Opinion Magazine
Number of visits: 9457829
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંગિંગ ઇન ધ રેઈન: મંઝિલનો વરસાદ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 July 2023

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, સોશિયલ મીડિયા પર ‘મંઝિલ’ ફિલ્મના ગીત ‘રિમઝિમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન’નો એક વીડિયો ખૂબ વાઈરલ થયો હતો. મુંબઈના એક મધ્ય વયના યુગલ, વંદના અને શૈલેશ ઈનામદારે, એ ગીતને રીક્રીએટ કર્યું હતું. મતલબ કે એ બંને મુંબઈના વરસાદમાં એ તમામ લોકેશન્સ પર પર એ જ રીતે સાથે ફર્યાં હતાં, જે રીતે ફિલ્મમાં અમિતાભ બચ્ચન મૌસમી ચેટરજી ગીત ગાય છે. પછી તેમાં બેકગ્રાઉન્ડમાં એ ગીત મૂકીને તેમણે તેનો વીડિયો અપલોડ કર્યો હતો. એ વીડિયો હજારો લોકોના દિલને સ્પર્શી ગયો હતો. તેમણે એ વીડિયોમાં એવો જ પ્રેમ અને ઉન્મુક્તતા દર્શાવી હતી, જેવી અમિતાભ અને મૌસમીએ અસલી ગીતમાં દર્શાવી હતી.

1979માં આવેલી ફિલ્મ ‘મંઝિલ’નું આ ગીત, હિન્દી સિનેમાનાં સર્વશ્રેષ્ઠ વર્ષા ગીતોમાં સૌથી મોખરે છે. 40 વર્ષથી આ ગીત ભારતની સિનેમા પ્રેમી જનતામાં એટલું જ સદાબહાર રહ્યું છે. દર વર્ષે, વર્ષા ઋતુ આવે, ત્યારે આ ગીતને અલગ-અલગ રીતે, અલગ-અલગ જગ્યાએ લોકો યાદ કરે છે. ગીતના એ શાશ્વત જાદુને કારણે જ પેલા યુગલને એ વિચાર આવ્યો હતો કે ફિલ્મના એ બમ્બૈયા વરસાદમાં અમિતાભ અને મૌસમીને બદલે તેઓ હોય તો કેવું? 

આ ગીત કેમ આટલું લોકપ્રિય છે? એનું પહેલું કારણ એ છે (અને એ સૌથી મહત્ત્વનું પણ છે) કે આ ગીત સ્ટુડિયોના નહીં, પરંતુ અસલી વરસાદમાં શૂટ થયું છે. નિર્દેશક બાસુ ચેટરજી ફિલ્મનાં હીરો અજય ચંદ્ર (અમિતાભ) અને અરુણા ખોસલા(મૌસમી)ને મુંબઈનાં જાણીતાં લોકેશન્સ પર ગીત ગાતાં બતાવવા માંગતા હતા, પરંતુ એક જ સેટ પર એ શક્ય નહોતું એટલે છેલ્લી ઘડીએ એવો નિર્ણય લેવાયો હતો કે કલાકારો અને ટેકનિશિયનો અલગ-અલગ લોકેશન્સ પર જશે અને સાચા વરસાદમાં ગીત શૂટ કરશે.

એનાથી આખા ગીતમાં એક પ્રકારની પ્રમાણિકતા આવી. જે લોકો મુંબઈના વરસાદથી પરિચિત છે તેમને ખબર છે કે એ શહેરની મરીન ડ્રાઈવ, ઓવલ મેદાન, વિક્ટોરિયા ટર્મિનસ જેવી લેન્ડમાર્ક જગ્યાઓમાં વરસતા વરસાદનો અનુભવ જાદુઈ હોય છે. જે જગ્યાએ તમે વરસાદને માણ્યો હોય, તે જ જગ્યાએ અમિતાભ અને મૌસમી પલળતાં હોય તે દૃશ્ય ખાસું આત્મીયતા પેદા કરે તેવું છે.

બંને, અમિતાભ અને મૌસમી, તે વખતે બહુ જાણીતાં નહોતાં, એટલે સાર્વજનિક સ્થળોએ શૂટિંગ કરવાનું સરળ પણ પડ્યું હતું. મૌસમી ચેટરજી એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે અમિતાભના મોટાભાઈ અજીતાભ એમાં સાથે હતા અને તે બંને કલાકારોને તેમની કારમાં એક જગ્યાએથી બીજી કારમાં લઇ જતા હતા. યુનિટવાળા કહે એટલે બંને કારમાંથી ઉતરે અને ચાલુ કેમેરા સામે વરસતા વરસાદમાં આમ તેમ ફરીને પાછા કારમાં બેસી જાય.

ગીત તો બેકગ્રાઉન્ડમાં વાગતું હતું અને તેમણે હોઠ ફફડવાના નહોતા (એવો ક્લોઝ અપ શક્ય પણ નહતો) એટલે બાસુ ચેટરજી કહ્યું હતું કે તમને ઈચ્છા પડે એ રીતે વરસાદમાં ફરજો, મારે તમારી સહજ અને પ્રાકૃતિક હિલચાલને બતાવવી છે. એટલે તમે જો ધ્યાનથી જુવો તો ખ્યાલ આવે કે ગીતમાં કોઈ સ્ટેપ્સ કે હાવભાવ રિહર્સલ કરેલા નથી. એક સાધારણ બમ્બૈયા યુગલની જેમ, અમિતાભ અને મૌસમી વરસાદની (અને એક બીજાના સંગાથની) મજા માણે છે. ગીતની આ સહજતા તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ.

બીજું કારણ તેનું સંગીત. ફિલ્મમાં આ ગીત બે વાર આવે છે. પહેલીવાર કિશોર કુમારના અવાજમાં અને બીજી વાર લતા મંગેશકરના અવાજમાં. ગાયનની દૃષ્ટિએ આમ તો કિશોર વાળું ગીત વધુ લોકપ્રિય છે, પરંતુ ફિલ્માંકનની દૃષ્ટિ લતા વાળું ગીત લોકો વધુ ‘જુવે’ છે કારણ કે તે વરસાદમાં શૂટ થયું છે. 

ફિલ્મ આમ તો આ ગીતથી જ શરૂ થાય છે.

પહેલા જ દૃશ્યમાં મૌસમી અને અજયને એક સૂમસામ ગલીમાં ચાલતાં બતાવ્યાં છે. મૌસમી આગળ અને અમિતાભ પાછળ. બંને તેજ ચાલે છે. મૌસમીને એવી શંકા પડે છે કે કોઈક તેનો પીછો કરી રહ્યું છે, પણ અમિતાભ મોટી મોટી ફલાંગો ભરીને આગળ નીકળી જાય છે, ત્યારે તેને રાહત થાય છે કે આ તો કોઈકને ક્યાંક પહોંચવાની ઉતાવળ હતી! વાસ્તવમાં, બંને એક જ જગ્યાએ જતાં હોય છે, જ્યાં સંગીતની એક મહેફીલમાં અમિતાભ કિશોરના અવાજમાં ‘રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાયે મન’ ગાય છે અને એમાં જ મૌસમી પ્રેમમાં પડે છે.

રાહુલ દેવ બર્મન ઉર્ફે પંચમે બંને ગીતના ઓર્કેસ્ટ્રેશનમાં થોડો તફાવત રાખ્યો હતો. કિશોરનું ગીત શાસ્ત્રીય સંગીતના મૂડમાં છે (ગીતમાં અમિતાભનો ગેટ-અપ પણ લેંઘા-ઝબ્ભા અને કોટીનો છે). તેનું લોકેશન એક ખાનગી મહેફિલનું છે અને અમિતાભ તેને ગાયનના શોખથી જ ગાય છે. પરિણામે આર.ડી.એ ઓછા ઓર્કેસ્ટ્રેશન વચ્ચે તેનો ટેમ્પો થોડો મંદ રાખ્યો હતો. આ વર્ઝનમાં ગીતની કવિતા મહત્ત્વની હતી.

બીજા ગીતનો મૂડ રોમેન્ટિક છે, કારણ કે મૌસમી અમિતાભના પ્રેમમાં છે. તે તેની ખુશીને વ્યક્ત કરવા માંગે છે એટલે ખુલ્લામાં વરસાદમાં ભીંજાય છે. એમાં પણ અમિતાભ મૌસમીની પાછળ જ ચાલે છે! પંચમે એમાં ઓર્કેસ્ટ્રેશન થોડું તેજ રાખ્યું હતું, જે ગીતના ઉત્તેજક મૂડને પૂરક બને. આ વર્ઝનમાં ગીતનું સંગીત મહત્ત્વનું હતું. તમે જો આંખ બંધ કરીને બંને ગીત સંભાળો તો ખ્યાલ આવે કે એક ગીત બંધ વાતવરણમાં ગવાય છે અને બીજું બહાર ખુલ્લામાં.

ત્રીજું કારણ ગીતના શબ્દો છે. મૂળ લખનૌના ગીતકાર યોગેન્દ્ર ગૌડ ઉર્ફે યોગેશે આ ગીત લખ્યું હતું. યોગેશ અને પંચમ’દાએ 10 ફિલ્મોમાં 47 ગીતો બનાવ્યાં હતાં એટલે બંને વચ્ચે સરસ કેમેસ્ટ્રી હતી. એમાં તેમનું આ ‘રિમઝિમ’ સૌથી બ્લોકબસ્ટર સાબિત થયું હતું. એના સંગીતમાં જેટલી સાદગી હતી, તેટલી જ તેના શબ્દોમાં હતી. કિશોરના અવાજમાં યોગેશના આ શબ્દો સાંભળજો (ખાસ કરીને બૂંદે અને મૂંદે):

જબ ઘૂંઘરું સી, બજતી હૈ બૂંદે

અરમાન હમારે, પલકે ના મૂંદે

યોગેશે એમાં હીરો પર ટપકતા વરસાદનું પેઇન્ટિંગ દોર્યું છે; વરસાદનાં ટીપાંમાંથી ઝાંઝરનો અવાજ સાંભળીને મારી ઇચ્છાઓ આંખો પણ બંધ કરી શકતી નથી.

સારેગામાએ ‘મંઝિલ’ ફિલ્મની ઓડિયો રિલીઝ કરી, ત્યારે અમિતાભ બચ્ચને તેમાં કિશોર કુમારના વર્ઝનનો પરિચય આપતાં એક સરસ વાત કરી હતી કે, “દો લબ્ઝ હૈ, તન્હા, અકેલે, લેકિન એક સાથ લિખ દિયેં જાયેં, તો એક દુનિયા, એક કાયનાત, એક તલાશ, એક લમ્હા, એક ખુશી બન સકતે હૈ. આપ આજમાકર દેખ લીજીયે.”

બાસુ ચેટરજીની મોટાભાગની ફિલ્મો(છોટી સી બાત, ચિત્તચોર, રજનીગંધા, પિયા કા ઘર, બાતો બાતો મેં)માં મુંબઈ શહેરની પાર્શ્વભૂમિ હોય છે. એટલે આ ગીતમાં મુંબઈની ભૂમિકા અગત્યની છે. આ ગીત જો મદ્રાસ કે દિલ્હીમાં શૂટ થયું હોત તો તેનો જાદુ ઓસરી ગયો હોત. મોટાં ભાગનાં વર્ષા ગીત શૃંગારિક – અમુક તો બીભસ્ત – બની જાય છે, પણ બાસુ’દાએ ધ્યાન રાખ્યું હતું કે આ ગીત નાનાં-મોટા સૌને એક સરખું સ્પર્શે. ‘મંઝિલ’ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી, પણ આ ગીત અમર થઇ ગયું છે.

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 12 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બંધ પડીકે યુનિફૉર્મ સિવિલ કોડની ચર્ચા છેડવાનો શો અર્થ

રમેશ ઓઝા|Opinion - Opinion|13 July 2023

રમેશ ઓઝા

સમાજના પ્રશ્નો મોટાભાગે સંકુલ હોય છે અને ભારત જેવા દેશમાં એ વધારે સંકુલ હોય છે. માટે જેવું નજરે પડે છે અથવા નજરે પાડવામાં આવે છે એ બધું એના એ જ સ્વરૂપમાં સાચું હોય એ જરૂરી નથી. નાગરિક તરીકે કોઈ પણ બાબતને સમજવાની આપણી પણ ફરજ છે.

૨૦૧૪ની સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કોમી ધ્રુવીકરણ કરવા શાસક પક્ષે એક સમાન નાગરિક ધારાનો પ્રશ્ન છેડ્યો છે અને તેમની અપેક્ષા મુજબ સમજ્યા-કર્યા વિના અનેક લોકો ધાર્મિક અંચળો ઓઢીને એમાં કૂદી પડ્યા છે. હજુ હમણાં જ ૨૦૧૮ની સાલમાં ૨૧માં કાયદાપંચે યુનિફોર્મ સિવિલ કોડ વિષે કહ્યું હતું કે જે તે સમાજવિશેષના કૌટુંબિક કાયદાઓનો અભ્યાસ કરવામાં આવે અને તેમાં સ્ત્રીઓને કે બીજા કોઈને અન્યાય થતો હોય એવી જોગવાઈ દૂર કરવામાં આવે તો એ પછી યુનિફોર્મ સિવિલ કોડની જરૂર જ શું છે? હેતુ જેને અન્યાય થતો હોય તેને ન્યાય અપાવવાનો છે કે પછી એકસરખાપણાનો? ઊલટું લગ્ન, વિવાહ અને બીજા સામાજિક રીતિરિવાજોમાં જોવા મળતું વૈવિધ્ય ભારતની શોભામાં વધારો કરે છે. વૈવિધ્ય નિર્દોષ હોય એટલું પૂરતું છે. યાદ રહે, ૨૧માં કાયદાપંચની રચના ૨૦૧૫માં નરેન્દ્ર મોદીની સરકારે કરી હતી.

બાવીસમા કાયદાપંચે લોકોના અભિપ્રાય મંગાવ્યા છે અને અત્યાર સુધીમાં ૪૫ લાખ અભિપ્રાય મળી ચુક્યા છે. સમજદાર લોકોની, ખાસ કરીને મુસ્લિમ તેમ જ અન્ય કોમની મહિલાઓની દલીલ એવી છે કે પહેલાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો બનાવો અને લોકોની ચકાસણી તેમ જ અભિપ્રાય માટે ઉપલબ્ધ કરી આપો. ઉદ્દેશ સ્ત્રીઓને ન્યાય અપવવાનો છે તો એમાં કોને કેટલો ન્યાય મળવાનો છે એની ચકાસણી સ્ત્રીઓને જ કરવા દો. એ કેટલો યુનિફોર્મ છે કે પછી કેટલો બહુમતી કોમ તરફી પક્ષપાતી છે એની પણ ચકાસણી કરવામાં આવે. બંધ પડીકે યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા છેડવાનો શો અર્થ!

સમજદાર મહિલાઓની આ માગણી અનુચિત છે? પણ અહીં હિન્દુત્વવાદીઓ અને તેમના સમર્થકો ચૂપ રહેશે. તેઓ એક બીજા મુદ્દે પણ ચૂપ છે અને કોઈ પ્રકારની ચર્ચા કરતા નથી. એ મુદ્દો છે તરુણ યુવક યુવતી વચ્ચે શારીરિક સંબંધ બાંધવાની સંમતિ વય જેને અંગ્રેજીમાં એજ ઓફ કન્સેન્ટ કહેવામાં આવે છે. ભારતમાં ૧૮ વરસની નીચેના યુવક-યુવતી સંમતિ સાથે પણ શારીરિક સંબંધ બાંધે તો એ ૨૦૧૨ના પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીઝ એક્ટ ૨૦૧૨ હેઠળ સજાપાત્ર ગુનો બને છે. અને ગુનો શેનો? બળાત્કારનો. નિર્ભયા આંદોલન પછી લોકોને રાજી કરવા આવો કાયદો ઘડવામાં આવ્યો હતો જેની સામે માત્ર એક દાયકામાં પ્રશ્નો પેદા થયા છે. બાવીસમાં કાયદાપંચે ગયા જાન્યુઆરી મહિનામાં કેન્દ્રના બાળવિકાસ મંત્રાલયને આ બાબતે અભિપ્રાય આપવાનું કહ્યું હતું. કાયદાપંચે કહ્યું છે કે કર્ણાટક અને મધ્ય પ્રદેશની વડી અદાલતોની રેફરન્સ અરજી (કાયદાકીય અભિપ્રાય) અમારી પાસે પડી છે અને અમારે તેનો નિકાલ કરવાનો છે. હજુ સુધી તો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

પ્રસ્તાવ એવો છે કે યુવક યુવતી વચ્ચે શારીરિક સંબંધ માટેની સંમતિ વય ૧૮થી ઘટાડીને ૧૬ની કરવી જોઈએ. ૧૬ વરસની વયે શારીરિક સંબંધ બાંધવા યુવક અને યુવતી શારીરિક અને માનિસક એમ બન્ને રીતે સક્ષમ હોય છે. આરોગ્યની કોઈ હાનિ થવાની નથી. બીજું ભારતમાં પણ હવે પશ્ચિમના દેશોની જેમ છોકરા છોકરી લગ્નપૂર્વે સેક્સ કરે છે અને તેનાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ટરનેટના આવ્યા પછી જગતનો કોઈ કાયદો કે સામાજિક બંધનો લગ્નપૂર્વે કરાવામાં આવતા સેક્સને રોકી શકે તેમ નથી. OTT જેવાં પ્લેટફોર્મ પર ફિલ્મો અને સિરિયલો જોનારા તરુણો જાણે છે કે તેઓ શું જુએ છે. ટૂંકમાં અવ્યવહારુ આગ્રહો ધરાવવાનો કોઈ અર્થ નથી. એને બળાત્કાર જેવો ગંભીર આરોપ કરીને સજા કરવી એ હાસ્યાસ્પદ સ્વરૂપનો અન્યાય છે. એટલે તો દેશના મુખ્ય ન્યામૂર્તિ ધનંજય ચ્ન્દ્રચૂડે પણ કેન્દ્ર સરકારને કહ્યું છે કે દાયકા જૂના કાયદા વિષે પુનર્વિચાર કરવામાં આવે.

બીજું સેક્સ માટેની સંમતિ વય અને લગ્નવય એ બે જુદી વસ્તુ છે. સંમતિ વય અને લગ્ન વય એક જ હોવી જોઈએ એવો આગ્રહ નિરર્થક છે. સેક્સ માટે પુખ્ત યુવા યુવતી સંસાર ચલાવવા માટે પુખ્ત હોય એ જરૂરી નથી. મોટાભાગે નથી હોતાં. તો ઉત્તમ એ છે કે આવા આગ્રહો છોડીને વ્યવહારુ માર્ગ અપનાવવામાં આવે અને યુવા યુવતીની આઝાદીનો સ્વીકાર કરવામાં આવે.

પણ આ વિષે કોઈ કશું બોલતું નથી અને યુનિફોર્મ સિવિલ કોડ વિષે ગોકીરો કરે છે.  ચૂંટણીનો ખેલ છે. ન્યાય, કાયદાકીય વ્યવહારુતા અને તેની પ્રાસંગિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

અહીં બીજા છેડાનો ઇતિહાસ નોંધવો રસપ્રદ રહેશે. આજથી ૧૪૦ વરસ પૂર્વે ૧૮૮૧ની સાલમાં બહેરામજી મલબારીએ સંમતિ વયનો ખરડો લાવ્યા હતા જેમાં માગણી કરી હતી કે સંમતિ વય ૧૨ વરસની કરવી જોઈએ. કમ સે કમ કન્યા રજસ્વલા હોવી જોઈએ. ૧૮ની જગ્યાએ ૧૬ની બાબતે ચૂપ રહેનારાઓના વૈચારિક પૂર્વજોએ ૧૨ વરસની સંમતિ વયનો વિરોધ કર્યો હતો.

માટે પ્રારંભમાં કહ્યું એમ સામાજિક પ્રશ્નો જટિલ હોય છે અને ભારતમાં તો જટિલતમ હોય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2023

Loading

થોડું હૃદ્ગત, પોસ્ટ-ટ્રુથ બલિહારી વચ્ચે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|12 July 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

કારોબારી અને મધ્યસ્થ સમિતિ પરના કેટલાક સન્માન્ય સાથીઓને સાહિત્ય પરિષદના બંધારણની 21મી કલમને ધોરણે રુખસદ આપવાનો નિર્ણય લેવાનો બન્યો તે પછી સોશિયલ મીડિયામાં કે વ્યક્તિગત રાહે માંહોમાંહે ચર્ચા ચાલી હશે. દરમ્યાન, સન્મિત્ર નીતિન વડગામાની મુખપોથી પર ‘ફૂલછાબ’નો તંત્રીલેખ આ સંદર્ભમાં જોવા મળ્યો. નીતિનભાઈએ તે (‘સાહિત્યિક સંવાદ ક્યારે?’) ઉતારતાં આ તંત્રીલેખમાં ‘ફૂલછાબ’ની સાહિત્યિક નિસબતનું પ્રતિબિંબ જોયું છે એની સાથે આપણે જરૂર સંમત થઈશું. વાંચતાં જે છાપ પડી તે એ હતી કે તંત્રી જ્વલંત છાયા સ્વાયત્તતાને મુદ્દે કદરબૂજ જરૂર ધરાવે છે. માત્ર, એમની સમક્ષના એકંદર ચિત્રમાં કેટલીક અભિજાત અમૂઝણ જણાય છે. અહીં એમનું સંબંધિત લખાણ ઉતારી તેના પ્રતિવાદની રીતે નહીં પણ પ્રતિસાદની રીતે થોડીએક વાતો કરવાનો ખયાલ છે. પણ તે પહેલાં તંત્રીલેખના સંબંધિત અંશોઃ

‘… કોઈ મોટી સંસ્થા, વિચારધારા હોય ત્યાં ભિન્ન મત હોવાના. સાહિત્યની સંસ્થામાં તે ન હોય એવું નથી. પરંતુ બૌદ્ધિક, સામાજિક નિસબત અને ઉત્તરદાયિત્વવાળા ગણાય છે તેવા લોકો આમ ખુલ્લા અને સીધા સામસામે આવે ત્યારે તેમના ચાહક-ભાવકને સ્હેજ વિસ્મય થાય, થોડો ધક્કો પણ લાગે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમી વચ્ચેનો વર્ષોથી ચાલતો વિવાદ પણ હમણાં પુનઃ જીવંત થયો છે.

‘પરિષદ અને તેના સંવાહકો – એ વિચારધારાના સાહિત્યકારોની લડત તો અલબત્ત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની છે, જે કેટલી ચાલે તે નક્કી નથી. અત્યારે જે વિવાદ શરૂ થયો છે તે નોખો છે. પરિષદના સંચાલક મંડળમાં જે લોકો ચુંટાઈને ગયા છે તેમાંના જે સભ્યો અકાદમીના કાર્યક્રમમાં ગયા તેમને પરિષદના સંચાલક મંડળમાંથી વિદાય આપી દેવાઈ છે. ખુલાસો કરો તેવા પત્ર મળતાં સર્જકો, વિશેષતઃ યુવાનો નારાજ થયા છે. તેઓની દલીલ એવી છે કે આખરે અમે ત્યાં ગયા તો પણ સાહિત્ય પદારથની નિસબત સાથે ગયા છીએ. ઉગ્ર થયેલા કેટલાક યુવા સર્જકોએ પ્રત્યુત્તર પણ પાઠવ્યા કે અમે કંઈ પરિષદના નોકરિયાત નથી.

‘સાહિત્યક્ષેત્રે સક્રિય હોય તે લોકો સૌમ્ય હોય, ઉભય પક્ષે સૌજન્ય દાખવતા હોય તેવી વ્યાપક છાપ સમાજમાં હજીપણ જીવે છે. તે સંદર્ભે આ પત્રવ્યવહાર કોઈને આશ્ચર્ય પમાડી શકે. પરંતુ એવું થયું છે. પરિષદનું વલણ સ્પષ્ટ છે. કહે છે કે, અમે કોઈ સર્જકને રોક્યા નથી. પરંતુ અમારા સંચાલક-મંડળ કારોબારીમાં ચૂંટાઈને આવ્યા હોય તેમણે પરિષદના ઠરાવનો અમલ કરવો પડે. આમ જોઈએ તો આ આખો આયામ વહીવટી છે અને સાહિત્યની પ્રવૃત્તિને તેનાથી કશો લાભ નથી.’

પહેલી વાત તો એ કે આ કોઈ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી એમ બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ નથી. (કેટલીક વાર તો વળી એને બે સનદી અધિકારીઓ વચ્ચેના વિવાદ તરીકે ય ‘ટ્રિવિયલાઇઝ’ કરવામાં આવે છે. જો એવું હોય તો અકાદમીમાં ભાગ્યેશ જહાના બે કાર્યકાળ વચ્ચે વિષ્ણુ પંડ્યાના કાર્યકાળમાં આ વાત સમેટાઈ જવી જોઈતી હતી.) ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર અને પ્રકાશ ન. શાહ એ ચારે પ્રમુખના કાર્યકાળમાં સ્વાયત્તતાનો મુદ્દો સતત અગ્રક્રમે રહ્યો છે. મારું નામ અહીં, કેમ કે હું વર્તમાન પ્રમુખ છું એથી યથાક્રમ લીધું છે, પરંતુ અકાદમીની રુખ ને રંગઢંગ જોઈ મેં તો 2014થી એની સાથે અસહયોગનો અભિગમ લીધો હતો. એ જ અરસામાં ચંદ્રકાન્ત ટોપીવાળા અને પ્રવીણ પંડ્યાએ પણ એવો જ અભિગમ લીધો હતો. પરિષદ એના હાલના ઠરાવ સાથે વિધિવત્ ચિત્રમાં આવી તે તો એપ્રિલ 2015ની પરબારી પ્રમુખનિયુક્તિને પગલે, યથાસમય.

તત્ત્વતઃ આ વિવાદમુદ્દો પરિષદ અને અકાદમી એમ બે સંસ્થાઓ વચ્ચે મર્યાદિત નથી. આ મુદ્દો ગુજરાતના વ્યાપક અક્ષરસેવી સમાજ અને અકાદમી વચ્ચેનો છે. ચારેક દાયકા પાછળ જઈને વાત કરું તો ઉમાશંકર જોશી દેશની સાહિત્ય અકાદેમીના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવામાં હતા ત્યારે ‘એક્સપ્રેસ’ની રવિવારી માટે બી.જી. વર્ઘીઝના સૂચનથી પ્રભાષ જોશીએ તેમની મુલાકાત લેવી તેવું ગોઠવાયું હતું. સાથે ફેસિલિટેટર તરીકે સખ્યવશ હું પણ હતો. અમે મળ્યા એ અરસામાં રાજ્ય સરકાર તરફથી અકાદમી-રચનાની વાતો ચાલતી હતી. મેં સૂચિત રાજ્ય અકાદમી જોગ અકાદેમી પ્રમુખ ઉમાશંકરની સલાહ જાણવાની ઇચ્છા કરી તો લાગલા જ એમના ઉદ્ગારો આવી પડ્યા કે ‘Keep off Governmentl!’ (શું કહીશું ગુજરાતીમાં? ‘સરકાર વરતે સાવધાન!’)

અલબત્ત, તેમ છતાં, ધરાર સરકારી અકાદમી રચાઈ અને આગળ ચાલતાં એણે ઉમાશંકર જોશીના સન્માનની વિનયધૃષ્ટ મહેચ્છા પણ પ્રગટ કરી. જાન્યુઆરી 1986માં કવિએ આ સંદર્ભમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષને લખ્યું :

‘આપનો 3-1-1986નો પત્ર મળ્યો છે. સારસ્વત સન્માનના વાર્ષિક ઉપક્રમમાં મને પસંદ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના સૌ સભ્યોનો હૃદયથી આભારી છું.

‘સન્માન સ્વીકારવા અંગે તકલીફ છે.

‘આ અગાઉ પ્રસંગોપાત મારે અકાદમીને લખવાનું થયું છે અને એની એક જાહેર સભામાં વીગતે રજૂઆત કરવાની પણ તક મેં લીધી છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતાં ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ. શિક્ષણસચિવને કે સરકારી માહિતીનિયામકને અકાદમીના પ્રમુખ તરીકે બેસાડનાર ગુજરાત સરકારને ખબર હશે કે દિલ્હીમાં 1954થી શ્રી જવાહરલાલ નેહરુ, ડૉ. રાધાકૃષ્ણન આદિએ એક બિલકુલ સ્વાયત્ત સ્વરૂપની, નિયમોને અધીન પસંદ કરાયેલા પ્રતિનિધિઓની બનેલી, ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ ધરાવતી ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનું સંવર્ધન કરેલું છે.

‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમીના આરંભથી માંડીને અઢાર વરસ સુધી સભ્ય તરીકે અને હમણાં થોડાં વરસ પર પાંચ વરસ સુધી એના ચૂંટાયેલા પ્રમુખ તરીકે સેવા આપનાર મારા જેવા સાહિત્યકારો માટે સરકારે નીમેલા સભ્યો-હોદ્દેદારોવાળી ગુજરાત સાહિત્ય અકાદમી જેવી બિનલોકશાહી સંસ્થા દ્વારા થતું સન્માન પ્રજાકીય સ્વરૂપનું રહેતું ન હોઈ તેનો સ્વીકાર કરવાનું શક્ય નથી, – જે માટે દિલગીર છું.

‘આશા રાખું છું કે ગુજરાત સાહિત્ય અકાદમી રાષ્ટ્રીય અકાદેમીના ધોરણે ત્વરાથી પુનર્ગઠિત થશે. અકાદમી, યુનિવર્સિટી જેવી દેશની સંસ્કારસંસ્થાઓની લોકશાહી પરંપરાઓ ઉપર ઉત્તરોત્તર કેટલાક સમયથી થઈ રહેલા રાજકીય આક્રમણનો સવેળા અંત આવશે.’

સાલવારી સિલસિલામાં નહીં જતાં ઉતાવળે એટલું જ સંભારીશું કે સરકારી અકાદમીમાંથી ઉપરાછાપરી રાજીનામાં પડ્યાં. નામવાર તપસીલમાં નહીં જતાં એક મુદ્દો બસ થશે કે આમ રાજીનામાં ધરી દેનાર પૈકી કેટલા બધા મિત્રો એવા હતા જેમનું પરિષદ જોડે સક્રિય સંધાન નહોતું. મતલબ, સરવાળે પ્રકરણ આખું બે સંસ્થાઓ વચ્ચેનું નહીં પણ એક પા સહૃદય અક્ષરકર્મીઓ અને બીજી પા અકાદમી એવું હતું. સરકારી અકાદમી સામે ઉમાશંકર જોશીએ મોરચો ખોલ્યો ત્યારે કૉંગ્રેસ પક્ષની સરકાર હતી. આજે ભા.જ.પ.ની સરકાર છે ત્યારે ય આ બધી ઘડભાંજ ચાલી રહી છે. મતલબ, આ મામલો જેમ બે સંસ્થાઓ વચ્ચેનો નથી તેમ બે પક્ષો વચ્ચેનો પણ નથી. સાંસ્થાનિક વારસાગત માનસિકતા અને પ્રજાસૂય અભિગમ વચ્ચેનો મામલો આ તો છે.

ઉમાશંકર જોશીના નિધન પછી જોગાનુજોગ દર્શક ચિત્રમાં આવ્યા. બંને સ્વાતંત્ર્યસૈનિકો હતા અને એમની સર્જકપ્રતિભા તેમ જ શૈક્ષણિક કામગીરી અનન્ય સાધારણ હતી. દર્શકે આદર્શલક્ષી કુનેહ ને કૌશલથી કામ લીધું અને સ્વાયત્ત સંરચના પાર પાડવાને ધોરણે જવાબદારી સાહી. એમણે જે બંધારણીય માળખું રચી આપ્યું એમાં ઉમાશંકરની ધાસ્તીનું કંઈક વારણ પણ હતું.

વાત એમ છે કે માર્ચ 1977 પછી ‘બીજા સ્વરાજ’ના સહજોત્સાહમાં હાથ ધરાયેલાં કામો પૈકી એક આકાશવાણી અને દૂરદર્શનની સ્વાયત્તતા સુનિશ્ચિત કરવા માટે વર્ઘીઝના વડપણ હેઠળની પ્રસારભારતી સમિતિ પર ઉમાશંકર પણ હતા. કટોકટીના પૂર્વકાળથી બી.બી.સી. પેઠે સ્વતંત્ર કોર્પોરેશનનો ખયાલ સેવાતો હતો, અને એને સારુ અપેક્ષા ને પ્રતીક્ષાનું વ્યાપક માનસ બનતું આવતું હતું. પણ જેવો એ દિશા ઉજાગર કરતો અને પથ પ્રશસ્ત કરતો પ્રસારભારતી હેવાલ આવ્યો કે સરકારે, કેમ કે તે સરકાર છે, પોત પ્રકાશ્યું : સૂચના અને પ્રસાર મંત્રી અડવાણીએ કહ્યું કે મારી વાત તો સરકાર હસ્તકના એક ખાતા તરીકે, રિપીટ, સરકાર હસ્તકના એક ખાતા તરીકે, સ્વાયત્તતાની છે. આવા લુખ્ખા નકો નકો સ્વાયત્તતાશાઈ અભિગમે દાઝેલા ઉમાશંકરે કેન્દ્રીય અકાદેમીનો હવાલો આપી ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખનો વિશેષોલ્લેખ કર્યો હતો. (એમણે વ્યક્તિગત વાતચીતમાં મને એક વાત સોજ્જી કહી હતી. મોરારજી પ્રધાનમંડળના શિક્ષણ પ્રધાન પ્રતાપચંદ્ર ચુંદરે ઉમાશંકરને વિવેકસર પૂછ્યું કે હું આપની શી સેવા કરી શકું ત્યારે ઉમાશંકરે એમને કહ્યું હતું કે તમારા ખાતાના કોઈ સેક્શન ઑફિસર અકાદેમીને પોતાના તાબાનો ઇલાકો માની પેશ ન આવે તો બસ.)

દર્શકે જે બંધારણ ઘડી આપ્યું એમાં ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખ અગર તો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત એક વિશેષ જોગવાઈ લેખકીય મતદાર મંડળની હતી. નોંધાયેલા લેખકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ પણ અકાદમી પર હોવાના હતા. વળી સરકારમાં સામાન્ય વિવેક તો હોય જ એવી સમજ સાથે અને છતાં એમણે અકાદમીને સોસાઇટી ઍક્ટ હેઠળ રજિસ્ટર કરાવવાની કાળજી લીધી હતી. પહેલા ચૂંટાયેલા પ્રમુખ દર્શક અને બીજા ચૂંટાયેલા પ્રમુખ ભોળાભાઈ એમ સરસ ક્રમ પણ નવા બંધારણ હસ્તક ચાલ્યો. (અહીં એક આડવાત જેવી છતાં સીધી વાત સહેજ ચાતરીને પણ આપણા અક્ષરજીવનની સહૃદય મહાનુભાવતાનો ખયાલ આપવા નોંધવા ઇચ્છું છું. દર્શક સાથે ચૂંટાયેલ ઉપપ્રમુખ તરીકે યશવન્ત શુક્લ હતા. દર્શકની મુદ્દત પૂરી થાય તો યથાક્રમે તેઓ પ્રમુખપદની ઉમેદવારી ઇચ્છે એ એમની પ્રતિભા જોતાં અસ્વાભાવિક ન હતું. ભોળાભાઈ પટેલને પણ આ પદ માટે સહજ અભિલાષ હતો. વળી વયની રીતે યશવન્તભાઈ કરતાં એમની કને કાર્યમોકળાશ વધુ હોય એવી સમજ પણ સ્વાભાવિક હતી. એમના સૂચનથી અમે યશવન્તભાઈને મળ્યા; ભોળાભાઈએ પોતાની વાત વિનયસર કહી; અને યશવન્તભાઈએ પોતે ઉમેદવારી નહીં કરે એવું સ્વીકાર્યું. જાહેર જીવનમાં કોઈ કામ માટે કોઈને મળવાનું થયું હોય અને એના સમુદાર પ્રતિભાવથી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હોય એવી કેમ જાણે એ તીર્થક્ષણ મારે માટે હતી.)

ભોળાભાઈ પટેલની મુદ્દત પૂરી થઈ તે પછી લેખકીય મતદાર મંડળમાંથી ચૂંટણી સહિતની બધી પ્રક્રિયા થઈ ગઈ પણ રાજ્ય સરકારે પોતાના પ્રતિનિધિઓ નીમી બેઠક બોલાવવાની કોઈ જ કારવાઈ ન કરી તે ન કરી. લેખકો તરફથી વિનંતીપત્ર, સ્મૃતિપત્ર બધા ઉપચારો થયા હશે. થોડો થોડો ઊહાપોહ પણ થયો હશે. પણ 2003થી સરકારનિયુક્ત મહામાત્ર હસ્તક ‘સ્વાયત્ત અકાદમી’ એ રાબેતો બની ગયો. બાકી પ્રક્રિયા પૂરી થશે અને ચૂંટાયેલ માળખું કાર્યરત બનશે એ આશા કેવળ આશા બની રહી. બાર બાર વરસની ધીરજ કહો કે સમુદાર અપેક્ષા(અગર લાલસા ને લિપ્સા)ના કાળ પછી એપ્રિલ 2015થી પરબારી પ્રમુખનિયુક્તિ અને ચૂંટણી વગરના કાર્યમંડળનો ધરાર દોર શરૂ થયો.

આ બાર વરસ દરમ્યાન કે.કા. શાસ્ત્રી (જેમનો દબદબો રાજગુરુ જેવો હતો, એમના) સહિતની રજૂઆતો થતી રહી. હું સમજું છું તે પ્રમાણે અકાદમીના છેલ્લા ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખ ભોળાભાઈ પટેલ અને કુમારપાળ દેસાઈ તરફથી પણ સહજ ક્રમે સત્તાસંપર્ક થયો હશે. વ્યક્તિગત લેખો, ટીકા-ટિપ્પણ પણ છેક ઓછાં નહોતાં. મોટી વાત એ બની કે આપણા લોકાયની સાહિત્યસેવી નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં પરિષદે ખુલ્લા અધિવેશનમાં (માત્ર કારોબારી કે મધ્યસ્થમાં નહીં. પણ ખુલ્લા અધિવેશનમાં) સ્વાયત્તતા માટેનો ઠરાવ કર્યો. તે પછી પણ ઓછાંવત્તાં સૂચનો, પ્રસંગોપાત માંગ અન્ય સ્રોતોમાંથી થતાં રહ્યાં. પણ નીંભર સરકારે એપ્રિલ 2015માં પરબારી નિયુક્તિથી ‘પ્રતિભાવ’ આપ્યો અને એ ક્રમમાં આજે ત્રીજા નિયુક્ત પ્રમુખનો દોર ચાલી રહ્યો છે.

પરબારા નિયુક્તિકારણ વિશે, નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં 2007માં થયેલા ઠરાવને પગલે, એપ્રિલ 2015 પછી પરિષદને પક્ષે મહત્ત્વનો નિર્ણય લેવાની તાકીદ સાફ હતી. ભરકટોકટીએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટેનો ઠરાવ કરવામાં જેણે સ્વધર્મ જોયો હતો તે પ્રજાસૂય પરિષદ અકર્મણ્ય ન જ રહી શકે. અકાદમી સાથે અસહયોગના ઠરાવની પૃષ્ઠભૂ આ છે. એ વ્યાખ્યાયિત કરવાની જવાબદારી પરિષદના સત્તામંડળે નિરંજન ભગત અને ધીરુ પરીખને સોંપી હતી. એમણે લાઇનદોરી આંકી આપી કે હોદ્દેદારો અકાદમીની કોઈ કાર્યપ્રવૃત્તિ સાથે સંકળાશે નહીં. મધ્યસ્થ સમિતિ પર બેસનાર સહિત સૌ હોદ્દેદારો ગણાય તે પણ એમાં નિહિત હતું. આ નિર્ણય ‘સ્વૈચ્છિક’ હતો અને છે તે એ અર્થમાં કે પરિષદના હજારો સામાન્ય સભ્યને સારુ તે બંધનકર્તા નથી. છતાં, તમે જુઓ કે, હોદ્દેદાર નહીં એવા અનેક સન્માન્ય અક્ષરકર્મીઓએ પોતાને છેડેથી અકાદમીથી પરહેજ કરવામાં ધર્મ જોયો છે. આખી યાદીમાં નહીં જતાં નમૂના દાખલ બે જ નામો આપું. રમેશ ર. દવેને અકાદમીએ દર્શક સમગ્રનું સંપાદનકાર્ય સોંપ્યું હતું. દર્શકે જેને સ્વાયત્ત કરવાનું દાયિત્વ નભાવ્યું તે અકાદમીની સ્વાયત્તતા હરી લેવાઈ હોય અને એને હસ્તક દર્શક સમગ્રનું કામ ચાલે એ કેમ બને. રમેશભાઈએ તે સંકલ્પપૂર્વક છોડ્યું. તરત સાંભરતું બીજું નામ સતીશ વ્યાસનું છે. એ પરિષદના કોઈ હોદ્દે નથી પણ એમણે બબ્બે વાર ગૌરવ પુરસ્કાર-સારસ્વત સન્માન તરેહની અકાદમી દરખાસ્તનો અસ્વીકાર કરવાપણું જોયું છે.

આ ગાળાની ઘણી ઔપચારિક-અનૌપચારિક વાતો છે તે મારે છોડવી રહી. તેમ છતાં, ચોપડે ન પણ ચડે એવી બે વાતો તો સમજની દૃષ્ટિએ કહું જ કહું. રાજ્ય મંત્રીમંડળના એક સભ્ય ડૉ. ધીરુ પરીખને પ્રશ્ન શો છે તે સમજવા સારુ ‘કુમાર’ કાર્યાલય પર મળવા ગયા હતા. ધીરુભાઈએ બધી વાત સમજાવી ત્યારે એમનો ધન્યોદ્ગાર હતો કે ‘અમે પણ ક્યાં સ્વાયત્ત છીએ!’

હોંશીલાં પૂર્વમહામંત્રી કીર્તિદા શાહ અને સહહોંશીલા કેટલાક રુખસદબંધુઓ તત્કાલીન અકાદમી પ્રમુખ વિષ્ણુ પંડ્યાને વાતચીત માટે આમંત્રવા આર્ત આગ્રહી હતાં. તે પૈકી કોઈકે પરિષદના પ્રમુખ-ઉપપ્રમુખ આદિ સાથીઓની હાજરીમાં એવી છાપ ધરાર આપી હતી કે વિષ્ણુભાઈ સ્વાયત્તતા મુદ્દે સહમતિપૂર્વક બધું પાર પાડવા ઇચ્છે છે. દેખીતી રીતે જ, વિષ્ણુ પંડ્યાએ અકાદમી-પ્રમુખ બન્યા પછી લેખકોની બેઠક બોલાવી ત્યારે નિમંત્રણપત્રમાં ‘સ્વાયત્તતા’ જેવા ‘વિતંડાવાદ’ને ચર્ચામાં અવકાશ નથી એવું અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું, તેના કરતાં આ એક જુદી જ વાત હતી. હોંશીલાલો, કેમ કે તેઓ હાજર હતા, એમને યાદ હોય જ કે વિષ્ણુ પંડ્યાએ પરિષદની મુલાકાતમાં ‘પરબ’માં શું છાપવું ન છાપવું તરેહનાં હિતવચનોમાં ઇતિશ્રી જોઈ હતી.

વાચક જોઈ શકશે કે આખો પ્રશ્ન લેખકમાત્રના ઉત્તરદાયિત્વપૂર્વકની સહભાગિતાનો બની રહે છે. ન જોવું હોય તો જ ન જોઈ શકાય એવી એક વિગત સંભારવાની રજા લઉં છું. પારુલ ખખ્ખરની પ્રિન્ટ મીડિયામાં આબાદ અદૃશ્ય રહેવા છતાં વિશ્વવિશ્રુત બનેલી રચના સંદર્ભે ‘શબ્દસૃષ્ટિ’માં તંત્રીય-પ્રમુખીય વ્યાસપીઠ પરથી એલાન કરાયું હતું કે અમે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને વરેલા છીએ. સાહિત્યના નિકષ લેખે એક રાજકીય-શાસકીય વિચારધારાનો એ પ્રગટ પુરસ્કાર હતો. ‘શબ્દસૃષ્ટિ’માં હોંશે હોંશે પ્રગટતા અને પ્રગટ થવા ઇચ્છતા કે મથતા અક્ષરકર્મીઓને આ બાબતની ગંભીરતા સમજાતી જણાતી નથી તે પોસ્ટ-ટ્રુથ બલિહારી છે.

અલબત્ત, સોથી વધુ લેખકોએ આની સામે વિરોધ પ્રગટ કરતો જાહેર પત્ર લખ્યો હતો. પણ ન તો તત્કાલીન અકાદમી પ્રમુખનો કોઈ પ્રતિભાવ સાંપડ્યો છે, ન તો એમના અનુગામીએ હજુ સુધી કોઈ દુરસ્તીનો સંકેત આપ્યો છે.

‘ફૂલછાબ’ના સન્માન્ય તંત્રીએ આખી વાતને સામાજિક નિસબત અને ઉત્તરદાયિત્વના સંદર્ભમાં જોવા ઇચ્છ્યું છે, એ તો ઠીક જ છે. ગુજરાતની અક્ષર બિરાદરીના એક અગ્ર ઓજાર રૂપે પરિષદે એટલે સ્તો આ પ્રશ્નમાં પડવાપણું જોયું છે. આ ચર્ચા ‘સૌમ્ય’ હોય એવી અપેક્ષા અલબત્ત અસ્થાને નથી. માત્ર ‘હું જેને ચાહું છું તેને ઉગ્ર કરું છું અને મન્યુ આપું છું’ એ અર્થનાં ગીતાવચનો અહીં યાદ આવ્યાં વિના રહેતાં નથી. ગમે તેમ પણ ઉમાશંકરના શબ્દોમાં :

ને બ્રાહ્મણો – સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.
…
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

રુખસદ ઘટનાનો સમગ્ર પૂર્વરંગ અને તેની પાછળનાં મંથનમનોરથ આ દિવસોમાં એટલા સારુ ચહીને મૂક્યાં છે કે ઉમાશંકર જયંતી (21 જુલાઈ) નિમિત્તે ગુજરાતભરમાં પરિષદ નાનાવિધ સંસ્થાઓ સાથે સંકળાઈને કાવ્યપઠન આદિ આયોજન કરી રહી છે ત્યારે એમની અભિજ્ઞતાનો સંસ્પર્શ આપણ સૌની ચેતનાને ઝંકૃત કરતો રહે.

જુલાઈ 1, 2023
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; જુલાઈ 2023

Loading

...102030...939940941942...950960970...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved