Opinion Magazine
Number of visits: 9457987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્ય વિના જિંદગી અધૂરી અને ફિક્કી છે : પર્લ બક 

સોનલ પરીખ|Opinion - Opinion|10 July 2023

જાતની ને જિંદગીની શોધના બે અવસર દરેક માણસ પાસે આવે છે – પહેલો યુવાનીના ઉંબર પર, જીવનમાં પ્રવેશવાની ક્ષણે અને બીજો ઢળતી ઉંમરે, જિંદગીની મુખ્ય ધારામાંથી ખસી અંતર્મુખ થવાની ક્ષણે. આ બંને ક્ષણે માણસને પોતાની પૂરી શક્તિથી મચી પડવાનો અવકાશ મળવો જોઈએ. આવો અવકાશ આપણી જીવનશૈલી આપે છે ખરી? બિલકુલ નહીં. આપણે ત્યાં તૈયાર મૂલ્યો અપનાવવાનો મહિમા છે અને જાતની ને જિંદગીની શોધ એ અજ્ઞાતમાં છલાંગ લગાવી દેવાનો મામલો છે …

1929માં, ચીનમાં રહેતી એક અમેરિકન સ્ત્રીએ તેની અત્યંત નબળી દીકરીને ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરી. પોતે પાછી ચીન ગઈ.  વિયોગ દુ:ખદાયક હતો. લાગતું, ઘર જાણે સન્નાટામાં ડૂબી ગયું છે. તેણે નક્કી કરી લીધું, ‘સમય આવી ગયો છે – હું લખીશ.’

તેણે લખ્યું અને એવું લખ્યું કે તેને માત્ર પુલિત્ઝર જ નહીં, નોબેલ ઈનામ પણ મળ્યું. આ વિશ્વવિખ્યાત અમેરિકન લેખિકાનું નામ પર્લ બક. એમની સિદ્ધિઓ, એમની જિંદગી, એમની કારકિર્દીમાં ભરપૂરતા છે, અનોખાપણું છે, રોમાંચ છે. આજથી સવા સદી પહેલાં, 1892ની 26મી જૂને એમનો જન્મ થયો હતો. તો વાત કરીએ પર્લ બકની અને એમની એક નવલકથા ‘ધ ગોડેસ અબાઈડ્સ’ની.

જન્મ તો વર્જિનિયામાં, પણ માતાપિતા ચીનના ઝેનઝિંગમાં મિશનરી હતાં, એટલે પર્લનો ઉછેર ચીની રિવાજો વચ્ચે ને ચીની આયા પાસે થયો. ચીનની સંસ્કૃતિ અને ચીનનું ગ્રામજીવન તેના અસ્તિત્વમાં વણાતાં ગયાં. ચાર્લ્સ ડિકિન્સની નવલકથાઓએ તેને એંગ્લો-સેક્સન વિશ્વ સાથે જોડી. 10 વર્ષની ઉંમરે એણે નક્કી કરી લીધું હતું, ‘હું નવલકથાઓ લખીશ.’ ચીની મહાકાવ્યોએ અને પશ્ચિમી માપદંડોએ આ સોનેરી વાળ અને ભૂરી આંખોવાળી છોકરીને ઘડી.

લગ્ન પછી એગ્રીકલ્ચરલ ઈકોનોમિસ્ટ પતિ સાથે એ ફરી ચીનમાં હતી. ચીનના અંતરિયાળ વિસ્તારોના અનુભવોએ તેની પ્રસિદ્ધ ‘ધ ગૂડ અર્થ’ની પશ્ચાદભૂમિકા આપી. ‘ધ ગૂડ અર્થ’ અમેરિકામાં પ્રગટ થઈ, પણ ચીનમાં એના પર પ્રતિબંધ મુકાયો. ઈમ્પિરિયાલિસ્ટ અમેરિકાએ પર્લ બક પર કોમ્યુનિસ્ટ હોવાનો આરોપ મૂક્યો ને કૉમ્યુનિસ્ટ ચીને તેને ઈમ્પિરિયાલિસ્ટ ઠરાવી. ‘ટાઈમ’ મેગેઝીને એનો બહિષ્કાર કર્યો. પણ પર્લે ત્રણ નવલકથાઓની શ્રેણી આપી જ. ‘ધ ગૂડ અર્થ’ પછીની બીજી નવલકથા હતી ‘સન્સ’ અને ત્રીજી ‘હાઉસ ડિવાઇડેડ’. 1938માં પર્લ બકને નોબેલ પ્રાઈઝ મળ્યું. પર્લ બકે 82 પુસ્તકો લખ્યાં. એમનાં લખાણોમાં સ્ત્રીઓના અધિકારોથી માંડી એશિયાની પરંપરાઓ, બાળકોને દત્તક લેવાં, મિશનરી કામ, યુદ્ધ અને હિંસા જેવા વિષયો છે.

‘ધ ગૉડેસ અબાઈડ્ઝ’નું કેન્દ્ર છે જાતની શોધ, જિંદગીની શોધ. એની નાયિકા એડિથ નવયૌવનમાં પદાર્પણ કરતી અદ્દભુત સ્વપ્નસુંદરી બિલકુલ નથી. એ તો છે તેંતાલીસ વર્ષની, તાજી વિધવા થયેલી અને હવે શું કરવું તેની મૂંઝવણમાં પડેલી ઠીકઠાક દેખાવની સ્ત્રી. ભરણપોષણની ચિંતા ન કરવી પડે એટલું પતિ મૂકી ગયો છે. સંતાનો ગોઠવાઈ ગયેલાં છે.

સદ્દગત પતિ આર્નોલ્ડ સાથેના જીવનમાં પત્ની તરીકે અને મા તરીકે એડિથે સાર્થકતાનો જ અનુભવ કર્યો હતો, પણ વિધવા થયા પછી એને ખ્યાલ આવે છે કે આર્નોલ્ડને અનુકૂળ થવામાં એ પોતાના ગમા-અણગમા ભૂલી ગઈ હતી, તો હવે એ પોતાને શું ગમે છે તે શોધશે. તેડવા આવેલા દીકરાને એ કહે છે, ‘થેન્ક્સ, બેટા, પણ મારી જિંદગી મારે જ શોધવી રહી.’

અને શરૂ થાય છે તેની સફર – યાત્રા ખરું જોતાં શોધયાત્રા છે. એટલે ચાલે છે પોતાની શોધ, જિંદગીના અર્થની શોધ, અસ્તિત્વની સાર્થકતાની શોધ, ઈચ્છાઓ હજી મરી નથી ગઈ એટલે પ્રેમની શોધ, પ્રેમની પૂર્ણતાની શોધ. એડિથ એકાગ્ર છે, પણ ઉતાવળમાં નથી. પ્રવાહ કલકલ છલછલ વહે છે, કોઈ ગર્જનતર્જન નથી. વ્યક્તિઓ આવે છે, ઘટનાઓ આકાર લે છે અને એડિથ પોતાની ગહનતામાં ઊતરતી જાય છે.

એડિથે પતિને પૂરી પ્રામાણિકતા, સચ્ચાઈ અને આનંદથી પ્રેમ કર્યો હતો. પણ એના મૃત્યુ પછી તરત જ પોતે પતિની પસંદગીઓ બાજુ પર મૂકી પોતાની પસંદગી મુજબ પહેરવા-વર્તવાનું શરૂ કરી દે છે એ બાબ્ત એને પોતાને નવાઈ પમાડે છે. એડિથ કરતાં ઉંમરમાં ઘણા મોટા એડવિન એડિથને ચાહે છે. લાગે છે કે એડિથ નિમિત્તે તેઓ પોતાના પ્રેમના ખ્યાલને જાણે ચાહે છે. તેમણે એડિથને પ્રેમની મહત્તા, પ્રેમની ફિલોસોફી સમજાવી છે. એડવિન એકલા છે, એડિથ એમને ત્યાં ક્યારેક જાય છે; પણ પરણવા નથી માગતી, ‘લગ્ન તો આર્નોલ્ડની સ્મૃતિ તાજી કરાવશે.’ એડવિન સાથેના સંબંધને તે ભૂતકાળની યાદ વિના જ ખૂલવા દેવા માગતી હતી. એડવિનનું મૃત્યુ એ તેના જીવનનો બીજો વળાંક છે.

અને જારેડ. અચાનક જીવનમાં આવી ચડેલો જારેડ એડિથ કરતાં ઉંમરમાં ઘણો નાનો, સુંદર શરીરસંપદા અને તીવ્ર મેધા ધરાવતો જારેડ દુનિયા બદલી નાખવાનાં સપનાં જુએ છે અને એમાં અવરોધ ન આવે એ માટે ગર્લફ્રેન્ડથી પણ દૂર રહે છે. જારેડ એડિથના પ્રેમમાં પડે છે. પણ ગળાડૂબ પ્રેમમાં હોવું અને તેથી તેના શરીરની ઝંખના કરવી એ એને માટે અણગમો ઉપજાવનારી સ્થિતિ છે. આમ છતાં આકર્ષણ નથી એમ પણ નથી. એટલે જારેડ રાહ જુએ છે – એડિથ પોતાનો હાથ લંબાવીને તેના હાથdess માં આપે એ ક્ષણની.

એડિથ કહે છે, ‘હું તને પ્રેમ કરું છું, પણ મેં તારામાં એ પુરુષને જોયો છે જે તું બનવા માગે છે. એ પુરુષને અવરોધ થાય એવું કશું હું નહીં કરું.’ એના મનમાં એડવિને શીખવેલી પ્રેમની ફિલોસોફી ભરેલી છે. એને લીધે એ એવા નિર્ણયો કરવા પ્રેરાય છે જેમાં એની પોતાની પાસે એક દેવી જેવા વર્તનની અપેક્ષા છે. એમાં ઉચ્ચતા તો છે, સાથે એક પીડા પણ છે.

જારેડનાં લગ્ન એની ગર્લફ્રેન્ડ સાથે કરાવ્યા બાદ મુક્તિનો અનુભવ કરતી એડિથ હજી અધૂરી છે. શક્યતાઓથી ભરેલી જિંદગી તેની સામે નવો ઉજાસ લઈને ઊભી છે. સ્વમાં જ સંપૂર્ણ થવાનું હજી બાકી છે. એડિથ અનુભવે છે કે આર્નોલ્ડના ઘરમાં કે પોતે જેમાં રહી છે તે કોઈપણ ઘરમાં રહીને એ નહીં થાય. પૂરેપૂરા પોતાના એવા પંથે એકલા જવાનો નિર્ણય અને એ પંથ પર પગલાં પાડવાની શરૂઆત પણ પોતાનામાં પૂર્ણ એવો એક અનુભવ છે એ પ્રતીતિ સાથે કથા પૂરી થાય છે. ખરી મઝા આ માળખામાં પર્લ બક કઈ રીતે લોહીમાંસ અને રંગ ભરે છે, કેવી રીતે એમાં પ્રાણ પૂરે છે એનો અનુભવ કરવામાં જ છે.

જાતની ને જિંદગીની શોધના બે અવસર દરેક માણસ પાસે આવે છે – પહેલો યુવાનીના ઉંબર પર, જીવનમાં પ્રવેશવાની ક્ષણે અને બીજો ઢળતી ઉંમરે, જિંદગીની મુખ્ય ધારામાંથી ખસી અંતર્મુખ થવાની ક્ષણે. વિચાર એ આવે કે આ બંને ક્ષણે માણસને પોતાની પૂરી શક્તિથી મચી પડવાનો જે અવકાશ મળવો જોઈએ તે અવકાશ આપણી સમાજવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા કે જીવનશૈલી આપે છે ખરી? બિલકુલ નહીં. આપણે ત્યાં તૈયાર મૂલ્યો અપનાવવાનો મહિમા છે અને જાતની ને જિંદગીની શોધ એ અજ્ઞાતમાં છલાંગ લગાવી દેવાનો મામલો છે. આ બેનો મેળ કેમ પાડવો? એડિથના પાત્ર દ્વારા પર્લ બકે કહ્યું છે કે માણસ પોતે પોતાની પૂર્ણતા ન પામે ત્યાં સુધી કોઈ બીજા કોઈની પૂર્ણતામાં પોતાનું સ્થાન ન લઈ શકે. પૂર્ણતા માટે પરિચિતતાઓ છોડી અજ્ઞાતમાં છલાંગ લગાવી જ દેવી પડે.

અસ્તિત્વની શોધના માર્ગમાં પ્રેમ આવે જ. એડવિન કહે છે, ‘હું તંદુરસ્ત છું, કારણ કે હું પ્રેમ કરી શકું છું.’ પ્રેમ કરવાની ક્ષમતા હોવી એ પણ જીવનશક્તિ પ્રદાન કરનારી બાબત છે. પ્રેમ માણસને જીવતો જ નહીં, જીવંત રાખે છે.

વાચક એટલો ઓતપ્રોત થઈ જાય છે કે એડિથની શોધ ક્યારે તેની પોતાની શોધ બની જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો. ઘણું બધું સુંદર કહ્યું છે પર્લ બકે, પણ મને જે સૌથી વધુ ગમ્યું તે આ : ‘એ લગ્ન સારાં નીવડે છે જે વ્યક્તિઓ, સંબંધો અને અભિવ્યક્તિમાં પરિવર્તન અને વિકાસને પૂરતો અવકાશ આપતાં હોય.’ અને ‘ટ્રુથ ઈઝ ઑલ્વેઝ એક્સાઈટિંગ. સ્પીક ઈટ, ધેન. લાઈફ ઈઝ ડલ વિધાઉટ ઈટ.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 જૂન 2023

Loading

થઈ ગઈ છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|10 July 2023

દુ:ખતી નસ કઠોર થઈ ગઈ છે,

આડઅસરો નઠોર થઈ ગઈ છે.

ધાઁવ પર ધાઁવ કેટલા ખમવા!?

ટાંકણી પણ નકોર થઈ ગઈ છે.

ચાલબાજી હવે નહીં ચાલે,

નાડ સર્તક બકોર થઈ ગઈ છે.

જિંદગી રોજ જીવ બાળે છે,

ધ્યાન બ્હેરી દઠોર થઈ ગઈ છે.

જાનથી પણ વિશેષ ચાહી છે,

ચાંદની પણ ચકોર થઈ ગઈ છે.

e.mail : addave68@gmail.com

Loading

ખુલ્લા પુસ્તક સમો માણસ 

પ્રીતમ લખલાણી|Diaspora - Features|10 July 2023

પ્રીતમ લખલાણી

અમેરિકા જેવા ધનવાન દેશના સ્વર્ગ સમા કેલિફૉર્નિયા રાજ્યમાં દસના લાખ કરવાની શકિત દેખાતી હોય એવી વ્યકિતને ભારતમાં જેને કામધંધા વિનાના નવરા માણસની પ્રવૃત્તિ ગણવામાં આવે છે, તેવા લેખનકાર્યમાં ગળાડૂબ જોઈએ ત્યારે મનમાં અચૂક થાય કે પોતાના વ્યવસાય ક્ષેત્રમાં પ્રવીણ ગણાતી આ વ્યકિતને આવો આંધળો શોખ કયાંથી જાગ્યો!

કદાચ આ વ્યકિત કવિતા કે વાર્તા લખતી હોત તો આપણે સમજી શકીએ કે નિજાનંદ ખાતર શબ્દ સાથે રમત કરે છે. જીવનનાં મહામૂલાં વર્ષો તેમ જ પાઈપાઈ બચાવીને એકઠી કરેલી પૂંજીને આવતી કાલની પેઢીની માતૃભાષાની સાન પાછળ રોકનારી આ વ્યકિત એટલે સ્ટેન્ડફોર્ડ મહાવિઘાલયના અનુસ્નાતક એવા કેલિફૉર્નિયા રાજ્યના બાંઘકામ ખાતાના એક સિનિયર એન્જિનિયર ભાઈ કિરીટ શાહ.

કિરીટ શાહના નિકટના મિત્રો તેમ જ પરિવારના સભ્યો પાસેથી જાણ્યું કે આ વિરલ વ્યકિતએ પોતાની માતૃભાષાના પ્રેમ પાછળ ૧૯૮૦ની આસપાસના ગાળામાં ૬૦થી ૭૦ હજાર અમેરિકન ડોલર હસતાંહસતાં ખર્ચીને જગપ્રસિદ્ઘ વિશ્વવિઘાલય હાર્વર્ડમાંથી પ્રગટ થતાં પુસ્તકોની હરોળમાં ઊભું રહી શકે તેવું મહામૂલું પુસ્તક પ્રસિદ્વ કર્યું છે. જેમની જેમની માતૃભાષા ગુજરાતી નથી તેવા વિદેશીઓને ગુજરાતી ભાષા શીખવાની ઈચ્છા થાય તો તેઓ કઈ રીતે સરળતાથી શીખી શકે તે વિષય પર સંપૂર્ણ સંશોધન કરી, વિશ્વભાષાપ્રેમીઓ માટે ભાષા શીખવા માટેનું એક વઘારે દ્વાર ઉઘાડી દીઘું.

કિરીટ શાહ

જ્યારે જ્યારે મારી નજર આ પુસ્તક પર પડે છે ત્યારે અચૂક મનમાં એક પ્રશ્ન જાગે છે કે આ કાબેલ માણસને અમેરિકામાં બીજા કોઈ ઔઘોગિક ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાનો વિચાર કેમ ન આવ્યો! જેમાં ‘પાઈની પેદાશ નહિ, ઘડીની નવરાશ નહિ’ જેવા વિષય પાછળ સંશોઘન કરવામાં જીવનનાં અમૂલ્ય વર્ષો અને પૂંજી દાવમાં લગાડી દીઘાં.

લગભગ આજથી ત્રીસેક વર્ષ પૂર્વે નાનાભાઈ નીતિનના ઘરે ટૂંક સમય માટે ફરવા ગયેલ માતૃશ્રીને માતૃદિન નિમિત્તે વંદન કરવા કિરીટભાઈ વહેલી સવારે જઈ ચઢયા. પૂજ્ય બાને વીંટળાઈને બેસેલ ભાઈનાં નાનાં ફૂલગુલાબી બાળકોની કાલીઘેલી અંગ્રેજી વાતને દાદીમા મનહ્રદયથી સમજવા માટે કોશિશ કરવા છતાં કમભાગ્યે કશું સમજી શકતાં ન હતાં. બાના પ્રેમાળ ચહેરા પર મૂંઝવણની રેખાઓ અંકાતી જોઈને તે ક્ષણે કિરીટભાઈના હ્રદયમાં વિષાદ થયો. 

“અરે! બાળકોની માતૃભાષા ગુજરાતી અને મારાં માતૃશ્રીની ભાષા પણ ગુજરાતી તેમ છતાં આ બે પેઢીને સ્નેહના તાંતણે બાંઘતો દોર ભૌગોલિક પ્રદેશના ગૂંચવાડાને લીઘે એકમેકના પ્રેમભર્યો શબ્દોને પામી શકતો નથી. જો આ જ હાલત રહેશે તો આવતાં દસ-પંદર વર્ષમાં ગુજરાતી ભાષા મરી પરવારશે! જો ભાષા જ નહિ રહે તો પછી પરિવાર સમાજની તો વાત જ ક્યાં કરવી.”

વિદેશની આ હરિયાળી ભૂમિમાં આપણે કંઈક એવું નક્કર કાર્ય કરવું જોઈએ કે જેથી ગુજરાતી માતા-પિતાના ખોળે જન્મેલ સંતાનો તેમની માતૃભાષાથી વંચિત ન રહી જાય. જો બાળકોને અંગ્રેજી સાથે પોતાની માતૃભાષાનું જ્ઞાન પરિવારમાં બાળપણથી આપવામાં આવે અથવા આ દેશનાં શહેરોમાં સ્થાપેલા ગુજરાતી સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ ભારતથી વિદેશમાં આવતાં ખાસ કરીને દાદા-દાદી તેમનાં પ્રેમાળ પૌત્ર-પૌત્રી સંગ તનમનના દ્વાર ખોલીને આનંદપ્રમોદની પ્રત્યેક પળ માણી શકે.

આ વિચારનો બોજ હું કોઈના ખભા પર નાખું તેના કરતાં હું જ આ દિશામાં એકાદ પગલું આગળ ભરું તો શું ખોટું? બસ, તે જ વિષાદની ક્ષણે તેમણે મનહ્રદયથી નક્કી કરી લીઘું કે હું આવતા વર્ષના માતૃદિન નિમિત્તે વિદેશમાં વસતી દરેક ગુજરાતી માતાને પોતાનાં સંતાનો માટે ગુજરાતી શીખો નામનું એક પુસ્તક ભેટ આપીશ.

આવા વિરાટ કાર્ય માટે એક વર્ષનો સમય તો બહુ જ ઓછો પડે અને એ પણ અમેરિકા જેવા દેશમાં આઠ કલાકના ઑફિસકામ બાદ ઘરપરિવારનાં કામમાંથી ભાગ્યે જ એકાદ બે કલાક અઠવાડિયે નસીબમાં હોય તો ફુરસદના મળે. કિરીટભાઈએ પોતાના આ અટલ વિચાર સાથે માતૃદિનના બીજા દિવસની સવારથી ગુજરાતી શીખો એ વિષય પર શ્રીગણેશ કરી દીઘા.

જો આ પુસ્તક તેમને ફકત પ્રગટ જ કરવું હોત તો કિરીટભાઈ માટે એક વર્ષનો સમય પૂરતો હતો, પરંતુ કિરીટભાઈના મનની ઈચ્છા હતી કે આ પુસ્તક હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિખવાડતી બીજી ભાષા સંગ કદમ-તાલ મેળવી શકે. છ-સાત મહિનાના સખત પરિશ્રમ બાદ પુસ્તકની કાચી પ્રત તૈયાર થઈ કિંતુ કિરીટભાઈને આ પુસ્તકમાં હજી કંઈ ખૂટતું જણાયું. ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેઓ કપાતે પગારે છ મહિનાની રજા લઈ અમદાવાદની યાત્રાએ ઊપડી ગયા. અમદાવાદ જઈને એક પળનો પણ સમય બગાડ્યા વિના તેમને જ્યાં જ્યાંથી આ વિષય પર સંપૂર્ણ માહિતી મળી શકે તે માટે તેમણે ગુજરાતી ભાષાના પ્રખર વિદ્ઘાનોના દ્વાર ખટખટાવ્યા. ગુજરાત રાજ્યની બે-પાંચ યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના વિભાગમાં ફરી વળ્યા. તેમને ગુજરાતી શીખો પુસ્તક માટે જેટલું માર્ગદર્શન મળ્યું તેની ગાંસડી બાંઘી અમેરિકા પાછા ફરી પુસ્તકને ખૂટતા રંગો આપી. ગુજરાતી શીખો નામનું માહિતીથી છલોછલ પુસ્તક આનંદ સાથે માતૃદિન નિમિત્તે વિદેશમાં વસતી દરેક ગુજરાતી માતાને ભાવભીનાં વંદન સાથે પોતાનાં બાળકને ઉત્સાહ સાથે ગજરાતી ભાષા શીખવવા પુસ્તકને ખોળામાં મૂકયું. ગુજરાતી શીખો પુસ્તક માતૃદિને પ્રગટ કરી કિરીટ શાહે એક સાથે માતા, માતૃભાષા, અને માતૃભૂમિનું કર્જ અદા કર્યું.

ગુજરાતી શીખો પુસ્તક વિદેશમાં અને તેમાં પણ ખાસ કરીને અમેરિકામાં બહુ જ મહત્ત્વપૂર્ણ પુરવાર થયું. અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીમાં શીખવવામાં આવતી વિદેશી ભાષાઓમાં એક ભાષા ગુજરાતીના પાઠયપુસ્તક તરીકે કિરીટ શાહના પુસ્તકને માન્ય રાખવામાં આવ્યું તે અમેરિકામાં વસતા હરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. બહુ જ ઓછા સમયમાં ગુજરાતી શીખો પુસ્તકની સાતથી આઠ આવૃત્તિ પ્રગટ થઈ.

 *

૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં આ ભાષાપ્રેમી કોરોનાનો શિકાર બનતા, કાયમ માટે આપણી વચ્ચેથી સદા માટે વિદાય લીઘી ….                                                                       

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...942943944945...950960970...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved