Opinion Magazine
Number of visits: 9957401
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેટલું જોઈએ ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 January 2024

રવીન્દ્ર પારેખ

જગતમાં કેટલુંક સારું છે, હજી પણ છે, પણ તે ક્યાં સુધી ને કેટલું રહેશે તેની ચિંતા છે. બધું જાણે અંતિમો પર છે ! સારું પણ ને નબળું પણ ! એક તરફ અનેક સગવડો અને ટેક્નોલોજીથી ભરપૂર જીવન છે ને બીજી તરફ માનવીય સંવેદનાનો દુકાળ વર્તાઇ રહ્યો છે. બધું જ જાણે વધુ ને વધુ કમાણી માટે છે. કમાણી કમ્ફર્ટ માટે છે, પણ જે ઉત્તમ ને મહત્તમ થાય છે તે તો પૈસો મેળવવા ! સગવડો પૈસા માટે, ટેકનોલોજી પૈસા માટે, માણસો પૈસા માટે. પૈસા માણસ માટે, પૈસા ટેકનોલોજી માટે, પૈસા સગવડો માટે. એમાં લાગણી પૈસા માટે ને પૈસા લાગણી માટે થયા છે, ત્યારથી સંબંધો સ્પષ્ટ અને નિર્દોષ નથી. ઘણાં એકબીજાનો મદદને બહાને ઉપયોગ પણ કરી રહ્યાં છે. આખા ય વિશ્વમાં ઘણું બધું થાય છે, કેટલીક સિદ્ધિઓ પણ છે, પણ કોઈ પણ ઉપકરણ કે ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ પૈસા કેમ ભેગા થાય તે માટે જ થાય છે. પૈસા જરૂરી છે તેની ના નથી, પણ માત્ર આંકડાઓ મોટા દેખાડવા જે થઈ રહ્યું છે તેનાથી આનંદ થતો નથી. આપણને દેખાડાની ટેવ પડી છે. નાનાંથી, ઓછાથી પણ જીવી શકાય છે, તે તરફ આપણે કદાચ જોવા જ નથી માંગતા. કેટલાક વિરાટ પ્રોજેક્ટ્સ જરૂરી છે, પણ બધા જ જરૂરી છે કે તેનું લક્ષ્ય અમર્યાદ કમાણીનું નથી એમ માનવાનું મુશ્કેલ છે. કૈં પણ, કેવળ મોટું જ નહીં, વિશ્વ વિક્રમી પણ હોય ને એ દ્વારા કેવી રીતે પૈસા બનાવી શકાય તે જ હેતુ બચ્યો છે.

મૂર્તિ થોડી નાની ને કલાત્મક હોઈ શકે, પણ વિશ્વવિક્રમી હોય તો ટિકિટ રાખીને વર્ષો સુધી કમાણી કરવાનો હેતુ શુદ્ધ નથી. તેમાં ભવ્યતા હશે, પણ કલાત્મકતા વિષે શંકા રહેવાની. કોઈ પણ સ્ટેડિયમ, હેતુ જળવાઈ રહે એટલું હોય તો ચાલે, પણ સૌથી મોટું જ કરવાની ગણતરી હોય તો નફો ને કાળાબજાર વધારવાનો હેતુ અપ્રગટ રહેતો નથી. મોટું, વિરાટ, ભવ્ય કૈં હોય તો તેનો વાંધો શો હોય, પણ હેતુ દેખાડાનો, કમાણીનો, ધંધાનો જ હોય તો તે ચિંત્ય છે. રસ્તા બને તે સારી વાત છે, પણ ટોલ ટેક્સને નામે પછી લૂંટ અટકે જ નહીં, તો ત્યાં મદદ ઓછી ને નફો વધારે છે. આ બધું જ મનુષ્યના ઉત્કર્ષ માટે હોય તો ક્ષમ્ય છે, પણ ઇરાદો કમાણી અને શોષણનો જ હોય તો ફરિયાદનો પણ શો અર્થ રહે?

એ સાચું કે સુખ સગવડો માટે યંત્રો જરૂરી હતાં, તેથી વિકાસ ઝડપી બન્યો, પણ યંત્રો માણસને જ યંત્ર બનાવે તો એવા વિકાસનો અર્થ ખરો? બિગ બેન થિયરી મુજબ આ બ્રહ્માંડ 1,380 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું ને આપણી પૃથ્વી બન્યાને 450 કરોડ વર્ષ થયાં. પૃથ્વી પર માનવ હતો ત્યાં વિકાસ થયો. અગ્નિ, ધાતુ, યંત્ર વગેરેએ માનવ માટે એવી એવી સુવિધાઓ ઊભી કરી કે તે આજે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુધી આવી પહોંચ્યો છે ને અહીં પણ અલ્પ વિરામ તો નથી જ ! બીજું ઘણું અવતરવા માટે તત્પર છે ને એ રોક્યું રોકાય એમ નથી.

રોબોટ્સ માણસનાં કામ કરવા લાગ્યા છે, પણ AIને તો માણસ વગર પણ ચાલે એમ છે. માણસે AIનું સર્જન કર્યું, પણ તે એવું અદ્ભુત થયું કે માણસનું જ વિસર્જન થાય એવી સ્થિતિ આવી ઊભી છે. આજે તો AI, OI (ઓરિજિનલ ઇન્ટેલિજન્સ) પર હાવી છે. AI માણસને રિપ્લેસ કરવા તત્પર છે, એવું જે નફાખોર માનસને લાગ્યું છે, તે માણસને બદલે AIનું શરણું સ્વીકારવા તૈયાર છે. માણસને તો પગાર પેન્શન આપવાં પડે ને AI એના કરતાં તો કિફાયતી જ છે. AI દ્વારા મશીનોને બૌદ્ધિક બનાવવાની વાત છે, જેથી તે માનવ જેવું જ કાર્ય વધુ ક્ષમતાથી કરી શકે ને ભવિષ્યમાં એવી ક્ષમતાથી કરે કે માણસની જરૂર જ ન રહે. અત્યારના AI કેટલાં સક્ષમ છે, તે તો નથી ખબર, પણ તે જો સેલ્ફ પ્રોડક્ટિવ થઈ શકે, તો નવાં AI પણ એની મેળે જ ઉત્પન્ન થઈ શકે. AI માણસને વિકલ્પે સક્રિય થાય તો માણસો ફાજલ પડે. એ સંદર્ભે એવું જોખમ વર્તાય છે કે 2030 સુધીમાં દુનિયામાં 300 મિલિયન લોકો નોકરી ગુમાવે. તાજી વાત એવી છે કે દુનિયાની 40 ટકા નોકરીઓ AI ખાઈ જશે. આ કારણે AIને ઘણાં નકારે છે. જો કે AI હેલ્થકેર સેક્ટરમાં ઉપયોગી છે. AI સ્કેન શરીરની નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે એમ છે. એ રીતે AI સ્વાસ્થ્ય વિષયક તકલીફોમાં પણ ઉપયોગી થઈ શકે. AI આધારિત રોબોટિક સર્જરી વધુ ઉપયોગી થાય એમ બને, પણ ઉપયોગમાં વિવેક ક્યારે જળવાયો છે કે આમાં જળવાય?

ભારતની વાત કરીએ તો લાખો માણસો શિક્ષિત હોવા છતાં બેકાર છે, ત્યારે AI દ્વારા નોકરીની તકો છીનવવાનો કોઈ અર્થ ખરો? માણસની બુદ્ધિ એટલી સતેજ થઈ કે તેણે કૃત્રિમ બુદ્ધિ-AI વિકસાવી અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મશીનો બુદ્ધિશાળી થઈ રહ્યાં છે ને માણસની બુદ્ધિને લૂણો લાગ્યો છે. મશીનો ઉત્પાદનનો અને માણસો નિરુત્પાદનનો ભાગ ને ભોગ બનવા લાગ્યા છે. જેમ મશીનો વધુ પૈસા કમાવી આપે એમ જ, માણસો પણ વધુને વધુ પૈસા કમાવી આપે એટલો જ અર્થ તેનો બચ્યો છે. તેને માટે તેણે માનવ સંબંધો, સંવેદનો, જીવંતતા વગેરેને દાવ પર લગાવ્યા છે. એક સવાલ દરેકે પોતાને પૂછવા જેવો છે કે કોઈ વાતે દુ:ખ થતું નથી એવું ખરું? સંપત્તિ, સત્તા ને સંચય સિવાય બીજું કૈં સૂઝતું જ નથી એવું થાય છે? બીજાનો આનંદ જોઈને આંખોમાં ઝેર વ્યાપે છે? જો આનો જવાબ ‘હા’માં આવે તો સમજવું કે આપણામાં અને રોબોટમાં એક જ ફરક રહ્યો છે ને તે એ કે રોબોટને શ્વાસ નથી ને આપણને છે. ટૂંકમાં, આપણે જીવંત રોબોટ જ છીએ.

તાજેતરમાં જ સૂચના શેઠ નામક 39 વર્ષની એક AI સંબંધિત CEOએ ચાર વર્ષનાં સગા દીકરાની હત્યા કરી. આવી જ ઘટના ઇંદ્રાણી મુકરજી નામની બીજી એક CEOએ પણ કરેલી. આવી ઘટનાઓ ભવિષ્યમાં અપવાદરૂપ ન રહે એમ બને. ‘ઘર’ ઘટી રહ્યાં છે ને ઓફિસો વધી રહી છે. ‘ઘર’ કરતાં ઓફિસોમાં રહેવાનું અને તે દ્વારા કમાણી કરવાનું વધ્યું છે. કુટુંબ પણ જાણે આવક-જાવકની ગણતરીઓ માટે જ ખપનું છે. ગમ્મત એ છે કે લગ્ન કરતાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. લગ્નના વિકલ્પો અંગત લાભ સિવાયના દાખલા ઓછા જ ગણે છે. લગ્નેતર સંબંધોનું વધતું પ્રમાણ, ઘરેલુ હિંસા, હત્યા ને આપઘાતના આંકડાઓ મોટા ને મોટા કરતું રહ્યું છે. બાળકો ઘોડિયાંઘરમાં અને વડીલો ઘરડાંઘરમાં ઊછરે છે, પરિણામે કૌટુંબિક સંબંધોની હૂંફ નામશેષ થઈ રહી છે. હૂંફ ઘટતાં વ્યક્તિ સંવેદનહીન બની છે. માતાને સંતાન વહાલું જ હોય ને તેને માટે તે જીવ પણ આપી દે એ સ્થિતિ બહુ રહી નથી. તે પણ જીવ લેતી થઈ છે, ભલે પછી તે સગા દીકરાનો જ કેમ ન હોય ! આવનારા સમયમાં રોબોટ્સ સંવેદનશીલ હોય ને વ્યક્તિ સંવેદનહીન હોય, એ AI શક્ય બનાવે તો આઘાત ન લાગે. વ્યક્તિ જેમ ઉચ્ચ સ્થાન પર તેમ તે સૌથી નિમ્ન સ્થાન પર બેસી શકે એ શક્ય છે. વ્યક્તિનું લક્ષ્ય કેવળ કમાણીનું જ રહી ગયું હોય એમ લાગે છે.

આખું જગત જાણે છે કે જીવવા માટે પૈસા જરૂરી છે, પણ પેટ નોટોથી ભરાતું નથી, તે અનાજથી ભરાય છે. ગરીબને પેટ ભરવા પૈસા મળતા નથી ને અમીર પાસે પૈસા છે, પણ પેટ ભરવા જેટલી ય ફુરસદ નથી. વગર પૈસે ગરીબ ટાઢમાં ઊંઘી શકતો નથી ને અમીર વધુ કમાવાની લ્હાયમાં ઉજાગરા કરે છે. એટલું છે કે પૈસા નથી તો પણ ઊંઘ નથી ને છે તો પણ નથી. પૈસા જરૂરી ખરા, પણ કેટલા જરૂરી?

જરૂરી હોય તેનાથી દસ ઘણા પૈસા સુધી સંપત્તિ લોભ કૈંકે ક્ષમ્ય, પણ તેથી ય વધુ ભેગું કરીને ક્યાં જવાનું? આખી પૃથ્વી નામે થઈ જાય તો પણ ધરવ ન થાય એટલો લોભ આજે સંપત્તિનો, મિલકતનો છે. કેટલી ય રકમ બેન્કોમાં ન ધણિયાતી હાલતમાં સડ્યા કરે છે. કેટલી ય તિજોરીઓ માત્ર નોટો ભેગી કરવા ને કદી બહાર ન આવવા જ હોય છે. કેટલી ય સંપત્તિઓનાં વાલીવારસ નથી. મિલકતો માટે એટલા ઝઘડા થાય છે કે નફો ડોકટરો અને વકીલોને પહોંચે છે. એ બધાંને અંતે પ્રાપ્તિ શું, તો હતાશા સિવાય કૈં હાથમાં આવે એમ નથી. દુનિયા એ રીતે નોટો ભેગી કરવામાં પડી છે કે કાલ ઊઠીને મૃત્યુ વખતે નોટો લઈ જવાની છૂટ કોઈ આપે તો સ્વર્ગ કે નરકમાં નોટો લઈ જવાનું ભાગ્યે જ કોઈ ચૂકે.

જો કે, આજની વ્યવસ્થા એવી છે કે મર્યાં પછી, શ્વાસ સાથે લઈ જવાતા નથી, તો રૂપિયાનો સિક્કો પણ સાથે લઈ જવાનો તો સવાલ જ પેદા નથી થતો …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 21 જાન્યુઆરી 2024

Loading

દલપતરામ વિશે, અને દીપક મહેતાના તેમના પરના નવા પુસ્તક વિશે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|21 January 2024

કવીશ્વર દલપતરામની આજે જન્મજયંતી છે. દલપતરામ મારે મન ઓગણીસમી સદીના ‘સકલ પુરુષ’ છે. આ Renaissance man, આ પ્રગતિશીલ સમાજ-સાક્ષર અત્યારના ગુજરાતમાં ખૂબ પ્રસ્તુત છે. પ્રકાશ ન. શાહનું એક યાદગાર નિરીક્ષણ છે : ‘દલપતરામનું વઢવાણથી અમદાવાદ આવવું એટલે ગુજરાતનું મધ્યયુગમાંથી રેનેસાંમાં – નવજાગૃતિમાં પ્રવેશવું.’

કવીશ્વર દલપતરામ (1820-1898) ગુજરાતના જાહેરજીવનનું એક વિશાળ, પ્રેમાળ અને પ્રગતિશીલ વ્યક્તિત્વ હતા. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના જુલાઈ 1855ના પોતાનાં પહેલાં જ તંત્રીલેખમાં તેમણે લખ્યું : ‘આપણા દેશના સુધારા અર્થે મારા તન-મન-ધનથી હું ખૂબ મહેનત લેવા ઇચ્છું છું.’

એ મુજબ ખરેખર સદાકાળ તેમણે પોતાની સાહિત્યશક્તિને જનહિત માટે મનોરંજક રીતે, અભિનિવેશ વિના ઉપયોગ કર્યો. તેમણે સભાનપણે રૂડી ગુજરાતી વાણીનાં આદર-કદર કરી જાણ્યાં.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી અમદાવાદ અને ગુજરાતના લોકો લાઇબ્રેરીઓમાં જતાં થયા; અખબાર વાંચતાં, દીકરીઓને ભણાવતાં, ભાષણો સાંભળતા થયા તેમાં લોકહિતચિંતક દલપતરામનો મોટો ફાળો છે.

તેમણે બાળકોને મજાની કવિતાઓ આપી અને  પહેલવહેલી વાર કવિઓને છંદ શીખવ્યા. તેમને કારણે કવિતાની ચોપડીઓ છપાવા-વેચાવા લાગી અને કવિસંમેલનો ભરાતાં થયાં. તેમણે લખાણો, ભાષણો તેમ જ કાર્યો થકી, અભણ, વહેમી, રુઢિચુસ્ત જનતાને શિક્ષણ, સાહિત્ય અને સદાચાર-પ્રેરિત સંસ્કારી જીવન તરફ વાળી.

નાતજાતના ભેદ, જ્યોતિષનાં ભ્રમ અને ભૂતપ્રેતના વહેમમાંથી લોકોને બહાર કાઢવા માટે નિબંધો લખ્યા. અમદાવાદ અને ગુજરાતમાં 1820ની સાલ સુધીમાં પાકા થયેલાં અંગ્રેજોના રાજમાં શરૂ થયેલા સમાજસુધારાને ગતિ આપવામાં દલપતરામે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

ઉદ્યમ અને યુરોપમાંથી આવેલ હુન્નર કહેતાં યંત્રઉદ્યોગ દેશની પ્રગતિ માટે કેટલાં જરૂરી છે તેની પિછાણ તેમણે લોકોને ‘હુન્નરખાનની ચઢાઈ’ જેવી વાર્તારૂપ કવિતા અને બીજાં લખાણો થકી કરાવી. અમદાવાદ શહેરની સ્વચ્છતા અને તેનાં આયોજન તરફ લેખો દ્વારા ધ્યાન દોર્યું.

પુરાણકથાનો આધાર લઈને રચેલાં ‘વેનચરિત’ નામનાં આખ્યાનકાવ્યમાં વિધવાઓની હાલતનો ચિતાર આપીને બાળલગ્નનો વિરોધ અને વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું.

દલપરામ ઓગણીસમી સદીમાં કાર્યરત દુર્ગારામ મહેતા, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ કે બહેરામજી મલબારીની હરોળના ઍક્ટિવિસ્ટ-સુધારક કદાચ ન લાગે. પણ તેમની પાસે સુધારા માટેની સમ્યક દૃષ્ટિ હતી.

તેમનાથી તેર વર્ષ નાના નર્મદની જેમ જોસ્સા અને કેફ સાથે ‘યાહોમ કરીને પડો’ એવી તેમની વૃત્તિ નહીં, ‘ધીરે ધીરે સુધારાનો સાર’ લોકોને ગળે ઊતારવો એ તેમની પદ્ધતિ હતી.

********

દીપક મહેતા

દલપતરામને મેં જેટલા વાંચ્યા છે તેટલા મને ગમ્યાં છે. મારે એવું દીપક મહેતાની બાબતમાં પણ છે. ચોર્યાંશી વર્ષે પણ સાક્ષરજીવનમાં સતત સક્રિય એવા ગ્રંથજ્ઞ – bookman છે. ગ્રંથસંશોધન ક્ષેત્રે, અને ખાસ તો ઓગણીસમી સદીનાં પુસ્તકોમાં, તેમનું  પ્રદાન અનન્ય છે. ‘મિડ-ડે’ દૈનિકમાં તેમની લેખમાળા ‘ચલ મન મુંબઈ નગરી’ લાંબા સમયથી ચાલી રહી છે. તેનું પુસ્તક ગુજરાતી ભાષા-ઇતિહાસ-સંશોધનનું એક ઘરેણું છે. સાહિત્યિક પત્રકારત્વ, વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ તેમણે પ્રદાન કરેલું છે. ઓગણીસમી સદી તેના ઐતિહાસિક અને સમાજશાસ્ત્રીય મહત્ત્વ છતાં સાંપ્રત ગુજરાતના વિચારજગતમાં એકંદર ઉપેક્ષિત હોવાની, અને તે જ રીતે તે કાળખંડ પર દીપકભાઈએ કરેલું કામ પણ ઉપેક્ષિત હોવાની મારી છાપ છે.

દીપકભાઈનું ‘દલપતરામ એટલે…’ નામનું નવું પુસ્તક હમણાં પંદર દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને યોજેલા પુસ્તક મેળામાંથી મળ્યું. એટલે મારા માટે જાણે સોનામાં સુગંધ ભળી. એક પ્રિય પ્રશિષ્ટ સાક્ષર વિશે સાંપ્રત આદરણીય ગ્રંથશીલે લખેલું પુસ્તક મળ્યું.

ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલાં ઉપરોક્ત પુસ્તકના 31 માર્ચ 2023ના રોજ લખેલા નિવેદનમાં દીપકભાઈ જણાવે છે : ‘આ પુસ્તકમાં સંગ્રહાયેલા લેખોમાં કવીશ્વર દલપતરામના જીવન અને લેખનને જરા હટકે જોવાનો અને નિરૂપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.’

પુસ્તકના તમામ તેર લેખો તાજગીસભર, માહિતીપ્રદ, આધારપૂર્ણ અને વાચનીય છે. તેમના શીર્ષક આ મુજબ છે :

(1) દલપતરામ અને ફાર્બસ (2) દલપતરામ અને ‘સોસાયટી’ (3) દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’ (4) દલપતરામ અને ‘રાસમાળા’ (5) દલપતરામ અને ‘હોપ વાચનમાળા’  (6) દલપતરામનું પહેલું પુસ્તક (7) દલપતરામનું વિરહકાવ્ય (8) ધીરે ધીરે સુધારાનો સાદ સંભળાવતું ‘વેનચરિત્ર’ (9) દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ (10) દલપતરામ અને મુંબઈ (11) દલપતરામ : ‘જેણે મુંબઈ જોઈ નહીં અફળ ગયો અવતાર’ (12) દલપતરામ અને શેરબજાર (13) દલપરામ એટલે …

દીપકભાઈએ પુસ્તકના પરિશિષ્ટમાં જે લખાણો મૂક્યાં છે તે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા અને આજ સુધી અગ્રંથસ્થ રહેલાં છે એમ તેમણે નોંધ્યું છે. તેઓ ઉમેરે છે : ‘હકીકતમાં ‘બુદ્ધિપ્રકાશ’ના બધા જ અંકોને ઝીણા આંકે ચાળીને આજ દિન સુધી નજર બહાર રહી ગયેલી દલપતરામની ગદ્યકૃતિઓને પુસ્તક રૂપે સંગ્રહી લેવાની જરૂર છે.’ દીપકભાઈના આ નિરીક્ષણનો અર્થ એ થયો કે અકાદમીએ અનેક ખંડોમાં પ્રસિદ્ધ કરેલી દલપત ગ્રંથાવલીમાં આ કૃતિઓ નથી. ‘ગુજરાત વિદ્યાસભા’ના એકસો પંચોતેરમા વર્ષ નિમિત્તે અકાદમીએ આ કામ સંપન્ન કરવું જોઈએ.

પરિશિષ્ટમાં દલપતરામની જે અગ્રંથસ્થ કૃતિઓ મૂકવામાં આવી છે તે આ મુજબ છે :

(1) મુંબઈ વિશે (2) વડોદરા વિશે (3) રાસમાળાની વાત (4) અભિમાની રતુંધો (5) વંશપાળ અને ધર્મરાજ (6) ‘મિથ્યાભિમાન’ નાટકનાં ગીતો

ગુજરાતની નાજાગૃતિના અગ્રદૂત દલપતરામને વંદન. ગુજરાતી રાણી વાણીના વકીલના વકીલને અનેક ધન્યવાદ.

‌‌‌‌——–

‘દલપતરામ એટલે …’ (2023), પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પાનાં 108, રૂ.220/- 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, 98797 62263  

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

હજી ચાલ થોડું

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|21 January 2024

કેમ થંભી ગયો, હજી ચાલ થોડું,

ચાલ આગળ વધી હજી ચાલ થોડું

પગ ઝડપથી ઉપાડ મંઝિલ મળશે,

ત્યાં જ ફંટાઈને હજી ચાલ થોડું.

એ તરફ જો સપાટ મેદાન પાછળ,

સ્હેજ દરકારથી હજી ચાલ થોડું.

તું સમય વેડફી રહ્યો છે ઝડપ કર,

હો’ડને જીતવા હજી ચાલ થોડું.

સુખ માટે  કજાત થઈ જાવું પડશે,

ભાલ ચમકાવવા હજી ચાલ થોડું.

e.mail : addave68@gmail.com

Loading

...102030...900901902903...910920930...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved