Opinion Magazine
Number of visits: 9457832
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઈને નકારનારો હિંદુ દેશ અને ધર્મ માટે જોખમી

રમેશ ઓઝા|Opinion - Opinion|3 August 2023

રમેશ ઓઝા

આપણી નજર સામે પાકિસ્તાન બરબાદ થઈ ગયું હોવા છતાં આપણે પાકિસ્તાન પાસેથી કોઈ ધડો લેતા નથી. ઊલટું પાકિસ્તાનનો માર્ગ અપનાવ્યો છે. આપણી નજર સામે કેટલાક મુસ્લિમ દેશો ખુવાર થઈ ગયા છે, પણ આપણે એમાંથી કાંઈ શીખતા નથી. હજુ નજીકના ભૂતકાળમાં જર્મનીએ અને ઇટલીએ જે માર્ગ અપનાવ્યો હતો અને એ પછી એ બે દેશોમાં અને દુનિયામાં જે બન્યું એનો વધારે નહીં તો થોડો ઇતિહાસ તો જાણતા જ હશો. એમ કહેવાય છે કે ઇતિહાસ ધડો લેવા માટે ભણાવાય છે. શું કરવું અને શું ન કરવું એ વાતનો ધડો ઇતિહાસમાંથી મળે છે. શાસન કેમ કરાય એ અકબર પાસેથી શીખવા જેવું છે અને શાસન કેમ ન કરાય એ ઔરંગઝેબ પાસેથી શીખવા મળે. શાસન કેમ કરાય એ અંગ્રેજો પાસેથી શીખવા મળે અને શાસન કેમ ન કરાય એ પેશ્વાઓ પાસેથી શીખવું જોઈએ.

પણ ઇતિહાસના ઘડામાં એકલું અમૃત ક્યાં છે? એમાં ઝેર પણ ભરપૂર માત્રામાં છે અને એ જ વધારે છે. ધડો તો એ લોકો માટે છે જેનામાં નીરક્ષીર વિવેક કરવાની આવડત છે અને એવા લોકો હંમેશાં ઓછા હોય છે. જો એમ ન હોય તો પોતાની સગી આંખે પાકિસ્તાનની બરબાદી જોયા પછી કોઈ પાકિસ્તાનનો માર્ગ અપનાવે?

આજે આપણો દેશ પાકિસ્તાનના માર્ગે છે. જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં રેલવે સુરક્ષા દલના એક જવાને ત્રણ મુસ્લિમ પેસેન્જર અને એક તેના સિનિયરને મારી નાખ્યા એ આનું પ્રમાણ છે. ભારતમાં રહેવું હશે તો મોદી-યોગીને મત આપવા પડશે એવું બોલતો એ જવાન વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડે છે. તે માનસિક તાણમાં હતો, વગેરે પ્રકારનો બચાવ કરવામાં આવી રહ્યો છે, પણ પેલો વીડિયો બનાવટી છે એમ કોઈએ કહ્યું નથી. એ માનસિક તણાવમાં હશે પણ એની ના નહીં, પણ તેનું માનસ કોમી ઝેરથી ભરેલું હતું એનો પણ સ્વીકાર કરવો રહ્યો. ઝેર જ્યારે લોકોનાં માનસનો કબજો લઈ લે અને લોકો કોઈને “દુ:શ્મન” ઠરાવીને પોતે જ બારોબાર સજા કરવા માંડે ત્યારે સમજી લેવું કે એ માર્ગ પાકિસ્તાનનો માર્ગ છે. મલાલા યુસુફ્ઝાઈ જેવી મુસ્લિમ કન્યાઓને ભણવાનો અધિકાર છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર મુસ્લિમ કન્યા નથી ધરાવતી પાકિસ્તાનમાં મુસ્લિમ પુરુષો ધરાવે છે. આધુનિક શિક્ષણ મેળવવા શાળાએ જનારી મુસ્લિમ કન્યા ઇસ્લામની દુ:શ્મન છે અને માટે સજાને પાત્ર છે. “દુ:શ્મન”ની ઓળખ નેતાઓ કરે છે, ધર્મગુરુઓ કરે છે, જે તે સમાજના મુખિયાઓ કરે છે, આજના યુગમાં પક્ષપાતી મીડિયા કરે છે અને રોગ વકરતા વકરતા છેલ્લે લોકો કરવા માંડે છે. આ રીતે ઝેરી વર્તુળ પૂરું થાય છે.

પાકિસ્તાની કવયિત્રી ફહમિદા રિયાઝે પાંચેક વરસ પહેલાં ભારતને ઉદ્દેશીને એક કવિતા લખી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. કવયિત્રી કાંઈક દુઃખ સાથે અને કાંઈક આશ્ચર્ય સાથે આપણને કહે છે કે “તુમ તો બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાં છૂપે થે ભાઈ.” કવિતા લાંબી છે અને ઈન્ટરનેટ પર મળે છે. શરમાયા વિના વાંચવાનો પ્રયાસ કરજો. અને વળી ઝેરનો સંગ્રહ કરવામાં અને ઝેર ઓકવામાં શરમ ન આવતી હોય તો કોઈ આંગળી ચીંધે એમાં શું કામ શરમાવું જોઈએ!

કવિતાની પહેલી જ પંક્તિમાં બે વાત કહેવાઈ છે. એક તો “બિલકુલ”. કોઈ ફરક નહીં. તમે બિલકુલ એ જ કરી રહ્યા છો જે અમારે ત્યાં થઈ રહ્યું છે. વળી અમારા જે હાલ થયા છે, એ નજર સામે હોવા છતાં. તો પછી અત્યાર સુધી જે ભારત દેશ નજરે પડતો હતો એ શું હતું? જો આ જ અસલિયત હતી તો અત્યાર સુધી ક્યાં છૂપાયેલા હતા?

આજકાલ ભારતમાં એ વિષે પણ ચર્ચા થઈ રહી છે જે કદાચ હજુ સુધી તમારા સાંભળવામાં કે વાંચવામાં નહીં આવી હોય. વેદો અને ઉપનિષદોનું ભારત, જૈન અને બૌદ્ધ ધર્મનું એટલે કે શ્રમણ દર્શનનું ભારત, સંતો અને સૂફીઓનું ભારત, રાજા રામમોહન રાય અને તેમના જેવા બીજા સમાજ-સુધારકો અને નવજાગરણનું વિમર્શકર્તાઓનું ભારત, ગાંધી અને નેહરુનું ભારત, બંધારણમાં કલ્પેલું ભારત સાચું હતું કે પછી અત્યારે જે નજરે પડી રહ્યું છે એ સાચું ભારત છે? કયું ભારત અપવાદરૂપ છે અને કયું કાયમી? ડૉ રામમનોહર લોહિયાએ દાયકાઓ પહેલાં ‘હિંદુ બનામ હિંદુ’ નામનું એક નાનકડું પુસ્તક લખીને કયો હિંદુ સાચો એની થોડીક વાત કરી હતી. એક હિંદુ એ છે જે સર્વસમાવેશક છે અને એક હિંદુ એ છે જે સ્ત્રીઓને રસોડામાં ગોંધી રાખે છે અને દલિતોને ગામની બહાર રાખે છે. એ હિંદુ એ છે જે આખા જગતને એક કુટુંબ સમજે છે અને એક હિંદુ એ છે જે સ્ત્રીને ઘરની બહાર જવા દેતો નથી અને દલિતને ગામમાં પ્રવેશવા દેતો નથી.

અને આ બન્ને હિંદુ પાછા એક જ છે. ડૉ લોહિયાના કહેવા મુજબ હિંદુ બનામ હિંદુનું યુદ્ધ એક જ હિંદુની અંદર ચાલી રહ્યું છે. હિંદુની અંદર માણસાઈને નકારનારો બીજો હિંદુ બેઠો છે તેને આપણે બહુ ગંભીરતાથી લીધો નહોતો. આપણે આશ્વસ્ત હતા કે હિંદુ જ્ઞાતિઓ દ્વારા આંતરિક રીતે વિભાજીત છે એટલે માણસાઈને નકારનારા હિંદુની ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. એ મોટી ભૂલ હતી અને હવે તો સમાજશાસ્ત્રીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયો હિંદુ સાચો? હિન્દુએ અત્યાચારો સહ્યા છે તો કર્યા પણ એટલા જ છે. અલબત્ત નિર્બળની સામે અને એ પણ પોતાનાંઓની સામે.

માણસાઈને નકારનારો હિંદુ દેશ માટે અને હિંદુ ધર્મ માટે જોખમી છે, જે રીતે માણસાઈને નકારનારો મુસલમાન ઇસ્લામ માટે અને પાકિસ્તાન માટે જોખમી છે.    

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑગસ્ટ 2023

Loading

લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે !

રમેશ સવાણી|Opinion - Opinion|2 August 2023

રમેશ સવાણી

વડા પ્રધાન ચિંતનશીલ હોવા જોઈએ, વિવેકબુદ્ધિવાળા હોવા જોઈએ. દેશના નાગરિકો પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. વિપક્ષનો આદર કરનારા હોવા જોઈએ. નાગરિકોને પ્રેરણા મળે તેવું તેમનું વ્યક્તિત્વ હોવું જોઈએ ! નાગરિકોને વડા પ્રધાન પ્રત્યે ભક્તિ નહીં પણ ગૌરવ થાય તેવા હોવા જોઈએ !

દુ:ખની વાત એ છે કે આપણા વડા પ્રધાન ગામના સરપંચ પણ ન બોલે તેવું બોલે છે ! લોકોને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચૂપ રહે છે, અને પોતાને સ્પર્શતા મુદ્દાઓ અંગે જ મોં ખોલે છે ! જેમ કે : [1] હું ચોકીદાર છું ! [2] હું ચા વેચતો હતો ! [3] હું તો ફકીર છું, ઝોળો લઈ ચાલ્યો જઈશ ! [4] મેં 35 વર્ષ ભિક્ષા માંગીને ખાધું છે ! [5] મારી માતા વાસણ ઉટકતી હતી ! [6] હું ગરીબ છું, મારી પાસે કાર પણ નથી ! [7] હું કામદાર છું ! [8] તેઓ મને ગાળો આપે છે ! [9] વિપક્ષો મને કામ કરવા દેતા નથી ! [10] વિપક્ષોનું ગઠબંધન બનાવટી છે ! [11] નેહરુએ આમ કર્યુ અને તેમ કર્યું ! [12] બધી ખરાબી કાઁગ્રેસની છે !

સરપંચ કદાય આવું બોલે તો માફ કરી શકાય; પરંતુ વડા પ્રધાન આવું બોલી શકે નહીં ! વડા પ્રધાને મહત્ત્વના મુદ્દાઓ અંગે વાત કરવી જોઈએ ! જેમ કે : [1] રોજગાર. [2] મોંઘવારી. [3] સારું અને મફત શિક્ષણ. [4] સારી અને મફત આરોગ્ય સેવા. [5] કાયદાનું શાસન. બંધારણીય મૂલ્યો. [6] નાગરિકોની સુરક્ષા. મહિલા, બાળકો, વંચિતો, દલિતો, લઘુમતીની સુરક્ષા. દેશની સરહદોની સુરક્ષા. [7] કૃષિ ઉપજના ભાવ. [8] ભ્રષ્ટાચાર, કાળું નાણું. [9] સારી અર્થવ્યવસ્થા. [10] રૂપિયાની મજબૂતી. [11] સ્વરોજગાર / લધુઉદ્યોગ.

વડા પ્રધાન લોકોની સમસ્યા જોવાને બદલે પોતાની સમસ્યાઓના જ રોંદણાં રોવે છે ! લોકોનું ધ્યાન ભટકાવવા મંદિરોમાં જઈને આરતી ઊતારે છે ! આશારામ જેવા ધર્મના પાખંડીઓને પંપાળે છે ! કોર્પોરેટ કથાકારો / ફિલ્મ કલાકારો અને ડાયરાના કલાકારો પાસે વાહવાહી કરાવે છે ! દરબારી મીડિયા / IT Cell મારફતે જૂઠાણાં / અર્ધસત્ય ફેલાવે છે ! વિપક્ષને ખલનાયક અને ના-લાયક ચિતરે છે ! લોકોને ગેરમાર્ગે દોરવા જ 18-18 કલાક કામ કરે છે ! 

વડા પ્રધાનની કળા જૂઓ; 10 લાખનો સૂટ પહેરે છતાં પોતાને ફકીર તરીકે, ગરીબ તરીકે સ્થાપિત કરી શકે છે ! CBI, ED, IT, NIA જેવી એજન્સીઓ તથા SC, EC, CAG જેવી બંધારણીય સંસ્થાઓ વડા પ્રધાનની કઠપૂતળી બની ગઈ છે; વડા પ્રધાન પાસે સંસદમાં બહુમતી છે, તેમની 18થી વધુ રાજ્યોમાં સરકારો છે, છતાં વડા પ્રધાન કહે છે કે ‘વિપક્ષો મને કામ કામ કરવા દેતા નથી !’ લોકો માની પણ જાય છે ! વડા પ્રધાન પોતાના પક્ષમાં ભૂતકાળમાં CBIએ કરોડોના કૌભાંડમાં જેમની પર રેઈડ પાડેલ હોય તેવા જેલનિવાસી ક્રિમિનલોનું સ્વાગત કરે છે. ભ્રષ્ટ નેતાને મુખ્ય મંત્રી બનાવે છે, ઉપ મુખ્ય મંત્રી બનાવે છે ! છતાં લોકોની ધારણા બની ગઈ છે કે વડા પ્રધાન ભ્રષ્ટાચારને બિલકુલ ખતમ કરી દેશે ! સરહદ પર સૈનિકો શહીદ થતાં રહે છે; ચીને લદાખમાં આપણા 64માંથી 27 પેટ્રોલિંગ થાણાં પચાવી પાડ્યા છે; ત્યાં આપણું લશ્કર જઈ શકતું નથી; ચીને અરુણાચલ પ્રદેશના શહેરોનાં નામ બદલી નાખ્યાં છે; આપણી સરહદમાં ચીને ગામડાં ઊભાં કર્યા છે; છતાં લોકો કહે છે કે પાકિસ્તાન અને ચીન વડા પ્રધાનથી થરથર કાંપી રહ્યા છે ! 9 વરસના શાસન દરમિયાન કાશ્મિરી પંડિતોનું પુવર્વસન ન કર્યું છતાં દરબારી મીડિયા વડા પ્રધાનને હિન્દુ હ્રદય-સમ્રાટ કહે છે ! કિસાનો આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરે છે, છતાં કિસાનોની ડબલ આવક થઈ ગઈ છે; એ ભ્રમ લોકોના ગળે ઊતરાવી દીધો છે ! રાંધણ ગેસ સિલિન્ડરના રૂપિયા 400માંથી રૂપિયા 1,100 થયા, છતાં ઉજ્જવલા યોજનાની સફળતા ગીતો ગવડાવે છે ! મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ થાય છે, દલિત કન્યાઓ પર ગેંગરેપ થાય છે; છતાં વડા પ્રધાન ‘બેટી બચાઓ’ અભિયાનની સફળતાના ઢોલ પીટે છે ! ‘નોટબંધીનું સારુ પરિણામ ન આવે તો લોકો કહે ત્યાં ચાર રસ્તાએ ઊભો રહીશ અને લોકો જે સજા કરે તે ભોગવીશ !’ તેમ કહેનાર વડા પ્રધાન તો નોટબંધીનું નામ જ લેતા નથી ! છતાં લોકો ભૂલી ગયા ! કોરોના સેકન્ડ વેવમાં લાખો લોકોના મોત ઓક્સિઝનના અભાવે થયાં છતાં સંસદમાં વડા પ્રધાને કહ્યું કે ‘એક પણ મોત ઓક્સિઝનના અભાવને કારણે થયું નથી !’ છતાં પીડિત પરિવારો આ જૂઠને પચાવી ગયા ! કોણ જાણે લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે કે રોજગાર / શિક્ષણ / આરોગ્ય / સલામતી જેવા બુનિયાદી મુદ્દાઓ કરતાં ધર્મ / જાતિ / ગોત્ર / આસ્થા / નકલી રાષ્ટ્રવાદ / નકલી ભક્તિ / નફરત / ધૃણાના મુદ્દાઓ લોકોને બેહદ ગમે છે ! ધર્મનો નશો એવો છે કે તેમાં અસત્ય સત્ય અને સત્ય અસત્ય દેખાય છે ! તેમાં અવગુણ ગુણ અને ગુણ અવગુણ દેખાય છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલ પણ એક ભાગ્ય છે

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|2 August 2023

ગઝલ લખવી એટલે મારી દૃષ્ટિએ તો પાણીના દોરડા વણવા જેવું કઠિન કામ છે. લોકો ભલે સમજે કે છંદ આવડી જાય એટલે ગઝલ બહુ જ સરળતાથી લખી શકાય. ફક્ત છંદ આવડવાથી ગઝલ લખી શકાતી નથી. ગઝલમાં કાફિયા અને રદીફ પણ છંદ જેટલાં જ મહત્ત્વના છે. કાફિયા તો પ્રત્યેક શેરમાં બદલાતા હોય છે પણ રદીફ તો મતલાથી મક્તા સુઘી એક જ રફતારમાં ચાલતો હોય છે. ઉત્તમ ગઝલ રદીફ કેવો છે તેના પર આધાર રાખે છે. છંદ આવડવાથી તમે કાફિયા અને રદીફ સહારે ગઝલનું ખોખું કે પછી શરીરનો આકાર તમે ગઝલને આપી શકો. મિત્રો, ગઝલમાં મહત્ત્વ છે ગઝલત્વનું. જે ગઝલનો આત્મા ગણાય છે. સુંદર શરીર હોય પણ આત્મા વિનાનું શરીર કેવું લાગે જરા કલ્પના કરી જુઓ તો ખ્યાલ આવી જશે. એવું જ ગઝલમાં છે છંદ જાણતા હોય પણ ગઝલત્વ ના હોય તો તે ગઝલ આત્મા વિનાનું શરીર જેવી લાગે.

મારા પરમ મિત્ર સકૂર સરવૈયા જે દોઢેક દાયકો મારા ગામમાં રોચેસ્ટરમાં હતા, અને ત્યાર બાદ અહીંથી ૯૦ માઈલ દૂર શર્મન ગામમાં પોતાની દવાની દુકાન ખોલી. પોતે એક ફાર્માસિસ્ટ, અને બે પાંદડે થતાં થતાં તેઓ એક ખોટે રવાડે ચડી ગયા. આજથી દોઢ બે દાયકા પહેલાં અછાંદસ કવિતા લખતાં લખતાં છંદનો કોઈ અભ્યાસ કર્યા વિના અછાંદસની જેમ ગઝલ દિવસે ના લખાય એટલી રાતે લખવા માંડ્યા. અને પછી રાત દિવસ ગઝલ સંગ્રહ પ્રગટ કરવાનાં સ્વપ્ન જોતાં આ ફાર્માસિસ્ટ સંગ્રહ પ્રગટ કરવા એક નહિ પણ એક આખું ટોળું મળી ગયું, કે ચઢ જા બેટા શૂળી પર! અને આ ફાર્માસિસ્ટ પાસે અલ્લાહની મહેરબાનીથી ડોલરની કોઈ તંગી ન હતી એટલે ગઝલકાર થવાના સમણાં જોતાં સકૂર મિયાંએ પોતાનું નામ ‘શબાબ કાયમી” ધારણ પર કરી લીધું.

આ બધી અછાંદસ ગઝલનો સંગ્રહ પ્રગટ કરવા તેમણે વડોદરા ડૉ. રશીદ મીરને આ ગઝલ મોકલી આપી. આ ગઝલ સારા કાગળમાં સુઘડ રીતે રશીદભાઈ છાપી તો આપશે, સાથો સાથ ગઝલના છંદને પોતે ગઝલના જાણકાર હોવાથી મઠારી પણ આપશે, તેમ જ તેની પ્રસ્તાવના યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગઝલકાર ભાઈ અદમ ટંકારવી લખશે. એવું આદિલ મન્સૂરી સાહેબે સકૂર મિયાંને ગોઠવી આપ્યું, એટલે સકૂરભાઈ એ આ સંગ્રહ આદિલ મન્સૂરીને અર્પણ કર્યો. ત્રણ ચાર મહિના બાદ આ સંગ્રહ ” અજંપો” નામે પ્રગટ થયો, સુંદર કાગળ અને સરસ છાપકામ અને અદમ ટંકારવી સાહેબે ગઝલના રૂપ રંગ પ્રમાણે લખેલ પ્રસ્તાવના સાથે. તેની ત્રણ ચાર નકલ રશીદ મીર સાહેબે સકૂર ભાઈને મોકલી આપી.

અજંપાની ગઝલ જોતાં જ શકુરભાઈ ખુદ અજંપામાં ખોવાઈ ગયા, તેમણે લખેલી ગઝલનું રૂપરંગ એમનું એમ જ રાખી દેવામાં આવેલ. ગઝલમાં ક્યાં ય કોઈ ફેરફાર નહીં, ગઝલસંગ્રહ પ્રગટ કરવા ગયો ત્યારે આદિલભાઈએ સકૂરભાઈને કહેલ કે, શકુરભાઈ તમે બિલકુલ ચિંતા ન કરશો. તમારી પ્રત્યેક ગઝલને હું, અદમભાઈ, મીર સાહેબ મઠારીને છંદ ચકાસીને પછી જ ગઝલ સંગ્રહ રૂપે આપણે પ્રગટ કરીશું. આદિલભાઈ અને મીર સાહેબે જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે સંગ્રહની ગઝલમાં કોઈ ફેરફાર ન જોતા શકુરભાઈ દુઃખી થઈ ગયા.

તેમણે મને તે જ સમયે ઘરેથી ફોન કર્યો કે પ્રીતમ, હું અને તારી ભાભી હમણાં જ તને મળવા શર્મનથી રોચેસ્ટર આવી રહ્યાં છીએ. મને થયું સકૂરભાઈને એવું તે મારું શું કામ પડ્યું હશે, કે મને કહે કે હું તને બઘી વાત ફોન પર કરવાને બદલે તારા ઘરે આવીને વિગતવાર વાત કરીશ. આમ તો હું સકૂરભાઈને રોચેસ્ટરથી નહોતો ઓળખતો, પણ મારા અને સકૂરભાઈના સંબંધ ઘાટકોપરથી. મારા બનેવી પ્રતાપ ભટ્ટને કારણે, સકૂરભાઈને અમેરિકા બોલાવનાર પણ મારા બનેવી પ્રતાપ ભટ્ટ જ હતા. હું અને શકૂરભાઈ મારી બહેનના ઘરે ઘણી વખત સાથે પણ રહેલા. હું ભારતથી અમેરિકા પ્રથમ વાર આવ્યો ત્યારે મને એરપોર્ટ પર લેવા આવનાર પણ શકૂરભાઈ જ હતા. અમારા સંબંધ સાહિત્યને કારણે નહોતા, અમે તેમના ઘરે વારંવાર જતાં અને તેઓ પણ મારે ઘેર આવતાં.

શનિવારની સાંજે મારે ઘરે શકૂરભાઈ આવ્યા ત્યારે તેનો ચહેરો ઊતરી ગયેલ હતો. મને થયું કે શું થયું હશે? બીનાએ ચા બનાવી એટલે શકૂરભાઈ અને ભાભીએ ચા પીને, મારા હાથમાં ‘અજંપા”ની એક નકલ મૂકી. મેં મારા સ્વભાવ પ્રમાણે સકૂરભાઈને કહ્યું, ‘ખરા છો? તમે, આપણે રોજ ફોન પર વાત કરીએ છીએ પણ તમે ક્યારે ય મને કહેતા કે બોલતા નથી કે મારો સંગ્રહ પ્રગટ થવા ગયો છે. તમે મને ન કીધું મને તેનું કોઈ દુઃખ નથી. સંગ્રહ પ્રગટ થયો છે તેનો આનંદ વ્યક્ત કરવાને બદલે અત્યારે તમારું મોઢું અબરખના ડૂચા જેવું કેમ લાગે છે?

શકૂરભાઈએ બઘી વાત મને વિગતવાર કરી, ત્યારે મને પણ વેદનાનો અજંપો લાગ્યો. શકૂરભાઈ મને કહે કે આજે સવારે ચાર કોપી આવી છે. તેમાંથી એક કોપી મેં અહીં આવતાં પહેલાં શિકાગોમાં ડો. અશરફ ડબાવાલાને મોકલી આપેલ છે. આ એક કોપી હું તને વાંચવા આપું છું પણ તું મહેરબાની કરીને કોઈને ન આપતો. હું તારા ઘરેથી જ હમણાં સાંજે રશીદ મીર ને ફોન કરીને જણાવું છું કે મારો આ સંગ્રહ રદ્દબાતલ કરે અને મહેરબાની કરીને કોઈને તેની એક પણ કોપી આપે કે વેચે નહીં.

સકૂરભાઈએ તેમના ગઝલ સંગ્રહની ૫૦૦ નકલને ઊકરડે ફેંકી દીધી / ફેંકાવી દીઘી. બે પાંચ દિવસ બાદ સકૂરભાઈનો ગઝલસંગ્રહ ડો. અશરફ ડબાવાલાને શિકાગો મળ્યો ત્યારે અશરફભાઈ એ ફોન કરીને સકૂરભાઈને જણાવ્યું કે તમારી ગઝલ સારી છે, પણ છંદ વિના ‘ફોટો ફ્રેમ વિનાની તસ્વીર ભીંત પર મૂકી હોય તેવી લાગે છે’. તમે અજંપા વિશેનો જે અજંપો કાગળમાં દર્શાવ્યો છે, તે વાંચી મને એટલું કહેવાનું મન થાય છે. કે ‘તમારો કાગળ તો મને એક અછાંદસ કાવ્ય જેવો લાગ્યો.’ બે પાંચ મહિના બાદ શકૂરભાઈ મને કહે કે તને કોઈ ગઝલના જાણકારી સાથે ઓળખાણ હોય તો તું તેને વાત કર. જો તે મારી ગઝલને છંદમાં મઠારી આપશે તો, એ જે કહેશે તે પ્રમાણે આપણે તેને મહેનતાણું આપશું. મેં સકૂરભાઈને કહ્યું, શકૂરભાઈ આ અનુભવ પછી તો કંઈક શીખો. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય, તમે એમ કરો ગઝલ છંદનો અભ્યાસ કરો. મારી પાસે “નઝર” ગફૂરીનું ‘છંદસમજ ગઝલ સહજ’ અને જમિયત પંડ્યાનું ગઝલના છંદ શીખવા માટેનું એક પુસ્તક હતું. આ બે પુસ્તકો મારી પાસે હતા જે મને કવિ મિત્ર કૈલાસ પંડિતે ૧૯૯૦માં હું મુંબઈ ગયો હતો ત્યારે મને આપેલાં. આ બંને પુસ્તકો મેં સકૂરભાઈને મોક્લી આપ્યાં. શકૂરભાઈ લગભગ દોઢ બે વરસ આ પુસ્તક વાંચી તેમણે ખુદ જાતે મથીને અજંપાની બધી ગઝલ જેટલી થઈ શકે તે બધી છંદમાં લખવાની કોશિશ કરી અને એકાદ વરસ બાદ, આ બઘી ગઝલને એમણે ૨૦૦૫માં “શબાબ કયમી”ના નામે, “બે દમ ચલમના’માં પ્રગટ કરી.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...908909910911...920930940...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved