Opinion Magazine
Number of visits: 9666861
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૮૫-મા વર્ષે : એક આત્મનિવેદન 

સુમન શાહ|Poetry|2 November 2023

સુમન શાહ

 

 

 

 

 

 

 

૮૪ વર્ષ એક પછી એક આવ્યાં 

અને એક પછી એક ચાલી ગયાં.

કેટલી બધી ગઈકાલો આવી અને ગઈ.

દરેક બર્થડે કહેતી ગઈ કે મળીશું 

આવતા વરસે, કદાચ.

હું ક્યાં હતો ને ક્યાં પ્હૉંચી ગયો.

કેવો હતો ને કેવોક થઈ ગયો.

કેટલાં બધાં મળ્યાં હળ્યાં ને ચાલી ગયાં.

હવે કોણ આવશે કોણ જશે, નથી ખબર.

ચિત્તમાં થોડાંક બચ્યાં છે, છબિઓ રૂપે,

એ રહેશે અને એ લઈને જઈશ.

મને આજે એ વાતનો સંતોષ વળે છે કે 

મેં જેને ચાહ્યાં, હમેશાં દિલોદિમાગથી. 

મારા શ્વાસોચ્છ્વાસમાં એ હોય, 

હર ઘડી, હર પળ; 

એમાં ન કિંચિત્ પણ જૂઠ, 

ન લેશમાત્ર અપ્રામાણિકતા. 

હું આભારવશ છું કે અનેકો તરફથી 

પ્રેમ સ્નેહ આદર પામ્યો છું. 

પ્રથમદૃષ્ટિનો પ્રેમ પણ પામ્યો છું, 

એને પૂરી જિગરથી ઝીલી જાણ્યો છે.

સમય અને શ્વાસનાં ગૂંચળાં વાળી 

ધડકતા હૃદયે કોઇપણ મિલન માટે દોડી ગયો છું. 

જીવલૅણ વિરહની વ્યથાને પણ વેઠી છે,

એના ચાસ હજી છે હૃદય પર 

સારું છે કે આછાપાતળા થઈ ગયા છે

અવનિનું અમૃત? ના, મેં કદી નથી ચાખ્યું.

મેં તો આ બધું જોયું છે :

હિન્દુ-મુસ્લિમ વચ્ચેના ખૂંખાર ભેદ.

અસ્પૃશ્યતાનું અધમ કલંક.

માથે મૅલું ઉપડાવવાનું ઘોર પાતક.

નારીશોષણ અને નારીની અવમાનનાઓ. 

કારકિર્દી દરમ્યાન અવારનવાર 

આ-ના-આ જ વિષયો વિશે જાણ્યું છે : 

-દેશના કરુણ ભાગલા. 

-કશ્મીરનું ગૂમડું.

-નાઝીઓની જ્યુઝ પ્રત્યેની દર્દનાક ઘૃણા. 

-મહાયુદ્ધો અને ન્યુક્લીયર બૉમ્બાર્ડમૅન્ટ. 

-એથી અને આતંકવાદથી મરેલા લાખો નિર્દોષો.

-એ મૃતકોનાં હયાત સ્વજનોની વેદના 

-ઇથોઇપિયાનો ભૂખમરો. 

એ પછી પણ, માણસ મને ગમ્યો છે, ગમે છે. 

ધર્મ કોમ સમાજ દેશ વંશ જાતિ કે લિન્ગ 

વગેરે ભેદો કદી મને આંતરી શક્યા નથી. 

આ પૃથ્વી પર જે મનુષ્યવ્યક્તિ મને 

નાનો-મોટો અનુભવ આપવા ચાહે,

હું એનું સ્વાગત કરી શકું છે; અને એ સત્ય છે.  

વિવિધ ફિલસૂફીઓ, શાસ્ત્રો કે સિદ્ધાન્તો

મને રસ પડે એમ પોતાની સાથે બાંધે છે, 

હું એટલા જ રસથી બંધાઉં છું, 

અને એક ચક્ર એમ ચાલ્યા કરે છે. 

એનાં નિષ્ઠાપૂર્વકનાં અધ્યયન પછી, 

એનાં સત્યોને આત્મસાત્ કર્યા પછી, 

આજે મને એમાં કશો એવો સાર નથી ભળાતો, 

જેને ચિરંજીવી કહી શકાય. 

મને પ્રકૃતિસૌન્દર્ય ગમે છે, 

વૃક્ષો, પુષ્પો, પંખીઓ, વરસાદ અને સ્નો.  

સાહિત્યકલાએ સરજેલું સૌન્દર્ય વધારે ગમે છે; 

એટલા માટે કે એ મને મનુષ્યપ્રકૃતિનો 

પરિચય કરાવે છે. 

સાહિત્યકલાનો મોટો કે નાનો કોઈપણ અનુભવ 

મને માણસની વધુ ને વધુ નજીક લઈ જાય છે. 

સાહિત્યકલાના આનન્દને હું શ્રેષ્ઠ ગણું છું પણ 

સાહિત્ય જો માણસને પ્રેમ કરતાં ન શીખવે 

તો મારે મન વ્યર્થ છે, વિશ્વસનીય નથી.

કેમ કે મને એક જ વસ્તુ સમજાઈ છે; 

એ કે માણસને પ્રેમ જોઈએ છે, 

એથી જુદું એને ખપતું નથી. 

છતાં, આંસુ હોય તો હું સમજું કે પ્રેમ છે.

મેં અન્યનાં આંસુ લૂછ્યાં છે, 

છતાં જો સૂકાઈ જાય 

એ મને કદી ગમ્યું નથી.

કેમ કે, પછી શું?

આંસુ મને પ્રેમનો પર્યાય લાગે છે.

પ્રેમ ન હોય તો જીવન માણસ માટે 

ખારું ને અકારું થઈ જાય છે. 

મને સતત લાગ્યું છે કે હું એવો માણસ છું, 

એટલે જ હું પ્રેમભિક્ષુક રહ્યો છું, 

અલબત્ત, ભિખારી નહીં. 

તેમછતાં, જુગારી હારે એમ, 

પ્રેમ-સમ્બન્ધોમાં હાર્યો છું. 

મૈત્રી, સ્નેહ કે વાત્સલ્યના પ્રસંગોમાં છેતરાયો છું.

એથી સ્ફુરેલી અસંગતિના હુમલા વેઠ્યા છે.  

મારા ન હોય એ દોષ પણ પ્રેમવશ 

મારા ગણીને ઓઢી લીધા છે. 

મારા સત્યની એ રીતે થયેલી રક્ષાથી 

હમેશાં મને સાતા જ વળી છે. 

જો કે જીવનમાં જ્યારે જ્યારે લાગ્યું કે 

કોઈક મને છેતરી કે છોડી ગયું છે, હવે નથી, 

ત્યારે ત્યારે એ છેહથી જનમેલી 

એકલતાના નાશ માટે

હું મારામાંના સર્જક પાસે ગયો છું. 

એના શબ્દે મને ઉગારી લીધો છે, 

કદી મને નિરાશ નથી કર્યો. 

એ ન મળ્યો હોત તો હું કદાચ 

આટલે લગી હૅમખેમ ન પ્હૉંચ્યો હોત.

આ સઘળી ખટમીઠી વેદનાને 

ખિસ્સામાં ભરીને જોડે લઈ જવા માગું છું, 

રસ્તામાં ભૂખ-તરસ લાગે તો કામ આવે…

= = =

(11/01/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સર્વોચ્ચ અદાલતનો આદેશ છે કે ઇલેકશન કમિશન પાસે વિગતો જોઈએ જ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 November 2023

ઇલેક્ટોરલ બોન્ડનો મામલો

નાગરિકની ‘પ્રાઇવસી‘ના નામે આખી ચર્ચા નાગરિકથી ‘પ્રાઇવસી‘ના દિશામાં ખેંચી જવાઈ છે અને સોબતી મૂડીવાદની કાયદેસર પ્રતિષ્ઠાનો એક વ્યૂહ કારગત બનાવાઈ રહ્યો છે.

પ્રકાશ ન. શાહ

સર્વોચ્ચ અદાલતની દેવડીએ ચૂંટણી બૉન્ડની ન્યાયિકતા (ખરું જોતાં જો કે, નૈતિકતા) ચર્ચાઈ રહી છે તેવે ચોમેરચોફેર નજર નાખતાં જે દેખાય છે તે કદાચ ન જોવું હોય તો જ ન દેખાય એટલું ચોખ્ખું એટલે કે ઉઘાડું છે.

લાટસાહેબના વકીલબાબુએ માંડેલી કાનૂની તર્કાતર્કી લગભગ ટેઇક ઓફ વગરના ચકરાવે ચકરાવા લઈ રહી છે કે બોન્ડમાં પૈસા કોણે આપ્યા, કેટલા આપ્યા એ બધું જાહેર ન કરાય, કેમ કે નામદાર સરકારશ્રી લોકશાહી રાહે નાગરિકમાત્રની ‘પ્રાઇવસી’ને પડખે પ્રતિબદ્ધ છે.

મારી ને તમારી ‘પ્રાઇવસી’ પરત્વે સત્તાવાર પ્રતિબદ્ધતાના તો કિસ્સેકિસ્સા હવાઓમાં છે. તમે જુઓ આ જ કલાકોમાં દેશભરમાં એ એપલ એલર્ટની ચકચાર છે કે વિપક્ષનાં મોટાં માથાં ને કેટલાંક પત્રકાર વગેરેનાં આઈ-ફોનમાં રાજ્યપ્રાયોજિત કબજાખોરો પેંધી ચૂક્યા છે. ઊહાપોહ પછી એપલ આ ચેતવણીને મોળી પાડે તો પણ હવાની રુખ તો સાફ, બેહદ સાફ છે.

“પેગેસસ’ એ સ્પાયવેર(શું કહીશું – જાસૂસી જીત?)નો કોયડો સત્તાવાર વણઉકેલ્યો છતાં સામાન્ય સમજમાં ઉકેલ્યા જેવો છે. કારણ, ઇઝરાયેલે વિધિવત સ્પષ્ટતા કરેલી છે કે, આ જાસૂસી ‘જીન’ કેવળ અને કેવળ સરકારને જ વેચવાનો ધારો છે. મતલબ, ભારતમાં ‘પેગેસસ’ થકી જે પણ કરતૂત ને કરતબ જોવાં મળે છે તે વિશે સરકાર નામકર જઈ શકે નહીં.

શુક્રવારે એમ.ઈ.આર.(મ્યુચ્યુઅલ ઇવેલ્યુએશન રિવ્યૂ)નો એક ઉપક્રમ છે તે પૂર્વે એક પ્રજાકીય તપાસ હેવાલ બહાર આવ્યો છે તે પણ આ સંદર્ભમાં જોવા સમજવા જોગ છે. એ હેવાલનો સાર આપું તે પહેલા એમ.ઈ.આર. સંદર્ભ થોડી સમજૂત આપી દઉં. કેટલાંક વરસ પહેલા ભારત સહિતના જી-7 દેશોએ મળીને ફિનાન્શ્યલ એક્શન ટાસ્ક ફોર્સ(એફ.એ.ટી.એફ.)નો અભિગમ વિકસાવ્યો છે. દેશ દેશમાં અંધાધૂધ અરાજકતા ફેલાવતી બાબતો પરત્વે, ખાસ તો મની લોન્ડરિંગ અને આતંકવાદ સારુ નાણાં અંગે, તકેદારી માટેની આ જોગવાઈ છે. પણ એને અન્વયે વસ્તુતઃ શું ચાલે છે? હમણાં જેનો ઉલ્લેખ કર્યો એ પ્રજાકીય હેવાલ કહે છે કે, સરકાર વિપક્ષને અને નાગરિક સમાજ કર્મશીલોને ઇ.ડી. (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ), સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) અને એન.આઈ.એ. (નેશનલ ઇન્વેસ્ટિગેરિંગ એજન્સી) મારફતે ખરીખોટી ભીંસમાં લે છે.

ગમે તેમ પણ, સરકાર તરફથી સોલિસિટર જનરલ અને એટર્ની જનરલે ‘પ્રાઇવસી’ સહિતના જે બધા દલીલમુદ્દા આગળ કર્યા બદલે ઉછાળ્યા છે એનાથી એટલું સમજાય છે કે ચૂંટણી બોન્ડ પ્રકારની જોગવાઈઓથી સરકારને મળતો એકતરફી લાભ તે છોડવા માગતી નથી.

સર્વોચ્ચ અદાલતની આ સંદર્ભમાં જે છાપ છે તે એ કે આવી બધી બાબતોમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકતા ન હોઈએ ત્યારે પણ એક વસ્તુ તો સાફ સમજાઈ રહે છે કે કેન્દ્ર સરકારનું મનોવલણ જે તે તપાસ બાબતે સહકારભર્યું નથી તે નથી.

ચૂંટણી બોન્ડના પ્રશ્ને ન્યાયિક ચુકાદો હજુ સમય લેશે. પણ એક વાત ચોક્કસ છે કે સરકારી રવૈયો કશીક આઘાપાછીનો છે. મુદ્દે, આપણે સારુ બેનામી બની રહેતા આ બોન્ડના ખરીદારોને લાભાર્થીઓ કેવળ પારદર્શકતાનો અભાવના જ નહીં પણ કાળાં નાણાં, વિદેશી નાણાં પ્રવાહ વગેરેના વાહકો બને છે અને જેને સોબતી મૂડીવાદ (ક્રોની કેપિટલિઝમ) કહેવામાં આવે છે તેના સંવાહક ને સંવર્ધક – સંગોપક બની રહે છે. રાહુલ ગાંધીએ આપણી પરંપરામાંથી એક મજેથી વાર્તા સંભારી છે કે રાજાનો જીવ પિંજરના પોપટમાં રહેલો છે. પોપટ ગયો તો રાજા પણ ગયો. એટલે સરકાર તો ‘પ્રાઇવસી’નું ગોપુચ્છ છોડશે જ નહીં.

ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો અગાઉ 2019માં ઊડ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને નાણાં આપનાર સહિતની વિગતો દર્જ રાખવા કહ્યું હતું. પંચે ત્યારે તે પાળ્યું હશે પણ પછી આ જાણે કોઈ ટૂંકી મુદfdત પૂરતો આદેશ હોય એમ માંડી વાળ્યું હતું. પંચની આ ‘સમજ’માં સરકારનો ફાળો હશે ? ન જાને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 01 નવેમ્બર 2023

Loading

હવે પછીનો ટાર્ગેટ ભારતનું બંધારણ હશે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 November 2023

રમેશ ઓઝા

સોમવારે રાત્રે એપલ આઈ.ફોન વાપરનારા પચીસેક જેટલા વિરોધ પક્ષના નેતાઓને અને પત્રકારોને એપલ તરફથી સાવધાનીનો મેસેજ આવ્યો કે તમે જે કાંઈ છો અને જે કાંઈ કરો છો એને કારણે સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ તમને ટાર્ગેટ કરી રહ્યા છે. એક એક શબ્દ ધ્યાનમાં લો. સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ. એવા લોકો જે સરકાર માટે અને સરકારની સંમતિ સાથે ખાસ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? એપલે કહ્યું છે કે તમે જે કાંઈ છો અને જે કાંઈ પ્રવૃત્તિ કરો છો તેને ધ્યાનમાં લઈને તમને ટાર્ગેટ કરવામાં આવતા હોય એવી સંભાવના છે, માટે સાવધાન રહો.

કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? રાહુલ ગાંધીને, તેમના નજીકના સહાયકોને, રણનીતિ ઘડનારા કાઁગ્રેસના નેતાઓને, મહુઆ મોઇત્રાને, સિતારામ યેચુરીને, અખિલેશ યાદવને, ‘ધ વાયર’ નામના ડિજીટલ પોર્ટલના સ્થાપક અને સંપાદક સિદ્ધાર્થ વરદરાજન્‌ જેવા ખુદ્દાર પત્રકારોને. જો સાવધાનીનો મેસેજ આઈ.ફોન વાપરનારા કેટલાક સામાન્ય લોકોને ગયો હોત તો સમજી શકાત કે આ એપલનો ફોલ્સ એલાર્મ છે અથવા સાવધાનીનો રૂટીન મેસેજ છે. અહી તો એવા લોકોને જ માત્ર મેસેજ ગયો છે જેનાથી શાસકોને ભય છે, પાછા નિશાન બનાવનારા સ્ટેટ સ્પોન્સર્ડ છે અને નિશાન બનાવવાનું કારણ “તમે જે કાંઈ છો અને જે કાંઈ કરો છો” એ છે. શું સૂચવે છે આ? જેનામાં સામાન્ય બુદ્ધિ હશે તેને આ સમજાતા વાર નહીં લાગે. જો ૨૦૨૧માં પેગાસસની ઘટના ન બની હોત તો એક વાર ભારતના શાસકોને શંકાનો લાભ પણ આપત, પણ પેગાસસ પછી શંકાનો લાભ આપવો મુશ્કેલ છે. એમાં ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીનો પડકાર નજીક છે.

અહીં પેગાસસની યાદ તાજી કરી લઈએ. પેગાસસ એક જાસૂસી કરનારું સ્પાઈવેર છે જેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ વ્યક્તિઓ પર જાસૂસી કરી શકાય છે. પેગાસસ ઈઝરાયેલી એક કંપની બનાવે છે અને તેને ઇઝરાયેલની સરકારનો આદેશ છે કે તે પેગાસસ સ્પાઈવેર દુનિયાની જે તે સરકાર સિવાય કોઈને એટલે કે કોઈ પણ ખાનગી વ્યક્તિને કે એજન્સીને કે કોર્પોરેટ કંપનીને વેચી ન શકે. જો આ દુનિયામાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિની જાસૂસી કરવા માંડે તો દુનિયામાં જીવવું મુશ્કેલ બની જાય. દુનિયા દોજખ બની જાય. સરકારોની વાત જૂદી છે. સરકારોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ચાંપતી નજર રાખવી પડે એટલે માત્ર સરકારોને સ્પાઈવેર વેચી શકાય. આ સિવાય “જવાબદાર” સરકારો મનફાવે એમ ગમે તેની જાસૂસી નથી કરતી. કોઈને ટાર્ગેટ બનાવીને નજર રાખવા માટે દરેક દેશની સરકારી સંહિતા હોય છે અને “જવાબદાર શાસકોએ” એ સંહિતાનું પાલન કરવું પડે છે.

પણ ૨૦૨૧ની સાલમાં ઘટસ્ફોટ થયો કે ભારતમાં રાહુલ ગાંધી પર, તેમના નજીકના સાથોદારો પર, કેટલાક વિરોધ પક્ષના નેતાઓ પર, રવીશ કુમાર, પરંજોય ગુહા ઠાકુરતા અને સિદ્ધાર્થ વરદરાજન્‌ જેવા ખુદ્દાર પત્રકારો પર, અદાલતોના જજો પર અને શાસક પક્ષના પસંદગીના નેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેમના પર પેગાસસ સ્પાઈવેર દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે સર્વોચ્ચ અદાલતના બીકાઉ મુખ્ય ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ પર યૌનશોષણનો આરોપ કરનારી યુવતી પર પણ નજર રાખવામાં આવતી હતી. રાષ્ટ્રીય સુરક્ષામાં એ યુવતી કઈ રીતે જોખમરૂપ હતી એ કોઈ સમજી શક્યું નથી. આ બાજુ પેગાસસ બનાવનારી કંપનીએ જાહેરાત કરી કે તેણે દુનિયાની સરકારો સિવાય કોઈ પણ ખનાગી વ્યક્તિને કે એજન્સીઓને પેગાસસ સ્પાઈવેર વેચ્યાં નથી. હજુ એક આશ્ચર્યની વાત. જે અશ્વિની વૈષ્ણવ અત્યારે કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખાતના પ્રધાન છે અને આજે એપલ એલર્ટનો બચાવ કરી રહ્યા છે એ જ અશ્વિની વૈષ્ણવ પર પણ પેગાસસ દ્વારા નજર રાખવામાં આવતી હતી. હા, તેઓ સ્વયં પેગાસસના ટાર્ગેટ હતા.

ટૂંકમાં પેગાસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે સરકારને અને માત્ર સરકારને જ સ્પાઈવેર વેચ્યાં છે તો એનો અર્થ એ થયો કે ભારતનાં વર્તમાન શાસકો પેગાસસ સ્પાઈવેરનો ઉપયોગ રાજકીય વિરોધીઓ સામે કરતી હતી. અને એ જોતાં આઈ.ફોનનો ઉપયોગ કરનારા રાજકીય નેતાઓને અને પત્રકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવી પૂરી શક્યતા છે. લોકો લગભગ એ જ છે જે પેગાસસનાં ટાર્ગેટ હતા. પણ સવાલ એ છે કે સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ કોણ છે? એટેકર્સ સ્ટેટ સ્પોન્સર્ડ છે. કોણ છે? વિચારો કોણ હશે એ? આ સરકાર જાય તો સૌથી વધુ નુકસાન કોને થવાનું છે?

આ ઘટનાનો બચાવ થઈ શકે એમ નથી. આ લોકશાહી પરનો કુઠારાઘાત છે. ગમે તે થાય અમે હવે સત્તા છોડવા માગતા નથી કે બીજાને સત્તા સુધી પહોંચવા દેવા માગતા નથી. શામ, દામ, દંડ, ભેદ, એમ દરેક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ આ દેશમાં એક પક્ષનું રાજ સ્થાપિત કરવા માગે છે. ઈલેક્ટોરલ બોન્ડથી આની શરૂઆત થઈ હતી. આને કારણે કોર્પોરેટ કંપનીઓનું ૮૦ ટકા નાણું બી.જે.પી.ને જાય છે. સત્તા અને પૈસાના જોરે વિરોધ પક્ષના નેતાઓને ખરીદવામાં આવે છે, તેની સરકારોને તોડવામાં આવે છે, ડરાવવામાં આવે છે, ઇ.ડી.નો દુરુપયોગ કરવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે, મીડિયાને ધરવીને ગોદમાં બેસાડવામાં આવી રહ્યા છે અને ચૂંટણીપંચ જેવી લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરવામાં આવી રહી છે. અને હવે જાસૂસી કરવામાં આવી રહી છે. અંગત જીવનનાં નાગરિકના મૂળભૂત અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે. એમાં કોઈ શંકા નથી કે હવે પછીનો ટાર્ગેટ ભારતનું બંધારણ હશે.

કોની પાસે ધા નાખવી! સર્વોચ્ચ અદાલત ઈલેક્ટોરલ બોન્ડ અને પેગાસસ જેવી મહત્ત્વની બાબતને પ્રાથમિકતાથી હાથ ધરતી નથી. અર્ણવ ગોસ્વામીને જામીન પર છોડવા માટે સમય છે, પણ લોકશાહીનો પ્રાણ બચાવવા માટે સમય નથી! સર્વોચ્ચ અદાલતે દેશની લોકશાહીનું જતન કરનારી પ્રજાને સૌથી વધુ નિરાશ કરી છે.  

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 નવેમ્બર 2023

Loading

...102030...915916917918...930940950...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved