Opinion Magazine
Number of visits: 9666769
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇઝરાયેલના યહૂદી શાસકો તેમનો પોતાનો અતીત ભૂલી ગયા છે અને મુસલમાનો સાથે એ જ કરે છે જે ખ્રિસ્તી દેશોમાં તેમની સાથે થયું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2023

રમેશ ઓઝા

ઇઝરાયેલ અત્યારે જે સંકટનો સામનો કરી રહ્યું છે એવું સંકટ તો તેણે ત્યારે પણ નહોતું અનુભવ્યું, જ્યારે ઇઝરાયેલની નવી નવી સ્થાપના થઈ હતી. તે પશ્ચિમ એશિયાના દુ:શ્મન મુસ્લિમ દેશોથી ઘેરાયેલું હતું અને હજુ પા પા પગલી ભરતું હતું. હજુ તો દુનિયાભરમાંથી યહૂદીઓ ઇઝરાયેલમાં સ્થાયી થઈ રહ્યા હતા અને ઇઝરાયેલ બની રહ્યું હતું. કારણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી જગત બે છાવણીમાં વહેંચાઇ ગયું હતું અને ઇઝરાયેલને લોકશાહી મૂડીવાદી દેશોનો અને તેમાં પણ મુખ્યત્વે અમેરિકાનો ટેકો હતો. આ ઉપરાંત વિશ્વદેશોમાં વસતા શ્રીમંત અને વગદાર યહૂદીઓની લોબી બહુ પાવરફુલ હતી. આ સિવાય પણ એક બે કારણ હતાં. આરબ દેશોના શેખો અમેરિકનો સાથે મળીને ખનીજ તેલનો ધંધો કરતા હતા અને વૈભવી, વૈભવી નહીં, ઐયાશી જીવન જીવતા હતા. ઇઝરાયેલનો સામનો કરવા માટે જે સંકલ્પશક્તિ જોઈએ એ તેમનામાં નહોતી. આ બાજુ ઇસ્લામિક દેશોમાં સમાજવાદ-સામ્યવાદના આધુનિક મૂલ્યોનાં અંકુર ફૂટે એવી કોઈ શક્યતા નહોતી એટલે સામ્યવાદી દેશોને, રશિયાને આરબ વિશ્વમાં જેટલો હોવો જોઈએ એટલો રસ નહોતો.

એટલે તો ૧૯૬૭માં માત્ર છ દિવસમાં ઇઝરાયેલે તેનાં પર આક્રમણ કરનારા મુસ્લિમ દેશોને પરાજિત કર્યા હતા અને તેની જમીન કબજે કરી હતી અને એમાંની ૯૦ ટકા જમીન આજે પણ ઇઝરાયેલના કબજામાં છે. વાત માત્ર એટલેથી પૂરી થતી નથી. ઇઝરાયેલ ધીરેધીરે આરબોની ભૂમિ છીનવી રહ્યું છે અને આરબોને એ ભૂમિમાંથી ખદેડી રહ્યું છે. આખી ગાઝા પટ્ટી ઇઝરાયેલની ઓપન જેલ તરીકે ઓળખાય છે, જ્યાં તેનાં મૂળ વતનીઓ પોતાની ભૂમિમાં કેદીનું જીવન જીવી રહ્યા છે. ઇઝરાયેલને એવો નશો છે કે કોઈ મુસ્લિમ દેશ તેનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. આમાં ઇઝરાયેલના શાસકોનું એ તરફ ધ્યાન ન ગયું કે જગત બદલાઈ રહ્યું છે. જગત દ્વિધ્રુવીય નથી રહ્યું, પણ અનેક છાવણીઓમાં વહેંચાઇ ગયું છે. આમાં સૌથી શેતાની છાવણી રશિયા અને ચીનની છે જેમાં હવે ગામના ઉતાર સમાન કીમ જોંગ ઉનનું ઉત્તર કોરિયા જોડાયું છે. આ બદલાયેલા વિશ્વનો બોલકો દાખલો રશિયા-યુક્રેન યુદ્ધ છે. નથી અમેરિકા અને નાટોના સભ્ય દેશો યુક્રેનને જીતાડી શકતા કે નથી રશિયા યુક્રેનને હરાવી શકતું. એમાં હવે ચીને ગયા એપ્રિલ મહિનામાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાવી છે જે દાયકા પહેલાં અસંભવ લાગતી હતી. અત્યારે ઈરાન પણ ઇઝરાયેલની સામે આરબ દેશો સાથે ઊભુ છે. આજે જગત બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે.

આજે ઇઝરાયેલ સામે વરવી વાસ્તવિકતા એ છે કે ૧૯૬૭ના સિક્સ ડેઝ વૉરની જ્વલંત કીર્તિ ધરાવતું ઇઝરાયેલ માત્ર ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસ નામના એક જૂથ સામે આજે આ લખી રહ્યો છું ત્યારે ૧૧ દિવસથી લડી રહ્યું છે અને હજુ વિજય નજરે પડતો નથી, જ્યારે કે ૧૯૬૭માં ઈજીપ્ત સહિત મુસ્લિમ દેશો સંગઠિત રીતે ઇઝરાયેલ સામે યુદ્ધમાં ઉતર્યા હતા. આ બાજુ સાઉદી અરેબિયાના શાસક પ્રિન્સે અમેરિકાના વિદેશ પ્રધાનને ૧૫ કલાક મુલાકાત આપી નહોતી અને હોટેલમાં બેસાડી રાખ્યા હતા. વાચકોને એ વાતની જાણ તો હશે જ કે હમણાં સુધી સાઉદી અરેબિયા અમેરિકાના પીઠ્ઠું તરીકેની ખ્યાતિ ધરાવતું હતું. અને હવે ખબર આવ્યા છે કે સાઉદી અરેબિયા સહિતના આરબ દેશોએ અમેરિકાના પ્રમુખ જો બાયડનને મળવાની પણ ના પાડી દીધી છે. પ્રચંડ હુમલાઓ છતાં હમાસ બાન પકડેલા ત્રણસો જેટલા ઇઝરાયેલીઓને છોડતું નથી. હમાસે જેમને બાનમાં રાખ્યા છે એમાં ત્રીસ અમેરિકન નાગરિકો પણ છે. આમ જગતમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે, પણ ઇઝરાયેલ તેને સમજવાની જગ્યાએ હજુ તેની જૂની દાદાગીરી, જોહૂકમી અને સરકારી ત્રાસવાદની પ્રવૃત્તિ છોડતું નથી. એમાં ઇઝરાયેલના વર્તમાન વડા પ્રધાન એક જંગલી અને ઝનૂની શાસક છે.

જી હા, ત્રાસવાદ. ઇઝરાયેલ જે કરી રહ્યું છે એ એક રાજ્ય દ્વારા કરવામાં આવતી ત્રાસવાદી પ્રવૃત્તિ છે. હમાસનો ઇઝરાયેલ પરનો હુમલો ત્રાસવાદી જવાબ માત્ર છે. વાચકોને મારી સલાહ છે કે ઈન્ટરનેટ પર જઇને ૧૯૪૮માં જ્યારે ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારનો ઇઝરાયેલનો નકશો જુઓ અને અત્યારનો ઇઝરાયેલનો નકશો જુઓ. એમાં આરબોની કબજે કરવામાં આવેલી ભૂમિ સહિતનો ઇઝરાયેલનો નકશો જોવા મળશે. ઇઝરાયેલ આરબોની, મુખ્યત્વે પેલેસ્ટાઇનની ભૂમિ કબજે કરી રહ્યું છે, પોતાને વિસ્તારી રહ્યું છે અને ત્યાંની પ્રજાને ખદેડી રહ્યું છે. આગળ કહ્યું એમ આખેઆખી ગાઝા પટ્ટી ઇઝરાયેલની ઓપન જેલ છે. કયા અધિકારથી ઇઝરાયેલ આ કરી રહ્યું છે અને તેમાં કઈ નૈતિકતા છે? અને એ પણ દાયકાઓથી બેશરમપણે. એમાં કોઈ શંકા નથી કે ઇઝરાયેલ એક ત્રાસવાદી રાજ્ય છે.

હકીકત તો એ છે કે યહૂદીઓએ પોતાના વતનને છોડીને નાસવું પડ્યું અને જગતમાં જે તે દેશોમાં જઇને વસવું પડ્યું એને માટે મુસલમાનો જવાબદાર નહોતા. ઇસ્લામની સ્થાપના તો યહૂદીઓને સતાવવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ બની એની સદીઓ પછી થઈ હતી. હકીકત તો એ પણ છે મધ્યકાલીન યુરોપમાં કેથલિક ચર્ચની સંમતિ સાથે, કહો કે આદેશ સાથે, યહૂદીઓને યુરોપના જે તે દેશોમાં સતાવવામાં આવતા હતા ત્યારે કેટલાક યહૂદીઓએ ભાગીને પશ્ચિમ એશિયાના મુસ્લિમ દેશોમાં આશરો લીધો હતો અને મુસ્લિમ દેશોએ તેમને ધીમ્મી તરીકે માન્યતા આપીને આશ્રય આપ્યો હતો. ધીમ્મી એ છે જે કિતાબી ધર્મને અનુસરે છે અર્થાત્ માત્ર એક ધર્મગ્રન્થને અનુસરે છે, પણ કુરાનને નથી અનુસરતા. આ જગતમાં ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસલમાનો કિતાબી પ્રજા છે. ટૂંકમાં ઇસ્લામ મુજબ ધીમ્મી ઈશ્વરે પસંદ કરેલી શ્રેષ્ઠ પ્રજા ભલે નથી, પણ સાવ કનિષ્ઠ પણ નથી. કુરાન મુજબ તેઓ આશ્રય અને સંરક્ષણના અધિકારી છે. એટલે તો બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદીઓને પેલેસ્ટાઇનમાં વસાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કેટલાક લોકોએ આરબોને ધીમ્મીની યાદ અપાવી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે યહૂદીઓનું જાતિનિકંદન કરનાર હિટલર ખ્રિસ્તી હતો, મુસલમાન નહોતો. ટૂંકમાં સદીઓ જૂનું વૈમનસ્ય ખ્રિસ્તીઓ અને યહૂદીઓ વચ્ચે હતું, મુસલમાનો અને યહૂદીઓ વચ્ચે નહોતું.

હકીકત તો એ પણ છે કે ખ્રિસ્તીઓ પોતાના દેશમાંથી યહૂદીઓને ખદેડવા માગતા હતા અને તેમાં બીજા વિશ્વયુદ્ધ પછી તેમને મોકો મળી ગયો. શા માટે ખ્રિસ્તી દેશો યહૂદીઓને ખદેડવા માંગતા હતા? કારણ કે યહૂદીઓ વેપારી પ્રજા હતી, લગભગ દરેક દેશમાં પ્રજાનું શોષણ કરતા હતા, યહૂદીઓ પોતાના વાડા (ડાયસ્પોરા) બનાવીને રહેતા હતા, અન્ય પ્રજા સાથે ભળતા નહોતા અને ચોવીસે કલાક જેરુસલેમ માટે ઝૂરતા હતા, તેનું રટણ કરતા હતા. તેઓ જે દેશમાં રહેતા હતા તેને વફાદાર નહોતા એવો તેમના ઉપર આરોપ કરવામાં આવતો હતો. વિનાયક દામોદર સાવરકરની થિયરી મુજબ જે પ્રજાની પવિત્ર ભૂમિ અન્યત્ર કોઈ બીજા દેશમાં હોય તેની વફાદારી શંકાસ્પદ હોય છે. યહૂદીઓની પવિત્ર ભૂમિ પેલેસ્ટાઇન હતી એટલે હિન્દુત્વવાદીઓ જેમ મુસલમાનોને ભરોસાપાત્ર નથી માનતા તેમ કેટલાક ખ્રિસ્તીઓ યહૂદીઓને ભરોસાપાત્ર નહોતા માનતા. બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદીઓની ઇઝરાયેલની મંશા પૂરી કરીને ખ્રિસ્તીઓએ ટાઢે પાણીએ ખસ કાઢી હતી.

તો આનો અર્થ એ થયો કે પાડાને વાંકે પખાલીને ડામ આપવામાં આવે એમ પેલેસ્ટાઇનની પ્રજાને ડામ આપવામાં આવ્યો હતો. પાછો એટલાથી સંતોષ નથી. ૧૯૪૮થી ઇઝરાયેલ પાડોશી દેશોના મુસલમાનોને સતાવે છે. તેને હેરાન કરીને ખદેડે છે. તેમની જમીન આંચકે છે. વરસોવરસ વિસ્તાર વધારીને પહોળું થતું જાય છે. બેશરમપણે ત્રાસવાદી પ્રવૃત્તિ કરે છે. ઇઝરાયેલના યહૂદીઓ તેમનો પોતાનો અતીત ભૂલી ગયા છે અને મુસલમાનો સાથે એ જ કરે છે જે ખ્રિસ્તી દેશોમાં તેમની સાથે થયું હતું.

પણ દરેક ચીજનો અંત હોય છે. જો નાગાઈ ચિરંજીવ હોત તો ઋષિઓએ, પેગંબરોએ અને ફિલસૂફોએ નાગાઈનો મહિમા કર્યો હોત. તેમણે તો સત્ય, મર્યાદા અને નૈતિકતાનો મહિમા કર્યો છે. જો નાગાઈ અંતિમ સાધન હોત તો આ જગત જીવવા જેવું ન રહેત, માનવપ્રજા ક્યારની ખપી ગઈ હોત. માટે ગાંધીજીએ યહૂદીઓને સલાહ આપી હતી કે જ્યાં રહો છો ત્યાંથી જ ઈશ્વર સમીપે રહી શકાય છે, પણ જો તમારે તમારી પવિત્ર ભૂમિમાં જઇને રહેવું જ હોય તો પેલેસ્ટેનિયન બનીને રહો. કોણ આવીને રહેવાની ના પાડે છે? ઇઝરાયેલની સ્થાપના થઈ એનાં પહેલાં અનેક યહૂદીઓ પેલેસ્ટાઇનમાં જઇને વસ્યા હતા અને બીજા કેટલાક નિવૃત્તિ પછી જેરુસલેમ જઇને બાકીનું જીવન ગાળતા હતા. આમાં યહૂદીઓ માટે અલગ દેશની જરૂર ક્યાં પડી? અને અંતે પાડોશીનો પ્રેમ જીત્યા વિના માત્ર બાહુબળના જોરે તમે સુખેથી જીવી શકશો એમ જો તમે માનતા હો તો એ એક ભ્રાંતિ છે.

ઇઝરાયેલના અતિરેક દિનપ્રતિદિન વધી રહ્યા છે, મુસલમાનોની સહનશક્તિનો અંત આવી રહ્યો છે, પેલેસ્ટાઇનના આરબો કેસરિયા કરવાના મિજાજમાં છે અને જગતનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. સમય સતત બદલાતો રહેતો હોય છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 22 ઑક્ટોબર 2023

Loading

નોબેલ પુરસ્કાર: અમેરિકા કેમ ઇમિગ્રન્ટ બૌદ્ધિકો માટે સ્વર્ગ સમાન છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 October 2023

રાજ ગોસ્વામી

2023ના નોબેલ પુરષ્કાર વિજેતાઓ ગયા અઠવાડિયે જાહેર થઇ ગયા છે. સ્વીડિશ એકેડેમી દર વર્ષે કુલ 7 ક્ષેત્રો – કેમેસ્ટ્રી, ફીઝિક્સ, ઇકોનોમિકસ, ફીઝિઓલોજી, મેડિસિન, સાહિત્ય અને અને શાંતિ માટે નોબેલ પુરષ્કાર આપે છે. તેના વિજેતાઓની સૂચિ વિવિધ ક્ષેત્રો અને વિદ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તે બધા માનવતાની પ્રગતિમાં તેમના અસાધારણ યોગદાનથી જોડાયેલા છે. તેમનાં કામથી આપણી આસપાસની દુનિયાની અંગેની આપણી સમજણ અને આપણા સમયના કેટલાક પડકારોને ઉકેલવાની ક્ષમતા પર ઊંડી અસર પડે છે.

નોબેલ પુરસ્કાર એ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જે સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરે છે. સ્વીડિશ ઉદ્યોગપતિ અને શોધક આલ્ફ્રેડ નોબેલની ઇચ્છાના આધારે નોબેલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

આ વખતના પુરસ્કારોમાં, અમેરિકાના કુલ છ વૈજ્ઞાનિકોને મેડિસિન, કેમેસ્ટ્રી ને ફીઝિક્સના ક્ષેત્રમાં નવીન સંશોધન કરવા બદલ નવાજવામાં આવ્યા છે. એ છમાંથી ચાર વૈજ્ઞાનિકો ઇમિગ્રન્ટ છે, મતલબ કે બીજા દેશમાંથી આવીને અમેરિકામાં સ્થાયી થયા છે.

જેમાં કેટલીન કારિકો અને ડ્રૂ વેઇઝમેનને ન્યુક્લિયોસાઇડ બેઝ ફેરફારો સંબંધિત તેમની શોધો માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેણે કોવિડ-19 સામે અસરકારક એમ.આર.એન.એ. રસીના વિકાસને સક્ષમ બનાવ્યો હતો.

કારિકોએ હંગેરીમાં પીએચ. ડી. કર્યું હતું, પણ તે ત્યાંના સામ્યવાદી શાસન હેઠળ કામ કરવા માંગતી નહોતી અને યુનાઇટેડ સ્ટેટ્સ આવીને પોસ્ટડૉક્ટરલ સંશોધક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. મોંગી બી. બાવેંડી (ફ્રાન્સ) અને એલેક્સી આઈ. એકિમોવ (ભૂતપૂર્વ સોવિયત સંઘ) નામના બે ઇમિગ્રન્ટ્સને અમેરિકાના લુઇસ ઇ. બ્રુસ સાથે રસાયણશાસ્ત્રમાં 2023નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

ચોથા વિજેતા, પિયર એગોસ્ટિનીએ ફ્રાન્સથી અમેરિકા સ્થળાંતર કર્યું. તેઓ 2005માં ઓહિયો રાજ્યમાં આવ્યા હતા અને હવે ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર એમેરિટસ છે. એગોસ્ટિનીએ બે ફ્રેન્ચ વૈજ્ઞાનિકો સાથે ભૌતિકશાસ્ત્રમાં 2023નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આ ચાર ઇમિગ્રન્ટ્સની વાર્તા સાબિત કરે છે કે અમેરિકા કેવી રીતે બીજા દેશોની પ્રતિભાઓ માટે શ્રેષ્ઠ જગ્યા છે. 2016માં, અમેરિકાના ફાળે કુલ છ નોબેલ પુરસ્કાર અંકિત થયા હતા અને એ તમામ વિજેતાઓ ઇમિગ્રન્ટ્સ હતા.

કેમેસ્ટ્રીના વિજેતા જે. ફ્રેસર સ્ટોડાર્ટ સ્કોટલેંડમાં જન્યા હતા, ફીઝિક્સના વિજેતાઓ ડંકન એમ. હાલ્ડાને, ડેવિડ થોલેસ અને માઈકલ કોસ્ટેર્લીત્ઝ અનુક્રમે બ્રિટન, સ્કોટલેંડ અને જર્મન મૂળના હતા. અર્થશાસ્ત્રમાં નોબેલ વિજેતા ઓલિવર હાર્ટ જર્મન મૂળના હતા અને બ્રિટનમાં જન્મ્યા હતા.

વાસ્તવમાં, નોબેલ પુરસ્કારોમાં અમેરિકાના ઇમિગ્રન્ટ્સનો કાયમ દબદબો રહ્યો છે. પાછલા વર્ષોના અમેરિકન નોબેલ વિજેતાઓ અંગે કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, અમેરિકાના વૈજ્ઞાનિક ક્ષેત્રે ઇમિગ્રન્ટ વૈજ્ઞાનિકોએ મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું છે. એમાં ય છેલ્લા બે દાયકામાં ઘણો વધારો થયો છે.

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી નામના એક સંગઠને કરેલા વિશ્લેષણ અનુસાર, કેમેસ્ટ્રી, મેડિસિન અને ફીઝિક્સમાં 2000ની સાલથી અત્યાર સુધીમાં અમેરિકાના ફાળે 112 નોબેલ પુરસ્કાર ગયા છે, જેમાંથી 40 પ્રતિશત, એટલે કે 45 વૈજ્ઞાનિકો ઇમિગ્રન્ટ્સ હતા. 1901માં નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત થઇ ત્યારથી 2023 સુધીમાં આ ત્રણે ક્ષેત્રોમાં અમેરિકાના નામે કુલ 319 નોબેલ અંકિત થયાં હતાં અને તેમાં 36 પ્રતિશત, એટલે કે 115 વૈજ્ઞાનિક ઇમિગ્રન્ટ્સ હતા.

2016માં, અમેરિકન પ્રમુખ પદ માટેની ચૂંટણીના પ્રચારમાં રિપલ્બિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જોરશોરથી એવું કહેતા હતા કે તેઓ જો ચૂંટાશે, તો અમેરિકામાં આવતા અને રહેતા ઇમિગ્રન્ટ્સ પર તવાઈ લાવશે, કારણ કે ઇમિગ્રન્ટ્સ અમેરિકાને નબળું પાડી રહ્યા છે.

એ જ વર્ષે અમેરિકાના છએ છ નોબેલ વિજેતા ઇમિગ્રન્ટ્સ નીકળ્યા. તેમાંના એક, કેમેસ્ટ્રી વિજેતા ફ્રેસર સ્ટોડાર્ટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “આ વખતના પુરસ્કારથી આખી દુનિયામાં એક ચોટદાર સંદેશો જવો જોઈએ કે વિજ્ઞાન વૈશ્વિક ક્ષેત્ર છે.”

યુનાઇટેડ સ્ટેટ્સ લાંબા સમયથી સમગ્ર વિશ્વના ઇમિગ્રન્ટ્સ માટે આકર્ષક સ્થાન રહ્યું છે, પણ એ દેશમાં એવું તે શું વિશેષ છે કે બૌદ્ધિકો અને વિદ્વાનો પણ ત્યાં જ જવાનું પસંદ કરે છે એટલું જ નહીં, ત્યાં જઈને શાનદાર પ્રગતિ કરે છે? તેનાં મુખ્ય 5 કારણો છે :

1. શૈક્ષણિક તકોઃ યુ.એસ.માં અસંખ્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે સમૃદ્ધ અને વૈવિધ્યસભર શૈક્ષણિક વાતાવરણ છે. આ સંસ્થાઓ ટોચના વિદ્વાનોને આકર્ષે છે અને શૈક્ષણિક શાખાઓ સંશોધનની તકો પ્રદાન કરે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો આ શૈક્ષણિક વાતાવરણનો લાભ લઈને તેમના સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાનની પ્રગતિમાં ફાળો આપે છે.

2. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ યુ.એસ. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે. તેનાથી ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને તેમના દેશોની જેમ સતાવણી અથવા સેન્સરશીપનો સામનો કરવો પડતો નથી. આ સ્વતંત્રતા બૌદ્ધિક સંવાદ અને નવીન વિચારોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. 

3. સાંસ્કૃતિક વિવિધતાઃ યુ.એસ. સંસ્કૃતિઓ અને વંશીયતાનું મિશ્રણ છે, જે તેને ઇમિગ્રન્ટ બૌદ્ધિકોના વિકાસ માટે આદર્શ બનાવે છે. પરિપ્રેક્ષ્યો અને અનુભવોની વિવિધતા બૌદ્ધિક પ્રવૃત્તિઓને સમૃદ્ધ બનાવે છે અને વૈશ્વિક મુદ્દાઓની વ્યાપક સમજણને પ્રોત્સાહન આપે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો તેમના અનન્ય પરિપ્રેક્ષ્યો અને આંતરદૃષ્ટિમાં યોગદાન આપે છે, જે વિવિધ ક્ષેત્રોમાં નવીન ઉકેલો અને પ્રગતિ તરફ દોરી જાય છે.

4. ઉદ્યોગસાહસિક તકોઃ યુ.એસ. તેની ઉદ્યોગસાહસિક ભાવના અને નવીનતા સંચાલિત અર્થતંત્ર માટે જાણીતું છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો ઘણીવાર જે નવા વિચારો, કુશળતા અને દૃષ્ટિકોણ લાવે છે, તે નવા વ્યવસાયો, તકનીકીઓ અને ઉદ્યોગોના નિર્માણમાં ફાળો આપે છે. અમેરિકા ફંડ, માર્ગદર્શન અને નેટવર્કિંગની તકો સાથે ઉદ્યોગસાહસિકતા માટે સહાયક વાતાવરણ પ્રદાન કરે છે.

5. સંસાધનોની પહોંચઃ યુ.એસ. ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને અત્યાધુનિક સુવિધાઓ, પુસ્તકાલયો, સંશોધન અનુદાન અને ભંડોળની તકો પૂરી પાડે છે. આ સંસાધનો તેમને તેમના સંશોધનોને આગળ વધારવા, પ્રયોગો કરવા અને તેમના તારણો પ્રકાશિત કરવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં, યુ.એસ. સંશોધન અનુદાન, ફેલોશિપ અને શિષ્યવૃત્તિ સહિત એક મજબૂત શૈક્ષણિક સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરે છે, જે ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને તેમના શૈક્ષણિક લક્ષ્યોને આગળ વધારવામાં મદદ કરી શકે છે.

એકંદરે, યુ.એસ. તેની શૈક્ષણિક તકો, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા, ઉદ્યોગસાહસિક ભાવના, સહયોગી સંશોધન વાતાવરણ અને સંસાધનોની પહોંચ સાથે ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો અમેરિકન સંસ્કૃતિ અને સમાજમાં તેમના યોગદાન માટે મૂલ્યવાન છે, અને તેમની હાજરી દેશના બૌદ્ધિક વાતાવરણને સમૃદ્ધ બનાવે છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મધ્યકાલીન ગુજરાતી કાવ્યસરિતામાંથી એક આચમન  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|22 October 2023

પુસ્તક પરિચય

અગ્રણી વિવેચક-સંપાદક રમણ સોની સંપાદિત ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ નામના માતબર સંચયમાં 130 કવિઓના પાચસો કરતાં વધુ પદો, તેમ જ પ્રેમાનંદના ‘ઓખાહરણ’ કે ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો સહિત સાઠ જેટલી પદ્યવાર્તાઓ/લાંબી કૃતિઓના અંશો મળે છે.

રમણભાઈ ‘સંપાદકીય’માં નોંધે છે : ‘આ સંપાદનમાં કાવ્યગુણે વધુ આકર્ષક હોય એવી કૃતિઓ અને એવાં કવિઓ વિશેષ પસંદ કરેલાં છે. પસંદગી અલબત્ત, ચુસ્ત નહીં પણ મોકળાશવાળી રાખી છે, જેથી સમગ્ર મધ્યકાલીન કવિતાનું યોગ્ય પ્રતિનિધિત્વ ઊપસી રહે.’

ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ બારમી સદીમાં થઈ ગયેલા હેમચંદ્રાચાર્યથી 1853માં અવસાન પામેલાં દયારામ સુધીનો ગણાય છે. સાતેક સદીનો આ ગાળો અનેક રાજકીય ઊલથપાથલો, ધર્મપરાયણતા અને ભક્તિભાવથી ઓતપ્રોત હતો.

સાડા સાતસો પાનાંના સુઆયોજિત અને એકંદરે સમાવેશક સંગ્રહમાં બહોળું વૈવિધ્ય છે. નરસિંહ, મીરાં, દયારામ સહિતના ભક્તિકવિતાનાં આઠ-દસ રચયિતાં છે. અખો તો  હોય જ, પણ તેના પૂર્વેના માંડણ-નરહરિ-બુટો સહિતના જ્ઞાનમાર્ગીઓ છે.

આખ્યાનકારોમાં ભાલણ, દેહલ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની તેમ જ અન્ય છે. સ્ત્રીઓનું સ્થાન ગૌણ હતું તે સદીઓમાં ગવરીબાઈ, ગંગાસતી, લોયણ, જાનકીબાઈ, કૃષ્ણાબાઈ, લીરલબાઈ, રતનબાઈ, રૂપાંદેએ સુંદર ભક્તિરચનાઓ આપી છે.

મધ્યયુગ દરમિયાન છએક સદીઓની મુસ્લિમ સત્તા અને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયના ગાળામાં રાજે, નબી મિયાં, મીઠો, હોથી, જેસલપીર, મંહમદશા કાઝી જેવાએ કૃષ્ણકીર્તન, પ્રેમભક્તિ અને તત્ત્વદર્શનની રચનાઓ લખી છે. ત્રિકમ, લખીરાજ અને કરમણ અંત્યજ મનાતા વર્ગના છે.

કબીરસાહેબના પ્રભાવ હેઠળના અઢારમી સદીના પૂર્વાર્ધના રવિભાણ સંપ્રદાયના કવિઓ જેમના નામ પછી ‘સાહેબ’ લખવાની પ્રણાલી છે – ભાણ, ખીમ, રતન, ભીમ, મોરાર, પીર તરીકે પૂજાતા જેસલ અને કતીબશા પીર.

મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આરંભ નરસિંહ પહેલાંના અપભ્રંશ ભાષામાં લખનારા હેમચન્દ્રાચાર્ય અને એમના પછી પંદરમી સદીના પૂર્વાર્ધ સુધી મારુ-ગુર્જર ગુજરાતીમાં લખનારા દસેક જૈન કવિઓથી થાય છે. તેમના અનુગામીઓ પછીની દરેક સદીમાં મળતા રહે છે.

સાધુ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, વેદાન્તી, બ્રાહ્મણ એવી ઓળખ પણ સંપાદક આપે છે. ચારણી પરંપરાની કવિતા નામે અલગ પ્રકરણમાં છ કવિઓની રચનાઓ મળે છે.

સદીઓ મુજબ બનાવવામાં આવેલા અનુક્રમમાં દરેક પ્રકરણની અંદરનો ક્રમ તેમાં સમાવિષ્ટ કવિઓને જન્મના વર્ષ પ્રમાણેનો છે. જેમના જીવનકાળની સ્પષ્ટ વિગતો મળતી નથી એવા અઢાર કવિઓનું અલગ પ્રકરણ છે. કવિઓ કયા પ્રવાહના છે તે સંપાદકે દરેક કવિની રચનાઓ પહેલાં મૂકેલા વિદ્વતાપૂર્ણ છતાં મિતાક્ષરી કર્તાપરિચયમાંથી મળે છે.

શરૂઆતની સદીઓની કવિતાનું ભાષારૂપ કંઈક અપરિચિત છે, એટલે એવી કૃતિઓ સાથે સંપાદકે સહાયક સારઅનુવાદ મૂક્યા છે. જો કે એ નરસિંહ મહેતા પહેલાંના સમયમાં લખાયેલી વસંતવિલાસ (અજ્ઞાત કવિ), હંસાઉલી (અસાઇત), રણમલ્લ છંદ (શ્રીધર વ્યાસ), ત્રિભુવનદીપક પ્રબંધ’ અને હીરાણંદ (વિદ્યાવિલાસ પવાડુ) રચનાઓના અંશો સાથે પણ મૂકવાની જરૂર હતી.

સંપાદકે મધ્યયુગીન સાહિત્યનું સ્વરૂપવૈવિધ્ય પણ સુપેરે બતાવ્યું છે. એટલે અહીં પદ, આખ્યાન, ગરબા, ભજન તો હોય જ; પણ ઓછા જાણીતા કાવ્યપ્રકારો સંચયનો વિશેષ છે.

તેમાં જિનપદ્યસૂરિના ફાગુ છે. તેમના પછીના ઇન્દ્રાવતી, ઉદયરત્ન અને કર્પૂરશેખર જેવા અન્ય જૈન કવિઓ પાસેથી ઋતુકાવ્યોના વર્ગમાં આવતી બારમાસી(સા) મળે છે.

પ્રેમલક્ષણાભક્તિના પદકવિ રત્ના પાસેથી ‘મહિના’ મળે છે. અઢારમી સદીના પ્રીતમે તેના પુરોગામી અખાની જેમ ‘જ્ઞાનમાસ’ આપ્યા છે જેમાં જ્ઞાનનો ઉપદેશ બારમાસીમાં ગૂંથવામાં આવ્યો હોય.

ગીતાકાવ્યના સ્વરૂપમાં ‘ભ્રમરગીત’ (બ્રેહેદેવ), ‘જ્ઞાનગીતા’ (નરહરી) અને ‘અખેગીત’ છે. દુહા અને રાસને સામાન્ય રીતે સૌરાષ્ટ્રના લોકસાહિત્ય સાથે જોડવામાં આવે છે, દુહામાં સહુથી પ્રાચીન રચનાઓ પાટણના હેમચન્દ્રાચાર્યે આપી છે. એમાં તેમના પછી શાલિભદ્રસૂરિ અને હિરાણંદ છે.

પુરીબાઈ પાસેથી વિવાહલઉ, અને ગોપાળદાસ પાસેથી સાખીઓ તેમ જ ચાબખા મળે છે. પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’ના અને એકાધિક આખ્યાન કાવ્યોના હિસ્સા સમાવિષ્ટ છે. વલ્લભ ભટ્ટના ત્રણ લાક્ષણિક ગરબા છે.

કવિતનો એકમાત્ર દાખલો બારમી સદીના પૂર્વાર્ધની, જેસલમેરની પિતાપુત્ર બેલડી અણંદ-કરમાણંદ મિસણની રચનાઓમાં મળે છે.

જો કે કેટલીક વાર કવિઓના પરિચયમાંથી જાણવા મળતું સ્વરૂપ વૈવિધ્ય તેમની રચનાઓમાં દેખાતું નથી, મોટે ભાગે પદો જ મળે છે. ધીરો ભગત, હરિદાસ, નિરાંત અને બાપુસાહેબની રચાઓની પસંદગીમાં આ જોવા મળે છે.

સંચયનો આખરી વિભાગ લોકગીતોનો છે. સંપાદક સ્પષ્ટતા કરે છે : ‘… લોકગીતો અર્વાચીન સમય-સંસ્કૃતિ પૂર્વેનું – મધ્યકાલીન કાવ્યસ્વરૂપ ગણાય એથી એને અહીં સ્થાન આપ્યું છે.’ એટલે અહીં  ‘એક વણઝારી ઝીલણ ઝીલતી’તી’, ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ’, જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’, ‘ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર!’, ‘મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ’, ‘સોનાવાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા’ જેવાં લોકગીતો વાંચવા મળે છે.

અત્યારે નવરાત્રીમાં આ બધાં અને બીજાં ગીતો / આરતીઓ / સ્તવનો સાંભળીએ ત્યારે તે મૂળ પાઠથી કેટલાં જુદાં પડે છે તે જોવું  રસપ્રદ બને છે.

સંપાદકના પોતાની રીતે સૌંદર્યપૂર્ણ પ્રવેશકનો વ્યાપ મધ્યકાલીન સાહિત્યની ઐતિહાસિક રાજકીય-સામાજિક ભૂમિકા જોતા મર્યાદિત લાગે છે. મધ્યયુગ દરમિયાન થયેલા ચાર સત્તાપલટા અને  ધાર્મિક પરિબળોની તેના સાહિત્યની ભાતીગળતાની સાથેનો ઘનિષ્ઠ  સંબંધ ઉપસાવવાની જરૂર હતી.

આ કામ સહુથી નોંધપાત્ર રીતે બે લખાણોમાં જોવા મળે છે : એક, અનંતરાય રાવળનું પુસ્તક ‘મધ્યકાલીન સાહિત્ય’(1976)નું બીજું પ્રકરણ; અને બે, મધ્યયુગીન ભારતીય સાહિત્યના અંગ્રેજી અનુવાદોના સાહિત્ય અકાદમી, દિલ્હીએ Medieval Indian Literature : An Anthology (1997) નામે પ્રસિદ્ધ કરેલા ત્રણ ખંડોના સંપુટમાં ગુજરાતી વિભાગના સંપાદક તરીકે ચીમનલાલ ત્રિવેદીએ પહેલાં ખંડમાં અંગ્રેજીમાં લખેલો સાઠ પાનાંનો પ્રવેશક.

આ બંને પ્રવેશકોમાંથી પસાર થતાં, રમણભાઈના સંપાદન ‘પૂર્વરંગમાં’ અપેક્ષિત મુદ્દા ધ્યાનમાં  આવે છે. તદુપરાંત, ગ્રંથનામ સૂચિ, ઉલ્લેખસૂચી તેમ જ પાનાં પરના કવિઓના નામના ફૂટર (footer) આ સંદર્ભ ગ્રંથને વધુ reader-friendly બની શક્યા હોત.

મધ્યકાલીન સાહિત્યના અનેક સંપાદનોમાં કઠિન શબ્દોની સૂચિ હોતી નથી, જે રમણભાઈના આ સંપાદનમાં પણ નથી. જયંત મેઘાણીએ મેઘાણી-સાહિત્યના દૃષ્ટાંત સમા સંપાદનમાં આ દરકાર રાખી છે. બીજા દાખલા પણ મળી શકે. ખુદ રમણભાઈએ ‘કુંવરબાઇનું મામેરું’ના સંપાદનમાં શબ્દાર્થ આપ્યા છે.

કઠિન શબ્દોની સૂચિ મધ્યકાલીન સાહિત્યના બહુ જ આરંભિક – સંભવત: પહેલાં – સંપાદનમાં છે. ઇ.સ. 1886થી 1912 દરમિયાન આઠ ખંડોમાં પ્રસિદ્ધ થયેલાં એ સંપાદનનું નામ છે ‘બૃહદ કાવ્ય દોહન’. તેના સંપાદક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853-1912) પ્રખર પત્રકાર, પ્રકાશક, અનુવાદક અને અંગ્રેજ સરકાર દ્વારા રાજદ્રોહનો આરોપ વેઠનારા દેશભક્ત હતા.

બૃહદ કાવ્યદોહન તેમણે કરેલું પાયાનું કામ છે, તે ગુજરાતી સાહિત્યના કેટલાક અભ્યાસીઓ / ઇતિહાસલેખકો અચૂક સ્વીકારે છે. પણ મધ્યકાલીન સાહિત્યના કેટલાક સંપાદકો ઇચ્છારામે, ખાસ તો એમના સમયમાં સિદ્ધ કરેલાં અસાધારણ કામની ઉચિત નોંધ લેતા નથી, અથવા તો તેને બિલકુલ ચૂકી જાય છે.

પ્રસ્તુત ગ્રંથમાં રમણ સોનીએ સ્રોત-ગ્રંથો અને સંદર્ભગ્રથોની જે યાદી આપી છે તેમાં બળવંત  જાની અને મનસુખ સલ્લાએ સંકલિત કરેલાં ‘બૃહત કાવ્યદોહન’ (પુનર્વ્યવસ્થા) ખંડ 1થી4’નો ઉલ્લેખ છે. આ સંપુટમાં બંને સંકલનકારોએ ઇચ્છારામ જે સંપાદનની ‘પુનર્વ્યવસ્થા’ કરી છે તેમાં ઇચ્છારામની નહીંવત નોંધ લીધી છે.

કનુ પટેલનું આવરણચિત્ર પરંપરાગત અક્ષરલેખન અને ચિત્રાત્મકતા છતાં સુંદર બન્યું છે. પુસ્તકનાં પાનાં પરની માંડણી આ પ્રકારના પુસ્તકમાં હોવી જોઈએ તેવી એટલે કે શક્ય એટલી મોકળાશભરી છે, અને બાંધણી પણ પૂરતી મજબૂત છે.

આ ગ્રંથ વધુ રમણીય ડિજિટલ સ્વરૂપે એકત્ર ફાઉન્ડેશને ઇન્ટરનેટ પર મૂક્યો છે. છપાયેલા પુસ્તકના કવિચિત્રોમાંથી કેટલાક કલાગુરુ રવિશંકર રાવળે દોરેલાં છે. નમૂનાની હસ્તપ્રતો પણ જોવા મળે છે. આ બંને સંચયની ઇ-આવૃત્તિમાં ઘણાં આકર્ષક લાગે છે.

ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્ય પરના અનેક સંપાદનો અને અભ્યાસો થયાં છે. ઇચ્છારામથી શરૂ થયેલી પરંપરામાં રમણ સોની એક મહત્ત્વની કડી છે એવું તેમની કારકિર્દી અને તેમના પુસ્તકોની યાદી બંને બતાવે છે. એટલે તેમની પાસેથી અપેક્ષા વધુ રહે છે. 

(950 શબ્દો)
[આભાર : નલિનીબહેન દેસાઈ, તોરલબહેન પટેલ, અજય રાવલ]

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌—-‌‌‌———————————–

પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, 2023, રૂ. 1500/- 

પ્રાપ્તિસ્થાન : 

ગૂર્જર, સંપર્ક : 079-26934340, 22144663, 22149660, મો. 9835368759
ગ્રંથવિહાર, 079-26587949, 9898762263
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...930931932933...940950960...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved