Opinion Magazine
Number of visits: 9560763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઍનકાઉન્ટર

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|15 September 2023

પ્રીતમ લખલાણી

કાજલે ટી.વી. બંઘ કરી કૉફી ટેબલ પર આજે બપોરે ટપાલમાં આવેલ “ટાઈમ્સ” સામાયિકના એકાદ બે પાનાં પર નજર ફેરવી ન ફેરવી ત્યાં જ કાજલના ઘરનો ફોન રણકી ઊઠ્યો.

તેને મનમાં ઘ્રાસકો પડ્યો, ‘હે ભગવાન, કોઈ ઈમરજન્સી ન હોય તો સારું, નહીંતર હમણાં જ કિલનિક પર દોડવું પડશે. આ વિચાર સાથે તેણે ફોનનું રિસીવર ઉપાડયું, ‘હેલો!’

‘ડૉ. કાજલબહેન, હું પાર્વતીબાઈ બોલું છું. બહેન, હું તમારી પરિસ્થિતિ બહુ જ સારી રીતે સમજી શકું છું. તમે ડૉકટર લોકો કેટલા બઘા કામમાં વ્યસ્ત હો છો, તેની મને કયાં ખબર નથી! કાજલબહેન, હું તમને શું કહું? મારે માથે તો દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે! એટલે જ મારે તમને આટલી મોડી સાંજે અગિયાર વાગ્યે ફોન કરવો પડયો છે!’

‘ખોટા બાનાં બનાવવાને બદલે પાર્વતીબહેન સાચીસાચી વાત કરી દો કે હું કાલે સવારે કામે આવવાની નથી.’

‘બહેન, હું તમારી મજબૂરી બહુ સારી રીતે સમજી શકું છું. પણ મારે તમને ફોન પર મારી વ્યથાની કથા સમજાવવી. મારે તમારું ખાસ એક અગત્યનું કામ પડ્યું છે. અત્યારે, તમે અને ઈશ્વર, ફકત એવી બે જ વ્યકિત છો કે મને મારા દુઃખમાં મદદ કરી શકો તેમ છો.’

‘ચાલો, ખોટાં નખરાં અને બહાનાં બનાવ્યા વગર તમારે મને જે કંઈ કહેવું હોય તે સાફ શબ્દોમાં કહી દો. બસ, કાલે સવારે હું કિલનિક પર જઉં તે પહેલાં ઘરે કામ પર આવી જજો.’

‘કાજલબહેન, હું તમને અ ત્યારે ફોન પાંચાલાલ કરિયાણાવાળાની દુકાનેથી કરી રહી છું. બાજુમાં મારી દીકરી સુશીલા પણ ઊભી છે.’ પછી બહુ જ ઘીમા અવાજે તેના ખુદના કાન પણ ન સાંભળી શકે તેમ તેને ફરી વાતની શરૂઆત કરી. ‘મારી દીકરીની તબિયત છેલ્લા ચાર-પાંચ દિવસથી બહુ જ ખરાબ છે. તેની તબિયત બાબતની બઘી વાત મારાથી તમને ફોન પર કરી શકાય તેમ નથી. તમે આટલામાં સમજી જશો. તમે જો સુશીલાને અત્યારે તપાસીને દવા આપો તો હું હમણાં જ રિક્ષા પકડીને તમારે બંગલે આવી જઉં છું.’

‘બહેન, સુશીલાને પેટમાં સખત દુઃખાવો ઊપડ્યો છે. ઊલટી જેવું પણ આજ સવારથી થાય છે.’

‘પાર્વતીબહેન, મને લાગે છે સુશીલાને કદાચ ખાવામાં કંઈ આવી ગયું હશે! કિલનિક પર ફાર્મસિસ્ટને ફોન કરીને હમણાં જણાવી દઉં છું. તે તમને સુશીલા માટે દવા આપશે. સવાર સુઘીમાં તબિયતમાં ઘણો ફરક પડી જશે. એમ છતાં જો ફરક ન પડે તો તમે મને કિલનિક પર ફોન કરીને જણાવજો.’

‘કાજલબહેન, તમને વઘારે હું શું કહું? ઈશ્વરને ખાતર જો તમે સુશીલાને અત્યારે તપાસીને દવા આપી શકો તો હું તમારી જન્મોજન્મ ઋણી રહીશ.’

‘પાર્વતીબહેન, તમે એમ કરો, આવતીકાલે સવારે સુશીલાને કિલનિક પર લઈ આવજો. હું તેને ઈમરજન્શી કેસમાં તપાસી દઈશ.’

‘કાજલબહેન, સુશીલાને કિલનિક પર લઈને તમારી પાસે બતાવવા આવવામાં મારી હિંમત ચાલતી નથી. તમારા કિલનિક પર બહેન મને કોણ ઓળખતું નથી? બસ, બહેન હવે તમે આટલામાં સમજી જાવ તો તમારો આભાર. જો તમે હા પાડો તો હું હમણાં જ આ ઘડીએ તમારા બંગલે મા-દીકરી રિક્ષા પકડીને આવી જઈએ.’

‘ઠીક છે. તમે હવે ખોટો સમય ન બગાડશો, બસ તમે મારે બંગલે આવી જાવ. હું સખત થાકેલ છું. આંખો પણ ઘેરાણી છે. જો તમે જરાક પણ મોડું કરશો તો હું ગમે તે ઘડીએ નિદ્રાદેવીના ખોળે માથું ઢાળી દઈશ.’

‘હા, બહેન તમે ફોન નહીં મૂકો ત્યાં જ અમે મા-દીકરી તમારે બંગલે આવી પહોંચશું.’

•••

ડૉ. કાજલે પોતાના બેડરૂમમાંથી બહાર આવી સુશીલાને દીવાનખાનામાં પડેલ એક ખાલી ખુરસીમાં નિરાંતે બેસવાનું જણાવી હાથના ગ્લોઝ કચરાની ટોપલીમાં નાખી. સીંકમાં હાથ ઘોઈ પાર્વતીબહેનની બાજુમાં પડેલ ખાલી ખુરસીમાં બેઠક લેતાં જણાવ્યું, ‘પાર્વતીબહેન, મારે તમને બહુ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે તમારી દીકરી સુશીલા મા બનવાની છે. તેના પેટમાં છથી સાત અઠવાડિયાનો ગર્ભ હોય એવું મને જણાય છે. વઘારે વિગતો તો હું તમને લોહી, પેશાબનો  રિપોર્ટ જોયા બાદ જ જણાવી શકું.’ પછી સુશીલા તરફ જોઈને કહ્યું, ‘તું જરા ય ચિંતા ન કરીશ બસ નિરાંતે ભણવામાં ઘ્યાન રાખીને ભણવા માંડ. શાળાનું છેલ્લું વર્ષ જીવનઘડતર માટે બહુ જ મહત્ત્વનું હોય છે. જા, તું મારા બેડરૂમમાં જઈને થોડો આરામ કર. મારે તારી બા સાથે થોડીક અંગત વાતો કરવી છે.’

સુશીલા ડૉ. કાજલના બેડરૂમમાં આરામ માટે ગઈ. એક ડૉકટર તેમ જ પોતાની અંગત કામવાળી હોવાને નાતે જરા ઠપકો આપતાં ડૉ. કાજલે પાર્વતીબહેનને કહ્યું, ‘તમે આખો દહાડો ઘર ઘરના કામો ભલે કર્યે રાખો, પણ જરા થોડો સમય કાઢીને ઘરમાં પણ ઘ્યાન આપતાં જાવ. તમને ખબર પડે છે, તમારી સુશીલાની ઉંમર શું છે? શું આ ઉંમર મા બનવાની છે કે પછી રમવા-કૂદવાની? આ નાદાન છોકરીનો પગ આ કુમળી વયે કેવા કૂંડાળામાં પડી ગયો છે? મને તેનું અત્યંત દુઃખ થાય છે. જો તમારી અને સુશીલાની મરજી હોય તો અને જો તમને કોઈ વાંઘો ન હોય તો આપણે તેને આ નરકમાંથી જેમ બને તેમ વહેલામાં વહેલી તકે મુકત કરી, જાણે તેના જીવનમાં કશું બન્યું જ નથી તેમ હસતાં હસતાં ખુશીના દિવસો કાઢતી, પાછી ભણવા માટે નિશાળે જવા માંડશે! બસ તમે બને તો કામમાંથી થોડો સમય કાઢી હવે પછી ઘરમાં પણ થોડું ઘ્યાન આપતાં રહેજો. આથી વિશેષ વઘારે હું તમને શું ક્હી શકું!’

‘બહેન, ઘરમાં તો ઘ્યાન કયાંથી આપું? તમે મારી જિંદગીથી ક્યાં પરિચિત નથી? મારો વર, દિવસ આખો દારુ પીને મૂવો ગામની ગટરમાં પડયો રહે છે. ઘરે આવે તો ઘરમાં તોડફોડ કરે. મને અને છોકરીને કારણ વગર દારુના પૈસા માટે મારે. કોને કહું? ઈશ્વરે પેટે એક દીકરો દીઘો છે તે પણ બાપને રવાડે ચઢી ગયો છે. દિવસ આખો ગામના ચારપાંચ ઘરમાં ઝાડુપોતાં કરું છું ત્યારે અમારા ઘરનો ચૂલો બે વખત સળગે છે બાકી અમારા દેવીપૂજકમાં આવા દારુડિયાની ગાળો અને લાતો ખાઈએ. હું તો ખાનદાન બાપની દીકરી છું એટલે મૂઆનું ઘર સંભાળીને બેઠી છું અને આ દીકરીને ભણાવીને મોટી કરી રહી છું. બિચારીને કયાંક સારું ઘર મળી જાય તો ભવિષ્યમાં મારી જેમ હેરાન ન થાય.’

‘પાર્વતીબહેન, મને ખબર પડતી નથી તમારી આ હરણી જેવી ભોળીભટાક દીકરી પર આવો જુલ્મ કોણે કર્યો હશે?’

બહેન, કોને વાત કરું? અને કોને દોષ દઉં? આ તો અમારા કરમ ફૂટ્યાં કોના પાપની સજા હું અને મારી આ નાદાન દીકરી ભોગવી રહ્યાં છીએ?’

‘અરે! હોતાં હશે! આમ બે હાથ જોડીને કયાં લગી લાચાર મને અન્યાય સામે ઈશ્વરને વિનંતી કરતા બેઠાં રહીશું? બસ તમે મને એક વાર વિગતવાર બઘી વાત જણાવી દો, પછી આટલી જ વાર છે. તમારી દીકરી પર જે રાક્ષસે આવો ભયંકર જુલમ ગુજાર્યો તેને સીઘે પાટે ચઢાવતાં મને આવડે છે.’

‘બહેન, જો તમારી દવા કે પછી નાનામોટા ઑપરેશનથી વાતનો ફેંસલો આવી જતો હોય તો મારે વાતને ચોળીને ચીકણી નથી કરવી. જ્યાં વાડ જ ચીભડાં ગળી જતી હોય તેની ફરિયાદ આપને કોને જઈને કરીએ?’

‘પાર્વતીબહેન, તમે બિલકુલ ચિંતા ન કરો, તમારી નાદાન દીકરી પર જેણે આવો ભયંકર અત્યાચાર કર્યો છે તે વ્યકિત ગમે તેવી મોટી હોય કે પછી કોઈ મોટી વગવાળી હોય, તે નાયાલાયકને સીઘોદોર કરવો આ ડૉકટર કાજલ મહેતાના ડાબા હાથનો ખેલ છે. તમે સમજયાં? અને જો ન સમજયાં હો તો હું તમને સમજાવી દઉં છું કે મારી સગાઈ જેમની સાથે થઈ છે તે આઈ.એસ.પી. ઑફિસર પોલિસ સુપરિન્ટેડેન્ટ સંજય વર્માની બદલી છેલ્લા આઠેક મહિનાથી આપણા ગામમાં થઈ છે. ભલે આઝાદીના સાત દાયકામાં દેશમાં જોઈએ એટલી પ્રગતિ કયાં ય ન થઈ હોય પણ આપણા ગામમાં ચોરલૂંટારા અને આવાં લફંગાં કામ કરનારાને સંજય વર્માએ પિસ્તોલની ધાકે લાઈન પર લાવી દીઘા છે. પાર્વતીબહેન, સંજયના વખાણ હું તમને વઘારે મારે મોઢે શું કરું? તમે તો ગામનાં છાપાં અને ટી.વી.ના માઘ્યમ દ્વારા જાણ્યું જ હશે કે ગામમાં વરસોથી અડ્ડો જમાવી બેઠેલા ચારપાંચ ‘ભાઈ’ લોકોના તો તેણે ઍનકાઉન્ટર કરાવી નાંખ્યાં છે. બસ તમે બેફીકર રહો અને મને જલદીથી તે સુવ્વરના બચ્ચાનું એક વાર નામ-ઠેકાણું જણાવી દો પછી તમે જોજો બીજી જ ક્ષણે સંજય વર્માની જીપ તેને હાથકડી પહેરાવવા તેના દરવાજે જઈ પહોંચશે! ભલે તે હરામજાદો કેમ કોઈ પ્રધાન કે ઘારાસભ્યનો દીકરો ન હોય?’

‘બહેન, જવા દો ને. મારે કારણ વગર બદનામીને નોતરવી નથી. જો તમારી દવાથી કે પછી કોઈ બીજા ઈલાજથી મારી સુશીલા આ પાપમાંથી મુકત થઈ જતી હોય તો, આપણે જંગ નાહ્યા. શું સમજ્યા! ઈશ્વર, આવા લોહીપીતા વરુને સદ્દબુદ્ધિ આપે. ભવિષ્યમાં મારા જેવી કમનસીબની દીકરીની ફરી આવી દુર્દશા ન કરે. મારે તેની સામે કોઈ સરકારી પગલાં ભરવાં નથી! કારણ વિના અમારે છાપાં કે ટી.વી.ના સમાચારનું મથાળું બનવું નથી. નહીંતર તમને આટલી મોડી રાત્રે હેરાન કરવાને બદલે કાલે સવારે મારી દીકરીને તમારા કિલનિક પર જ ન લઈ આવત!’

‘પાર્વતીબહેન, તમે કારણ વિના ગભરાઓ છો. તમે તમારી ચિંતા બઘી મારા પર છોડી દો. બસ તમે મને એક વાર બઘી હકીકત વિગતવાર જણાવી દો. તમારી સુશીલા તો સગીર છે. તેની ઉંમર ફકત સોળ-સત્તર વર્ષની છે. છાપાં કે ટી.વી.ના સમાચારમાં આ સમાચાર આવવાની કોઈ શકયતા જ નથી. બઘી વાત મારી અને તમારી વચ્ચે જ રહેશે. તમે મહેરબાની કરીને મને એ નાલાયકનું નામ ઠેકાણું જણાવો. મને તો સંજયને કહીને સાલાનું ઍનકાઉન્ટર કરાવી નાંખવાનું મન થાય છે. જેથી કરીને ભવિષ્યમાં શહેરના બીજા હરામીઓ આવું પગલું ભરતાં સો વાર વિચાર કરે.’

‘કાજલબહેન, તમે મને મોઢામાં આંગળા નાંખીને બોલાવો છો. મારે ન છૂટકે તમને કહેવું પડે છે કે, બહેન મારી સગીર દીકરી પર જેણે આ જુલમ કર્યો છે તેનું, તમારે આઈ.એસ.પી. સંજય વર્માને કહીને ઍનકાઉન્ટર કરાવી નાખવું છે. કેમ ખરું ને? પણ બહેન જો આ નાના મોઢે મોટી વાત થઈ જાય તો મને માફ કરી દેશો. લ્યો, ત્યારે સાંભળો હ્રદય પર પથ્થર મૂકીને તમને વાત કરી રહી છું. મારી ગાય જેવી દીકરી પર જુલ્મ કરનાર બીજા કોઈ નહીં પણ તમારા ભાવિ પતિ આઈ.એસ.પી. સંજય વર્માનું પાપ છે. હવે તમે જ કહો મારે આ ફરિયાદ કઈ કચેરીમાં જઈને કરવી.’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

માંદા પડવું મોંઘુ છે, તે ગરીબને વધુ ગરીબ બનાવે છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 September 2023

ચંદુ મહેરિયા

ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના કવિ ઇન્દુલાલ ગાંધી(૧૯૧૧-૧૯૮૬)ની જાણીતી રચના ’આંધળી માનો કાગળ’માં, નિર્ધન આંધળાં મા પાંચ વરસથી મુંબઈમાં પેટિયું રળી ખાતા દીકરાને પત્ર લખાવે છે, તેનું કરુણ આલેખન છે. પત્રમાં મા પુત્રને તે સાજો નરવો રહે અને માંદો ના પડે તેની કાળજી રાખવા જણાવે છે. કેમ કે જો તે બીમાર પડશે તો, “દવા દારુના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ”ની માને ફિકર છે. આજે પણ ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે માંદા પડવું મોંઘુ છે. માંદગીમાંથી બેઠા થવા તેમને કાં તો વધુ ગરીબ બનવું પડે છે કાં તો મરવું પડે છે. એક અંદાજ મુજબ દેશમાં દર વરસે આશરે છ કરોડ લોકો દવા-દારુના દોકડા માટે દેવાદાર બની ગરીબીની વધુ ઊંડી ગર્તામાં ધકેલાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ ૨૦૨૧માં દેશમાં થયેલી આત્મહત્યાઓનું બીજું મોટું કારણ બીમારી હતું. ગયા વરસે ૩૦,૪૪૬ લોકોએ બીમારીથી કંટાળીને, એટલે સાજા થવાની આશા ના હોવાથી કે તે માટેનો ખર્ચ પરવડે તેમ ના હોવાથી, આત્મહત્યા કરી હતી.

હાલની અસહ્ય લાગતી મોંઘવારીનો દર સાત ટકા છે. પરંતુ દવા અને સારવારનો ખર્ચ તેનાથી બમણો, ચૌદ ટકા, જેટલો મોંઘો છે. આ વરસના એપ્રિલથી સરકારે દવાઓના ભાવમાં દસ ટકાનો વધારો કરી આપ્યો છે. તેને કારણે શરદી-તાવથી માંડીને હ્રદયરોગ સહિતની આઠસો દવાઓ મોંઘી થઈ છે. છેલ્લાં પાંચ વરસોમાં  હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ બે ગણો વધી ગયો છે. હોસ્પિટલમાં ડોકટરના કન્સલટેશન ચાર્જમાં ૪.૫ ટકા, દાખલ ફીમાં ૫.૯ ટકા અને મેડિકલ તપાસના દરમાં ૬.૨ ટકાનો વધારો થયો છે. આ વધારાએ આર્થિક રીતે નબળા લોકોની કમર ભાંગી નાંખી છે.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દવાઓની કિંમતમાં વધારો-ઘટાડો કરી શકે છે. સરકારી નિયંત્રણની દૃષ્ટિએ બે પ્રકારની દવાઓ હોય છે : શેડ્યુલ અને નોનશેડ્યુલ. પેઈન કિલર, પેરાસિટામોલ અને એન્ટીબાયોટિક વગેરે દવાઓ શેડ્યુલ ડ્રગ્સ ગણાય છે. આ દવાઓ આવશ્યક દવાઓ છે અને તેની કિંમત પર સરકારનું સીધું નિયંત્રણ છે. આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ૮૭૫ દવાઓ સામેલ છે. દવા ઉદ્યોગની ત્રીસ ટકા દવાઓના ભાવ સરકારના નિયંત્રણમાં છે. છેલ્લાં ત્રણ-ચાર વરસોમાં આ દવાઓના ભાવમાં પંદરથી વીસ ટકાની વૃદ્ધિ થઈ છે.

નોનશેડ્યુલ દવાઓ સરકારના સીધા નિયંત્રણમાં નથી. તેની કિંમતમાં વાર્ષિક દસ ટકાના વધારાની જોગવાઈ છે. એન.પી.પી.એ. જથ્થાબંધ ભાવાંક મૂલ્યના આધારે શેડ્યુલ દવાઓની કિંમતમાં વધારાની દરખાસ્ત કરે છે. ભારત સરકારની મંજૂરી પછી તે અમલી બને છે. ગયા વરસે ભારત સરકારે ૧૦.૭ ટકા વધારાની દરખાસ્તને ઘટાડીને દસ ટકા કરતાં હવે તે દવાઓ ૧લી એપ્રિલ ૨૦૨૩થી બાર ટકા વધુ કિંમતે વેચાય છે. નોનશેડ્યુલ દવાઓની કિંમત માંગ અને પુરવઠાના નિયમ આધારે નક્કી થાય છે. ૨૦૧૯માં આવશ્યક દવાઓની કિંમતમાં ૨ ટકા, ૨૦૨૦માં ૦.૫ ટકા અને ૨૦૨૨માં ૧૦ ટકાનો આકરો ભાવવધારો થયો છે.

જેનેરિક દવાઓનું કોઈ બ્રાન્ડ નેમ હોતું નથી. આ દવાઓની અસર બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે, પરંતુ તેનો કોઈ પ્રચાર-પ્રસારનો ખર્ચ ન હોઈ જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓથી આશરે વીસ ટકા જેટલી સસ્તી હોય છે. સરકારના જન ઔષધિ કેન્દ્રો પર તેનું વેચાણ થાય છે. પરંતુ દવા બજારના ઈજારાને કારણે ડોકટરો જેનેરિક દવાની ભલામણ કરતા નથી. તાજેતરમાં સરકારે તે માટે ફરજ પાડી હતી પણ પછી તેણે પારોઠનું પગલું ભરવું પડ્યું છે.

ભારતમાં સરકારી આરોગ્ય સેવાઓ તમામને ઉપલબ્ધ નથી અને જ્યાં ઉપલબ્ધ છે ત્યાં તેની ગુણવત્તાના પ્રશ્નો છે. એટલે લોકોને ખાનગી આરોગ્ય સેવાઓ લેવી અનિવાર્ય બને છે. મેડિકલ ઈન્સ્યોરન્સ પણ ભારતમાં બહુ ઓછા લોકો લે છે. આરોગ્ય વીમો ન લેતા નાગરિકોની દૃષ્ટિએ ભારત દુનિયાનો બીજો દેશ છે. એટલે જેમની પાસે આરોગ્ય વીમો નથી તેમની આર્થિક સ્થિતિ પર માંદગીની ગંભીર અસર પડે છે. મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમની રકમમાં અનેક ગણા વધારાની ફરિયાદ વીમા કંપનીઓની છે તો મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં કોરોના મહામારી પછી તો પચીસ ટકા જેટલો મોટો વધારો થયાની ફરિયાદ વીમાધારકોની છે.

આ સ્થિતિનું એક નિવારણ સરકાર આરોગ્યના ક્ષેત્રે ખર્ચ વધારે અને સરકારી આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવે તે જણાય છે. આરોગ્ય માટે સરકારે તેના જી.ડી.પી.ના ઓછામાં ઓછા ૫ ટકા ખર્ચવા જ જોઈએ. પાડોશી ગરીબ દેશો ભૂતાન જી.ડી.પી.ના ૨.૬૫ ટકા અને શ્રીલંકા ૨ ટકા ખર્ચે છે. પરંતુ ભારતે ૨૦૨૧-૨૨માં જી.ડી.પી.ના ૨.૧ ટકા જ ખર્ચ્યા હતા. તેને કારણે લોકોને પોતાની આર્થિક ક્ષમતા બહાર જઈને બીમારીના ઈલાજ માટે ખર્ચ કરવો પડે છે. આવા ખર્ચને આઊટ ઓફ પોકેટ કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર તેની વૈશ્વિક સરેરાશ ૧૮.૨ ટકા છે. પરંતુ ભારતમાં તે ૪૮ ટકા જેટલી ઊંચી છે. આ બાબતમાં ૧૮૯ દેશોમાં ભારત ૬૬મા ક્રમે છે. પાડોશી દેશો ભૂતાન ૩૭મા, બાંગ્લાદેશ ૫૨મા, પાકિસ્તાન ૫૫મા અને નેપાળ ૬૩મા ક્રમે છે.

દેશની ૮થી ૧૦ ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ જીવે છે અને ખુદ ભારત સરકારના જણાવ્યા પ્રમાણે સરકાર જેમને મફત રાશન પૂરું પાડે છે તેવી વસ્તી ૮૦ કરોડ છે. ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે દવા અને ઈલાજનો ૬૨ ટકા ખર્ચ દરદી પોતાના ખિસ્સાનો કરે છે કે દેવું કરીને કે નાની-મોટી જમીન-જાયદાદ વેચીને ચુકવે છે. આ ચિંતાનો વિષય છે. નેશનલ હેલ્થ એકાઉન્ટ્સના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં દેશનો કુલ આરોગ્ય ખર્ચ ૫.૯૬ લાખ કરોડ હતો તેમાંથી સરકારોએ રૂ.૨.૪૨ લાખ ખર્ચ્યા હતા. શેષ ૩.૫૪ લાખ કરોડ લોકોના વપરાયા હતા.

સરકાર એક સાંસદના આરોગ્યની દેખભાળ માટે વરસે રૂ.૫૧,૦૦૦ ખર્ચે છે, પરંતુ આમ નાગરિક પાછળ તો માંડ રૂ.૧,૮૧૫ જ ખર્ચે છે. એટલે પ્રજા અને તેણે ચૂંટેલા પ્રતિનિધિ વચ્ચેના આરોગ્ય ખર્ચનો આ ફાંસલો ભેદાય, સરકારની પ્રાથમિકતા બદલાય તેમ જ સૌને માટે નિશુલ્ક આરોગ્ય સુલભ બને તો બાત બન જાયે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

ચાલો, હરારી પાસે – 20 : સત્યાસત્યના ભેદ મટી જશે

સુમન શાહ|Opinion - Opinion|14 September 2023

સુમન શાહ

આપણા કેટલાકના મનમાં એક શાન્તિ જરૂર છે કે ‘એ.આઈ.’ ભલે ને સાહિત્યકૃતિઓ કે કલાકૃતિઓ સરજે, એ ‘શ્રાવણી મધ્યાહ્ને’ ‘મેઘદૂત’ કે ‘ઑથેલો’ આપી શકે એવો આનન્દ નહીં આપી શકે. એણે સરજેલાં ચિત્રોમાં વાન ગોઘ કે નંદલાલ બોઝનો જાદુ નહીં હોય.

એ શાન્તિના માર્યા મારા કોઈ કોઈ હિતૈષીઓ મને એમ સમજાવે છે કે : સુમનભાઈ ! શું કામ તમારા જીવનનો કીમતી સમય બગાડો છો, આપણે ત્યાં ક્યાં એ બધું આવ્યું છે? : એમને મારો ઉત્તર સૂચક સ્મિત હોય છે.

વાત એમ છે કે, આગ સામે ઘેર લાગી છે, ગભરાવ છો શું કામ, એ આપણ ગુજરાતીઓની આપરખુ વ્યવહારચાતુરી છે. બાકી, આ પળે પળે વિકસી રહેલી ‘એ.આઈ.’ બુદ્ધિશક્તિની ઉપેક્ષા કે અવગણના કરવાનું બુદ્ધિશાળી માનવબાળને પોસાય એમ નથી.

આજે, એ જાણીએ કે ‘એ.આઈ.’ સાહિત્ય અને કલાઓનો ખરો આનન્દ આપી શકે કે કેમ.

‘એ.આઈ.’-તરફીઓ એમ માને છે કે ‘એ.આઈ.’ પાસે સાહિત્ય અને કલાઓનાં સર્જન કરવાનું સામર્થ્ય ખાસ્સું છે. મનુષ્ય જે અને જે કંઇ સરજે એટલું જ સુન્દર અને અર્થભર્યું એ સરજી શકે છે. કેમ કે માહિતીને પામીને તેને પ્રક્રિયામાં દાખલ કરવાની ‘એ.આઈ.’-ની શક્તિ અને વિવિધ રીતિઓ માણસ માટે શક્ય જ નથી. એથી ‘એ.આઈ.’-ને સર્જનની અનેક શક્યતાઓ સૂઝી શકે છે અને તે નવ્યથી નવ્ય રચનાઓ કરી શકે છે, સાહિત્યનાં નવાં નવાં સ્વરૂપો ઘડી શકે છે. એમનું તાત્પર્ય એ છે કે સર્જકતામાત્ર પર એની પકડ છે પછી કાવ્યો વગેરે સર્જનો તો કેમનાં મુશ્કેલ ગણાય !

એટલું જ નહીં, અમુક માર્ગદર્શિકાને અનુસરે એ માટે ‘એ.આઈ.’-ને પ્રોગ્રામ્ડ કરી શકાય છે, જેમ કે, એને સાહિત્યસિદ્ધાન્તો માટે અથવા સૉનેટના નિયમો માટે કે અછાન્દસની રચના માટે ખુશીથી પ્રોગ્રામ્ડ કરી શકાય છે.

એટલું જ નહીં, ‘એ.આઈ.’ કોઈ વ્યક્તિ કે જૂથ કે સંસ્થા માગે એવું સાહિત્ય સરજી શકે છે; દાખલા તરીકે, કોઈ રંગીલો જીવ પ્રેમલાપ્રેમલીની વાર્તાઓ માગે, કોઈ ભજનમંડળી અમુક દેવની ભક્તિનાં ભજન માગે, કોઈ સંસ્થા આ માગે કે તે માગે, એ બધાંની મરજી સાચવી શકે છે, કેમ કે ‘એ.આઈ.’ દરેક વ્યક્તિની મરજીને સ્વાયત્ત સમજે છે.

મનુષ્યતરફીઓ એમ માને છે કે એ કદી પણ શક્ય નહીં બને કેમ કે કલાઓ મૂળત: માનવીય અનુભવો છે. એમાં જે માનવીય સ્પર્શ છે તે ‘એ.આઈ.’ માટે શક્ય નથી, તેની એ પ્રતિકૃતિ પણ નહીં કરી શકે.

મને થયું બન્નેની વાતમાં કંઇ ને કંઇ સત્ય તો છે. પણ તથ્ય શું છે એ જાણવાને મેં ‘એ.આઈ.’-સર્જિત કલાકૃતિઓ શોધી કાઢી. સાહિત્યમાં કાવ્યો વધુ મળ્યાં, સંગીતમાં ખાસ નહીં, વધુ ચિત્રકૃતિઓ મળી, અને શિલ્પકલામાં એક વિચારણીય દૃષ્ટાન્ત મળ્યું.

એક આ કાવ્ય જુઓ : 

The beauty of the world surrounds me,

From the trees to the mountains 

the sea to the sky.

I am filled with wonder and awe

At the sight of such natural majesty.

The sun shines down, its rays warm and bright  

The birds sing their songs, and the flowers bloom.

All of creation is a gift. 

A testament to the power of the divine.

I am grateful for this world 

And all that it contains.

I will cherish its beauty 

And protect it from harm.

‘એ.આઈ.’-કવિએ સૂર્ય આકાશ વૃક્ષો પર્વતો સાગર પક્ષીઓ પુષ્પો એમ વિશ્વનાં વિવિધ સૌન્દર્યોની પ્રશંસા કરી છે. દરેક સર્જન દૈવીશક્તિની પરખ છે એમ કહીને દરેક સર્જનને બક્ષિસ લેખ્યું છે. વિશ્વ સમસ્તનો આભાર માનીને ઘોષણા કરી છે કે એના સૌન્દર્યને હું માણીશ અને નષ્ટભ્રષ્ટ પણ નહીં જ થવા દઉં.

કાવ્ય સારું છે. આટલું સારું તો સામાન્ય પણ જીવન્ત કવિ પણ નથી લખી શકતો ! 

એક ચિત્રકૃતિ —

‘માઇક્રોસૉફ્ટ રીસર્ચ’ ટીમે “ધ નૅક્સ્ટ રૅમ્બ્રાં” નામે વિખ્યાત ડચ પેઇન્ટર રૅમ્બ્રાંનું એના સૅલ્ફ-પોર્ટ્રેઇટ પરથી રીક્રીએશન કર્યું છે.

The AI self-portrait of Rembrandt : The next Rembrandt

પણ મેં આમ્સટર્ડામનાં મ્યુઝિયમોમાં રૅમ્બ્રાંએ દોરેલાં અનેક સૅલ્ફ-પોર્ટ્રેઇટ જોયાં છે, એની તોલે ન આવે. એને ‘એ.આઈ.’-ઑજારોની કમાલ જરૂર કહી શકીએ.

The real self-portrait of Rembrandt

એ શિલ્પકૃતિ —

માઇકલઍન્જેલો, રોદાં, કાથે કોલ્વિઝ, તાકામારુ કોતારો, અને ઑગસ્ટા સાવેજ એમ પાંચ સુખ્યાત શિલ્પીઓની શૈલીઓને જોડી કાઢીને વિશ્વમાં સૌ પહેલું ‘એ.આઈ.’-સંસૃજિત શિલ્પ જનમ્યું અને તેને સ્વીડિશ મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યું છે, તેનું નામ છે, “ધ ઇમ્પોસિબલ સ્ટૅચ્યુ”.

The Impossible Statue

સ્ટૅચ્યુ નર-નારીને સમ્પૃક્ત બતાવે છે, જેને androgynous સંજ્ઞાથી ઓળખાવાય છે સ્ટૅચ્યુ ૧૫૦ સૅન્ટિમીટર ઊંચું છે, એનું વજન ૫૦૦ કિલોગ્રામ છે.

સ્ટેઇનલેસ સ્ટીલના એ શિલ્પ માટે સૌ પહેલાં એક સંસૃજનાત્મક ‘એ.આઈ. ઑલ્ગોરિધમ’-ને એ પાંચ મહાન શિલ્પીઓની શૈલી ભણાવાઈ; ડિઝાઇન અને એ પાંચ શૈલીતત્ત્વોના સંમિશ્રણ માટે ઑલ્ગોરીધમ પ્રયોજાયું, અને એમ એ કૃત્રિમ કલાકૃતિનો જનમ થયો.

આપણા કવિ ગો.મા.ત્રિ., ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, અને સુરેશ જોષીની શૈલીઓનો શંભુચોટલો વાળીને કોઈ ઠગકવિ (- આ સંજ્ઞા ધીમે ધીમે પોતાનો રંગ પકડશે) ‘એ.આઈ.’-ઑજારોની મદદથી એકાદ કાવ્ય કે ખણ્ડકાવ્ય રચી કાઢે ને ઠામઠેકાણાં જણાવે નહીં, તો આપણા દુરારાધ્ય વિવેચકને કે મહાજ્ઞાની અધ્યાપકને ય કશી ખબર નથી પડવાની. ‘એ.આઈ.’-થી આપણને, ગુજરાતી સાહિત્યકારોને, જો કશી થ્રેટ હોય, તો ‘એ.આઈ.’-પ્રયોજિત પ્લેજિયારિઝમની છે.

ત્યારે આપણે, કલામાત્ર કૃત્રિમ છે, એ સત્ય યાદ રાખીશું? તો, એ.આઈ.-સંસૃજિત કલામાત્ર દેખીતા સ્વરૂપે કૃત્રિમ છે, તેને શું કહીશું?

આ કૃત્રિમબુદ્ધિ સત્ય અને અસત્ય વચ્ચેના કે અસત્ય અને અર્ધસત્ય વચ્ચેના ભેદ ભૂંસી નાખશે, એ સર્વશ્રેષ્ઠ થ્રેટ છે.

= = =

(09/13/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...950951952953...960970980...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved