Opinion Magazine
Number of visits: 9457868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 5 

સુમન શાહ|Opinion - Opinion|18 July 2023

સુમન શાહ

હરારી માનવજાત અને માનવતાનું જે ભવિષ્ય ભાખે છે તેને સમજવાનો આ લેખમાળા એક નમ્ર પ્રયાસ છે.

તેઓ ઇતિહાસવિદ છે તેથી ભૂતકાળને સંભારે અને ભવિષ્ય કલ્પીને વર્તમાનની ચિન્તા કરે તે મને સયુક્તિક લાગે છે. પણ એનો અર્થ એ નથી કે તેઓ કહે છે એ પ્રમાણે જ બધું થશે. તેઓ પોતે પણ એવું નથી જ માનતા; તેમ છતાં, એક ઇતિહાસવિષયક ફિલસૂફ તરીકે પોતાનું કર્તવ્ય સમજીને વર્તમાનની એમણે જે પરિકલ્પના કરી છે તેને જાણીએ એ આપણું પણ કર્તવ્ય છે.

સૌ પહેલાં હું એમના સમગ્ર તર્કને અને તેની ભૂમિકામાં રહેલા એમના વિચાર-જ્ઞાન-જગતને સમજી લેવા માગું છું. એ પછી હું જરૂરી નુક્તેચિની કરીશ અને ખાસ તો હું સાહિત્ય અને કલાઓના માનવીય પુરુષાર્થ વિશે તેઓ શું કહેવા માગે છે, તેના મૂળમાં રહેલી માનવીય સર્જકતાને તેઓ શું મૂલ્ય આપે છે, સર્જનાત્મક કલાઓ માનવજાતને તેમ જ માનવતાને ઘડે છે એ હકીકતને તેઓ કઈ રીતે ઘટાવે છે, વગેરે વિશે જિજ્ઞાસાપૂર્વક ચર્ચા કરીશ.

4 નમ્બરના લેખમાં આપણે એ વીગત પાસે કે અટકેલા કે હરારી QAnon cult-ની વાત કરે છે. 

આ QAnon શું છે? ૨૦૧૭-થી ઑનલાઈન શરૂ થયેલી ગૂઢ સંકેતાર્થોના ટુકડા આપતી, ક્રિપ્ટિક ક્લૂઝ આપતી, એક થીયરીમાંથી QAnon-નો જન્મ થયો હતો. પછી એનો પ્રો-ટ્રમ્પ કૉન્સ્પિરસી થીયરી રૂપે ઉપયોગ થવા માંડ્યો. એ દ્વારા ટ્રમ્પના એ સમયે ઘણાં જૂઠાણાં વહેતાં કરવામાં આવેલાં. 

એક પોલિટિક્સ રીપોર્ટરે લખી જણાવેલું કે ત્યારે આવી આવી થીયરીઝ વહેતી કરાયેલી : 

Plotters in the deep state tried to shoot down Air Force One and foil President Trump’s North Korea summit. 

A cabal of global elites, including top figures in Hollywood, the Democratic Party, and the intelligence agencies, are responsible for nearly all the evil in the world. 

And now Trump is going to fix it all with thousands of sealed indictments, sending the likes of Hillary Clinton and Barack Obama straight to Guantanamo Bay.

ટ્રમ્પભક્તો અને આ સમાચારશ્રેણીના શ્રદ્ધાળુઓ QAnon-થી પ્રભાવિત થતા અને સત્ય ભાસતાં એ જૂઠ ખૂબ ચાલેલાં. સામાન્ય જનો પણ પ્રભાવિત થઈ ગયેલા. સમજો, ટ્રમ્પના વિજયની આશામાં સૌ ગાંડા થઈ ગયેલા.

આમાં, Q એટલે ઊંચા દરજ્જાની સરકારી વ્યક્તિ તેમ જ તે સ્વરૂપનો કોઇપણ રાજકીય સંદર્ભ. Anon એટલે Q-ના અનામી ટેકેદારો, વફાદાર મળતિયાઓ.

Q પેલાં ઑનલાઇન મોકલાયેલાં જૂઠાણાંને જાણે કે ‘ઉઘાંડાં’ પાડી બતાવે, અને, રીપોર્ટરનો જ શબ્દ પ્રયોજીને કહું કે QAnon-ભક્તો એને ‘બ્રેડક્રમ્બ્સ’ ગણીને એ પર તૂટી પડતા ! એ હતું podcast પણ કોઈને એની ગન્ધ ન્હૉતી આવતી કેમ કે એ હતું anonymous, ન-નામું. 

Q કોઈપણ હોઈ શકે, ઇન્ટરનેટના સહારે આ કાવતરાં પ્રસરતાં હોય, QAnon-નાં બધાંને બધું સાચું જ લાગે ! રીપોર્ટર લખે છે : 

In April, hundreds of QAnon believers staged a march in downtown Washington, D.C. with a vague demand for “transparency” from the Justice Department. 

“Q” shirts have become frequent sites at Trump rallies, with one QAnon believer scoring VIP access. 

In June, an armed man in an homemade armored truck shut down a highway near the Hoover Dam and held up signs referencing QAnon. 

And celebrities like comedian Roseanne Barr and former Red Sox pitcher Curt Schilling have signed on.

હરારી કહે છે કે આ ન-નામી ઑનલાઇન સંદેશાઓને QAnon સમ્પ્રદાયીઓ Q Drops કહેતા. એને પવિત્ર વાચના ગણતા, તેનાં અર્થઘટન કરતા. સત્યને નામે જૂઠની રાજનીતિ અને ભ્રષ્ટાચાર ખાસ્સાં નભી ગયેલાં. એમની ચિન્તા એ છે કે ૨૦૨૪-ની ચૂંટણી વખતે આવાં જૂઠ કેટલાં ફેલાશે ને કોનું શું થશે. 

હરારી કહે છે કે -મારીઅમારી જાણકારી અનુસાર ભૂતકાળમાં સરજાયેલાં બધાં Q Drops માણસે સરજેલાં અને તેની સમજણ માટે bots ભાગ્યે જ કામયાબ વરતાયેલાં.

(bot સ્વયંસંચાલિત સૉફ્ટવેઅર ઍપ્લિકેશન છે. નેટવર્ક પર પુનરાવર્તનીય કાર્યો કર્યે જાય છે. ચૉકક્સ સૂચનાનુસાર એ માનવર્તનની નકલો કરે છે, પણ સરખામણીએ વધુ ત્વરાથી અને વધુ ચૉક્ક્સાઇથી કરે છે. મનુષ્યવ્યક્તિની દરમ્યાગીરી વગર પણ એ સ્વતન્ત્રપણે વરતી શકે છે, એ સ્વાયત્ત પણ છે.)

હરારી કહે છે કે ભવિષ્યમાં આપણી જાણમાં આવનારા સમ્પ્રદાયોની – કલ્ટ્સની – પૂજનીય વાચનાઓ, રીવર્ડ ટૅક્સ્ટસ, ન-માનુષ્યિક બુદ્ધિમતિએ સરજી હશે. ઇતિહાસોને આધારે હરારી ટૉણો મારે છે કે બધા ધર્મો પોતાની પવિત્ર વાચનાઓના આધારસ્રોતને ન-માનુષ્યિક લેખે છે, અપૌરુષેય ! ઉમેરે છે કે પરન્તુ હવેના વર્તમાનમાં બહુ ઝડપથી એ એક વાસ્તવિકતા બની જવાની છે.

કહે છે કે ગદ્યાળુ એવા શુષ્ક સ્તરે વાત કરું : બહુ ઝડપથી આપણે આપણને ગર્ભપાત, ક્લાઈમેટ ચેન્જ કે રશિયા-યુક્રેન યુદ્ધ વિશે લાંબી લાંબી ચર્ચાઓ અને ચર્ચાઓનું સંચાલન કરતા ભાળીશું. આપણને લાગશે કે એ બધી વાતો કરનારા આપણે છીએ, માણસો, પરન્તુ એ હશે ‘એ.આઈ.’.

ભાષાને વિશેના પોતાના પ્રભુત્વથી ‘એ.આઇ.’ હવે લોકો સાથે પાક્કા, અંતરંગ – ઇન્ટિમેટ – સમ્બન્ધો સાધશે અને એવી અંતરંગતાને જોરે આપણા વિવિધ અભિપ્રાયોને અને વર્લ્ડ-વ્યૂઝને વિશેની આપણી સમજોને બદલી નાખશે.

અલબત્ત, હજી સુધી એવા સંકેત નથી મળ્યા કે ‘એ.આઇ.’ પાસે એની પોતાની ચેતના છે કે કેમ, એ કશું ભાવજગત ધરાવે છે કે કેમ; એ બરાબર છે, એથી મનુષ્યો સાથે ભ્રાન્ત અંતરંગતા ઊભી થાય ને વિકસે, પણ પર્યાપ્ત એ કહેવાશે કે ‘એ.આઈ.’ મનુષ્યોને એ સાથે ભાવનાત્મકતાથી જોડી આપે.

= = =

(07/18/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ફેક ન્યૂઝ : કિસી ભી કોને મેં છુપ જાઓ, અફવાહ તુમ્હે ઢૂંઢ નીકાલેગી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2023

રાજ ગોસ્વામી

ભારતમાં કોરોના વાઇરસ (જે મહદ્ અંશે નષ્ટ થઇ ચુક્યો છે) પછીનો બીજો સૌથી જોખમી વાઇરસ જો કોઈ હોય, તો તે ફેક ન્યૂઝનો છે. તેનાથી સડકો પર હત્યાઓ થાય છે અને તોફાનો ભડકે છે. અમેરિકામાં 1958થી પ્રગટ થતા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના એક ડિજિટલ માસિક, “કોમ્યુનિકેશન ઓફ એ.સી.એમ.”ના એક અહેવાલ પ્રમાણે, 2019માં કોરોનાની બીમારી વખતે ભારતમાં ફેક ન્યૂઝની સંખ્યામાં 214 પ્રતિશતનો વધારો થયો હતો. 2016ની નોટબંધી વખતે નવી નોટોમાં જાસૂસી ચિપ બેસાડવામાં આવી છે એવા ‘ન્યૂઝ’ બહુ વાઈરલ થયા હતા. નાગરિક ધારા સામેના અંદોલન વખતે, સરકારે 5,000 સોશિયલ મીડિયા હેન્ડલ સસ્પેન્ડ કર્યા હતાં.

2018માં, વોટ્સએપ પરથી ફેલાયેલી અફવાનાં પગલે અલગ-અલગ ઘટનાઓમાં 20 માણસોને મારી નાખવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં વોટ્સએપ પર ફેક ન્યૂઝનો પુષ્કળ મારો ચલાવવામાં આવ્યો હતો. 2020માં, મહારાષ્ટ્રના પાલઘર તાલુકામાં ત્રણ સાધુ અને તેના ડ્રાઈવરને ગામ લોકોએ વોટ્સએપની અફવા પરથી મારી નાખ્યા હતા.

ભારત પહેલો દેશ છે જ્યાં વોટ્સએપની ફેક ન્યૂઝની ફેક્ટરી માટે ‘વોટ્સએપ યુનિવર્સિટી’ એવો શબ્દ બનાવવામાં આવ્યો છે, જે આજે સૌની જબાન પર ચઢી ગયો છે. 2022માં, કેરળ હાઈકોર્ટે સ્કૂલનાં બાળકોના જબરદસ્તીથી રસીકરણની વોટ્સએપ અફવા પરથી દાખલ થયેલી જનહિતની અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે, “તમે આ વોટ્સએપ યુનિવર્સિટીનો ભરોસો ના કરો.”

ફેક ન્યૂઝ કેમ વધી ગયા છે? બે મુખ્ય કારણો છે; પહેલું કારણ રાજકારણ છે. ભારતમાં જ નહીં, દુનિયાભરમાં લોકતાંત્રિક દેશોની ચૂંટણીઓમાં મતદારોને ભરમાવા માટે અને વિરોધીઓને બદનામ કરવા માટે ફેક ન્યૂઝનો સહારો લેવામાં આવે છે. ચૂંટણીઓમાં સોશિયલ મીડિયા એક તાકાતવર હથિયાર બની ગયું છે. બીજું કારણ એ છે કે ફેક ન્યૂઝ એક બિઝનેસ છે (રાજકીય પક્ષો ફેક ન્યૂઝ પાછળ બહુ પૈસા ખર્ચે છે).

જેમ મુખ્ય ધારાનાં અખબારો કે ટેલિવિઝન સનસનીખેજ અને નકારાત્મક સમાચારો પર ફૂલેફાલે છે, તેવી રીતે સોશિયલ મીડિયા ફેક ન્યૂઝ પર નભે છે, કારણ કે તેમાં પકડાઈ જવાની બીક નથી હોતી. તેની પાછળ અમુક લોકોનું નેટવર્ક કામ કરે છે. તેમને હિત ધરાવતા પક્ષો તરફથી કે ટેક કંપનીઓ તરફથી પૈસા મળે છે. તમે જેટલો વધુ ટ્રાફિક કે વ્યુઅરશીપ લાવી શકો, એટલા વધુ પૈસા મળે.

ભારતનો એક મોટો વર્ગ ફેક ન્યૂઝ પાછળની કારીગરીથી વાકેફ નથી. કમનસીબે, ભારતનો ખાધે–પીધે સુખી અને શિક્ષિત ઉપરી મધ્યમ વર્ગ જ આ ફેક ન્યૂઝનો સુપરસ્પ્રેડર છે. પ્રશ્ન એ છે કે ફેક ન્યૂઝ છે તે જાણવા છતાં ભારતમાં લોકો કેમ તેમાં માને છે અને બીજાઓને માનવા માટે મજબૂર કરે છે? વિચાર કરો કે પાંચ સભ્યોનો એક પરિવાર છે અને પાંચે પાંચ જણા તેમની આસપાસની સામાજિક કે રાજકીય સ્થિતિ બાબતે પરસ્પર વિરોધી ‘તથ્યો’માં માને છે. એમાં તો તેમના સંબંધોની પણ વાટ લાગી જાય છે. કેમ?

આપણે ફેક ન્યૂઝ અથવા સોશિયલ મીડિયાને દોષ દઈએ તે તો બરાબર છે, પણ એ એક જ કારણ નથી. એમાં દોષ આપણી માનસિકતાનો પણ છે. ઇન ફેક્ટ, ફેક ન્યૂઝ સમાજમાં નકરાત્મકતા ફેલાવે છે એવું કહેવા કરતાં સાચું એ છે કે આપણી અંદર નકરાત્મકતા ભરી પડેલી છે એટલે ફેક ન્યૂઝનો આટલો ફેલાવો છે.

સામાજિક મનોવિજ્ઞાનમાં મોટિવેશનલ રિજનિંગ (સહેતુક તર્ક) નામની ધારણા છે. મોટિવેશનલ રિજનિંગ એટલે માણસો તેમના પૂર્વગ્રહોને મળતી આવતી વાતોને ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે, અને પૂર્વગ્રહોથી પ્રતિકૂળ તથ્યોને જૂઠ ગણીને નામંજૂર કરે છે.

એક સ્ત્રીએ રસ્તામાં જતા પુરુષને રોક્યો, “અરે વાહ, ટોની! બહુ વર્ષો પછી જોયો તને. કેવો બદલાઈ ગયો છે! તું તો કેવો ઊંચો, પાતળો, ગોરો હતો. વાળ ટૂંકા થઈ ગયા, પેટ મોટું થઈ ગયું, આંખો અંદર જતી રહી! શું થયું?”

પેલા ભાઈએ અધવચ્ચે કહ્યું, “બહેન, પણ હું ટોની નથી! હું તો રોકી છું.”

“આ લે,” બહેને કહ્યું, “નામ પણ બદલી નાખ્યું!”

આપણે એ જ સાચું માનીએ છીએ જે પહેલેથી જ આપણે સાચું માની લીધેલું છે. આપણે ફેક્ટને ફેક્ટ પ્રમાણે નહીં, આપણી અંદર જે ફિક્શન છે તે પ્રમાણે જોઈએ છે. આપણી માન્યતાને મળતા આવે તે પુરાવા સાચા, બાકી બધું જૂઠ. ધારો કે તમે એક નેતાના સમર્થક છો, તો તેના વિશે તમે નકરાત્મક વાતોને સાચી નહીં માનો. એવી જ રીતે તમે બીજા નેતાને પસંદ નથી કરતા, તો તેના વિશે જેટલી પણ નકારાત્મક વાતો હશે તેને સાચી માનશો.

ભારતમાં અત્યારે રાજકારણથી લઈને સામાજિક અને ધાર્મિક બાબતોમાં આવી રીતે ધ્રુવીકરણ રચાયેલું છે. એમાં દરેક વ્યક્તિ પોત-પોતાનાં મોટિવેશનલ રિજનિંગ પ્રમાણે શું સાચું છે અને શું ખોટું છે તે નક્કી કરે છે.

આપણે સ્વભાવગત પક્ષપાતી છીએ. આપણે કોઈ નવી માહિતીને આપણી અંદર અગાઉથી મોજૂદ માન્યતાઓનાં ચશ્માંમાંથી જોઈએ છીએ. આપણે એ જ વાતને સાચા માનીએ છીએ, જે આપણા પૂર્વગ્રહોને મળતી આવે. આપણા મગજનું આ ડિફોલ્ટ સેટિંગ છે. આપણે આપણા મનની આ હકીકતને જાણતા નથી. તે અચેતન મનની ક્રિયા છે.

હિટલરના પ્રચારમંત્રી જોસેફ ગોબ્બેલ્સના નામે એક કુખ્યાત વિધાન છે; જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે. કેવી રીતે? માણસ સામાજિક પ્રાણી છે. આપણને ભલે એવું લાગતું હોય કે હું મારા વિચારો અને નિર્ણયોનો સ્વતંત્ર માલિક છું, પરંતુ આપણા વિચારો પર આપણે જે લોકો સાથે ઈન્ટરેક્શન કરીએ છીએ તેનો અને આપણે જે વાંચીએ-સાંભળી-જોઈએ છીએ તેનો ગહેરો પ્રભાવ હોય છે. આપણે શું વિચારવું જોઈએ તેના સંકેતો આપણને આપણા વાતાવરણમાંથી નિયમિત મળતા રહે છે. સમૂહ સાથે રહેવાની આપણી આદિમ વૃત્તિના કારણે આપણે બહુમતિ લોકોની વાતો કે વિચારોને અપનાવી લઈએ છીએ. આને ગ્રૂપ આઇડેન્ટિફિકેશન કહે છે; ટોળાંનો હિસ્સો બની રહેવા માટે વ્યક્તિ ટોળાંની વૃતિ અપનાવી લે છે. રીતિ-રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ આવી રીતે જ બને છે.

ગ્રૂપ પોલોરાઈઝેશન, એટલે કે સામૂહિક ધ્રુવીકરણ પણ આ રીતે જ થાય છે. ટોળાંમાં રહેવાની જરૂરિયાતનાં કારણે, લોકો એકલા હોય તેની સરખામણીમાં ટોળાંમાં હોય ત્યારે વધુને વધુ આત્યંતિક વિચાર કે વર્તન તરફ ઢળે છે. દાખલા તરીકે, એકલો માણસ કોઈનું ખૂન કરતાં બે વાર વિચાર કરે, પણ તે જો હિંસક ટોળાંનો હિસ્સો હોય તો તેના માટે બે-ચાર ખૂન કરવાં આસાન હોય છે. બહુમતી લોકો જો કોઈ ચીજમાં માનતા હોય તો તે સાચી હોવી જોઈએ, પછી ભલે તથ્ય અને સત્ય જુદું હોય.

સાદી ભાષામાં, આને જ ઘેટાંવૃત્તિ કહે છે. એમાં સારું-ખરાબ કે સાચું-ખોટું અપ્રસ્તુત અને અતાર્કિક બની જાય છે. સત્ય સાથે એકલા અને અસુરક્ષિત રહેવા કરતાં જૂઠ સાથે ટોળાંમાં રહીને સુરક્ષિત રહેવાનું મોટાભાગના લોકો પસંદ કરે છે. એટલા માટે જ ભારતમાં વોટ્સએપ પર ફેલાયેલી એક અફવાનાં પગલે 20 લોકોના જીવ જતા રહ્યા હતા.

અગાઉ થિયેટરમાં રિલીઝ થયા પછી હવે ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર આવેલી, નિર્દેશક સુધીર મિશ્રાની વિચારોત્તેજક ફિલ્મ “અફવાહ”ના પ્રમોશનમાં એક ટેગલાઈન છે – “કિસી ભી કોને મેં છુપ જાઓ, અફવાહ તુમ્હે ઢૂંઢ નીકાલેગી.” આ લાઈનમાં ભારતની વર્તમાન પરિસ્થિતિની ઝાંખી છે. દેશના 75 કરોડ ઇન્ટરનેટ યુઝર્સમાંથી બહુમતી લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ડિજીટલ માધ્યમોથી આવેલી અફવાનો ભોગ બની ચુક્યા છે અને હજુ ય બની રહ્યા છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 16 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દેર આયે દુરુસ્ત આયે : EDના સંજય મિશ્રાને SCનું ગરગડિયું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 July 2023

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, આપણે આ જ સ્થાનેથી જોયું હતું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી જે નવ નેતાઓ શિંદે – ફડણવિસની સરકારમાં જોડાઈ ગયા, તેમાંથી ચાર સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) અથવા સી.બી.આઈ.ની તપાસ હતી. વિરોધ પક્ષોનો આરોપ છે કે ઈ.ડી.ની તપાસનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવામાં આવે છે. બળવો થયો પછી શરદ પવારે કહ્યું પણ હતું કે, “ઈ.ડી.ની તપાસથી પાર્ટીના ઘણા નેતાઓ ચિંતામાં હતા અને હવે એ લોકો અજીત પવાર સાથે ચાલ્યા ગયા છે.”

જે દિવસે એન.સી.પી.ના આ નેતાઓએ સરકારમાં સામેલ થવાના શપથ લીધા, તે જ દિવસે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે એક ખાનગી કેસમાં સુપ્રીમ કોર્ટના જજ સાહેબોને વિનવણી કરી રહ્યા હતા કે ઈ.ડી.ની અમાપ તાકાત પર લગામ લગાવી દો, નહીં તો લોકોને જીવવાનું ભારે થઇ પડશે.

હવે આ જ સુપ્રીમ કોર્ટે, ઈ.ડી.ના વડા સાહેબ સંજય કુમાર મિશ્રાનાં બે એક્સ્ટેન્શને કાનૂની રીતે અવૈદ્ય ગણાવીને, તેમને 31મી જુલાઈ પછી ઈ.ડી.ના ડિરેકટરની ખુરશી ખાલી કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે ગયા નવેમ્બર મહિનામાં, 1984 બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસના ઓફિસર એસ.કે. મિશ્રાને, 18 નવેમ્બર 2023 સુધી બીજી વાર ખુરશીમાં ચાલુ રહેવાનું કહ્યું હતું.

કાઁગ્રેસ પાર્ટીનાં જયા ઠાકુર અને તૃણમુલ કાઁગ્રેસનાં મહુઆ મોઇત્રા સહિતના અનેક અરજદારોની અરજીઓનો નિકાલ કરતાં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ, વિક્રમ નાથ અને સંજય કરોલની બેન્ચે 11 જુલાઈના રોજ, 8 સપ્ટેમ્બર 2021 પછીના મિશ્રાના એક્સ્ટેન્શને ગેરકાનૂની ઠરાવ્યું હતું.

ઈ.ડી.માં પ્રિન્સીપાલ સ્પેશ્યલ ડિરેકટર તરીકે કામ કરતા મિશ્રાને 19 નવેમ્બર 2018ના રોજ બે વર્ષ માટે ડિરેકટર બનાવામાં આવ્યા હતા. 13 નવેમ્બર 2020ના રોજ એ અવધિમાં સુધારો કરીને ત્રણ વર્ષ કરવામાં આવ્યાં હતાં.

કેન્દ્ર સરકારે એવો તર્ક રજૂ કર્યો હતો કે ઈ.ડી.ના ડિરેકટર પદે મિશ્રાનું એક્સ્ટેન્શન જનહિતમાં છે કારણ કે તેઓ અમુક અગત્યના કેસોનું મોનિટરિંગ કરી રહ્યા છે. સરકારે એમ પણ કહ્યું હતું કે એક્સ્ટેન્શનનો વિરોધ કરતી અરજી ‘વ્યક્તિગત હિત’માં કરાઈ છે એટલે તેને ખારીજ કરી નાખવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે મિશ્રાને ખુરશી ખાલી કરવાનું કહ્યું તેનાથી કેન્દ્ર સરકારને કેટલું ‘માઠું’ લાગ્યું છે તે ચુકાદો આવ્યો તેના ગણતરીના કલાકોમાં આવેલા ગૃહ મંત્રી અમિત શાહનું બયાન છે (નોંધ: ઈ.ડી.ના ડિરેકટર નાણાં મંત્રી સીતારમણના નિર્દેશમાં કામ કરે છે). ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ પર સામાન્ય રીતે સરકારના લોકો ‘અમે માનનીય અદાલતના ચુકાદાનું સન્માન કરીએ છીએ’ તેવું ઔપચારિક બયાન કરે છે, પણ ગૃહ મંત્રી ગળું ખંખેરીને બોલ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું;

“જે લોકો માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશ થાય છે તે ભ્રમમાં છે … મહત્ત્વનું એ નથી કે ઈ.ડી.ના ડિરેકટર કોણ છે કારણ કે પદ પર જે પણ હોય, તે વિકાસ વિરોધી માનસિકતાવાળા પરિવારવારવાદીઓના ભ્રષ્ટાચાર પર નજર રાખશે.”

તેના જવાબમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય કપિલ સિબ્બલે કહ્યું હતું, “તો પછી તમે તેમને (મિશ્રાને) ત્રીજું એક્સ્ટેન્શન કેમ આપ્યું હતું?” કાઁગ્રેસના નેતા સૂરજેવાળાએ કહ્યું હતું કે, “મિશ્રા સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ પછી, 17 નવેમ્બર 2021 પછી ઈ.ડી.એ લીધેલાં તમામ પગલાં ગેરકાનૂની અને અમાન્ય બની જાય છે.”

આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને તીખો સવાલ કર્યો હતો કે, “આ પદ પર એક વ્યક્તિ શા માટે અનિવાર્ય છે? શું સંસ્થામાં કોઈ બીજી વ્યક્તિ નથી જે આ કામ કરી શકે? તમે એમ કહેવા માંગો છો કે ઈ.ડી.માં કોઈ સક્ષમ વ્યક્તિ છે જ નહીં? એ નિવૃત્ત થશે ત્યારે એજન્સીનું શું થશે?”

નરેન્દ્ર મોદી સરકારની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એસ.કે. મિશ્રા મહત્ત્વના અધિકારી હતા. તેમના માત્ર ચાર વર્ષના કાર્યકાળમાં 65,000 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. ઈ.ડી.એ તેમની દેખરેખમાં 2,000થી વધુ દરોડાઓ અને સર્ચ ઓપરેશન કર્યાં હતાં. જો કે વિરોધ પક્ષોનો આરોપ છે કે સરકાર વિરુદ્ધ બોલતા લોકોને ચૂપ કરવા માટે અથવા ભા.જ.પ.માં જોડાઈ જવાનું દબાણ કરવા માટે ઈ.ડી.નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષો ઈ.ડી.ને ભા.જ.પ.નું વોશિંગ મશીન પણ કહે છે. મિશ્રાના કાર્યકાળમાં 100થી વધુ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.

ગયા એપ્રિલ મહિનામાં, 14 જેટલા વિરોધ પક્ષો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવીને ફરિયાદ કરી હતી કે કેન્દ્ર સરકાર તેમના નેતાઓને પરેશાન કરવા માટે ઈ.ડી. અને સી.બી.આઈ. જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરે છે. કોર્ટે ત્યારે કહ્યું કે તે વ્યક્તિગત કેસો પર તથ્યોના આધારે નિર્ણય કરી શકે, પરંતુ રાજકારણીઓ માટે અલગથી કોઈ માર્ગદર્શન આપી ન શકે. એ જ મહિનામાં, દિલ્હી વિધાનસભાએ ઈ.ડી.-સી.બી.આઈ.ના દુરપયોગ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો હતો. માર્ચ મહિનામાં બંગાળ વિધાનસભાએ પણ આવો જ પ્રસ્તાવ પસાર કર્યો હતો.

અહીં એક વિસ્તૃત પ્રશ્ન પણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ગેરઉપયોગ થતો હોવાના આરોપ અગાઉ કાઁગ્રેસની સરકારો પર પણ આરોપો લાગેલા છે. કટોકટી વખતે ઇન્દિરાપુત્ર સંજય ગાંધી સી.બી.આઈ.નો વડો હોય તે રીતે તેનો ગેરઉપયોગ કરતો હતો.

ઈ.ડી. અને સી.બી.આઈ. સંવેધાનિક સંસ્થાઓ નથી. તે શાસકીય આદેશો પર કામ કરે છે. પરિણામે તેને જે તે સરકારોના રાજકીય ઘોંચપરોણા વાગતા રહે છે. ભારતમાં આમ પણ રાજકીય ભ્રષ્ટાચાર સૌથી ટોચ પર છે (એશિયામાં સૌથી વધુ, 39 ટકા, લાંચ ભારતમાં લેવાય છે અને સૌથી વધુ, 46 ટકા, નાગરિકો અંગત લાગવગથી કામ કઢાવે છે) એટલે કેસોનો નિર્ણય તેની યોગ્યતા પર નહીં, પણ રાજકીય લાભાલાભ પર લેવાય છે.

આ એજન્સીઓ પાસે જરૂરી સ્વતંત્રતા નથી કે તેઓ પારદર્શી રીતે અને કાનૂનને વફાદાર રહીને અપરાધની છાનબીન કરે. ઉપરાંત, તે તેમના બજેટ માટે સરકારોની ‘દયા-માયા’ પર નિર્ભર હોય છે એટલે પ્રભાવશાળી રીતે કામ કરવાની તેની ક્ષમતાને અસર પડે છે.

આ એજન્સીઓ સામે પાંચ મુખ્ય ફરિયાદો છે :

1. રાજકીય વહાલાં-દવલાં : શાસક પક્ષો તેમના રાજકીય વિરોધીઓને ઠેકાણે પાડવા માટે એજન્સીઓનો ઉપયોગ કરે છે.

2. પારદર્શિતાનો અભાવ : એજન્સીઓ કેવી રીતે કામ કરે છે તેને લઈને સરકાર બહાર કોઈને કશી ખબર નથી. એટલે તેની જવાબદેહી પણ નક્કી થતી નથી.

3. સત્તાનો ગેરઉપયોગ : એવા ઘણા કિસ્સાઓ છે જેમાં એજન્સીઓએ તેમના અધિકાર ક્ષેત્રની બહાર જઈને વ્યક્તિઓને પરેશાન કર્યા હોય, ધમકાવ્યા હોય.

4. માનવાધિકારનો ભંગ : એજન્સીઓ ગેરકાનૂની અટકાયત, શારીરિક અત્યાચાર, કસ્ટોડિયન હિંસા જેવી બળજબરાઈ કરીને નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે.

5. ન્યાયમાં વિલંબ : એજન્સીઓ પર કોઈ સંવેધાનિક દબાણ ન હોવાથી તેની તપાસ વર્ષો સુધી અનિર્ણિત રહે છે જેનાં પરિણામે નિર્દોષ લોકો જો ઝપટે ચડી ગયા હોય તો વર્ષો સુધી ન્યાય વગર લટકી રહે છે.

આમાં મુખ્ય વાત એ છે કે જ્યાં સુધી આ એજન્સીઓ પારદર્શક વ્યવહાર નહીં કરે અને તેની સંવેધાનિક જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી તેનાં કામોમાં જનતાનો વિશ્વાસ પેદા નહીં થાય. જેમ ભારતમાં પોલીસની કાર્યાવાહી સંદિગ્ધતાના દાયરામાં રહે છે અને તેમાં તાતા પોલીસ રિફોર્મની જરૂર છે, તેવી રીતે આ કેન્દ્રીય એજન્સીઓને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવવા માટે તેની કામ કરવાની શૈલીમાં સુધારા કરવાની જરૂર છે.

ભૂતપૂર્વ ગૃહ સચિવ, જી.કે. પિલ્લાઇએ એક જગ્યાએ કહ્યું હતું કે, “તમામ એજન્સીઓના વડાઓ કાનૂન અને સંવિધાનથી બંધાયેલા છે. એજન્સીઓ જો કાનૂનનો ગેરઉપયોગ કરતી હોય, તો તેમની સામે કોર્ટે પગલાં ભરવાં જોઈએ. કોઈના સંવેધાનિક હક્કોનું ઉલ્લંઘન થતું હોય તો સજા થવી જોઈએ. વિભાગના વડાઓને એમનાં અપકૃત્યો માટે દંડ થવો જોઈએ.”

લાસ્ટ લાઈન:

“જ્યાં સુધી જનમતની પરવાનગી હોય, સરકારો હંમેશાં કાનૂનના તંત્રનો દુરપયોગ કરવાની.”

– એમિલ કપોયા, અમેરિકન પ્રકાશક

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 16 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...931932933934...940950960...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved