Opinion Magazine
Number of visits: 9457825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 9

સુમન શાહ|Opinion - Opinion|31 July 2023

સુમન શાહ

મને એમ લાગે છે કે આ ‘એ.આઈ.’- ક્રાન્તિથી સમૃદ્ધ રાષ્ટ્રો બહુમુખી પ્રગતિ સાધી શકશે પણ સાથોસાથ સંસારમાં એથી વિશિષ્ટ પ્રકારની અસમાનતા સરજાશે, એટલું જ નહીં, પ્રશ્ન થશે કે એને પ્રગતિ કહેવી કે કેમ. એવો પ્રશ્ન કૃષિ-ક્રાન્તિ, વૈજ્ઞાનિક-ક્રાન્તિ કે ઔદ્યોગિક-ક્રાન્તિના સમયોમાં ન્હૉતો થયો કેમ કે એ ક્રાન્તિઓ સરજાઇ હતી મનુષ્ય-બુદ્ધિના સતને પ્રતાપે.

આ અસમાનતાનાં જાણીતાં ઉદાહરણો આવાં છે :

કેટલીક નવ્ય શોધોના લાભ સૌને નથી પ્હૉંચતા એથી અસમાનાતા સરજાઈ છે.

જેમ કે, રોગોની સારવાર કે નાબૂદી માટે વિકસી રહેલી ‘એ.આઈ.’-ટૅક્નોલૉજિના લાભ કેટલાને મળે છે? વિકાશશીલ દેશોમાં બધા પાસે ઇન્ટરનેટ-પ્રવેશ માટેની પૂરતી જોગવાઈ જ નથી હોતી, એટલે, સારવાર વગેરે લાભો તો દૂરના દૂર જ રહે છે. જેમ કે, ’એ.આઈ.’-સરજિત કેળવણીવિષયક નવાં ઓજારોના લાભ પણ સૌને નથી મળતા. ગરીબ દેશોની પ્રજાઓ પાસે કમ્પ્યૂટર પણ નથી હોતાં, એટલે, એ લાભોની વાત પણ દૂરની દૂર રહે છે. ‘ક્લાઇમેટ ચેન્જ’ જેવા સળગતા સવાલ સામે લડી લેવા માટેની ‘એ.આઈ.’ દ્વારા સરજાયેલી ટૅક્નોલૉજિઝ પણ સૌને સુલભ નથી હોતી. કેમ કે વિકાસશીલ દેશોની સરકારો પાસે પૂરતા આધારસ્રોત નથી હોતા કે તેઓ ‘એ.આઈ.’-પાવર્ડ ઉકેલો લગી પ્હૉંચી શકે.

’એ.આઈ.’-ની મદદથી મૅન્યુફૅક્ચરિન્ગમાં, કસ્ટમર સર્વિસિસમાં કે ટ્રાન્સપોર્ટેશનમાં, અનેક ઉદ્યોગોમાં, જૉબ્સને ઑટોમેટ કરી દેવાયા છે, તેથી લોકોને નોકરીઓ ગુમાવવી પડી છે. નબળું અર્થકારણ ધરાવતા દેશોમાં આ જૉબ-ડિસપ્લેસમૅન્ટ વધતું જશે. દાખલા તરીકે, એવું અનુમાન છે કે ભારતમાં ૨૦૩૦ સુધીમાં ઑટોમેશનને કારણે ૬૦ મિલિયન જૉબ્સ નષ્ટ થઈ જશે.

સામાજિક અસમાનતા પણ સરજાઈ છે, કેમ કે ‘એ.આઈ.’-જનિત લાભોની લગામ ધનિકો અને શાસકોના હાથમાં હોય છે. જૉબ્સ તેઓ સરજે છે અને જૉબ્સને ઑટોમેટ પણ તેઓ જ કરે છે. એથી ગરીબ દેશો એ લાભોથી વંચિત રહી જાય છે; એમની પાસે ‘એ.આઈ.’-માં રોકવા જેટલી મૂડી પણ નથી હોતી; સરવાળે, જૉબ ગુમાવનારા પણ તેઓમાંથી જ હોય છે.

ધનિક દેશો દુનિયાભરમાંથી અઢળક માહિતી એકત્ર કરી રહ્યા છે. ‘એ.આઈ.’-સિસ્ટમ્સની તાલીમ માટે એ માહિતીનો વિનિયોગ થતો હોય છે. વળી, એ વડે જાહેરાતઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ‘લક્ષ્ય’ કરાય છે. નિષ્ણાતોનું મન્તવ્ય છે કે એથી ડેટા પર અંકુશ ધરાવતો એક નવતર સંસ્થાનવાદ – ડેટા કોલોનિયાલિઝમ – રચાઈ રહ્યો છે.

અસમાનતા – Inequality

નિષ્ણાતોને આ અસમાનતાનો અંદાજ આવી જ ગયો છે; સમજાઇ ગયું છે કે બાકીનું વિશ્વ પાછળ પડી જવાનું છે, વિકાસશીલ દેશો હાંફી જવાના છે. મુખ્ય કારણ તો એ છે કે એમની પાસે આ પ્રગતિ માગે એ અનિવાર્ય શક્તિસ્રોત અને ધનસ્રોત હશે નહીં. ‘એ.આઈ.’-પાવર્ડ બિઝનેસિસ માગે એ ઇન્ફ્રાસ્ટ્રકચર હશે નહીં. ‘એ.આઈ.’-ટૅક્નોલૉજિ કૅપિટલ-ઇન્ટેન્સિવ છે; ઉપરાન્ત એને ઉચ્ચ કક્ષાની ઍજ્યુકેશન સિસ્ટમની હમેશાં જરૂરત હોય છે. દેખીતું છે કે ‘એ.આઈ.’ એ બધા અભાવો વચ્ચે એ દેશોને કશાં ફળ ન જ આપી શકે.

હરારીએ પણ આ સંભાવ્ય ખતરનાક અસમાનતા કલ્પી છે. વિશ્વ પર પડનારા પ્રભાવની ચર્ચા એમના પુસ્તકમાં એમણે વિસ્તારથી કરી છે. એમણે ગમ્ભીરતાથી જણાવ્યું છે કે એથી આર્થિક અસમાનતા સરજાશે અને ‘એ.આઈ.’ અસમાનતાના એ નવ્ય રૂપનું નેતૃત્વ કરશે ! ગ્લોબલ ઇકોનૉમિ સવિશેષે પ્રભાવિત થશે, અને પરિણામે, તવંગર અને ગરીબ દેશો વચ્ચેની અસમાનતા વિસ્તરશે. એમણે લખ્યું છે :

“The AI revolution will widen the gap between rich and poor countries. The rich countries will become even richer, while the poor countries will become even poorer.” (page 143, 21 Lessons for the 21st Century.)

તેઓ કહે છે કે ભૂતકાળમાં અસમાનતા સરજાઈ હતી, પણ પ્રાકૃતિક આધારસ્રોતો અને મૂડીરોકાણ વચ્ચેના તફાવતોને કારણે. અલબત્ત, એવાં પરમ્પરાગત કારણો હશે કે નહીં હશે તો પણ ‘એ.આઈ.’ સમ્પત્તિનાં નવાં રૂપો તો સરજી જ શકશે. પરિણામે, ‘એ.આઈ.’ પર પ્રભુત્વ ધરાવતા દેશો જ લાભશે અને બીજા દેશો પાછળ રહી જશે.

તાત્પર્ય, નિષ્પક્ષ ધૉરણે લાભોની વ્હૅંચણી નહીં થઈ હોય, તો સમાજ અસંતુષ્ટ રહેશે, અને રાજકીય અસ્થિરતા સરજાશે.

હરારી એવી વ્હૅંચણીની એક રીત એ દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં કેળવણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડીનું રોકાણ કરવામાં આવે, જેથી એ દેશોને ‘એ.આઈ.’-ને અપનાવવા માટેની ગમ પડે.

તેઓ બીજી રીત એ દર્શાવે છે કે વ્હૅંચણી વિસ્તરતી જાય એ માટે આન્તરરાષ્ટ્રીય ભૂમિકાએ સમજૂતી માટેની રચના કરવામાં આવે, અને, ખાસ તો આ પ્રશ્ન વિશે સભાનતા ખીલે એવા પ્રયાસો શરૂ થાય.

હરારી ઉમેરે છે : એ કહેવું ઘણું વહેલું કહેવાશે કે ‘એ.આઈ.-ક્રાન્તિ’ જતે દિવસે કેવોક પ્રભાવ પાથરશે, પણ એટલું સ્પષ્ટ છે કે આ ટૅક્નોલૉજિ દુનિયાને ધરમૂળથી બદલી નાખવાની ખાસ્સી તાકાત ધરાવે છે.

તેથી, લાભોની નિષ્પક્ષ વ્હૅંચણીના મુદ્દાને ધ્યાનમાં લેવો તે આજની જરૂરિયાત છે.

= = =

(07/31/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સૂરીલા ગાયક ને ભલા માણસ રફી સાહેબ

દુર્ગેશ ઓઝા|Opinion - Opinion|31 July 2023

મહાન સૂરીલા ગાયક અને ભલા માણસ રફીસાહેબની આજ પુણ્યતિથિ. એ નિમિત્તે એમને શબ્દરૂપી અંજલિ સાદર :

સૂરીલા ગાયક રફી સાહેબને આજ ૩૧મી જુલાઈએ, એમની પુણ્યતિથિએ વંદન .. મુરબ્બી રફી માત્ર મહાન ગાયક જ નહીં, એક ભલા માણસ પણ હતા. 

ઘણાં ફિલ્મી ગીતોમાં એણે સામેવાળાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ થોડી રકમમાં કે પૈસા લીધા વિના ગીતો ગાઈ દીધાં હતાં. ઉદાહરણ તરીકે ફિલ્મ ‘ઠોકર’નું ગીત : ‘અપની આંખો મે બસા .. કર, કોઈ ઇકરા .. ર કરું ..’ ચિત્રગુપ્તના સંગીતમાં એમણે ગાયેલાં ઘણાં સારાં ગીતોમાંથી એક ગીત અહીં નોંધું જે રાગ માલકૌંસ આધારિત છે : ‘અંખિયન સંગ અંખિયા લાગી આજ ..’ રફીસાહેબે હિન્દી ઉપરાંત, ગુજરાતી, સિંધી, પંજાબી, તેલુગુ, કોંકણી, મરાઠી એમ અનેક ભાષામાં ગીતો ગાયાં છે. એમના અવાજમાં જે મુલાયમતા હતી એનો સૌથી સારો ઉપયોગ કદાચ સંગીતકાર ખય્યામ સાહેબે કર્યો છે. “કહીં એક માસૂમ .. નાજુક સી લડકી.”

ગીત તથા એમના સ્વરબદ્ધ ગેરફિલ્મી ભકિતગીતો જેમ કે ‘શામ સે નેહા લગાયે, સુનીયો અરજ હમારી, તેરે ભરોસે એ નંદલાલા ..’ વગેરે. અહીં રફી સાહેબના સ્વરમાં માધુર્ય અને મુલાયમપણું બે ય ખૂબ સરસ પ્રગટ થાય છે. લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, શંકર – જયકિશન, કલ્યાણજી – આણંદજી, નૌશાદ, મદનમોહન જેવા દમદાર સંગીતકારોએ પણ એની પાસે જોરદાર, મધુર ગીત ગવડાવ્યાં છે. સચિનદેવ બર્મન, આર.ડી. બર્મન, સલિલ ચૌધરી, રવિ .. સંગીતકારોની યાદી ઘણી લાંબી છે જેમણે રફી સાહેબ પાસે ગીતો ગવડાવ્યાં હોય જે અમર બની ગયાં હોય.

મદનમોહન દ્વારા સ્વરબદ્ધ બે ગીતો યાદ આવે છે જે રફીસાહેબે બહુ સુંદર રીતે ગાયાં છે : ૧ – એક હંસી શામ કો દિલ મેરા ખો ગયા, ને ૨ – કભી ના કભી, કહીં ના કહીં, કોઈના કોઈ તો આયેગા .. ગીત, ગઝલ, ભજન, ઠુમરી, કવ્વાલી, હીર .. ગીતના દરેક પ્રકારમાં રફી સાહેબે પોતાનો કંઠ આપ્યો છે. એમણે દેશભક્તિનાં ગાયેલાં ગીતો પણ દમદાર .. કિશોરકુમાર અને રફી સાહેબની દોસ્તી પાણીદાર. બે ય પાણીદાર, મહાન ને સૂરીલા ગાયકો. એવાં અનેક ગીતો છે જેમાં ફિલ્મી પડદા પર કિશોરકુમાર અભિનય કરતા હોય ને સ્વર આપ્યો હોય રફી સાહેબે ..!

રફીસાહેબે અંગ્રેજીમાં વિશ્વએકતા ઉપર એક સરસ ગીત ગાયું છે “ઓલ ધો વી .. રીમેમ્બર ફ્રેન્ડ્સ ધ વર્લ્ડ ઈઝ વન ..’ આ ગીત હિન્દી ફિલ્મી ગીત “બહારો ફૂલ બરસાઓ”ની ધૂન પર આધારિત છે. આ બે ય ગીત રફી સાહેબે જ ખૂબ સરસ રીતે ગાયાં છે. ક્યારેક થાક કે  તણાવ હોય ત્યારે કે એવું કાંઈ ન હોય ને મૂડમાં હોઉં ત્યારે રફી સાહેબે ને અન્ય ગાયકોએ ગાયેલાં મધુર ગીતો હું ગાઈ લઉં છું ને થાક તણાવ ગાયબ ..! આનંદનાં ફૂલ વધુ ખીલી જાય છે. ગુજરાતીમાં રફીસાહેબે જે ગીતો ગાયાં છે એમાંનાં ત્રણ ગીતોની યાદી અહીં મૂકું છું :

૧: ગેર ફિલ્મી ગીત : દિવસો જુદાઈના જાય છે,

૨: ફિલ્મી ગીત – નૈન ચકચૂર છે, મન આતુર છે ( રફી – લતા યુગલ ગીત)

૩: ફિલ્મી ગીત – આ તો રમત રમાડે રામ ..

આવાં તો ઘણાં ગીતો ઘણી ભાષામાં બહુ જ મધુર સ્વરમાં રફી સાહેબે ગાયાં છે. આવા સરળ ભલાભોળા માણસ ને ઉચ્ચ કોટિના કલાકાર કદી મરતા નથી. એ સૂરીલા, પાવન આત્માને વંદન. અભિનંદન. એ જ્યાં હશે ત્યાં પોતાના દિવ્ય સ્વરથી વાતાવરણને આનંદથી ભરી દેતા હશે.

“દિલ કા સૂના સાઝ તરાના ઢૂંઢેગા, અરે મુજકો મેરે બા..દ ઝમાના ઢૂંઢેગા …” 

“જબ જબ બહાર આ..ઈ, ઔર ફૂલ મુસ્કુરા..યે, મુજે  તુમ  યા.. દ આ..યે…” રફી સાહેબે આવા અનેક સદાબહાર ગીતો ગાયાં છે. સ્વરથી ઈશ્વર. – 

પોરબંદર, તા. ૩૧.૦૭.૨૦૨૩
e.mail : durgeshboza1@gmail.com

Loading

ભાવવધારાને બહુ ભાવ આપવા જેવો નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 July 2023

રવીન્દ્ર પારેખ

મારા બાપાના વખતમાં રૂપિયાનું અઢી શેર ભૂસું મળતું હતું, પણ એમને પણ એ મોંઘું લાગતું હતું ને મેં સવા  રૂપિયે શેરનું ભૂસું ખાધું હતું એમ કહું છું, તો મારાં સંતાનો મને હસે છે, જેમ હું મારા બાપાને હસતો હતો. બને કે આવનારા સમયમાં મારાં સંતાનોને તેમના સંતાનો હસે. તે બે રીતે કે ત્યારે બધું એટલું મોંઘું થઈ ગયું હોય કે રડી ન શકાય એટલે હસે અથવા આજે જેમ ગરીબોને મફત અનાજ સરકાર આપે છે તેમ તે વખતની સરકાર પણ બધું જ મફતમાં આપે ને તે લેતાં જાત પર હસવાનું થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે મોંઘવારી સાપેક્ષ છે. આજે જે મોંઘું લાગે છે તે આવનારી પેઢીને સસ્તું લાગે, એટલે આવનારી મોંઘવારીને ધ્યાનમાં રાખીને, આજની મોંઘવારીને હસી કાઢવામાં જ ડહાપણ છે. આજનો ત્રણ હજાર રૂપિયાનો તેલનો ડબ્બો, આવતાં થોડાં વર્ષોમાં ત્રીસ હજારનો થાય તો એ વિચારે આશ્વસ્ત થવું કે એ ભાવથી આજે તો બચેલા છીએ ને ત્રણ હજારમાં કમ સે કમ ડબ્બામાં તેલ આવે તો છે ! બને કે ત્યારે ત્રીસ હજારમાં ખાલી ડબ્બો જ આવે, એટલે તેલ, તેલ લેવા જાય તે પહેલાં વરસાદમાં ભજિયાં ખાઈ લેવાં ને કાલની ચિંતા ન કરવી એ સાધુત્વની નિશાની છે.

મોંઘવારી વધતી જોતાં ગરીબોની બહુ ચિંતા ન કરવી. સરકારે જ કહ્યું છે કે ભાવ ને ગરીબો ઘટી રહ્યા છે ને જે રહ્યાં છે તેનાં ખાતામાં સરકાર સમયે સમયે કૈં ને કૈં નાખતી રહેશે ને ન નાખે તો મંદિરે ભકતો તો નાંખશે જ, એટલે ગરીબોને તો વાંધો નહીં આવે. ચિંતા એટલી જ કરવાની કે એ ગરીબોમાં મધ્યમવર્ગ ન ઉમેરાય, કારણ એને જોગવવાની જવાબદારી કૈં સરકારની નથી. મધ્યમ વર્ગ ન નીચે ઊતરે કે ન ઉપર જાય એટલું જ જોવાનું. એ માંગતો થાય એ ન ચાલે ને કોઈ એની પાસે માંગે એ ય ન ચાલે. સરકારને સૌથી વધુ ચિંતા મધ્યમવર્ગની છે. એ છે તો ટેક્સ ભરાય છે. એ જ ન હોય તો સરકાર રહેશે કોને ભરોસે? આપણે ગમે એટલી સરકારની ટીકા કરીએ, પણ એ ઘણાં જોખમોથી આપણને બચાવે છે. 27મીએ જ રાજકોટમાં (વાતોનાં) વડા પ્રધાને હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે અમારી સરકારે મોંઘવારી ન ઘટાડી હોત તો આજે દૂધ 300 રૂપિયે લિટર ને દાળ 500 રૂપિયે કિલો હોત ! દરેક ભારતીય આજે જરૂર હોય કે ન હોય, અંદાજે 20 જી.બી. ડેટા વાપરે છે. 2014માં એક ડેટાની કિંમત 300 રૂપિયા હતી. આજે જૂની સરકાર હોત તો મહિને 6 હજારનો ખર્ચો ઊભો હોત ! એ હિસાબે આજની સરકાર મોબાઇલમાં આપણા 5 હજાર બચાવે છે, એ જેવી તેવી વાત નથી. 2014માં 4 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક હતાં. આજે 20 શહેરોમાં છે. જરૂર હોય કે ન હોય, એવું તો ઘણું ઘણું દેશમાં થઈ રહ્યું છે, એ જોતાં વડા પ્રધાનનો આપણે હૃદયથી આભાર માનવો જોઈએ, કારણ એમણે દૂધ 300નું ને દાળ 500ની થાય તે પહેલાં 2014માં જૂનીને તગેડી ને નવીને આણી. નવી ન આવી હોત તો આપણી દશા જ બેઠી હોત કે બીજું કૈં?

2014માં જે ભાવો હતા તે ને નવી સરકારમાં એ કાબૂમાં આવ્યા એ જોઈએ તો ખ્યાલ આવશે કે સરકારની વાત કેટલી બધી સાચી છે ! જેમ કે, મે, 2014માં પેટ્રોલ 71.41 રૂપિયા હતું, તે લિટરે ઓગસ્ટ, 2022માં 96.72 રૂપિયા થયું. એથી પણ ભાવ વધ્યો હોત, પણ સરકારે ભાવ વધવા ન દીધો. 2022નો ભાવ એટલા માટે કે એ ગાળામાં કોરોના વિદાય લઈ રહ્યો હતો. તે વખતે શરૂઆતમાં ઇંધણનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલો ઘટી ગયો હતો કે વાત ન પૂછો. એવે વખતે વધુ ભાવ ન ગગડે એટલે સરકારે દેશમાં જ ભાવ ગગડવા ન દીધા ને બીજા ખર્ચને પહોંચવા ભાવો વધાર્યા, તે એટલે પણ કે ગરીબો સંકોચ વગર સરકારની મદદ લેતા થાય. આવી પરોપજીવી, સોરી, પરોપકારી સરકાર બીજે શોધી જડે એમ નથી. ડીઝલ મે, 2014માં 56.71 હતું, તે ઓગસ્ટ, 2022માં 89.62 થયું. મતલબ કે લિટરે પેટ્રોલ 25.31 અને ડીઝલ 32.91 રૂપિયા વધ્યું. એલ.પી.જી.ની વાત કરીએ તો સિલિન્ડરનો ભાવ મે, 2014માં 928.5 હતો, જે ઓગસ્ટ, 2022માં 1,053ને આંકડે આવ્યો. મતલબ કે સિલિન્ડરે 124.5નો વધારો. સી.એન.જી. મે, 2014માં 38.15ની કિંમતે હતો, તે ઓગસ્ટ, 2022માં વધીને 75.61 પ્રતિ કિલોગ્રામ થયો. એમાં પ્રતિ કિલોગ્રામે 37.46નો વધારો થયો. લોટ મે, 2014માં 21 રૂપિયા પ્રતિ કિલો હતો, તે 8 રૂપિયા વધીને 29 પર પહોંચ્યો. એ જ રીતે 8 વર્ષમાં ચોખા 29ના 32 થયા.

ભાવો વધે ત્યારે તેને બહુ ભાવ ન આપવો એમાં જ માણસાઈ છે, કારણ ભાવો વધે તેમ તેમ માણસ સસ્તો થતો જતો હોય છે, હવે માણસ જ સસ્તો હોય તો મોંઘવારી ક્યાં રહી?

રહી વાત દૂધની તો મે, 2014માં તે લિટરે 36 રૂપિયા હતું, તે આજે 18 રૂપિયા વધીને 54 રૂપિયે છે. દાળ મે, 2014માં 75 રૂપિયે કિલો હતી, તે જૂન, 2023માં 200ને ભાવે પહોંચી છે. કિલોએ 125નો વધારો.

એવું નથી કે બધું જ વધ્યું છે. ડુંગળી, બટાકાના ભાવ ઘટ્યા પણ છે. માર્ચ. 2022માં ડુંગળી 28 રૂપિયે હતી, તે વર્ષને અંતે 24ને ભાવે વેચાઈ. એ જ રીતે બટાકા 20 રૂપિયે હતા તે રૂપિયો ઘટયા. 83.5નો ઘટાડો તો એલ.પી.જી.ના 19 કિલોના સિલિન્ડરમાં પણ આવ્યો ને વડોદરા ગેસ કંપનીએ પાઇપ મારફતે પહોંચાડાતા ગેસમાં યુનિટ દીઠ 1.57નો અને સી.એન.જી.માં 6.10નો ઘટાડો 9 એપ્રિલે કર્યો. એ જુદી વાત છે કે ઓકટોબર, 2022થી જાન્યુઆરી, 2023 સુધી 20.79નો પ્રતિ ક્યુબિક મીટર વધારો કરવામાં આવ્યો હતો, તેની સામે 6 મહિને 1.57નો ઘટાડો દરિયામાંથી ડોલ કાઢવા જેવો હતો. આવી ગમ્મત તો થતી રહેતી હોય છે. ટામેટાં એકદમ જ 200 રૂપિયે કિલો થયાં છે. 20 રૂપિયે કિલોનાં ટામેટાં 200નાં થયાં, પણ વડા પ્રધાને દૂધ 300 ને દાળ 500નો જે આંકડો પાડ્યો તેનાં કરતાં તો એ ઓછાં જ છેને ! એ તો જૂની સરકાર નથી એટલે, બાકી, એ હોત તો ટામેટાંનો ભાવ 2,000 પણ થયો હોત ! થેન્ક ગોડ, કે જૂની સરકાર નથી તેથી ટામેટાંનું 200-250માં પત્યું, એ ભાવ 2,000-2,500નો પડ્યો હોત તો પૂરી વલે થઈ હોત એમાં શંકા નહીં ! ને એબોવ ઓલ, ટામેટાં 200 હોય તો શું થયું? ટોમેટો કેચઅપ 120નો પાંચ કિલો મળે છે તે ઓછું છે? એમ તો ફૂદીનો, આદુ, કોથમીરના ભાવ પણ ઘટ્યા છે. ટામેટાંની આવક વધશે એટલે એ પણ 25-50ના કિલો થઈ જશે. નવી સરકારમાં એટલું છે કે તે ભાવો નિયંત્રણમાં રાખે છે. 20ના 200 થાય, પણ પછી 50 પણ થાય છે ને ! એ ભલે 20 કરતાં 30 વધારે હોય, પણ 200થી 150 ઓછા છે તે નહીં જોવાનું?

જો કે, ટામેટાંનો ભાવ ઊંચકાયો તો લોકોમાં જરા ચણભણ થઈ. એ જોઈને આરોગ્ય મંત્રી ને સરકારના પ્રવક્તાશ્રીએ લોકોને ટપાર્યા પણ ખરા કે ટામેટાં જ કૈં એક માત્ર ખાવાની ચીજ નથી, એ સાચું છે. ટામેટાં પર જ કૈં દીવો કરેલો છે કે એનાં વગર અજવાળું થાય જ નહીં? બીજી ઘણી વસ્તુઓ છે. ટામેટાં નથી તો ઘી ખાવ, તેલ પીઓ, કેડબરી ખાવ. દાળમાં ટામેટાં જ નાખવાં એવું થોડું છે? કેડબરી પણ નખાય ને ! લોકો તો એ પણ ખાય, પણ ચિંતા એ છે કે ટામેટાંને વિકલ્પે જે ખવાય તે તો પછી મોંઘું નહીં થાય ને ! થાય છે એવું કે શાકભાજી મોંઘી લાગે તો લોકો કઠોળ તરફ વળતાં હોય છે, પણ પછી કઠોળનો ઉપાડ વધતાં એ ય મોંઘું થવા લાગે છે. 26મીના જ સમાચાર છે કે કઠોળના ભાવમાં પણ 30 ટકાનો ઉછાળો આવ્યો છે. શાકભાજી ઓકટોબર સુધી સસ્તી થાય એમ લાગતું નથી, એની કિંમતોમાં જૂનથી જુલાઈ સુધીમાં જ 34 ટકાનો વધારો થયો છે. તેમાં ય ટામેટાં જ 160 ટકા મોંઘાં થયાં છે.

સાદી વાત એટલી છે કે જી.એસ.ટી. લાગુ પડ્યો છે, ત્યારથી બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે. શ્વાસ ચાલે છે તેનાં પર જી.એસ.ટી. નથી, બાકી જનમ-મરણ પણ જી.એસ.ટી.થી બાકાત ન હોય એમ બને. કાલના જ સમાચાર છે કે હવેથી હોસ્ટેલનાં ભાડાં પર પણ વિદ્યાર્થીઓને 12 ટકા જી.એસ.ટી. ભરવાનો થશે. આ ટેક્સ અગાઉ લાગતો ન હતો, પણ હવેથી હોસ્ટેલને રહેઠાણ તરીકે ટ્રીટ કરવામાં નહીં આવે. ગયાં વર્ષ સુધી રહેઠાણ ગણીને ટેક્સ વસૂલાતો ન હતો, પણ હવે વસૂલાશે. જે રસ્તે ટેક્સ વસૂલી શકાય એ રસ્તે સરકાર તો વસૂલે, કારણ દેશ તો રામભરોસે ચાલે, પણ સરકાર ન ચાલે. એને ચલાવવી પડે ને એને ચલાવવા હવા, પાણી ને ખોરાકમાંથી ટેક્સ કેવી રીતે વસૂલી શકાય એની તરકીબ નિષ્ણાતો શોધી આપતાં હોય છે.

મોંઘવારી છાપાંને લાગે ને સરકારને ન લાગે એમ બને. એનો અર્થ જ એ કે મોંઘવારી સાપેક્ષ છે. જો કે, લોકોને એ નથી જ લાગતી. આમેય લોકોને ક્યાં કૈં લાગે જ છે? હા, દૂરથી ‘દોસ્તી’ ફિલ્મનું એક ગીત ક્યારેક સંભળાય છે :

રાહી મનવા દુ:ખ કી ચિંતા ક્યૂં સતાતી હૈ, દુ:ખ તો આપના સાથી હૈ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જુલાઈ 2023

Loading

...102030...911912913914...920930940...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved