Opinion Magazine
Number of visits: 9666073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશની પ્રથમ ઘટના : લોકશાહી જીવનમાં પ્રાણ પૂર્યા !

રમેશ સવાણી|Opinion - Opinion|16 November 2023

[ભાગ-4]

આઝાદી પહેલાં ગરાસદારી પ્રથા શું હતી? ઘરખેડનો પ્રશ્ન શું હતો? શા માટે ભૂપત ડાકુએ  85થી વધુ નિર્દોષ લોકોની હત્યાઓ કરેલ? શા માટે તેમણે અનેક લોકોના નાક કાપી નાખેલ? શા માટે તે કાઁગ્રેસના કાર્યકરો / નેતાઓને નિશાન બનાવતો હતો? શા માટે અનેક ખેડૂતોના કાસળ કાઢવામાં આવ્યા? શા માટે આ હત્યાઓ થઈ રહી હતી ત્યારે વૈષ્ણવ સંપ્રદાય / સ્વામિનારાયણ સંપ્રદાય / બીજા સંપ્રદાયો મૌન રહેલ? શા માટે આ સંપ્રદાયો લોકશાહીના બદલે સામંતશાહીની તરફેણ કરતા હતા? દુ:ખદ સ્થિતિ એ છે કે આવા પ્રશ્નો આજની પેઢીને થતાં નથી અને વધુને વધુ ધાર્મિક અંધશ્રદ્ધાળુ બની સ્થાપિત હિતોના રોબોટ બની તાળીઓ પાડ્યા કરે છે !

સૌરાષ્ટ્રમાં મોટા-નાના કુલ 220 જેટલાં રજવાડા હતા. તેમાં કેટલાંકનો વિસ્તાર, 3,000 ચોરસ માઈલથી લઈ થોડાંક એકરમાં હતો. આમાંના કેટલાંકને મહેસૂલ ઉઘરાવવા સિવાય બીજા કોઈ અધિકાર ન હતા. 26 રજવાડાઓને સંપૂર્ણ કે મર્યાદિત પ્રમાણમાં રાજસત્તા હતી, બાકીની સત્તા બ્રિટિશ રેસિડેન્ટને હસ્તક હતી. જે પોલિટિકલ એજન્ટ તથા તાલુકદારી કોર્ટ મારફત પોતાની સત્તા ચલાવતા હતા.

સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા ગરાસદારી પ્રથા હતી. ગાદીવારસ સિવાયના રાજપુત્રોને નિભાવ માટે ગામો / જમીનો આપવામાં આવતી હતી. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે 4,200 ગામોમાંથી 1,700 ગામો ગરાસદારી ગામો હતા ! લગભગ 5,00,000 ગરાસદારો હતા. તે ગામોમાં ખેડૂતોને જમીન ઉપર કશા ય હક હતા નહીં. ગરાસદારને ઠીક લાગે ત્યારે ખેડૂતને જમીન છોડી દેવી પડતી. આને કારણે જમીનની ખેતી અને સંભાળની સ્થિતિ નબળી હતી. જમીનમહેસૂલ ભાગબટાઈના ધોરણે હતું. અનેક પ્રકારના વેરા, લાગાલેતરીઓ પણ હતા. સામાન્ય વરસમાં તો ખેડૂત ખળામાંથી પછેડી ખંખેરીને બહાર નીકળતો ! ગરાસદારો જમીનની પેદાશમાંથી 1/6 માંડીને 1/3 સુધીનો ભાગ લેતા હતા. એને કારણે ખેડૂતો દેવાદાર બનતા. વેઠ પ્રથા હતી. ખેડૂતને ગમે તે વખતે વેઠ માટે પોતે પોતાના ગાડા લઈને જવું પડતું. ખેડૂતને ખાટલા / ગાદલાં / ગોદડાં પણ વેઠે મોકલવા પડતા. ગરાસદારોને દીવાની કે ફોજદારી હકૂમતો ન હતી અને છતાં એના ખેડૂત સાથેના સંબંધમાં એ સર્વસત્તાધીશ હતા, તે જાતનો એનો રૂવાબ અને વર્તન રહેતાં.

સૌરાષ્ટ્ર સરકારને, ગરસદારી વિસ્તારના ખેડૂતોનો પ્રશ્ન ઉકેલતા ખૂબ જ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. શરૂઆતમાં ગરાસદારી આગેવાનોએ સરકાર સામે સત્યાગ્રહનો માર્ગ લીધો. ધીરે ધીરે આ પ્રશ્ન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન બની ગયો અને ધાડ-હત્યાનું એક મોટું મોજું અઢી વર્ષ સુધી સૌરાષ્ટ્ર ઉપર ફરી વળ્યું!

સૌરાષ્ટ્ર સરકારે જમીન અંગેની નીતિ અંગે વિચારવાનું શરૂ કર્યુ એટલે ગરાસદારોએ ખેડૂતો પાસેથી જમીનો પરત લેવાનું શરૂ કર્યું. કેમ કે, 

[1] ઘણા ગરસદારોને ભય હતો કે સરકાર વહેલામાં વહેલી તકે જમીન સુધારણાનો કાયદો કરશે અને એમને ખેડૂતો પાસેથી જમીન લઈ લેવાની તક રહેશે નહીં. 

[2] એમને એ વખતે આ જમીનમાંથી ઉપજનો ભાગ અને બીજા લાગાલેતરીમાં જે મળતું તે સરકાર ચાલુ રહેવા દેશે નહીં અને એમાં ઠીક મોટો ઘટાડો કરવામાં આવશે. 

[3] એમને એમ લાગતું હતું કે એમની આવક વધારવાનું હવે એકમાત્ર સાધન જમીન છે અને જેટલી જમીન તેઓ જાતખેડથી ચલાવી શકે તે કોઈ પણ કાયદો થાય તે પહેલા એમણે મેળવી લેવી જોઈએ. 

[4] ગરાસદારના ખેડૂતો એ મરજીના ખેડૂતો હતા એટલે કશી નોટિસ આપ્યા સિવાય એમની પાસેથી જમીન છોડાવી શકતા હતા; પણ આ સ્થિતિ લાંબો વખત રહેવાની ન હતી…

ગરાસદારોની દલીલ હતી કે અમારી જમીન જૂના વરસોમાં અમારા વડવાઓએ માથા આપીને મેળવેલ હતી, જેથી જમીન પર અમારો સંપૂર્ણ અધિકાર છે. સૌરાષ્ટ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો કે ગરાસદારે ખેડૂતો પાસેથી જમીન છોડાવવા માટે ખેડૂતને છ મહિનાની નોટિસ આપવી. સરકારને આશા હતી કે છ મહિનામાં આ પ્રશ્નના ઉકેલ માટે કાયદો ઘડી લેવાશે. નવેમ્બર 1948માં સૌરાષ્ટ્ર સરકાર, ગરાસદારો અને ખેડૂતો વચ્ચે સમાધાનની વાટાઘાટો ચાલી, પરંતુ જૂન 1949માં એ પડી ભાંગી. ગરાસદારોને ઘરખેડ માટે કેટલી જમીન આપવી તે મુદ્દો હતો. 

આખરે ગરાસદારો માટે મહેસૂલ મંત્રી શામળદાસ ગાંધીએ ઘરખેડનો વટહુકમ બહાર પડ્યો :

[1] ગરાસદારને એની જમીનના પ્રમાણમાં 40થી 360 એકર સુધી જમીન ઘરખેડ માટે મળી શકે.

[2] ઘરખેડની જમીન હપ્તે હપ્તે પાંચ વર્ષની અંદર ગરાસદારને આપવામાં આવશે. 

[3] ખેડૂતોએ જમીન ઉપર જે સુધારા કર્યા હોય તેનું વળતર ગરાસદાર આપશે. 

[4] જે જમીન ખેડૂતો પાસે રહે તે ઉપર ખાલસા ખેડૂતો જે મહેસૂલ સરકારને ભરે છે, તે દરે ગરાસદારને મહેસૂલ આપશે. 

[5] જાતખેડની જમીન ગરાસદારે જાતે ખેડવી પડશે. જો એ ખેડૂતને રાખવા માંગતા હશે તો જૂના ખેડૂતને જ આપવી પડશે અને તે રક્ષિત-Protected ખેડૂત ગણાશે. આવા ખેડૂતે ઉપજનો અમુક ભાગ મહેસૂલ તરીકે આપવાનો રહેશે. 

[6] ઘરખેડની જમીન મામલતદાર  મારફતે મળી શકશે. 

[7] ઘરખેડની જમીન ઉપર ગરાસદારે 4 આના મહેસૂલ આપવી પડશે અને જે જમીન ખેડૂતને ખેડવા માટે તેના ઉપર 12 1/2 % આપવા પડશે. 

[8] ઘરખેડની જમીન જો બે વરસ બિનખેડાયેલી રહે તો તે મૂળ ખેડૂતને આપવામાં આવશે અને તે ખેડૂત ગરાસદારને માત્ર વિઘોટી આપશે અને એને કાઢી શકાશે નહીં. તેવી જ રીતે જાતખેડની જમીન જો નવા ખેડૂતને આપશે તો તે પણ રક્ષિત ખેડૂત બની જશે. 

[9] ગરાસદારની ખેડવાણ પડતર જમીન ગરાસદારને આપવાની ઘરખેડની જમીનમાં અમુક પ્રમાણમાં સામેલ કરવામાં આવશે. 

[10] આ વટહુકમ પછી ગરાસદારના ખેડૂતોને ખાલસાના ખેડૂતના જેટલા જ હક રહેશે. માત્ર જ્યારે ખેડૂત સ્વેચ્છાએ જમીન છોડે ત્યારે તે ગરાસદારને મળે પણ સ્ત્રીઓ, નોકરીમાંના ગરાસદારો અને સગીરો પોતાની ઘરખેડની જમીન ખેડવા આપી શકશે… 

નેહરુને છગનભાઈ પટેલનો પરિચય કરાવતા જામ સાહેબ

આ વટહુકમનાં અમુક પ્રબંધો સામે ગરાસદારોએ વિરોધ ઉઠાવ્યો. સરકારે રજિસ્ટર્ડ ગરાસદારો જ ઘરખેડના અધિકારી છે એમ ઠરાવેલ. પરંતુ ગરાસદારોમાં પેટા ભાગદારો પણ હતા. તેમના નામો રજિસ્ટર કરવામાં આવેલ નહીં. બીજી બાજુ બધાને ઘરખેડની જમીન આપવામાં આવે તો ખેડૂતોને મોટી સંખ્યામાં જમીન છોડવી પડે. વળી નાના ગરાસદારોને જો થોડીઘણી જમીન ખેતી માટે ન મળે તો એમનું જીવનનિર્વાહનું સાધન ચાલ્યું જાય તો તેઓ કાયદો-વ્યવસ્થાને જોખમમાં મૂકે તે ભય પણ હતો. 1,700 ગામોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. પોતાની જમીન, ખેડ કરનારા શ્રમિક ખેડૂતોને આપી દેવી પડે તે કારણે સૌ ગરાસદારોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. ધારાસભામાં દિવસો સુધી જમીન વહેંચણીનો પ્રશ્ન ચર્ચાયો છતાં ઉકેલ આવતો ન હતો. છેવટે ધારાસભ્ય છગનભાઈ પટેલે ધારાસભ્યોની કમિટી રચવાની દરખાસ્ત મૂકી, જેમાં ગરાસદારો અને ખેડૂતોના પ્રતિનિધિ હોય. ‘ખેડે તેની જમીન’ / ‘ઘરખેડ’નો ક્રાંતિકારી કાયદો ઢેબરભાઈએ કર્યો તેની પાછળ ધારાસભ્ય છગનભાઈ પટેલ, મોટી મારડના ધારાસભ્ય ભીમજીભાઈ રુડાભાઈ હતા. અને સરદાર પટેલનું પીઠબળ હતું. મુખ્ય મંત્રી ઢેબરભાઈએ ખેડૂતોની સમસ્યા સમજવા છગનભાઈની વાડીએ જતા !

ચોગઠ ગામે છગનભાઈની વાડીએ આરામ કરતા મુખ્યમંત્રી ઢેબરભાઈ

છગનભાઈએ માત્ર ખેડૂત હિત માટે અવાજ ઉઠાવ્યો હતો તેવું નથી, તેમણે ગરાસદારોના હિત માટે પણ અવાજ ઊઠાવ્યો હતો. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું પરંતુ તે પહેલા 1948માં જમીનદારી નાબૂદી કાયદો બન્યો. પ્રવર સમિતિમાં જમીનદારો અને ખેડૂતોના પ્રતિનિધિઓ હતા. તેમાં છગનભાઈ પણ હતા. ખેતીની જમીનના ભાગ પાડવાની સત્તા પ્રવર સમિતિને હતી. ખેડૂતોને અને ગરાસદારોને અન્યાય ન થાય તે રીતે જમીનની વહેંચણી કરવાનું કામ મુશ્કેલ હતું. ગરાસદારોમાં ‘અ, બ, ક’ એમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા હતા. ‘ક’ વર્ગના ગરાસદાર ટૂંકી જમીન ધરાવનાર હતા. જ્યારે ‘અ’ અને ‘બ’ વર્ગ મોટી જમીન ધરાવતા હતા. છગનભાઈએ કહ્યું કે “સૌરાષ્ટ્રમાં 85% ગરાસદારો ખેડૂત કક્ષાના ‘ક’ વર્ગના છે. તેથી તેમને અન્યાય ન થવો જોઈએ.” આ બાબત પ્રવર સમિતિએ સ્વીકારી. એક ગામમાં ગરાસદારોની માગણી સંતોષાતી નહોતી ત્યારે છગનભાઈએ કોઠાસૂઝથી એવો તોડ કાઢ્યો કે “જે જમીન ખેડૂતોને આપવાની થાય તેમાં જમીનના કટકા ક્યાંથી આપવા તે ગરાસદાર નક્કી કરશે ! ગરાસદારોને પોતાની પસંદગીની જમીન રાખવાની છૂટ આપવી !” આમ છગનભાઈ અને પ્રવર સમિતિના સભ્યોએ રાતદિવસ મહેનત કરીને ગરાસદારી પ્રથા / સામંતશાહી પ્રથા નાબૂદ કરી લોકશાહી જીવનમાં પ્રાણ પૂર્યા ! ખેડૂતો જમીનના માલિક બન્યા તેમાં સંપ્રદાયોની કોઈ ભૂમિકા ન હતી; કાઁગ્રેસ સરકારની પ્રગતિશીલ નીતિના કારણે બંધારણનો અમલ થાય તે પહેલાં આ શક્ય બન્યું. આખા દેશમાં આ પ્રથમ ઘટના હતી !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લશ્કરી ફસલ

સુરેશ જાની|Opinion - Opinion|15 November 2023

કોઈ લશ્કરના માણસે રિટાયર થઈને ખેતી કરી હોય, એની ફસલની આ વાત નથી! આ ગામમાં જન્મેલા મોટા ભાગના પુરુષો લશ્કરમાં જોડાય છે. મજાની વાત તો એ છે કે, આ વીરભૂમિ પંજાબ, હરિયાણા કે રાજસ્થાનની વાત પણ નથી. આન્ધ્ર પ્રદેશના મોટા શહેર રાજામુન્દ્રીથી માંડ વીસ માઈલ દૂર, પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડપલ્લીગુડમ્‌ પાસે આવેલા માધવરામ ગામમાં સૈકાઓથી લશ્કરમાં કામ કરવાનો રિવાજ છે !

માંડ ૬,૫૦૦ માણસની વસ્તી ધરાવતા આ ગામના દરેક ઘરમાંથી કમ સે કમ એક જવાન તો લશ્કરમાં ભરતી થયેલો હોય જ. કોઈક ઘરમાં તો ચાર ચાર જણ. આજની તારીખમાં ૧૦૯ પુરુષો લશ્કરમાં કામ કરે છે જેમાંના ૬૫ તો લશ્કરી જવાન છે. બાકીના વહીવટી કામમાં જોટાયેલા છે. ગામની ૭૦ ટકાથી વધારે વસ્તી શિક્ષિત છે. લશ્કરમાંથી રિટાયર થયેલ કોઈ વયસ્કને એના નામ માત્રથી કોઈ બોલાવે, તો એનાં ભવાં ચઢી જાય. સુબેદાર …. અથવા કેપ્ટન સંબોધન લટકામાં ઉમેરવું જ પડે ! અમુક બાળકોના તો નામ જ છે – કર્નલ, મેજર કે કેપ્ટન! કન્યાઓ પણ લશ્કરી જવાનને પહેલી પસંદગી આપતી હોય છે. ઘણી યુવતીઓ પણ લશ્કરના બિન-લશ્કરી ખાતાંઓમાં સેવા આપી રહી છે.

અને આ માત્ર આજકાલની વાત નથી. માધવરામની આ તવારીખ ૩૦૦ વર્ષ જૂની છે. માધવરામની લોકકથાઓ લડાઈ અને શૂરાતનની વાતો ભરપૂર છે. સોથી વધારે ઘરની દિવાલો પર લડાઈઓ / શસ્ત્રો અથવા કુટુમ્બના વડવાઓના લશ્કરી મિજાજની સાક્ષી પૂરતી તસ્વીરો લટકે છે. સત્તરમી સદીમાં ઓરિસ્સા અને પૂર્વ આન્ધ્ર પ્રદેશમાં રાજ્ય કરતા પશુપતિ માધવ વર્મા બ્રહ્મા નામના રાજાએ માધવરામથી છ કિલોમિટર દૂર અરૂગોલ્લુ ગામમાં સંરક્ષણ માટે કિલ્લો ચણાવ્યો હતો. ઓરિસ્સા અને આન્ધ્ર પ્રદેશના ઉત્તર ભાગમાંથી શૂરવીર સૈનિકોનો પડાવ તેણે આ કિલ્લામાં રાખ્યો હતો. એ સૈનિકોનાં કુટુમ્બો અરૂગોલ્લુ અને આ ગામોમાં રહેતાં હતાં. માધવરામ ગામનું નામ આ રાજાના નામ પરથી પડ્યું હતું. સદીઓથી કાકત્યા, વરંગલ, બોબ્બિલી વગરે રાજવંશોની સંરક્ષણ વ્યવસ્થાનું માધવરામ એક અગત્યનું કેન્દ્ર રહેલું છે. બ્રિટિશ રાજ વખતે પણ માધવરામના ૯૦ સૈનિકો પહેલા વિશ્વ યુદ્ધમાં લડેલા છે. બીજા વિશ્વયુદ્ધ વખતે તો આ આંકડો ૧,૧૧૦ સુધી પહોંચી ગયેલો!

પણ બધા માધવરામીઓમાં સુબેદાર વેમ્પલ્લી વેન્કટાચલમ્‌નું નામ શિરમોર સમાન છે. તેમને રાવ બહાદુર, પલ્લકી સુબેદાર, ઘોડા સુબેદાર એવોર્ડ મળ્યા હતા. બ્રિટિશ રાજ દરમિયાન શુરવીરતા માટેનો સર્વોચ્ચ, વિક્ટોરિયા ક્રોસ પણ તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમની આ સિદ્ધિના સબબે, માધવરામ ગામ એ વખતે આખા દેશના લશ્કરી વર્તુળોમાં જાણીતું થઈ ગયેલું.

હજુ પણ તેમનું કુટુંબ માધવરામ ગામમાં સૌથી વધારે પ્રતિષ્ઠિત ગણાય છે. તેમનો દીકરો માર્કંડેયુલુ ૧૯૬૨ની હિન્દ –ચીન લડાઈ, ૧૯૬૫ની હિન્દ-પાકિસ્તાન લડાઈ અને ૧૯૭૧ની બાંગલા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે બોર્ડર પર લડેલો. તેમનો પૌત્ર સુબ્બારાવ નાયડુ પણ તાજેતરમાં  જ ભારતીય લશ્કરમાંથી હવાલદાર તરીકે નિવૃત્ત થયો છે, વેમ્પલ્લીની ચોથી પેઢીએ આ કુટુમ્બનો દીકરો માનસ પણ સેનામાં જ ભરતી થયો છે!

આ તો બહુ ખ્યાતનામ કુટુંબની વાત થઈ. પણ, એક સાવ સામાન્ય ઘરનો વિજય મોહન પાકિસ્તાન બોર્ડર પાસે આતંકવાદીઓના હુમલાઓ માટે કુખ્યાત ‘ઉરી’ પોસ્ટ પર ખડા પગે સેવા બજાવી રહ્યો છે. આજની તારીખમાં ભારતીય સેનામાં માધવરામના ૨૫૦ સૈનિકો દેશની સીમાઓ પર સેવા બજાવી રહ્યા છે. આટલા નાના ગામમાં પણ ગામવાસીઓએ નવી દિલ્હીની ‘જવાન જ્યોતિ’ જેવું યુદ્ધ સ્મારક બનાવ્યું છે.

માધવરામમાં પેંસતા જ આપણને પોલેરમ્મા દેવીનાં દર્શન થઈ જાય. એ દેવી આખા ગામને માટે પરમ પૂજ્ય છે. માતાજીની આશિષ ગામમાંથી લશ્કરમાં ભરતી થયેલા જવાનોની રક્ષા કરે છે, એવી બધાંની માન્યતા અને શ્રદ્ધા છે.

માધવરામમાં ૧,૨૦૦ સભ્યોવાળું નિવૃત્ત લશ્કરી જવાનોનું મંડળ પણ છે. (ગામની વસ્તીના ૨૦ ટકા !) એ બધા કોઈ પણ રીતે નિવૃત્તિ કાળમાં પણ લશ્કરી કામકાજને મદદરૂપ થવા માટે કટિબદ્ધ હોય છે – તેઓ પોતાની જાતને લશ્કરમાંથી માનસિક રીતે નિવૃત્ત થયાનું સ્વીકારતા નથી !

     રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા તેલુગુ ફિલ્મ ‘કાંચી’ માધવરામના આ  ગૌરવવંતા ઇતિહાસને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી હતી.

અને આ રહી મિલિટરી માધવરામ ડોક્ય્યુમેન્ટરી ….

માધવરામની આ લશ્કરી પરંપરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સરકારે ત્યાં મિલિટરી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાનું કામ શરૂ કરી દીધું છે. હવે આપણને આ ગામ ‘મિલિટરી માધવરામ’ તરીકે ઓળખાય છે – તે જાણીને નવાઈ નહીં લાગે !

—————————————–

સંદર્ભ –

http://www.thebetterindia.com/69526/military-madhavaram-andhra-pradesh/

https://en.wikipedia.org/wiki/Madhavaram,_West_Godavari

http://www.thehindu.com/news/national/andhra-pradesh/military-madhavaram-marches-on-to-the-front-line/article8670285.ece

e.mail : surpad2017@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—222

દીપક મહેતા|Opinion - Opinion|15 November 2023

દિવાળી અંકો: મરાઠી માણૂસની આગવી ઓળખ      

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,

કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

કવિ જગદીશ જોશીના કાવ્યના આ શબ્દો આજે યાદ આવવાનું કારણ? કારણ મરાઠી ભાષા-સાહિત્યમાં દિવાળી અંકોનાં ૧૯૦૯માં રોપાયેલાં બીજમાંથી આજે જે અનેક ડાળ, પાંદડાં, ફૂલ પ્રગટ્યાં છે તેની થોડી વાત આજના સપરમાં દહાડે કરવી છે.

મરાઠી ભાષામાં દર વરસે ૫,૦૦૦થી ૬,૦૦૦ પુસ્તકો પ્રગટ થાય છે. એટલે કે મહિનાનાં ૪૦૦થી ૫૦૦. પણ દિવાળી પછીના દોઢ-બે મહિનામાં બહુ ઓછાં પુસ્તકો પ્રગટ થાય છે. કેમ? કારણ જે લોકોને વાંચવામાં રસ છે તેઓ એ વખતે ‘દિવાળી અંકો’ ખરીદવા મંડી પડ્યા હોય છે. એ વખતે પુસ્તકોની ખરીદી માટે પૈસા ફાળવવાનું મુશ્કેલ. એટલે પુસ્તક પ્રકાશકો દોઢેક મહિનો પોરો ખાય. આવો છે મરાઠી દિવાળી અંકોનો દબદબો.

દરેક પ્રજાને, દરેક પ્રદેશને, પોતાની ખાસિયત હોય છે. આગવી ભાત હોય છે. એ ખાસિયત કે ભાતનું કારણ હોય છે જરૂરિયાત. અને જરૂરિયાતનું કારણ હોય છે પ્રકૃતિ. દિવાળી જેવા તહેવારોમાં પણ પ્રગટ થતી હોય છે આવી ખાસિયત, આવી ભાત, આવી જરૂરિયાત, આવી પ્રકૃતિ. ગુજરાતી કે મારવાડી સમૂહની ખાસ વાત છે ચોપડા પૂજન. કારણ પ્રજા મુખ્યત્વે વેપારી. વ્યાપારે વસતે લક્ષ્મી, એમ માનનારી. તો મરાઠીભાષીઓને સાહિત્ય, સંગીત, નાટક, અને બીજી કલાઓમાં વધારે લગાવ. એટલે તેમની એક ખાસ ઓળખ છે ‘દિવાળી અંક.’

દિવાળી અંક? કેમ? આપણાં ગુજરાતી મેગેઝીનોના દિવાળી અંક નથી પ્રગટ થતા? થાય છે, પણ કેટલા? મરાઠીમાં દર વરસે ચારસો કરતાં વધારે દિવાળી અંક પ્રગટ થાય છે! અને દિવાળી પછી નહિ નહિ તો ય ચાર-પાંચ મહિના એ અંકો વંચાતા રહે છે! એ વળી કઈ રીતે? મુંબઈના ગિરગામ, દાદર, પાર્લા ઇસ્ટ જેવા વિસ્તારોમાં આજે પણ સારી એવી સંખ્યામાં ‘સરક્યુલેટિંગ લાઈબ્રેરી’ જોવા મળે. બને તેટલા દિવાળી અંકો ત્યાંથી લઈને વાંચનારાઓની સંખ્યા ઘણી મોટી. આ રીતે વાંચવાનું સહેજે ત્રણ-ચાર મહિના ચાલે. મહારાષ્ટ્રનાં બીજા શહેરોમાં, ગામોમાં, પણ આવી લાયબ્રેરીઓમાંથી લાવીને લોકો વાંચે. મરાઠી દિવાળી અંકોની શરૂઆત નાનકડા ગૃહ ઉદ્યોગ રૂપે થયેલી. આજે તો વરસે ૩૦-૪૦ કરોડની આવક-જાવક કરતો આ ઉદ્યોગ બની ગયો છે. છેલ્લાં કેટલાંક વરસોમાં આવેલી ઓટ પછી આ વરસે ફરી ભરતી આવવાનાં એંધાણ છે. ગયા વરસ કરતાં આ વરસે માગમાં ત્રીસ ટકા જેટલો વધારો થવાનો અંદાજ જાણકારોએ મૂક્યો છે.

પહેલો દિવાળી અંક અને તેના જનક 

દિવાળી અંકોના પ્રકાશનની શરૂઆત થઈ છેક ૧૯૦૯માં. કાશીનાથ રઘુનાથ આજગાંવકર મૂળ નામ. પણ ઓળખાયા કાશીનાથ મિત્ર તરીકે. કેમ? કારણ એ હતા બંગાળી ભાષાના અચ્છા જાણકાર. બંગાળીમાંથી મરાઠીમાં અનુવાદ પણ કરેલા. તેમણે બંગાળીઓની ‘મિત્ર’ અટક અપનાવીને પોતાના નામ સાથે જોડી દીધી. ૧૮૭૧ના નવેમ્બરની બીજી તારીખે તેમનો જન્મ. ૧૮૯૫માં તેમણે ‘મનોરંજન’ નામનું માસિક શરૂ કર્યું. તેમના એક મિત્ર રાવસાહેબ ગોવિંદ માધવરાવ ડુકલે લંડન રહે. ટાઈમ્સ લિટરરી સપ્લિમેન્ટનો નાતાલ વિશેષાંક પેલા મિત્ર પાસે હતો તે જોયો. તરત મનમાં વિચાર : મરાઠીમાં આ રીતે ‘દિવાળી અંક’ કેમ પ્રગટ ન કરી શકાય?

વળી એ વખતે મુંબઈથી પારસી ગુજરાતીમાં ‘માસિક મજેહ’ નામનું મેગેઝીન નીકળતું. તેનો આધાર પણ લીધેલો. અગાઉ દિવાળી વખતે તહેવારને અનુરૂપ કવિતા કે લેખ કે એવું કશુંક તો છાપતા. પણ આખેઆખો દિવાળી અંક? હા, ૧૯૦૯ની દિવાળી વખતે તેમણે પ્રગટ કર્યો મરાઠી ભાષાનો પહેલવહેલો દિવાળી અંક. એટલું જ નહિ, છેક ૧૯૩૫ સુધી દર વરસે મનોરંજન’ના દિવાળી અંક પ્રગટ થતા રહ્યા. પહેલા અંકમાં ૧૯૨ પાનાં ભરીને લખાણો હતાં જ્યારે ૨૭ પાનાં જાહેર ખબરનાં હતાં. પહેલા અંકના નિવેદનમાંની કેટલીક વાતો આજે આપણને સમજતાં કદાચ થોડી વાર લાગે. તેઓ લખે છે કે ઘણા મોટા મોટા લેખકોના લેખો આવતા રહ્યા, પણ તેમાંના કેટલાક કમ્પોઝ ન થઈ શક્યા. જે કમ્પોઝ થયેલા તેમાંના ઘણા પાનાં ઓછાં પડવાને કારણે સમાવી ન શકાયા. આ અંકનું છાપકામ એક સાથે ત્રણ પ્રેસમાં થયું હતું : નિર્ણય સાગર પ્રેસ, કર્ણાટક પ્રેસ, બોમ્બે વૈભવ પ્રેસ. કારણ કોઈ એક પ્રેસ બધી નકલ છાપી શકે તેમ નહોતું! પણ છેવટે તો ત્રણ-ત્રણ છાપખાનાં પણ બધાં કામને પહોંચી વળી શક્યા નહિ! જો કે આ અંકની કુલ કેટલી નકલો છાપેલી તે જણાવ્યું નથી. ૨૧૯ પાનાંના અંકની કિંમત હતી એક રૂપિયો!

આ અંકમાંના લેખો પણ ખાસ ધ્યાન ખેંચે એવા છે. બાળવિવાહ, વિધવા વિવાહ, જાતિ પ્રથા, સામાજિક અને ધાર્મિક સુધારા, વગેરે એ જમાનાના મહત્ત્વના પ્રશ્નો વિષે લેખો છે. ઘણા લેખોમાં ૧૯મી સદીના છેલ્લા દાયકામાં મુંબઈમાં ફેલાયેલા પ્લેગનો ઉલ્લેખ જોવા મળે છે. એ વખતે ઘણી મોટી સંખ્યામાં યુવાન પુરુષો પ્લેગનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. પરિણામે નાની ઉંમરની ઘણી બધી સ્ત્રીઓ વિધવા બની. તેથી એ વખતે વિધવા વિવાહનો પ્રશ્ન વધુ ઉગ્ર બન્યો હતો. અહીં લખનાર લેખકો એકંદરે વિધવા વિવાહના હિમાયતી હોવાનું જણાય છે.

‘મનોરંજન’ના દિવાળી અંકને મળેલી સફળતા જોઇને બીજાઓએ પણ દિવાળી અંકો પ્રગટ કરવાનું શરૂ કર્યું. મરાઠી માણુસે પણ આ અંકોને અપનાવી લીધા. દિવાળીની રજાઓ, તહેવારની ઉજવણી, સગાંવહાલાંને મળતી વખતે અપાતી-લેવાતી ભેટો – આ બધાંને લીધે દિવાળી અંકોને અનુકૂળ વાતાવરણ સર્જાયું. માત્ર દિવાળીમાં જ પ્રગટ થતા વાર્ષિક અંકો પણ વધતા ગયા. તો બીજી બાજુ પ્રતિષ્ઠિત સામયિકોએ પણ દિવાળી અંકોના પ્રકાશનમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં દિવાળી અંકોની સામગ્રીના કેન્દ્રમાં સાહિત્ય હતું. પણ પછી થોડા જ વખતમાં જૂદાં જૂદાં ક્ષેત્રોને આવરી લેવાનું શરૂ થયું. આર્થિક સધ્ધરતા, શિક્ષણ, પ્રવાસ, વગેરે વધતાં ગયાં તેમ તેમ મધ્યમ વર્ગે દિવાળી અંકોને વધુ ને વધુ અપનાવ્યા.

વાચકોની તાસીર અને પસંદગી પારખી જઈને પ્રકાશકો પણ દિવાળી અંકોમાં સતત ફેરફારો કરતા રહ્યા. બીજી ભાષાની સાહિત્ય કૃતિના અનુવાદ, પરિચય વગેરે છપાતાં થયાં. સ્ત્રીઓ અને બાળકોને ખાસ ધ્યાનમાં રાખીને લેખ સામગ્રી પસંદ થવા લાગી. હા, શરૂઆતમાં એ સામગ્રી પરંપરાગત હતી. જેમ કે ભરત-ગૂંથણ, રંગોળી, પાકકળા, વગેરે. પણ પછી તરત સમજાયું કે મધ્યમ વર્ગની શિક્ષિત સ્ત્રીઓ સુધી પહોચવું હોય તો આ સામગ્રી નહિ ચાલે. તેમનાં વિચાર, જરૂરિયાત, માન્યતા, વગેરેને અનુરૂપ સામગ્રી ધરાવતા અંકો પ્રગટ થવા લાગ્યા.

બીજી બાજુ વયસ્ક વાચકોને અનુરૂપ થાય તેવી સામગ્રી પણ આમેજ થવા લાગી. વૃદ્ધોની શારીરિક અને માનસિક સંભાળ, બીજાં કુટુંબીજનો સાથેના તેમના સંબંધો, તેમના જીવનના આર્થિક પાસાનું આયોજન, જેવા વિષયો દિવાળી અંકોમાં દાખલ થયા. શ્રમજીવીઓ અને પાંઢરપેશીઓને માફક આવે તેવી સામગ્રી ઉમેરાઈ, તો બીજી બાજુ પર્યટન, રાજકારણ, અર્થકારણ, જેવા વિષયોને વરેલા દિવાળી અંકો પણ પ્રગટ થવા લાગ્યા. આવા બધા વિષયો આવે પછી લગ્નજીવન અને કામજીવન કેમ ન આવે? જુદા જુદા વિષયોની ભેળ જેવા અંકોની સાથે જ કોઈ એક ખાસ વિષયને લગતા અંકોને પણ વાચકોએ વધાવી લીધા. 

દિવાળી અંકોની દુનિયા

સાહિત્યિક કૃતિઓ જ સમાવતા અંકોની પણ રૂખ બદલાઈ. લોકપ્રિયતાની ટોચે પહોંચેલા ના.સી. ફડકે, ચંદ્રકાન્ત કાકોડકર, જેવા લેખકોની જ કૃતિઓ ધરાવતા અંકો પ્રગટ થવા લાગ્યા. તો જયવંત દળવી જેવા ખૂબ પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ધરાવતા લેખક દર વરસે ૪૦-૫૦ દિવાળી અંકો માટે લખતા. આવા અંકોને મળતી સફળતા જોઈને કેટલાક અત્યંત લોકપ્રિય લેખકોએ પોતે પોતાની જ કૃતિઓ છાપતા અંકો શરૂ કર્યા. આવા અંકોમાં મોટે ભાગે ત્રણ-ચાર નવલકથા જ છપાતી. અલબત્ત, અંક હોય ૨૦૦-૨૫૦ પાનાંનો, એટલે હકીકતમાં આ કૃતિઓ ‘લઘુનવલ’ હોય. તો બીજી બાજુ એવા લેખકો પણ ખરા, જે દિવાળી અંકો માટે ન જ લખવાની ગાંઠ વાળીને બેસતા. ભાલચંદ્ર નેમાડે, વિંદા કરંદીકર, દિલીપ ચિત્રે, નામદેવ ઢસાળ, વગરેનો આ વર્ગમાં સમાવેશ થતો.

‘મૌજ’કાર શ્રી.પુ. ભાગવત 

દિવાળી અંકોનાં શિખર જેવાં બે પ્રકાશનો તે ‘મૌજ’ અને ‘સત્યકથા’ના દિવાળી અંકો. અને તેની પાછળનું ચાલકબળ તે શ્રી.પુ. ભાગવત. તેમણે એક બાજુથી પ્રતિષ્ઠિત લેખકોની ઉત્તમ કૃતિઓ છાપી. તો બીજી બાજુ કેટલાયે નવાં લેખક-લેખિકાને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અલબત્ત, ૧૯૨૨માં ‘મૌજ’ની શરૂઆત બીજાએ કરેલી. પણ ૧૯૪૫માં ભાગવતે તે ખરીદી લીધું પછી તેની કાયાપલટ થઈ ગઈ. સત્યકથા માસિક બંધ થયા પછી તેના દિવાળી અંકનું પ્રકાશન પણ બંધ થયું. પણ વાર્ષિક મૌજનો દિવાળી અંક આજે પણ પ્રગટ થાય છે.

‘મનોરંજન’ના પહેલા દિવાળી અંકની કિંમત હતી એક રૂપિયો. વધતી વધતી દિવાળી અંકોની કીમત આજે ૨૫૦-૩૦૦ રૂપિયા સુધી પહોંચી છે. આ ઉપરાંત બને તેટલી વધુ જાહેર ખબરો મેળવવાના પ્રયત્ન તો થાય છે જ, પણ હવે જાહેર ખબરો આપનારને માફક આવે એવી સામગ્રી પણ ઘણા અંકોમાં ઉમેરાય છે. તો બીજી બાજુ માત્ર જાહેરખબર આપનારાઓ પૂરતી જ નકલો છાપનારા વિરલાઓ પણ છે. સંબંધોને કારણે આવ લોકો મોટા પ્રમાણમાં જાહેર ખબરો મેળવે છે. બીજી સામગ્રી પણ મેળવે છે. પણ જાહેર ખબર આપનારાઓને મોકલવા માટે જોઈએ તેટલી જ નકલ છપાવે છે. અંકને બજારમાં વેચવા માટે મૂકતા જ નથી! તો બીજી બાજુ પોતાના અંકો મફતમાં વહેંચનારા, કે સાવ મામૂલી કિંમતે વેચનારા પણ છે. અને ક્યારેક દિવાળી અંકનું બ્લેક માર્કેટ પણ થાય છે! હેમંત દીવટે પોતાના દિવાળી અંકોની કીમત દસ રૂપિયા રાખતા. પણ તે બ્લેકમાં સો રૂપિયામાં વેચાતા!

હમણાં પુસ્તકો પાછળ, દિવાળી અંકો આગળ

પણ છેલ્લાં કેટલાંક વરસોમાં દિવાળી અંકોનું અજવાળું થોડું ઝાંખું થવા લાગ્યું. એનું એક કારણ તે બધી ઉંમરના લોકોમાં ઘટતી જતી વાંચવાની ટેવ. બીજું, માહિતી અને મનોરંજન લગભગ મફતમાં પૂરાં પાડતાં સાધનોની બોલબાલા. ત્રીજું, યુવા વર્ગને આકર્ષવામાં રહેલી ઊણપ. ચોથું કારણ વધતી જતી પ્રોડક્ષન કોસ્ટ, અને તેને કારણે રાખવી પડતી ઊંચી વેચાણ કિંમત. અલબત્ત, આ બધી મુશ્કેલીઓનો સામનો કરવાના પ્રયત્નો પણ થઈ જ રહ્યા છે. આવો એક પ્રયત્ન તે ડિજિટલ દિવાળી અંકો. પણ હજી આવા અંકો બહુ મોટા સમુદાય સુધી પહોંચી શક્યા નથી.

૨૦૦૯માં દિવાળી અંકોની શતાબ્દી ઉજવાઈ ત્યારે ‘મનોરંજન’નો પહેલો દિવાળી અંક આખેઆખો ફરી છપાયો હતો. દર વરસે પ્રગટ થયેલા દિવાળી અંકોમાથી ચૂંટેલી સામગ્રી પુસ્તકાકારે પણ પ્રગટ થાય છે. આમ, દિવાળી અંકો એ મરાઠી માણૂસની એક આગવી ઓળખ જેવા બની રહ્યા છે.

ખુલાસો :

નટવર ગાંધી અને પન્ના નાયક આ વિકએન્ડમાં અમેરિકામાં દિવાળીની ઉજવણીમાં રોકાયેલાં છે તેથી આજે અહીં આવી શક્યાં નથી. આવતા શનિવારે ફરી તેમને મળવાનું થશે. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

પ્રગટ થયું : “ગુજરાતી મિડ-ડે”; 11 નવેમ્બર 2023 

Loading

...102030...899900901902...910920930...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved