતા હો તો આવી પ્રપંચયુક્ત ભાષા કામમાં આવી શકે છે. પરંતુ લોકોનું ઉત્થાન તો એમના હૃદયને સ્પર્શે તેવી સંયમિત વાણી દ્વારા જ થઈ શકે.

જેવી રીતે અસ્વાદ વ્રત છે, એવી રીતે વાક્-સંયમ વ્રતની પણ જરૂર છે. ઘણાં વર્ષો પહેલાં આ અંગે મારું ધ્યાન ગયેલું કે અનિંદાનું વ્રત અત્યંત જરૂરી છે. આમ તો અનિંદા એ અહિંસાનું જ મહત્ત્વપૂર્ણ અંગ છે તેમ છતાં એની એટલી બધી આવશ્યકતા છે કે મને લાગે છે અનિંદાનું એક સ્વતંત્ર વ્રત જ હોવું જોઈએ. અનિંદા વ્રતમાં કોઈની પણ નિંદા ન કરવી તે કંઈ નવી વાત નથી. “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે નિંદા ન કરે કેની રે.” આ પંક્તિ તરફ જ્યારે મારું મનન ચાલ્યું તો સમજાયું કે નિંદા કરવાથી જગત આખાનો કચરો આપણા મનમાં ઠલવાય છે. દરેકમાં કોઈક ને કોઈક દોષ તો હોય છે. આપણે જો સૌના દોષો જ જોતા રહીશું તો આપણું હૃદય સૌના દોષોને ભેગા કરશે. અને આ એક બહુ મોટો દુર્ગુણ બની જશે. વળી, એ પણ ધ્યાનમાં સતત રહેવું જોઈએ કે ભલે આપણે બહારથી તો નિંદા કરતા નથી પણ મનની ભીતરમાં જો એ ચીજ પડેલી હશે, તો પણ તેનો અર્થ સરવાનો નથી.

નિંદા ન કરવી એ સૌથી કપરું કામ છે. નિંદા ન તો કોઈની પાછળ કરવાની છે કે ન તો સામે કરવાની છે. આમાં નિંદા કરનાર અને સાંભળનાર આ બંને દોષી સાબિત થાય છે. સમૂહજીવનમાં જ્યારે આપણે એકસાથે રહીએ છીએ, એકસાથે કામ કરીએ છીએ, ત્યારે અનેક પ્રસંગો એવા આવે છે કે જેમાં મતભેદ ઊભા થઈ શકે. આવા પ્રસંગોમાં પણ આપણે તો ‘નિંદા ન કરે કેની રે’ – આપણા સપનામાં પણ કોઈ માટેની નિંદા ન હોવી જોઈએ. મનુષ્યને મનન કરનારો કહ્યો છે, ‘मन्यते इति मानव:।’ આપણે મનન જરૂર કરીએ પણ નિંદા ન કરીએ.

અનિંદા વ્રતનો અર્થ કેવળ વાણીમાં નિંદા ન કરવી એટલો સીમિત નથી. અને એનાથી કામ પણ પાર પડતું નથી. પણ હૃદયશુદ્ધિ અને શબ્દશક્તિનું કામ ત્યારે સાર્થક થતું જશે, જ્યારે આપણું મન ગુણગ્રહણ કરવા લાગશે. આ વિષય ઘણો સૂક્ષ્મ છે  – આપણે કોઈના દોષ ન જોતાં, કેવળ ગુણ જ ગુણ જોતાં શીખવું પડશે.

એક પ્રકારથી ગુણોપાસના કરવાની છે. આ ગુણોપાસના એ ભક્તિની પૂર્તિ જ છે. ઈશ્વર ગુણમય છે. ઈશ્વર સત્ય, પ્રેમ, કરુણા વગેરે અનેક મંગળ ગુણોથી સંપન્ન છે. બીજા શબ્દોમાં કહીએ તો આ બધા ગુણોની પરિપૂર્ણતા જ ઈશ્વર છે. આપણી સામે આખા દિવસમાં જે કોઈ મનુષ્ય આવે છે, એમાંથી ગુણદર્શન કરતા રહેવાનું છે. આપણને એ મનુષ્યમાં રહેલા દોષોનું દર્શન થાય છે તો સમજવું કે આપણને ‘માયા’નું દર્શન થયું છે, ઈશ્વરનું દર્શન થતું નથી. વળી, આપણને કોઈ માણસમાં ગુણ-દોષ બંનેનાં દર્શન થાય છે તો ઈશ્વર અને માયા – આ બંનેનાં થોડાં થોડાં દર્શન કહી શકાય, પણ તેને સ્વચ્છ દર્શન ના કહી શકાય. સ્વચ્છ દર્શન તો ત્યારે થયેલું ગણાય જ્યારે આપણે દરેકમાં ગુણનાં જ દર્શન કરી શકતા હોઈએ. દરેક મનુષ્યમાં ઈશ્વરનો એક એક અંશ તેના એક-એક ગુણના રૂપમાં રહેલો હોય છે. જેવી રીતે બદામના બીજ ઉપર જે છાલ દેખાય છે તે દોષ છે. આપણે માયાના આવરણને ભેદીને ભીતરી તત્ત્વના સ્વચ્છ સુંદર દર્શન કરતા શીખવું પડશે. અને આવી આદત પડવાથી આપણને જુદા જુદા ગુણોના દર્શન થવા લાગશે અને પછી ઈશ્વરનું સમગ્ર દર્શન થશે. આના માટે આપણે હંમેશાં ગુણગ્રહણ, ગુણચર્ચા અને ગુણ સ્મરણ કરતા રહેવું જોઈએ. સાથે સાથે દોષ ગ્રહણ, દોષચર્ચા અને દોષ સ્મરણ ક્યારે ય ન કરવાં જોઈએ. માટે જ અનિંદા વ્રતની અત્યંત આવશ્યકતા પ્રતીત થાય છે.

એક વાત આ પણ સમજી લેવી જોઈએ કે જ્યારે આપણને કોઈનો દોષ દેખાય છે, તો તે આપણો જ દોષ છે. વળી આપણે એ દોષની નિંદા કરીએ છીએ તો તે બીજો દોષ થઈ જાય છે અને તેની પાછળ પાછળ તેના દોષોની ચર્ચા કર્યા કરતા રહેવી અથવા નિંદા કરતા રહેવી એ વળી ત્રીજો દોષ થઈ જાય છે. આમ એક પછી એક દોષના થર ચઢવા લાગે છે જેને લીધે ગુણદર્શન થતું નથી. અને ઈશ્વરનો લોપ થઈ જાય છે.

જેવી રીતે આપણે બીજાના દોષો જોવાના નથી, એવી રીતે આપણે આપણા પોતાના પણ જોવા ન જોઈએ. આપણે આપણા ગુણોનાં દર્શન કરીએ. જેવી રીતે રેતીમાં રહેલી શર્કરાના કણ કીડી વીણી લે છે એવી રીતે આપણે પણ સત્યનું ક્યાંક અલ્પ દર્શન થયું, તો તે ગ્રહણ કરી લઈએ, ક્યાંક પ્રેમનું, ક્યાંક કરુણાનું દર્શન થયું, તો ક્યાંક એવા બીજા કોઈ પણ ગુણ દેખાયા તો તેને ગ્રહણ કરીશું તો ધીરે ધીરે આપણું હૃદય ગુણસંપન્ન થવા લાગશે. અને પછી ધીમે ધીમે ભગવાનનું પરિપૂર્ણ દર્શન થઈ શકશે.

પરંતુ આજે તો એવી સ્થિતિ છે કે આપણને ગુણોનું દર્શન જ થતું નથી, કેવળ દોષ જ દેખાય છે. હકીકતમાં તો આપણી સામે જે દોષ આવે છે તે વાસ્તવમાં હોય જ છે એવું પણ હોતું નથી. જ્યાં સુધી માણસના હૃદયમાં પ્રવેશ થતો નથી, ત્યાં સુધી બધું ખરાબ જ ખરાબ દેખાયા કરે છે. કેમ કે આપણને તે માણસના હેતુ અંગે કંઈ જ ખબર નથી હોતી. હવે જ્યારે આપણે તેનો વાસ્તવિક હેતુ જાણતા નથી, તો પછી સાચી વાસ્તવિકતાની ખબર કેવી રીતે થાય ? કાયદા કાનૂનમાં પણ ગુનેગારને શંકાનો લાભ અપાયો છે. જેને ‘બેનિફિટ ઓફ ડાઉટ’ કહે છે. જ્યાં સુધી હેતુનું દર્શન થતું નથી ત્યાં સુધી એને અપરાધી કહી શકાતું નથી. માટે જ આપણને જે દોષ દેખાય છે તે હકીકતમાં હોય જ છે એવું હોતું નથી. આપણે દોષોના પરીક્ષક ન બનીએ. એ કામ તો ઈશ્વરનું છે. આપણે જ્યારે દોષોનું પરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણા હૃદયમાં દોષોનો સંઘરો થવા લાગે છે જેને લીધે પરમેશ્વરનાં દર્શન થતાં નથી. જેમ ભક્તિ વગર પરમેશ્વરની શોધ અને પરમેશ્વરનું દર્શન ન થાય એમ ગુણદર્શન વગર, ગુણવિકાસ વગર ભક્તિ પણ ન થઈ શકે.

મેં મારા માટે આધ્યાત્મિક સાધનાની એક કસોટી માની છે કે જ્યારે સર્વત્ર ગુણદર્શન થવા લાગશે અને એક એવી સ્થિતિ આવશે કે માણસમાં દેખાતા દોષ ગુણની છાયાની જેમ આવે છે ત્યારે એની કોઈ પણ અસર ચિત્ત પર નહીં થાય, ત્યારે સમજવું કે આધ્યાત્મિક સાધના સધાઈ ગઈ છે.

ગુણગ્રહણ એટલે સામેવાળામાં રહેલા ગુણનું દર્શન થવું, ત્યારબાદ એ ગુણનો સ્વીકાર કરીને આપણા હૃદયમાં સ્થાન આપવું. ત્યારબાદ એ ગુણનો વિકાસ કરવો. આમ, સામેવાળામાં રહેલા ગુણને આપણી હૃદયભૂમિમાં વાવવો જોઈએ. જેવી રીતે ખેડૂત ખેતરમાં એક બીજ વાવે છે, તો તે ચારગણો, શતગણો થઈ જાય છે એવી રીતે આપણી મનોભૂમિ જો શુદ્ધ હશે તો તેમાં ગુણ વાવવાથી તે ગુણ શતગુણિત થઈને વિકસશે. આને ગુણવિકાસ કહીશું. પ્રથમ ગુણદર્શન, પછી ગુણગ્રહણ અને પછી ગુણવિકાસ. આ ભક્તિની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સર્વત્ર છુપાયેલા પરમેશ્વરની હસ્તિનું દર્શન થાય છે.

આમ દરેકેદરેક માણસમાં કાંઈક ને કાંઈક ગુણ-દોષ રહેલા હોય છે. અહીં માટી, પત્થર અને અનેક ધાતુઓના કણ પડ્યા છે, હવે અહીં લોહચુંબક લાવીએ તો તે શું કરશે ? એ અહીં પડેલા લોખંડના કણોને પોતાની તરફ ખેંચી લેશે. બરાબર એવી રીતે સજ્જન વ્યક્તિ દરેકમાં રહેલી સજ્જનતાને ખેંચી લેશે. આ દુનિયામાં એક પણ માણસ એવો જોવા નહીં મળે કે જેનામાં એક પણ ગુણ ન હોય, પછી તે ભલેને ગમે તેટલો મોટો દુર્જન કેમ ન હોય ! એવી જ રીતે આ દુનિયામાં કોઈ એવો સજ્જન જોવા નહીં મળે જેમાં એક પણ દોષ ન હોય, સર્વદોષરહિત તો ફક્ત પરમાત્મા જ હોઈ શકે અને સર્વદોષસંપન્ન શેતાન જ હોય ! ટૂંકમાં, દરેક માણસમાં કોઈ ને કોઈ ગુણ અને કોઈ ને કોઈ દોષ હોય જ.

જેવી રીતે ઘર દરવાજા અને દીવાલો વગર બની શકે નહીં, તેવી રીતે માણસમાં રહેલા ગુણ એ દરવાજા છે અને દોષ તે દીવાલ છે. ઘરમાં પ્રવેશતી વખતે દરવાજાનો ઉપયોગ કરીએ તો જ ઘરમાં પ્રવેશ કરી શકાય. દીવાલ દ્વારા અંદર જવા ઇચ્છીશું તો કેવળ માથું અફળાશે. લોકહૃદય પ્રવેશ માટે લોકોમાં રહેલા દોષો મારફત જવાથી માથું ભટકાશે પણ એના બદલે એમનામાં રહેલાં ગુણો દ્વારા સંપર્ક સાધીશું તો લોકહૃદયમાં સીધો પ્રવેશ થાય છે. એટલા માટે આપણે પણ લોહચુંબક જેવી ગુણચુંબક વૃત્તિ કેળવીએ.

અસમના માધવદેવનું પ્રસિદ્ધ વાક્ય છે.

अधमें केवले दोष लवय,

            मध्यमे गुणदोष लवे करिया विचार

उत्तमे केवल गुण लवय

           उत्तमोत्तमे अल्प गुर करय विस्तार

માધવદેવે માણસના ચાર વર્ગ બતાવ્યા છે. પહેલો વર્ગ અધમ. અધમ એટલે કે જે કેવળ દોષ ગ્રહણ કરે છે. દુનિયાભરના દોષોને જ ખેંચે છે. આ દુનિયા આ પ્રકારના માણસોને ચતુર કહે છે પણ માધવદેવ અધમ કહે છે. બીજો વર્ગ મધ્યમ છે. મધ્યમ વર્ગના માણસ ગુણ-દોષ બંને જોઈ વિવેક કરે છે. એને રાજનીતિ ધુરંધર કહે છે. ધુરંધર એટલે શ્રેષ્ઠ. પણ માધવદેવ તેમને શ્રેષ્ઠ માનતા નથી. પછીનો વર્ગ છે ઉત્તમ મનુષ્યનો. ઉત્તમ મનુષ્ય એ છે કે જે કેવળ ગુણ ખેંચી લે છે. આવા માણસને આ દુનિયા ભોળો માને છે પરંતુ આવા માણસોના સંપર્કમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણું પરિવર્તન થઈ જાય છે. વૈષ્ણવોની આ જ તો બહુ મોટી તાકાત છે. માધવદેવ ચોથો વર્ગ બતાવે છે, ઉત્તમોત્તમ વર્ગ. ઉત્તમોત્તમ વર્ગના માણસો એ હોય છે કે જેઓ અલ્પગુણોનો વિસ્તાર કરે છે. આ પ્રકારના માણસોનું હૃદય શીતળ હોય છે. હૃદયની શીતલતા એ મૈત્રી માટેનું સર્વોત્તમ સાધન છે. એના દ્વારા દુનિયા આખી સાથે મૈત્રી સાધી શકાય છે.

હૃદયશુદ્ધિ અને શબ્દશક્તિનું કામ ત્યારે સાર્થક થશે જ્યારે ગુણગ્રહણ થશે. બીજાના દોષ જોવા એ અત્યંત નિમ્ન ભૂમિકા છે. આ એક એવી ભૂમિકા છે જે મોટાભાગે સમાજશાસ્ત્રજ્ઞોની હોય છે કે ગુણ અને દોષ બંનેનું દર્શન હોવું જોઈએ, જ્યારે સમ્યક્ દર્શન હોય તો જ સુધાર થાય છે. સમાજશાસ્ત્રજ્ઞો જો ફક્ત દોષ જ જોયા કરશે તો તેઓ પોલીસવાળાઓની ભૂમિકાએ આવી જશે. પરંતુ સમાજ-વ્યવસ્થાપકોની પદ્ધતિ ગુણો અને દોષો બંનેનું દર્શન કરવાની છે. પરંતુ આનાથી પણ આગળ એક નૈતિક ભૂમિકા રહેલી છે. આ ભૂમિકામાં કોઈનો પણ દોષ દેખાયો તો તે દોષને એકદમ ઓછો કરીને જોશે અને કોઈનો ગુણ દેખાશે તો તે જેટલો દેખાય છે એનાથી વધુ મોટો માનશે.

પોતાના ખુદના દોષ જેટલા દેખાયા, એને એનાથી વધારે માનવું અને ગુણ જેટલા દેખાયા, એનાથી પોતાની જાતને ઓછી માનવી. – આ એક નીતિશાસ્ત્રીય પદ્ધતિ છે, જે ગાંધીજીએ આપણને શીખવાડી છે. તુલસીદાસજીએ પણ परदोष रेणुसम કહ્યું છે. મેં એક વાર ગાંધીજીને પૂછેલું કે ‘આનો સત્યનિષ્ઠા સાથે કેવી રીતે મેળ પડે ?’ તો એમણે સુંદર સમજાવ્યું કે જેવી રીતે નકશામાં એક ઈંચ લખ્યું હોય તો એના અર્થ દસ માઈલ થશે. હવે તે હશે તો એક જ ઈંચ પણ આપણે માનવું પડશે દસ માઈલ. આવી જ રીતે આ પણ છે. આપણી આંખ પણ આવી વિચિત્ર છે કે તે બીજાના નાના નાના દોષને મોટા મોટા કરીને જુએ છે અને પોતાના નાના અમથા ગુણને નાનો હોવા છતાં બહુ મોટો કરીને જુએ છે. આમ આપણે સ્કેલ બદલીને તેને અનુસાર થોડું – વધારે કરતા રહીશું તો સત્ય હાથમાં આવશે. ગાંધીજીએ આપેલ આ ઉદાહરણથી મને ઘણો આનંદ થયેલો જેને હું ક્યારે ય ભૂલ્યો નથી.

આ પછી મને એક વિચાર સૂઝ્યો કે આપણે આપણા પોતાના દોષોને પણ નાના નાના સમજવા અને બીજાના દોષોને પણ નાના નાના સમજવા. એવી રીતે પોતાના ગુણોને પણ મોટા સમજવા અને બીજાના ગુણોને પણ મોટા સમજવા. ધીરે ધીરે ગુણોને વધારતા જવા અને દોષોને ઘટાડતા જવા. આમ પોતાના અને બીજાઓમાં રહેલા ગુણોનાં ગુણગાન કરતા રહીએ. આમ બીજાના ગુણોને વધારતા રહેવું અને બીજાના દોષોને પોતાની પર આરોપિત કરી પોતાના દોષોને વધારતા રહેવું – એ મહાત્માનું લક્ષણ છે. જ્યારે બીજાના દોષ જેવા છે એવા જોવા, એ અલ્પાત્માનું લક્ષણ છે. આપણે ન તો અલ્પાત્મા છીએ કે ન તો મહાત્મા છીએ, આપણે તો આત્મા છીએ. આ ભૂમિકાએ રહીને ગુણગાન કરીશું, જે વાણી માટે ધર્મ છે.

(સંકલિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2023; પૃ. 01-03

Loading

ગેસ્ટ રૂમ 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|26 September 2023

પ્રીતમ લખલાણી

દરવાજો ખુલતાં જ ઊર્મિ ક્ષણ માટે ડઘાઈ ગઈ, ‘અરે! મહેક, તું અને આ સમયે આટલી મોડી રાત્રે મારા દ્વારે!’ આમ કહી, ક્ષણ માટે તે વિચારના વમળમાં ખોવાઈ ગઈ. ‘શું થયું હશે?’ કયા કારણસર, આટલાં વરસો બાદ તેને આ મોડી રાત્રે મારા ઘરનું બંઘ દ્વાર ખખડાવવું પડયું હશે?’ વગેરે સવાલો તેના હોઠે આવી ચડ્યા. મહેકને પૂછવા ઊર્મિ હોઠ ખોલે તે પહેલાં જ મહેકે જ ઊર્મિને પૂછી નાખ્યું, ‘શું ઊર્મિ, મને આમ બારોબાર જ કાઢી મૂકીશ કે પછી થોડીક વાર માટે ઘરમાં આવવાનું પણ નહીં કહે?’

‘Sure, come in, મહેક ખુશીથી અંદર આવ, અને નિરાંતે બેસ.’

આટલી મોડી રાત્રે, અચાનક આમ અણધાર્યુ ઘરે કોનું આગમન થયું હશે! તે જાણવા ઉપર પોતાના બેડરૂમમાં નિરાંતે કૉલેજના હોમવર્કમાં ડૂબેલા આકાશ અને ચિરાગ પુસ્તકો બંઘ કરી સડસડાટ દાદરા ઉતરી લીવિંગ રૂમમાં આવી પહોંચ્યા!

કાઊચમાં બેઠેલા મહેકે આંખેથી ચશ્માં ઉતાર્યાં, પળ માટે આશ્ચર્યમાં ડૂબી ગયો. ‘અરે! બંને બાળકો કેવડા મોટાં થઈ ગયાં.’ મનોમન હરખાતાં, ખુશાલી વ્યકત કરવા તેનાથી બાળકોને પુછાઈ જવાયું, ‘Hi Kids, How are you?’

‘You are shut up, and get out from our’s House!’

‘Please, આકાશ, Comedown!’

અને ત્યાં જ ચિરાગ, બરાડી ઊઠ્યો, “મામ્મ, તમને હજી આ માણસ પ્રત્યે કેમ આટલી  લાગણી-હમદર્દી છે? અરે! તમે આ નફટ માણસને ઘરમાં જ કેમ આવવા દીઘો!’

‘બેટા, જરા ધીરજ રાખ.’

‘મામ્મ, મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે, તમે આટલી જલદી, બાર વરસ પહેલાંની તે મેઘલી રાત ભૂલી જશો! આ એ જ વ્યકિત છે જે આવતીકાલે આપણું શું થશે એનો કોઈ વિચાર કર્યા વગર આપણી જીવનનૌકાને એક તોફાની રાત્રે મઝ ધારે મૂકી ચાલી નીકળ્યો હતો.’

‘મામ્મ, તમને એ રાત બરોબર યાદ હશે, બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. પવન પોતાનું અસલીરૂપ બતાવતો ગાંડોતુર થઈ સિત્તેર એંસી માઈલની સ્પીડમાં ચૉમેર ફૂંકાઈ રહ્યો હતો. આકાશ ચારેબાજુથી વીજળીના ધૂમધડાકાથી ગરજતું હતું, આવા વખતે, આપણે ત્રણે જણા એકમેકને વળગીને, આ માણસની રાહ જોતાં, સાંજના છ વાગ્યાથી રાતના સાડા અગિયાર વાગ્યા લગી ડાઈનિંગ ટેબલ પર ભૂખ્યા બેઠાં હતાં. અચાનક આપણા ફોનની ઘંટડી રણકી ઊઠી. તમે ઘ્રુજતા હાથે ફોન ઉપાડયો. ફોન ઉપાડતાં પહેલાં તમારા મન પર એકાદ ક્ષણ માટે કેવા ભયંકર વિચારો ફરી વળ્યા હશે તે વિશે હું અત્યારે વિચારું છું તો મારું હૃદય ધ્રૂજી ઊઠે છે.’

‘મામ્મ, આ એ જ ડૉકટર છે, જેણે તમને એક લોફરની જેમ બેફિકરથી ખુલ્લા શબ્દોમાં કહી દીઘું હતું કે, ‘ઊર્મિ, આપણે કયારેક પતિપત્ની હતાં, તે તું એક સ્વપ્ન હતું એમ સમજજે. આપણે આ ભવે કયારે ય એકમેકને મળ્યા જ ન હતાં. એમ માની તું મને ભૂલી જાજે. આ ઘર અને આ બે બાળકો તને સોંપી હું મારી નર્સ ડાયેના સાથે નવેસરથી ઘરસંસાર માંડું છું. મને ખાતરી છે. તને કયારે ય મારી પાસેથી બે-પાંચ ડોલરની કોઈ આશા ભૂતકાળમાં પણ ન હતી અને ભવિષ્યમાં પણ નહીં હોય. તું પણ એક શકિતશાળી વ્યકિતની જેમ પોતાના પગ પર ઊભી રહી શકે એવી કાબેલ ડૉકટર છે. હવે મારે તને આથી વિશેષ ખાસ કંઈ કહેવાનું રહેતું નથી. થોડા દિવસ બાદ તને, મારા વકીલ તરફથી આપણા ડિવોર્સ પેપર મળશે. મને આશા છે તું મને તારા જીવનથી રાજી ખુશીથી છૂટો કરી, મને એક નવી ડગર તરફ ડગ માંડવા છૂટો કરીશ, અને પછી Good Luck,કહી એને ફોન મૂકી દીઘો કેમ ખરુંને?’

‘Sorry, ચિરાગ, મારી એ બહુ જ મોટી ભૂલ હતી. આજ મને મારી ભૂલ સમજાઈ છે. બસ, આજ તેનું પ્રાયશ્ચિત કરવા માટે જ આટલી મોડી રાતે આવ્યો છું.’ આટલું કહેતાં, મહેકનું માથું શરમથી ઝૂકી ગયું.

‘What, Sorry! અને એ પણ લગભગ પૂરાં બાર વર્ષ બાદ, અરે! જે ઉંમર અમારા નાના હાથને, તમારા હાથની જરૂર હતી ત્યારે તમે અમારા ભાવિનો કોઈ વિચાર કર્યા વગર અમને અંઘકારને દરિયે એકલા મૂકીને ચાલ્યા ગયા. આ વીતેલાં, બાર વર્ષમાં અમે તમને કયારે ય યાદ ન આવ્યાં, અને આજે અચાનક તમને અમારા પ્રત્યે આટલો બધો પ્રેમ કયાંથી ઊભરાઈ ગયો? તમને તો સ્વપ્ને ય ખબર નહીં હોય કે વીતેલાં દસ વર્ષમાં અમારો પ્રત્યેક દિવસ કેમ વીત્યો હશે? તમે, ફુરસદે, આ વાત પર વિચારવાને બદલે જરા કલ્પના તો કરી જોજો. અરે! તમે ઘરમાં બેઠા હશો અને તમને ઘર યાદ આવશે? બસ, તમે કાન ખોલીને સાંભળી લ્યો, આજે અમે તમારા સહારા વિના ચાલતાં તો શું, પણ દોડતાં શીખી ગયા છીએ. હવે અમને તમારી ટેકણ લાકડીની કે કોઈ હમદર્દીની જરૂર નથી!, અને ભવિષ્યમાં પણ અમને તમારી કોઈ જરૂર નહીં પડે! આથી વિશેશ હું તમને કશું કહેવા માગતો નથી. તમે જે દરવાજેથી આવ્યા છો ત્યાંથી જ પાછા ચાલ્યા જાવ.’

‘ઊર્મિ, ચિરાગ અને આકાશને શાંત પાડતાં બોલી, ‘દીકરા, તમે મને તો નિરાંતે મહેક જોડે થોડીક વાત કરવા દો! તમે જરા શાંત થઈ, જરા ઘીરજ રાખો. દીકરા, ઈશ્વરની ઈચ્છા હોય છે તે પ્રમાણે જ હંમેશાં થતું આવ્યું છે. તેમની ઈચ્છા પાસે આપણું શું ચાલે! આપણા ભાગ્યમાં આપણે જેટલું દુઃખ ભોગવવાનું હતું તે ભોગવ્યા સિવાય કોઈ છૂટકો જ ન હતો! માની લ્યો દીકરા, કદાચ આપણા કર્મનું જ આ એક ફળ હશે? પછી રડીને કે હસીને, આપણને ભાગ્યમાં મળેલી ક્ષણને આપણે ભોગવવી જ પડે, જાઓ બેટા, તમે બંને ઉપર જઈ, મન પરથી આ ખોટી ચિંતા દૂર કરીને તમે તમારા હોમવર્કમાં ઘ્યાન આપો. મને નિરાંતે મહેક જોડે થોડીવાતો કરવા દો. વરસો બાદ આજ આટલી મોડી રાતે, તે મારા ઘરનો દરવાજો શોધતો આવ્યો છે?’

**********************

‘મહેક, આટલી મોડી રાત્રે, આમ કોઈ ફોન કે કોઈ જાણ કર્યા વગર, તારે મારો દરવાજો ખખડાવો પડ્યો. કોઈ કારણ? જો તને યોગ્ય લાગે તો જ મને કહે! આ તો તારી અંગત બાબત છે. મારે તને આ સવાલ ન પૂછવો જોઈએ, છતાં અકારણે પૂછાઈ જવાયું?’

‘ઊર્મિ, તને શું કહું? અત્યારે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું. તુ માનીશ હું કશું વિચારી પણ શકતો નથી! હું તો પાગલ થઈ ગયો છું! મને કંઈ ખબર પડતી નથી. મારી જીવનકથાની વ્યથા હું કયાંથી શરૂ કરું! જે વાત કરવાને મને આજે તારા સિવાય કોઈ વિશેષ યોગ્ય પાત્ર ન જણાતાં, આટલી મોડી રાત્રે, મુઠ્ઠી એક આશા સાથે તારે દ્વારે આવ્યો છું.’

‘ઊર્મિ, Please, forgive me, I am very sorry! હું મારાં કર્યાં પર આજે ઘણો પસ્તાઉં છું. મહેરબાની કરીને તું બઘું ભૂલીને માફ કરી દે.’ આંખે આવેલાં જળજળિયાં લૂંછતાં મહેકે વાતની શરૂઆત કરી.

‘જે મેઘલી વરસતી રાતે, હું તને તેમ જ બંને બાળકોને ઈશ્વરને ભરોસે મૂકી, મારી રૂપવતી નર્સ ડાયેના સાથે ચાલી નીકળ્યો હતો, તે જ ડાયેનાએ, આજથી બે અઠવાડિયાં પહેલાં મને ડિવોર્સ આપી, મારા જ ગ્રુપમાં પ્રેક્ટિસ કરતાં એક વૃદ્ધ ડૉકટર વિલિયમ સ્મિથ જોડે લગ્ન કરી લીધાં. બંને મારે સહારે મૂકી, તે તેની જોડે કાયમ માટે શિકાગો ચાલી ગઈ છે.’

‘ઊર્મિ, આ મારી બાજુમાં શાંત ચિત્તે બેઠો છે તે ડેવિડ છે અને આ જે મારો ખોળો છોડવા રાજી નથી તે ક્રિસ છે. ડેવિડ સાત વર્ષનો છે અને આ ક્રિસે ગયા માર્ચમાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે.’

ઊર્મિએ, બંને બાળકોને પોતાની પાસે બોલાવી વહાલથી બંનેના ગાલે તેમ જ કપાળે હેતભરી ચુમ્મી આપી. હ્રદય સરખા ચાંપી, આકાશ અને ચિરાગને સાદ પાડી લિવિંગ રૂમમાં બોલાવ્યા.

‘બેટા, આ છે ડેવિડ અને આ છે ક્રિસ. તમે તેને ઉપર લઈ જાવ. ઊર્મિના બોલ સામે કશો, વિરોધ કે અણગમો પ્રગટ કર્યા વગર બંને બાળકોને રૂમ દેખાડવા ઉપર આકાશ અને ચિરાગ પોતાની સાથે લઈ ગયા.

*************************

‘મહેક, તેં કંઈ ખાધું પીધું કે નહીં, કે પછી ભૂખ્યો જ આવી ચડયો છે આટલી મોડી સાંજે.’

‘ભૂખ તો થોડીક લાગી છે, પણ ઊર્મિ, તારે કોઈ માથાઝીંક કરવાની જરૂર નથી. ફ્રીઝમાં દૂઘ તો હશે જ ને?  તો પછી બે ગ્લાસ દૂઘના પીઈને આરામથી સૂઈ જઈશ.’

‘અરે, એમ કંઈ ખાધાપીધા વગર ખાલી દૂઘ પીઈને કંઈ થોડું સૂઈ જવાય છે. હું હમણાં જ પુરીને બટેટાની સુક્કી ભાજી તારે માટે બનાવી નાખું છું. પુરીશાક બનાવતાં કેટલી વાર? બસ, તું હાથપગ મોં ધોઈશ ત્યાં લગીમાં તો તૈયાર પણ થઈ જશે. વળી બાળકો પણ ભૂખ્યાં થયાં હશે!’

‘તું ક્રિસ અને ડેવિડની ચિંતા જરા ય ન કરીશ એ બંનેને મેં મેકડોનાલ્ડમાં ડિનર ખવડાવી દીઘું છે અને મેં પણ તેમની સાથે એપલ પાઈ ખાઘી છે.’

‘ઠીક છે, મહેક તું ઉપર જઈને તારાં કપડાં બદલી આવ. તું જે દિવસે અહીંથી ગયો છે, તે પછી તારા કલોઝેટને કોઈ અડકયું પણ નથી. તેં જે રીતે મૂકયો હતો તેવો જ અમે ફકત મારા બેડરૂમમાંથી ગેસ્ટ રુમમાં શિફટ કરીને ગોઠવી દીઘો છે. તારો નાઈટ ડ્રેસ ગેસ્ટ રૂમના કલોઝેટમાં હેંગર પર લટકી રહ્યો છે. તારી રાહ જોતો!’

દસ વર્ષ બાદ આજે નિરાંતે ઊર્મિના હાથનું સ્વાદિષ્ટ ભારતીય ભોજન ડાઈનિંગ ટેબલ પર લેતાં, મહેક ભસ્મીભૂત થયેલા ઘરને ભૂતકાળના ખડેરમાંથી સ્મૃતિને વીણીવીણીને ઈંટો ભેગી કરી, ફરી તૂટેલફૂટેલ ઘરને બનાવવા માંડયો.

‘Sorry, ઊર્મિ, હું તને અને બંને બાળકોને એકલાં નિરાઘાર મૂકી, ડાયેનાના રૂપ પાછળ કેમ પાગલ થઈ ગયો? આજે હું એ વીતેલા ભૂતકાળ પર વિચારી પણ શકતો નથી. એ મેઘલી રાતને યાદ કરું છું તો મારું હ્રદય ફફડી ઊઠે છે.’

‘મહેક, હવે એ બઘી ભૂતકાળની કબરો ખોદી, મુડદા ઉખાડવાથી શું મળવાનું છે? ચાલ આપણે એમ માની લઈએ કે વીતેલો કાળ એક ગોઝારું સ્વપ્ન હતું. આપણા કર્મનું કોઈ ફળ હશે કે જે આપણે આ ભવે ભોગવવું પડ્યું. ખેર! તું એ બઘું ભૂલી જા. મારે માટે તો દિવસનો ભૂલ્યો સાંજે ઘરે પાછો ફર્યો છે એ જ વિશેશ મહત્ત્વનું છે. તું જ મને કહે કે આજે તને મારા હાથની જરૂર છે. ત્યારે હું તને કંઈ રીતે તરછોડી દઉં?’

‘ખેર, તું ક્રિસ અને ડેવિડની જરા ય ચિંતા ન કરીશ. જયાં સુઘી આ ખોળિયામાં જીવ છે, ત્યાં લગી તેમને હું મારા આકાશ અને ચિરાગની જેમ પોતાના સમજીને, એક માનો પ્રેમ આપીશ. લગભગ અત્યારે રાત્રિના સાડાબાર થવા આવ્યા છે. હમણાં ઑફિસમાં બહુ જ કામ રહે છે. ઑફિસમાં મારો પાર્ટનર ડૉ. પંકજ રાણા વેકેશન પર છે. ચાલ ત્યારે હું સૂવા જાઉં છું.

***********************

ઊર્મિએ નાઈટ ડ્રેસ બદલી, ડીમ લાઈટ કરી. નિરાંતનો શ્વાસ લેતી બેડ પર પડી ત્યાં જ મહેકે બેડરૂમ પર ટકોરો માર્યો. ઊર્મિએ નાઈટ ડ્રેસ પર બાજુમાં પડેલો ગાઉન ચડાવી. દરવાજો ખોલ્યો. મહેકે, વરસો જૂની આદત મુજબ, ઘીમેથી ઊર્મિના ખભા પર હાથ મૂકતાં બોલ્યો, May I coming, Honey!’

હળવેકથી મહેકના હાથને, ખભા પરથી હટાવતાં, ઊર્મિએ કહ્યું, ‘ડૉ. મહેક મહેતા, બેડરૂમના રૂપાળા સંબંઘ તો આપણા, જે દિવસે તું મને તેમ જ બાળકોને ઈશ્વરના ભરોસે મૂકી ડાયેના સાથે ચાલ્યો ગયો હતો તે ક્ષણે જ પૂર્ણ થઈ ગયા હતા.

‘આ બેડરૂમ ડૉ. મહેક, હવે આપણો નહીં પણ ફકત મારો છે! બાળકોની સામે મારે તને કશું કહેવું ન હતું એટલે હું મૌનમાં રહી, મહેક, તું જરા ઘ્યાનથી સાંભળી લે. એકવાર સ્ત્રીનાં હ્રદયનું દ્વાર તેના પ્રિયજન માટે બંઘ થાય છે તે પછી કયારે ય પાછું ઉઘડતું નથી. ભલે પછી એ પ્રિયજન ઈશ્વર હોય તો પણ શું? હવે તારું સ્થાન મારા હ્રદયમાં અને આ ઘરમાં ફકત એક ગેસ્ટથી વિશેષ કંઈ નથી. હું મારો બેડરૂમ કયારે ય મારા ગેસ્ટ સાથે વાપરી ન શકું.

આ પ્રમાણે કહી, ઊર્મિએ મહેકના હાથમાં તકિયો ને એક બ્લેંકેટ પકડાવી ગેસ્ટરૂમમાં જવા ઈશારો કરી દીઘો.

*******************************                                                           

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...974975976977...9809901,000...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved